Opinion Magazine
Number of visits: 9506093
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો ભેરુ શહેર ભણી

અાશા બૂચ|Opinion - Opinion|17 June 2014

નાનપણમાં એક ગુજરાતી કવિનું ગીત ગાતાં, તે સ્મરણપટ પર તાજું થયું જે કંઈક આ પ્રમાણે છે :

કોક વાર આવજો આવાસ રે,
ડુંગરાની પાસે રે,
ઓ મારે ગામડે રે.

ઘંટીના ઘોર કાન આથડે
જોર ચડે બાવડે
અંગ અંગ સ્વેદ જામી જાય રે
હાલો ભેરુ ગામડે હાલો ભેરુ ગામડે

મહીડાં વલોવે ઊભી નાર રે
કંકણ રણકાર રે
હો મારે ગામડે રે

વડલે ને લીમડે મીઠી છાંય રે
શીળો વાયુ વાયરે
મીઠી મીઠી મોરલી સુણાય રે
હો મારે ગામડે રે

આ ગીત સાંભરી આવવાનું એક ખાસ નિમિત્ત એ કે હાલમાં ભારતની પ્રજાને એક એવું વચન અપાયેલું છે કે થોડાં વર્ષોમાં શહેરોની સંખ્યા ઉત્તરોત્તર વધારવામાં આવશે. હજુ આજે જ 2021માં અમદાવાદ શહેરનો આશ્રમ રોડ અમેરિકાની પાંચમી એવન્યુ જેવો ભભકદાર થઈ જશે, તેના રૂડા રૂપાળા નકશાઓ જોયા. આ સાંભળીને કરોડો શેખચલ્લીઓ સપનાં જોવા લાગ્યા છે, મારે ઘીરે ફ્રીજ, ટેલીવિઝન અને મોબાઈલ ફોન હઈસે, ઘરના હંધાયને  એક એક સ્કુટર અને મારે પોતાની પાસે તો મોટર કાર હઈસે, મેકડોનાલ્ડ અને પીઝા હટમાં પીઝા ખાવા જાસું ને એયને લાઈટું ને ગાણીબજવણી વચાળે ટેસડા કરસું.   

દેશની 70% જેટલી વસતી ખેતી અને તેને લગતા ઉદ્યોગો પર આધારિત હોવાથી ગામડાંઓમાં રહેતી હતી પણ આજકાલ શહેરમાં રહેવાનો લોભ વધતો જાય છે તેનું કારણ શું હશે તેમ સહેજે વિમાસણ થાય. દુનિયાની વિવિધ સંસ્કૃિતઓના ઉદ્દભવ અને વિકાસના ઇતિહાસનો અભ્યાસ કરવાથી એવું તારણ નીકળે છે કે જ્યારથી માનવી પશુપાલક મટીને ખેતી કરતાં શીખ્યો ત્યારથી એ નાનાં નાનાં ગામ અને કસબાઓમાં વસતો થયો. કૃષિ વિજ્ઞાનના વિકાસના પરિણામ સ્વરૂપ ખેતીની ઉપજ વધતાં તેને સંલગ્ન ઉદ્યોગો વધ્યા અને એ માટેના કાચા માલ તથા તૈયાર માલની લે-વેચ અને હેરાફેરી કરતા વ્યાપાર-ધંધા વિકસ્યા અને છેક સિંધુ ખીણની સંસ્કૃિતના સમયમાં આપણને સંપૂર્ણ વિકસિત તથા વ્યવસ્થિત નગર રચનાઓના પુરાવાઓ મળી આવ્યા છે. એટલે શહેરી જીવન એ કંઈ એકવીસમી સદીની નવી ઘટના નથી. તો આજની આ શહેર ભણીની દોટ શા માટે સમાજને આટલી વિપરીત અસર કરવા લાગી છે?

ઔદ્યોગિક ક્રાંતિ પહેલાના યુગમાં વિશ્વમાં ગામડાં અને શહેરો પરસ્પર આધારિત હતાં. કાચો માલ પેદા કરવાનું કામ ગામડાંઓનું હતું તો પાકો માલ તૈયાર શહેરોમાં થતો અને તેનો વેપાર પણ થતો. ભારત તેમ જ દુનિયાના બીજા બધા દેશોની પ્રજાઓનાં શિક્ષણ, અર્થકારણ, રહેઠાણ, ખોરાક, સ્વાસ્થ્ય અને સામાજિક-ધાર્મિક જીવન તેમની જીવન પદ્ધતિને અનુકૂળ હોય તે રીતે વિકસતા રહેતાં. કોઈ પણ વસાહતી સંકુલમાં રહેતા લોકોની મૂળભૂત માનવીય જરૂરિયાતો સંતોષાઈ રહેતી અને છતાં ય પરસ્પર આદાન-પ્રદાનથી ગામડાં અને શહેરો એકબીજાના પૂરક બનીને રહેતા નહીં કે વિરોધી. આજે તો ગામડાના રહેવાસીને પોતે શહેરમાં નથી રહેતો તો નીચાજોણું લાગે છે.

જ્યારથી યંત્રયુગના મંડાણ થયા ત્યારથી ગામડાં પોતાની રોજગારીની તકો ગુમાવતાં થયાં અને રોટલાની તલાશમાં શહેરો ભણી દોટ મૂકતાં થયાં. માણસ ખેતી કરતાં શીખ્યો ત્યારે નદી-નાળાં કે ખેતરોને ઉપાડીને પોતાને મન ગમતી જગ્યાએ ખસેડી ન શક્યો પણ કુદરતી સંસાધનો હતા ત્યાં સ્થાયી વસવાટ કર્યો. આ તો ભારે ઉદ્યોગોના યંત્રો શહેરોમાં ખડકી દીધાં અને તેમાં મજૂરી કરી શકે તેવા ગામવાસીઓને કહ્યું કે પેટ ભરવું હોય તો અહીં આવો. મોહમ્મદ માઉન્ટન પાસે જાય કે માઉન્ટન મોહમ્મદ પાસે ? જ્યાં કાચા માલની સામગ્રી, કારીગરો અને મજૂરો હોય ત્યાં ઉદ્યોગો સ્થાપવાને બદલે જ્યાં ઉદ્યોગપતિઓને પોતાના લાભમાં હોય તેવા સ્થળે ફેકટરીઓ અને કારખાનાંઓ જમાવી દીધાં જેણે કેન્દ્રિત ઉદ્યોગ-ધંધાની એક જુદી જ રસમ ઊભી કરી.

આ સંદર્ભે હાલમાં ગાંધી નહેરુ વચ્ચે 1945માં વિચારોની આપ લે થઈ તે વાંચવામાં આવી એ જોઈએ.

गाँधी – नेहरू चिट्ठेबाजी (‘पूर्णाहुति’ , ले. प्यारेलाल )

गांधीजी पंडित नेहरू को (अक्टूबर, १९४५) :

हमारे दृष्टिकोणमें जो भेद है उसके बारे में मैं लिखना चाहता हूं. यदि वह भेद बुनियादी है तब तो जनता को वह मालूम हो जाना चाहिए. उसे (जनताको) अन्धकारमें रखने से हमारे स्वराज्य के कार्य को हानि पहुंचेगी. 

गांधीजी नेहरू को (स्वाधीनता के बाद) :

मेरा विश्वास है कि यदि भारतको सच्ची स्वतंत्रता प्राप्त करनी है और भारतके द्वारा संसारको भी प्राप्त करनी है, तो आगे-पीछे हमें यह तथ्य स्वीकार करना ही पड़ेगा कि लोगोंको गांवोंमें न कि शहरोंमें, झोपडोंमें न कि महलोंमें रहना होगा.

— तुम्हे यह नहीं सोचना चाहिए कि मेरी कल्पनामें वही ग्रामीण जीवन है जो आज हम देख रहे हैं. मेरे सपनोंका गांव अभी तक मेरे विचारोंमें ही है. मेरे आदर्श गांवमें बुद्धीमान मानव होंगे. वे जानवरोंकी तरह, गंदगी और अंधकारमें नहीं रहेंगे. उसके नर-नारी स्वतंत्र होंगे और संसारमें किसीके भी सामने डटे रहनेकी क्षमतावाले होंगे. वहां न प्लेग होगा, न हैजा, न चेचक; वहां कोई बेकार नहीं रहेगा, कोई ऐश आराममें डूबा नहीं रहेगा. सबको अपने हिस्सेका शरीर श्रम करना होगा.

— अगर आज दुनिया ग़लत रास्ते पर जा रही है, तो मुझे उससे डरना नहीं चाहिए. यह हो सकता है कि भारत भी उसी रास्ते पर जाए और कहावतके पतंगेकी तरह अन्तमें उसी दीपककी आगमें जल मरे, जिसके आस-पास वह तांडव-नृत्य करता है. परन्तु मेरा जीवन के अंतिम क्षण तक यह परमधर्म है कि मैं ऐसे सर्वनाशसे भारतकी और भारतके द्वारा समस्त संसारकी रक्षा करने का प्रयत्न करूं.

पंडित नेहरूने उत्तरमें लिखा :

हमारे सामने प्रश्न सत्य बनाम असत्यका या अहिंसा बनाम हिंसा का नहीं है.

मेरी समझमें नहीं आता कि गांव आवश्यक तौर पर सत्य और अहिन्सा का साकार रूप क्यों होना चाहिए. सामान्यत: गांव बुद्धि और संस्कृतिकी की दृष्टि से पिछड़ा हुआ होता है और पिछड़े हुए वातावरणमें कोई प्रगति नही की जा सकती. संकीर्ण विचारोंके लोगोंके लिए (गांव के) असत्यपूर्ण और हिंसक होनेकी बहुत ज्यादा संभावना रहती है. हमें गांवको शहरकी संस्कृतिके अधिक निकट पहुंचनेके लिए प्रोत्साहन देना पडेगा.

એક એવી માન્યતા પ્રચલિત હતી અને હજુ પણ છે કે ગાંધીજી મશીન, નવી ટેકનોલોજી અને શહેરી જીવન રીતના વિરોધી હતા અને એટલે તેઓ વિકાસના વિરોધી હતા અને ભારતને ઓગણીસમી સદીમાં પાછું લઈ જવા માંગતા હતા. આ ચિઠ્ઠીમાં લખ્યું છે તેમ ગાંધીજીના કલ્પનાનું ગામડું શિક્ષિત અને આરોગ્યપ્રદ લોકોથી વસેલું હશે જ્યાં વીજળી અને જ્ઞાન બંનેના દીપ જલતા હશે, જ્યાં સ્વાસ્થ્ય અને આરોગ્યની પૂરેપૂરી જાળવણી થતી હશે અને રોજગારીની તકો દરેકને સમાન રીતે ઉપલબ્ધ હશે.

હવે આવા વિચાર ધરાવનાર યુગપુરુષને, ભલા, વિકાસ વિરોધી સમજવું એમાં આપણી સમજનો અભાવ છે કે બીજું કંઈ? ભારતની પ્રજાએ ગામડાઓમાં અને ઝૂંપડામાં રહેવું જોઈએ શહેરોમાં અને મહેલોમાં નહીં, તેમ કહેવા પાછળ તેમની દીર્ઘ દ્રષ્ટિ હતી જે આજે સાચી પડતી જોવા મળે છે. જુઓને ગામડાંઓમાં રોજગારીની તકો ઓછી થતાં જે રીતે સામૂહિક સ્થળાંતર વધતું જાય છે તેનાં કેવાં વિપરીત પરિણામો આવે છે? વળી ભારત જો આ રીતે માત્ર રાજકીય જ નહીં પણ આર્થિક, સામાજિક અને સાંસ્કૃિતક સ્વાતંત્ર્ય મેળવે તો દુનિયા આખીને માર્ગદર્શક નીવડી શકે એવી પરમ શ્રદ્ધા તેઓ ધરાવતા હતા. એમનું કહેવું સાચું જ ઠર્યું છે કે દુનિયાના તે વખતના વિકસિત દેશો જે રીતે શહેરી જીવનના અને મૂડીવાદના મોહ પાછળ ઊંધે કાંધ દોડ્યા એથી ભૂંડે હાલ બેહાલ થતા જાય છે અને ભારત પણ એમની નકલ કરવા અવિચારીપણે શહેરની ચમક-દમક અને રાતોરાત ધનિક થવાની લાલચમાં સમાજના પાયારૂપ ગ્રામ્ય સમાજ રચનાને ખાંડણીયે ખાંડીને કચરે છે તો એ પણ ભારે ઉદ્યોગો, શહેરી સંસ્કૃિત અને મૂડીવાદના ભસ્માસુરમાં બળીને ભસ્મીભૂત થઈ જશે. અને એવું ન બને એ માટે તેમણે એમના છેલ્લા શ્વાસ સુધી ભરચક પ્રયત્નો કર્યા; આપણે શું કરીશું?

હવે એ પત્રના જવાબ રૂપે સ્વ. જવાહરલાલે જે કહ્યું તે સમજીએ. એમને મન ગામડાં બુદ્ધિધન અને સાંસ્કૃિતક રીતે પછાત હોય છે. આજે જો ચાચાજીની સન્મુખ થવાનું બને તો પૂછવાનું મન થાય કે એમનું આ ધન લુંટાઈ શાથી ગયું અને કોણે ગ્રામ્ય જનતાને પાયમાલ કરી? આજે પણ કોઈ શહેરીજન એકાદ ગામડામાં થોડા દિવસ વિતાવી જુએ તો અનુભવશે કે ખેડૂતોની અસીમ ઉદારતા, ભરવાડોની સહિષ્ણુતા અને કુંભારની બેજોડ કળા કારીગરી જોઈને કોઈ તેમને બુદ્ધિ વિનાના કે અસંસ્કૃત કહી નહીં શકે.  

ચાલો, ઘડીભર માની લઈએ કે આધુનિક જમાનાની ટેકનિકલ અને વૈજ્ઞાનિક પ્રગતિને પરિણામે શહેરી વાતાવરણમાં જ માનવ અસ્તિત્વ ટકી રહેવા પામશે. તો શહેરી જીવનને કારણે કૌટુંબિક, સામાજિક, માનસિક, આર્થિક અને સાંસ્કૃિતક જીવન પર શી અસર થઈ છે તે ય તપાસવા જેવું ખરું. એક તો સંયુક્ત કુટુંબો વિભાજીત થતાં બાળકો અને ઘરના વૃદ્ધોના ઉછેર અને સંભાળના પ્રશ્નો વધ્યા અને એ બંને ઉંમરના સભ્યોને અવગણના કે બેદરકારીના ભોગ બનવું પડે છે. ગામડું છોડીને શહેરમાં જનારા લોકો અપૂરતા આવાસમાં નરક જેવી ગંદકી વચ્ચે રહીને રોજી રોટી મેળવવા ફાંફાં મારે અને પોતાનું આત્મ સન્માન ગીરવે મુકીને કદીક લાખોપતિ થવાનાં સપનાં જુએ એ શોભે છે? એમ કરવા જતાં અનારોગ્યપ્રદ રહેવાસોમાં પેઢી દર પેઢી રહીને નબળી પ્રજા પેદા કરે, અનેક જાતના રોગના ભોગ બને અને સરવાળે અધમુઆની દશામાં જીવ્યે રાખે એમાં શું વળે? પશ્ચિમના દેશોમાં ખેતરમાં છુટ્ટી ફરતી મરઘીઓને વધુ ઈંડાં આપે અને વધુ સંખ્યામાં મરઘીઓ ખાવા મળે તે માટે પોતાની પંખ પહોળી ન કરી શકે કે પગ ચલાવી ન શકે તેવી અત્યંત સાંકડી જગ્યામાં હજારોની સંખ્યામાં પૂરી રાખે અને તેની સામે મશીનમાં દાણા દોડતા રહે તે બિચારાં પંખીઓ ચણે ઈંડાં મુકે અને પકડીને વધ કરવા લઈ જાય ત્યારે સ્વર્ગે સિધાવે એવો તાલ ગામડાંમાંથી શહેર તરફથી ખેંચાઈને ગયેલ કુશળ કારીગરો, ઉત્પાદક વ્યવસાયોમાં પડેલ મઝદૂર વર્ગનો થાય છે.

એક દસ બાય દસની ખોલીમાં એક કુટુંબના સાત સાત સભ્યો પૂરતા હવા પાણી વિનાના વિસ્તારમાં રહે અને મા કે બાપને જો કંઈ છૂટક કામ મળે તો ઘટિયા પ્રકારનો ખોરાક મેળવીને કાલ અમારે બંગલો થશે, મોટરકાર આવશે, વિમાનમાં બેસીને ફરવા જવાનું મળશે એવા સ્વપ્ન જોતાં નિદ્રાધીન થાય પણ એક શું બબ્બે-ત્રણ પેઢી સુધી ધીમે ધીમે વધુને વધુ ગરીબી અને બેકારીની ગર્તામાં ફસાતા જાય એ હકીકત હવે અજાણી નથી.

લિયો ટોલ્સટોય જયારે પોતાના ગ્રામ્ય આવાસને છોડીને મોસ્કો ગયા, ત્યારે તેમને ગામડાંની અને શહેરની ગરીબી વચ્ચેનો ભેદ સમજાયો. જેમાં શહેરી ગરીબોના સ્વાભિમાનનો થયેલ ક્ષય સહુથી વધુ વેદના આપનાર લાગ્યો. શહેરોમાં દરેક પ્રકારના ગુનાઓનું પ્રમાણ વધ્યું છે, શારીરિક અને માનસિક માંદગીઓમાં પારાવાર વધારો થયો છે કેમ કે રોજગારીની તકોનો અભાવ અને નોકરી મળે તો માઇલોની મુસાફરી કરીને જવું, લાંબા કલાકો સુધી સતત મજૂરી / કામ કરવું અને ગળાકાપ હરીફાઈ વચ્ચે પોતાના વ્યવસાયને ઉત્તરોત્તર સલામત અને નફાકારક બનાવવાની ધૂનમાં ઘસાયા કરવું એ જ તેમનો એક માત્ર ધર્મ બની જાય છે.

નદી અને દરિયાના પાણીને નાથીને ધરતીને રસાળ બનાવનારા ખેડૂતોથી માંડીને માનવ જીવનની તમામ જરૂરિયાતો પૂરી કરતા ઉદ્યોગ ધંધા કરનાર કારીગરો જળ-જંગલ અને જમીનથી અળગા થઈને ધુમાડા ઓકતાં કારખાના-મિલોમાં તેના કરોડોપતિ માલિકોના ગુલામ થઈને બે ટંકની રોજી માટે વલખાં મારતા થઈ જાય પછી તેમનું હીર ચુસાઈ જાય અને વારસાગત કાર્ય કુશળતા ગુમાવી બેસે તેમાં નવાઈ શી? આજે દર બે કે ત્રણ ઘરમાંથી એક વ્યક્તિ કમ્પ્યુટરને લગતા અથવા નાના મોટા છૂટક કે જથ્થાબંધ વેપાર સાથે સંકળાયેલા જોવા મળશે પણ એમના બાપ-દાદાના વ્યવસાયનો ઇતિહાસ પૂછતાં જાણવા મળશે કે તેઓ વણકર, મોચી, દરજી, કડિયા, ખેડૂત કે કુંભારનો ધંધો કરતા હતા. આજે ઉત્પાદક શ્રમ કરવામાં શરમ અનુભવતી પ્રજા બીજાની મજૂરી દ્વારા પેદા થયેલ માલને વેંચવામાં અને તે પણ મોટા મોટા શોપિંગ મોલમાં કે ઈન્ટરનેટ પર વેંચવામાં ગૌરવ અનુભવે છે. પરિણામે શરીરને કસરત કરવા જીમનેઝિયમમાં લઈ જવું પડે, કુદરતને ખોળવા વિમાનમાં બેસીને ‘હોલીડે’ પર જવું પડે, સંગીત સાંભળવા સ્માર્ટ ફોનમાં જોડેલ દોરડાં લટકાવવા પડે એ જ એમને શહેરી જીવનની દેણ હશે. પેલા ગીતમાં જે કુદરત અને માનવ તથા માનવ માનવ વચ્ચે સુમેળ ભર્યા જીવનની વાત હતી તે તો આ ‘આધુનિકતા’ અને ‘વિકાસ’ના નામે ક્યાં ય અદ્રશ્ય થઈ જશે. અરે, એ ગાવા કે સમજવા જેટલું ગુજરાતી જાણનાર પણ કોઈ રહે તો નસીબદાર ગણાશું.

જો કે હાલમાં મૂડીવાદની શોષણ વૃત્તિ, કરોડોપતિઓની લોલુપતા અને શહેરમાં વધતા જતા પ્રશ્નોથી અકળાતી આમ પ્રજાના આક્રોશના પ્રદર્શનને કારણે જતે દહાડે ફરી વિકેન્દ્રિત અર્થકારણ, વહીવટી પ્રથા અને પરિણામે સંયુક્ત કૌટુંબિક અને સામાજિક જીવનના પુનરૂત્થાનના દિવસો ઢુંકડા આવતા જાય છે એવી આશા પણ બંધાય છે.

e.mail : 71abuch@gmail.com

Loading

17 June 2014 admin
← Just those ……..
જીવતર અાખું એક ઉખાણું →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved