= = = = મારું સુદૃઢ મન્તવ્ય છે કે સુરેશભાઈ પછી એમના જેવો સમર્થ સાહિત્યવિચારપ્રભાવક ગુજરાતમાં પાક્યો નથી. જો કોઈ સુજ્ઞજન કોઈને બતાવે તો તેની પાત્રતા અને સજ્જતા વિશે હું જાહેરમાં નિ:શેષ ચર્ચા કરવા તૈયાર છું = = = =
= = = = સુરેશભાઈ પાસેથી વ્યવહારુ ધોરણે જો કંઈ શીખવું હોય ને, તો તે છે, સાહિત્યપદાર્થનું અહર્નિશ સેવન : વાચન કર – મનન કર – લેખન કર – વ્યાખ્યાન કર. જેની પાસેથી આવું માતબર અને પાયાનું શીખી શકાય એવો પણ કોઈ પાક્યો નથી = = = =
આ ઉત્સવ સુરેશ જોષી નામ સાથે જરૂર જોડાય છે, પણ ઉત્સવનું સ્વરૂપ સુરેશવિચાર છે, સુરેશશબ્દ છે, તે સાથેની આપણા સૌની સહભાગીતા છે. એ વાત મેં અને સહભાગી સૌ મિત્રોએ તેમ જ સભાજનોએ લક્ષમાં લીધેલી, તેની નૉંધ લેવી જોઈએ.
આ ઉત્સવ ઉપરાન્ત, સાહચર્ય, ગુજરાતી સાહિત્ય અકાદમી – યુ.કે., સાહિત્ય અકાદમી – દિલ્હી, ભવન્સ કલાકેન્દ્ર, પાલવાડા કેળવણીમંડળ પરિવાર વગેરે સંસ્થાઓએ પોતાની રીતે ઉજવણાં કર્યાં; મહેન્દ્રસિંહ પરમાર, ઉદયન ઠક્કર, પંચમ શુક્લ, અનિલ જોશી, શોભિત દેસાઈ અને ગુણવંત વ્યાસે વૈયક્તિક ધોરણે કથાપાઠ, કાવ્યપઠન, નાટ્ય અને વ્યાખ્યાન કર્યાં; સલિલ ત્રિપાઠી, અમૃત ગંગર, મધુકર શાહ, સતીશચન્દ્ર જોશી, મધુ રાય, સુધીર ભટ્ટ, જ્વલંત છાયા, મુકેશ દવે, મયૂર ખાવડુ કે જય વસાવડાએ તેમ જ મને જેઓની જાણ નથી તે વ્યક્તિઓએ તેમ જ સંસ્થાઓએ એમને કોઈ ને કોઈ સ્વરૂપે સ્મરણાંજલિ અર્પી અને એ પ્રકારે સુરેશશબ્દ સાથેની સહભાગીતાને વિસ્તારી, તેની સહર્ષ નૉંધ લઈએ.
પરન્તુ ઍમ.ઍસ. યુનિવર્સિટી, વડોદરાના ગુજરાતી ડિપાર્ટમૅન્ટે – જ્યાં સુરેશભાઈની કારકિર્દી ભરપૂર વિકસી હતી – આખ્ખા શતાબ્દીવર્ષ દરમ્યાન કશ્શું જ ન કર્યું તે હકીકતની પણ નૉંધ લઇએ. કર્યું હોય તો તેની મને ખબર નથી, નથી કર્યું તેની મને ખબર છે.
જે શબ્દમાં કળાબળ હોય છે એની પાસે કાળબળ પાછું પડી જાય છે. એ શબ્દનાં આસ્વાદન, ભાવન અને અધ્યયનથી જ સંસારમાં સાહિત્યકલા ટકી છે. એ અર્થમાં માનવસંસ્કૃતિમાં સાહિત્યકલા એક ગ્રાન્ડ નૅરેટિવ બની રહે છે – નિરન્તર વિકસીને અખિલ રૂપ પામતી સાહિત્યવારતા.
એ નૅરેટિવનો સર્જકતા અને ભાવકતા પર પ્રભાવ પડતો હોય છે. પરન્તુ એટલે જ સૌ પહેલાં તો તેનાં ઉજવણાં થવાં જોઈએ, ઉજવણાં પછી તેની સમીક્ષાઓ અને તેનાં વિઘટન થવાં જોઈએ – ડીકન્સ્ટ્રક્શન્સ.
આપણે ઉજવણાંમાં જ ઊણા પડીએ છીએ, આપણે સમીક્ષા કે મૂલ્યાંકન લગી પ્હૉંચ્યા જ નથી હોતા, ને પુનર્મૂલ્યાંકન કરવા લાગી જઈએ છીએ. એ વૃત્તિ કેટલી સાહિત્યિક છે, વિચારવું પડે. બાકી, આ પ્રકારના ઉત્સવોને હું સમીક્ષા કે મૂલ્યાંકન-પુનર્મૂલ્યાંકન અને વિઘટન માટે જરૂરી એવી પૂર્વસજ્જતા ગણું છું.
સુરેશશબ્દ, કહી શકાય કે, એ અખિલ સાહિત્યવારતાનો નાનો પણ પ્રભાવક અંશ છે. અખિલ અને અંશની સંરચનાગત સમ્બન્ધભૂમિકામાં જઈ શકાય, પણ હાલ નથી જવું.
એ સુરેશશબ્દ અઘરો હોવાછતાં પ્રભાવક નીવડ્યો અને હજી પણ નીવડી રહ્યો છે, તે કઈ રીતે? તેનાં કારણો કયાં?
— મુખ્ય કારણ એ કે એમાં સાહિત્યકલાને ધારણ કરનારી પાયાની, કહો કે, સનાતન ભૂમિકા છે.
— એ રીતે કે એ ભૂમિકાનું સુરેશભાઈએ પોતાની આગવી પદ્ધતિએ પુનર્ગઠન કર્યું છે, સંવર્ધન કર્યું છે.
— એ કારણે કે સાહિત્યકલાના ઝીલણને માટેની પાત્રતા અને સજ્જતા શું હોઈ શકે તેનું એમણે વિધવિધે વ્યાખ્યાન કર્યું છે.
— એ રીતે નૉંધપાત્ર કે સરવાળે તો એ સાહિત્યકલાના માનવીય પુરુષાર્થનું ગૌરવગાન છે.
— એમાં એમણે ગુજરાતી સાહિત્યના વિકાસ માટે સંસ્કૃત સાહિત્યમીમાંસા અને પશ્ચિમના સાહિત્યવિચારનું સાયુજ્ય સાધ્યું છે.
— મહત્તા એ વાતની છે કે આ તમામ વાનાંનું એમણે કૃતિ-કર્તાના સમુપકારક દૃષ્ટાન્તોથી સમર્થન કર્યું છે, એટલે કે, એમણે કોરો સિદ્ધાન્તવાદ નથી ફેલાવ્યો.
— સૌથી હૃદ્ય અને બુદ્ધિગમ્ય વાત તો એ છે કે એ સઘળું એમની અમોઘ વાણી અને આગવી વ્યક્તિતાથી થયું છે.
પ્રભાવ બાબતે સુરેશ જોષી અદ્વિતીય નથી એવું ઉત્સવના આ દિવસોમાં કોઈ મને ખાનગીમાં કહી ગયું છે. મેં કહ્યું કે જાહેરમાં કહો, મને એકલાને શું કામ કહો છો, અને બતાવો કે એમના સિવાયનું કોણ છે.
મારું સુદૃઢ મન્તવ્ય છે કે સુરેશભાઈ પછી એમના જેવો સમર્થ સાહિત્યવિચારપ્રભાવક ગુજરાતમાં પાક્યો નથી. જો કોઈ સુજ્ઞજન કોઈને બતાવે તો તેની પાત્રતા અને સજ્જતા વિશે હું જાહેરમાં નિ:શેષ ચર્ચા કરવા તૈયાર છું.
સ્વીકારો કે છેલ્લા દાયકાઓમાં સુરેશશબ્દ અને એમના સાહિત્યવિચારના સ્ફુલ્લિંગો રૂપે જ બધું વિસ્તર્યું છે.
મોટી યાદી બનાવી શકાય :
— આપણે સૌ સમકાલીનો સર્જન, ભાવન, આસ્વાદન અને વિવેચનની જ્ઞાત-અજ્ઞાત એ જ ભૂમિકા પર ઊભા છે, જે સુરેશસિદ્ધાન્ત વડે ઘડાયેલી.
— તદનુસાર, આપણે રસ, આનન્દ, કલા અને સૌન્દર્ય વડે રુચિના ઘડતરના આગ્રહી બન્યા છીએ.
— મનુષ્યજીવનને સાહિત્ય વડે અર્થવતું કરવાની એમની વાતને બરાબર પામ્યા છીએ.
— સંસ્કૃત અને વિશ્વભરનાં સાહિત્યોમાંથી પ્રેરણાઓ મેળવવાની મથામણ કરતા આવ્યા છીએ.
— આપણા સર્જકની ભાષાસભાનતા કેળવાઈ છે.
— આપણો અધ્યાપક કલાપારખુ થવાની કોશિશ કરતો થયો છે.
— માંદા વિચારો અને તુચ્છ વિચારસરણીઓથી કલાસર્જનને બચાવવું જોઈએ એ વિચારની આપણા નવોદિત સર્જકને પણ જાણ થઈ છે.
— સાહિત્યિક ભાષા માટે કલ્પન-પ્રતીક જેવી સર્જનાત્મક કોટિઓનો આશ્રય કરવાનું શીખ્યા છીએ.
— ચિત્ર વગેરે અન્ય લલિત કલાઓ પાસેથી પણ કલાદાખલ ઘણું શીખ્યા છીએ.
— સિદ્ધાન્તોના જડત્વને, સાહિત્યપ્રકારોના લપટાપણાને તેમ જ બાની અને શૈલીના રેઢિયાળપણાને પારખી શકીએ છીએ.
— સત્ત્વશીલ પરમ્પરાના લાભ અને જીર્ણ પરમ્પરાના ગેરલાભને પામી શકીએ છીએ.
— સાધક-બાધક પત્રચર્ચાઓ વડે સાહિત્યપદાર્થને ખંખાળવાની આપણને એક સારી ટેવ પડી છે.
— સર્જન અને વિવેચનને નામે બકવાસ લેખન શું હોઈ શકે તે આપણે જાણીએ છીએ.
— ઇનામો-ઍવૉર્ડો મળે તો ઠીક છે, બાકી એને વિશેની લાલસાનું વત્તેઓછે અંશે નિરસન થયું છે.
— અને આપણે એમ પણ સમજ્યા છીએ કે સમ્યક વિદ્રોહ નિરન્તરની સમીક્ષાત્મક દૃષ્ટિમતિ વિના વન્ધ્ય નીવડવાનો છે. સમજ્યા નહીં હોય એ સમજશે કે ખાલી બૂમો પાડવાથી કે જે સૂઝ્યું એ લખી નાખવાથી કશો અર્થ સરતો નથી. વિદ્રોહ અધ્યયનપૂત મોટી જવાબદારી છે.
— આપણે આત્મસાત્ કરેલું છે કે ‘રે લોલ’-ને વરેલી તત્સમવૃત્તિથી અને સંસ્થાકીય રાજકારણથી અલિપ્ત રહીને સાહિત્યને બચાવવું જોઈશે.
— અને તો જ સ્વયંની સ્વાયત્ત સાહિત્ય-સમ્પદાને બચાવી શકાશે. જાણ્યે-અજાણ્યે અલિપ્ત નથી રહી શક્યા તે સાહિત્યકારો અને સાહિત્યરસિકો પણ એમના અંતરતમમાં તો આ જ સમજનું સેવન કરે છે, ભલે ને ‘ના’ ભણતા હોય …
મારા ઉપરાન્તના, જેઓએ ઊંડા અધ્યયન પછી સુરેશ જોષી વિશે પુસ્તક ભરીને લખ્યું છે, નાના-મોટા શોધનિબન્ધ કર્યા છે, લેખો કર્યા છે, મુલાકાતો લીધી છે, વાર્તાસમ્પાદનો કર્યાં છે, વ્યાખ્યાનો યોજ્યાં છે; સુરેશભાઈના આયુષ્યકાળ દરમ્યાન અને તે પછી સેમિનાર્સ અને હવે વૅબિનાર્સ કર્યાં છે; વિશેષાંકો થયા છે, ને થવાના છે, તેઓ સૌ આત્મપ્રમાણ આપીને સુરેશશબ્દની આ પ્રભાવકતાનું સમર્થન કરશે.
બાકી, દ્વેષભાવથી તો ઓટલા-પરિષદ પ્રકારની રંગતોમાં ઠાવકા થઈને સહેલાઈથી રાચી શકાય છે. અને એવું તો કોને નથી આવડતું? એમાં જવું સાહિત્યિક તો નથી જ, બૌદ્ધિક ભૂમિકાએ અનિચ્છનીય પણ છે.
કોઈ કોઈને સુરેશસૃષ્ટિ નાપસંદ છે પણ નાપસંદગીને માટેનાં એમની પાસે વસ્તુલક્ષી કારણો નથી. કારણો બહુશ: અંગત હોય છે. ખાસ તો એમ કે – સુરેશભાઈએ મારી રચના વિશે કશું સારું કહ્યું નહીં, કહ્યું ત્યારે ઘસાતું કહ્યું. પણ એ ત્યારે એમ નથી જોતો કે એક સમજદાર કલામર્મજ્ઞ વ્યક્તિએ કહ્યું છે. અને ઘસાતું તો અન્ય વિદ્વાનો પણ કહેતા હોય છે. તો તેમના માટે કયો અર્થ સાધવાને મૌન સેવાય છે? એવું જેનાથી જ્યારે પણ આચરાયું હોય ત્યારે તેની તે જ સમયે કડક સમીક્ષા કરવી જોઈએ.
સમીક્ષાથી જ સત્યનાં તોલમોલ થાય. સક્ષમ સમીક્ષા સુરેશ જોષીને પણ ચૂપ કરી દઈ શકે. અથવા, એક સાર્થક વિદ્વદ્દ સમાપન સમ્પન્ન કરાય.
પણ આપણે એમ નથી કરતા, બાખડો બાંધીએ છીએ, જૂથવાદ ફેલાવીએ છીએ, અવળું બોલીએ છીએ, અભિપ્રાયો ઉછાળીએ છીએ. ઘર ઘાલી ગયેલી એ અંગતતાને ચગાવીએ છીએ – જેને કદી પણ સાહિત્યિક ટીકાટપ્પણી કે વિવેચના ન કહેવાય. સંસ્કૃત શાસ્ત્ર-પરમ્પરામાં ટીકાનો બહુ મોટો અર્થ છે. એ રીતે કરી જાણો તો ખબર પડે કે ટીકા કેટલું ઊંડું અધ્યયન માગે છે !
સાહિત્યની કલાના ઝીલણના બે જ રસ્તા છે : ભાવન કરો, આસ્વાદન કરો, પ્રસન્ન રહો. બીજો રસ્તો સમ્ ઇક્ષાનો છે – ગુણ અને દોષ બન્ને જુઓ. શોધી કાઢો કે કૃતિમાં અનુભાવ્ય, આસ્વાદ્ય, સુન્દર, રસપ્રદ તત્ત્વો છે તે શેને આભારી છે; નથી, તો શોધી કાઢો કે કેમ નથી, શાસ્ત્રોનો અને સિદ્ધાન્તોનો આશરો કરો. પહેલા રસ્તે સહજ સુખ છે. બીજા રસ્તે કષ્ટસાધ્ય સુખ છે. જેઓ આ બન્ને રસ્તે સરખી રીતે ચાલી શકે છે, તેઓને બેવડું સુખ મળે છે. સરખી રીત તે માનવીય અને સાહિત્યિક એવો અણીશુદ્ધ વિવેક – ધ પ્યૉરેસ્ટ જજમૅન્ટ.
સુરેશભાઈ પાસેથી વ્યવહારુ ધોરણે જો કંઈ શીખવું હોય ને, તો તે છે, સાહિત્યપદાર્થનું અહર્નિશ સેવન : વાચન કર – મનન કર – લેખન કર – વ્યાખ્યાન કર. જેની પાસેથી આવું માતબર અને પાયાનું શીખી શકાય એવો પણ કોઈ પાક્યો નથી.
ખૅર.
સારી વાત હતી કે અમારા કેટલાક ઍપિસોડ્સને તો ૧-થી ૨ K જેટલા વ્યૂઅર્સ મળ્યા. એ આંકડાનું સુજોસાફોને મન મૂલ્ય નથી એમ નથી. એ સૌ દર્શકશ્રોતામિત્રોનો આભાર માનું છું.
જો કે ઉત્સવનો સાર જરૂર પકડાયો છે, એ કે સુરેશશબ્દથી અપરિચિત કે ઓછા પરિચિત કેટલાયને એ શબ્દે પકડ્યા ને વિચારતા કર્યા. અને પરિચિતોને તો સાહિત્યકલાના આનન્દની નવતર ઉજાણી થઈ.
અખિલ અને અંશ : ચૉરસમાં ચૉરસ
Perfect Squared Square
Picture Courtesy : David Pleacher
મને મળેલા પ્રતિભાવોને આધારે કહું કે – એક એવા દર્શકશ્રોતાઓ હતા કે જેઓને સુરેશશબ્દ બસ ગમી ગયો, વસી ગયો; એઓ એથી વિશેષ કશું કહેવા જ નથી માગતા.
બીજા એવા કે જેઓને એ શબ્દે સાહિત્યકલાની દુનિયામાં પ્રવેશવાની ભરપૂર પ્રેરણા આપી.
ત્રીજા અધ્યાપકો હતા, એવા કે સુરેશસૃષ્ટિ સમેતના ગુજરાતી સાહિત્યના અધ્યયનની જેમની મૂળ હૉશમાં વધારો થયો બલકે એમને વિશ્વસાહિત્યમાં ડોકિયું કરવાની ચાનક ચડી. અનેક અધ્યાપકોએ એમને ફરી ફરી વાંચ્યા.
મારી ધારણા છે કે આ ઉપરાન્ત કેટલાક એવા છે, જેઓએ ઉત્સવના ઍપિસોડ્સ છાનાંમાનાં જરૂર જોયા છે પણ કશું જ ન બોલવાના આત્મઘાતક વ્રતને વળગી રહ્યા છે. જાણવા મળ્યું છે કે કોઈ કોઈ તો શતાબ્દી અને આ ઉત્સવ પતે તેની રાહ જોઈ રહ્યા છે. એ સૌના એવા પરોક્ષ સહકાર પછી પણ સુજોસાફો પ્રસન્ન રહી શક્યું ને પોતાનું કામ કરી શક્યું તેનો આનન્દ છે.
દરેક ઍપિસોડને અન્તે, જતાં જતાં, ભલે ઉતાવળમાં, બધાં મારો આભાર માનતાં પણ મને એમની પ્રીતિથી નવા ઍપિસોડને માટેનો પાનો ચડતો. એક પણ સહભાગી કમને ન્હૉતો જોડાયો. સૌ પર્યાપ્ત અધ્યયનશ્રમ સાથે આવેલા. મને પણ સુરેશશબ્દને નવેસર જોવાની અધ્યયન-તકો મળેલી.
સૌ પહેલાં યાદ કરું – સાગર શાહ અને દર્શિની દાદાવાલાને. એમના પરિચય અંગે દરેક ઍપિસોડમાં હું કહેતો – કાયમનાં સહભાગી. મને અફસોસ છે કે કેટલાંક કારણોસર એ કાયમી સહભાગીતાની વ્યવસ્થા દૂર કરવી પડી.
પરન્તુ સુરેશશબ્દને વિશેની સાગરની વાચન અને ભાવનને માટેની ધગશભરી વૃત્તિ તેમ જ દરેક ઍપિસોડમાં જોવા મળતી સુરેશભાઈની કૃતિઓને વિશેની એની લગન સૌને દિલચસ્પ અને આવકાર્ય લાગેલી.
દર્શિનીની સુરેશશબ્દને પ્રેમથી પણ સૂક્ષ્મ સંશોધક દૃષ્ટિથી જોવાની રીત અને તેની રસકલાલક્ષી રજૂઆતોમાં જોવા મળતી એની મૌલિક સૂઝબૂઝ સૌને માટે મનભાવન અને એટલી જ આવકાર્ય હતી.
એ બન્નેનો શાબ્દિક આભાર માનું એટલું પૂરતું નથી, એટલે પ્રેમથી હાર્દિક આભાર માનું છું અને એ માટે મારી પાસે એથી જુદા શબ્દો નથી …
સુરેશભાઈના દીકરા પ્રણવ જોષી, ગુલામમોહમ્મદ શેખ, બાબુ સુથાર, પ્રબોધ પરીખ સમા સુરેશશબ્દના અન્તેવાસી મિત્રોનો સુભગ સાથ મળ્યો. પરેશ નાયક, વિનોદ જોશી, મણિલાલ હ. પટેલ, કમલ વોરા, અજય રાવલ, અજિત મકવાણા, હસિત મહેતા અને મહેન્દ્રસિંહ પરમારનો ભરપૂર સહકાર મળ્યો. મારા વિદ્યાર્થી-અધ્યાપકમિત્રો નરેશ શુક્લ, નિસર્ગ આહીર, જિતેન્દ્ર મૅક્વાન, યોગેન્દ્ર પારેખનો હુંફભર્યો સંગાથ મળ્યો. આ ઉત્સવમાં સાહિત્યશબ્દના અનુરાગી ભાવકમિત્રો વિપુલ વ્યાસ અને વિજય સોની જોડાયા. સુરેશભાઈના નિબન્ધો અને કથાસાહિત્યના પ્રેમી શોભિત દેસાઈ જોડાયા. અનિલ જોશીનો સુરેશભાઈનાં કાવ્યોને વિશેનો અનોખો પ્રેમ ભળ્યો. સૌનો આભારી છું.
સુનિલ કોઠારી અને ગીતા નાયક આ ઉત્સવમાં માંદગીને કારણે જોડાઈ શક્યાં નહીં, તેમનું અવસાન થયું, હું એમને જોડી શક્યો નહીં. તે અવળસંજોગનું મને તેમ જ સુજોસાફોને દુ:ખ છે.
સુજોસાફો સાથે વરસોથી જોડાયેલા વાર્તાકારમિત્રો સાથે આ ઉત્સવના એક ઍપિસોડ રૂપે વાર્તાશિબિર યોજવો હતો પણ ન યોજી શકાયો તેનું દુ:ખ છે. સ્ટ્રીમયાર્ડ સ્ટુડિયોમાં વિઝિટર્સ ગેસ્ટ્સની સંખ્યા મર્યાદિત છે એ પ્રશ્ન નડતો’તો. હવે જ્યારે પણ વાર્તાશિબિર કરીશું ત્યારે એ શિબિર આ ઉત્સવનો જ ઉત્તરાંશ ગણાશે.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સાથેના સુરેશ જોષીના સમ્બન્ધ-અનુબન્ધ વિશે એક ઍપિસોડ કરવો હતો, પણ ન થઈ શક્યો તેનું પણ દુ:ખ છે
આમાં, સહભાગ માટે મને તો કોઇએ કદી ના જ નથી પાડી પણ મોટી વાત એ છે કે પરોક્ષપણે એમણે સુરેશશબ્દ નિમિત્તે સાહિત્યિક શબ્દને વિશેની પોતાની નિસબતનો ભરપૂર પરિચય આપ્યો છે. એથી ઉત્સવ એક અર્થપૂર્ણ અને આનન્દદાયી ઉત્સવ બની શક્યો તેનો આનન્દ છે.
સુરેશ જોષી જન્મશતાબ્દી સમ્પન્ન થઈ છે પણ આપણને સૌને ખાતરી છે કે એમના શબ્દનું સત સદા પ્રકાશતું રહેશે …
સૌનો ફરીથી આભાર માની વિરમું છું.
= = =
(June 5, 2021 : USA)