 ભારત સરકારે ઘઉંની નિકાસ ઉપર ૧૩મી મેથી પ્રતિબંધ મૂક્યો. લોકોને પડવાની અગવડનો વિચાર કર્યા વિના ચાર કલાકની નોટિસથી લૉકડાઉન કરવા માટે ટેવાયેલી સરકારે એનાં પગલાંથી જે પ્રશ્નો ઊભા થશે, તેનો વિચાર કર્યો નહીં. ઘઉંની નિકાસના જે સોદા થઈ ગયા હોય, એનો અમલ થાય એ સ્વાભાવિક છે. સરકારના હુકમને કારણે ઘઉંની ટ્રકો કંડલા બંદરે એકઠી થઈ ગઈ, ત્યારે સરકારને ખ્યાલ આવ્યો. પછી સરકારને કેટલીક છૂટછાટો આપવી પડી.
ભારત સરકારે ઘઉંની નિકાસ ઉપર ૧૩મી મેથી પ્રતિબંધ મૂક્યો. લોકોને પડવાની અગવડનો વિચાર કર્યા વિના ચાર કલાકની નોટિસથી લૉકડાઉન કરવા માટે ટેવાયેલી સરકારે એનાં પગલાંથી જે પ્રશ્નો ઊભા થશે, તેનો વિચાર કર્યો નહીં. ઘઉંની નિકાસના જે સોદા થઈ ગયા હોય, એનો અમલ થાય એ સ્વાભાવિક છે. સરકારના હુકમને કારણે ઘઉંની ટ્રકો કંડલા બંદરે એકઠી થઈ ગઈ, ત્યારે સરકારને ખ્યાલ આવ્યો. પછી સરકારને કેટલીક છૂટછાટો આપવી પડી.
ઘઉંની નિકાસબંધી ફરમાવા પાછળની પરિસ્થિતિ સ્પષ્ટ છે. ઘઉંનું ઉત્પાદન ધાર્યા કરતાં ઘણું ઓછું થવાની સંભાવના ઊભી થઈ છે. કારણ કે દેશમાં ઉનાળો જલદી બેસી ગયો અને એને કારણે ઉત્તરનાં રાજ્યોમાં ઘઉંનું ઉત્પાદન ઘટી જશે. એ નિશ્ચિત છે. આ સંજોગોમાં સરકાર બજારમાંથી જે ઘઉં ખરીદે છે, એમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે. ગયા વર્ષે ૪૩ કરોડ ટન ઘઉં સરકાર દ્વારા ખરીદવામાં આવ્યા હતાં. આ વર્ષે બે કરોડ ટન ઘઉં ખરીદવાની સંભાવના છે. સરકાર જે વિવિધ યોજનાઓ હેઠળ સસ્તા ભાવે અનાજ વહેંચે છે એમાં ઘઉં અને ચોખા મુખ્ય છે. એમાં ઘઉં પૂરતા મળવાની સંભાવના નથી, તેથી ઘઉંની નિકાસની મનાઈ ફરમાવીને સરકારે ઘઉંના ઉત્પાદનને દેશ માટે સુરક્ષિત રાખ્યું છે. આમ કરીને એણે ખેડૂતોને અન્યાય કર્યો છે. નિકાસબંધીના અભાવમાં ખેડૂતોને ઘઉંના ઊંચા ભાવો મળ્યા હોત પણ સરકાર ગ્રાહકોના હિતનો જ વિચાર કરે છે. ગ્રાહકોને સંતોષવાની નીતિ સરકારની રહી છે. અનાજનો ભાવવધારો લોકો સહી લેતાં નથી એને કારણે અનાજના ભાવો વધતાં સરકાર બે પ્રકારનાં પગલાં ભરે છે. એક, વેપારીઓ અનાજનો કેટલો જથ્થો સંગ્રહી શકે એનું નિયમન કરવામાં આવે છે. બે, જો અનાજની નિકાસ થતી હોય તો તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. થોડાં વર્ષો પહેલાં ડુંગળીનાં ભાવોમાં મોટો વધારો થયો ત્યારે તેની વિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સરકારની આ નીતિ ખેડૂતો માટે અહિતકર છે. તેમને પ્રમાણમાં ઓછા ભાવો મળે છે. મોટા ભાગના દેશોમાં સરકાર ખેડૂતોને ઊંચા ભાવ મળવા દે છે. કેટલાક મોટા દેશોમાં આવી ખેડૂત વિરોધી નીતિ અપનાવવામાં આવે છે. ભારત એમાંનો એક દેશ છે.
આ દાખલામાં સરકાર પાસે કેટલાક વિકલ્પો હતાં : એક, સરકાર બોનસ રૂપે ખેડૂતોને વધારે કિંમત ચૂકવી શકી હોત અથવા નિકાસ માટે ભારતમાં ઘઉંના ભાવો નિકાસ માટે અનાકર્ષક બની જાય. બે, સરકાર એની યોજનાઓ માટે વધારે પ્રમાણમાં ચોખા આવી શકે.
ઘઉંના ઊંચા ભાવો નક્કી કરી શકી હોત, જેથી વેપારનીતિ તરીકે પણ આ નીતી ચાલી શકે નહીં. આનો અર્થ એવો થાય કે ભારતમાંથી અનાજની આયાત વિશ્વાસપાત્ર નથી. લાંબા ગાળાની નીતિ માટે આ પ્રતિકૂળ છાપ છે. કોઈ પણ દેશ આ રીતે કૃષિ-પેદાશ ભારતમાંથી ખરીદવા પ્રેરાય નહીં. આપણે કામચલાઉ ધોરણે જ ખેતપેદાશોની પુરાંત હોય, એની નિકાસ કરી શકીએ, એ માટે ભારતમાંથી પુરવઠો નિયમિત રીતે મળશે, એવો વિશ્વાસ જરૂરી છે.
આમે ય, બજારમાં ભાવો વધતાં ભારતમાં ઘઉંના ભાવો વધ્યા હોત અને ઓછા સ્પર્ધાત્મક બન્યા હોત. ટૂંકમાં, સરકારે આવા દાખલાઓમાં નિકાસ પર પ્રતિબંધ મુકવાને બદલે બજારવાદી પગલાં ભરવાં જોઈએ અને એ રીતે અનાજની અછતનો લાભ ખેડૂતોને મળતો હોય, તો મળવા દેવો જોઈએ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2022; પૃ. 05
 

