તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે, મને ગમતું રે
ભવિષ્યમાં ડાબી અને જમણી આંખના ડોક્ટર જુદા હશે
તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે,
મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળિયા તને અમથું.
ગુજરાતી સુગમ સંગીતની ગંગોત્રી જેવા અવિનાશભાઈનો આ ગરબો એક જમાનામાં ખાસ્સો લોકપ્રિય. પણ આજે ફૂમતાંવાળી કે વગરની બાંકી પાઘડી પહેરેલો પાતળિયો શોધવાનો આગ્રહ રાખનારી મુંબઈગરી યુવતીને તો કદાચ આજન્મ કુંવારા રહેવાનો વારો આવે! આજથી ૭૫-૮૦ વરસ પહેલાંના મુંબઈમાં પાઘડી કે સાફો, કે ફેંટો કે ટોપી પહેર્યા વગરનો પુરુષ રસ્તા પર તો ભાગ્યે જ જોવા મળે. અને મળે, તો બે-ચાર પરિચિતો પૂછે : ‘કોણ પાછું થયું?’ (કોણ ગુજરી ગયું?) ઘણાં ઘરોમાં ઘરના મોભીની ટોપી કે પાઘડી દિવાનખાનામાં એક ખીંટી પર કાયમ લટકતી જ હોય. ઘરનો મોભી ભલે માત્ર પંચિયું પહેરીને બેઠો હોય, પણ કોઈ બહારનું આવે કે તરત માથે ટોપી કે પાઘડી પહેરી જ લે!
સોળ ટપાલ ટિકિટ પર સોળ પાઘડી
અને પાઘડી કે ફેંટો કે ટોપીમાં પાછી પુષ્કળ વેરાયટી. માત્ર રંગની નહિ, કપડાની, ઘાટની, પહેરવાની રીતની. દરેકનો સંબંધ ધર્મ, પ્રદેશ, જ્ઞાતિ, કે વ્યવસાય સાથે. ૨૦૧૭માં ૧૬ પાઘડીનાં ચિત્રોવાળી ૧૬ ટપાલ ટિકિટનો સેટ ટપાલ ખાતાએ બહાર પાડેલો. પણ પાઘડીની કુલ સંખ્યા તો એનાથી ઘણી મોટી. પાઘડી એટલે એ જમાનાનું આધાર કાર્ડ જ કહોને! આજે આધાર વગર કોઈ કામ ભાગ્યે જ થાય તેમ એ વખતે શિરસ્ત્રાણ વગર કોઈ સારું કામ ન થઈ શકે. કોઈને તેની પાઘડી કે ટોપી ઉતારવા કહેવું એ તો મોટું અપમાન. છેક ૧૮૬૨માં મુંબઈના બે પારસી વેપારીઓ પીરોજશાહ પેસ્તનજી મેહરહોમજી અને ડોસાભાઈ ફરામજી કામાજીએ અમેરિકાની મુસાફરી કરેલી. એ વખતે પ્રેસિડન્ટ અબ્રહામ લિંકનની મુલાકાત લીધેલી. પણ મુલાકાત પહેલાં પ્રમુખના સેક્રેટરીને બંનેએ કહેલું કે મુલાકાત દરમ્યાન અમે અમારી ટોપી નહિ ઉતારીએ કારણ એમ કરવું અમારે ત્યાં અપમાનજનક ગણાય છે. અને આ વાત પશ્ચિમના રિવાજ કરતાં વિપરીત હોવા છતાં સેક્રેટરીએ અને પ્રમુખે સ્વીકારેલી! ૧૮૬૪માં પ્રગટ કરેલા પુસ્તક ‘અમેરિકાની મુસાફરી’માં આવી તો કેટલીયે રસપ્રદ વાતો વાંચવા મળે. અમેરિકાના પ્રવાસ વર્ણનનું એ પહેલું ગુજરાતી પુસ્તક.
૧૯૩૧માં બીજી ગોળમેજી પરિષદમાં ગાંધી ટોપી વગરના ગાંધીજી
દેશના વિવિધ ભાગોનાં શિલ્પ અને ચિત્ર જોતાં સમજાય છે કે સ્ત્રી-પુરુષ બંને માટે માથું ઢાંકવાની પ્રથા કંઈ નહિ તો સેંકડો વરસ જૂની. પણ વીસમી સદીમાં ધીમે ધીમે પાઘડીની જગ્યા સાદીસીધી સફેદ ગાંધી ટોપીએ લીધી. જો કે ગાંધીજીએ પોતે તો એ ટોપી થોડો વખત જ પહેરેલી. પછી તો ઉઘાડે માથે પોતડીભર જ રહેતા. ૧૯૩૧માં બીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં અને મહારાણીની મુલાકાત વખતે પણ ગાંધીજી ઉઘાડે માથે જ રહ્યા હતા. આઝાદીની લડત દરમ્યાન મુંબઈમાં ઠેર ઠેર ગાંધી ટોપી પહેરેલાં સ્ત્રી-પુરુષો જોવા મળતાં. પણ આઝાદી પછી મુંબઈકરને માથેથી ટોપી ગઈ તે ગઈ. હા, હવે નેતાઓ પોતે ટોપી પહેરતા નથી, પણ લોકોને ઘણી બાબતમાં ટોપી પહેરાવે છે ખરા!
* * *
પાટી કહો કે સ્લેટ
આપણા સમર્થ સર્જક કૃષ્ણલાલ શ્રીધરાણીના અફલાતુન નાટક ‘વડલો’માં વડ નીચે ભેગા થયેલા નિશાળિયા ગાય છે :
દોસ્તો દફતર પાટી મેલો,
વડલે જઈને કૂદો ખેલો.
ગોળ પાઘડી, માથે મેલી,
પતકાળાશું પેટ,
ખોટું પડતું સહેજ પલાખું,
છુટ્ટી મારે સ્લેટ.
આ નાટક છપાયું હતું ૧૯૩૧માં. આજે હવે મુંબઈમાં તો નથી જોવા મળતાં દફતર-પાટી, નથી રહ્યા ગોળ પાઘડી પહેરેલા, પલાખું ખોટું પડે તો સ્લેટ છુટ્ટી મારતા માસ્તર. આજના વિદ્યાર્થીઓને તો પલાખું એટલે શું એ ય ખબર ન હોય. એ તો Two tens are twenty ગોખે. અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ આપતી શાળાઓએ અગાઉની ધૂડી નિશાળની કેટલીક વસ્તુઓ જાળવી રાખી હતી. તેમાંની એક તે પાટી અથવા સ્લેટ. એક જમાનામાં બાળકો આ સ્લેટ પર જ લખતાં-વાંચતા શીખતાં. ખાસ જાતના પોચા પથ્થરના લંબચોરસને ચારે બાજુ લાકડાની ફ્રેમમાં મઢ્યો હોય. લખવા માટે સફેદ પથ્થરિયા પેન. ડાબલીમાં ભીની કરેલી વાદળી કહેતાં સ્પોંજનો ટુકડો. સ્લેટ પર ફેરવી દો એટલે લખેલું બધું ભૂંસાઈ જાય. સ્લેટ બે-ત્રણ વરસ તો નિરાંતે ચાલે. ઢગલાબંધ નોટ બુકની જરૂર જ નહિ! બધી રીતે પૈસાનો બચાવ, અધમણિયા સ્કૂલ બેગનો ભાર નહિ.
પણ પછી આવી નોટબુક. એ પણ જાતજાતની. સિંગલ લાઈન, ડબલ લાઈન, અંગ્રેજી લખવા માટે ફોર લાઈન, ગણિત માટે સ્ક્વેર બુક. કાચા પૂંઠાની અને પાકા પૂંઠાની. ૪૦થી ૪૦૦ સુધીનાં પાનાંની. સ્કૂલનું નવું વરસ શરૂ થતાં પહેલાં બધી નોટબુકને બ્રાઉન પેપરનાં પૂઠાં ચડાવવાનો સમારંભ ઘરમાં હોંશથી ઉજવાય. ઉપલા ખૂણામાં નામ, ધોરણ, વગેરે લખેલું લેબલ. શરૂઆતનાં ધોરણોમાં પેન્સિલથી લખવાનું ફરજિયાત. ઉપલા ધોરણમાં આવ્યા પછી ફાઉન્ટન પેન. બોલ પોઈન્ટ પેન આવી તે પછી ઘણાં વરસ સુધી સ્કૂલોમાં તે વાપરવા પર પ્રતિબંધ. કેમ? તેનાથી વિદ્યાર્થીઓના અક્ષર બગડી જાય! શરૂઆતમાં બેંકો પણ બોલપેનથી લખેલા ચેક સ્વીકારતી નહોતી! હવે એ જ બેંકો કહે છે કે સલામતી ખાતર ચેક તો બોલ પેનથી જ લખો.
* * *
વસ્તુઓ કે વ્યવસાયો બદલાયા તેની પાછળનું એક મુખ્ય કારણ છે બદલાયેલી જીવનશૈલી, અને નવાં જીવનમૂલ્યો. એક જમાનામાં કરકસરને ત્રીજો ભાઈ કહેતાં. કોઈ વસ્તુ સહેલાઈથી ‘ડિસ્કાર્ડ’ કરાતી નહિ. પાંચ-દસ વરસ પહેલાં ખરીદેલી બનારસી કે કાંજીવરમ્ સાડી ક્યાંક ભરાણી, અને થોડીક ફાટી? ચાલો રફૂગર પાસે. મોટા ભાગના મુસ્લિમ બિરાદરો. જે રંગનું કાપડ હોય તે જ રંગના દોરાથી એવું ઝીણવટથી ફાટેલા ભાગ પર કામ કરે કે ધારી ધારીને જુઓ તો જ ખ્યાલ આવે કે સાડી સાંધેલી છે. હવે તો એકની એક સાડી તે કાંઈ પાંચ પાંચ વરસ પહેરાય? એટલે પોતાની દુકાનને બદલે વોશિંગ લોન્ડ્રીની દુકાનના ઓટલા પર બેસતા થયા રફૂગર. અને પછી મધ્યમ વર્ગનાં ઘરોમાં પણ આવ્યાં વોશિંગ મશીન. લોન્ડ્રી ઓછી થતી ગઈ. હવે તો ઓટલા જ રહ્યા ન હોય ત્યાં ક્યાં બેસે રફૂગર? અને બેસે તો ય કોણ આવે ફાટેલું કપડું રફૂ કરાવવા?
* * *
રફૂગર ગયા તેમ ગયા ફેમિલી ડોક્ટર પણ. રફૂગર અને એ વખતના ડોક્ટર બંને એક બાબતમાં સરખા : કુશળતાથી પોતાનું કામ કરે અને ખોટો ખરચ ન કરાવે. ફાટેલું કાપે નહિ, સાંધીને સમું કરી આપે. હા, આજે મુંબઈના કોઈ પણ રસ્તા પર લાઈટના થાંભલા કરતાં ડોક્ટરના કન્સલ્ટિંગ રૂમની સંખ્યા વધુ હોય છે. એમાંના મોટા ભાગના કોઈને કોઈ શાખાના સ્પેશિયાલિસ્ટ. આપણા સમર્થ હાસ્યકાર જ્યોતીન્દ્ર દવે કહેતા કે એક વખત એવો આવશે જ્યારે ડાબી આંખ અને જમણી આંખના ડોક્ટર જુદા હશે.
આ લખનારના ઘરે વર્ષો સુધી રોજ સવારે દસેક વાગ્યે ફેમિલી ડોક્ટર શાહ આવતા. એ વખતે અમારું આઠ-દસ જણનું સંયુક્ત કુટુંબ. મહિનામાં બત્રીસ દિવસ કોઈ ને કોઈ મહેમાન હોય જ. જેને જેને નાની-મોટી તકલીફ હોય તે ડોક્ટર પાસે બેસે. પહેલાં સ્ટેથસકોપથી છાતી-વાંસો તપાસે. આંખ-નાક-જીભ તપાસે. ત્રણ-ચાર જગ્યાએ પેટ દબાવતા જાય અને પૂછતા જાય, ‘અહીં દુખે છે?’ બહુ જરૂર હોય તો જ ઇન્જક્ષન આપે. બને ત્યાં સુધી દવા દુકાનમાંથી લાવવી ન પડે. ડોક્ટર જ બાટલીમાં દવા આપે. અમારો નોકર તેમની સાથે મોટરમાં બેસી જાય અને ભૂલેશ્વર પરના દવાખાનામાંથી દવાની આછા ભૂરા—લીલા રંગની બાટલીમાં બ્રાઉનિશ લાલ રંગનું ‘મિક્ષચર’ લઈ આવે. સાથે છાપાંના કાગળના નાના નાના ટુકડામાં પેક કરેલી ભૂકી કે પાઉડર હોય. અને એ વખતે ડોક્ટરની વિઝીટિંગ ફી કેટલી હતી? પાંચ રૂપિયા. અને એક દિવસની દવાના બાર આના.
ડો. ભાસ્કર યોધ
એક જમાનામાં ડો. ભાસ્કર યોધ (૧૮૯૮-૧૯૭૧) મુંબઈના અત્યંત પ્રતિષ્ઠિત ફિઝીશિયન. એ જમાનામાં ઇંગ્લન્ડ જઈ FRCPની ઉપાધિ મેળવેલી. જે.જે. હોસ્પિટલ અને ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં માનદ્દ અધ્યાપક. બ્રિટનની રોયલ કોલેજ ઓફ ફિઝીશિયનના ફેલો. તરવાના અને સંગીતના ભારે શોખીન. ગુજરાતી અને સંસ્કૃતના પ્રખર વિદ્વાન કેશવ હર્ષદ ધ્રુવનાં પુત્રી સરોજબહેન સાથે તેમણે લગ્ન કર્યાં હતાં. આટલા પ્રતિષ્ઠિત ડોક્ટરની ઘરે આવવાની ફી પચાસ રૂપિયા! ક્યારેક ડોક્ટર એક્સ-રે પડાવવા કહે તો ય ઘરમાં ખળભળાટ મચી જાય. હોસ્પિટલમાં જવું એટલે લગભગ મસાણે જવું. ઓક્સિજન આપે એટલે તો સગાંવહાલાં, અડોશીપડોશી ગૂસપૂસ કરવા લાગે : ‘હવે તો નળી મૂકી દીધી છે. ઘડીઓ ગણાય છે.’
અને હવે આજના લેખની પણ ઘડીઓ ગણાઈ ચૂકી છે.
* * *
બે પ્રતિભાવ :
ડાયસ્પોરા લેખિકા પન્ના નાયક અને પ્રીતિ સેનગુપ્તા
ગયે અઠવાડિયે પ્રગટ થયેલા લેખ અંગે બે પ્રતિભાવ: અમેરિકાથી (મૂળ અંધેરી, મુંબઈ) આપણાં અગ્રણી ડાયસ્પોરા સર્જક પન્ના નાયક લખે છે : ‘ખૂબ સુંદર લેખ. તમારા એકેએક વર્ણન સાથે હું મારી સ્મૃતિને આધારે જોડાઈ ગઈ. સ્મૃતિઓને ફરી સંકોરવાનું ખૂબ ગમ્યું. મારા એક કાવ્યમાં અંધેરીની વિક્ટોરિયા અને એના ચાલક ફકીરનો સંદર્ભ આવે છે. મારાં માતાનો એ માનીતો ગાડીવાળો હતો. પ્યાસા (કે સાહિબ, બીબી, ગુલામ?) ફિલ્મમાં ફકીર અને એની વિક્ટોરિયા જોવા મળે છે. આનંદ અને આભાર.’ તો અમેરિકાથી જ આપણાં બીજાં અગ્રણી લેખિકા પ્રીતિ સેનગુપ્તા લખે છે : ‘સ્મૃતિઓને સંકોરીને તમે ભૂતકાળને આબેહૂબ ખડો કરી દો છો.’ બંને સન્નારીઓનો આભાર.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 26 ફેબ્રુઆરી 2022