Opinion Magazine
Number of visits: 9448346
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘એ લોકો’ ગરમીથી નહીં, ગરીબીથી મરે છે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 June 2022

આ વરસનો ઉનાળો બહુ આકરો હતો. કહે છે કે ઓણની ગરમીએ પાછલાં સવાસો વરસનો વિક્રમ તોડી નાંખ્યો છે. વિક્રમી ઠંડી પછી ભીષણ ગરમીની સંભાવના તો હતી જ, પરંતુ આ તો આરંભથી જ બહુ અસહ્ય બની હતી.

ગરમીના આરંભ સાથે જ ગરમીથી થતાં મૃત્યુના પણ ખબર આવતા રહે છે. માનવશરીર આમ તો બદલાતી ઋતુઓ સાથે સંતુલન સાધી લેતું હોય છે, પરંતુ તીવ્ર ઠંડી-ગરમી-વરસાદ સામે ગરીબી અને અભાવોમાં જીવતા લોકો ઝીંક ઝીલી શકતા નથી. જે મૃત્યુ ગરમી કે ઠંડીને કારણે થયાનું કહેવાય છે, તે વાસ્તવમાં તો ગરીબી અને અભાવોનું પરિણામ છે.

વિશ્વખ્યાત આરોગ્ય  સામયિક ‘ધ લૈન્સેટ’માં પ્રગટ એક સંશોધનલેખ મુજબ, કાતિલ ઠંડી અને ભીષણ ગરમીથી દુનિયાભરમાં દર વરસે ૫૦ લાખ લોકોનાં મોત થાય છે. તેમાં સૌથી વધુ એશિયામાં થાય છે. એશિયાખંડના દેશોમાં પ્રતિ વરસ ઠંડીથી ૨૪ લાખ અને ગરમીથી ૨.૨૪ લાખ લોકોનાં મરણ થાય છે. ભારતમાં દર વર્ષે ૮૩,૭૦૦ લોકોનાં મોત ગરમીને કારણે થાય છે. જે કદાચ આખી દુનિયામાં સૌથી વધુ છે. એક અન્ય અભ્યાસ મુજબ, ભારતમાં ખરાબ વાતાવરણને કારણે ૧૯૭૧થી ૨૦૧૯માં ૧,૪૧,૩૦૮ લોકોનાં મોત થયાં હતાં. તેમાં એકલી લૂ લાગવાથી થયેલાં મોત ૧૭,૩૬૨ હતાં.

સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ ગરમી માનવશરીર માટે સહ્ય ગણાય છે. ભારતીય હવામાન વિભાગના માપદંડ મુજબ, દેશના પર્વતીય પ્રદેશોમાં ૩૦ અને મેદાની વિસ્તારોમાં ૪૦ ડિગ્રી ગરમી સામાન્ય ગણાય છે. તેમાં થતો વધારો સાવધાનીથી ખતરાનો સંકેત આપનાર છે. હવામાન  વિભાગ માનવ અને પશુ-પંખી માટે તેથી વધુ ગરમીને લૂ, ગ્રીષ્મલહેર કે હીટવેવ ગણે છે અને તેનાથી સાવધાની માટે તેની તીવ્રતા પ્રમાણે યલો, ઑરેન્જ અને રેડ ઍલર્ટ જાહેર કરે છે. અસામાન્ય ગરમી અને બફારાની આ લૂ ગરીબો, બીમાર, અસહાય, વૃદ્ધો, બેઘર અને કામદારો માટે જીવલેણ બની શકે છે.

લૂ કે હીટવેવ ત્રીજી સૌથી મોટી કુદરતી આફત છે. હવે તેની તીવ્રતાની સાથે સાથે અને દિવસોમાં પણ વધારો થયો છે. આઈ.આઈ.ટી., દિલ્હી અને કૅલિફોર્નિયા યુનિવર્સિટીના અધ્યયન પ્રમાણે દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં ૧૯૬૦-૮૪નાં વરસોની તુલનામાં ૧૯૮૫-૨૦૦૦માં હીટવેવની ઘટનાઓમાં પચાસ ટકાની અને દિવસોમાં પચીસ ટકાની વૃદ્ધિ થઈ છે.

ગરમીથી બફાઈને, ઠંડીથી ઠૂંઠવાઈને અને પૂરમાં તણાઈને થતાં મોતના ખબર સમાજના એક વર્ગ માટે બહુ સામાન્ય બિના છે. વરસે એકાદ લાખ ગરમીથી અને સવા બે લાખ લોકો ઠંડીથી મરે છે, પરંતુ તે રાજકીય ચર્ચાનો કે આંદોલનનો વિષય બનતો નથી. શહેરી બોલકાવર્ગ માટે તો આટલાં બધાં મોત માટે પણ હવામાનની વિષમતાનું સરળ કારણ હાથવગું છે. એટલે કુદરત આગળ માનવી લાચાર હોવાનું કહી દઈને આ મોત માટે આપણી સામાજિક-આર્થિક અનવસ્થા અને અસમાનતા જવાબદાર છે, તે બાબત આબાદ રીતે ભુલાવી દેવાય છે.

જ્યાં સૌથી વધુ ઠંડી-ગરમી-વરસાદ હોય, ત્યાં મૃત્યુઆંક ઓછો હોય અને અન્યત્ર મૃત્યુઆંક વધુ હોય એવું ય બને છે. દક્ષિણ ભારતનાં મોટા ભાગનાં રાજ્યોનાં નગરો-મહાનગરો સમુદ્રતટે કે તેની નજીક છે અને ત્યાં ગરમી ઓછી હોય છે. ઉત્તર ભારતમાં ગરમી વધુ હોવા છતાં કેટલાંક વરસોથી દક્ષિણનાં રાજ્યો, આંધ્ર અને તેલંગાણામાં, ગરમીથી વધુ મોત થાય છે. એટલે તાપમાનમાં અસાધારણ વધારો-ઘટાડો થવાથી લોકો મરે છે, તેના કરતાં તેની પાછળનાં સામાજિક-આર્થિક કારણો વધુ જવાબદાર છે.

ગરમીથી થતાં મોતની સમસ્યા માત્ર હવામાનની વિષમતાની નથી. આપણા દેશમાં પ્રવર્તતા અને દિન-બ-દિન વકરતા સામાજિક-આર્થિક ભેદભાવ ખરી સમસ્યા છે. આ મોત ઠંડી-ગરમીને લીધે નહીં, રોટી-કપડાં-મકાનની પ્રાથમિક જરૂરિયાતના અભાવને કારણે થતાં હોય છે. જે મરે છે તે ગરીબ, અશક્ત, વૃદ્ધ, લાચાર અને બીમાર લોકો છે. કુપોષણ, નબળું શરીર, ગરીબી, અભાવગ્રસ્ત જિંદગી – જેમાં ખાવાને રોટલો, પહેરવાં લૂગડાં અને રહેવા મકાનનો અભાવ, તેમનાં મોતનું ખરું કારણ છે, નહીં કે ગરમી-ઠંડી-વરસાદ. દેશના અસંગઠિત શ્રમિકવર્ગના મોટા હિસ્સાને તો ધોમધખતા તાપ, કાતિલ ટાઢ અને વરસતા વરસાદમાં ઉપર આભ અને નીચે ધરતીની સ્થિતિમાં રોજી રળવી પડે છે, એટલે આ કહેવાતી ભીષણ ગરમી એનો જ ભોગ લે છે.

હવામાનની વિષમ સ્થિતિથી થતાં મોત માટે સરકારો બાપડી શું કરે એવો નાદાન સવાલ પણ થતો હોય છે. તો સરકારો શું કરે છે, તે જાણીને રંજ અને રમૂજ થાય છે. સરકાર ગરમી સામે લડવા જે પગલાં લઈ રહી છે કે લોકોને જે પગલાં લેવા જણાવી રહી છે, તે ગરીબોની ક્રૂર મજાક સમાન છે. મોટા ભાગની રાજ્ય સરકારો અને સ્થાનિક વહીવટી તંત્રો લોકોને બપોરના બારથી ચાર ઘરની બહાર ન નીકળવા, છાંયડામાં રહેવા, તરસ ન હોય તો પણ ભરપૂર પાણી પીવા, છાસ, લીંબુ, શરબત અને લસ્સી જેવાં ઘરનાં પીણાં પુષ્કળ માત્રામાં પીવા, લાઇટ કલરના, ખૂલતાં સૂતરાઉ કપડાં પહેરવાં, માથે ટોપી, છત્રી કે ભીનું કપડું રાખવા સલાહ આપે છે.

જે દેશનો મોટો કામદાર-કિસાનવર્ગ ભરબપોરે મહેનત-મજૂરી કરવા વિવશ હોય તેને છાંયડામાં રહેવા કે બપોરે આરામ કરવાનું કહેવું કેટલું વાજબી છે? જો સરકારોને તેના નાગરિકોના ક્ષેમકુશળની ખરેખર ફિકર હોય, તો તેણે ઉનાળામાં કમ સે કમ ‘મનરેગા’ મજૂરોને પગાર સહિતના આરામની સવલત આપવી જોઈએ. આમ ન કરતાં તંત્રોની ઉનાળુ બપોરે આરામ ફરમાવવાની સલાહ તેમની મજાક છે.

દેશમાં પાણીની તીવ્ર તંગી હોય, મહિલાઓને પીવાના પાણી માટે બળબળતા બપોરે બેચાર ગાઉ ચાલીને જવું પડતું હોય અને માંડમાંડ તરસ મિટાવી શકાતી હોય, ત્યારે ગરમી સામે રક્ષણના ઉપાય તરીકે વગર તરસે ભરપૂર પાણી પીવાની સલાહ સંવેદનહીન લાગે છે. આપણા આપદા–પ્રબંધકો અને નીતિનિર્માતાઓ સામાન્ય માણસની વાસ્તવિક સ્થિતિથી કેટલા વિમુખ છે, તે આવી માર્ગદર્શક સૂચનાઓથી જણાઈ આવે છે. આવી જ સલાહ કપડાં વિશેની છે. ખરેખર તો લોકોને રહેવા યોગ્ય ઘર અને ઠંડી-ગરમી સામે ટકી શકે તેવો ખોરાક મેળવી શકે તેવી રોજીની જરૂર છે. તે ખરો ઉપાય કેમ દેખાતો નથી ?  

અગાઉનાં વરસો કરતાં હવે વધુ ઠંડી કે ગરમી કેમ પડે છે અને વરસાદ ઘટી ગયો છે, તે શોધવાનું ખરું અગત્યનું કામ કોઈ કરતું નથી. એ હકીકત જગજાહેર છે કે શહેરોની ઇમારતોનાં બાંધકામમાં કાચ અને લોખંડનો વપરાશ હવે વધ્યો છે, એને કારણે ગરમી વધુ લાગે છે, એટલે તેનાથી બચવા ઍરકંડિશનરોનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. બીજી તરફ કહેવાતા વિકાસ માટે વૃક્ષોનું છેદન થાય છે. તેણે શહેરોને વધુ ગરમ બનાવ્યાં છે, પરંતુ શહેરી આયોજનમાં સુધાર કરવાનું સૂઝતું નથી.

શહેરી સત્તાધીશોને સૂઝે છે તો કેવું તે જાણવા જેવું છે. છેલ્લાં કેટલાંક વરસોથી અમદાવાદ મહાનગરપાલિકા ગરમીથી ગરીબોને બચાવવા ચાલીઓ અને ઝૂંપડાંઓનાં લોખંડનાં પતરાં કે છાપરાંને સફેદ ચૂનાથી રંગે છે. આ વરસે કમિશનર સાહેબે કૉર્પોરેશનના બાબુઓને ચૂનાનો ખર્ચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બદલે કંપનીઓના સી.એસ.આર. ફંડમાંથી મેળવવા આદેશ કર્યો છે. હજી શહેરમાં હજારો – લાખો લોકો કેમ આવી અવસ્થામાં રહે–જીવે છે, તે સવાલ વિસારે પાડીને,  તંત્રની કોઈ જવાબદારી કે સામાજિક-વહીવટી નિસબતની લગીરે ફિકર કર્યા વિના, ગરીબોના પરસેવે તગડો નફો રળતી ખાનગી કંપનીઓના કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી ફંડમાંથી, ગરીબોના છાપરે ચૂનો લગાવવાનો આઇડિયા વાસ્તવિકતા પર ચૂનો લગાવવા બરાબર છે.

કથિત ગરમીને કારણે થતાં ગરીબોનાં મોત કુદરતસર્જિત નહીં, માનવ, વ્યવસ્થા કે સમાજસર્જિત છે. ગરમીનો કાળો કેર સામાજિક, આર્થિક ભેદભાવને ઉઘાડા પાડે છે, તેને ઢાંકવા છાપરે ચૂનો લગાવવાથી તે ઢંકાશે નહીં.

ઠંડી અને વરસાદ જેવી બાર કુદરતી આપદાઓમાં ગરમીનો સમાવેશ થતો નહોતો. છેક ૨૦૧૫માં નૅશનલ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીએ પ્રથમ વખત હીટવેવ એકશન પ્લાન ઘડ્યો હતો. તેણે હીટવેવને કુદરતી આપત્તિ ગણવાનું રાજ્યો પર છોડ્યું છે. નાણાપંચે સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીના ફંડમાંથી દસ ટકા ખર્ચની મંજૂરી આપી હતી.

ગરમીથી થતાં મોત નક્કી કરવા મુશ્કેલ હોવાનું જણાવીને આપદા-પ્રબંધન કાયદા અને નિયમોમાંથી તેને બાદ કરવામાં આવેલ છે. તડકામાં કામ કરતાં બીમાર પડે, સારવાર દરમિયાન સરકારી હોસ્પિટલમાં મોત થાય, પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ ગરમી કે લૂ દર્શાવેલ હોય, સિવિલસર્જન, સ્થાનિક પોલીસ અધિકારી અને મામલતદારની બનેલી સમિતિ સંમતિ આપે, એ સઘળું મળીને  ૧૨૪ પાનાંનો રિપોર્ટ તૈયાર થયેથી ગરમીથી થયેલું મોત ગણાય અને આર્થિક સહાય મળી શકે ! અન્ય કુદરતી આફતના જેવું આર્થિક સહાયનું ધોરણ પણ એક સરખું નથી. કોઈ રાજ્ય માત્ર ત્રીસ હજાર જ આપે છે, તો કોઈ ચાર લાખ.

સરકારો ગરીબોનાં મોત અંગે ભાગ્યે જ સંવેદનશીલ હોય છે. ગરમીથી ભલે ગરીબો મરે પણ એ શાસનની નાલેશી બને છે, એટલે આંકડાઓની રમત આદરવામાં આવે છે. પહેલાં તો હીટવેવ કે ઍલર્ટ જાહેર જ કરાતું નથી અને જાહેર કરાય તો યલો કે ઑરેન્જ જ કરાય છે. રેડ ઍલર્ટ જાહેર કરવું જ પડે તો તેનો સમય ઘટાડી દે છે. મરણના આંકડા છુપાવીને ઘટાડી દેવાય છે. ૨૦૧૫માં તેલંગાણામાં ૫૪૧, ૨૦૧૬માં ૩૨૪ મોત થયાં હતાં. પણ ૨૦૧૭માં માત્ર ૧૨ જ થયાં. આટલો મોટો ઘટાડો તંત્રની કરામત જ છે. આંધ્રએ પણ ૨૦૧૫નો ૧,૪૨૨ અને ૨૦૧૬નો ૭૨૩ મૃત્યુઆંક ૨૦૧૭માં ૧૦ કરી દેખાડ્યો હતો. માનવીની જિંદગીની જ જે દેશમાં કિંમત નથી, ત્યાં ગરીબનાં મોતની તો શી ચિંતા ?

E-mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2022; પૃ. 07 તેમ જ 12

Loading

4 June 2022 admin
← ઝટ ભેળું કરી લ્યો, વખત ઓછો છે!
સહઅસ્તિત્વને એક ચાન્સ શા માટે આપવામાં ન આવે ? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved