Opinion Magazine
Number of visits: 9448714
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હાથીભાઈ ડાન્સ કરે ને સસલો પાડે ફોટા! એક વાંદરો, મનમાં-મનમાં, કરતો ગરબડ ગોટા!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|20 May 2021

હૈયાને દરબાર

ચકીબેન! ચકીબેન!
મારી સાથે રમવા
આવશો કે નહીં?

જેવાં રમતિયાળ બાળગીતોથી આપણા જીવનની શરૂઆત થતી હોય છે. એ પછી મા-બાપ સજાગ હોય તો વળી બીજાં ગીતો પણ સાંભળવા અને શીખવા મળે જેમ કે, પોપટ પાંજરામાં મીઠું મીઠું બોલે, એક બિલાડી જાડી, નાની સરખી ખિસકોલીબાઈ જાત્રા કરવા જાય અને હાથીભાઈ તો જાડા …! ઘરમાં થોડું વધારે સાહિત્યિક વાતાવરણ હોય તો રમેશ પારેખનાં ગીતો, એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો, બંને બથ્થંબથ્થા બાઝી, કરતાં મોટો ઝઘડો … કે પછી હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠા, લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠા …! જેવાં ગીતો ય જાણવા-માણવા મળે, પરંતુ ર.પા. પછી બાળગીતોને ક્ષેત્રે ખેડાણ પ્રમાણમાં ઘણું ઓછું થઈ ગયું હતું. હકીકતમાં તો, બોધકથા, પ્રાર્થના, કવિતા અને બાળગીતો ગમ્મતપૂર્વક શિખવાડવામાં આવે તો એનાથી બાળકમાં માનસિક ગુણો જેવા કે આત્મવિશ્વાસ, નીડરતા, એકાગ્રતા, સ્વયંશિસ્ત કેળવાય છે.

આજકાલનાં ટાબરિયાં તો મોબાઇલ ફોનની કાર્ટૂન ગેમ્સમાંથી જ મનોરંજન મેળવે છે. પોતાની આ નવી દુનિયામાં બાળકો એવી રીતે મસ્ત હોય છે કે ખાવા-પીવાની કે ભણવાની પણ દરકાર હોતી નથી. ખાસ કરીને ચાર દીવાલોમાં પુરાયેલા આજના શહેરી બાળારાજાઓનો કુદરત સાથેનો સંપર્ક – નાતો છૂટી રહ્યો છે એવા વાતાવરણમાં જામનગરના કવિ-ગઝલકાર કિરીટ ગોસ્વામી બાળગીતો ક્ષેત્રે અદ્ભુત કામ કરી રહ્યા છે. વ્યવસાયે શિક્ષક એવા કિરીટ ગોસ્વામીએ ગુજરાતની શાળાઓમાં આશરે ૧૨૦ જેટલા બાળસાહિત્યના કાર્યક્રમ કર્યા છે. ‘ક્યાં માને છે પપ્પા?’ ગીત સંગ્રહને ૨૦૧૪માં સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક તથા ‘ખિસકોલીને કમ્પ્યુટર છે લેવું!’ને ૨૦૧૬માં અંજુ નરશી પ્રથમ પારિતોષિક મળી ચૂક્યું છે. ગુજરાત કલા પ્રતિષ્ઠાન દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડ, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ એવોર્ડ, અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ (૨૦૨૧) રાજ્યપાલશ્રીના હસ્તે એમણે મેળવ્યો છે. ભારતીય વિદ્યા ભવન દ્વારા એમનું સન્માન થયું છે તથા મોરારિબાપુના અસ્મિતાપર્વમાં પણ એમણે બાળગીતો પ્રસ્તુત કર્યાં છે.

બાળવાર્તા-બાળગીતો વ્યક્તિગત તથા વ્યક્તિત્વ વિકાસમાં ખૂબ અગત્યતા ધરાવે છે. એટલે જ માતા એ બાળકની પ્રથમ શિક્ષક છે અને કિરીટ ગોસ્વામી જેવા સમર્પિત શિક્ષક બાળકને મળે તો એની કલ્પનાશક્તિ અને વિકાસમાં ઘણો ફરક પડી શકે છે.

ગુજરાતી બાળગીતોમાં અનેક કવિઓનું યોગદાન છે. ઊંટ કહે આ સભામાં…ના કવિ દલપતરામથી માંડીને ત્રિભુવન વ્યાસ, રમણલાલ સોની, સુંદરમ્, રમેશ પારેખ અને આધુનિક કવિઓમાં કૃષ્ણ દવેએ પણ બાળસાહિત્યને ન્યાલ કર્યું છે. આ પ્રવાહમાં એક નવું નામ કિરીટ ગોસ્વામીનું છે. સાહિત્યકાર યશવંત મહેતા કહે છે કે, "કિરીટ ગોસ્વામી ગુજરાતી ભાષાના અત્યાર સુધીના પાંચ શ્રેષ્ઠ કવિઓમાં એક છે. પંદરેક વર્ષથી તેઓ બાળકાવ્યો લખે છે અને આજની પેઢીને ગમે એવી અદ્ભુત કલ્પના એમનાં બાળગીતોમાં જોવા મળે છે. તેઓ માત્ર બાળગીતો લખતા જ નથી, ગામેગામની શાળાઓમાં જઈને બાળકો સામે પરફોર્મ પણ કરે છે.

પ્રમાણમાં નાની વયે મા-બાપનું છત્ર ગુમાવનાર કિરીટ ગોસ્વામી કહે છે, "મા-બાપનાં મૃત્યુ પછીના શૂન્યાવકાશે મને બાળગીતો લખવા પ્રેર્યો. પછી તો મને એવી મજા આવવા લાગી કે મારી કવિતામાં બિલ્લી, ખિસકોલી, ઉંદર, વાંદરો, પક્ષીઓ અને ચાંદ-તારા જેવાં પ્રકૃતિ પ્રતીકો તો આવે પણ આધુનિક ઉપકરણો અને શાળાએ જતા બાળકની વર્તમાન મનોસ્થિતિ પણ આવતી હોવાથી બાળકોને ખૂબ મઝા આવવા લાગી. બાળકો વચ્ચે રહેવાથી મન પણ આનંદમય અને પ્રવૃત્તિથી સભર રહેવા લાગ્યું. મારા આઠ બાળગીત સંગ્રહ પ્રકાશિત થયા છે જેમાં ‘એક એક ડાળખી નિશાળ’માં સુંદર પ્રકૃતિ કાવ્યો છે તો, ‘ક્યાં માને છે પપ્પા’માં આધુનિક બાળકોના મનની વાત છે. સર્વાધિક લોકપ્રિય સંગ્રહ ‘ખિસકોલીને કમ્પ્યુટર છે લેવું’માં તો પરંપરાગત વિષયમાંથી કવિતાઓ બહાર લાવી બાળકોને સમજાય અને ગમે એવી ભાષા હોવાને લીધે સૌથી લોકપ્રિય કાવ્યસંગ્રહ થયો અને ઈનામને પાત્ર બન્યો હતો. ‘હાથી ભાઈનું સ્કૂટર’ તથા ‘એક બિલાડી બાંડી’ સંગ્રહો પણ બાળકોએ ખૂબ વધાવ્યા છે.

હંમેશાં ટોપી પહેરતા આ કવિને ‘ટોપીવાળી મા’ અને ‘બાળગીતોના બાદશાહ’ જેવાં બિરુદ પણ અપાયાં છે. કિરીટ ગોસ્વામી વિશે લાભશંકર પુરોહિત કહે છે કે, "કિરીટ ગોસ્વામીએ ટૂંક સમયમાં પ્રસિદ્ધિ મેળવી હોવા છતાં એ મોટાઈનો મુગટ ઉતારીને બાળકો સાથે સહજ રીતે રહી શકે છે એ એમની વિશેષતા છે. તાજેતરનો એમનો સંગ્રહ ‘રીંછ ભાઈ તો રમ પમ પમ’ વિશિષ્ટ એ રીતે છે કે એમાં ક્યુઆર કોડ સ્કેન કરીને ગીતો સાંભળી શકાય છે અને બાળ કલાકારો એ હોંશે હોંશે ગાય છે. મીની માસી શીખે છે કમ્પ્યુટર … જેવાં ગીતો સાંભળી બાળકો ડોલી ઊઠે છે.

હાથીભાઈ તો ડાન્સ કરે ને સસલો પાડે ફોટા … જેવાં કેટલાંક ગીતો અમદાવાદનાં નમ્રતા શોધને સરસ કમ્પોઝ કરીને ગાયાં છે. એ ગીતોમાં જાત જાતની મજેદાર કલ્પનાઓ છે. કોઈના પર રખાય નહીં ખાર … તથા એકલા ખવાય? … જેવાં કેટલાંક ગીતો બાળકોને જીવન ઉપયોગી માર્ગદર્શન આપે છે. કિરીટ ગોસ્વામી ગઝલ પણ સરસ લખે છે તેમ જ ‘માતૃભાષા અભિયાન’ના સહયોગમાં બાળસભાનું આયોજન કરે છે. બાળકો એમાં જોડાઈને પોતાની કૃતિ પણ રજૂ કરી શકે છે. કિરીટભાઈએ કેન્સરગ્રસ્ત તથા અંતરિયાળ ગામડાંઓમાં જઇને બાળસભાઓ યોજી છે. એમની કવિતા ધોરણ ચાર અને પાંચમાં બાલભારતી ગુજરાતીમાં પણ લેવાઈ છે. કિરીટ ગોસ્વામી પહેલાં બાળક છે પછી સર્જક. બાળગીતો લઈને ખૂબ રખડે છે અને ભાષાનું ભણતર અને બાળકોનું ઘડતર કરે છે. એમની કવિતાઓમાં નાની નાની પંક્તિઓ હોવાથી બાળકોને આસાનીથી યાદ રહી જાય છે. વધુ કંઈ ન કહેતાં એમની સરસ મજાની કવિતાઓમાં જ લટાર મારીએ તો વધારે મજા આવશે. તમારા ઘરમાં બાળકો હોય તો જરૂર આ બધાં ગીતો સંભળાવજો, કારણ કે માતૃભાષા દ્વારા જ વિશ્વભાષા અને બાહ્ય જગતની બારી ખૂલે છે. અહીં કેટલાંક મજેદાર બાળગીતો મૂક્યાં છે એની મજા માણો. આમાંનાં અમુક ગીતો નેટ પર કદાચ સાંભળવા મળી શકે. આ બધાં ગીતો કિરીટ ગોસ્વામીએ લખ્યાં છે અને જુદી જુદી રીતે સ્વરબદ્ધ થયાં છે.

રીંછભાઈ તો રમ પમ પમ રમ પમ પમ …!
ચાલે કેવા ધમ ધમ ધમ ધમ ધમ ધમ …!
નાની સરખી પૂંછડી,
એના કાન ટૂંકા-ટૂંકા!
સામે જે કોઇ આવે,
એના બોલાવી દે ભુક્કા!
મધ મળે તો જમ જમ જમ જમ જમ જમ!
રીંછભાઈ તો રમ પમ પમ રમ પમ પમ …
રીંછભાઈને વ્હાલી લાગે
નાની શી ખિસકોલી!
ખિસકોલીનું નામ લાડકું
રાખ્યું એણે ડોલી!
ડોલી નાચે છમ છમ છમ છમ છમ છમ!
રીંછભાઈ તો રમ પમ પમ રમ પમ પમ …

*****

એક … બે ને અઢી!
મમ્મીએ પીરસી છે મનગમતી કઢી!
કઢી પીવાને આવશે કાગડો …
બાબુ બીવડાવશે બની એને બાઘડો …
બાઘડાની ઢીલીઢપ ખેંચીશું ચડ્ડી!
એક … બે ને અઢી …
બિલ્લીની આંખોમાં ટમટમતા તારા!
બધાથી ખૂબ મારા દાદાજી પ્યારા!
દાદીમા વ્હાલ કરે, ખોટું-ખોટું વઢી!
એક … બે ને અઢી …!

*****

આ હાથીભાઈને મોજ …
ના સ્કૂલ જવાની ચિંતા, ના હોમવર્કનો બોજ!
જંગલ-જંગલ ફરવાનું
ને ઘાસ લીલુંછમ ચરવાનું …
ના મમ્મીની રોકટોક
કે ના પપ્પાથી ડરવાનું …
ના સ્પેલિંગ પાક્કા કરવાના,
નહિ લખવાની નોટ …
તો ય કદી ક્યાં કોઇ
કહે છે હાથીભાઈને ઠોઠ?
ને હું મસ્તી સ્હેજ કરું તો ટીચર ખીજે રોજ!
આ હાથીભાઈને મોજ …
હાથીભાઈને સૂંઢ-ફુવારો,
મને બાલદી કાં નાની?
તળાવ આખું ડહોળે
તોયે કોઇ કહે ના તોફાની!
ફાવે ત્યારે રમી શકે
એ ફાવે તેવી ગેમ …
મને ય થોડું જીવવા દોને
હાથીભાઈની જેમ!
પીછો કાં ના છોડે દફતર ને નોટોની ફોજ?
આ હાથીભાઈને મોજ …

*****

આ હોમવર્કનો દરિયો …
માણસખાઉ કોઇ રાક્ષસની
ફાંદ સમો વિસ્તરિયો!
આ હોમવર્કનો દરિયો …
જાડા-પાડા આ દરિયાનાં
મોજાંનો નૈ પાર …
ટીચર કહેતા – ગમે તેમ જાવાનું
સામે પાર …
મથું રાત-દી’ તો ય મળે ના
આ દરિયાનો તાગ!
જરાક ઝોકે ચડું, ત્યાં તરત
મમ્મી કહેતી – ‘જાગ!’
નાના એવા દફતરમાં
છે ભાર ગજબનો ભરિયો!
આ હોમવર્કનો દરિયો …
ચાંદામામા! તમે જ કહોને
આનો ઉપાય શું?
મજા ન આવે એવું ભણતર
કાયમ ભણાય શું?
એવો દરિયો શું ખંખોળે:
જેમાં ના હો મોતી!
મારે આ ગોખણપટ્ટીની
થી હોડકી જોતી!
છે ફરિયાદી મારી જેમ જ:
કાનો, કુલદીપ, હરિયો!
આ હોમવર્કનો દરિયો …

*****

નાની-શી ખિસકોલી
હું નાની-શી ખિસકોલી,
હું જાગું વ્હેલી-વ્હેલી!
હું ચિક ચિક .. ચિક ચિક .. બોલું
કવિતાઓ સાવ સ્હેલી!
હું સ્કૂલે જાઉં દોડી,
લઇ દફતર નાનું-નાનું!
હું લેસન કરતી ઝાઝું,
ને વાત ટીચરની માનું!
આ લીમડાભાઈની ડાળે,
હું કાયમ કરતી સ્કેટિંગ!
હું કમ્પ્યુટર ખોલીને
કરું કાબર સાથે ચેટિંગ!
હું ડાન્સ કરું મનગમતા
ને ડાઇવ મારું મોટી!
કોઇ ‘નટખટ’ કહી બોલાવે,
કોઇ કહે લાડથી ‘ગોટી’!
હું વાત હવાથી કરતી,
હરખે દઇ-દઇને તાલી!
હું સૌને ઘેર જાતી;
હું સૌને વ્હાલી-વ્હાલી!

*****

કીડી માગે કેક …
કાયમ કીડી માગે કેક!
કેક જરા દેખે ને ત્યાં તો કરતી ઠેકમઠેક!
રોજ કેક ખાવાનાં એ તો શોધ્યા કરતી બ્હાનાં,
ઘડીએ-ઘડીએ યાદ કરે છે બર્થ-ડે બધ્ધાનાં,
કેક ભાવતી એવી કે ના મન પર લાગે બ્રેક!
કાયમ કીડી માગે કેક …
પપ્પા લાવે ગુલાબજાંબુ, મમ્મી લાવે લાડુ …
કીડીને તો કેક જ ભાવે; રિસાઇ જુએ આડું …
ગમ્મે ત્યાંથી પકડી પાડે, કેકની મીઠી મ્હેક!
કાયમ કીડી માગે કેક …!

*****

મીની માસી શીખે છે કમ્પ્યુટર …
સાવ ઠોઠડા રહી જવાનાં ઉંદર અને છછુંદર!
ખૂબ ઝડપથી ટાઇપ કરે છે
હરખે મ્યાઉં-મ્યાઉં!
નથી માઉસને કહેતાં
– તન્ને ખાઉં-ખાઉં-ખાઉં!
ખૂબ કરે છે મહેનત, છોડી પહેલાં જેવી નીંદર!
મીની માસી શીખે છે કમ્પ્યુટર …
ફેસબુકમાં ફોટા મૂકે,
રોજ-રોજ મનગમતા!
પપ્પુભાઈની સાથે
કેવા ગેમ હોંશથી રમતાં!
સિંહરાજથી આગળ નીકળી, લાવે પેલો નંબર!
મીની માસી શીખે છે કમ્પ્યુટર …
હાથીભાઈ ડાન્સ કરે
ને સસલો પાડે ફોટા!
એક વાંદરો, મનમાં-મનમાં,
કરતો ગરબડ ગોટા!
ખિસકોલી મોબાઈલ લઇને
પહોંચી રીંછ પાસે …
ગૂગલ ખોલી, ક્યે કે –
"આમાં મધપૂડો દેખાશે …
રીંછ કહે – "મોઢામાં પાણી,
લાવ નહીં, તું ખોટા!
એક વાંદરો, મનમાં-મનમાં,
કરતો ગરબડ ગોટા!
કીડીબાઇના કમ્પ્યુટરમાં,
માઉસ કરે છે લોચા!
બિલ્લી કયે – "એના પર મૂકું
પગ આ મારા પોચા!
આગળ માઉસ, પાછળ બિલ્લી …
થૈ ગ્યા દોટમદોટા!
એક વાંદરો, મનમાં-મનમાં,
કરતો ગરબડ ગોટા!

•   કવિ : કિરીટ ગોસ્વામી    •   સ્વરાંકન-ગાયન : નમ્રતા શોધન

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 20 મે 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=691031

Loading

20 May 2021 admin
← આ મુશ્કેલ સમયમાં (56)
સચ્ચાઈથી શાસન કરવા જતાં કોઈ સરકાર ઊથલી પડ્યાંનું સ્મરણ છે? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved