Opinion Magazine
Number of visits: 9448499
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અંદાઝે બયાં અૌર — 6 અને 7

દીપક બારડોલીકર|Opinion - Literature|11 July 2014

અંદાઝે બયાં અૌર — 6  

કહે છે ને કે તલવારના ધણી જીવે છે, સદા જીવે છે ! − એ જ પ્રમાણે કલમના ધણી પણ જીવે છે અને એવી શાનથી જીવે છે કે એમની સામે તલવારના ધણી ઝાંખા પડી જાય છે. હિન્દુસ્તાનના અંતિમ મુગલ બાદશાહ બહાદુર શાહ – ઝફર એક અચ્છા શાયર હતા અને સાચું પૂછો તો તેમની શાયરી સામે બાદશાહતની કોઈ હેસિયત ન હતી. બાદશાહની હેસિયતે તે વિસરાયા, પણ કવિ તરીકે આજે ય મોજૂદ છે. લોકોનાં દિલો પર રાજ કરે છે.

બહાર આઈ હય ભર દે
               બાદએ ગુલગૂં સે પયમાના
રહે લાખોં બરસ સાકી,
              તેરા આબાદ મયખાના

બહાર યાને વસંત આવી છે, ગુલાબ-શા સુર્ખ શરાબથી જામ ભરી દે, ઓ સાકી ! ભરી દે જામ, તારા આ મયખાનાને ખુદા લાખો વરસ આબાદ રાખે !

1857ની બગાવત પૂર્વે બહાદુર શાહના રાજઅમલ દરમિયાન દિલ્હીમાં શેર-શાયરીની વસંત બેઠી હતી. શેરી – શેરી અને ડેરા – દેવડીમાં ગઝલના જામ છલકતા હતા. એ છાલકની તાસીર આજપર્યંત ચાલુ છે. આવતી કાલે ય ચાલુ રહેશે. એ ગઝલજામની છાલકની તાસીર છે !

આ શાયરના ઉસ્તાદ કવિ ઝૌક હતા. અને કહે છે કે તેમણે શિષ્ય શાહ ઝફરને ગઝલની રચનાકળામાં ખાસા પ્રવીણ બનાવી દીધા હતા. અને ઝૌક સાહેબના અવસાન પછી મિર્ઝા ગાલિબની વિદ્વતાનો પણ લાભ તેમને મળ્યો હતો. તેમની ભાષા સાફસૂથરી અને મનોભાવ સ્વચ્છ હતા. તેમના જીવનનો વિવેક પણ તેમના અશઆરમાં ઝલકતો નજરે પડે છે.

મુહબ્બત કે યહ મઅની હંય કે મૈંને
વુહી ચાહા કે જો કુછ તૂને ચાહા

આ હતો કવિનો વિવેક. પ્રિયતમાની ઇચ્છાનો, પસંદગીનો ખયાલ રાખ્યો અને તેણે જે કંઈ ઇચ્છ્યું તે જ પ્રેમીએ ઇચ્છ્યું. આ હતો તેમની દ્ૃષ્ટિએ, મહોબતનો અર્થ. એનાથી વિપરીત એવું કશું ચાલી શકે નહીં. પ્રિયતમાની ઇચ્છા સામે આપણી ઇચ્છાની કોઈ વિસાત હોતી નથી.

પ્રેમમાં, પ્રેમી અંજામની પરવા કરતો નથી. આ પાર કે તે પાર ! ગુલાબોની પથારી મળે કે શૂળીએ ચઢવું પડે એની દરકાર પ્રેમી કરતો નથી. એનો તો ઉદ્દેશ હોય છે પ્રિયતમાનું સાંનિધ્ય.

જો કુછ હોતા સો હોતા, તૂને તકદીર
વહાં તક મુઝ કો પહુંચાયા તો હોતા

ઓ ભાગ્ય, મને ત્યાં સુધી યાને પ્રિયતમા સુધી તો પહોંચાડવો જોઈતો હતો ! તારાથી આટલુંયે ના થયું ! − મારું જે થવાનું હોત તે થાત, એની ચિંતા તારે શું કામ કરવી જોઈતી હતી !

વાત માત્ર આટલી હતી કે પ્રિયતમાના પડખે પહોંચવું એ આપણા ભાગ્યમાં ન હતું. કવિએ એને કલાનો સ્પર્શ આપી એ સામાન્ય વાતને સુંદર – અસામાન્ય બનાવી દીધી છે.

કેટલીક વાર એવું બને છે કે પ્રેમી પ્રિયતમાની મહેફિલમાં જાય છે, પણ વાતાવરણ કંઈક એવું હોય છે કે મનની વાત કહી શકતો નથી. યા ક્યારેક પ્રિયતમાની નારાજગી એવો માહોલ સર્જે છે કે પ્રેમી કશું બોલી શકતો નથી. ઝફર સાહેબ આ પરિસ્થિતિનું આબેહૂબ ચિતરણ કરતાં કહે છે :

બાત કરની મુઝે મુશ્કિલ
            કભી ઐસી તો ન થી
જૈસી અબ હય તેરી મહેફિલ
            કભી ઐસી તો ન થી

અને ક્યારેક હૃદયનું સુખચેન એવું લૂટાઈ જાય છે અને એવી તીવ્ર વ્યાકુળતા, બેકરારી, બેચેનીનો જુવાળ ઊમટે છે કે માણસ હાંફળો ફાંફળો ને ગભરાટમાં ગાંડા જેવો થઈ જાય છે ! આવી દુ:ખદ, પીડાજનક પરિસ્થિતિમાં શાયર ઝફર પોતાના હૃદય સાથે જે ગપસપ કરે છે તે ખરેખર માણવા જેવી છે :

લે ગયા છીન કે કૌન
            આજ તેરા સબ્રો-કરાર
બેકરારી તુઝે અય દિલ,
           કભી ઐસી તો ન થી !

અરે ભઈ તું આટલો બધો બેકરાર ! તારી આવી બેકરારી, બેચેની તો અગાઉ ક્યારે ય જોઈ ન હતી ! તારી ધીરજ ક્યાં ગઈ ?તારી શાંતિ ક્યાં ચાલી ગઈ ? એ કોણ આંચકી ગયું છે ?

પરંતુ સ્થિતિ સારી હોય છે. હૈયે સુખચેન હોય ને ઉમંગના ફૂવારા ઊઠી રહ્યા હોય છે એવે સમયે પૂનમના ચંદ્રમાને જોતાં કવિમન શું વિચારતું હશે ?! પ્રિયતમા જ સાંભરે ! તેનું સૌંદર્ય, તેના નાજૂક હાવભાવ આંખોમાં આવીને બેસી જાય ! ઝફર સાહેબ આવી અનુભૂતિ અભિવ્યક્ત કરતાં કહે છે :

અક્સે રૂખસાર ને કિસ કે
                  હૈ તુઝે ચમકાયા
તાબ તુઝ મેં મહે કામિલ,
                 કભી ઐસી તો નથી.

ઓ ચંદ્રમા, આવી ચમકદમક અગાઉ તો તારામાં ન હતી. આ નૂર આવ્યું ક્યાંથી ? કોઈક રૂપાળવીનાં ગુલાબી વદનની છાયાનું આ નૂર હોય, તને ચકચકિત કર્યો હોય એમ લાગે છે !

આ કવિ ઝફર, હિન્દુસ્તાનના મુગલ બાદશાહ હતા, પણ શાહી સત્તાની શાન કે શાહી સર્વોપરિતા ને એશઆરામ તેમના જીવનમાં ન હતાં. એનાં કારણો ઘણાં હતાં. વારસાગત મળેલી રાજકીય નબળાઈઓ પણ હતી અને કદાચ શાયરીનો વધુ પડતો – રાજવહીવટથી વિશેષ – ચસકો પણ ખરો. એમના અંતિમ દિવસો અત્યંત કરુણ દશામાં વીત્યા. મુગલ સામ્રાજ્યનો ખાતમો સગી આંખે દીઠો, 1857ની બગાવત સંદર્ભે બ્રિટિશરોએ દેશનિકાલ કરી યાંગૂ (રંગૂન) મોકલી આપ્યા, જ્યાં 07 નવેમ્બર 1862ના તેમનું અવસાન થયું હતું.

યાંગૂ(રંગૂન)ના એક કબ્રસ્તાનમાં આ શાયર ઝફરનો મઝાર છે. સામાન્ય મઝાર. પીરોના મઝારથીયે ઊતરતી કક્ષાનો. જોતાં આઘાત લાગે એવો. ક્યાં એમના વડવાઓના શાનદાર મકબરા અને ક્યાં અા શાહ – શાયરનો મઝાર ! ઘણું કરીને 2001માં મને મ્યાંમાર (બર્મા) જવાનો પ્રસંગ આવ્યો હતો. એ સમયે કેટલાક મિત્રો ભેગો હું એ મઝાર પર ગયેલો. —- ઘણું દુ:ખ થયું હતું ! આંખોમાં અશ્રુ આવી ગયાં હતાં ! અને ઓષ્ઠ પર અા શેર :

કિતના હૈ બદનસીબ ‘ઝફર’
                        દફન કે લીયે
દો ગઝ ઝમીન ભી ન
                       મિલી કુએ યાર મેં ! 

https://www.youtube.com/watch?v=ha3V_87LvR0

હું એમ માનું છું કે જે પ્રજા તેના વિદ્વાનો, સાહિત્યકારો, કળાકારો અને તેજસ્વી આગેવાનોને વિસરાવી દેછે તે પ્રજાને ઇતિહાસ પણ યાદ રાખતો નથી. તે વેરવીખેર થઈ જાય છે.

શાહ ઝફરના થોડા અન્ય અશઆર જોઈએ, જે વાંચવા, રટવા અને માણવા યોગ્ય છે :

યા મુઝે અફસરે શાહાના બનાયા હોતા
યા મેરા તાજ ગદાયાના બનાયા હોતા

ઓ ખુદા, મને આવી દશામાં શા માટે રાખ્યો ? બનાવવો હતો તો મને એક દમામદાર, પ્રતાપી શાહ બનાવ્યો હોત ! અગર એમ નહીં તો પછી મારા માથે કોઈ ફકીરની ટોપી મૂકી દીધી હોત ! − હું તારાથી કોઈ ફરિયાદ ન કરત ! પણ આ દશા તો અત્યંત કારમી છે. શાહ છું પણ, અને નથી પણ !

ખાકસારી કે લિયે ગર ચે
                      બનાયા થા મુઝે
કાશ ! ખાકે દરે જાનાના
                      બનાયા હોતા

હું જાણું છું કે તેમને ખાકસારી માટે, ચરણરજ સમાન બનાવ્યો છે, પણ એમ જ હતું તો, ઓ ભલા માલિક કાશ મને પ્રિયતમાના આંગણની રાખ બનાવી દીધો હોત તો મજા આવી જાત !

અને અંતે આ શેર :

પસે મર્ગ મેરે મઝાર પર
             જો દિયા કિસી ને જલા દિયા
કિસે આહ દામને બાદ ને
             સરે શામ હી સે બુઝા દિયા

આ કમનસીબી કે મારી મઝાર પર દીવો બળતો નથી. આમ છતાં અગર કોઈ ભલા આદમીએ કદી દીવો બાળ્યોયે છે તો હવાના પાલવે તેને સમીસાંજના જ હોલવી નાખ્યો છે !

આ શાયર બહાદુર શાહ ઝફરના ચાર દીવાન 1857 પૂર્વે પ્રગટ થયા હતા.

°°°°°°°°°°°°

અંદાઝે બયાં અૌર — 7

આપણે આ પહેલાં કવિ ઝૌક વિશે વાંચી ગયા છીએ. તેઓ એક ઉસ્તાદ કવિ હતા. તેમના એકાધિક શિષ્યોમાંના એક દાગ દહેલ્વી એક પ્રતિષ્ઠ શાયર અને પોતાના ઉસ્તાદથી એક મૂઠ ઊંચા ઉસ્તાદ હતા. અલ્લામા મુહમ્મદ ઇકબાલ અને જિગર મુરાદાબાદી જેવા ઉચ્ચ શ્રેણીના શાયરો અને અન્ય અનેક તેમના શિષ્યો હતા. તેમની શૈલી ખાસી અાકર્ષક હતી. અશઆરમાં નાવીન્ય લાવવા, રિવાયતો તોડવા ને નવા વિચારો – નવા વિષયો આમેજ કરવા પ્રતિ તેમનું લક્ષ હતું.

મહિલાઓના ઓષ્ઠ ખૂબસૂરત હોય છે − ઘાટદાર ! અને ઘણી વાર તો તે પ્રવાલ જેવા ખાસા ગુલાબી. લિપસ્ટીકથી શૃંગારિત નહીં, કુદરતી ગુલાબી. એવા અાકર્ષક અધર દેખીને કવિતા ન સ્ફૂરે તો તે કવિ નહીં. દાગ સાહેબ એવા અધરની પ્રશંસા કરતાં કહે છે :

ગુલશન મેં તેરે લબોં ને, ગોયા
રસ ચૂસ લિયા કલી – કલી કા

અને એવી કોઈ રૂપાળવી જે દિશામાં પગલાં પાડે છે ત્યાં દિલવાળાઓનો એ શોર ઊઠે છે કે :

વહ જિધર કો ગયે ઊઠા યે શોર
વહ કયામત ઊઠાયે જાતા હય

કયામત એટલે સૃષ્ટિનો અંતિમ દિવસ. મહાભૂકંપ સર્જાશે અને ચારે દિશામાં વિનાશ સિવાય કશું હોય નહીં. સર્વ કંઈ ધરાશાયી અને ધરતીના ય ફાડચાં. પહાડો ય રૂ માફક ઊડશે ! અને માણસો અન્ય પ્રાણીઓ બેબાકળા ! − દાગ સાહેબ કહે છે કે એ રૂપાળવી જ્યાં પગલાં પાડે ત્યાં શોર ઊઠે છે કે –  આ તો કયામત સર્જાવે છે ! હૈયાં ઊથલપાથલ!

દાગ સાહેબનો જન્મ 1831માં દિલ્હીમાં થયેલો. કિલ્લા – મુઅલ્લા નામે એક વિસ્તાર છે, જ્યાં ઉસ્તાદ ઝૌકનો નિવાસ હતો ત્યાં દાગ સાહેબનો ઉછેર થયેલો. ઘોડેસવારી અને તીરંદાજીનો ઘણો શોખ હતો. ઘોડાની ચાલની સારી જાણકારી ધરાવતા હતા. 1857માં દિલ્હીથી રાજપુર ચાલ્યા ગયેલા. અહીં નવાબના દરબારમાં થોડો સમય વીતાવ્યો. મજા આવી નહીં. અને હયદ્રાબાદ ચાલ્યા ગયા.

કહે છે કે હયદ્રાબાદમાં તેમની સારી આઓભગત થઈ હતી. નવાબના દરબારમાં માનભર્યું સ્થાન મળ્યું હતું ને માસિક 450 રૂપિયાનો દરમાયો નક્કી થયો હતો. બાદમાં માસિક એક હજાર રૂપિયા કરી દેવાયા હતા. વળી નવાબના ઉસ્તાદ, પછી પૂછવું શું ! જિંદગી એશઆરામમાં વીતી. 1905માં અવસાન થયું.

મૃદુતા, રવાની, વ્યંગ એ તેમના કલામની વિશિષ્ટતા ગણાય છે. ચંદ શબ્દોમાં મોટી વાત કહેવાની કળામાં પ્રવીણ હતા. −−− કહે છે કે આરંભ સારો તેનો અંત સારો. મને આ કથન અર્ધ સાચું લાગે છે. કોઈ કાર્યની શરૂઆત અને તેના અંત વિશે એ સાચું ઠરે તે શક્ય છે. પણ દરેક બાબતમાં એમ થાતું નથી. વળી સામાન્ય રીતે લોકો અંતને ફલશ્રુતિને, અંજામને જોતા હોય છે અને તેના આધારે જ માણસની કદર થાય છે. આ વિચાર સંદર્ભે દાગ સાહેબ કહે છે કે :

અગાઝ કો કૌન પૂછતા હૈ
અંજામ અચ્છા હો આદમી કા

માણસનો અંજામ, તેના જીવનનો અંત સારો, શાનદાર હોવો જોઈએ. એને જ લોકો દેખે છે, યાદ રાખે છે અને એને આધારે મરનારની કદર થાય છે. આરંભમાં એ શું હતો, કેવો હતો તેને કોઈ જોતું નથી. − અસલ વસ્તુ અંજામ છે, ફલશ્રુતિ છે.

જિંદગી તો બધા જીવે છે. પણ સત્ય, પ્રમાણિકતા, સદાચાર, સંસ્કારિતા, અનુકંપા, જેવા ઉમદા ગુણોથી ઓપતા જીવનને સૌ કોઈ માનની નજરે જુએ છે. એવા પ્રમાણિક માણસો જૂઠું બોલતા નથી કે જૂઠી કસમ ખાતા નથી. એવી કસમ ઈમાનનો છેદ ઊડાવી દે છે :

ખાતિર સે યા તિહાઝ સે
                      મૈં માન તો ગયા
ઝૂટી કસમ સે આપ કા
                     ઈમાન તો ગયા

હું તો ખેર, તમારા આદરની ખાતર તમારી વાત માની ગયો છું. પણ જૂઠા સોગંદ ખાધા છે એના કારણે તમારું ઈમાન, તમારી શ્રદ્ધાનો, સચ્ચાઈનો નાશ થઈ ગયો છે. મોટું નુકસાન થયું છે ! પણ શું થઈ શકે ? એનો કોઈ ઉપાય નથી. તમે કોઈનું કહ્યું માનો એવા છો જ ક્યાં ?

ઈતની હી તો બસ કસર હૈ તુમ મેં
કહના નહીં માનતે કિસી કા

કહ્યું ન માને તો ય છે વહાલું. એ વહાલાની યાદ, તેનો ખયાલ પણ વહાલો. અને એ ખયાલ આવે છે તો તેના આગમનમાં ય પ્રેમીને ખૂબી દ્ૃષ્ટિગોચર થાય છે :

કિતના બા-વઝઅ હૈ ખયાલ ઉસ કા
બેકસી મેં ભી આયે જાતા હૈ

સારી સ્થિતિમાં તો પારકા ય સગાંસ્નેહી બની જતાં હોય છે. અને દુર્દશામાં પોતાનો પડછાયો પણ સાથ આપતો નથી. પણ પ્રિયતમાના ખયાલનો આ વિવેક આ ઉમદા રીતભાત તો જુઅો, કે હું સાવ માઠી દશામાં આવી ગયો છું તો પણ એ મારો સાથ છોડતો નથી!

દિલને ગમતું માણસ, પછી તે ગમે તે હોય, ગમે એવું હોય, તે પઢાવે તે પાઠ પ્રેમીનું હૃદય પઢી લે છે. અને ત્યાર પછી તે કોઈનું કહ્યું માનતું નથી. −

સબક ઐસા પઢા દિયા તૂને
દિલ સે સબ કુછ ભૂલા દિયા તૂને

આ પૂર્વે હૃદય જે કંઈ જાણતું હતું, જે જ્ઞાનની થાપણ તેની કને હતી તે સૌ તે વિસરાવી બેઠું છે. − આ કેવો પાઠ તેં ભણાવ્યો છે ? − મને તારી વાતો સિવાય કંઈ જ સમજાતું નથી. તારા સિવાય કશું દેખાતું નથી. − ગમે એમ પણ હકીકત આ છે કે મેં એવી કશી સોગાતની તલબ કરી ન હતી. કોઈ ઇચ્છા, કોઈ માંગણી કરી ન હતી :

બેતલબ જો મિલા, મિલા મુઝ કો
બેગરઝ જો દિયા, દિયા તૂને

દાગ સાહેબની એક ગઝલ ખાસી લોકપ્રિય છે, જેના ત્રણ અશઆર :

સાઝ યે કિનાસાઝ ક્યા જાને
નાઝ વાલે નિયાઝ ક્યા જાને

જે, અંતરમાં દ્વેષ, તિરસ્કાર જેવાં સાપોલિયાં પાળતાં હોય તેઓ મેળમિલાપ, ભાઈબંધી કે પરસ્પરના સંબંધને શું જાણે. એ માટે તો વિશાળ અને ખુલ્લું નિષ્કપટ હૃદય જોઈએ. − જે હંમેશાં નાઝ-નખરામાં, પોતાની વડાઈમાં મસ્ત રહે છે તે શું જાણે કે મેળમોહબત, વિનમ્રતા, સહાનુભૂતિ શું છે ? એવા કઠોર માણસો પર દયા આવે છે ! તેઓ જીવન બગાડે છે !

પરંતુ પ્રેમના આસવમાં મસ્ત રહેનારાઓને ત્યાં એવું બનતું નથી. બલકે એનાથી ઊલટ, તેમનું જીવન સંવરી જાય છે. પ્રેમના આ આસવની સુરાની લિજ્જત પણ એક અનોખી ચીજ છે. અને એ લિજ્જતની મોજ-મસ્તી તો જેણે એ આસવ ચાખ્યો હોય તે જાણે :

પૂછિયે મયકશ સે લુત્ફે શરાબ
યે મઝા પાકબાઝ ક્યા જાને

પવિત્રાઈની વાતો કરનારા આ સંતમહંત કે મુલ્લાને શું પૂછો છો. એ બિચારા શું જાણે ? − આસવની લિજ્જત કોઈ મયકશને − શરાબીને પૂછો. તે તમને કહેશે કે આસવ શી ચીજ છે !

અને પ્રેમની દશાને કોઈ શું જાણે. ‘ઘાયલ કી ગત ઘાયલ જાને, અૌર ન જાને કોઈ !’

જો ગુઝરતે હૈં ‘દાગ’ પર સદમે
આપ બંદાનવાઝ ક્યા જાને !

તમો તો મોટા માણસ. બંદાનવાઝ – બંદાપરસ્ત. તમોને ‘દાગ’ પર જે વીતી રહી છે એની શી ખબર ? તમે દેખો તો સમજાય શું ? એ તો દાગ જાણે, દાગનું દિલ જાણે ! − મતલબ કે દશા ગંભીર છે. અને એવી સ્થિતિમાં ભાનશાન પણ રહેતું નથી. બુદ્ધિ બહેર મારી જાય છે. અને દેહમાંના ચેતન કે ઉષ્માના અંશો તેમના મુકામ પર રહેતા નથી. ચલિત થઈ જાય છે. − આવી દશાનો ઉલ્લેખ કરતાં ‘દાગ’ સાહેબ કહે છે :

હોશો – હવાસો, તાબો – તવાં
                          ‘દાગ’ જા ચૂકે
અબ હમ ભી જાનેવાલે હૈં
                          સામાન તો ગયા

માણસ પ્રવાસે જાય તો ભેગો તેનો સામાન પણ જાય. કપડાંલતાં, પેટી, થેલાથેલી વગેરે. આ વાસ્તવિક્તાને જીવનની અંતિમ સફર સાથે સાંકળતાં કવિ કહે છે કે સાનભાન, ઉષ્મા, ચેતના જેવો જીવનનો જરૂરી સામાન તો જઈ ચૂક્યો છે અને હવે અમે પણ જાનાર છીએ. આ સૃષ્ટિને અંતિમ સલામ કરનાર છીએ.

દાગ સાહેબની એક મસ્નવી ‘ફરિયાદે દાગ’ મશહૂર છે. એ સિવાય ગઝલોના ચાર દીવાન પ્રગટ થયા છે : ગુલઝારે દાગ, અાફતાબે દાગ, માહતાબે દાગ ને યાદગારે દાગ.

[136 Stamford Street, Old Trafford, MANCHESTER M16 9LR. U.K.]

Loading

11 July 2014 admin
← ‘અાવ વરસાદ, ભાગ વરસાદ
ગ્રીક તત્ત્વજ્ઞાનનો અાદ્યગુરુ થેલસ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved