૧.
“ધારો કે આ વાર્તા નથી” / રણછોડભાઈ પરમાર
છે તો આ એક વાર્તાસંગ્રહ, પણ માનનીય હિમાંશીબહેન શેલતે એનું નામ રાખ્યું છે, “ધારો કે આ વાર્તા નથી.” આપણને તરત જ પ્રશ્ન થાય કે આવું નામ કેમ રાખ્યું હશે ? એ જાણવા માટે પુસ્તક વાંચવું પડે. મેં વાંચ્યું. શું મળ્યું મને આ પુસ્તકમાંથી ?
આ પુસ્તકમાં કુલ નવ વાર્તાઓ છે. એમાં આઠ વાર્તાઓ હિમાંશીબહેન કાયમ લખે છે તેવા કદની, મતલબ કે છથી આઠ પાનાંની, જ્યારે એક થોડીક લાંબી છે. પૂરાં વીસ પાનાંની. પણ એમાં નવાઈ પામવાની જરૂર નથી. પન્નાલાલ પટેલે વાત્રકને કાંઠે અને સાચાં શમણાં જેવી ઘણી લાંબી વાર્તાઓ લખેલી છે.
હિમાંશીબહેનનો દરેક વાર્તાસંગ્રહ નવાં શિખર સર કરે છે. આ વાર્તાઓ પણ આગળની તમામ વાર્તાઓ કરતાં વધુ એક પગલું આગળ વધે. તેમની વારતાઓ હંમેશાં સામાજિક નિસબત ધરાવતી રહી છે. હાલના સમયમાં મૉબ લિંચિંગ, કુમળી બાળાઓ પર અત્યાચાર, વૃદ્ધોની અવગણના, શાળાનાં બાળકોમાં વધતી હિંસાની ઘટનાઓ, મહિલાઓની મજબૂરી વગેરે બાબતોના સમાચારો રોજ છાપાનાં પાનાં પર છપાતા રહે છે. સડેલા વ્યવસ્થાતંત્રને આ બધું કોઠે પડી ગયું છે. પણ સામાન્ય માણસ અકળાય છે. અંદર ને અંદર ભીંસાય છે. કશું કરી શકાતું નથી. અરે, ફરિયાદ પણ કરી શકાતી નથી. એટલે જ કદાચ હિમાંશીબહેન કહે છે, “જે કાળખંડમાં જીવવાનું આવ્યું છે એની ભીંસ અનુભવું છું. આ વાર્તાસંગ્રહની તમામ કૃતિઓમાં એ રાજકીય અને સામાજિક પરિબળોનું દબાણ વરતાય છે.”
આ સીધીસાદી ફુરસદમાં વાંચવાની વાર્તાઓ નથી, કોઈ પેમલાપેમલીની વાર્તાઓ નથી. સાધુ સંતો રોજ માઈકમાં કહે છે તેવી ઉપદેશાત્મક વાર્તાઓ નથી, પણ પેલાં કુમળાં બાળકો, મજબૂર સ્ત્રીઓ અને બેબસ ઈન્સાનોનો ચિત્કાર છે. જે સાંભળ્યા પછી મગજ સુન્ન થઈ જાય છે. ચિત્તને કયાં ય સુધી શાતા મળતી નથી. અને એટલે જ એનું નામ રાખ્યું છે, “ધારો કે આ વાર્તા નથી.”
૨.
સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ વિશે / પ્રણય જામનગરી
આ ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ શબ્દયુગ્મ પ્રત્યેક શબ્દને પોતાની શરતે અથાર્ન્વિત કરવાનો સ્વાર્થિક પ્રયત્ન છે. સંસ્કૃતિ એ ક્યારે ય દેશકાળની સીમાઓમાં બાંધી શકાય નહીં. સંકુચિત રાષ્ટ્રવાદમાં કોઈ ખરો સર્જક પોતાના શબ્દને વેડફી મારે નહીં; રવીન્દ્રનાથ ટાગોરની ‘ઘરે બાહિરે’ નવલકથાને કાકાસાહેબ કાલેલકરે એથી જ ‘રાષ્ટ્રોદ્ધારક નવલકથા’ કહી છે.
હિન્દીમાં પોલિટિકલ સૅટાયર બહુ સફળતાથી પ્રભાવક રીતે લખાય છે. આપણે ગુજરાતીમાં તો ચુનીલાલ મડિયા અને હરીન્દ્ર દવે અને વિનોદ ભટ્ટના શબ્દથી સંતોષ માનવો પડે. એ પણ કેટલા ગુજરાતી વાંચકને અંદરથી અસ્વસ્થ કરી શકી છે ? હિન્દીમાં ફણીશ્વરનાથ રેણુ, મન્નુ ભંડારી, હરિશંકર પરસાઈ, ‘રાગ દરબારી’ના સર્જક શ્રીલાલ શુક્લ અને ‘જો સચ બોલેગા, મારા જાયેગા’ના કવિ રમેશ જોશીને યાદ કરવા જેવા.
હા, શેખાદમે ‘ખુરશી કાવ્યો’ લખી યાદગાર કવિતા આપી ખરી !
ટાગોરની રીતે જો કહેવાનું હોય તો ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ને સ્થાને મને ‘વૈશ્વિક સાંસ્કૃતિકવાદ’ અથવા ‘વૈશ્વિક માનવવાદ’ શબ્દયુગ્મ વધુ ગમે.
‘ઘરે બાહિરે’માં રાષ્ટ્રને માટે હિંસાત્મક વલણના વિરોધી ટાગોર કહે છે કે ‘દેશકાળથી ઉપર જે સત્ય છે એને જ હું વંદન કરીશ’.
આપણને માનવમાત્ર પ્રત્યે પ્રેમ-કરુણા-અનુકંપા હોય એ જ વૈશ્વિક માનવસંસ્કૃતિ ગણાય. કરે કે ન કરે પણ દરેક રાષ્ટ્રે આ વૈશ્વિક માનવસંસ્કૃતિનું-માનવવાદનું ગૌરવ કરવું જોઈએ.
સ્પષ્ટ રીતે કહેવું હોય તો પૃથ્વીના કોઈ પણ ખૂણે, કોઈ પણ દેશની કોઈ પણ વ્યક્તિમાં રહેલ સત્યમ્-શિવમ્-સુન્દરમ્ને વંદન કરવાની આપણી સંપૂર્ણ તૈયારી હોવી જોઈએ. આ જ સાચી સંસ્કૃતિ જે સદીઓથી મહિમાવંત ગણાઈ છે.
સૌન્દર્યની સત્તા અને સત્તાનું સૌન્દર્ય સામસામા છેડાનાં જ હોવાનાં !
(૧૬ જાન્યુઆરી ૨૦૨૨ના ‘નિરીક્ષક’માં પ્રકાશિત લેખ સંદર્ભે બે ટિપ્પણી, ફેસબુક સૌજન્ય)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 13