સત્યજીત રેની ફિલ્મોને કારણે ભારતીય સિનેમામાં સત્વ છે તે પરદેશી ફિલ્મમેકર્સને પણ સમજાયું
સરળ રહેવું અને સત્યની લગોલગ હોવું આ બન્ને કરવું આસાન નથી. સત્યજીત રેને માટે આ બન્ને બાબતો જાણે શ્વાચ્છોશ્વાસ સમાન હતી, અને માટે જ તે જે છે એ છે. ફિલ્મોના ઇતિહાસમાં સત્યજીત રેને માઇલ સ્ટોન કહેવા, યુગ કહેવા, સંસ્થાન કહેવા કે પછી એવી દંતકથા સાથે સરખાવવા જેના પુરાવા આખી દુનિયાએ જોયા છે તે કળવું મુશ્કેલ છે. સત્યજીત રેનું જન્મ શતાબ્દી વર્ષ ઉજવાઇ રહ્યું છે, તેમનાં સર્જનો વિશે વાંચ્યુ હોય છતાં ય આ એક એવો જામ છે જે અક્ષય પાત્રમાં પિરસાય તો કદાચ ધરવ થાય.
અન્યો કરતાં અલગ, ઊંચા, ઊંડા ફિલ્મમેકર, રસપ્રદ લેખક, એક ઊંડી સૂઝ ધરાવતા આર્ટિસ્ટ, સંગીતની તરજમાં પણ દ્રશ્ય પૂરી શકે તેવી તેમની સંગીતની સમજ અને બાળકો માટેનાં તેમનાં સર્જનો આ બધાનો અનંત સરવાળો એટલે સત્યજીત રે.
ઊંચા પૂરા, ઘેરો અવાજ, આંખોમાં કંઇક અતલ જેને વ્યાખ્યાઇત ન કરી શકાય, મ્હોમાં પાઇપ, પછવાડે કાં તો પુસ્તકો અથવા તો આંખ સામે ફિલ્મ કૅમેરા આ બધું તેમની છબીને ગોઠવવામાં મદદ કરી શકે તેવી થોડી કડીઓ છે. જેમને કારણે ભારતીય સિનેમાને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી તેવા સત્યજીત રે પોતે શરમાળ અને શાંત હતા, તેમણે ક્યારે ય કલ્પના પણ નહોતી કરી તે ફિલ્મો બનાવશે. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે તેમને માટે કોઇ ઇનામ સ્વીકારવા જવું પણ બેચેનીમાં અને વ્યાકુળતામાં રૂંવાડા ખડા કરી દેનારી ઘટના રહેતી. આ એ માણસ કહે છે જેના એવોર્ડ્ઝ, માન, અકરામની ગણતરી કરવાની કે તેની યાદી બનાવવાની જરૂર નથી. ચાર્લી ચેપ્લીન પછી જો કોઇ બીજી વ્યક્તિને ઑક્સફર્ડ યુનિવર્સિટીનું માનદ્દ ડૉક્ટરેટ મળ્યું હોય તો તે સત્યજીત રે છે.
તેમની પહેલી ફિલ્મ ‘પાથેર પાંચાલી’ બન્યા પછી, તેમને ધીરે ધીરે પોતાની જ ક્ષમતાઓ સમજાઇ, તે કળી શક્યા કે તે પોતે પરિસ્થિતિ હાથમાં લઇને, લોકો પાસેથી કામ કરાવી શકે તેમ છે અને પછી તેમને માટે બધું સરળ થતું ગયું, દર્શકો સામે બોલવું પણ. સાધારણની સુંદરતાને જોઇ શકવાની ભેટ સત્યજીત રેને રબીન્દ્રનાથ ટાગોર તરફથી મળી. સંદર્ભ વગરની સુંદરતા સ્ક્રીન પર નકામી છે તે તેમને સમજાયું જ્યારે તેમણે ફિલ્મ મેકિંગ શરૂ કર્યું. ત્યારે તેમણે જાણ્યું કે કોઇ પણ શોટ ત્યારે જ સુંદર હોય જ્યારે તેનો સંદર્ભ સાચો હોય, આંખોને ગમી જાય એટલે તે સારો શોટ નથી થઇ જતો. કોઇ પણ થીમ કે વાર્તામાં એક યુનિવર્સાલિટી – જે બધાંને સ્પર્શી શકે તેવું કંઇક હોય તે જરૂરી છે, તે સિનેમા થકી કહેવાય ત્યારે તેની સાદગી લોકોને તો જ સ્પર્શે જો તે વાસ્તવિક રીતે કહેવાયું હોય.
સત્યજીત રેને કારણે ભારતીય સિનેમાની આંતરરાષ્ટ્રીય સ્તરે માત્ર નોંધ લેવાઇ એમ કહીએ તો અયોગ્ય છે, ખરેખર તો તેમની ફિલ્મોને કારણે ભારતીય સિનેમામાં સત્વ છે તે પરદેશી ફિલ્મમેકર્સને પણ સમજાયું. આમ તો સત્યજીત રેને ડિ-કોડ કરવા હોય તો એક વારમાં ન જ કરી શકાય છતાં ય તેમના સિનેમાને કારણે ભારતીય ફિલ્મ મેકિંગ પ્રત્યે વિદેશી ફિલ્મ મેકર્સની દ્રષ્ટિ કેમ બદલાઇ તે સમજવાનો એક પ્રયાસ કરીએ.
એક વખતો હતો જ્યારે વિદેશની ફિલ્મોમાં ભારતીયો વિદેશી કલાકારો-એક્સ્ટ્રાઝ-ત્રીજા વિશ્વના લોકો, બેકગ્રાઉન્ડની વિગતો માટે કે લોકાલ્સ દર્શાવવા માટે કામ લાગે તેવી ટોળાંમાં ખપી જતા. તેમને માટે ભારત – ભારત હતું, આપણાં દેશની વિવિધતા, સંસ્કૃતિ, મિજાજ કશું ય તેમને માટે અગત્યનું નહોતું. ગુજરાત, મહારાષ્ટ્ર અને બંગાળ કે પછી કેરળ, કાશ્મીર અને બિહારમાં તફાવત છે તેની તેમને ખબર પણ નહોતી અને તે જાણવાની તે તસ્દી ય ન લેતા. સત્યજીત રેની ફિલ્મોએ વિદેશી ફિલ્મમેકરના આ સામ્રાજ્યવાદી વલણ સામે એક નવું જ ચિત્ર મૂક્યું. તેને કારણે વિદેશી ફિલ્મ મેકર્સની આંખો ખૂલી. બેકગ્રાઉન્ડમાં દેખાતા લોકોનાં ટોળાં પાત્ર બને ત્યારે તેમની શું વાર્તા હોય છે, તેમની શું બૅક સ્ટોરી હોઇ શકે છે, તેમની સંસ્કૃતિ, સમજ બધું જ હવે તેમની આંખો રજિસ્ટર કરવા માંડી.
સત્યજીત રેની ફિલ્મો પૉલિટીકલ હતી પણ તે બધાં જ સર્જનોનો સ્થાયી ભાવ ન હતો. તેમના સ્ત્રી પાત્રો હંમેશાં મજબૂત રહેતાં, કારણ કે તે માનતા કે સંવેદનાની દ્રષ્ટિએ સ્ત્રીઓ પુરુષો કરતાં સ્ટ્રોંગ જ હોય છે, પછી તે ક્યાં ય પણ હોય. તે સ્ક્રિપ્ટ લખતા તો સાથે તે જ પાનાંઓ પર ઇલ્સ્ટ્રેશન પર કરતા. તેમણે પોતે તેમની ફિલ્મોમાં સંગીત આપ્યું, જરૂર પડ્યે ગીતો પણ લખ્યાં અને આ વાતોથી કોઇ અજાણ નથી.
આજે પણ સત્યજીત રેની ફિલ્મો કે લખાણો પણ પ્રાસંગિક અને પ્રસ્તુત છે કારણ કે તેમણે જે પણ સર્જન કર્યાં તેનો અર્ક વાસ્તવિકતા હતી, જે ચલણમાં હોય તે અથવા તો કોઇ ફિક્સ ફોર્મ્યુલા નહીં. સત્યજીત રે પોતે જ એક રેનસાં હતા તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. તેમનાં સર્જનોનો અનુભવ એટલે મુક્તિની મોકળાશને શ્વાસમાં ભરવી, સાદગીના સૌંદર્યને આંખોમાં ભરવું.
તે કહેતા કે રસ્તે ચાલતો સાધારણ માણસ મને હંમેશાં પેચીદો વિષય લાગ્યો છે, હંમેશાં નાયક હોય તેવા માણસોમાં વધુ ખાંખાખોળા કરવાની સંભાવનાઓ નથી હોતી. સત્યજીત રેએ માણસની ઉઘાડી સંવેદનાઓને સ્ક્રીન પર ઊગાડી, સમાજ જેવો છે તેવો જ બતાડ્યો અને માટે જ તેની સાથે આજે પણ લોકો જાતને સાંકળી શકે છે. પેલું કહેવાય છે ને કે સપાટી ખોતરો તો અંતે તો બધાં સરખાં જ હોય છે અને માટે જ સત્યજીત રેનાં સર્જનો ભારતને, ભારતીય ફિલ્મ મેકિંગને એક જૂદા સ્તરે મૂકી શક્યા.
બાય ધી વેઃ
સત્યજીત રેના સર્જનોને ડિ-કોડ કરવા જરૂરી છે પણ ત્યાં જ અટકી જવું પણ યોગ્ય નથી. તેમનું યોગદાન દીવાદંડી જેવું છે તેમાંથી આપણે દિશા મેળવવી જ રહી. રબીન્દ્રનાથ ટાગોરને જ્યારે તે નાનપણમાં પહેલીવાર મળ્યા, અને તેમનો ઑટોગ્રાફ લીધો ત્યારે કવિએ જ પંક્તિઓ ટાંકી હતી તેનો અર્થ કંઇક આવો થાય છે, ‘બહુ લાંબો સમય સુધી હું એક જગ્યાએથી બીજે ભટક્યો છું, પહાડો અને દરિયાઓની વિશાળતાઓ જોઇ છે, હું કેમ મારા ઘરથી બે યાર્ડ દૂર ન ગયો, મારી આંખો ખોલીને ડાંગર પરના ઝાકળનાં બિંદુને એકદમ ધારી ધારીને કેમ ન જોયું?’ આ પંક્તિઓને મમળાવી, પચાવી, વાગોળીને ઉછરેલા સત્યજીત રેએ માણસની આંખનાં બિંદુ, કપાળે જામેલા પરસેવાનાં ટીપાં અને લાગણીઓને સ્નિગ્ધતાને પિરસતાં શીખી લીધું અને આખી દુનિયાને પણ સામ્રાજ્યવાદનો ભોગ બનેલા ભારતમાં જીવાતી જિંદગીઓનું ચિત્ર ધર્યું.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 મે 2021