Opinion Magazine
Number of visits: 9446420
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—111

દીપક મહેતા|Opinion - Opinion|4 September 2021

મુંબઈ શહેરનાં સ્મરણો ભીનાં ભીનાં

ઉતારુ કહે ત્યાં ઊભી રહે ઘોડાની ટ્રામ

જ્યારે થિયેટરોમાં લાઉડ સ્પીકર જ નહોતાં

વીર કવિ નર્મદે ‘મારી હકીકત’ લખીને આપણી ભાષામાં આત્મકથા લખવાની પહેલ કરી. ત્યારથી માંડીને આજ સુધીમાં આપણને ઘણી બધી આત્મકથાઓ કે સ્મૃતિકથાઓ મળી છે. તેમાંના ઘણા લેખકોએ મુંબઈ શહેર વિષે લખ્યું છે. એ લેખકોએ પોતાના જમાનાના મુંબઈનો જે આંખે દેખ્યો અહેવાલ આપ્યો છે તેમાંથી આજે થોડાં અલપઝલપ દૃશ્યો. 

જ્યારે મુંબઈમાં દોડતી ઘોડાની ટ્રામ

એક જમાનામાં મુંબઈમાં દોડતી ઘોડાની ટ્રામ

સ્વામી આનંદ એટલે તળપદા શબ્દભંડારના સ્વામી. સ્વામી હતા, પણ શુષ્ક સહેજ પણ નહોતા. એમના જેવું ભાતીગળ, ઘટ્ટ પોત ધરાવતું ગદ્ય બહુ ઓછા લેખકો પાસેથી મળ્યું છે. એક જમાનામાં સ્વામીએ મુંબઈમાં જોયેલી ઘોડાની ટ્રામ. કેવી હતી એ ટ્રામ? સ્વામીના શબ્દોમાં જ જોઈએ.

‘કોટ, કાલબાદેવી, ગિરગામ, ધોબીતળાવ, ભાયખળા, વગેરે મોટા રસ્તાઓ પર ઘોડાની ટ્રામો ચાલતી. રેલ ગાડીના નાના ડબ્બા જેવડી ટ્રામમાં છથી આઠ લાકડાની બાસ્ટીઓ જડેલી હોય. અકેક પર ૪-૫ ઉતારુ બેસે ને ટ્રામને બે ઘોડા ખેંચે. ટ્રામની બેઉ બાજુઓ ખુલ્લી ને નીચે ચડવાનાં ફુટબોર્ડ જડેલાં. ચડવા-ઉતરવા માગનારું ડ્રાઈવરને ‘સબૂર’ કહે. ડ્રાઈવર હાથમાંની લોઢાના સુંવાળા હેન્ડલવાળી લોખંડી બ્રેકને ઘુમરડો દઈને દોડતા ઘોડાઓને રોકે. ઉતારુ ચડી કે ઉતરી જાય એટલે વળી પાછો બ્રેકને છોડીને ઘોડાને ચલાવે. ઘોડા ૨૫-૩૦ ઉતારુ બેઠેલ સ્થિર ઊભેલી ટ્રામને ૧-૨-૩ સખત આંચકા મારીમારીને ગતિમાં મૂકે ને ટ્રામ જમીનસરસા ચોડેલા ખાંચોવાળા લોખંડી પાટા પર ચાલવા માંડ્યા પછી દોડીને તાણવા લાગે. ઘોડા ઊંચી ઓસ્ટ્રેલિયન તોખમના, ને ઘણે ભાગે લશ્કરી લીલામોમાંથી આણેલા. મોટા કદાવર અલમસ્ત હોય, પણ આ ટ્રામોના આંચકા ખમી ખમીને ૨-૪ વરસમાં એમની છાતી તૂટી જાય. તે વખતમાં લોકોમાં અતિ વસમી  અંગમહેનતનું કામ કરનારને માટે ‘બાપડો ટ્રામના ઘોડાની જેમ લાદોડા તાણી તાણીને ટૂટી ગયો’ એવી કહેવત પ્રચલિત હતી.'

— સ્વામી આનંદ

(‘બચપણનાં બાર વરસ’માંથી)

*

મુંબઈ ગમતું હતું, કેમ, તે તો કોણ જાણે

નાટ્યમહર્ષિ ચંદ્રવદન મહેતા લેખક તરીકે સૌથી વધુ ખૂલે અને ખીલે છે તેમની આત્મકથા ‘બાંધ ગઠરિયાં’ શ્રેણીનાં પુસ્તકોમાં. જોઈએ એમની નજરે મુંબઈ.

'આ એ જ મુંબઈ જેને જોવા જવાના એ કાળે સૌ કોઈને કોડ થતા. સૂરતમાં ભણતાં છતાં એમ તો ઘણી વાર મુંબઈના આંટા માર્યા હતા. ત્યારે દિવાળી તો મુંબઈની જ. ફટાકડા, હલવો અને રોશની. રાતે રોશનીમાં ચાર કલાકે ગાડી એક મહોલ્લામાંથી બહાર નીકળે. પાનસોપારી, પતાસા, વહીપૂજા, બોણી, લક્ષ્મીપૂજન નાળિયેર, કંકુચોખા, છડી, કાપડના તાકા, સિલિક (સિલ્ક), આલપાકો, વૂલન-ટસોરનાં ભવ્ય ભભકાબંધ કપડાં, રોશની, વાજાં, ફટાકડા, અને મીઠાઈ વગેરેની ચાર દિવસ મુંબઈમાં મોજ ઊડતી. આજની હરકિસનદાસ હોસ્પિટલની જગ્યામાં ‘અલ્હંબ્રા’ સિનેમા ચાલતો, ત્યાં ‘બ્રોકન કોઈન’ની કલેજા ઉથલાવી નાખનારી, દિલ ધડકાવનારી આઠ હપતાની ચાલુ સાઈલન્ટ ફિલમ જોતા. ફિલમમાં સમજ ના પડે તેમને સમજાવવા એક વક્તા-ઉસ્તાદ રહેતો. ફિલમમાં જ્યારે જ્યારે વચમાં અંગ્રેજી લખાણ આવતું, તે ગાળામાં એ એનો તરજૂમો બોલતો. અને નહિ તો પણ, કોઈ લુચ્ચો આદમી કોઈ ઓરતને ઉઠાવી જતો, કોઈ આફત આવતી કે મારામારી થતી, એવી કટોકટીની ઘડીએ એ પણ ઉશ્કેરાઈને બનાવોનું બયાન કરતો. ત્યારે ટોકીની તો વાત જ ક્યાં, પણ લાઉડ સ્પીકર પણ નહોતાં, ને છતાં આ બંદો બુલંદ અવાજે રોનકદાર જબાનમાં બધું સમજાવતો ત્યારે ખરેખર મજા આવતી. મુંબઈ ગમતું હતું. કેમ, તે કોણ જાણે. ઘડાતું, બંધાતું, સમૃદ્ધ શહેર હતું એથી હશે? કોણ જાણે.'

— ચંદ્રવદન મહેતા

(‘બાંધ ગઠરિયાં’માંથી)

*

પુસ્તકોનાં કબાટ લોકો માટે હંમેશાં ખુલ્લાં

આપણી ભાષાની ટૂંકી વાર્તાના ઘડતર અને ચણતરમાં ગુલાબદાસ બ્રોકરનો ફાળો મહત્ત્વનો છે. આત્મકથનાત્મક પુસ્તકોની શ્રેણીમાં તેમની જીવનકથાની સાથોસાથ મુંબઈની વિકાસગાથા પણ આલેખાઈ છે. સાંભળીએ વિલે પાર્લેના એક અનોખા પુસ્તકપ્રેમીની વાત.

‘વિલે પાર્લેના સ્ટેશન રોડ ઉપર એક ગૃહસ્થ એવા રહેતા હતા કે એ પોતે જ એક સંસ્થારૂપ બની ગયા હતા. એમનું નામ હતું દશરથલાલ જોશી. બર્મામાં એ પહેલાં રહેતા પણ પછી નિવૃત્ત થઈને વિલે પાર્લેમાં સ્થાયી થવા આવ્યા હતા. એમણે પોતે એક સરસ મકાન બાંધ્યું હતું. અને એ જમાનાની ભાવનાને અનુરૂપ એને ‘લિબર્ટી લોજ’ જેવું પ્રેરક નામ આપ્યું હતું. એ દશરથભાઈ પુસ્તકોના ગજબ શોખીન. એ જમાનામાં એમની પાસે લાખેક રૂપિયાનાં પુસ્તક હશે. એ ૧૯૩૩-૩૪ની સાલના લાખ રૂપિયાનાં હોં! ને માત્ર એ પુસ્તકોને ઘરમાં ગોંધી રાખી તેનું જ્ઞાન પોતે જ પામવાના શોખીન નહિ. જેને એમાંથી જ્ઞાન મેળવવું હોય તેમને માટે એમના ઘરના દરવાજા અને પુસ્તકોના કબાટ હંમેશાં ખુલ્લા રહેતા. જેને જે જોઈએ એ એમાંથી લઈ જાય. ગમે એવું અપ્રાપ્ય પુસ્તક હોય તો ય કોઈને લઈ જવાની ના નહિ. એ વિશેની એકાદી નોંધ પણ ન રાખે. એમ કરવામાં એમને કંજૂસાઈ પણ લાગે અને સરસ્વતીનો દ્રોહ પણ લાગે.'

— ગુલાબદાસ બ્રોકર

(‘સ્મરણો ભીનાં ભીનાં’માંથી)

*

મુંબઈ ક્રૂર શહેર છે

ચંદ્રકાંત બક્ષી એટલે તેજાબી વિચાર, વાણી અને વર્તન. ‘કાણાને કાણો જ કહીએ’માં માનનારા. પાલણપુર અને કલકત્તાના આશક બક્ષીને મુંબઈ કેવું લાગ્યું?

‘મુંબઈને પણ ઘણા રંગોમાં જોઈ લીધું છે. અહીં હોલસેલ બજારના આડતિયાઓ જેવા મીઠા સ્વભાવના કલાકારો છે. અહીં કલાકારો વેપારી ભાષા બોલે છે. અહીં ઘણા કલાકારો માટે પૈસાદારના હીપ-પોકેટમાં ઘૂસી જવું એ જીવનભરની મહત્ત્વકાંક્ષિત ઇતિ છે. મુંબઈનું હવામાન મૌલિક સર્જન માટે ઉપકારક નથી. ઘણા બધા સંબંધોની ઘણી બધી રેશમી જાળોમાં જ કલાકાર અટવાયા કરે છે. જિન્દગીનાં ખંડિયેરો પાછળ મૂકીને આવેલા માણસ માટે અહીં ઘણું નવું નવું શીખવાનું છે.

મુંબઈ. સમયની જીવલેણ પકડમાં બલખાઈને મૂર્ઝાઈ જતી જવાન ચામડીઓ. ફાઉન્ડેશન ક્રીમનો ચળકાટ. સો રુપિયાની નોટો પર ચીતરેલા આદર્શો. વેજિટેરિયન ગૃહસ્થાશ્રમો. કાળા રંગનું પુણ્ય. નિયોન લાઈટોનો પરાગ. સોનેરી રંગના ઈમ્પોર્ટેડ અમેરિકન ધુમાડાઓ. મારુતિ વેનના સ્લાઇડિંગ દરવાજાની બહારથી શરૂ થતો ઝોપડપટ્ટીનો દેશ. પોતપોતાની આગમાં તડપતા સુખીદુઃખી ધનપતિઓ. ફૂલેલાં વિશેષણો માટેની લૂંટાલૂંટ. રોટી તોડનારી આંગળીઓના કાળા નખ. સડકો પર યારીની હવા. તાજી રાખ અને ચીમલાયેલાં ફૂલો અને બાળકોના પસીનાની વાસથી ફાટતી રાત. મુંબઈ ક્રૂર શહેર છે. માણસને મર્દ બનાવી નાખે છે અથવા તોડી નાખે છે.'

— ચંદ્રકાન્ત બક્ષી

(‘બક્ષીનામા’ ભાગ ૩માંથી)

*

મહારાજ મેન્શન એટલે જાણે એક સંયુક્ત કુટુંબ

મહારાજ  મેન્શન

સંગીત, નાટક, નૃત્ય, ફિલ્મ, વક્તૃત્ત્વ વગેરેમાં સક્રિય રસ ધરાવતાં પ્રીતિ જરીવાળા મુખ્યત્વે લેખક અને સંપાદક છે. ‘મધ્યાહને સૂર્ય’ નામના પુસ્તકમાં તેમણે ગઈ કાલના મુંબઈના કેટલાક અંશોને ફરી જીવતા જાગતા કર્યા છે. આ પુસ્તકની મદદથી જઈએ ‘મહારાજ મેન્શન.’

અમારું બિલ્ડિંગ મહારાજ મેન્શન એટલે કે જાણે એક સંયુક્ત કુટુંબ. અમારા બિલ્ડિંગનાં નાના-મોટાં અમે સૌ તહેવારો ધામધૂમથી ઉજવીએ. ભાદરવા મહિનામાં ગણપતિ આવે. મારે ઘેર પહેલા માળે, બીજા માળે, અને ત્રીજા માળે ગણપતિ આવે. ગલીમાં મોટા ગણપતિ આવે. ગલીમાં પણ દસેદસ દિવસ વિવિધ કાર્યક્રમો હોય. સવારથી ગલીમાં મોટા અવાજે રેકોર્ડ વાગવાની શરૂ થઈ જાય. ગણપતિને ધરાવવાના લાડુ મમ્મી આગલા દિવસે જ બનાવી લે. પપ્પા રાત જાગીને ગણપતિનું ડેકોરેશન કરે. લાઈટનાં તોરણો પણ હોય. અમે પણ ડેકોરેશનમાં આવડે એવી મદદ કરીએ. સાંજના સાત વાગે એટલે બિલ્ડિંગમાં ઘેર ઘેર કહેવા નીકળીએ, ‘મારે ત્યાં આરતી થાય છે, ચાલો …’ બિલ્ડિંગના એકેએક જણ આરતીમાં આવે. આગળથી બધા કહી જાય ‘આજે અમે પ્રસાદ ધરાવીશું.’ જેના ઘરનો પ્રસાદ હોય તેને ગણપતિની આરતી ઉતારવાનો લહાવો મળે. મારે ઘેર આરતી પૂરી થાય એટલે બીજા માળવાળાં ઉન્નતી અને પ્રત્યુષ ઘોષણા કરે, ‘હવે મારે ત્યાં આરતી થાય છે.’ બીજા માળે, અને પછી ત્રીજા માળે આરતી થાય. આમ એક-બે કલાક તો ત્રણે ઘેર ગણપતિની આરતી કરવામાં જાય. આજે ત્રીસ-ચાલીસ વર્ષ પછી પણ ગણેશોત્સવ દરમ્યાન મારા પિયરના બિલ્ડિંગમાં ગણપતિની આરતી તો થાય છે, પણ હવે કોઈ કોઈના ઘેર આરતીમાં જતું નથી. આરતી માટે કંઈ ટી.વી.ની સિરિયલો જોવાની જતી કરાય?

— પ્રીતિ જરીવાલા

(‘મધ્યાને સૂર્ય’માંથી)

*

અમૃત વાડી : યાદોની વણજાર

મુંબઈની એક ચાલ

કળા અને સાહિત્યનાં પ્રેમી સોનલ વિજય વ્યાસનું પહેલું પુસ્તક ‘ચંદ્રોદય’ તાજેતરમાં પ્રગટ થયું છે જેમાં તેમણે અગાઉ પોતે જ્યાં રહેતાં હતાં એ અમૃતવાડી ચાલ તથા ત્યાંના લોકો અને તેમના જીવનનાં સ્મરણોને વાગોળ્યાં છે. એ પુસ્તકનો એક અંશ.            

મારી ‘અમૃતવાડી’ નામ મનમાં આવે કે યાદોની વણજાર જાણે આવી જાય. આ અમૃતવાડી એટલે મુંબઈના પ્રાર્થના સમાજ વિસ્તારમાં વી.પી. રોડ પર આવેલી અમારી વિશાળ ચાલી. મારી અમૃતવાડી અનોખી હતી. તે સમયે આવી ચાલીને ‘માળો’ પણ કહેતાં. અમૃતવાડી બીજી બધી ચાલીઓ કરતાં જૂદી. વચ્ચે ખાસ્સી મોટી વાડી – જગ્યા, અને એની ફરતે રૂમો. બે રૂમો વચ્ચે બારણું. કોઈ કોઈ પોતાના તરફનું બંધ કરે, અને ખૂબ સારો સંબંધ હોય તો ન પણ કરે. અત્યારના લોકો આની કલ્પના પણ ના કરી શકે. બારણું જો કે વાર તહેવારે જ ખૂલે. ચાલીવાળાનાં મનની માફક. કોઈના પણ સારા-માઠા પ્રસંગે એ ખૂલે. કોઈ આનાકાની કે અણગમો નહિ. અને ૧૦ X ૧૦ની ચાર રૂમનો વૈભવ જ વૈભવ.

— સોનલ વિજય વ્યાસ

(ચંદ્રોદય’માંથી)

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 04 સપ્ટેમ્બર 2021

Loading

4 September 2021 admin
← શોર્ટ કટ
કાશ્મીરઃ ‘સબ સલામત હૈ’ની સપાટી નીચે છે બેરોજગારી, દિશાહીનતા, આતંકીઓ અને કોમી પૂર્વગ્રહો →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved