Opinion Magazine
Number of visits: 9448833
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મેઘાણી, લંબાતે ગોધૂલિટાણે

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|18 September 2021

બર્થડે બૉય જ બચાડો ગેરહાજર હોય એવા પોસ્ટરઢીમણે સોહતા સરકારી ઓચ્છવની કળ લગરીક વળવામાં છે અને આ લખવા બેઠો છું ત્યારે ઊભરાતું સ્મરણ પચીસેક વરસ પરના એક સંવાદનું છે. ઉત્તર ગુજરાતના કંઈક કસબાતી કહી શકાય એવા ગામની સ્કૂલમાં કશાક વિશેષ અવસરે જવાનું થયેલું. જમતી વેળાએ તાલુકામાં લાડીલા જણાતા એક બાવાજી જોડે થઈ ગયા. એમણે વાતવાતમાં ખરી દૂંટીના અવાજથી ફરિયાદના સૂરે કહ્યું કે પહેલાં તો કેવા કેવા કવિઓ થઈ ગયા, રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે … અને હવે ? કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં! આમાં ભણતાં છોકરાં બચાડા કે’દી ઊંચા આવે, તમે જ કહો ને. કેમ કે બાપજી ખરી દૂંટીથી બોલતા હતા, મારો પણ ખરા દિલથી ગભરાયા નહીં તોયે ડઘાયા વિના છૂટકો નહોતો. શરૂનો ડઘડઘાટ લગીર આછર્યો એટલે મેં કહેવાનું સાહસ કર્યું કે બેઉના કવિ એક જ છે. બાવાજીએ વળતા કંઈક લોચા વાળ્યા, ચપટીક કરુણા અંબોળતે, કે પાપી પેટ સારુ કવિએ નિશાળિયાંની ચોપડી સાટું આવી લખી આપ્યું હશે. ગમે તેમ પણ, એક પા લાડુ અને બીજી પા બાપજીના બોલ બેઉ એક સાથે ગળે ઉતારતાં હું એ સ્વાતિક્ષણે જે દર્શન લાભ્યો તે એ કે દેશપ્રેમના તાનમાં આ ચિત્તમાં ગામડાંની શેરી, એમાં રમતાં બાળકો અને ગલૂડિયાંની નાનીશી દુનિયા, એને સારુ સહૃદયતાથી વિચારવાનો અવકાશ જ કદાચ રહ્યો નથી.

સરકારી ઉજવણાંની દાસ્તાંમાં જવાનું આરંભે જ એક આછોતરા સંકેતપૂર્વક ટાળ્યું છે તો ટાળીને જ ચાલું. પણ મેઘાણીની એકસો પચીસી ટાંકણે જે બધી સામગ્રી સંભારાઈ એમાં આગળ પડતો ઉલ્લેખ પામેલી રચના કોઈ એક હોય તો તે ‘છેલ્લો કટોરો’ હતી. એક ઇતિહાસક્ષણે મેઘાણીએ સામ્રાજ્યવાદી પેચપકડ સબબ ગાંધીની મનઃસ્થિતિ આબાદ પકડી રાષ્ટ્રીય મિજાજને છેડેથી રમતી મૂકેલી એ રચનાની સ્મૃતિ અને સ્વીકૃતિ નિઃશંક હતી, છે અને રહેશે. મેઘાણીનું સોમું મનાવ્યું ત્યારે તેમ એકસો પચીસમું મનાવી રહ્યા છીએ ત્યારે ય આ વાત બદલાઈ નથી.

આપણે વિવેકબૃહસ્પતિ તો શી ખબર પણ સંવેદનશીલ પ્રજા હોઈએ તો આગળપાછળ એક લાંબા ફલક પર જોતાં સ્વાતંત્ર્યોત્તર વરસોમાં, ખાસ કરીને અનામતવિરોધી જે વરવો ઉત્પાત ગુજરાતમાં આપણે જોયો તે પછી જેનાં ઓસાણ ન છૂટવાં જોઈએ અને સતત ખેંચાણ રહેવું જોઈએ એવી રચના મને તો ‘છેલ્લી સલામ’ લાગતી રહી છે. સંસ્થાનવાદ અને પરચક્ર સામેની સ્વરાજલડાઈનું તો જાણે સમજ્યા, પણ સ્વચક્ર સામે અને સ્વચક્ર અંતર્ગત સમાજછેડેથી સ્વરાજલડાઈનું શું. સ્વરાજ આવે તે પૂર્વેથી જેમ મહાત્મા તેમ આપણો કવિ તે બાબતે સ-ભાન છે. ગોળમેજી બાદ કથિત કોમી ચુકાદા સામે ગાંધીએ અનશન કર્યા અને આંબેડકરે તાણ અનુભવી એ ખંડદર્શન છે, અનશને – આ ડોસો મર્યો તો આપણે જવાબદાર લેખાઇશું, એવી એક કંપારી હિંદુ ઓર્થોડોક્સીમાં જગવી એ સમજીએ ત્યારે ચિત્ર પૂરું થાય છે. અહીં એમાં વિગતે જવાનો ખયાલ અલબત્ત નથી. માત્ર, એ અનશન વેળાએ ગાંધીનું હૃદયમંથન શું હશે, શું હોઈ શકે એની કવિકલ્પના હિંદુસમાજને જે રીતે ઝંઝેડી શકે એમાં ‘છેલ્લી સલામ’નું સમસંવેદનસિક્ત સ્વારસ્ય રહેલું છે. કવિએ અન્યત્ર જેને સ્વતંત્રતા કે સ્વાધીનતાના નામમાં રહેલી સુધા કહી છે એની વ્યાખ્યા હર સ્વરાજસમાજ વાસ્તે આંતરબાહ્ય બેઉ ધોરણે કરવી રહે છે. દેશનો એક મોટો હિસ્સો, ગુલામીના વેપાર વગર પણ, વેઠમાં જન્મી વેઠમાં મરતો હોય ત્યારે ? કવિની કલમે ‘ભૂલ્યો રે ભૂલ્યો રાજા સત રે ગોપીચંદણ’ના ઢાળમાં ‘સો સો રે સલામું મારાં ભાંડુડાંને કે’જો રે …’ એ પંક્તિઓ ઊતરી આવે છે :

સો સો સલામું મારા ભાંડુડાંને કે’જો રે,
ઝાઝેરા જુહાર જગને દેજો હો … જી !
ટીપે ટીપે શોણિત મારાં તોળી આપું તોયે,
પૂરાં જેનાં પ્રાછત કદીયે જડશે ન જી.
એવા પાપદાવાનલમાં જલે છે જનેતા મારી,
દિલડાના ડુંગર સળગ્યા – ઠરશે ન જી !

પાપદાવાનલનું આ જે દાયિત્વ અને ઉત્તરદાયિત્વ, મેઘાણીના ગાંધી સહિત કોઈ એમાંથી બાકાત નથી, પછી એ ખાંડવવનનું દહન કરનારાઓ હોય કે ખુદ રામરાજ્ના રણીધણી :

રઘુપતિ રામ મારા રુદાનો વિસામો, એણે
ઋષિઓને વચને ખાધેલ ખોટ્યું હો … જી,
પ્રભુનામ ભજતો એણે પારાધી સંહારિયો રે
એનું ઘોર પાતક આજે ઊમટ્યું હો … જી !

સમાજના એક મોટા હિસ્સાની એક તરેહના ક્રૂસારોહણની જે ચિરનિયતિ, એને વળી વતન-અને-રાષ્ટ્રબોધ-શેનો.

વાતની શરૂઆત મેં પેલા બાપજીના કૌતુકથી કરી અને ગાંધીજીના અનશન નિમિત્ત રચનાથી. પણ ખરું જોતાં ભલે જાથુકી લાગે તોપણ મારે જે કહેવું છે એનો ઉપાડ ને ઉઘાડ હું ‘લિ. હું આવું છું’ના હૃદયઘોષથીયે કરી તો શક્યો હોત. બરોબર સો વરસ પહેલાં, સપ્ટેમ્બર ૧૯૨૧માં મિત્ર ગુલાબચંદ વખારીઆ પરના પત્રમાં મેઘાણીએ લખ્યું હતું : ‘અંધારું થતું જાય છે. ગોધૂલિનો વખત થઈ ગયો. વગડાંમાંથી ટોકરીનો ગંભીર અવાજ કાને પડે છે, મંદિરમાં ઝાલર વાગવા લાગી … જીવનની આ ગોધૂલિને સમયે, અંધકાર ને પ્રકાશની મારામારીને વખતે મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે. હું રસ્તો નહીં ભૂલું. એના સાદને હું ઓળખું છું …’

મેઘાણીના વ્યક્તિગત જીવનમાં નહીં બંધાઈ રહેતાં વ્યાપક ફલક પર જોઉં છું તો રાષ્ટ્રજીવનને સારુ સરેખાત એ એક ગોધૂલિટાણું હતું. બધું હતું ધૂલિધુસર, ઝાંખુંપાંખું. પણ ઝાલર બજતી હતી, ઠાકુરદ્વારે કહેતાં કોઈક શાંતિનિકેતનમાં, કોઈ સાબરમતી આશ્રમમાં. એટલે અંધકારમાંયે અવાજનું એ અજવાળું દોરી જતું હતું : કારખાનાની કલકત્તી નોકરી અને ‘સૌરાષ્ટ્ર’ સ્કૂલની પત્રકારી, આ બે વચ્ચેની જે સંક્રાન્તિ, તેમાં મેઘાણીની વૈયક્તિક ચાલના અને રાષ્ટ્રજીવનની તત્કાલીન ધખના ગૂંથાતી આવતી હતી. ૧૮૫૭નો સ્વાતંત્ર્યલક્ષી તોપણ તત્ત્વતઃ સામન્તી એવો સશસ્ત્ર ઉપક્રમ પાછો પડ્યો હતો. વિલક્ષણ જોગાનુજોગ રૂપ, સંગ્રામ સાથે જ શરૂ થયેલ યુનિવર્સિટી શિક્ષણના આરંભિક ફાલ સરખી લિબરલ પેઢી, ૧૮૮૫માં કાઁગ્રેસ સરજવામાં નિમિત્ત બની – અને લાલબાલપાલનાં જહાલ ઇંગિતો સાથે નવવળાંકગાળાના કોઈક તબક્કે પ્રતિલોમ અભિગમ સાથે ગાંધીતત્ત્વે દેખા દીધી. તે સાથે આપણા રાજકારણે અને જાહેર જીવને આમૂલ એવો પ્રજાસૂય પલટો લીધો. ગુણાત્મક પરિવર્તનની એવી પળો હતી એ જ્યારે રજવાડાંમાં વહેંચાયેલું હિંદ તેમ જ બ્રિટિશ હિંદ બધાંયે ‘રાષ્ટ્ર’ અને ‘લોક’ને નવેસર વ્યાખ્યાયિત કરી રહ્યાં હતાં. મેઘાણીનાં સર્જન-સંપાદન-સંશોધનને પણ આ વ્યાપક ફલક પર જોવાપણું છે.

પોતે કલકત્તેથી નીકળ્યા ત્યારે ગાંઠે જે સામગ્રી બાંધી હશે એમાં ‘કુરબાનીની કથાઓ’ની હસ્તપ્રત પણ હતી. રવીન્દ્રનાથકૃત ‘કથા ઓ કાહિની’ પરથી ઉતારેલી કથાઓ એ છે. એનાં પ્રાસ્તાવિક વચનોમાં એમણે કુરબાની એટલે શું તે સમજાવ્યું છે : ‘‘સ્વધર્મનો જે કાળે સાદ પડે, સ્વધર્મ જે કંઈ છોડવાનું ફરમાવે – પછી સ્વધર્મની માગણી ખુદ માથાની હોય અગર એકાદ વસ્ત્રના ટુકડાની હોય, તે કાળે તે વસ્તુ હસતે મોંએ, સહેલાઈથી વિના થડક્યે આપી દેવાય એનું નામ કુરબાની.’’ અને સાથે આ કથાઓના વસ્તુ વિશે પણ ફોડ પાડ્યો છે : ‘‘શીખ, રાજપૂત, બૌદ્ધ, મરાઠા ઇત્યાદિ તવારીખોમાંથી સ્વાર્પણ ને ત્યાગના સુંદર ભાવપ્રસંગો.’’ જોઈ શકાશે કે બલિદાન ને કુરબાનીની કોઈ એક ચોક્કસ સ્કૂલ, ખાસ બ્રાન્ડ, અમુકતમુક ધર્મસંપ્રદાય કે કોમનો કેનવાસ એમનો નથી. ‘શિવાજીનું હાલરડું’ ખરા દિલથી ગાતે છતે ત્યાં ઇતિહાસઝોકું ખાનાર જણ એ નથી. રવીન્દ્રનાથ ને ગાંધી થકી સરચાર્જ એવી જે આબોહવા એમાં એ શ્વસ્યાવિલસ્યા છે.

ભારત વિશેની એમની સમજ શી છે ? જુઓ રવીન્દ્રનાથ, એમના અનુવાદમાં :

કોના એ સાદ સુણી, ક્યાંથી આ ભોમ ભણી,
        માનવવઝરણીના મહાસ્રોત વળી આવ્યા !
આર્યો, ચીના, દ્રવિડ, હૂણો, શક અડાભીડ,
        આવીઆવીને સર્વ એકમાં સમાયા.
જુદી જુદી જમાત ભાંગી ઘડિયો વિરાટ,
        વિરમ્યા ઘોંઘાટ એની હાક પડી રે,
જાગો, જાગો રે, પ્રાણ, જાગો ધીરે –
        ભારતભૂમિને લોકસાગરતીરે.

મેઘાણીએ આ રવીન્દ્રરચનાને ૧૯૪૬માં ખાસ સંભારી છે. પ્રસંગ હતો ‘માણસાઈના દીવા’ને મહીડા પારિતોષિક મળ્યું તેનો. ધારાળા કહો, બારૈયા કહો, પાટણવાડિયા કહો એ સૌને એટલે કે તથાકથિત સામાન્યજનો અને તથાકથિત અસામાજિકોને માણસમાં સ્થાપવાનો જે નાગરિક ઊજમ રવિશંકર મહારાજ થકી થયો એની સહૃદય નિરૂપણા એમાં થયેલી છે. પુરસ્કારનો સ્વીકાર કરતાં મેઘાણીએ કહેલું : ‘‘ગુજરાતના કોઈ ધરતીબાળો ઊઠો ! તમારો દરિયાકાંઠો ને તમારી કંદરાઓ, કોતરો, પહાડકરાડો તેમ જ સપાટ મેદાનોને તપાસો. એનાં સંતાનો આ રબારી, પાટણવાડિયા, ઠાકરડા, ખારવા ઇત્યાદિની માણસાઈને ધીરતાથી ઉકેલો.’’

તો, દેશને ચાહવો એટલે રાજારજવાડાં, રાજકીય અગ્રવર્ગ, ઉચ્ચકુલીન વર્ગ એમ નહીં પણ નાતજાતકોમને વળોટી જનસામાન્યની વાત કરવી તે. ‘યુગવંદના’માં (પરમાનંદ કાપડિયા જેને સાગ્રહ, સાભિપ્રાય ‘યુગવેદના’ કહેવું પસંદ કરતા, એમાં) ‘પીડિતદર્શન’નો એક આખો વિભાગ છે જેમાં સાંતાલની નારી ને ખેડુ સ્ત્રીથી માંડીને બીડીઓ વાળનારીનાં ગીત પણ છે. અને ‘કસુંબીનો રંગ’ પણ આ જણે ક્યાં ક્યાં જોયેલ છે ? ધોળા ધાવણની ધારે, તંબૂરના તારે, પીડિતની આંસુડાધારે – હાહાકારે, ધરતીનાં ભૂખ્યાં કંગાલોના ગાલે … ‘રઢિયાળી રાત’ની સૃષ્ટિમાં પ્રવેશીએ ત્યારે ‘મુસલમાની રાસડા’ સુધ્ધાં ઝિલાતા આવે છે. કહ્યું ને નાતજાતકોમથી ઊફરું વલણ છે એમનું. ‘ફૂલછાબ’ વરસોમાં મૌલાના આઝાદ મિશે આપણા કવિએ શું આબાદ કહ્યું છે :

સલામો કરું બીજના ચાંદને
સલામો જમીંને ને આસ્માં તને !
સલામો ચમનને ને વેરાનને,
ઉછેર્યો તમે એક ઇન્સાનને !

નાતજાતકોમ જ શીદને, એની સાથે દેશને પણ હું જોડી દઉં, જો મેઘાણીનું અખંડદર્શન કરવું હોય તો. વાત એમ છે કે દેશને ચાહવો કબૂલ, એના બાગબગીચા બસરોચશ્મ. એના માણસો જાણે જિગરના ટુકડા. પણ આ દેશ સુધ્ધાં, છેવટે છે તો વિશ્વનો અંશ જ ને ? તમે જુઓ, લોકલય અને ચારણી છટા એમને કંઠ-કલમ-વગાં છે. ‘ઘટમાં ઘોડા થનગને’માં ચારણી નાદનો અનુભવ અસાધારણ છે. પણ અભિવ્યક્તિની આ પરંપરાનો કસ કાઢતે છતે વાત એ નવા જમાનાની, અદીઠ ને અતલનો તાગ લેવાની કરે છે; અને તે પણ ‘વિશ્વભરના યુવાનો’ની જિકર કરીને. ઘણ ને એરણવાળી અતિપ્રસિદ્ધ રચનાનો આ કવિ, નિઃશસ્ત્રીકરણનું સમણું જોનારો ને એ રીતે દેશભક્તિ ને વિશ્વપ્રીતિ વચ્ચે અંતે જતાં અવિરોધી અભિગમ કેળવવા તાકનારો છે. એક એવો દેશભક્ત છે આ જે માર્ક્‌સવાદી ઇન્ટરનેશલની તરાહમાં ‘‘જાગો જગના ક્ષુધાર્ત ! જાગો, દુર્બલ અશક્ત ! ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે …” એમ ખોંખારીને ગાઈ શકે છે.

મુદ્દે, ઘરઆંગણે લોક અને દેશની એમની સમજ ફિરકાઓને વટી ગઈ હતી એ કારણે એમને વૈશ્વિક ફલક પર વિચારતાં હરકત નહીં પડી હોય. વચ્ચે આપણે ૧૯૨૧ના એમના કર્ટન કૉલ શા પત્રની વાત કરી, પણ તે પૂર્વે છેક ૧૯૧૬માં કેવળ વીસમે વરસે લાખાપાદર બેઠે એ વડીલબંધુ લાલચંદ મેઘાણીને જે પત્ર લખે છે એમાં ‘ગાંધીશ્રી’ના વિચારોને ‘કોસ્મોપોલિટન’ કહેતાં સર્વદેશીય કહે છે ! તો, ગાંધી સરખા ‘ઠેઠ હિન્દુસ્તાની’ની વિશેષતા મેઘાણીના મતે એમના કોસ્મોપોલિટન હોવામાં છે. ‘જુદી જુદી જમાત ભાંગી ઘડિયો વિરાટ’ એ ભારતઘટનાનું સ્વારસ્ય શેમાં ? તો કહે, વૈશ્વિકતામાં.

આ જે સ્વારસ્ય, મેઘાણી એને એકાધિક છેડેથી પકડવા કરે છે. આયખાના અંતભાગે એ ‘સોરઠી સંતો’ લઈને આવ્યા ત્યારે નાંદીવચનોમાં રૂડું કહ્યું’તું એમણે કે ‘‘શૈવ, વૈષ્ણવ, જૈન અથવા સ્વામીપંથી એવા કોઈ એક સંપ્રદાયની અંદર મહિમા પામેલા ધર્મગુરુઓનાં આ વૃત્તાન્તો નથી. અહીં સંઘરવામાં આવ્યાં છે તે અને હવે પછી સંઘરાશે તે, તમામ તો લગભગ બિનસંપ્રદાયી અને ગ્રામવસતીના નીચામાં નીચા પડ સુધી ઊતરેલા ઈશ્વરપ્રેમી ને સેવાભાવી સંતોનાં બયાનો છે. એનું ‘લોકસંત’ એવું નામ બરાબર અર્થવાહી લાગે છે, કેમ કે તેઓ લોકોને રંગે રંગાયા હતા અને લોકો તેઓને રંગે.’’

અહીં ‘બિનસંપ્રદાયી’ એ પ્રયોગ નોંધ્યો તમે ? અને હા, ‘ગ્રામવાસીના નીચામાં નીચા પડ’નો ઉલ્લેખ પણ કાળજે ધરવો જોઈએ, કેમ કે એ ઝોકમાં એક કોસ્મોપોલિટન દેશદાઝને સારુ પ્રિય ને પથ્ય એવો અગ્રતાવિવેક રહેલો છે. પેટલીકરની ‘જનમટીપ’ના દૂખણાં લેતાં એમણે એમાં રહેલ ‘પ્રોલિતારિયેત’ સૃષ્ટિની ખાસ નોંધ લીધી છે. આ જ વિવેકે અને ન્યાયબુદ્ધિએ એમની કને, આપણે જોઈ ગયા તેમ ‘છેલ્લી સલામ’ લખાવેલ છે. (લાંબા પટ પર આ રચનાને ત્રણ જ કદરદાન મળ્યા જણાય છે : સુંદરજી બેટાઈ, મનુભાઈ પંચોળી, જયંત કોઠારી.)

સ્વરાજ આવવામાં હતું અને મેઘાણી ગયા. આજે આઝાદીના અમૃતપર્વનો માહોલ છે ત્યારે ઉજવણીના શોર છતાં એમાં નહીં ડૂબી જતું દુર્દૈવ વાસ્તવ એ છે કે આપણી પ્રજાકીય નિયતિ ફિરકાઓમાં ને કુનબાઓમાં વહેંચાવાની રહી છે, આડા ને ઊભા વહેરાવાની રહી છે. અગ્રવર્ગમાં સહૃદયતાનું ટાંચું એવું તો પડ્યું છે કે દેશના લોકોની એની સમજ વસ્તુતઃ વર્ગવિશેષ કે વર્ણવિશેષ કે સંપ્રદાયવિશેષ સાથે સમીકૃત થતી ચાલી છે. મેઘાણી હોત, વીરમાયા અને બિરસા મુંડા સરખાના નવસાક્ષાત્કારના એ સંવાહક બની રહ્યા હોત; નેલ્સન મંડેલા અને બીજાને એમણે પોંખ્યા હોત. ધીરે ધીરે આપણી ચેતનાની ક્ષિતિજો વિસ્તરતી આવે છે, સમજ ને સંવેદના સંકોરતાં આવે છે; અને મેઘાણી જાણે નવસર પમાતાં ન હોય ! ગોધૂલિવેળા ખાસી લંબાતી ચાલેલ છે અને એટલે સ્તો મેઘાણીએ સાંભળેલી (ને સંભળાવેલી) ઝાલરનો આજ જરીક વધારે જ ખપ છે.

અસરકારી મેઘાણીની અખંડ ખોજના આ સહેજસાજ લંબાયેલ બે બોલ સંકેલવામાં છું ત્યારે સાંભરી આવે છે કે પ્રગતિવાદ વિશેની એમની વિવેચનામાં મેઘાણીએ ભરીબંદૂક નોંધ્યું છે કે આપણા યુગમાં અનેક સમાજોમાં ‘લોક’ અને ‘સાહિત્ય’ બંને શબ્દો ભ્રષ્ટ થયા છે. લોકના નામે લોકનું અને સાહિત્યના નામે સાહિત્યનું શોષણ થયું છે. (હમણેના દાયકામાં લખતા હોત તો એમણે ‘રાષ્ટ્ર’નોયે આ જ તરજ પર ઉલ્લેખ કરવો પસંદ કર્યું હોત.) આ સંજોગોમાં નિરંજન ભગતની દાયકાઓ પરની ઉક્તિ કેવી તરોતાજા લાગે છે કે મેઘાણીને નામે મેઘાણીનું જ શોષણ થયું છે … લંબાતે ગોધૂલિટાણે, આ સંબલ વચનો !

(“પરબ”ના સદ્‌ભાવથી)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 05-08

Loading

18 September 2021 admin
← પાડ માનો ડેલ્ટા વેરિયન્ટનો
ધર્મનો રાજકીય ઉપયોગ કરવો જરૂરી હોય તો શું કરવું જોઈએ ? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved