Opinion Magazine
Number of visits: 9448208
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

૨૫ જૂન ૧૯૭૫, ૧ જુલાઈ ૧૯૪૬

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 June 2022

નૂપુરના કર્કશંકાર વચ્ચે લખવા બેઠો છું, ત્યારે ખરેખર તો ચિત્તમાં રમતી બે તારીખો, પચીસમી જૂન અને પહેલી જુલાઈ છે. ૧૯૭૫માં ચાલુ પખવાડિયે બંધારણ સભાએ નહીં કલ્પેલ રીતે કટોકટીરાજ લાદવામાં આવ્યું હતું અને સ્વરાજ પણ જાણે તહસનહસ થતું લાગ્યું હતું. ૧૯૪૬ના જુલાઈની પહેલીએ, સ્વરાજ વરસેકમાં આવવાનું હતું અને વસંત-રજબની શહાદત સાથે સ્વરાજ સમક્ષનો રક્તભીંજ્યો એજન્ડા સહસા ઊઘડી આવ્યો હતો.

ખિલાફત અને અસહકારના દિવસોમાં દેશે હિંદુ-મુસ્લિમ એકતાનો જે અહેસાસ કર્યો હતો એ ઉત્તરોત્તર ક્યાં ય ખોવાતો ચાલ્યો અને છેવટે સ્વાતંત્ર્ય ને વિભાજન સાથે આવ્યાં. હિંદુ મહાસભાના અમદાવાદ અધિવેશનમાં સાવરકરે સ્પષ્ટોક્તિ કરી હતી કે આપણે ત્યાં ઓછામાં ઓછાં બે રાષ્ટ્રો તો છે જ – હિંદુ ને મુસ્લિમ. તે પછી બેત્રણ વરસે, ૧૯૪૦ના લાહોર અધિવેશનમાં મુસ્લિમ લીગે પાકિસ્તાનનો ઠરાવ કર્યો હતો.

સ્વરાજની વડી પાર્ટી તરીકે કાઁગ્રેસે દેશની હિંદુ/મુસ્લિમ વ્યાખ્યાઓથી ખાસી પરહેજ કરી હતી. ૧૯૧૬માં તિલક-ઝીણા સહભાગિતા સાથે લખનૌ કરાર વાટે ધોરણસરની બેઠક વહેંચણીપૂર્વક વાટાઘાટગત સમજૂતી (નેગોશ્યેટેડ સેટલમેન્ટ) નીયે કોશિશ થઈ હતી. આગળ ચાલતાં, તે પછી પંદરસત્તર વરસે ગાંધીના આમરણ અનશનને પગલે પુના કરાર થયો હતો. દેશનાં દીનદલિતને રાષ્ટ્રજીવનમાં સાંકળવાની દિશામાં એ પણ એક વાટાઘાટગત સમજૂતી (નેગોશ્યેટેડ સેટલમેન્ટ) હતી.

સ્વરાજનું પંચોતેરમું વરસ સંકેલવામાં છે ત્યારે લખનૌ ને પુના કરારોને સાથે મૂકીને જોતાં શું સમજાય છે? ધર્મકોમ અગર વર્ણને ધોરણે વિભક્ત-વિભાજિત અને વળી સામસામી ઓળખોમાં નહીં ગંઠાતાં, નહીં અટવાતાં સરવાળે એક સહિયારી ઓળખની દિશામાં બંધારણીય કોશિશભેર રાજપથ ને જનપથની એ ભૂમિકા છે. છેલ્લા દસકાઓમાં દુનિયાભરમાં જે બે સંજ્ઞાઓ રાષ્ટ્રવાદ સંદર્ભે આપણી સામે આવી છે – કૉન્સ્ટિટ્યુશનલ નૅશનલિઝમ અને સિવિક નૅશનલિઝમ – બંધારણીય / નાગરિક રાષ્ટ્રવાદ, તે આ સંદર્ભમાં જોવા સમજવા જોગ છે.

આ મુદ્દો નહીં પકડાયાથી શું થાય છે એ સમજવા આપણે ઉત્તર ઝીણાનાં બે દૃષ્ટાંતો પકડવાં જોગ છે. હમણાં અમદાવાદનાં હિંદુ મહાસભા ને લાહોરના મુસ્લિમ લીગ અધિવેશનોની જિકર કરી, લગભગ એ જ ગાળામાં ઝીણાએ અલીગઢના ભાષણમાં એક વિલક્ષણ તર્ક લડાવ્યો હતો : ઇંગ્લૅન્ડમાં મજૂર પક્ષ ને રૂઢિચુસ્ત પક્ષ – લેબર ને કૉન્ઝર્વેટિવ – બે રાજકીય જમાવડા છે જે વારાફરતી સત્તા પર આવી શકે છે. હિંદમાં હિંદુ બહુમતી છે, મુસ્લિમ લઘુમતી છે. એટલે વારાફરતી સત્તા પર આવવાની સગવડ જ નથી જે ઇંગ્લૅન્ડમાં છે. ઝીણાના આ તર્કની માંડણી જ ખોટી બુનિયાદ પર હતી; કેમ કે લેબર કે કૉન્ઝર્વેટિવ એ રાજકીય-આર્થિક-સામાજિક કાર્યક્રમને ધોરણે રચાયેલ પક્ષો છે. એ રીતે એમનું રાજકારણ બંધારણીય / નાગરિક રાષ્ટ્રવાદની પરિધિમાં છે. ઊલટ પક્ષે, હિંદુ કે મુસ્લિમ એ પ્રકારની પક્ષબાંધણી કે રાષ્ટ્રવ્યાખ્યાનો પાયો ધર્મકોમઅધિષ્ઠિત છે. આ પ્રકારનું રાજકારણ (ભલે રાષ્ટ્રકારણના સ્વાંગમાં પણ) ઓળખનું રાજકારણ છે જે તમને ભાગલા સુધી લઈ જાય અને નવા સંદર્ભમાં પણ પરસ્પરસ્પર્ધી કોમવાદના ધોરણે વહેંચાયેલા રાખે. ઉત્તર ઝીણાના હિંદુ અડધિયાનું જે જનસંઘ-ભા.જ.પ. રાજકારણ આપણે ત્યાં વિકસ્યું એનું આ પરિપ્રેક્ષ્યમાં આકલન થતું નથી તે દેશજનતાની કરમકઠણાઈ છે.

જેમ ઝીણાના અલીગઢ ભાષણનો ઉલ્લેખ કર્યો તેમ બીજાયે એક ભાષણનો ઉલ્લેખ કરવા જોગ છે. પાક બંધારણસભામાં એમણે એ મતલબનું હતું કે આપણું બંધારણ અમલમાં આવશે તે પછીનાં થોડાંક જ વરસોમાં પાકિસ્તાનમાં ન કોઈ મુસ્લિમ હશે, ન કોઈ હિંદુ હશે – એમના ધરમમજહબ અલબત્ત પોતપોતાનાં હશે પણ તે સૌ પાકિસ્તાની હશે. ઝીણાના પાક ઉદ્‌ગારો, કેમ કે તે મજહબી ઓળખના રાજકારણની પૃષ્ઠભૂ પર આવ્યા હતા, એની અસર ધૂળ પરના લીંપણથી વધુ ન થઈ. રથી અડવાણીએ પાકિસ્તાનની કટાસરાજ મુલાકાત વેળાએ ઝીણાને નવેસર જોવાની જે શક્યતા ખોલવા ચહી તેનુંયે ક્યાં કોઈ ખરીદાર હતું? જનસંઘે જનતા અવતાર પછી ભારતીય જનતા પક્ષ તરીકે કામ કરવાનું નિરધાર્યું ત્યારે અપેક્ષિત શક્યતા ઓળખના રાજકારણમાંથી નાગરિક રાજકારણ ભણી નવપ્રસ્થાનની હતી, પણ તે ધર્મકોમના રાજકારણના જૂના ચીલે પાછી ફંટાઈ ગઈ. વિકાસ કહો, સુશાસન કહો, એ વરખ હશે તો હશે, ધૂળ પરનું લીંપણ, બીજું શું.

બંધારણીય / નાગરિક રાષ્ટ્રવાદની શિક્ષાદીક્ષાનો સ્વરાજ પછી આવી મળેલો મોટો અવસર જેવી આંદોલન, કટોકટી રાજ ને જનતા રાજ્યારોહણનાં વર્ષોનો હતો. હેબિયસ કોર્પસ અને રાજદ્રોહના આરોપ તો દૂરની વાત થઈ, પણ કાયદાના શાસન (રુલ ઑફ લૉ) માટેની બંધારણીય ભૂમિકા મજ્જાગત બને તે અપેક્ષિત હતું. પણ કાલાન્તરે કટોકટીરાજના સૌથી મોટા લાભાર્થી તરીકે સત્તાની ગલિયારીમાં સ્થિતપ્રતિષ્ઠ ભા.જ.પી. રાજવટમાંએ માટેની માનસિકતાનું ઉછેરગત ટાંચું સતત પડતું રહ્યું છે.

મૌલાના આઝાદે એક તબક્કે સૌ મુસ્લિમ દેશબાંધવોને સંબોધીને સરસ કહ્યું હતું કે ખુદાએ સરજેલ મુલકમાં કોઈ એક ટુકડો જ પાક કેવી રીતે હોઈ શકે– તમે સમજો કે તમે કેવળ લઘુમતી નથી, આ દેશની બીજા ક્રમે આવતી બહુમતી પણ છો. ઉત્તર ઝીણાથી વિપરીત, મૌલાના આઝાદની નસીહત બંધારણીય રાષ્ટ્રવાદ અગર નાગરિક રાષ્ટ્રવાદ તરફની હતી એમ પણ તમે કહી શકો.

આ વાનું ન પકડાયું એટલે પાકિસ્તાન સરજાયું. પ્રજાસત્તાક સ્વરાજની ભારતીય કોશિશ પણ પ્રસંગે મોચવાતી રહી. ઓળખના અતિરંજિત રાજકારણમાં જનસંઘ(ભા.જ.પ.)ને અણધારી મદદ કટોકટીરાજના મનમુરાદ અમલમાંથી – ખાસ કરીને સંજય બ્રાન્ડ તુર્કમાન ઘટના આદિને કારણે મળી. વિલક્ષણ વિપર્યાસ તો એ જોવા મળ્યો કે કટોકટીના જેલબંદી જનસંઘને મન સંજય કદાચ હીરો હશે, અને વચલાં વરસોમાં એમની પાટે આવેલ વરુણ પણ. તુર્કમાન ઘટના ને શાહબાનુ ઘટના બેઉએ અલગ અલગ છેડેથી હિંદુ જમાવટને બળ આપ્યું. ઓળખના રાજકારણની અપ્રીતિકર અજાયબી તીન તલાક બાબતે વેળાસર સુધારો નહીં સ્વીકારી શક્તી મુસ્લિમ નેતાગીરીની માનસિકતામાં જોવા મળે છે. તીન તલાક કોઈ ધર્મતત્ત્વનો મુદ્દો નથી, સામાજિક મુદ્દો છે. બંધારણીય / નાગરિક રાજકારણ ને સમાજકારણની દૃષ્ટિએ તે લૈંગિક ન્યાય અગર જેન્ડર જસ્ટિસનો મુદ્દો છે. નમો ચાહકોને સમજાવું જોઈએ કે આ કોઈ હિંદુ મતનો મુસ્લિમવિજય નથી, નાગરિક ધારાધોરણ ભણી નવયુગી કદમ છે. હિંદુમતે પોતાને પણ આ કસોટીએ મૂલવવાનું રહે છે. અસ્પૃશ્યોના અધિકાર સબબ શાહુમહારાજથી જુવારુ રાખતા કે એથી પણ વધુ તો સંમતિવયના કાયદાનો (‘અમારા ધર્મમાં તમારી દખલ નહીં’ એ ધોરણે) વિરોધ કરતા તિલક મહારાજ બાબતે સમાદરપૂર્વક પુનર્વિચારની તૈયારી હિંદુમતને છે કે કેમ, વિચારીએ.

જ્ઞાનવાપી પ્રકરણમાં આ સંદર્ભે શું કરીશું ? ઔરંગઝેબનું દાનપત્રક ઉજ્જૈનના મહાકાલેશ્વર પાસે હોઈ શકે એ હકીકતને એની મૂર્તિભંજક પ્રતિષ્ઠા સામે કેવી રીતે જોઈશું? હિંદુ રાજાઓએ એકમેકના રાજ્યની લૂંટમાં મંદિરોને બાકાત નહોતાં રાખ્યાં તે વિગતનું શું કરીશું? અયોધ્યાને બાદ રાખી અન્યત્ર ‘સ્ટેટસ કો’નો કાયદો એક વાટાઘાટગત સમજૂતીનો રસ્તો હતો અને પ્રજા જૂનાં વેરઝેર ભૂલી આગળ વધે એવો એવો આશય હતો અને છે.

આ ક્ષણે ચર્ચાનો છેડો નથી. માત્ર, ઉતાવળે પણ સમેટતાં એટલું જ કહીશું કે હિંદુરાષ્ટ્ર અને મુસ્લિમ રાષ્ટ્રની છેલ્લા બે’ક સૈકાની રાજકીય વિભાવનાબાંધણીને પરબારી ઊચકીને છેલ્લાં હજાર વરસના ઇતિહાસને લાગુ પાડવાની કાલવ્યુત્ક્રમ (એનેક્રોનિસ્ટિક) અંધારીમાંથી બહાર આવીએ અને અમન, એખલાસ ને ઈન્સાફના ધોરણે કાયદાના શાસન વાસ્તે સમર્પિત થઈએ.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2022; પૃ. 01-02 

Loading

14 June 2022 admin
← પર્યાવરણની પ્રતિબદ્ધતાનાં પચાસ વર્ષ અને ઇંદિરા ગાંધીનું પ્રભાવી વક્તવ્ય …
પાર નથી ! →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved