વર્ણવ્યવસ્થા અને જ્ઞાતિવાદ આપણા દેશની લાક્ષણિકતા છે. દેશ એનાથી બંધાયેલો છે ને એનાથી તૂટતો રહ્યો છે. શોષણ અને અન્યાયના આ સળગતા ખેલની જ્વાળાઓ પર સત્તાવાળાઓ પોતાની રોટલી શેકતા રહ્યા છે. આ સમસ્યાને કેન્દ્રમાં રાખીને અનેક અસરકારક ફિલ્મો બની છે. એમાંની અમુક અહીં ચર્ચવામાં આવી છે …
થોડા વખત પહેલા કેરળમાં એક નીચી જ્ઞાતિનો છોકરો 200 રૂપિયાની કિંમતના ચોખા ચોરતાં પકડાયો. લોકોએ તેને ખૂબ માર્યો અને પોલિસને સોંપ્યો. પોલિસે પણ મારપીટ કરી. એ ભૂખ્યો હતો, માનસિક રીતે અસ્વસ્થ હતો એમાં આટલો માર. છોકરો મરી ગયો એટલે આખી વાત છાપામાં આવી, બાકી આવા કેટલા બનાવ આ દેશમાં બનતા હશે, તેનો કોઈ હિસાબ નથી. એક તારણ મુજબ રોજની ચાર દલિત સ્ત્રીઓ બળાત્કારનો ભોગ બને છે, એ જાણીને એક પત્રકારના મોંમાંથી નીકળી ગયું, ‘બસ?’ આ પ્રતિભાવના અનેક અર્થ છે અને એ દરેકના પડછાયા ઘેરા અને લાંબા છે.
વર્ણવ્યવસ્થા અને જ્ઞાતિવાદ આપણા દેશની લાક્ષણિકતા છે. દેશ એનાથી બંધાયેલો છે ને એનાથી તૂટતો રહ્યો છે. શોષણ અને અન્યાયના આ સળગતા ખેલની જ્વાળાઓ પર સત્તાવાળાઓ પોતાની રોટલી શેકતા રહ્યા છે. આ સમસ્યાને કેન્દ્રમાં રાખીને અનેક ફિલ્મો બની છે. તાજેતરમાં આવેલી ફિલ્મ ‘જય ભીમ’ આ જ વિષયવસ્તુ પર બની છે અને ખૂબ ચર્ચાઈ રહી છે ત્યારે વાત કરીએ થોડી ઉદાહરણરૂપ ફિલ્મોની.
‘જય ભીમ’ સત્યઘટના પરથી બની છે. નેવુંના દાયકામાં તમિલનાડુના એક નાના ગામનો આદિવાસી પોલિસના મારથી મૃત્યુ પામ્યો. આ અન્યાય બદલ યુવાન ધારાશાસ્ત્રી ચંદન પોલિસ વિરુદ્ધ લડ્યો હતો. આ ઘટના પરથી બનેલી ‘જય ભીમ’ અસરકારક રીતે એ બતાવે છે કે આપણા મહાન ભારતમાં માણસ કોઈ ખાસ જ્ઞાતિનો હોય અને ગરીબ હોય એટલે એને ગુનેગાર સમજવાનું ને સજા કરવાનું લાયસન્સ એના શેઠને અને પોલિસને આપોઆપ મળી જાય છે. એ લોહીલુહાણ, હલીચલી પણ ન શકે એવી સ્થિતિમાં હોય છતાં એ ‘ભાગી ગયો’ એમ પુરવાર કરી શકાય છે. ખૂબ જોખમ ઉઠાવીને એ માણસની સગર્ભા પત્નીને મદદ કરતો અને એ પોલિસના મારથી મરી ગયો હતો એમ સાબિત કરતો વકીલ સાચું જ કહે છે, ‘કૉર્ટનું મૌન સૌથી વધુ જોખમી છે.’
જ્ઞાતિવાદની ભયંકરતા 2012ની ફિલ્મ ‘શૂદ્રા’માં પણ અસરકારક રીતે બતાવાઈ હતી. દલિતોને વહેતી નદીમાંથી પાણી ન મળે. એમને ગળે કુલડી અને પાછળ સાવરણી બાંધીને ફરવું પડે, એના બાળકને ભગવાનનું નામ લેવા બદલ સજા થાય, એમની સ્ત્રીઓને જમીનદારની વાસનાનો શિકાર બનવું પડે – દલિતો સાથે ભૂતકાળમાં જે થતું તેનો દસ્તાવેજી નમૂનો જ જોઈ લો. અંતે દલિતો જાગે છે, વિદ્રોહ કરે છે, પણ એ કરુણાન્ત નીવડતો બતાવાયો છે. આખી ફિલ્મ ડિસ્ટર્બ થઈ જવાય તેવા અત્યાચારોથી ભરેલી છે. વિ.હિ.પ. અને બજરંગ દળે આ ફિલ્મ પર પ્રતિબંધ મુકાવ્યો હતો.
2019ની ફિલ્મ ‘આર્ટિકલ 15’માં યુરોપમાં રહેલા અને દિલ્હીમાં ભણેલા એક આઈ.પી.એસ. અફસરનું પોસ્ટિંગ ગ્રામીણ ભારતમાં થાય છે તેના થોડા જ દિવસમાં ત્રણ દલિત છોકરીઓ ગુમ થઈ જાય છે, બેની લાશ બીજા દિવસે ઝાડ પર લટકતી મળે છે, ત્રીજી ક્યાં છે કોઈને ખબર નથી. કેસ બંધ કરવાના ખૂબ દબાણ વચ્ચે અફસર પોતાની ફરજ બજાવતો રહે છે. આખરે સત્ય બહાર આવે છે. છોકરીઓનો ગુનો એ હતો કે એમણે ત્રણ રૂપિયાનો પગારવધારો માગ્યો હતો. ‘આ હિંમત? એ લોકોને એમની જગ્યાએ રાખવા જ પડે.’ માલિક કહે છે અને છોકરીઓને ઉપાડી જવાય છે. એમની સાથે શું થયું હશે એ કહેવાની જરૂર નથી. ભારતના બંધારણની પંદરમી કલમ કહે છે કે સૌ સમાન છે. … છે?
1959ની ‘સુજાતા’માં ઊંચનીચના ભેદભાવનું ગાંધીઅન સૉલ્યુશન હતું. ‘સુજાતા’, મૂળ તો સુબોધ ઘોષની બંગાળી વાર્તા. અનાથ અછૂત સુજાતા(નૂતન)ને એન્જિનિયર ઉપેન અને એની પત્ની(તરુણ બૉઝ, સુલોચના)એ એમની ઉછેરી છે. સમજણી થયા પછી સુજાતા અનુભવે છે કે આ ઘરમાં પોતે ‘દીકરી જેવી’ છે ખરી, પણ ‘દીકરી’ નથી. સંબંધોમાં રહેલું આ એક હાથનું અદૃશ્ય અંતર સુજાતાને સમજાયું હોવા છતાં એ એક બ્રાહ્મણ યુવક અધીર(સુનીલ દત્ત)ને ચાહી બેસે છે અને પછી … પછી સમીકરણો ઝડપથી બદલાય છે. અમુક જ્ઞાતિ કે વર્ણમાં જન્મ લેવાથી માણસ મોટો કે નાનો નથી થઈ જતો એ ગાંધીપ્રેરિત વિચાર ખૂબ સુંદર અને કલાત્મક રીતે ફિલ્મમાં વણી લેવાયો છે.
એક ગુજરાતી ફિલ્મ ‘ભવની ભવાઈ’ આ સંદર્ભે ખાસ યાદ કરવા જેવી છે. 1980માં બનેલી આ ફિલ્મને અનેક ઍવૉર્ડ મળ્યા હતા અને ઓમ પુરી, સ્મિતા પાટિલ, નાસિરુદ્દીન શાહ, મોહન ગોખલે, સુહાસિની મૂળે અને દીના પાઠક જેવાં કલાકારોએ અભિનય કર્યો હતો. આઝાદીની લડત દરમિયાન ભૂગર્ભ રેડિયો ચલાવનાર ઉષાબહેન મહેતાના ભત્રીજા અને એમના પર ફિલ્મ બનાવવા માટે અત્યારે કરણ જોહર સાથે જેની સ્પર્ધા ચાલે છે, એ કેતન મહેતા ત્યારે એફ.ટી.આઈ.આઈ.માંથી તાજા સ્નાતક થયા હતા. એમની આ પહેલી ફિલ્મ હતી.
ચક્રસેન રાજા(નાસીરુદ્દીન શાહ)ના દરબારમાં એક દિવસ ખૂબ દુર્ગંધ આવે છે. ખબર પડે છે કે આજે ભંગીઓ લગ્ન હોવાથી સફાઈ કરવા નથી આવ્યા. રાજા એમને પકડી મંગાવી માર મરાવે છે. આ રાજાને બે રાણી છે. મોટી રાણીને પુત્ર અવતરે છે ત્યારે નાની રાણી જ્યોતિષીને લાંચ આપી ‘આ છોકરો તમારો જીવ લેશે’ એવું કહાવે છે, રાજા નવજાત બાળકનો વધ કરવાનો હુકમ આપે છે, સિપાઈ એને પેટીમાં તરતો મૂકી દે છે, અને એ ભંગી દંપતી માલો અને ધોળી(ઓમ પુરી, દીના પાઠક)ના હાથમાં આવે છે. બન્ને એને દીકરો ગણી ઉછેરે છે. રાજા પુત્રપ્રાપ્તિ માટે વાવ ચણાવવાનું શરૂ કરે છે. વાવ ચણાઈ રહે છે ત્યાં આ છોકરો જીવો યુવાન થઈ જાય છે. જીવો એ જ પેલો રાજકુમાર, એ જાણી ગયેલા જ્યોતિષી ગતકડું કરે છે, ‘વાવ બત્રીસલક્ષણાનો ભોગ માગે છે.’ અને ‘માલાનો દીકરો જીવો બત્રીસલક્ષણો છે.’ એનો ભોગ આપવાનું નક્કી થાય છે. રાજા, ગામમાંથી આભડછેટ દૂર કરવાની જીવાની છેલ્લી ઈચ્છા પૂરી કરવાનું વચન આપે છે.
ફિલ્મના અંત બે છે. એક તો વાર્તાનો હોય એવો સુખદ. જીવો બચી જાય છે, રાજા દીકરાને ભેટે છે, વાવમાં પાણી આવે છે ને ભંગીઓ કુલડીઓ અને ઝાડુ ફગાવીને નાચે છે ‘સુખનો સૂરજ ઊગ્યો’. એ ક્ષણે બ્રેકિંગ ધ ફૉર્થ વૉલ ટૅકનિકથી રંગલો સીધો પ્રેક્ષકો સાથે સંવાદ માંડે છે. જીવો કહે છે, ‘વાહ તમારો સુખનો સૂરજ, વાહ તમારું ગાણું, વાતોની તાંતોથી ગૂંથ્યું કરોળિયાનું જાળું … અંત કહું મારા મનનો, સાર અમારા જીવનનો … હવે માગીએ છોળ પ્રલયની કાળઝાળ વિકરાળ’ અને બીજા અંતનું દૃશ્ય ઊઘડે છે. જીવાનો શિરચ્છેદ થાય છે. માલો વાવમાં પડતું મૂકે છે, પાણીની છોળો ઊડતી આવે છે ને રાજા સહિત બધા તણાઈ જાય છે. આ દૃશ્યો સાથે આઝાદીની લડતનાં દૃશ્યોનું જક્સ્ટાપૉઝિશન રચાય છે. આ બધું જોઈ-સાંભળી રહેલી પૃથ્વી એ પણ જુએ છે કે રાજાઓ ગયા, ભેદો ગયા. ધુમાડા ફૂંકતી ચીમનીઓ સામે સૌની હાલત સરખી છે.
આ ફિલ્મ ધીરુબહેન પટેલના નાટક ‘ભવની ભવાઈ’ પરથી બની હતી અને ભવાઈના જનક અસાઈત ઠાકોરને અર્પણ થઈ હતી. એન.એફ.ડી.સી.એ આપેલા સાડાત્રણ લાખ રૂપિયામાંથી જ એ બની હતી. મોટા ભાગના કલાકારોએ વગર મહેનતાણે અભિનય કર્યો હતો.
અકબર ઈલાહાબાદીનો જુદા સંદર્ભે લખાયેલો આ શેર અહીં લાગુ પડે છે, ‘હમ આહ ભી ભરતે હૈં તો હો જાતે હૈં બદનામ, વો કત્લ ભી કરતે હૈં તો ચર્ચા નહીં હોતી …’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 21 નવેમ્બર 2021