'બિન કૉંગ્રેસ, બિન ભાજપ' એવા ત્રીજા મોરચા અથવા વિકલ્પ રચવાની કવાયત ચાલે છે. ત્રીજા મોરચાના મુખ્ય બિન્દુસમા ડાબેરીપક્ષોએ પોતપોતાની પાર્ટી લાઇન મુજબના ચૂંટણી ઢંઢેરા બહાર પાડ્યા છે અને ત્રીજા મોરચાનો ઢંઢેરો રચવા માટે દેવેગૌડા અને ચંદ્રબાબુ નાયડુની પસંદગી કરવામાં આવી છે. હજુ આ બધુ પ્રારંભિક તબક્કામાં છે. બંને ડાબેરી પક્ષોના અલગ અલગ ઢંઢેરામાં કેટલાક મુદ્દાઓ સમાન હશે અને શક્ય છે કે ત્રીજા મોરચાના ટોકિંગ પોઇન્ટસમા કૉંગ્રેસ અને ભાજપનો વિરોધ શા માટે કરવો જોઈએ, તે મુદ્દાઓ આગળ પડતા હશે. ડાબેરી પક્ષો અને ત્રીજા મોરચાના કેટલાક મુખ્ય મુદ્દાઓમાં સામ્ય હશે, જ્યારે કેટલીક બાબતોમાં તફાવતો હશે. પણ બંનેને તો સાંકળતો કોઈ મુદ્દો હોય તો તે છે કૉંગ્રેસ અને ભાજપનો વિરોધ.
'જનતા મોરચો', 'નેશનલ ફ્રન્ટ', 'ત્રીજો મોરચો' એમ જુદા જુદા નામે રચાયેલ મોરચાઓ અને તેમણે રચેલી સરકારોની કામગીરી ઉજ્જવળ નથી. આવી મોરચા સરકારો ઝાઝી ટકતી નથી. બંને મુખ્ય પક્ષોના વિરોધના નકારાત્મક પાયા પર રચાયેલી આ સરકારોનો કોઈ હકારાત્મક એજન્ડા નથી. પરિણામે કોઈ ચોક્કસ નીતિનિર્દેશ કે નીતિનિર્ધારણની સ્પષ્ટતા હોતી નથી. મોરચામાં સામેલ ગમે તે ઘટકપક્ષને કંઈક વાકું પડશે તો તેમાંથી ખસી જશે, એવી અનિશ્ચિતતા અને અસ્થિરતા વચ્ચે આ સરકારો કામ કરતી હોય છે. ઉપરાંત, કહેવાના નાના-મોટા પક્ષો કાં તો ચોક્કસ જ્ઞાતિ કે જ્ઞાતિજોડાણો પર રચાયેલા હોય છે, તેમની પાસે સમગ્ર રાષ્ટ્રવ્યાપી અભિગમ કે મુદ્દાઓની અપેક્ષા રાખવી એ પણ વધુ પડતી છે.
આ દલીલોની મજબૂત અપીલને કારણે મુખ્ય બે પક્ષો કૉંગ્રેસ અને ભાજપે ભેગા થવું જોઈએ અને સંયુક્ત સરકાર રચવી જોઈએ, એવા વિચારો વહેતા થયા છે. 'રાષ્ટ્રીય હિત' અને રાષ્ટ્ર સમક્ષના ગંભીર પ્રશ્નોના ઉકેલ માટે તેમણે પરસ્પરના મતભેદોને કોરાણે મૂકીને અને તેમની વિચારધારાની ધારો ગોળવીને ભેગા થવું જોઈએ, એવું હવે સ્પષ્ટ પણે કહેવાવા લાગ્યું છે. જોકે આ વિશે મુખ્ય બે પક્ષોના નેતાઓ તરફથી કોઈ પ્રતિભાવ સાંપડતો નથી. આ નેતાઓ અને મોટા ભાગના વિશ્લેષકોની દૃષ્ટિએ આ વિચાર અત્યારે સંભાવનાઓથી પર છે.
ભાજપ અને કૉંગ્રેસે ભેગાં થવું જોઈએ, એવો વિચાર અગાઉ પણ રજૂ થઈ ચૂક્યો છે. આરએસએસના વડા સુદર્શન અને એક વખતના ભાજપના આઇડિયોલોગ ગોવિંદાચાર્યે પણ આવો વિચાર રજૂ કરેલો. પણ ભાજપ તરફથી સત્તાવાર રીતે તેને અનુમોદન કે પ્રતિભાવ પ્રાપ્ત થયો નથી. કદાચ કોઈ એવી દલીલ કરે કે જ્યારે જ્યારે સામાન્ય ચૂંટણીઓ આવે છે ત્યારે ત્રીજા મોરચાની રચનાનો આધાર બિનકૉંગ્રેસ-બિનભાજપ હોવો જોઈએ, એવંઆ કહેવામાં આવે છે અને એમ અવારનવાર થવાને કારણે આ પક્ષોને ભેગા થવા માટે જાણે કે એક પ્રકારનું દબાણ ઊભું થાય છે.
