સરકારમાં અત્યારે ખાનગીકરણનો વાવર ચાલે છે. બેંકો ખાનગી હતી તો તેનું 1969માં રાષ્ટ્રીયકરણ થયું ને હવે સરકારને લાગે છે કે રાષ્ટ્રીયકરણ નિષ્ફળ ગયું છે તો બેન્કોને ફરી ખાનગી કરીએ. આનો બેન્કોને વિરોધ છે. વિરોધ એટલે છે કે તેના કર્મચારીઓને નોકરી અને પગારની સલામતી જણાતી નથી.
સરકારી શાળાઓ રામ ભરોસે જ ચાલે છે, પણ સરકારને તે ઠીક ન લાગતાં તેણે ખાનગી શાળાઓને ઉત્તેજન આપવા માંડ્યું, પરિણામે ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો ને તેનું વર્ચસ્વ વધતાં સરકારી શાળાઓ ગરીબડી થતી ગઈ ને એમાં ગરીબો બચ્યા ને તેનું શિક્ષણ પણ ગરીબ જ થતું ગયું. ખાનગીના અર્થો પણ સ્પષ્ટ થયા. જેમ કે ખાનગીમાં ફી વધારે જ હોય, તેમાં છાશવારે વાલીઓ પાસેથી ઉઘરાણીઓ ચાલ્યા જ કરતી હોય ને તેના શિક્ષકોનું ભાવિ અને પગારનું ધોરણ અચોક્કસ જ હોય તથા તાલીમ પામેલા શિક્ષકો જ ભણાવે એ નક્કી ન હોય. હવે કોરોનાની સ્થિતિમાં સરકાર ખાનગી સ્કૂલોને ફી ઘટાડવાનું કહે છે તો તેનો સંચાલકોને વાંધો પડે છે અને તેઓ સરકારની ઐસી તૈસી કરીને વાલીઓને લૂંટવા તૈયાર છે. એક તરફ વાલીઓની આવકનાં ઠેકાણાં નથી ને બીજી તરફ ફીનું ઉઘરાણું ચાલુ જ છે એટલે ઘણા વાલીઓનાં સંતાનો સરકારી સ્કૂલોમાં પણ પહોંચ્યાં છે.
આટલા પરથી એટલું તો સમજાય છે કે ખાનગીકરણ સરવાળે મોંઘું પડે છે. આના પરથી બોધપાઠ લેવાને બદલે સરકારે ખાનગીકરણ કોલેજ કક્ષાએ વધુ સઘન કરવાની કોશિશો કરવા માંડી છે. તેણે ગુજરાતમાં કેટલીક ખાનગી યુનિવર્સિટીઓ શરૂ કરી છે. અન્ય શહેરની જેમ સુરતને પણ આ વર્ષે સાર્વજનિક અને વનિતા વિશ્રામ એમ બે યુનિવર્સિટીઓ મળી છે. આ યુનિવર્સિટીઓ કેવી રીતે કાર્યરત થશે કે તેની પ્રવેશની અને અધ્યાપકોની કેવી અને કેટલી સલામતી હશે તેની કશી જ વ્યવસ્થાઓ વગર યુનિવર્સિટીઓની જાહેરાત કરી દેવામાં આવી છે, તે એ હદ સુધી કે સાર્વજનિક યુનિવર્સિટીએ ખાનગી યુનિવર્સિટીનું કોઈ આવેદન આપ્યું નથી ને તેને યુનિવર્સિટીનું સ્ટેટસ પ્રાપ્ત થઈ ગયું છે.
જુદા જુદા શહેરોને આમ લહાણીમાં યુનિવર્સિટીઓ આપી દેવાનું શું કારણ છે તે સમજાય તે પહેલાં તો અરાજકતાઓ સામે આવવા માંડી છે. સરકારની જાણમાં, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સાથે જોડાયેલી કોલેજોનું જોડાણ એમ કહીને કાપી નાખ્યું છે કે તે હવે ખાનગી સાર્વજનિક સોસાયટીની કોલેજો છે. એમાં સુરત ઉપરાંત બારડોલી અને અન્ય વિસ્તારની કોલેજો પણ ખરી. ગમ્મત એ છે કે ખાનગી યુનિવર્સિટીઓ એવી નવજાત અવસ્થામાં છે કે એને પોતાના અસ્તિત્વની જ ખાસ ખબર નથી, ત્યાં એ બીજી કોલેજોને પોતાની સાથે જોડે તો પણ કઈ રીતે ને કયાં ધોરણે એ મૂંઝવણ છે. નર્મદ યુનિવર્સિટીએ તો એમ કહીને મર્દાઈ બતાવી દીધી કે સરકાર માઈબાપે છેડો છૂટકો કરવાનું કહી જ દીધું છે એટલે આજથી આપણે છુટ્ટા ! સાર્વજનિક યુનિવર્સિટી કહે છે કે હે ગ્રાન્ટેડ કોલેજો, અમારે તમને સમાવવાના છે એની અમને જ ખબર નથી. આ વેપલામાં થોડીક કોલેજો ન ઘરની કે ન ઘાટની થઈ ગઈ છે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી હતી ત્યારે તેણે એમ.ટી.બી., કે.પી., વી.ટી. ચોક્સી, એસ.પી.બી. જેવી કોલેજોને પાંખમાં લીધી હતી, પણ જેવી તે સાર્વજનિક યુનિવર્સિટી થઈ કે આ કોલેજોને ન તો સાથે રાખી શકાય કે ન તો હાંકી કઢાય એવી – સાપે છછુંદર ગળ્યા – જેવી હાલત તેની થઈ છે. સાર્વજનિક સોસાયટીના સંચાલકો શિક્ષણ મંત્રીનું બારણું ઠોકી આવ્યા તો સાહેબે કહ્યું કે આ ખાલી તમારો જ પ્રશ્ન નથી, ઘણાનો પ્રશ્ન છે ને ચિંતા ન કરો, નિરાકરણ આવી જશે. સાહેબ તોડ પાડે કે લાવે ત્યારની વાત ત્યારે, પણ અત્યારે તો સાર્વજનિક, વનિતા વિશ્રામ ને બારડોલીના મળીને નવેક કોલેજના વિદ્યાર્થીઓ એડમિશનનું શું થશે એ વાતે અકળાયેલા છે. બારડોલીમાં તો કોલેજના વિદ્યાર્થીઓએ શિક્ષણનું ખાનગીકરણ બંધ કરો – કહીને સરઘસ કાઢયું ને મામલતદારને આવેદનપત્ર પણ આપી દીધું.
બીજે પણ વિરોધ ઊઠ્યો છે. સરકાર એનો શો ઉકેલ લાવે છે તેની રાહ જોવાની રહે, પણ કોરોના જેવી મહામારીનું ઠેકાણું ન પડતું હોય ત્યારે જંપી જવાનું હતું, તેને બદલે પેટ ચોળીને શૂળ ઊભું કર્યું. કોણ અત્યારે યુનિવર્સિટી વગર રહી જતું હતું તે નથી ખબર ને યુનિવર્સિટી ચાલુ કરી તો ભલે, ચાલુ કરતાં પહેલાં એ તો જુઓ કે દુકાનમાં માલબાલ છે કે કેમ? ખાલી પાટિયું જાહેર કર્યું ને સરકારને લાગ્યું કે યુનિવર્સિટી શરૂ થઈ ગઈ. સોસાયટી સાથે જે કોલેજો જોડાયેલી છે, તે ગ્રાન્ટેડ કોલેજો છે ને તેનું જોડાણ નર્મદ યુનિવર્સિટી સાથે હતું. નર્મદે ના પાડી, એટલે સોસાયટીએ કહ્યું પણ ખરું કે તે હજી પૂરી યુનિવર્સિટી થઈ નથી તો હમણાં છે તે જોડાણ ચાલુ રાખો, પણ તેને દાદ મળી નથી કે નથી તો સરકારે હજી સુધી ખુલાસો કર્યો. કમાલ છે ને કે સોસાયટી તરીકે ફોડી લેતી હતી તે યુનિવર્સિટી બનતાં કફોડી હાલતમાં મુકાઈ. અત્યારે તો હજારો વિદ્યાર્થીઓ ત્રિશંકુની દશામાં છે. આ કોલેજો સાધારણ કોલેજો નથી, સોસાયટી ને એમ.ટી.બી. તો શતાબ્દી પાર કરીને સિદ્ધિ પામી ચૂકેલી સંસ્થાઓ છે, તે સૌની હાલત યુનિવર્સિટી બનતાં કથળી છે.
ધારો કે સાર્વજનિક યુનિવર્સિટી સાથે જોડાણ થાય છે તો આ ગ્રાન્ટેડ કોલેજો ખાનગી યુનિવર્સિટી સાથે જોડાશે. એ કોલેજોનું સ્ટેટસ શું હશે? તે કોલેજો ગ્રાન્ટેડ ગણાશે કે ખાનગી? ગ્રાન્ટેડ ગણાય તો, તો બહુ વાંધો નહીં આવે, પણ ખાનગી ગણાય તો વિદ્યાર્થીઓની અને અધ્યાપકોની હાલત ખરાબ થશે. ખાનગીની તાજી વ્યાખ્યા વધારે ફી અને ઓછા પગારની છે. સુરત, બારડોલીની ગ્રાન્ટેડ કોલેજોમાં ભણનારા વિદ્યાર્થીઓ આદિવાસી વિસ્તારમાંથી આવનારા ને મધ્યમવર્ગના શહેરી વિદ્યાર્થીઓ છે. જો તેઓ ખાનગી યુનિવર્સિટીમાં જાય તો ફીનું ધોરણ તેમને પરવડી શકે નહીં. એ સ્થિતિમાં કેટલાકે ભણવાનું છોડવું પડે. સરકાર એવું ઈચ્છે છે કે ગરીબ વિદ્યાર્થીઓ ભણે નહીં? એ તો ઠીક, આ કોલેજોમાં પીએચ.ડી.ના ગાઇડ્સ છે, સિનિયર અધ્યાપકો છે, એ પણ ખાનગી યુનિવર્સિટીમાં ધકેલાય તો તેમનું પગાર ધોરણ અને બીજા લાભોનું શું તે પણ વિચારવાનું રહે. ખાનગી શાળાઓમાં શિક્ષકોનું જે શોષણ થાય છે તે અહીં નહીં જ થાય એની ખાતરી નથી. સરકાર તો કહે છે કે ખાનગી યુનિવર્સિટીઓમાં ગ્રાન્ટેડ કોલેજો જોડાશે તો વિદ્યાર્થીઓએ વધારે ફી નહીં ભરવી પડે કે ન તો અધ્યાપકોના હકો ડૂબશે. એવી વાત પણ છે કે નર્મદ યુનિવર્સિટીમાં રહીને સોસાયટીની કોલેજોના અધ્યાપકોની જે રાજનીતિ ચાલતી હતી તે અટકી પડે એવું લાગતાં અધ્યાપકો ખાનગીનો વિરોધ કરે છે. અધ્યાપકો રમત રમવા જ યુનિવર્સિટીમાં આવે છે એવું ધારી લેવું વધારે પડતું છે. એમને ખાનગીમાં હિતોનું રક્ષણ થશે કે કેમ એ ચિંતા હોય ને તેથી વિરોધ કરતાં હોય એ વાત સાવ કાઢી નાખવા જેવી નથી.
માની લઈએ કે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનાં હિતોનું રક્ષણ થશે, પણ એ આજની કબૂલાત છે. એ સ્થિતિ આગળ ઉપર પણ સચવાશે જ તેની ખાતરી નથી, વળી ખાનગી યુનિવર્સિટી ગ્રાન્ટેડ હિતોનું રક્ષણ કરવાની હોય તો તે ખાનગી કઈ રીતે છે તે પ્રશ્ન જ છે ને જો વિદ્યાર્થીઓનું કે અધ્યાપકોનું રક્ષણ ખાનગીમાં થવાનું હોય ને હાલની સ્થિતિમાં ફેર ન પડવાનો હોય તો તેને ખાનગીમાં નાખવાની જરૂર શી છે? એ કેવું કે યુનિવર્સિટી ખાનગી, પણ તે ગ્રાન્ટેડનાં હિતો માટે હોય ને વિદ્યાર્થી ને અધ્યાપકો ખાનગીમાં, પણ તેના હિત ગ્રાન્ટેડ જેવાં જ જળવાય. જો બધું જૈસે થે – જ રહેવાનુ હોય તો આ આખો વેપલો કરવાની કોઈ જરૂર હતી?
નવી શિક્ષા નીતિમાં કોલેજો અને યુનિવર્સિટીઓને સ્વાયત્તતા આપવાની વાત છે. એ ધ્યાને લઈએ તો એમ લાગે છે કે સરકાર શિક્ષણમાંથી હાથ કાઢી લઈને આખો કારભાર ખાનગી કોલેજોને અને યુનિવર્સિટીઓને માથે નાખવા માંગે છે. એમ થાય તો ખાનગી સંસ્થાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ ચલાવશે. જેને એમાં રસ છે તે સોર્સિસ ઊભા કરશે ને આર્થિક તેમ જ શૈક્ષણિક માળખું તૈયાર કરી ને સ્વતંત્ર રીતે કારભાર કરશે. એમાં તંદુરસ્ત સ્પર્ધા થાય તો ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ વધે ને નવાં કીર્તિમાન સ્થપાય એમ બને. પણ, એ આદર્શ છે. ખાનગી શિક્ષણમાં અત્યાર સુધી કેવાક આદર્શો સ્થપાયા છે તે કોઈથી અજાણ્યું નથી. સ્વાયત્તતા તો સ્થપાય ત્યારે ખરી, પણ શોષણના નવા માર્ગો ખૂલે તો નવાઈ નહીં, છતાં આશાવાદી થવાનો ય વાંધો નથી. ચિંતા એક જ રહે કે સ્થિતિ સંપન્ન નથી એવા વિદ્યાર્થીઓ આર્થિક સુવિધાના અભાવમાં શિક્ષણથી દૂર ન થઈ જાય. એવું થશે તો એ ખોટ કોઈ પણ આદર્શ કરતાં મોટી હશે.
વેલ, નર્મદ યુનિવર્સિટીએ ગ્રાન્ટેડ કોલેજો સાથેનો છેડો તો ફાડી નાખ્યો, પણ તેને વિદ્યાર્થીઓ, અધ્યાપકોની કોઈ ગરજ છે કે કેમ? ફેંકી દેતાં હજારો વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીમાં ધકેલાતા વિદ્યાર્થીઓની જે તૂટ પડશે એ કેવી રીતે સરભર થશે તે વિચારાયું છે ખરું કે અધ્યાપકો ખાનગીમાં ધકેલાશે તો શિક્ષણકાર્યને વાંધો નહીં આવે એવી ખાતરી છે કે યુનિવર્સિટી વિદ્યાર્થીઓ વગર પણ ચાલી રહેશે એવી સરકારને શ્રદ્ધા છે?
ખરેખર તો સરકાર તરંગોમાંથી નીચે આવે ને નક્કર ધરાતલ પર રહીને ગંભીરતાથી આખી સમસ્યાનો ઉકેલ લાવે તે અપેક્ષિત છે. અસ્તુ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 જુલાઈ 2021