Opinion Magazine
Number of visits: 9455250
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરદાર પટેલ અને મણિબહેન : પિતાપુત્રીની અદ્દભુત જોડી

સોનલ પરીખ|Opinion - Opinion|11 November 2021

સરદાર પટેલ અને મણિબહેન – પિતાપુત્રીની આ જોડી વિશ્વના પટ પર પણ ભાગ્યે જ જોવા મળે એવી અદ્દભુત છે. બંનેએ પોતાનું જીવન દેશને સમર્પિત કર્યું. એવી અજોડ સાદગી અને એવી અજોડ દેશસેવા વિશ્વના પટ પર ભાગ્યે જ જોવા મળે … 

31 ઑક્ટોબર, સરદાર પટેલના જન્મદિન નિમિત્તે અંજલિ આપતી લેખશ્રેણી, વ્યાખ્યાનશ્રેણીનાં આયોજનો થયાં. સરદારની મહાનતા તો એટલી ઊંચી કક્ષાની છે કે અત્યારની આપણી સીમિત અને સંકુચિત સમજમાં પૂરી ઊતરે પણ નહીં, પણ છેલ્લાં થોડાં વર્ષથી સરદારની મહાનતા અને સરદારને થયેલો અન્યાય વગેરે વિષે જરા ઝનૂની ઊછાળા સાથે વાતો થાય છે, એથી એમની ધવલ, શુચિ-શુભ્ર સ્વચ્છ પ્રતિભા એમના ‘ભક્તો’ના હાથે જ જરા ઝાંખી પડી રહી હોય એવું દૃશ્ય ઊભું થાય છે. ભારતનો ઇતિહાસ વર્ણવતાં પુસ્તકોમાં સરદારનો ઉલ્લેખ કેટલી વાર થયો ને કેટલી વાર નહીં એવી ગણતરીઓ, તેમને ન મળેલા વડાપ્રધાનપદ અને તેમને બહુ મોડા મળેલા ભારતરત્ન વિશેના વિવાદોને એમની જગ્યાએ છોડી આપણે એ શિલ્પીના ઘડેલા ભારતને ચાહીએ અને સાચા અર્થમાં અખંડ રાખીએ તો પણ ઘણું. 

બ્રિજના ઉત્તમ ખેલાડી એવા સરદારમાં ખેડૂત જેવી જીદ, બરછટપણું અને દરિયાદિલી હતાં. નહેરુ અને પટેલે લગભગ એક જ સમયે પરદેશમાં વકીલાતનો અભ્યાસ કર્યો હતો. એ દરમિયાન તેમની મુલાકાત થઈ હતી કે કેમ એ જાણવા મળતું નથી. સરદાર પટેલને તેમના લંડનવાસ દરમિયાન પશ્ચિમી વસ્ત્રો ગમી ગયા હતાં પણ પછી ગાંધીજીના સ્વદેશી આંદોલનથી પ્રભાવિત થઈ તેમણે ભારતીય વસ્ત્રો પહેરવાનું શરૂ કરી દીધું. ખાદીની સાથે સાદગી એવી અપનાવી લીધી કે તેઓ દીકરી મણિબહેને કાંતેલી ખાદીનાં કપડાં જ પહેરતા. પિતા એકલા ન પડી જાય તે માટે મણિબહેન પરણ્યાં નહીં અને એમણે પણ જીવનભર હાથે કાંતેલી સફેદ ખાદીની સાડી પહેરી. સરદાર ગૃહ પ્રધાન થયા પછી પણ સાંધેલી સાડી પહેરવામાં મણિબહેનને કે ચશ્માંની તૂટેલી દાંડીમાં દોરી બાંધવામાં સરદાર પટેલને કોઈ સંકોચ ન હતો.

