મમતા બેનરજીની ઝળહળતી ફતેહનો સીધો સંદર્ભ અલબત્ત કોલકાતાની રાજવટ છે, પણ એનાં મનોવૈજ્ઞાનિક આંદોલનો બેલાશક દેશવ્યાપી છે. ભા.જ.પ.ના અશ્વમેધ અભિલાષને દિલ્હીમાં આપ અને અરવિંદ કેજરીવાલે ક્યારેક ભોંઠામણનો જે અનુભવ કરાવ્યો હશે, પશ્ચિમ બંગાળમાં એવી જ આકરી ભોંઠામણ એને મમતા બેનરજીએ કરાવી છે : વ્હિલચૅરમાં અહીંતહીં સઘળે ફરી વળતાં મમતા અને બસો જેટલાં ચાર્ટર વિમાન ને હેલિકૉપ્ટરો વાટે ગરુડે ચડી ગિરધારી પેઠે દિલ્હીથી ઊતરી આવતી ન.મો.-અમિત મંડળી : આ બે સામસામાં ચિત્રો વચ્ચે મતદારને મમતા સ્વાભાવિક જ પોતાનાં પૈકી ને પોતાનાં લાગ્યાં.
જેવો છે તેવો, બંગાળનો પોતીકી તરેહનો એક પ્રબુદ્ધ મત છે. જેવી છે તેવી, બંગાળની એક પોતાની પરંપરા છે. દિલ્હીથી કિલર ઇન્સ્ટિંક્ટ સાથે બે સેનાનીઓ ને લાવલશ્કર જે રીતે ઊતરી પડ્યાં એમની આખી શૈલી, એમણે જાહેર પ્રચાર અને વિમર્શમાં વાપરેલી ભાષા, બધું જ બાંગલા ઓળખ અને અસ્મિતા સાથે ટકરામણ સરજતું હતું અને આમ માનસમાં આક્રોશ નહીં, ત્યારે પણ અકળામણ તો જગવતું જ હતું. ઓ…મા, ઓ-બા-માની તરજ ને તરાહ પરનો ‘દીદી ઓ દીદી’ એ જીભદાવ એક સન્માન્ય મહિલા સાથે બંગમતને નકરી છેડખાની જેવો સંભળાયો અને એણે જગવેલ પ્રત્યાઘાત ભા.જ.પ.ને ઠીકઠીક ભરખીને રહ્યો.
વ્હિલચૅર વિ. વિમાન કે દીદી ઓ દીદી સરીખો જીભદાવ, એ તો જો કે તરત કૌતુક જગવતા ને લાગલું ધ્યાન ખેંચતા દાખલા થયા. પણ એમને ઓછાં આંકીને નહીં, એમનાથી કંઈક હટીને જરી વ્યાપક ફલક પર જોવા કરીએ તો સમજાતી વાત એ છે કે ભા.જ.પે. રાષ્ટ્રવાદની જે ખાસ બ્રાન્ડ વિકસાવી છે, તે બંગમતને અપીલ કરવામાં ઓછી અને પાછી પડી છે. ભા.જ.પી. રાષ્ટ્રવાદનો સ્વરાજ-ચળવળ વખતનો વિભાજક વારસો હિંદુ-હિંદી-હિન્દુસ્તાન એ તરજ પરની ત્રિસૂત્રીનો છે. હિંદીભાષી હિન્દુસ્તાન તરીકેની રાષ્ટ્રીય ઓળખમાં નજીકનાં પાછોતરાં વરસોમાં જેની ફરતે વળ ને આમળા ચઢ્યા હોય, એવો નારો (લગભગ યુદ્ધનાદ) ‘જય શ્રીરામ’ છે. બાંગલા જનજીવનમાં, ઊલટ પક્ષે, દુર્ગાનું જે સ્થાન અને ભૂમિકા છે, એનો કોઈ વિકલ્પ નથી. દુર્ગા વાટે પ્રગટ થવા કરતો સહજ હિંદુભાવ અને ‘જયશ્રી રામ’નો હિંદુત્વ યુદ્ધનાદ, બે વચ્ચે મેળ તો નહીં જ પણ લગભગ છત્રીસનો સંબંધ વરતાયો એ હકીકત છે. સહજ હિંદુભાવ સામે હિંદુત્વ બુલડોઝર વલણ વિપરીતપરિણામી પુરવાર થયું.
ગમે તેમ પણ, દૃષ્ટાંતો અને નિમિત્તોમાં ઝાઝું ખોવાયા વગર અહીં જે મુદ્દો ઘૂંટવો રહે છે તે એ છે કે આપણા જેવા ભાતીગળ દેશમાં એકતાનો રસ્તો બીબાઢાળ જડબેસલાક તરેહનો નહીં, પણ સૌને અવકાશ-મોકળાશ આપતો સમવાયી તરેહનો જ હોઈ શકે. ભા.જ.પ.નો રાષ્ટ્રવાદ વચ્ચે-વચ્ચે જરી સભાનપણે સ્થાનિક વાનાંનું સહવરણ કરવાનો વિવેક દાખવતો હોય તો પણ એકંદરે એની તાસીર ને તરાહ એકલઠ્ઠ અભિગમની છે, જે સરવાળે બીજાને પાછા પાડે, વેગળાપણું અનુભવાવે. કોણ સમજાવે, ઝંડાબરદારોને કે કુલકન્યા વિનય-અનુનયથી જ પ્રાપ્ત થઈ શકે, બલાત્ કબજો જમાવી શકો પણ આત્મીયતા મારી ફરે.
લાંબા ડાબેરી કાળ પછી બંગાળ બીજે છેડે જતું માલૂમ પડે છે – અને એ બીજા છેડાની રીતે ભા.જ.પ. આ કિસ્સામાં કોઈ આપોઆપ વિકલ્પ નથી. બલકે, દૃઢમૂલ ડાબેરીવાદ બાજુએ મૂક્યા પછી પણ ભાવજગત અને ભાવાવરણ જેવું કાંક કશુંક તો રહે છે જેને નરદમ ભા.જ.પી. માહોલ રાસ નથી આવતો તે નથી આવતો. લેફ્ટ-લિબરલ એવી ભદ્રલોક ધારા પશ્ચિમ બંગાળની રાજવટનાં માર્ક્સવાદી વર્ષોમાં સત્તાની નજીક, કંઈક અંગભૂત જેવી પણ હશે. પણ બધો વખત, ક્વચિત્ માનો કે નહીંવત્ પણ એને પક્ષે એક આલોચનાત્મક અંતર રહેતું આવ્યું છે. હમણાં જુદા નિમિત્તસર જે બહુ ચમક્યું તે નંદીગ્રામનો થોડાં વરસ પરનો ઘટનાક્રમ એનું ઉત્તમ ઉદાહરણ છે. સ્વતંત્ર બૌદ્ધિક વલણોવાળી લેફ્ટ લિબરલ ધારા પશ્ચિમ બંગાળના સી.પી.એમ. શાસનથી હટી અને સામે ગઈ તે નંદીગ્રામ ઘટનાનો એક વિશેષ હતો. આ લેફ્ટ-લિબરલ (પણ સ્થાપિત પક્ષોથી સ્વતંત્ર) ધારાએ ડાબેરી અતિવાદ સામે એક ભૂમિકા લીધી, જેણે પશ્ચિમ બંગાળમાં બિનડાબેરી સંભાવનાનો પથ પ્રશસ્ત કીધો. પણ આ જે વિકલ્પ ખૂલ્યો એમાં ભા.જ.પ.નો પ્રવેશ સ્વતંત્ર લેફ્ટ-લિબરલ ધારાના મતે ઇષ્ટ નહોતો ને નથી. ડાબેરી-કૉંગ્રેસ જોડાણ છતાં પરંપરાગત ડાબેરી મતો સરવાળે તૃણમૂલ તરફે ગયા એનું રહસ્ય આ વિગતમાં છે.
જેમ ડાબેરી હોઈ શકતા મતોએ ભા.જ.પ.વિરોધની ભૂમિકાએ વિજયની શક્યતા ધરાવનાર તૃણમૂલ તરફે ઢળવું પસંદ કર્યું, મુસ્લિમ મતોએ પણ કૉંગ્રેસ તરફે મતદાનના પ્રણાલિકાગત રવૈયાને બદલે તૃણમૂલ જોડે જવું પસંદ કર્યું. ભા.જ.પી. રાષ્ટ્રવાદની હંમેશની કોશિશ હિંદુ અને મુસ્લિમને ધોરણે ધુ્રવીકરણની હોય છે. પણ મુસ્લિમ મતોએ ધ્રુવીકૃત થતી વખતે તૃણમૂલ સાથે રહેવાનો જે વ્યૂહ લીધો, એણે કોમી વિભાજન મારફતે ભા.જ.પ.ને અપેક્ષિત બહુમતીવાદ (મૅજોરિટેરિયનિઝમ)ની બાજી બનવા ન દીધી. હિંદુ મતે ભા.જ.પ. જોડે એક જથ્થે જવાપણું ન જોયું એ સૂચક છે. ભા.જ.પ. ને તૃણમૂલ બેઉમાં એ લગભગ સરખા વહેંચાયા-મતલબ, ધ્રુવીકરણનો મોદી-અમિત રાબેતો બર ન આવ્યો. મુસ્લિમ મતોનો બે તૃતીયાંશ હિસ્સો તૃણમૂલ જોડે રહ્યો, અને સહેજે અર્ધોઅર્ધ હિંદુ મતો પણ. લેફ્ટ-લિબરલ ધારાનોયે ઝુકાવ તૃણમૂલ જોડે રહ્યો. અને હા, આ ચર્ચામાં રખે ચૂકીએ કે મહિલા મતદાન તૃણમૂલને સૂંડલામોંઢે ફળ્યું. ‘દીદી ઓ દીદી’ જેવી ફિલમઉતારુ પેરવી સામે મહિલાગૌરવે કચકચાવીને મતદાન કર્યું તેમ સમજાય છે. ઉપરાંત ‘સરકાર તમારે દ્વારે’ જેવા ઉપક્રમોની પણ ખાસી કુમક રહી.
શાસનશૈલીમાં મનમુરાદ વલણો સહિતના પ્રશ્નો મમતા બેનરજીના પક્ષે નથી એમ નથી. બલકે પૂરતા છે. બે મુદ્દત પછી ઍન્ટિ-ઇન્કમ્બન્સીનોયે સવાલ સ્વાભાવિક જ હોય. પણ જે સમજાય છે તે એ કે વ્હિલચૅર વિ. વિમાને મમતાને સહાનુભૂતિ મતનું ખાસું સુવાણ કરી આપ્યું. દૃઢમતિ મમતાનું નેતૃત્વ અને પ્રશાન્ત કિશોરની વ્યૂહકારી ભા.જ.પ.ની આક્રમક મુદ્રા તેમ જ ચૂંટણીપંચ, સી.બી.આઈ., એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટોરેટ, એક લાખ ત્રીસ હજાર જેટલા આર્મ્ડફોર્સ સામે કામિયાબ રહ્યાં એ હકીકત છે.
બેશક, બે – ખરું જોતાં ત્રણ-મુદ્દા સ્પષ્ટ કરવા જોઈએ. મમતાની લાગટ ત્રીજી ફતેહ, નવી ટર્મમાં પ્રત્યક્ષ કાર્યદેખાવ વિના ફળી શકશે નહીં. ભા.જ.પ.ની ધોબીપછાડ એણે જે હુંફાદ અને દાવેદારી દાખવી તેને કારણે નાટ્યાત્મકપણે, તુલનાત્મકપણે ખાસી આકરી લાગે છે. પણ ૨૦૧૬ની બંગાળ વિધાનસભાને મુકાબલે એ ૨૦૨૧ની વિધાનસભામાં ધોરણસરના વિપક્ષ રૂપે પ્રવેશેલ છે. અલબત્ત, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં એણે ૧૨૧ જેટલાં વિધાનસભા ક્ષેત્રોમાં સરસાઈ દાખવી હતી, એની સરખામણીમાં ૨૦૨૧માં મળેલી બેઠકો ઓછી છે, પણ એ વિપક્ષ તરીકે સ્થાનબદ્ધ થઈ શકેલ છે, તે ભૂલવા જેવું નથી.
છેલ્લો અને ત્રીજો મુદ્દો, પ્રશાન્ત કિશોરની વ્યૂહકારી. એમણે સર્વોચ્ચ વિજયની ક્ષણે હવે ચૂંટણીવ્યૂહમોરચે નિવૃત્તિ જાહેર કરી છે. યશની ટોચ પર નિવૃત્તિ લેવી એ એક સારી વાત છે, પણ પિસ્તાળીસમે વરસે એ યથાર્થમાં નિવૃત્ત ભાગ્યે જ થઈ શકે. જોઈએ, શું કરે છે, દરમિયાન એમની ખિદમતમાં તેમ એમના પ્રશંસકોનીયે ખિદમતમાં બાઅદબ એક સવાલ અધોરેખિતપણે કરવો રહે છે. નરેન્દ્ર મોદી અને નીતિશકુમાર કે મમતા બેનરજી, તમે એના કંત્રાટી કૌશલનવીસ તરીકે મતદારોમાં માલ ખપાવી આપો, એનું વાસ્તવિક મૂલ્ય શું. તમે માત્ર કૌશલથી ઓળખાવું પસંદ કરશો કે વિચારનિષ્ઠાથી. કૌશલકારી પોતાને ઠેકાણે ઠીક હશે, બલકે છે. પણ વિચારનું કોઈ મૂલ્ય જ નહીં ? વેચાઉ માલનું રાજકારણ કેવી રીતે સ્વીકાર્ય હોય? મમતા બેનરજીના વિજયના આનંદ ઉત્સાહમાં આ એક પાયાનો સવાલ વણસંભળાયો રહેશે તો તે આપણી કમનસીબી હશે.
હતું કે પ્રશાન્તકિશોર નિમિત્તે ઘોળાતી પ્રશ્નકારીનો અને કૌશલનવીસી બનામ વિચારનિષ્ઠાનો મુદ્દો છેલ્લો હશે. પણ ત્રીજી મેએ આ નોંધ લખાઈ રહી છે, ત્યારે રાજ્યમાં વ્યાપક હિંસાના હેવાલો ચિંતિત કરનારા છે. આઠ તબક્કામાં વહેંચાયેલી ચૂંટણી દરમિયાન કેન્દ્રની જે ભીંસ સતત રહી, એના પ્રત્યાઘાતના અંશો એમાં હોઈ શકે છે – અને જાહેર પ્રત્યાયનની રીતે તૃણમૂલ તેમ ભા.જ.પ. બેઉને પક્ષે પ્રત્યક્ષ ‘હિંસા’નો છોછ નથી, એ કોઈ ખાનગી વાત નથી. સી.પી.એમ.નીયે એ જ પ્રણાલી રહી છે. પણ, આ બધો હવાલો આપ્યા પછી અને છતાં કહેવાનું તો એ જ રહે છે કે દિલ્હીના હિંસા-સંચાર સામે ચાણાક્ષપણે પેશ આવવા સાથે મમતા બેનરજીએ પોતાના વળના સમુદાયને વારવો અનિવાર્ય છે. અન્યથા, કર્યું કારવ્યું ને મેળવ્યું નકોનકો બની રહેશે. અને એથી સરવાળે જે ભોગ લાગશે તે તૃણમૂલ અગર ભા.જ.પ.ના તો ઠીક પણ આપણા તો હશે જ હશે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 05-06