૨૦૦૪ની ચૂંટણીનાં પરિણામો તરફ નજર કરીએ તો આ વિચાર પાછળનો તર્ક સમજાશે. ગઈ ચૂંટણીમાં કૉંગ્રેસને ૨૬.૫૩ ટકા મત અને ૧૪૫ બેઠકો મળેલી, જ્યારે ભાજપને ૨૨.૧૬ ટકા મત અને ૧૩૮ બેઠકો મળેલી. બંને પક્ષોને મળેલી મતની ટકાવારીનો સરવાળો ૪૮.૬૯ ટકા અને બેઠકોનો સરવાળો ૨૮૩ બેઠકો થાય, જે કેન્દ્રમાં સરકાર રચવા માટે જોઈતી ૨૭૩ બેઠકો કરતા ૧૦ બેઠકો વધારે છે. જો આ બે પક્ષો ભેગા થાય તો તેઓ બીજા કોઈના ટેકા વગર કેન્દ્રમાં સંયુક્ત સરકાર રચી શકે.
સરકારની રચના એ કેવળ આંકડાની જ રમત હોય તો આ તર્ક કોઈને પણ ગળે ઊતરી જાય, પણ રાજકારણ કેવળ આંકડાની રમત નથી, એથીય કંઈક વિશેષ છે. એમાં વિચારધારા, ચોક્કસ કાર્યક્રમોને અમલમાં મૂકવા માટેના આગ્રહો, જુદા જુદા ક્ષેત્રોની નીતિઓ પ્રત્યેના અભિગમો વગેરેનો સમાવેશ થાય છે. કૉંગ્રેસ અને ભાજપની વિચારધારાઓ વચ્ચે પાયાના તફાવતો છે અને તેનાં મૂળ એ પક્ષોના સર્જનવિકાસ અને ઘડતરમાં પડેલા છે. એ તફાવતો એવા છે, જે ભૂંસી શકાય તેવા નથી. દાખલા તરીકે, કૉંગ્રેસને સેક્યુલર વિચારધારા ગળથૂથીમાંથી મળેલી છે. રાષ્ટ્રીય મુક્તિ ચળવળના મુખ્ય વાહકનો ભવ્ય વારસો છે. રાષ્ટ્રીય આંદોલનમાંથી તેનું એક રાજકીય પક્ષમાં રૂપાંતર થયું છે. કૉંગ્રેસ પક્ષ સેક્યુલરિઝમને સંપૂર્ણ રીતે વળગી રહ્યો છે, એમ કહેવાનો અર્થ નથી પણ એ એની હાર્દરૂપ પહેચાન છે, એટલું કહેવું જોઈએ.
જ્યારે ભાજપ હિન્દુત્વની વિચારધારાને વરેલો છે અને તેના વૈચારિક મૂળ આરએસએસના હિન્દુત્વ રાષ્ટ્રવાદમાં રહેલાં છે. લધુમતીઓ પ્રત્યેનો તેનો અભિગમ અને વ્યવહાર સંઘપ્રેરિત હિન્દુત્વને રંગે રંગાયેલા છે. આજે પણ ભાજપના જે નેતાઓ સંઘની ગુડબુકમાં નથી અથવા તેની નજરમાંથી ઊતરી જાય છે, તે ભાજપમાં હાંસિયામાં ધકેલાઈ જાય છે. પાકિસ્તાનની મુલાકાત પછી અડવાણીની જે દશા થઈ, એ સુવિદિત છે.
આરંભિક દાયકાઓ દરમિયાન કૉંગ્રેસનો વૈચારિક ઝુકાવ ડાબેરી વિચારધારા (સમાજવાદી ઢબની સમાજરચના) તરફ હતો જ્યારે અગાઉ જનસંઘ અને પાછળથી ભાજપનો વૈચારિક ઝુકાવ શરૂઆતથી જમણેરી રહ્યો છે. ૧૯૯૧ પછી કૉંગ્રેસ કેટલાક આર્થિક તકાદાઓને વશ થઈને કેન્દ્રથી જમણેરી કહેવાય એવી નીતિઓ – ઉદારીકરણ – ખાનગીકરણ – વૈશ્વિકીકરણ અપનાવી છે, જે એનડીએ શાસનકાળમાં ભાજપે ચાલુ રાખી છે. એટલે આર્થિક નીતિઓની બાબતમાં બંને પક્ષોના અભિગમોમાં કોઈ મોટો તફાવત નથી.
છેલ્લા ત્રણ-ચાર દાયકા દરમિયાન બંને પક્ષોએ અને તેમના નેતાઓએ એકબીજાની એટલી બધી ટીકા કરી છે કે એ બધું ભૂલી જઈને તેઓ ભેગા થાય એવી કોઈ શક્યતા નથી. બંને પક્ષોના સામાજિક આધારો જુદા છે, બંનેની મતબૅંંકો જુદી છે. રાષ્ટ્ર વિશેના વિઝનમાં પાયાના મતભેદો છે. ભાજપની નીતિ અને વ્યૂહરચના ભારતીય સમાજના બે કોમોમાં ધ્રુવીકરણ પર રચાયેલી છે. જ્યારે કૉંગ્રેસ એકંદરે સમાવેશીકરણમાં માને છે.
કૉંગ્રેસ-ભાજપ ભેગા થાય, એ તો એક તુક્કો માત્ર છે!