આપણે આત્માઓ છીએ. આપણને શરીર મળ્યું છે કે એના દ્વારા આપણે આનંદ અને જ્ઞાન મેળવીએ, લોકોનું કંઈક ભલું કરીએ અને આપણા સરજનહાર જેવા મૈત્રીપૂર્ણ, પ્રેમાળ, ઉદાર અને કરુણાભર્યા બનવા પ્રયત્ન કરીએ. પણ જ્યારે શરીરમાં આ બધું કરવાની યોગ્યતા ન રહે, જ્યારે એ આનંદને બદલે પીડાનું કારણ બને, મદદરૂપ થવાને બદલે ભારણ બને, જે હેતુઓ માટે એ આપણને મળ્યું છે એને વહન કરવા યોગ્ય ન રહે ત્યારે આપણને એનાથી છૂટવા મળે એવો કોઈ કલ્યાણકારી માર્ગ હોવો જોઈએ. મૃત્યુ એ માર્ગ છે.
— બેન્જામિન ફ્રેન્કલિન
કોઈ વ્યક્તિ એક ક્ષેત્રમાં પ્રતિભા ધરાવતી હોય તો પણ આપણે પ્રભાવિત થઈએ છીએ. પણ જે વ્યક્તિ અનેકવિધ ક્ષેત્રોમાં પ્રતિભા ધરાવતી હોય – તે પણ આજથી બેત્રણ સદી પહેલા અને આખી દુનિયાને ઉપયોગી થાય એવા અનેક નવાં પ્રદાનો કરી ગઈ હોય એને શું કહીશું? 17 જાન્યુઆરીએ જેમનો જન્મદિન હતો, એ બેન્જામિન ફ્રેન્કલિન આવી એક બહુમુખી અને અત્યંત દુર્લભ પ્રતિભા ધરાવનાર વ્યક્તિ હતા. એમના વિશે કહેવું કે જાણવું એ પણ એક પ્રાપ્તિ જેવું છે.
1700ની શરૂઆતમાં ભારતમાં તાજમહાલ બંધાયાને પચાસેક વર્ષ થયાં હતાં. મોગલ સામ્રાજ્ય ટોચ પર હતું. ભારતની સમૃદ્ધિથી આકર્ષાયેલા અંગ્રેજોની ઇસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં કોઠીઓ નાખી હતી, એમનો રાજકીય પગપેસારો શરૂ થઈ ગયો હતો, પણ શાસન શરૂ થવાને થોડા દાયકાઓની વાર હતી.
આ સમયે 1706માં અમેરિકાના બોસ્ટનમાં એમનો જન્મ. તેમના જન્મ સમયનું અમેરિકા એટલે યુરોપના દેશોની, ખાસ કરીને ઇંગ્લૅન્ડની વસાહતો. એ કાળની જે મોટી ઘટનાઓ વિશે આપણે ઇતિહાસમાં ભણીએ છીએ, તેમાંની અનેક એમના જીવનકાળ દરમ્યાન બની અને તેઓ એના સાક્ષી અને ઘડવૈયા બન્યા. વિજ્ઞાનની શોધખોળોનું પણ એવું જ. લાઈટનિંગ રોડ, બાયફૉકલ ચશ્માં, ફ્રેન્કલિન સ્ટવ, ઑડોમીટર, ગ્લાસ આર્મેનિકા આ બધી એમની શોધ. ફૂટપાથ, આગબંબા, લાયબ્રેરીને સર્વસુલભ એમણે બનાવ્યા. યુનિવર્સિટી સ્થાપી. ભાષાઓ શીખ્યા. આગનો વીમો શરૂ કર્યો. પોલિસવ્યવસ્થા અને હૉસ્પિટલની શરૂઆત કરી. પોતે પોસ્ટમાસ્તર અને પ્રકાશક-મુદ્રક-સંપાદક-લેખક તો ખરા, સાથે ઉદ્યોગપતિ પણ ખરા. અમેરિકન સ્વાતંત્ર્યયુદ્ધની નીતિઓ ઘડી. સ્વતંત્રતાનું ઘોષણાપત્ર અને બંધારણ ઘડનારી કમિટીમાં રહ્યા. અનેક મહત્ત્વની સંધિઓ પર એમની સહી છે. યુરોપમાં અમેરિકન રાજદૂત બન્યા. દરેક ક્ષેત્રમાં ભારોભાર મૌલિકતા અને પ્રયોગશીલતા. ગુલામીપ્રથા વિરુદ્ધ પણ કામ કર્યું હતું.
સ્વતંત્ર અમેરિકાની સંસ્કૃતિ ઊભી કરવામાં એમનો મોટો ફાળો છે. તેઓ અમેરિકાના આદ્યસ્થાપકોમાંના એક અને જ્યૉર્જ વૉશિંગ્ટન પછીની બીજી મહત્ત્વની હસ્તી ગણાય છે. અમેરિકાએ તેમને ફર્સ્ટ અમેરિકનનો ખિતાબ આપ્યો અને અનેક માનદ્દ ડિગ્રીઓ, પુષ્કળ ચંદ્રકો, ઢગલાબંધ પ્રતિમાઓ, પદકો, ટપાલટિકિટો, એમના નામની સ્કૂલો-કૉલેજો, માર્ગો, પુલો, વિસ્તારો, મ્યુઝિયમો અને સ્મારકો દ્વારા ઋણસ્વીકાર કર્યો. અમેરિકામાં એમના નામનું યુદ્ધજહાજ પણ છે અને ફ્રેન્કલિન નામનું એક વૃક્ષ પણ છે. સુંદર શ્વેત પુષ્પો આપતું આ નાનું વૃક્ષ હવે ખુલ્લામાં જોવા નથી મળતું, પણ બાગબગીચાને શોભાવે છે.
એવું શું હોય છે જે માણસને મહાન બનાવે છે? બેન્જામિન ફ્રેન્કલિનની આત્મકથા વાંચવા જેવી છે. પિતાના સત્તર સંતાનોમાં બેન્જામિન સોળમા. આર્થિક સંકડામણે ભણવાનું છોડાવ્યું, આડાઅવળાં નાનામોટાં મહેનતનાં કામો કર્યાં, ભાઈના પ્રેસમાં શિખાઉ મદદનીશ તરીકે છાપું વહેંચવા જવાથી લઈ, કાઢવા સુધીની કાળી મજૂરી કરી. પુસ્તકો ગમતાં. સમુદ્રયાત્રા આકર્ષતી. સંગીત અને શતરંજના શોખીન હતા. કુશળ તરવૈયા હતા અને અનેક ઓજારો વાપરી જાણતા. પેપર કરન્સીને લોકપ્રિય બનાવવામાં તેમનો મોટો ફાળો છે. દરેક અનુભવમાંથી શીખતા ગયા, લખતા ગયા, પ્રયોગો કરતા ગયા, દેશકાળના બદલાતા પ્રવાહોને ઝીલતા ગયા. પોતાનું જ નહીં, સૌનું શ્રેય જોતા ગયા અને બુદ્ધિ, કાબેલિયત, ધૈર્ય અને દૂરંદેશીની મદદથી પોતાની કેડી કંડારતા ગયા.
જાહેર જીવનની અપ્રતિમ સફળતાએ અંગત જીવનનો ભોગ પણ લીધો. પ્રથમ સંતાન નાની ઉંમરે મૃત્યુ પામ્યું, પત્ની ડેબોરેહ એકલતા અને ડિપ્રેશનનો શિકાર બની. એના મૃત્યુ વખતે ફ્રેન્કલિન પ્રવાસમાં હતા. એમને એક અવૈધ પુત્ર હતો, વિલિયમ. તેને એમણે ન્યૂ જર્સીનો ગવર્નર બનાવ્યો હતો, પણ પિતાપુત્ર વચ્ચે સારા સંબંધ ન હતા. જીવનનાં આખરી વર્ષોમાં તેઓ એકલા અને બીમાર હતા. 1788માં એમણે જાહેર જીવન છોડ્યું અને 1790માં 84 વર્ષની ઉંમરે પ્લુરસીથી એમનું મૃત્યુ થયું. એમની કબર ફિલાડેલ્ફિયાના ક્રાઈસ્ટ ચર્ચ બરિયલ ગ્રાઉન્ડમાં છે.
તેઓ કહેતા, ‘દુનિયામાં નિશ્ચિત બાબતો બે જ છે, પુસ્તકો અને મૃત્યુ.’ બાવીસમાં વર્ષે એમણે પોતાની કબર પર કોતરાવવાનું લખાણ તૈયાર કરેલું, ‘અહીં પ્રિન્ટર બેન્જામિન ફ્રેન્કલિન જૂના પુસ્તકના પૂંઠાની જેમ, કીડાઓથી કોતરાતો સૂતો છે. પણ એનું કામ એટલું નાશવંત નથી. કેમ કે એ ફરી આવશે – સર્જકે સુધારેલી અને સત્યની વધુ નજીક એવી નવી અને વધારે સારી આવૃત્તિની જેમ.’ જો કે એમની ખરી કબર પર ચાર જ શબ્દો છે : ‘બેન્જામીન અને ડેબોરાહ ફ્રેન્કલિન.’
જિંદગી અને મૃત્યુ વિશે એમના આ શબ્દો યાદ રહી જાય એવા છે : ‘સવારે નવ વાગ્યે હું જાગું છું અને તરત તાજું છાપું હાથમાં લઉં છું. છેલ્લે શ્રદ્ધાંજલિનું પાનું જોઉં છું. મારું નામ એમાં ન હોય તો ઊભો થાઉં છું.’ ‘જો મૃત વ્યક્તિઓની જેમ વિસ્મૃત રહેવું ન હોય, તો કંઈક લખો અથવા કોઈને તમારા વિશે લખવાનું મન થાય એવું કરો.’ ‘કેટલાક લોકો 25માં વર્ષે મરી જાય છે અને 75માં વર્ષે કબરમાં દટાય છે.’ ‘જિંદગીની કરુણતા એ છે કે આપણે વૃદ્ધ ઘણા વહેલા થઈ જઈએ છીએ અને ડહાપણ ઘણું મોડું આવે છે.’ ‘જ્યારે તમે પરિવર્તનનો અંત આણો છો ત્યારે પોતે પણ અંત પામો છો.’ ‘હું મૃત્યુને ઊંઘ જેવું ગણું છું. સવાર પડે એટલે સ્ફૂર્તિ સાથે ઊભા થવાનું.’
એક મિત્રની અંતિમક્રિયા સમયે એમણે કહ્યું હતું, ‘આપણે આત્માઓ છીએ. આપણને શરીર મળ્યું છે કે એના દ્વારા આપણે આનંદ અને જ્ઞાન મેળવીએ, લોકોનું કંઈક ભલું કરીએ અને આપણા સરજનહાર જેવા મૈત્રીપૂર્ણ, પ્રેમાળ, ઉદાર અને કરુણાભર્યા બનવા પ્રયત્ન કરીએ. પણ જ્યારે શરીરમાં આ બધું કરવાની યોગ્યતા ન રહે, જ્યારે એ આનંદને બદલે પીડાનું કારણ બને, મદદરૂપ થવાને બદલે ભારણ બને, જે હેતુઓ માટે એ આપણને મળ્યું છે એને વહન કરવા યોગ્ય ન રહે ત્યારે આપણને એનાથી છૂટવા મળે એવો કોઈ કલ્યાણકારી માર્ગ હોવો જોઈએ. મૃત્યુ એ માર્ગ છે.’
એમણે પોતાના જીવન અંગે પણ અમુક નિયમો નક્કી કર્યા હતા અને એ જ નિયમોની સીમાઓમાં રહી જીવ્યા હતા. આ નિયમો એટલે સ્વચ્છતા, શ્રમ, વ્યવસ્થા, કરકસર, સંકલ્પ, શાંતિ, અંકુશ, વિનમ્રતા, સંયમ, નિષ્ઠા, મિતભાષીપણું, ચારિત્ર્ય અને ન્યાય.
જીવનમાં એમને સફળતાઓ સાથે નિષ્ફળતાઓ પણ મળી જ હતી. તેઓ સફળતાથી ફુલાયા નહીં અમે નિષ્ફળતાથી હાર્યા નહીં. એમનાં થોડાં વચનો સાથે જ વિરમીએ : ‘તમારા શત્રુને ચાહો, કેમ કે એણે જ તમને તમારી ક્ષતિઓ બતાવી’, ‘પોતાની જાત સાથે જેને દોસ્તી હોય, તેનો કોઈ શત્રુ હોતો નથી.’, ‘આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો’, ‘આપણી બારીઓ કાચની હોય ત્યારે બીજાના ઘર પર પથ્થર ન ફેંકાય’, ‘તમે જે બનવા ધારો, બની જ શકો’, ‘વ્હેન યુ આર ગૂડ ટુ અધર્સ, યુ આર બેસ્ટ ટુ યૉરસેલ્ફ’, ‘સ્વતંત્રતા કોઈને આપી શકાતી નથી. એ એક અધિકાર છે, ઈશ્વર અને પ્રકૃતિના કાયદાએ આપેલો અધિકાર.’
અને ‘જે સમાજ થોડી સલામતી મેળવવા થોડી સ્વતંત્રતા જતી કરે તેને છેવટે સ્વતંત્રતા કે સલામતી બેમાંથી એકે મળતી નથી.’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 16 જાન્યુઆરી 2022