ભારતના પ્રથમ કમાન્ડર ઈન ચીફ જનરલ કરિઅપ્પા અને સરદાર પટેલની એક મુલાકાત વિશે જાણવા જેવું છે. 1947ની વાત. જનરલ કરિઅપ્પાને સંદેશો મળ્યો કે સરદાર પટેલ તેમને તાત્કાલિક મળવા માગે છે. કરિઅપ્પા ત્યારે કાશ્મીરમાં હતા. તેઓ તરત દિલ્હી આવ્યા અને પાલમ એરપોર્ટથી સીધા ઔરંગઝેબ રોડ પર આવેલા સરદાર પટેલના ઘરે પહોંચ્યા. કરિઅપ્પા અંદર ગયા, પાંચ જ મિનિટમાં બહાર આવ્યા. સરદાર પટેલે તેમને એક જ સવાલ પૂછ્યો હતો કે હૈદરાબાદ ઑપરેશન દરમિયાન પાકિસ્તાન તરફથી કોઈ પ્રતિક્રિયા આવશે તો વધારાની કોઈ મદદ વિના તમે તેનો સામનો કરી શકશો? તેનો જવાબ કરિઅપ્પાએ એક જ શબ્દ 'હા'માં આપ્યો હતો અને બેઠક પૂરી થઈ ગઈ હતી. એ સમયના ભારતીય સૈન્યના વડા જનરલ બૂચર કાશ્મીરની પરિસ્થિતિને જોતાં હૈદરાબાદમાં કોઈ કાર્યવાહી કરવાના પક્ષમાં ન હતા. બીજી તરફ ઝીણા ઘમકી આપતા હતા કે ભારત હૈદરાબાદમાં હસ્તક્ષેપ કરશે તો બધા મુસ્લિમ દેશો ભારતને ‘જોઈ લેશે’. કરિઅપ્પા સાથેની બેઠક પછી તરત જ સરદારે હૈદરાબાદમાં ઑપરેશન હાથ ધરવાનો આદેશ આપ્યો અને બીજા અઠવાડિયે હૈદરાબાદ ભારતમાં જોડાઈ ગયું. 

રાજમોહન ગાંધી લખે છે, ‘1947માં પટેલ ઉંમરમાં 10 કે 20 વર્ષ નાના હોત તો કદાચ બહુ સારા અને સંભવતઃ નહેરુથી બહેતર વડા પ્રધાન સાબિત થયા હોત, પરંતુ 1947માં સરદાર નહેરુથી ઉંમરમાં 14 વર્ષ મોટા હતા અને વડા પ્રધાનપદને ન્યાય આપી શકે એટલા સ્વસ્થ પણ ન હતા.’ સરદારના સચિવ વી. શંકરે તેમની આત્મકથા 'રેમિનિસન્સ'માં લખ્યું છે કે 1948ના અંત સુધીમાં સરદાર બધું ભૂલવા લાગ્યા હતા અને મણિબહેને નોંધ્યું હતું કે સરદારને બહેરાશ આવી ગઈ હતી અને થોડી વારમાં થાકી જતા હતા. બગડતી તબિયત સાથે પણ નવા સ્વતંત્ર થયેલા રાષ્ટ્રનું ઘડતર ચાલતું રહ્યું. તેમને અંદાજ આવતો હતો કે અંત નજીક છે અને તેઓ તેમની પ્રિય પંક્તિઓ ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ ગણગણતા રહેતા.

1950ની 12 ડિસેમ્બરે વૅલિંગ્ટન ઍરસ્ટ્રિપ પરથી ભારતીય હવાઈદળના ડાકોટા વિમાનમાં તેમને મુંબઈ લઈ જવાયા. 15 ડિસેમ્બરે તેમણે અંતિમ શ્વાસ લીધા ત્યારે ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું, ‘સરદારના શરીરને અગ્નિ બાળી તો રહ્યો છે, પણ તેમની પ્રસિદ્ધિને વિશ્વનો કોઈ અગ્નિ બાળી શકશે નહીં.’ પ્રકાશ ન. શાહે એક લેખમાં લખેલું વાક્ય યાદ આવે છે, ‘સરદારને કટ્ટરતાથી નહીં પણ કૃતજ્ઞતાપૂર્વક ઇતિહાસવિવેક સાથે સંભારી શકીએ એવી પુખ્તતા અમને પ્રાપ્ત થાઓ!’

આવી જ પુખ્ત કૃતજ્ઞતા સાથે યાદ કરવા જેવાં છે સરદાર પટેલનાં પુત્રી મણિબહેનને. પિતાપુત્રીની આ જોડી વિશ્વના પટ પર પણ ભાગ્યે જ જોવા મળે એવી અદ્દભુત છે.

પત્ની ઝવેરબાના મૃત્યુનો તાર મળ્યો તેને ખિસ્સામાં મૂકી દઈ સરદાર પટેલે પોતાનું કામ પૂરું કર્યું એ વાત બહુ જાણીતી અને ફેમિનિસ્ટોને ગુસ્સે કરે એવી છે. પણ લોખંડી પુરુષનું હૃદય પથ્થરનું નહોતું. સરદારની ત્યારે 31 વર્ષની ભર યુવાની. છસાત વર્ષની દીકરી અને ચારપાંચ વર્ષના દીકરા પર સાવકી માનો ઓછાયો ન પડે એ માટે તેમણે સગાંવહાલાંના આગ્રહ છતાં એમણે ફરી પરણવાની ચોખ્ખી ના પાડી.

કાકા વિઠ્ઠલભાઈ પટેલ બન્ને બાળકોને મુંબઈ લઈ ગયા. મણિબહેન મુંબઈની ક્વિન મેરી હાઈસ્કૂલમાં ભણતાં. સરદાર વિલાયત જઈને બેરિસ્ટર થયા અને મણિબહેનને લઈ અમદાવાદ આવ્યા અને મણિબહેનને કૉન્વેન્ટ સ્કૂલમાં મૂક્યાં. પછી ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં સ્નાતક થયાં અને પિતાનો કાર્યભાર સંભળવા લાગ્યાં. 

એ 1925ની સાલ હતી. અંગ્રેજોએ લોકો પર શિક્ષાત્મક કરવેરો લાદ્યો હતો. કર ન ભરી શકનાર લોકોની અસ્કયામતો સરકાર કબજે કરતી. ગાંધીજી અને સરદાર પટેલે ‘ના-કર’ ચળવળ ઉપાડી. મણિબહેને તેમાં જોડાઈ સ્ત્રીઓને બોરસદ સત્યાગ્રહમાં જોડાવાની પ્રેરણા આપી.

૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહ થયો. સરકારે ખેડૂતો ઉપર આકરો વેરો મૂક્યો હતો અને તેની વસૂલી માટે જુલમ કરવા માંડ્યો. ગાંધીજીના કહેવાથી સરદાર પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લીધી. મણિબહેને મીઠુબહેન પિટીટ અને ભક્તિબા દેસાઈ સાથે મળી સ્ત્રીઓને લડતમાં જોડાવા પ્રેરણા આપી. સ્ત્રીઓ બહોળી સંખ્યામાં સત્યાગ્રહમાં જોડાઈ. તેઓ સરકારે જપ્ત કરેલી જમીનો પર ઝૂંપડીઓ બાંધી તેમાં રહી સત્યાગ્રહ કરતાં.

૧૯૩૮માં રાજકોટ રજવાડાના દિવાન દ્વારા થતા અત્યાચારના વિરોધમાં સત્યાગ્રહ થયો. સિત્તેર વર્ષનાં કસ્તૂરબા નાદુરસ્ત તબિયત છતાં તેમાં જોડાયાં. મણિબહેન બા સાથે રાજકોટ ગયાં. સરકારે બંનેને છૂટા પાડવાનો આદેશ આપ્યો તેના વિરોધમાં મણિબહેન અનશન પર ઊતર્યાં ને બા સાથે રહેવાની મંજૂરી મેળવીને જ જંપ્યાં.

મણિબહેને અસહકારની લડત, મીઠાના સત્યાગ્રહ અને ભારત છોડો આંદોલનમાં પણ ભાગ લીધો અને અનેક વાર જેલવાસ ભોગવ્યો. પિતાપુત્રીએ પોતાનું જીવન દેશને સમર્પિત કર્યું. સ્વાતંત્ર્ય સંગ્રામના અંતિમ અને સ્વાતંત્ર્ય પછીના તરતના તબક્કામાં ઊભા થયેલા અત્યંત મુશ્કેલ સંજોગોમાં તેમને સતત પિતાની દરેક રીતે સંભાળ રાખી. 

1950માં સરદારનું મૃત્યુ થયું. ત્યાર પછી મણિબહેન મુંબઈ આવ્યાં અને સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટ સહિત અનેક સામાજિક સંસ્થાઓમાં સેવા આપી. ભારતને સ્વતંત્રતા મળી તે પછી તેમણે તેમના પિતાના જીવન અને ભારતીય સ્વતંત્રતાની ચળવળને આવરી લેતું એક પુસ્તક પણ લખ્યું. મણિબહેનની રાજકીય કારકિર્દી પણ હતી. તેઓ ગુજરાત પ્રાંત કાઁગ્રેસ કમિટીના ઉપ-પ્રમુખ હતાં, બે વાર લોકસભામાં ચૂંટાઈ આવ્યાં હતાં, ગુજરાત રાજ્ય કાઁગ્રેસના સેક્રેટરી અને પ્રમુખ પણ રહેલાં, કટોકટીનો વિરોધ કર્યો હતો અને જનતા પક્ષની ટિકિટ પર ૧૯૭૭માં મહેસાણામાંથી ચૂંટાઈ આવ્યાં હતાં. ગૂજરાત વિદ્યાપીઠ, બારડોલી સ્વરાજ આશ્રમ અને નવજીવન ટ્રસ્ટ સાથે તેઓ સંકળાયેલા હતાં. તેમનું અવસાન ૧૯૯૦માં થયું હતું. ઈ.સ. ૨૦૧૧માં સરદાર વલ્લભભાઈ પટેલ ટ્રસ્ટ અને નવજીવન પ્રકાશને મળીને તેમની ગુજરાતી ડાયરી છાપીને પ્રકાશિત કરી.

સરદાર પટેલ કહેતા, ‘ક્રોધ ન કરો. લોખંડ ભલે ગરમ થાય પણ હથોડાએ તો ઠંડું જ રહેવું જોઈએ, નહીં તો એ ખુદ પોતાનો હાથો બાળી નાખશે.’ અને ‘જ્યારે જનતા એક થઈ જાય છે ત્યારે તેની સામે ગમે તેટલું ક્રૂર શાસન પણ ટકી શકતું નથી તેથી તમામ ભેદભાવ ભૂલાવીને એક થઈ જાઓ.’

છે ને આજે અને આવતીકાલે અને હંમેશાં યાદ રાખવા જેવી વાત? 

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 31 ઑક્ટોબર 2021 

Loading

11 November 2021 admin
← દિવાળીથી દેવદિવાળી
રોમાન્ટિક વડોદરા પર ઊભેલું મારું લિટરરી વડોદરા →

Search by

Opinion

  • દાદાનો ડંગોરો
  • સોક્રેટિસ ઉવાચ-૧૨  : ભારતીય દેશભક્ત અને સોક્રેટિસ વચ્ચેનો વધુ એક કાલ્પનિક સંવાદ
  • વિશ્વ શાંતિ દિવસે અશાંત અરાજકતા તરફ એક નજર 
  • હકાલપટ્ટી
  • GEN-Z

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved