Opinion Magazine
Number of visits: 9446502
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુશ્કેલ સમયમાં (60)

સુમન શાહ|Opinion - Opinion|16 August 2021

= = = = મનુષ્યપ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચે દુર્નિવાર જે ખાલી જગ્યા કે ખાઈ છે તે હકીકતને નવલકથા વ્યંજિત કરે છે એ કારણે મને ગમી છે, પણ વધારે ગમી છે એ કારણે કે જીવનના મહાન પરિબળ પ્રેમને, એ પરમ સત્યને, એ દૃઢ કરે છે, સુદૃઢ કરે છે. = = = =

દેશમાં વર્ષા ઋતુ ચાલે છે. વરસાદ આવે, ન પણ આવે. દેશમાં કોરોના પણ ચાલે છે, ચાલ્યા જ કરે છે. વરસાદ ગંદકી ધોઇ નાખે, ગંદકી વધે પણ ખરી. ગંદકી વધે તો કોરોના વધે? ત્યારે કોઈ પણ રોગ વધે તેમ કોરોના ય વધે.

તેમ છતાં, કોરોના ગંદકીફંદકી જેવી બાબતોને ગણકારે એમાંનો નથી. જો કે લોક પણ, મોટા ભાગનું લોક, લગભગ બધા દેશોમાં, કોરોનાને ગણકારતું નથી. રસીકરણ એક ઇલાજ છે, પણ કેટલા ય યુરોપીયનો અને અમેરિકનો રસી મુકાવાની ના પાડે છે. માસ્કથી બચી શકાય, પણ જોઈ શકાય છે કે કેટલાક જ પ્હૅરે છે. ડિસ્ટન્સ જાળવનારાઓની મશ્કરીઓ થાય છે. જાત-અલગાવ સ્વીકારીને જાતે ક્વૉરેન્ટાઇન્ડ્ રહેનારાઓને સૂમડા, એકલપેટા અને સ્વાર્થી કહેવાય છે.

ટૂંકમાં, માણસ કોરોનાને નથી ગાંઠતો અને કોરોના માણસને નથી ગાંઠતો. ‘વૉરિયર’ કે ‘યોદ્ધો’ જેવા શબ્દ પ્રયોજીને આપણે આપણા મિથ્યાભિમાનને પોષીએ છીએ. મારફાડ કરીએ, બાથંબાથી કરીએ, હથિયારો વાપરીએ, કાપાકાપી કરીએ, એટલે કે, બરાબ્બરનો જંગ માંડીએ ત્યારે યુદ્ધ શરૂ થયું ગણાય. બાકી, આ તો એવી સખત મડાગાંઠ છે – હાર્ડ સ્ટેલમેટ – કે જેનો કોઈ જવાબ કે ઇલાજ છે જ નહીં. એક લાજવાબ અને લાઇલાજ પરિસ્થિતિમાંથી માનવજાત ગુજરી રહી છે.

તેમ છતાં, તેમ છતાં, આનન્દની વાત એ છે કે કોરોના પ્રેમને હરાવી શક્યો નથી. પ્રેમીઓ પ્રેમ નિરાંતે કરી શકે છે. પૉઝિટિવ-નૅગેટિવથી એમને કશો ફરક નથી પડતો. કોવિડગ્રસ્ત પ્રિયતમ માટે કે હૉસ્પિટલાઇઝ્ડ્ પ્રિયા માટે દોડી જનારને ચેપની ચિન્તા નથી હોતી. કોવિડથી થનારા મૉતની એમને મન ઍસીતૅસી હોય છે. કોરોનાકાળે ય પ્રેમ અપરાજિત રહ્યો છે.

આપણા કોઈ નવલકથાકારે ‘કોરોનાકાળે પ્રેમસમાગમ’ – એવા કોઈ શીર્ષકની નવલકથા લખી છે? જો હોય તો અંગ્રજીમાં એને કહેવાય – ‘લવ ઇન ધ ટાઇમ ઑફ કોરોના’.

ગૅબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝે – ‘લવ ઇન ધ ટાઇમ ઑફ કૉલેરા’ લખી છે.

એક જમાનામાં કૉલેરા અસાધ્ય રોગ રૂપે વકર્યો હતો. કોરોના પૅન્ડેમિક છે, કૉલેરા ઍપિડેમિક હતો.

દક્ષિણ અમેરિકાના એક લોકસમુદાયમાં કૉલેરા ફાટી નીકળ્યો હોય છે, વળી, એ લોકોએ સિવિલ વૉર ઉપરાન્તનાં યુદ્ધો પણ વેઠ્યાં હોય છે. સમયગાળો છે, ૧૯મી સદીના ૭-મા દાયકાથી ૨૦-મી સદીના ચૉથા દાયકાનો. નવલકથાનું વિષયવસ્તુ તો ખૂબ ચવાયેલું છે. એક સ્ત્રી બે પુરુષો જોડે જીવી હોય – એકની જોડે લગ્નજીવન અને બીજાની જોડે પ્રેમજીવન. એકની જોડે સુખસગવડભર્યું પણ રોમાન્સ વિનાનું દામ્પત્ય ને બીજાની જોડે લાંબા સમય લગીની વિરહવ્યથાનું જીવન.

થોડીક વીગતો આપીને ટૂંકસાર જ આપી શકીશ.

ફરમિના દાસા (Fermina Daza) ખચ્ચરોના ધનાઢ્ય વેપારીની દીકરી છે. ફ્લોરેન્તિનો અરિસા (Florentino Ariza) એનો પ્રેમી છે. બન્ને જુવાન વયે પ્રેમમાં પડેલાં. ઘરની બારીએથી જોતાંમાં જ પ્રેમ થઈ ગયેલો – લવ ઍટ ફર્સ્ટ સાઇટ. એકબીજાને પ્રેમપત્રો લખવા માંડેલા. પણ એક વાર ફરમિનાનો બાપ બન્નેને જોઈ પાડે છે ને દીકરીને અટકાવી દે છે. બાપ થોડા સમય પછી દીકરીને લઈને બીજા શહેરમાં પણ ચાલી જાય છે. જો કે આ બન્ને તો ટૅલિગ્રાફથી જોડાયેલાં રહે છે.

ફ્લોરેન્તિનો સામાન્યજન છે, ટેલિગ્રાફ ઑપરેટર, પણ કવિસ્વભાવનો છે. એથી ફરમિના એને વધારે ચાહવા લાગેલી. પણ બાપે લગ્નની સમ્મતિ ન આપી. જો કે મૉડે મૉડે ફરમિનાને પણ સમજાય છે કે આ તો સ્વપ્ન સમું હતું. એને બધું અડવું અડવું લાગવા માંડે છે અને એ ફ્લોરેન્તિનોને પ્રેમપત્રો પરત કરી દે છે.

એટલે, હુવેનાલ ઉરબિનો (Juvenal Urbino) જોડે ફરમિનાનાં લગ્ન થાય છે. ઉરબિનો ડૉક્ટર છે, બુદ્ધિશાળી છે, શિક્ષક છે, શ્રીમન્ત કુટુમ્બનો છે. પ્રગતિશીલ સ્વભાવનો છે. એણે સંકલ્પ કર્યો છે કે પોતે કૉલેરાને નાબૂદ કરીને રહેશે. શરૂમાં નથી ગમતો, પણ બાપની સમજાવટને કારણે અને ઉરબિનોએ આપેલી ભેટસોગાદોને કારણે ફરમિનાનું મન માની જાય છે.

આ ત્રણ મુખ્ય પાત્રો છે.

ઉરબિનો સાથેનું ફરમિનાનું લગ્નજીવન સુખી કહેવાય; વરસો લગી ટક્યું છે, પણ એમાં કશો રોમાન્સ નથી, પ્રેમ નથી. સમાજમાં પ્રતિષ્ઠિત ગૃહસ્થ દમ્પતીને શોભે એવી એમની સીધીસાદી જિન્દગી છે. આપણને લાગે કે બન્ને પોતપોતાની જરૂરિયાતે કરીને જોડાયાં છે. જો કે, ક્રમે ક્રમે, એકબીજાં માટે લાગણી અનુભવતાં થયાં છે. ઉરબિનોની વધતી ઉમરને કારણે ઊભી થતી તકલીફોનું ફરમિના નિવારણ કરતી હોય છે. કથક કહે છે એમ ઉરબિનોને એ ‘સેનાઇલ બેબી’ ગણીને, સંભાળે છે – એટલે કે, જાણે એ ગોકળગાયનું બચ્ચું હોય. એની સાથે એ એવી કેળવેલી માયાથી વર્તતી હોય છે.

આમ, પ્રેમનો નહીં પણ સુસ્થિર દામ્પત્યનો મહિમા થાય છે. ઉરબિનોની ફરમિના પ્રત્યેની પતિ તરીકેની પ્રતિબદ્ધતા એટલે લગી વિકસે છે કે એ પોતાની બાળસખી બાર્બરા સાથેની એ ભાવનાને ભૂંસી નાખે છે, જે એના વર્તમાન જીવનમાં છે જ નહીં – અને તે, પ્રેમ !

ફરમિના જણાવે છે કે નજીવી બાબતો માટેના આટઅટલા ઝઘડા, આટઆટલા પ્રશ્નો, ખબર નથી પડતી કે આ પ્રેમ છે કે શું. તેમ છતાં, ફરમિના અને ફ્લોરેન્તિનોની પહેલા પ્રેમની આતશ અને તેમાં મળેલી વિફળતાની વ્યથા નષ્ટ નથી જ થતાં. ફરમિના મનોમન અને ફ્લોરેન્તિનો પોતાના દિલમાં એ આતશ અને એ વ્યથાને જીવ્યે જાય છે.

ઉરબિનો અને ફરમિનાને લેખકે, આઇ મીન, એના બાપે, પૅરીસ મોકલી દીધાં ને આ ફ્લોરેન્તિનો લટકી પડ્યો. ગંદાઓની સોબતને કારણે એણે કંઇ સૅંકડો લફરાં પણ કર્યાં. જો કે, ફરમિનાને જાણ ન થાય એની એણે પૂરી કાળજી રાખી. સાથોસાથ, એણે વેપાર શરૂ કર્યો અને એમાં ખૂબ પ્રગતિ કરી. પણ એ બધાંની વચ્ચે એ એવી આશા સેવતો રહ્યો કે કોઈ એક દિવસ તો પોતે ફરમિનાને પામી જ શકશે. વરસો પછી એની આશા ફળે છે પણ ખરી.

સમય ઝડપથી વીતે છે. ફરમિના-ઉરબિનો ઘરડાં થાય છે. દામ્પત્યજીવનના બધા જ ચડાવ-ઉતાર ને સુખ-દુ:ખ ભોગવી ચૂક્યાં હોય છે. એક દિવસ ઉરબિનો પોતાના પાળેલા પોપટને પોતાના આંબેથી નીચે લાવવા નિસરણીએ ચડ્યો હોય છે, નિસરણી ખસી જાય છે, ઉરબિનો મૃત્યુ પામે છે.

ફ્લોરેન્તિનો ઉરબિનોની અન્ત્યેષ્ઠીમાં હાજર થઈ જાય છે. ત્યાં, વળી, પોતાના પ્રેમની ઘોષણા કરે છે, દાવો કરે છે કે પોતે વરસો લગી વફાદાર રહ્યો છે. ફરમિના એનો સ્વીકાર કરે છે ને બન્ને એવાં ઘરડાં છતાં એમ પ્રેમ કરતાં કરતાં જીવ્યે જાય છે. કહે છે, પહેલવહેલો એકરાર કર્યા પછી, ૫૦ વર્ષ ૯ માસ અને ૪ દિવસને અન્તે બન્નેનું પુનર્મિલન થયું. અને નવલ એમ સુખાન્તે સમ્પન્ન થઈ.

માર્ક્વેઝ કદાચ એમ સૂચવી રહ્યા છે કે પ્રેમ પણ એક રોગ જ છે. ત્રણેય મુખ્ય પાત્રો મનોયાતના ઉપરાન્ત શારીરિક પીડા પણ ભોગવે છે. એક સ્થાને એમણે ડૉક્ટર ઉરબિનોને પણ રોગી બતાવ્યો છે.

માર્ક્વેઝની સર્જકતા વિશે કહેવા બેસું તો આવા બીજા બે-ત્રણ લેખ કરવા પડે.

પણ એમણે વર્ણવેલી ઉરબિનોની જીવનશૈલી જુઓ, જુઓ કે કેટલી સાફ અને કેવી આકરી શિસ્તથી એ માણસ નિયમચુસ્ત જીવન જીવે છે : મળસ્કું થતાંમાં જાગી જાય, પોતાની અલાયદી, ખાનગી, દવાઓ લેવાનું શરૂ કરે – જોસ્સો બની રહે એ માટે પોટેશ્મયમ બ્રોમાઇડ – વરસાદ વખતે અકડાઈ ગયેલાં હાડકાં માટે અમુક (હું દવાઓનાં નામ નથી લખતો) – વર્ટિગો માટે અમુક ટીપાં – ગાઢ ઊંઘ માટે અમુક, વગેરે.

રોગી એવો તે શું કે કોઈ કોઈ દવા એણે દરેક કલાકે લેવી પડતી હોય છે – કોઇ ન જાણે એમ, હમેશાં ખાનગીમાં. કેમ કે ડૉક્ટર અને શિક્ષક તરીકેની લાંબી જિન્દગીમાં કદી એણે વૃદ્ધાવસ્થા માટે અપાતી દર્દશામક દવાઓ પ્રિસ્ક્રાઇબ કરી જ ન્હૉતી. એ એનો વિરોધી હતો. કેમ? સરસ કારણ અપાયું છે – કેમ કે, એના માટે પોતાનાં દુ:ખ કરતાં બીજાંનાં દુ:ખને સહી-સમજી લેવાનું સરળ હતું.

માર્ક્વેઝ વાચકોને મજા પડે એવું ઉમેરે છે કે ઉરબિનો ગજવામાં કપૂરની નાની પોટલી રાખતો. બધી દવાઓ ભેગી થઈ જવાથી ગભરાઈ જતો, ને ગભરાટના શમન માટે કોઈ જોઈ જાય નહીં એવી રીતે અવારનવાર કપૂર સૂંઘી લેતો …

ફ્લોરેન્તિનોનો પ્રેમ નિરંકુશ ઘોર વાસના છે. એની ભૂખ મરી જાય છે, એને અતિસાર થાય છે, અવારનવાર ઊલટીઓ થતી હોય છે, એને આંતરડાંની પણ ઘણી તકલીફો હોય છે. લાગે કે એ કૉલેરાનો શિકાર બન્યો છે. તેમ છતાં, મોટી વાત એ છે કે પ્રેમ નથી મરતો. બન્ને પ્રેમીઓના જીવન-અનુભવો જોતાં લાગે કે પ્રેમ એક અશક્યતા છે પણ પ્રેમ એક શક્યતા પણ છે. કેટલીક પરમ્પરાગત નવલકથાઓમાં સરવાળે પાપનો ક્ષય અને ધર્મનો જય બતાવાય છે. પણ અહીં પ્રેમનો જય દર્શાવાયો છે.

મનુષ્યપ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચે દુર્નિવાર જે ખાલી જગ્યા કે ખાઈ છે તે હકીકતને નવલકથા વ્યંજિત કરે છે એ કારણે મને ગમી છે, પણ વધારે ગમી છે એ કારણે કે જીવનના મહાન પરિબળ પ્રેમને, એ પરમ સત્યને, એ દૃઢ કરે છે, સુદૃઢ કરે છે.

આ નવલનો સારામાં સારો અંગ્રેજી અનુવાદ મળે છે, એડિથ ગ્રૉસમન પાસેથી. એડિથ ફિલાડેલ્ફીઆમાં જન્મી છે. માર્ક્વેઝની ઉત્તમ અનુવાદક છે. એણે કરેલો ‘ડૉન કિહોટે’-નો અનુવાદ જગમશહૂર છે. એ મારિયો વર્ગાસ લોસા અને બીજા નામાંકિત સ્પૅનિશ-ભાષી લેખકોની પણ એટલી જ પ્રશસ્ત અનુવાદક છે.

કોઈ પણ અનુવાદ જડબેસલાકપણે કદી ખરો નથી હોતો. એમ હોય તો તરજૂમો હોય કે પછી મશીની ટ્રાન્સલેશન. સુજ્ઞ અનુવાદક મૂળ કૃતિના ભાવાત્માને ફીલ કરે છે અને એ પછી દેહાન્તર કરાવે છે. પરિણામે એ અનુવાદ આપણને આવકાર્ય લાગે છે. એવા સુજ્ઞને પોતાની ભાષાનું તો પૂરું જ્ઞાન-ભાન હોય જ છે, પણ જેનો અનુવાદ કરવા નીકળ્યો હોય છે એ કૃતિની ભાષાનું પણ હોય છે. એટલું જ નહીં, મૂળ કૃતિનો તો ખરો જ પણ એ કર્તાની અન્ય કૃતિઓનો પણ અભ્યાસુ હોય છે. એટલે, મૂળના યે મૂળમાં જાય છે.

જેમ કે, આ નવલનો અંગ્રેજી અનુવાદ સ્પૅનિશ પરથી છે, અનુવાદક સ્પૅનિશ ન જાણતો હોય તો પણ, પોતાના વિશિષ્ટ અધ્યયન વડે મૂળ કૃતિને ઓળખવા મથે. એથી, દાખલા તરીકે, એને ખબર પડે કે ’કૉલેરા’ રોગનું નામ છે પણ સ્પૅનિશમાં ‘કૉલેરા’-નો અર્થ ‘અતિ ક્રોધ’ અથવા ‘રોષ’ પણ થાય છે. અંગ્રેજીમાં પણ ક્રોધીને ‘કૉલેરિક’ તો કહેવાય જ છે. આમ, અનુવાદકાર્ય હઁસીખેલ નથી, સર્જન કરવાથી પણ વધારે દોહ્યલું કામ છે. તો, વિચારો કે અનુવાદની વિવેચના તો કેટલી બધી દુષ્કર હોય !

આપણે કહી શકીએ છીએ કે માર્ક્વેઝે નવલના શીર્ષકમાં ‘લવ’ તો રાખ્યો જ છે, પણ જોડે જોડે ‘કૉલેરા’ મૂકીને ‘અતિ ક્રોધ’-ને પણ રાખ્યો છે. મોટી વાત એ છે કે એ બે વિષમ શબ્દના સાયુજ્યને કારણે રચનામાં રહેલા વિષમ ભાવલોકનો સંકેત મળે છે – બન્નેનો યુવા વયથી વાર્ધક્ય લગી વિસ્તરેલો પ્રેમ; મલકમાં ફેલાયેલો કૉલેરા અને સિવિલ વૉર તેમ જ પ્લાન્ટેશનના કામદારોની થયેલી હત્યાઓ, એ હત્યાકાણ્ડ પ્રત્યેનો રોષ.

ફ્લોરેન્તિનો પ્રિયા ફરમિનાને કહે છે : આપદાઓ વચ્ચે પ્રેમ ઉમદા અનુભવાય છે : એટલે આપણે વાચકો ઉમેરી શકીએ છીએ – કૉલેરાકાળે પણ …

= = =

(August 10, 2021: USA)

Loading

16 August 2021 admin
← આ વાત છે ૧૯૪૨ના કૉન્ગ્રેસ રેડિયોની અને તેની પાછળ રહેલી બાવીસ વરસની છોકરીની દેશદાઝની
અનાજના ભર્યાભંડાર અને ભૂખ્યાં પેટ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved