'પિંજરાં' [The Cage]
ઝાંઝીબાર(આજના તાન્ઝાનિયા)માં જન્મેલા અને વીસની વયે શરણાર્થી તરીકે ઇંગ્લેંડ ગયેલા અબ્દુલરઝાક ગુરના(જન્મ ૧૯૪૮)ને ૨૦૨૧નું નોબેલ પારિતોષિક મળ્યાની ઘોષણા થઈ છે. ગુરનાની માતૃભાષા સ્વાહિલી અને સાહિત્યિક ભાષા અંગ્રેજી છે. તેમણે દસ નવલકથા લખી છે. 'પિંજરાં' નામની તેમની ટૂંકી વાર્તા માણીએ, જેના નાયકનું નામ છે હમીદ.
‘ક્યારેક તો હમીદને લાગતું કે પોતે આ દુકાનમાં જ પેદા થયેલો અને આ દુકાનમાં જ મરશે. દુકાન મોકાની હતી, નગરના પરાંના મુખ્ય માર્ગો પર આવેલી.’ મોંસૂઝણાથી મોડી રાત સુધી હમીદ દુકાનમાં જ કામ કર્યા કરતો. વરસેકથી તો દુકાન છોડીને કશે ગયેલો સુધ્ધાં નહિ. (વાર્તાનું શીર્ષક 'પિંજરાં' આવા બંધિયાર અસ્તિત્વને અનુરૂપ છે. હમીદની પાસે પૈસાને નામે મીંડું છે. કદાચ તેનો વસવાટ ગેરકાયદેસરનો હોવાથી તેનું શોષણ કરાઈ રહ્યું છે.)
‘છોકરીએ મોડી સાંજે દુકાનમાં દેખા દીધી, ત્યારે તેને ઝોકું આવી ગયેલું. તેને લાગ્યું કે એક રાક્ષસી હાથે તેને બોચીથી ઝાલ્યો છે અને તે ઝબકીને જાગી ગયો. જુએ તો છોકરી તિરસ્કારથી તાકી રહી છે.’ (જ્યારે જુઓ ત્યારે કામ, કામ ને કામ. સપનાં બિહામણાં જ આવે ને.) છોકરીએ ઘી માગ્યું. તત્ક્ષણ હમીદ આકર્ષાયો. છોકરીના સ્કંધ ઉઘાડા અને તગતગતા હતા. સૂતરાઉ વસ્ત્રની અંદરથી વળાંકો દેખાતા હતા. છોકરી દુકાનની બહાર ઠેકીને ગઈ ત્યારે હમીદ સાવચેત રહેવાની બૂમ પાડતાં માંડ અટક્યો.
વળતી સાંજે છોકરી ફરી પાછી આવી. મન્સૂર નામના ઘરાક સાથે હમીદ ગપ્પાં મારતો હતો. બત્રીસલક્ષણો મન્સૂર લાગલો જ છોકરીને કહેવા લાગ્યો, ‘આવ, આવ, પ્યારી, કેમ છે તું? મહેકે છે ને કંઈ! તારી કાયા તો હરણી જેવી. રાતે સમય મળશે? મારે ચંપી કરાવવી છે.’ પછી તે ખિસ્સામાંના સિક્કા ખખડાવવા માંડ્યો. છોકરીએ તેની સામે જોયું સુધ્ધાં નહિ. તેના ગયા પછી મન્સૂરે ખંધાઈથી કહ્યું: બૈરાં બધાં ય સરખાં! મેડમ થઈને ફરે છે પણ બિછાનામાં આવવા તો દે એક વખત!
હમીદને વાત ગમી નહિ. તેને પ્રતીતિ થતી ગઈ કે થોડા સિક્કાથી મેળવી શકાય એવી વસ્તુ નથી આ. તે છોકરીનું સામીપ્ય ઝંખવા લાગ્યો. છોકરી પાછી આવી ત્યારે હમીદે તેને લટકામાં વધારે સાકર આપી. તે હસી, હાસ્યમાં તુચ્છકાર ભળેલો હતો જો કે. તેણે કહ્યું કે તેનું નામ રુકિયા છે અને તે હોટેલમાં કામ કરે છે.
હમીદે રાતે પોતાના ખોખા જેવા ઘરની બહાર ઊભા રહીને રુકિયાના નામનો ઉચ્ચાર કર્યો અને અનુભવ્યું કે પોતે વધારે એકલો થઈ ગયો છે. આ પિંજરામાંથી ક્યારે છુટાશે? ‘તેણે વિદેશી શહેરની શેરીઓ તરફ જોઈને વિચાર્યું કે અજાણી છોકરીના સ્પર્શથી તેને આખરે મુક્તિ મળશે.’ (ગુરનાના મોટા ભાગના કથાનાયકો ઝાંઝીબારમાં જન્મેલા દર્શાવાયા છે, વળી તે શરણાર્થી તરીકે અન્ય દેશોમાં વસતા હોય છે.) તેણે શેરીમાં ચાલવા માંડ્યું. કોઈ પોલીસવાળો દેખાયો નહિ. (પોલીસવાળાથી ડરવાનું હશે?) જળનો અવાજ સંભળાયો, ખારી ગંધ આવી, તે દરિયાની ખાડી પાસે પહોંચ્યો. તેને પોતાના વતનના દરિયા કાંઠે વીતાવેલું બાળપણ યાદ આવ્યું. (વતનઝૂરાપો આ લેખકનું એક લક્ષણ છે.)
‘ખાડીની પેલે પારના અંધારામાં અહીં-ત્યાં દીવા ઝબૂકતા હતા. કોણ રહેતું હશે ત્યાં? ભયનું લખલખું ફરી વળ્યું. તેણે કલ્પના કરી કે ક્રૂર મોંવાળા જોરાવર માણસો રહેતા હશે, જેમના પગ નૃત્યમાં ધમધમતા હશે અને શત્રુઓનાં લોહીને ધૂળમાં રગદોળતા હશે. આ માણસોને ખબર હતી કે તેઓ ક્યાં હતા અને પોતે જાણતો સુધ્ધાં નહોતો કે ક્યાં આવી પડ્યો છે.’ (આફ્રિકાના આદિવાસીઓના રિવાજો તરફ ઇશારો.)
છોકરી દુકાને આવે ત્યારે હમીદ તેને કંઈ ને કંઈ વધારે આપી દેતો. કશાની અછત હોય તો વિશેષ ઘરાકો માટે સાચવેલી સામગ્રીમાંથી આપતો. રાતે કલ્પના કરતો કે રુકિયા પડખામાં જ છે. શેરીએ ટહેલતાં તેને લાગતું કે ખભે તેનો જ હાથ છે. ના, મન્સૂરની ડંફાસ ખોટી હતી. ‘થોડી શિલિંગથી ખરીદાઈ શકે એવી છોકરી નહોતી આ, એને માટે તો ગાવું પડે, ઠઠારો કરવો પડે, બહાદુરી બતાડવી પડે.’
એક મોડી સાંજે રુકિયા દુકાને આવી. અન્ય ઘરાકો નહોતા. તેણે મશ્કરી માંડી, ‘અલ્યા, કેટલું કામ કરે છે તું! પૈસા ક્યાં દાટીને સંતાડ્યા છે?’ બિચારો હમીદ બોલ્યો, ‘મારી પાસે તો કશું જ નથી. દુકાન શેઠની છે.’ પેલી કહે, ‘આટઆટલું કામ અને મોજમજા કશી નહિ?’ હમીદે ચમચો સાકર વધુ મૂકી એટલે રુકિયાએ સ્મિત કર્યું, ‘તું મને કાંઈ ને કાંઈ વધુ આપતો જ રહે છે. મને ખબર છે, બદલામાં તારે કશું જોઈતું હશે. જ્યારે જોઈએ ત્યારે તારે મને આ નાની-નાની વસ્તુઓથી વધારે કંઈક આપવું પડશે.’
‘શરમથી હમીદના હોઠ સિવાઈ ગયા. હળવું હાસ્ય કરીને છોકરી અંધકારમાં સરી ગઈ.’ (હમીદની ભ્રમણાનું નિરસન થયું. શુદ્ધ પ્રેમ મળવો ભલે અસંભવ નહિ હોય, પણ અઘરો તો છે જ.)
આ વાર્તા વાંચીને તમને બીજી કઈ વાર્તા યાદ આવી? ફણીશ્વરનાથ રેણુની ‘મારે ગયે ગુલફામ?' જેના પરથી 'તીસરી કસમ' ફિલ્મ બની હતી – રાજ કપૂર અને વહીદા રહેમાન! હિરામન નામના ચાળીસ વર્ષના અપરિણિત, ભલાભોળા બળદગાડીવાળાને કોઈ સ્ત્રીને મેળામાં લઈ જવાની સવારી મળે છે. સ્ત્રી કે ચંપાનું ફૂલ? ગાડી મહેક-મહેક થાય છે! હિરામન બળદ પર લાકડી વીંઝે ત્યાં ગાડીના પરદા પાછળથી ચાંદીની ઘંટડી શો સ્વર સંભળાયો, 'અહા! મારો મત!' હિરામન તળે ઉપર થઈ ગયો, કોણ બેઠું હશે અંદર? ત્યાં તો ચંદ્રકિરણ પડ્યું અને સ્ત્રીના નાકે આગિયો ચમક્યો. ડાકણ-પિશાચણ તો નથી? તેટલામાં ગાડું વળતાં ચાંદનીમાં આકૃતિ દેખા ઈ… 'અરે બાપ! આ તો પરી છે!'
પરીએ પૂછ્યું, 'ભૈયા, તમારું નામ શું?' ‘હિરામન …' 'ત્યારે તો હું તમને મીતા કહીશ, કારણ કે મારું નામ પણ હીરા છે … હીરાબાઈ.' હિરામને કદી નાટક-ચેટક જોયાં નહોતાં, એ શું જાણે કે હીરાબાઈ મશહૂર અભિનેત્રી હતી. તેણે ગાડા પર પરદો ઢાંકી દીધો. હીરાબાઈના આગ્રહથી હિરામન ગાવા માંડ્યો, 'સજનવા બૈરી હો ગય હમારો …' હીરાબાઈએ કહ્યું, 'તમે મારા ગુરુ, કેટલું સુંદર ગાઓ છો.' હિરામનનું મોં શરમથી લાલ થઈ ગયું.
હીરાબાઈ પાણી પીવા ઊતરી ત્યારે હિરામન તેના તકિયાને સ્પર્શ્યો. પાંચ ચલમ ગાંજો સામટો પીધો હોય તેવો કેફ ચડી ગયો. તેગછિયા ગામમાંથી ગાડું નીકળ્યું. બાળકો પરદાવાળું ગાડું જોઈને ગાતાં ગાતાં સાથે દોડ્યાં, 'લાલી-લાલી ડોલિયા મેં લાલી રે દુલ્હનિયા …' હિરામનને પોતાનું સપનું પૂરું થતું લાગ્યું.
મેળાનું સ્થળ આવ્યું. કંપનીવાળા હીરાબાઈને લેવા આવ્યા, હિરામનને સવારીના કડકડતા રૂપિયા આપીને છૂટો કરાયો. હિરામનને લાગ્યું, પોતાનું જાણે અપમાન થયું. હીરાબાઈએ બક્ષિસના રૂપિયા આપ્યા. આ તો વધુ અપમાન! હીરાબાઈએ આગ્રહ કર્યો – મારું નાટક જોવા આવજે.
મન તો નહોતું પણ હિરામન નાટક જોવા ગયો. હીરાબાઈએ લટકાંમટકાં સાથે નાચવું શરૂ કર્યું. ભીડમાંથી કેટલાંક 'રંડી'ને વખાણવા માંડ્યા. આવી ભાષા હિરામન સહી ન શક્યો. પેલાઓ વિફર્યા, 'કેમ 'લ્યા, તું એનો ભડવો છે?' હિરામન સૌને પીટવા માંડ્યો. પુલીસ વચ્ચે પડી.
હીરાબાઈ હો કે રુકિયા – જ્યારે નિર્દોષતાનો ભ્રમ ભાંગે છે ત્યારે સાચા પ્રેમીને બહુ તકલીફ થાય છે!
પ્રગટ : ‘વિન્ડો સીટ’ નામક લેખકની કોલમ, ‘રવિપૂર્તિ’, “ગુજરાત સમાચાર”
સૌજન્ય : ઉદયનભાઈ ઠક્કરની ફેઇસબૂક દિવાલેથી સાદર