રણમેદાન અસ્તવ્યસ્ત છે અને ખેલાડીઓ જુદ્ધ ખેલવાના ધખારાં બતાવી રહ્યાં હોય એવી નરક સમી ઉત્તર પ્રદેશમાં હાલત છે. યુ.પી. સરકારના મંત્રી દારાસિંહે રાષ્ટ્રપતિને જે પત્ર લખ્યો એમાંથી ભા.જ.પ.નો આંતરવિરોધ વિસ્ફોટની માફક ફૂટી નીકળ્યો છે. ચૂંટાયેલા ધારાસભ્યો, મંત્રીઓ એકાએક અન્ય પક્ષો તરફ કેવળ લાલચથી જ વળે એ માની શકાતું નથી. ભા.જ.પ. ધનવાન, વગદાર, કેન્દ્રીય સત્તાવાળી પાર્ટી હોય ત્યારે વિચારવું જોઈએ. હકીકતે યોગીશાસન દુઃશાસન જ રહ્યું છે, જેનો પણ આ પડઘો છે.
કોરોનાપૂર્વે સરકારી હૉસ્પિટલમાં ઑક્સિજન વિના બાળકો મરી જાય અને એને બચાવનાર(થોડાંક)ને, ડૉક્ટરને રિબાવવામાં આવે! ઉન્નાવમાં ધારાસભ્ય સેંગર બળાત્કાર કરે. અન્યત્ર જ પીડિતાનું શરીર કુટુંબને સોંપ્યા વિના અગ્નિસંસ્કાર કરી દેવાય! પ્રધાન ધમકી આપે, અને પ્રધાનપુત્ર ગાડી ખેડૂતો પર ચડાવીને ખેડૂતોને મારી નાંખે! જ્યાં યોગી ચૂંટણી ટાણે હવે નહેરુ નહીં, જિન્નાહને યાદ કરે! ગન્ના વિરુદ્ધ જિન્નાહ! ૮૦, ૨૦ની વાત કરીને, ધર્મનિરપેક્ષતાના શપથ લેનાર મુખ્ય મંત્રી ખુલ્લેઆમ સાંપ્રદાયિક હાકલ કરે અને ચૂંટણી આયોગ નમાલું બનીને તમાશો જોયા કરે! UAPA હેઠળ કોઈને પણ પકડી લેવામાં આવે! હમણાં જ ગોરખપુરમાં જે પરિવારને મરાયો એ પોલીસ સામે સી.બી.આઈ.એ ચાર્ટશીટ કરી છે! ખેડૂતોને કચડી નાંખે, મારી નાખનારને બચાવનાર પોલીસ સામે સરકારી ફરિયાદ થઈ છે! લખનૌમાં શંકાના આધારે હિંદુ ઇજનેરને ભૂલમાં મારી નંખાયો! ‘બધાંમાં રાજ્યને મદદ કરનાર ડી.જી.પી. હવે સત્તાવાર ભા.જ.પ.ના ઉમેદવાર પણ બન્યા!
અપરાધમુક્ત ઉત્તર પ્રદેશની જાહેરાત દિલ્હીથી માંડી કર્ણાટક સુધી મેટ્રોથી માંડી રોડ રસ્તે બૅનર, પોસ્ટરથી કરાઈ છે, જે અફવા છે. અમિત શાહ કે યોગી વાંચતા જ નથી. ગૃહમંત્રાલયના NCBના રિપોર્ટમાં જ અપરાધોની સંખ્યા વધી છે તે દર્શાવાયું છે. વળી, ૨૦૧૯ના આંકડાઓ શહેર મુજબ – કાનપુર, ગાઝિયાબાદ કે લખનૌના જુઓ તો અનુક્રમે બમણાં, આઠ ગણાં અને છ ગણાં થયાં છે! આ જ રિપોર્ટમાં ઘરેલુ હિંસા અને બળાત્કારમાં થયેલો વધારો છે. દલિત મહિલા પર ૭% અને આદિવાસી પર ૧૩% બળાત્કારો વધ્યાં છે! ઍન્ટિ રોમિયો સ્ક્વૉડના નામે પ્રેમી-યુગલોને પરેશાન કરવામાં પાછી પાની કરી નથી, જેમાંથી યુ.પી.માં ભા.જ.પ. આવ્યો એ મુઝફ્ફનગરની લવ-જેહાદવાળી નીતિ પણ ચાલુ જ રહી. ઢગલો ઍન્કાઉન્ટર્સ. પરિવારોની અંગત જિંદગી પણ તબાહ કરાઈ રહી છે.
દમદાર, ઈમાનદાર સરકારની વાત કરનાર યોગીજી રાજ્યનું ૭૦% બજેટ પણ વાપરી શક્યા નથી! શંખનાદ અને ઘંટનાદ જ ચાલે છે. કાશી કોરિડોર અને રામમંદિરના નામે સેંકડો ઐતિહાસિક મંદિરોનો ખાતમો બોલાવ્યો છે. અયોધ્યામાં દલિતોની જમીનો પક્ષના કાર્યકરો, સરકારી અધિકારીઓએ પડાવી લીધી છે. જેની વિગતો સમૂહમાધ્યમમાં આવી ચૂકી છે. વારે વારે ગંગાની વાત કરનારાંઓ ગંગા, યમુના, ગોમતીને જોઈ આવોઃ નરકમાં રૂપાંતરિત થઈ રહી છે. ગંગા એક્સપ્રેસ હાઇવેની યોજના જેમાં ૧૪૦ તળાવોનો નાશ થવાનો છે.
શિક્ષણ પણ રામભરોસે ચાલે છે. યોગીજીના મંત્રાલયે જ પાંચ વર્ષની સમીક્ષા કરાવી છે. શિક્ષકોની યુ.પી.માં ૨૧% જગાઓ ખાલી છે. રાજ્યોમાં ૧૮,૦૦૦ શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. પટાવાળો પણ શિક્ષક જ. પરીક્ષાનાં કૌભાંડો ગુજરાત જેવાં અને જેટલાં જ રહ્યાં છે. વિશ્વગુરુની વાતો કરનારાંઓએ જોવું જોઈએ કે શિક્ષણમાં યુ.પી. ૧૭મા ક્રમે છે! તેલંગાણા, બિહાર અને ઝારખંડ સાથે! શિક્ષણવંચિત પેઢી તૈયાર કરાઈ રહી છે. 'બચ્ચા બચ્ચા રામ કા, અનપઢો કે કામ કા.' ભારતમાં ગયા વર્ષ કરતાં ૨૩ લાખ બાળકોનું એનરોલમેન્ટ ઓછું થયું એમાં એકલા ઉત્તર પ્રદેશનો સિંહફાળો ૭ લાખનો છે! પોસ્ટરબોય પ્રચારજીવી મુખ્ય મંત્રીએ આ આંકડા જોયાં છે? ઉચ્ચ શિક્ષણની તો વાત જ જવા દો. ઉત્તરવહીઓની ઢીલી તપાસના આંકડાથી છાપાં ઉભરાતાં હતાં. ૯૦% શાળાઓ માપદંડ મુજબની નથી. અલ્હાબાદ કોર્ટે ચુકાદો આપેલો સરકારી કર્મચારીઓએ ફરજિયાત પોતાનાં સંતાનોને સરકારી શાળામાં ભણાવવા પડશે અન્યથા કડકમાં કડક સજા થશે. આ આદેશનું જરા પણ પાલન થયું જ નથી! યુપીમાં ૬,૨૯,૦૦૦ બાળમજૂરો છે! પંદર કરોડ કરોડ લોકો યુ.પી.માં બેકાર છે. ૫૪% મહિલાઓ નિરક્ષર છે. મહિને અપાતાં ૧૦ કિલો અનાજ, મીઠું, દાળ તેલમાં થતી ભેળસેળ રોજબરોજની ઘટના છે.
આ બધાંનું શું કરવાનું એની વાત ભા.જ.પ. કરતું જ નથી. કરવા માંગતું પણ નથી. હજુ ઘોષણાપત્ર કેમ રજૂ નથી કર્યું? હકીકત એ છે કે એમને સાંપ્રદાયિકતાના જોરે જ ચૂંટણી જીતવી છે. તેથી જ જિન્નાહ – ગન્ના , ૮૦-૨૦ ચાલ્યાં કરે છે. જેનાથી સામાજિક વિભાજન વધુ મજબૂત થઈ શકે. સાંપ્રદાયિકોને 'રાષ્ટ્ર' બોલતાં શરમ આવવી જોઈએ. એ લોકોએ રાષ્ટ્રનો મેગાસેલ માંડ્યો છે. એક મીટર રેલવે લાઇન નથી નાંખી એને રેલવે, જેણે એક મીટર હવાઈપટ્ટી નથી નાંખી એને વિમાનમથકો આપી દીધાં છે! ખેડૂતોની શેરડીના કરોડો રૂપિયા બાકી છે ચૂકવવાના એની વાત નથી થતી. કોરોનામાં ગંગામાં તરતી લાશો તરફ યોગીજીને કોઈ મોહમાયા ન હતી, એ જ ગંગામાં મોદીજીની એક ડૂબકી સાડા છ કરોડમાં પડી! સાંપ્રદાયિકોને રાષ્ટ્ર, દલિત, શિક્ષણ, આરોગ્ય કોઈની સાથે સંબંધ નથી હોતો. બાકી ગૌમાંસ નિર્યાતમાં યુ.પી. પ્રતિ વર્ષ ૧૭,૦૦૦ કરોડનો વેપાર કરે છે. (ભારતના ગૌમાંસ નિર્યાતના નવ મોટાં વેપારી નવેનવ હિન્દુ છે!) પણ સાંપ્રદાયિકો ઉના જેવી ઘટના માંસાહારના નામે કરી શકે છે. લોકોની ખાણી-પીણી, ધર્મ, રીતરિવાજ, લગ્નપસંદગીના વિવિધ મુદ્દાઓ પર તોફાનો થાય છે.
આ બધાની વચ્ચે પણ કિસાન આંદોલનથી હવા બદલાઈ છે. કદાચ, પ્રજા હિન્દુમુસ્લિમના મુદ્દાથી અળગી રહેશે. ભા.જ.પ. આવવાનું કારણ વિકાસ, અને દલિતો-લઘુમતીને પણ અચ્છે દિનની આશા હતી. જે નથી ફળી એ દારાસિંહનો પત્ર પ્રતીતિ કરાવે છે. પક્ષ છોડે કે તરત જ એ મંત્રી કે ધારાસભ્ય પર વર્ષો પહેલાંના પોલીસ કેસ ખૂલવા માંડે છે. સામ-દામ-દંડ-ભેદમાં કુશળ ભા.જ.પ. આવા યુ.પી.માં જીતે કે ન જીતે પણ એની લોકપ્રિયતાનો આંક ખાસ્સો નીચો ગયો છે એ તો હવામાનમાંથી પારખી શકાય છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 09