Opinion Magazine
Number of visits: 9454976
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—118

દીપક મહેતા|Opinion - Opinion|30 October 2021

જ્યારે રસોડું ઊભું નહોતું, બેઠું હતું

રોજિંદા જીવનમાં જાણ્યે-અજાણ્યે ઘણું રિસાઈકલિંગ થતું

રેશનિંગ આવ્યું અને મેરા સુંદર સપના બીત ગયા 

મનને ગમે મુંબઈ, આંખોમાં રમે મુંબઈ,
જૂદું સવારના, જૂદું બપોરના,
જૂદું છે સાંજ સમે મુંબઈ.

૧૯૪૫માં ભજવાયેલા પ્રભુલાલ દ્વિવેદીના નાટક ‘સમય સાથે’નું આ ગીત એ જમાનામાં ખૂબ લોકપ્રિય થયું હતું. કાલબાદેવીની વીશીમાં એક ભાણામાંથી બે કરીને જમનારા છગલો અને જગલો નસીબની બલિહારીથી લાખો રૂપિયા કમાઈ જાય છે અને છગનલાલ નાણાવટી અને જુગલકિશોર શેઠ બની જાય છે ત્યારે ગવાતું આ ગીત ખૂબ લોકપ્રિય બન્યું હતું. પ્રખ્યાત નટો છગન રોમિયો અને અનંત વીણ આ પાત્રો ભજવતા. માત્ર સવાર, બપોર, સાંજે જ નહિ, ક્ષણે ક્ષણે રૂપ બદલતું રહે મુંબઈ. તો છેલ્લાં ૭૫-૮૦ વરસમાં તો કેટલું બદલાઈ ગયું હોય! આપણે ઘરના રસોડાથી જ વાત શરૂ કરીએ.

એ જમાનાના રસોડામાં નહોતાં ગેસનાં સિલિન્ડર કે નહોતા ‘માઈક્રો.’ રસોડું પણ ‘ઊભું’ નહોતું, ‘બેઠું’ હતું. રસોડાના એક ભાગમાં રસોઈ કરવાની ‘ચોકડી.’ ફર્શ કરતાં છ-સાત ઇંચ ઊંચી. તેમાં કાં લોઢાની બે સગડી, કાં ઈંટ-સિમેન્ટમાં જડેલી બીડની ભઠ્ઠી. રસોડાના એક ખૂણામાં, કે બહાર ‘ગેલેરી’માં (એ વખતે બાલ્કનીને ગેલેરી કહેતાં) કોલસાની ગુણ પડી જ હોય. રાંધવા ઉપરાંત ગરમ પાણીના બંબામાં પણ કોલસા જ વપરાય. કોલસામાં પાછી ત્રણ જાત: પથ્થરિયા, લાકડિયા, અને બદામી. એ વખતે મુંબઈમાં ઠેર ઠેર કોલસાની દુકાનો. ત્યાંથી મહિનાનો કોલસો મગાવી લેવાનો. ચોમાસામાં ભીના કોલસા આવે ત્યારે સળગાવતાં નાકે દમ આવે. આજે તો મુંબઈમાં કોલસા ક્યાં મળે એની ય ઘણાખરાને ખબર નહિ હોય. સગડી કે ભઠ્ઠી સળગે એટલે પિત્તળનાં જૂદાં જૂદાં તપેલાંમાં વાનગીઓ રંધાવા મૂકાય. પ્રેશર કૂકર તો હજી આવ્યાં નહોતાં એટલે સીટી વાગતી નહિ. પણ ફરજિયાત ‘સ્લો કૂકિંગ’ને કારણે વાનગીઓ એવી સ્વાદિષ્ટ કે ખાતાં મોમાંથી સીટી વાગી જાય. જાતજાતનાં રસાયણો લગાડેલ વાસણો ત્યારે અજાણ્યાં, એટલે લોઢાની લોઢી પરથી ગરમ ગરમ રોટલી ઊતરતી જાય. ખબર નહિ કેમ, પણ અમારા ઘરમાં ‘તવો’ શબ્દ ક્યારે ય સાંભળ્યો નહોતો. ‘લોઢી’ જ બોલાય. કોલેસ્ટોરલની પરવા કર્યા વગર રોટલી ઘીમાં નહાતી જાય. એ વખતે કામ પર જતાં પહેલાં પુરુષો જમી લે, અને પછી જ ઘરની બહાર નીકળે એવો રિવાજ ઘણાં ઘરોમાં. એટલે ઘીથી સદ્યસ્નાતા રોટલી પહોંચે સીધી પિત્તળની થાળીમાં. સ્ટેનલેસ સ્ટીલ આવ્યું ત્યારે શરૂઆતમાં ઘણાં કહેતાં : ‘અરે, લોઢાની થાળીમાં તે જમાય?’ જમી પરવાર્યા પછી સગડી કે ભઠ્ઠીની રાખ ભેગી કરીને ડબ્બામાં ભરી લેવાય. વાસણ ઉટકવા માટે (સાફ કરવા માટે) એ રાખ વપરાય. એ માટે રંગબેરંગી પાઉડર કે પ્રવાહીની જરૂર જ ન વર્તાય. એ વખતે રોજિંદા જીવનમાં જાણ્યે-અજાણ્યે આવું તો ઘણું રિસાઈકલિંગ થતું.

પાણી ગરમ કરવાનો બંબો

મધ્યમ વર્ગનાં ઘરોમાં ડાઇનિંગ ટેબલ અને ખુરસીનો પ્રવેશ હજી નહોતો થયો. લાકડાના લાલ પાટલા પર બેસવાનું અને સામે થાળી. ઘણાં ઘરોમાં થાળી પણ બીજા પાટલા પર. ચમચા-ચમચી આવી તો ગયા હતા, અને છોકરાં કે જુવાનિયાં વાપરે પણ ખરાં, પણ સબડકા ભરીને જમવાની લિજ્જત મોટેરાંઓ તો જતી કરવા તૈયાર નહોતા. ખાવા-પીવામાં આજ જેટલી વેરાયટી નહિ. ગુજરાતી ઘરમાં પંજાબી દાલ મખ્ખની કે ‘મદ્રાસી’ સાંભાર ભાગ્યે જ બને. આપણે આપણો ધર્મ સંભાળવો. ફ્રૂટનો વપરાશ પણ ઘણો ઓછો. સિઝનમાં કેરી, અને બારમાસી ફ્રૂટ કેળાં. ખરા અર્થમાં ફ્રૂટ ખાવાનું આપણને શીખવ્યું દેશના ભાગલા પછી આવેલા સિંધી-પંજાબીઓએ. અને જૂદા જૂદા પ્રદેશનાં ફ્રૂટ લગભગ આખા દેશમાં મળે એ શક્ય બન્યું કોલ્ડ સ્ટોરેજ ચેનને પ્રતાપે.

કોલસાનો કોથળો

રેડી ટુ ઈટ, રેડી ટુ કૂક, રેડી ટુ કિલ વાનગીઓનાં પેકેટ ત્યારે કોઈએ જોયાં ય નહોતાં. હોય તો જુએ ને! એટલું જ નહિ, બજારુ વસ્તુઓનો વપરાશ ટાળવાનું વલણ. આખા વરસના મસાલા – મરચાં પાઉડર, હળદર, ધાણાજીરું વગેરે ઘરે બનતા અને આખું વરસ વપરાતા. ઘરમાં વસ્તી ઝાઝી હોય અને મસાલાનું પ્રમાણ વધુ હોય તો એ ખાંડવા માટે પ્રોફેશનલ બાઈઓને બોલાવતા. આજની જેમ ટેબલ સોલ્ટ નહિ, પણ આખું મીઠું વપરાતું. ચટણી જેવી ચટણી પણ પથ્થર પર હાથે વટાતી, રોજ તાજેતાજી. આખું વરસ ચાલે એટલાં અથાણાં – મેથિયા કેરી, છૂંદો, મુરબ્બો, ગૂંદા, વગેરે ઘરે જ બનતાં. સફેદ કોડી કાચની નાની-મોટી બરણીમાં ભરીને ઢાકણું મજબૂત રીતે બંધ કર્યા પછી તેનું મોઢું એકદમ ચોખ્ખા સફેદ કાપડના કટકાથી બંધ થતું.

મસાલાની જેમ આખું વરસ ચાલે એટલાં વડી-પાપડ પણ એપ્રિલ—મેમાં ઘરે બનતાં. માત્ર ચાલીઓમાં જ નહિ, ફ્લેટમાં રહેતાં કુટુંબોમાં પણ અડોશ-પડોશનાં બૈરાં જમ્યા પછી ભેગાં થતાં, પાપડ વણતાં અને ઘરનાં છોકરાં એ સૂકવતાં. સાથે સાથે સાબુચોખાની ફરફર, બટેટાનાં જાળિયાં, વગેરે પણ બની જાય. ઘણાં ઘરોમાં ગુવાર વગેરે શાકની સૂકવણી બનાવવાનો પણ રિવાજ. પાપડ સૂકાઈ જાય પછી મદદ કરવા આવેલાં બૈરાંને ઘરે પાંચ-પાંચ પાપડ તો મોકલવાના જ. આટલું જ નહિ, કોઈ પણ સારે માઠે પ્રસંગે પડોશીઓ એકબીજાને મદદ કરતાં, અને જરૂર પડ્યે પોતાનું ઘર પડોશી માટે ખુલ્લું મૂકી દેતાં. અલબત્ત, આનો અર્થ એવો નહોતો  કે પડોશીઓ વચ્ચે ઝગડા ન થતા, કે ઈર્ષા નહોતી. ‘માનવ માત્ર અધૂરાં’ એ ન્યાયે એ બધું હતું. અને છતાં માણસાઈની સીમા ભાગ્યે જ ઓળંગાતી.

અથાણાંની બરણીઓ

બરણી, ડબ્બા, વાસણો વગેરે રાખવા માટે હજી કિચન કેબિનેટ આવવાને વાર હતી. રસોડાની દિવાલ પર લાકડાની અભરાઈઓ પર આ બધું વ્યવસ્થિત રીતે લાઈન બંધ ગોઠવાતું. એ જમાનામાં રસોડામાં જરૂર જોવા મળે એવી બે ચીજનું આજે નામોનિશાન રહ્યું નથી. એક તો શીકું, જે સિલિંગમાં હૂક નાખીને સાંકળથી ટીંગાડયું હોય. ફ્રીજ હતાં નહિ એટલે શાકભાજી તાજાં રાખવા માટે આ શીકામાં મૂકાય. ઉંદર-બિલાડીથી બચાવવા રાતે દૂધ-દહીં પણ તેમાં મૂકાય. પતરાની પટ્ટીઓના બનેલા આ શીકાને ઘણા ઘરોમાં ખોટાં મોતી કે રંગીન પારાથી, કે રંગીન કપડાંની પટ્ટીઓથી શણગાર્યું હોય. બીજી વસ્તુ તે પાંજરી અથવા જાળિયું. આમ તો હોય લાકડાની કેબિનેટ, પણ તેની ત્રણ બાજુએ ઝીણાં કાણાંવાળી જાળી જડી હોય. એથી સતત હવાની આવજા રહે, અને તેમાં રાખેલ વસ્તુ ઝટ બગડે નહિ.

પણ પછી એકાએક દરેક ગૃહિણીના કંઠમાંથી આ ગીત સરી પડ્યું : ‘મેરા સુંદર સપના બીત ગયા.’ બીજા વિશ્વયુદ્ધે આખી બાજી બદલી નાખી. જીવન જરૂરિયાતની – ખાસ કરીને ખાધાખોરાકીની વસ્તુઓની ભયંકર અછત સર્જાઈ. આ અછતને પહોંચી વળવા સરકારે રેશનિંગ દાખલ કર્યું. દરેક કુટુંબે રેશન કાર્ડ કઢાવવાનું ફરજિયાત. તેમાં કુટુંબનાં બધાં સભ્યોનાં નામ, ઉંમર, વગેરે લખ્યાં હોય. એ પ્રમાણે દર અઠવાડિયે કે પંદર દિવસે ઘઉં, ચોખા, કઠોળ, ખાંડ, ઘાસલેટ, વગેરે રેશનની દુકાનેથી લઈ આવવાનું. એ માટે સવારથી લાંબી લાઈનો લાગે. રેશનમાં જે અનાજ મળે તે લગભગ કચરા જેવું. અમેરિકાના લાલ ઘઉં, ઉકડા કે કણકી ચોખા, સડવા માંડેલું કઠોળ. વજન વધારવા ભીની કરેલી ખાંડ. અરે, બ્રેડ સુધ્ધાં રેશનિંગમાં. એ મેળવવા માટેની પ્રક્રિયા પણ અટપટી. પહેલાં તો, તમારે રેશનમાં મળતા ઘઉં જતા કરવા પડે.  તેના બદલામાં રેશનની દુકાનમાંથી બ્રેડની કૂપન આપે. એ કૂપન બેકરીને આપો પછી જ તે તમને બ્રેડ વેચે. અને હા, એ વખતે બ્રેડ એટલે આજના સ્લાઈસ્ડ બ્રેડ નહિ. આજે જેને લાદી પાઉં કહીએ છીએ તે. લગભગ દરેક લત્તામાં એકાદ ભઠિયારખાનું (એ વખતે બેકરી માટે વપરાતો શબ્દ) તો હોય જ. તેમાં સવાર-સાંજ તાજાં પાઉં બને. બેકરી પાસેથી પસાર થાવ તો ય તાજા પાઉંની સોડમ તમને બે ઘડી ઊભા રાખે. આજે હવે તેનું સ્થાન લીધું છે તે સ્લાઈસ્ડ બ્રેડ પણ બીજા વિશ્વયુદ્ધની દેણ. એની શરૂઆત થઈ લશ્કરથી. સૈનિકોને એ બ્રેડ અપાતાં. મુંબઈમાં આર્યન બ્રેડ કંપનીએ પહેલવહેલી વાર આ બ્રેડ દાખલ કર્યાં. લશ્કર સાથેના તેના સગપણને કારણે શરૂઆતમાં લોકો તેને સર્વિસ બ્રેડ તરીકે ઓળખતા. હજી પ્લાસ્ટિક તો ચલણી બન્યું નહોતું એટલે સફેદ મીણિયા કાગળમાં બ્રેડ પેક થતું. આ બેકરીનો ધંધો મુખ્યત્વે મુસ્લિમો અને ઈરાનીઓના હાથમાં. આજે હવે ‘કુકીઝ’ તરીકે વેચાય છે તે ‘દેશી બિસ્કિટ’ પણ એ જ બનાવે. આજે ઘરે ઘરે ખવાય છે એ બિસ્કિટ એ જમાનામાં લગ્ઝરી ગણાતા, કારણ ઇન્ગ્લંડ-અમેરિકાથી આવતાં. મોંઘા દાટ. એટલે પૈસાદારના ઘરમાં જ પોસાય. ઈરાની હોટેલોના બન મસ્કા અને ચા તો અફલાતૂન.

બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયું, દેશ આઝાદ થયો, પણ અછતનાં પૂર ઓસર્યાં નહિ. બલકે નવી નવી વસ્તુઓ અછતની યાદીમાં ઉમેરાતી ગઈ. મોટર લેવી છે? સાત વરસ રાહ જુઓ. સ્કૂટર? પાંચ વરસ. ઘરે ટેલિફોન જોઈએ છીએ? સાત-આઠ વરસ પછી મળશે. આ કાયમી અછતે બે વસ્તુને જન્મ આપ્યો : લાગવગ વાદ, અને કાળા બજાર. આ બેમાંથી એક, કે બંને, હથિયાર વાપરો તો જોઈતી વસ્તુ તરત તો નહિ, પણ જલદી મળે. પરિણામે તવંગર અને ગરીબ વચ્ચેની ખાઈ વધુ ઊંડી અને પહોળી થતી ગઈ. જીવન જરૂરિયાતની વસ્તુઓ મધ્યમ વર્ગ માટે લગ્ઝરી બનવા લાગી. લગ્ઝરીની વસ્તુઓ અમીરો માટે જીવન જરૂરિયાત બની ગઈ. આને પરિણામે મુંબઈનો અને મુંબઈગરાનો ચહેરોમહોરો બદલાઈ ગયો. સૌ મોટેથી ગાવા નહિ તો ય કરસનદાસ માણેકની પંક્તિઓ મનમાં ગણગણવા લાગ્યા :

કીડી-કણ, હાથીનો હારો:
સૌને સૌનું જાય મળી;
જગન્નાથ સૌને દેનારો:
અર્ધ વાણી તો આજ ફળી.
જગન્નાથનો જય પોકારો:
કીડીને કણ પણ મળી રે’શે;
ડુંગરનો હાથી તો હારો,
દ્યો નવ દ્યો પણ લઇ લેશે. 

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાી મિડ-ડે”, 30 ઑક્ટોબર 2021

Loading

30 October 2021 admin
← વસ્તી ગણતરીમાં જ્ઞાતિની અવગણના
ભારતને મહાન હિન્દુ રાષ્ટૃ બનાવવું હશે તો મહાન હિન્દુઓની જરૂર પડશે →

Search by

Opinion

  • વિશ્વ શાંતિ દિવસે અશાંત અરાજકતા તરફ એક નજર 
  • હકાલપટ્ટી
  • GEN-Z
  • સોક્રેટિસ ઉવાચ – ૧૧
  • પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે …  અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે?

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved