બીજા વિશ્વયુદ્ધમાં જે રીતે અનેક દેશોમાં સામાજિક તબાહી આવી, તેનો વિષય લઈને અનેક યુરોપિયન અને હોલીવૂડ ફિલ્મો બની હતી. આપણે ત્યાં વિભાજનની ભીષણતા પણ યુદ્ધથી ઓછી ન હતી, પણ આપણી ફિલ્મોએ તેનું જોઈએ તેટલું વિશ્લેષણ કર્યું ન હતું. ગણવા બેસો તો દસેક ફિલ્મો એવી નીકળે, જેણે ગંભીરતાથી વિભાજનની પીડાને પડદા પર બતાવી હોય. દર વર્ષે સ્વતંત્રતા દિવસ પ્રસંગે તમે આ બધી ફિલ્મોને એક યા બીજી રીતે યાદ કરતા રહેતા હશો. આપણે આજે એક એવી જ ફિલ્મની વાત કરીએ.
ભારત-પાકિસ્તાનના વિભાજનને બે રીતે જોઈ શકાય; વિભાજનનું રાજકારણ અને વિભાજનની હિંસા. ભારતના ટુકડા થયા તેની પાછળ સાંસ્કૃતિક કારણો હતાં અને તેનું પોલિટીકલ સેટલમેન્ટ હિંસામાં પરિણમ્યું હતું, કારણ કે એ કારણોમાંથી પીડાનો જન્મ થયો હતો. વિભાજનની એ શારીરિક અને માનસિક હિંસાને આપણી ફિલ્મોમાં ગહેરાઈથી તપાસવામાં આવ્યો નથી.
હિંસાના નામે લૂંટફાટ, તોફાનો અને બળાત્કારની વાતો ફિલ્મોમાં થઇ છે, પરંતુ વિભાજનના કારણે પરિવારોની લાગણીઓ અને સંવેદનાઓ પર જે હિંસા થઇ હતી તેને મુખ્ય ધારાના ફિલ્મ સર્જકો બહુ સ્પર્શ નથી કર્યો. એ સંદર્ભમાં, એમ.એસ. સથ્યૂએ ૧૯૭૩માં 'ગરમ હવા' ફિલ્મમાં પહેલીવાર એ અલગાવ, મૂળિયાં સોતા ઉખડી જવાની પીડા અને આઇડેન્ટિટીનાં સંકટનું ચિત્રણ કર્યું હતું.
ફિલ્મની શરૂઆત જ કૈફી આઝમીના આ શેર સાથે થતી હતી, જેમાં જમીન પર ખેંચાયેલી રેખાથી દિલોમાં પડેલી તિરાડની પીડા હતી :
તકસીમ હુઆ મુલ્ક તો દિલ હો ગયે ટુકડે
હર સીને મેં તુફાન યહાં ભી થા વહાં ભી
(તકસીમ : વિભાજીત)
મૈસુર શ્રીનિવાસન સથ્યૂ એટલે કે એમ.એસ. સથ્યૂ મૈસુર અને બેંગ્લોરમાં સાયન્સ ભણ્યા હતા, પણ શોખથી ફિલ્મોમાં આવી ગયા હતા. ફિલ્મ નિર્માતા-નિર્દેશક ચેતન આનંદના એ સહાયક બન્યા હતા, અને તેમની ભારત-ચીન યુદ્ધ આધારિત 'હકીકત'માં બેસ્ટ આર્ટ ડીરેક્શનનો ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા.
સથ્યૂના કહેવા પ્રમાણે 'ગરમ હવા' અકસ્માતે બની હતી, પણ આજે તે એવી જ ક્લાસિક ગણાય છે જેવી કમાલ અમરોહીની 'પાકીઝા' ગણાય છે. સથ્યૂ દિલ્હીમાં નાટકો સાથે સંકળયેલા હતા. તેમની સ્ક્રીનપ્લે લેખક પત્ની શમા ઝૈદીના એક નાટકમાં મશહૂર ઉર્દૂ લેખક રાજીન્દર બેદી કામ કરતા હતા. તેમણે વાતવાતમાં ઝૈદીને કહ્યું કે તમે લોકોએ વિભાજન પછી ભારતમાં રહી ગયેલા મુસ્લિમો પર ફિલ્મ બનાવવી જોઈએ. બેદીએ ઉર્દૂ લેખિકા ઈસ્મત ચુઘતાઈના નામનું સૂચન પણ કર્યું હતું.
ઈસ્મત પાસે વાર્તા ન હતી, પણ તેમના દૂરના પરિવારમાં અમુક સભ્યો પાકિસ્તાન જતા રહ્યા હતા અને અમુક સભ્યો ભારતમાં રહી ગયા હતા તેવી એક ઘટના હતી. કદાચ એમાં ઈસ્મતની માતાની જ વાત હતી, જેણે છેલ્લા શ્વાસ સુધી હિંદુઓ વચ્ચે રહેવાની જીદ કરી હતી. ઝૈદી અને સથ્યૂ વાર્તાની તલાશમાં હતા અને આવી સાવ બે લાઈનની વાર્તા પરથી તેમણે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. તેમણે કૈફી આઝમીનો સંપર્ક કર્યો અને આઝમી સાબે ઝૈદી સાથે મળીને વાર્તાને આકાર આપ્યો.
ફિલ્મ બનાવવા માટે સથ્યૂએ ફિલ્મ ફાયનાન્સ કોર્પોરેશનની મદદ લીધી હતી, અને ત્યાંથી તેમને ત્રણ લાખ રૂપિયા ફાળવ્યા હતા. સાવ નાખી દેવાય તેવા બજેટ અને સાવ નાનકડી વાર્તા પરથી સથ્યૂએ 'ગરમ હવા' એવી ગર્મજોશીથી બનાવી કે આજે ૫૦ વર્ષ પછી પણ એવું કહેવાય છે કે પૃથ્વી પર જ્યાં સુધી પાકિસ્તાન રહેશે, ત્યાં સુધી વિભાજનના ઇતિહાસમાં તેને યાદ કરવામાં આવશે.
ફિલ્મ આગ્રામાં જૂતાંના કારખાનાના માલિક સલીમ મિર્ઝા(બલરાજ સહાની)ના પરિવારની આસપાસ ઘૂમે છે.
સમય ભારતની સ્વતંત્રતા પછીનો છે. દેશમાં વિભાજનની આગમાં સળગી રહ્યો છે. બંને દેશોમાંથી સ્થળાંતર ચાલુ છે. હિન્દુઓ પાકિસ્તાન છોડીને ભારત આવી રહ્યા છે, અને મુસ્લિમો ભારત છોડીને પાકિસ્તાન જઈ રહ્યા છે. બંને કોમ 'અપના દેશ'ની તલાશમાં છે. એ બધા વચ્ચે એવા મુસલમાનો પણ છે, જે ભારતને જ પોતાનો દેશ માને છે.
સલીમ મિર્ઝા એવો જ એક મુસલમાન છે, જેને મહાત્મા ગાંધીના સર્વ ધર્મ સમભાવમાં વિશ્વાસ છે. તેને આશા છે કે હિંદુ-મુસ્લિમ એકતા માટે થઈને ખુવાર થઇ જનારા મહાત્માની શહીદી એળે નહીં જાય અને દેશમાં શાંતિનો દીવો પેટાવશે. એક દ્રશ્યમાં એક ઘોડાગાડીવાળો સલીમ પાસે આઠ આનાને બદલે બે રૂપિયાનું ભાડું માગે છે, ત્યારે સલીમ તેની સાથે રકઝક કરે છે. ગાડીવાળો ઉદ્ધતાઈથી સલીમને કહે છે, "આઠ આને મેં ચલના હૈ તો પાકિસ્તાન જાઓ." એ સાંભળીને દુઃખી થયેલો સલીમ કહે છે, "નઈ-નઈ આઝાદી મિલી હૈ તો સબ અપને-અપને મતલબ નિકાલ રહે હૈ."
સલીમને બે દીકરા બાકર (અબુ સિવાની) અને સિકંદર (ફારુખ શેખ) તથા એક દીકરી અમીના (ગીતા સિદ્ધાર્થ) છે. અમીના તેના કાકા હલીમ(દીનાનાથ ઝુત્સી)ના દીકરા કાસિમ(જમાલ હાસમી)ને પ્રેમ કરે છે, પણ બંનેનો પ્રેમ અધૂરો રહી જાય છે. હલીમ તેના દીકરાને લઈને પાકિસ્તાન જતો રહે છે. લગ્ન કરવાના ઈરાદે કાસિમ પાછો આગ્રા આવે છે તો ઉચિત કાગળો ન હોવાથી પોલીસ તેને પકડીને પાછો પાકિસ્તાન મોકલી દે છે. અમીના નાસીપાસ થઇ જાય છે અને તેનાં લગ્ન તેની ફોઈના દીકરા શમશાદ (જલાલ આગા) સાથે કરી દેવામાં આવે છે. એ લગ્નમાં પણ તેને દગો થાય છે અને તે અમીના આત્મહત્યા કરે છે.
સલીમ પર ભારત છોડવાનું દબાણ છે, પણ તે આગ્રામાં જ રહેવાનું પસંદ કરે છે. તેની પર દીકરીની આત્મહત્યા અને પાકિસ્તાની જાસૂસ હોવાનો આરોપ મુકવામાં આવે છે છતાં તેના નિર્ણયમાં કોઈ બદલાવ નથી આવતો. તેને વિશ્વાસ છે કે ગાંધીનું બલિદાન એળે નહીં જાય. તે કહે છે, “ગાંધીજી કી કુરબાની રાયગા નહીં જાયેગી, ચાર દિનો કે અંદર-અંદર સબ ઠીક હો જાયેગા.” ધીરે-ધીરે પરિવારના બધા જ પાકિસ્તાન જતા રહે છે. સલીમને કારખાનું ચલાવવા માટે બજારમાંથી પૈસા પણ નથી મળતા કારણ કે મુસ્લિમ હોવાથી તેની પર કોઈને વિશ્વાસ નથી. તેની હવેલી જપ્ત કરી દેવામાં આવે છે.
ત્યાં સુધી કે સલીમને કારખાના પર લઈ જનારો ઘોડાગાડીવાળો પણ સમયની ભયાનકતા સમજે છે. સલીમ હિંદુ-મુસ્લિમ કડવાશ, તોફાન અને રાજનીતિની પરેશાન થઇને એકવાર કહે છે, “કૈસે હરે ભરે દરખ્ત કટ રહે હૈ ઇસ હવા મેં” (આ હવામાં કેવાં હર્યાંભર્યાં વૃક્ષ કપાઈ રહ્યાં છે) ત્યારે ગાડીવાળો કહે છે, “બડી ગરમ હવા હૈ મિયાં બડી ગરમ, જો ઉખડા નહીં વો સૂખ જાયેગા મિયાં.” પણ સલીમ ભારતની જમીન પર સુકાઈ જવાય તો પણ ઉખડવા તૈયાર નથી.
સલીમ ભાડાનું ઘર શોધવા નીકળે છે, પણ મુસ્લિમ હોવાથી કોઈ ઘર નથી આપતું. બધેથી હડધૂત થયાનો અનુભવ એવો છે કે એક ઘરમાં ઘૂસતાં પહેલાં સલીમ સામેથી કહે છે, “પહેલે સુન લીજીએ, મકાન મુજે ચાહીએ, મેરા નામ સલીમ મિર્ઝા હૈ ઔર મેં એક મુસલમાન હું, ક્યા અબ ભી મેં મકાન દેખ સકતા હું?” મકાન માલિક કહે છે, “શૌક સે શૌક સે દેખિયે મિર્ઝા સાહબ, મુજે કિરાયે સે મતલબ હૈ આપકે મજહબ સે નહીં.” એ સાંભળીને સલીમ કહે છે, “જબ સે મકાન ઢૂંઢ રહા હું યે જવાબ સુનને કે લિયે કાન તરસ ગયે થે.”
આ બધા વચ્ચે જાસૂસીની તપાસ તો તેને પરેશાન કરતી જ હોય છે અને અંતે થાકી-હારીને સલીમ ભારત નહીં છોડવાના તેના વચનને ફોગ કરીને પાકિસ્તાન જતા રહેવાનું નક્કી કરે છે. તેનો દીકરો સિકંદર તેનો વિરોધ કરે છે કે આપણે અહીં રહીને જ દેશના વિકાસ માટે કામ કરવું જોઈએ, પણ સલીમ હવે થાકી ગયો હોય છે. તે અને તેનો પરિવાર રેલવે સ્ટેશન તરફ જતો હોય છે ત્યારે રસ્તામાં બેરોજગારીનો વિરોધ કરતું મોટું ટોળું આવે છે. ટોળામાં સિકંદરના દોસ્તો છે. તેઓ સિકંદરને સરકારના વિરોધમાં જોડાવા અપીલ કરે છે. સલીમ સિકંદરને તેમાં જોડાવા ઉત્તેજન આપે છે.
એ પછી સલીમ ઘોડાગાડીવાળાને સૂચના આપે છે કે તે તેની પત્નીને પાછો ઘરે લઇ જાય અને પોતે પણ એ વિરોધમાં જોડાઈ જાય છે. બરાબર એ જ વખતે કૈફી આઝમીની શાયરી હવામાં સંભળાય છે. એ શાયરીમાં જાણે સલીમના મનની વાત હતી :
જો દૂર સે તૂફાન કા કરતે હૈ નઝારા
ઉનકે લિયે તૂફાન વહાં ભી હૈ યહાં ભી
ધારે મેં જો મિલ જાઓગે, બન જાઓગે ધારા
યે વક્ત કા એલાન વહાં ભી હૈ યહાં ભી
ફિલ્મ ભારતના વફાદાર મુસ્લિમોની પીડાની કહાની તો હતી જ, સાથે ભારતની અસલી સમસ્યા બેરોજગારી અને ગરીબીની પણ કહાની હતી. તેનો સંદેશો સાફ હતો કે ભારતની અસલી લડાઈ હિંદુ-મુસ્લિમ વચ્ચે નથી, પણ ભારતીયો અને ગરીબી વચ્ચેની છે.
બલરાજ સહાનીની આ સૌથી ઉત્તમ ફિલ્મ છે. તેને અનેક એવોર્ડ મળ્યા હતા અને દેશ-વિદેશમાં તેનાં વખાણ થયાં હતાં. સેન્સર બોર્ડ તેને પાસ કરવામાં આનાકાની કરતુ હતું તો ઇન્દિરા ગાંધીએ દરમિયાનગીરી કરીંને તેને વિના વિઘ્ને રિલીઝ કરાવી હતી. મુંબઈમાં બાળ ઠાકરેએ રિલીઝ પહેલાં ફિલ્મ જોઈ હતી અને તેના સંદેશાથી ખુશ થયા હતા.
ફિલ્મના અંતે બલરાજ સહાનીનો એક ડાયલોગ હતો : “ઇન્સાન કબ તક અકેલા જી સકતા હૈ?” તેમણે આ ડાયલોગ રેકોર્ડ કરાવ્યો તેના બીજા જ દિવસે, ૧૩ એપ્રિલ ૧૯૭૩ના રોજ, ૫૯ વર્ષની ઉંમરે હૃદય રોગના હુમલામાં તેમનું અવસાન થઇ ગયું.
પ્રગટ : ‘બ્લોક બસ્ટર’ નામક લેખકની સાપ્તાહિક કોલ, “ગુજરાતી મિડ-ડે”, 14 ઑગસ્ટ 2021