અમારે એક સરકારની જરૂર છે. તાબડતોબ જરૂર છે. કેમ કે દેશમાં સરકાર જેવું જ કશું નથી, અમારા શ્વાસ રુંધાઈ રહ્યા છે. અમે મરી રહ્યા છીએ. અમારી પાસે એ જાણવાની કોઈ વ્યવસ્થા જ નથી કે અમને જે મદદ મળી પણ રહી છે, જે અમારા હાથની વાત છે, તેનું પણ અમે શું કરીએ ?
શું કરી શકાય એમ છે ? અહીં જ અને અબઘડી.
અમે ૨૦૨૪ સુધી રાહ જોઈ શકીએ તેમ નથી. અમારા જેવા લોકોએ ક્યારે ય એવી કલ્પના સુધ્ધાં કરી નહોતી કે એક દિવસ એવો પણ આવશે કે જ્યારે અમે ખુદ કોઈ બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરીશું. અંગત રીતે હું આવી અપીલ કરવાને બદલે જેલ જવું પસંદ કરું. પરંતુ આજે અમે અમારા ઘરોમાં, સડકો પર, દવાખાનામાં, કાર પાર્કિંગમાં, મહાનગરો, નગરો, ગામડાંઓ, જંગલો અને ખેતરોમાં મરી રહ્યાં છીએ. ત્યારે હું એક આમ નાગરિકની હેસિયતથી આમ કરવા માટે અનુભવાતી શરમને બાજુ પર હડસેલીને મારા લાખો સહનાગરિકો સાથે મળીને એમ ચાહું છું કે મહાશય ! કૃપા કરીને આપ આપનું પદ ખાલી કરો. રાજીનામું આપી દો, મારા સાહેબ. વડા પ્રધાનના આ પદેથી હઠી જવાની મહેરબાની કરો. કમ સે કમ અત્યારે તો આટલું કરો જ કરો. હું આપને વિનંતી કરું છું કે આપ ચાલ્યા જાવ.
આ સંકટ આપનું સર્જેલું છે. તમે તેને હલ કરી શકો તેમ નથી. તમે તો એ સંકટને વધુ ઘેરું બનાવી શકો તેમ છો. આ વાઈરસ ભય, ઘૃણા અને અજ્ઞાનતાનાં વાતાવરણમાં ફાલેફૂલે છે. એ ત્યારે વળી ઔર સમૃદ્ધ થઈ જાય છે જ્યારે તમે તેના વિશે બોલનારનો અવાજ દબાવી દો છો. જ્યારે વર્તમાન સમયની વાસ્તવિકતાનું રિપોર્ટિંગ કેવળ આંતરરાષ્ટ્રીય મીડિયામાં જ શક્ય હોય એ હદે દેશના મીડિયાને દબાવી દેવાય છે, ત્યારે આ વાઈરસ ઔર મજબૂત થાય છે. આ વાઈરસ ત્યારે વળી જબરી તાકાત દેખાડે છે જ્યારે આપણી પાસે એક એવા વડા પ્રધાન છે જેમણે પોતાના સમગ્ર કાર્યકાળમાં એકપણ પ્રેસ કોન્ફરન્સ નથી કરી. હાલના સુન્ન કરી દેનારા અને ભારે ડરામણા સમયમાં પણ જે સવાલોના જવાબો આપવામાં અક્ષમ છે.
જો તમે તમારી ખુરશી ખાલી નહીં કરો તો હજારો બેકસૂર લોકો વિના કારણે મરી જશે. તો હવે જાવ, બાપા. તમારો થેલો ઊ ઠાવો અને સન્માનજનક વિદાય લો.તમે પોતે જ જણાવ્યું હતું તેવું એકાંતમાં અને ધ્યાનસ્થ શાનદાર જીવન જીવો. જો તમે હાલનો નરસંહાર આમ જ ચાલવા દેશો તો શાંત અને એકાંત જીવન જીવવાનું તમારું સ્વપ્ન અશક્ય બનશે.
તમારી પાર્ટીમાં ઘણાં એવા લોકો છે , જે સંકટના આ સમયે પોતાના રાજકીય વિરોધીઓને સાથે રાખવાની જરૂરત સમજે છે, તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મંજૂરીથી, તમારું સ્થાન લઈ શકે તેમ છે. અને સરકાર તથા આપદા પ્રબંધન સમિતિનું નેતૃત્વ કરી શકે તેમ છે. રાજ્યોના મુખ્ય મંત્રીઓ કેટલાક પ્રતિનિધિઓને પસંદ કરી શકે છે જેથી તમામ રાજકીય પક્ષો પોતાનું પ્રતિનિધિત્વ મહેસૂસ કરી શકે. રાષ્ટ્રીય પક્ષ હોવાના નાતે કૉન્ગ્રેસ પણ આ કમિટીમાં હોઈ શકે છે. તે ઉપરાંત વૈજ્ઞાનિકો, જનસ્વાસ્થ્ય વિશેષજ્ઞો, તબીબો, અનુભવી નોકરશાહોને પણ તેમાં સામેલ કરવા જોઈએ. તમને આ બાબત સમજાશે નહીં પણ આને જ લોકતંત્ર કહેવાય છે. વિપક્ષમુક્ત લોકતંત્ર ન હોઈ શકે. તે તો નિરંકુશતા કે આપખુદી કહેવાય. આ વાઈરસને આપખુદી પસંદ છે.
જે રીતે અને જે ગતિએ આ કેર વધી રહ્યો છે, તેને એક આંતરરાષ્ટ્રીય સમસ્યા અને આખી દુનિયા માટે ખતરાના રૂપમાં જોવાઈ રહ્યો છે. અને તે ખરેખર ખતરો પણ છે પ્રધાન મંત્રીજી, તમારી અકર્મણ્યતા અને અક્ષમતાએ દુનિયાના અન્ય દેશોને અમારા દેશના મામલામાં દખલ કરવાની અને સમગ્ર બાબત પોતાના હાથમાં લેવાનાં કારણો પૂરાં પાડ્યાં છે. આ બાબત ભારે સંઘર્ષોથી હાંસલ દેશની સંપ્રભુતાને નબળી બનાવી દેશે. તથા આપણે ફરીથી કોઈના તાબામાં આવી જઈશું કે શું તેવી દહેશત જન્મે છે. આપણે આ બાબતને અવગણી ન શકીએ.
એટલે તમારું વડા પ્રધાનનું પદ છોડવાની અમારા પર કૃપા કરો. તમે કરી શકો તેવું આ જ એક માત્ર જવાબદારીભર્યું કાર્ય છે. તમે અમારા વડા પ્રધાન હોવાનો નૈતિક અધિકાર ગુમાવી દીધો છે.
ભાવાનુવાદ – ચંદુ મહેરિયા (મૂળે અંગ્રેજીમાં સ્ક્રોલ ડોટ ઈન પર પ્રકાશિત, ‘સંસદનામા’માં પ્રગટ પત્રકાર અવનિશ રાયના હિંદી અનુવાદનો આ ગુજરાતી ભાવાનુવાદ છે. )