Opinion Magazine
Number of visits: 9485345
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શ્રીમંત ખેડૂતો, વૈશ્વિક કાવતરાં, સ્થાનિક મૂર્ખતા

પી. સાંઈનાથ|Opinion - Opinion|29 March 2021

દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂતોને વિખેરવાના પ્રયાસો નિષ્ફળ જતાં, સ્થાનિક દમનને ન્યાયી ઠેરવવાવાળી આંતરરાષ્ટ્રીય ષડયંત્ર વિશેની માન્યતાઓનો રાફડો ફાટ્યો છે. તો હવે પછીના સમયમાં આ માન્યતાઓ આ પૃથ્વીની બહારના પરિબળોનો હાથ પણ આમાં જોશે કે શું?

લાખો માણસોને માટે પાણી અને વીજળીનો પુરવઠો કાપી નાખવો જેથી કરીને તેમને સ્વાસ્થ્યનાં ભયાનક જોખમોનો સામનો કરવો પડે, પોલીસ અને અર્ધલશ્કરી દળો દ્વારા અવરોધો મૂકીને તેમને એક વિસ્તારમાં બાંધી રાખવા અને તે પણ અત્યંત જોખમકારક, સ્વાસ્થ્ય માટે હાનિકારક પરિસ્થિતિઓમાં, પત્રકારો માટે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સુધી પહોંચવું લગભગ અશક્ય બનાવી દેવું, એક એવા સમુદાયને સજા કરવી કે જે પાછલા બે મહિનામાં પોતાના ૨૦૦ સભ્યોને ગુમાવી ચૂક્યો છે, મોટા ભાગના હાઈપોથર્મિયાને કારણે મૃત્યુ પામ્યા છે. વિશ્વના બીજા કોઈ ઠેકાણે આને બર્બરતા તેમ જ માનવાધિકાર અને ગૌરવ પરનો હુમલો ગણવામાં આવશે.

પરંતુ આપણે, આપણી સરકાર, અને ચુનંદા શાસકો બીજી ઘણી વધારે ગંભીર ચિંતામાં ઘેરાયેલાં છીએ. જેમ કે રીહાન્ના અને ગ્રેટા થનબર્ગ જેવા ખતરનાક વૈશ્વિક આતંકવાદીઓના વિશ્વના મહાન રાષ્ટ્રને બદનામ કરવાના અને અપમાનિત કરવાના કાવતરાને કેવી રીતે તોડવું.

કલ્પનાની દ્રષ્ટિએ આ ગાંડી રમૂજ હશે, પરંતુ હકીકતની દ્રષ્ટિએ આ માત્ર ગાંડપણ છે.

આ બધું આઘાતજનક ભલે હોય, આશ્ચર્યજનક ન હોવું જોઈએ. ‘ઓછામાં ઓછી સરકાર, મહત્તમ શાસન’ના સૂત્રને સ્વીકારી લેનારાઓએ પણ હવે સમજી લીધું હોવું જોઈએ. હકીકતમાં વાત મહત્તમ સ્નાયુબળવાળી સરકાર અને  મહત્તમ બિહામણા શાસનની છે. ચિંતાની વાત હોય તો એ કે  આમ સામાન્ય રીતે સ્પષ્ટવક્તા થતા ઘણા લોકોનું એક ઈરાદાપૂર્વકનું મૌન, જે લોકો આમ તો ક્યારે ય સત્તાની તરફેણમાં ઊભા થઇ જવાનું, કે આવા તમામ કાયદાઓની વાહવાહી કરવાનું ચૂકતા નથી. તમને લાગે કે તેઓ આ રોજિંદા લોકશાહી પર થતા આ પ્રહારોની નિંદા કરશે.

કેન્દ્રીય મંત્રીમંડળના દરેક સદસ્યને જાણ છે કે હાલમાં ચાલી રહેલા ખેડૂતોના વિરોધ પ્રદર્શનના નિરાકરણના રસ્તામાં વચ્ચોવચ કોણ આડું આવે છે.

તેઓ જાણે છે કે ત્રણ કાયદાઓ અંગે ક્યારે ય પણ ખેડૂતો સાથે કોઈ સલાહ-મશવરા કરવામાં આવ્યા નહોતા – જો કે ખેડૂતો જ્યારથી એમને ખબર પડી કે આવા વટહુકમો જાહેર કરાયા છે  ત્યારથી વાટાઘાટ માટેની માંગણી કરી રહ્યા હતા.

કૃષિ એ બંધારણ મુજબ રાજ્ય સરકારના લિસ્ટમાં આવતો વિષય હોવા છતાં રાજ્યો સાથે પણ આ ત્રણ કાયદાઓ ઘડવાના સંદર્ભમાં કોઈ સલાહ-મસલત કરવામાં આવી નહોતી. નહોતી કરવામાં આવી ચર્ચા વિરોધપક્ષો સાથે, ન તો લોકસભામાં.

ભા.જ.પ.ના નેતાઓ અને કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો જાણે છે કે ત્યાં કોઈ સલાહ-મંત્રણા કરવામાં આવી નહોતી – કારણ કે તેઓની સલાહ ક્યારે ય લેવામાં આવતી જ નથી. ન તો આ કે ના મોટા ભાગના કોઈ બીજા કોઈ પણ નિર્ણાયક મુદ્દાઓ પર. એમનું કામ છે માત્ર સમુદ્રના મોજાંને તેમના નેતાના આદેશ મુજબ પાછા વાળવાનું.

અત્યાર સુધી મોજાં દરબારીઓ કરતાં વધારે સારું કામ કરતાં હોય તેવું લાગે છે. ઉત્તર પ્રદેશમાં મોટું વિરોધ પ્રદર્શન. આજે પશ્ચિમ ઉત્તર પ્રદેશના રાકેશ ટિકૈત સરકારે એમને મહાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે હતા તેથી કઈંક વધુ પ્રભાવી ખેડૂત નેતા છે. ૨૫મી જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં ખૂબ મોટા પાયા પર ખેડૂતોનું વિરોધ પ્રદર્શન થયું. રાજસ્થાન, કર્ણાટક — જેમાં ટ્રેક્ટર રેલીને બેંગ્લોરમાં પ્રવેશતા રોકવામાં આવી, – આંધ્રપ્રદેશ, અને બીજી ઘણી જગ્યાએ પ્રદર્શનો થયાં. હરિયાણામાં, સરકાર એવા રાજ્યમાં કાર્ય કરવા માટે સંઘર્ષ કરે છે કે જ્યાં મુખ્ય મંત્રી જાહેર સભાઓમાં ભાગ લેવા અસમર્થ હોય એમ લાગે છે.

પંજાબમાં, લગભગ દરેક ઘર આંદોલનકારીઓ સાથે સહાનુભૂતિમાં છે – ઘણા લોકો આંદોલનમાં જોડાવા માટે ઉત્સુક છે, કેટલાક પહેલેથી જ જોડાયેલા છે. ૧૪મી ફેબ્રુઆરીએ યોજાનારી શહેરની સ્થાનિક ચૂંટણીમાં ઊભા રહેવા માટે ઉમેદવારો શોધતાં ભા.જ.પ.ને નાકે દમ આવી ગયો. જે કોઈ – જૂના વિશ્વાસુ – છે તે તેમની પોતાની પાર્ટીનું નિશાન વાપરતાં વિચાર કરે છે. દરમિયાનમાં રાજ્યમાં યુવાનોની એક આખેઆખી પેઢી એમનાથી વિખૂટી થઇ ગઈ છે, જેની ભવિષ્ય પર ઘણી ગંભીર અસર થાય એમ છે.

આ સરકારની આ એક આશ્ચર્યજનક સિદ્ધિ છે કે તેણે સમાજના એવા વિશાળ અને અસંભવિત વર્ગો કે જે પરંપરાગત રીતે એકબીજાના વિરોધી રહ્યા છે જેવા કે ખેડૂતો અને વચેટિયાઓ(કમિશન એજન્ટો)ને એક તરફ સંગઠિત કરીને મૂક્યાં છે. તે ઉપરાંત, એમણે  શીખ, હિન્દુ, મુસ્લિમ, જાટ અને બિન-જાટ, તેમ જ ખાપ અને  ખાન માર્કેટની ભીડને પણ એકજૂથ કરી આપી છે … કેવું અસરકારક!

પરંતુ હવે જે અવાજો શાંત થઇ ગયા છે એમણે જ બે મહિના આપણને ખાતરી આપવામાં  વિતાવ્યા કે આ બઘી વાત માત્ર પંજાબ અને હરિયાણાને લાગુ પડે છે. બીજા કોઈને આની અસર થઇ જ નથી. એટલે આ વાત જ મહત્ત્વની નથી.

રમૂજની વાત છે. છેલ્લે એક ઉચ્ચતમ અદાલતે નહિ નીમેલી એવી સમિતિના ઠરાવ મુજબ પંજાબ અને હરિયાણા બંને અખંડ ભારતનો હિસ્સો હતાં. એટલે તમે તો એમ જ માનો ને કે ત્યાં જે કંઈ પણ થાય એની સાથે આપણે નિસબત જરૂર હોય.

પેલા એક સમયના સ્પષ્ટ અવાજોએ આપણને કહેલું — અને હજુ કહે છે થોડા ધીમા સ્વરે — કે આ  બધા પૈસાવાળા ખેડૂતો છે જે સુધારાઓનો વિરોધ કરે છે.

ખૂબ સુંદર. એન.એસ.એસ.ના છેલ્લા સર્વે મુજબ પંજાબના ખેડૂત કુટુંબની સરેરાશ માસિક આવક રૂ. ૧૮,૦૫૯ છે. ખેડૂત કુટુંબના સભ્યોની સરેરાશ સંખ્યા ૫.૨૪ છે. અને તેથી માસિક માથાદીઠ આવક લગભગ રૂ. ૩,૪૫૦ છે. જે સંગઠિત ક્ષેત્રના સૌથી ઓછું વેતન મેળવતા કર્મચારીના પગાર કરતાં પણ ઓછું છે.

આહા! કેટલી સંપત્તિ. આપણને તો આમાંથી અડધી ય જાણ નહોતી. સરખામણી કરો હરિયાણાની તો સરેરાશ માસિક આવકની રકમ થાય છે (ખેડૂત કુટુંબ દીઠ ૯.૯ વ્યક્તિઓ) રૂ. ૧૪,૪૩૪ અને માથાદીઠ આશરે રૂ. ૨,૪૫૦. આ અગાધ આંકડા ચોક્કસ એમને અન્ય ભારતીય ખેડૂતોની સરખામણીમાં આગળ રાખે છે. જેમ કે, ગુજરાતના ખેડૂતો જેમની આવક ખેડૂત કુટુંબદીઠ સરેરાશ માસિક છે રૂ. ૭,૯૨૬. ખેડૂત કુટુંબમાં સભ્યોની સંખ્યા સરેરાશ ૫.૨ મુજબ માસિક માથાદીઠ આવક રૂ. ૧,૫૨૪ થાય છે.

ભારતમાં ખેડૂત કુટુંબોની સરેરાશ માસિક આવક છે રૂ. ૬,૪૨૬ (માથાદીઠ આશરે રૂ. ૧,૩૦૦). અને આ તમામ સરેરાશ માસિક આંકડાઓમાં આવકના બધા સ્રોતની ગણના કરાઈ છે. જે આવક માત્ર ખેતીથી જ નહીં, પશુધન, બિનખેતીનો વ્યવસાય અને વેતન અને પગારથી પણ થાય છે.

રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ ૭૦ ‘ભારતનાં કૃષિ કુટુંબોની પરિસ્થિતિના મુખ્ય સૂચક’(૨૦૧૩)માં જણાવ્યા મુજબની આ ભારતીય ખેડૂતની સ્થિતિ છે. એ પણ યાદ રહે કે આ ખેડૂતોની આવક આગામી ૧૨ મહિનામાં – ૨૦૨૨ સુધીમાં બમણી કરવાનો વાયદો સરકારે કરેલો છે. આ કામ આમે ય અઘરું છે ને એમાં વળી વધારે હેરાન કરે છે રિહાના અને થનબર્ગ્સની વિક્ષેપજનક દખલઅંદાજી.

અરે, આ દિલ્હીની સરહદ પરના શ્રીમંત ખેડૂતો, જે ૨ ડિગ્રી સેલ્સિયસ અથવા તેથી ઓછા તાપમાનમાં ધાતુની ટ્રોલીમાં સૂએ છે, ૫ થી ૬ ડિગ્રી ટાઢમાં ખુલ્લામાં સ્નાન કરે છે – તેમણે તો ભારતીય શ્રીમંત વર્ગ માટે મારી સરાહનામાં વધારો કર્યો છે. એ વર્ગ આપણે ધાર્યાં કરતાં ઘણો મહેનતુ નીકળ્યો.

તે દરમિયાન, સુપ્રીમ કોર્ટ દ્વારા ખેડૂતો સાથે વાત કરવા નિમાયેલી કમિટી અંદરોઅંદર જ સુસંગત રીતે વાત કરવામાં અસમર્થ જણાઈ રહી છે – તેના ચાર સભ્યોમાંથી એક સભ્યએ તો કમિટીની પહેલી બેઠક પહેલાં જ પદ છોડ્યું છે. અને વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો સાથેની વાતનો પ્રશ્ન છે, એની તો શરૂઆત પણ નથી થઇ.

૧૨ માર્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિએ એને આદેશ મુજબ ફાળવવામાં આવેલા બે મહિના (કૃષિ માટેના નિર્ણાયક જંતુ પરાગ રજકોના મહત્તમ જીવનકાળ જેટલો સમય) પૂરા કરી દીધા હશે. ત્યાર બાદ સમિતિ પાસે તેઓએ જેમની સાથે વાત ના કરી હોય એવા લોકોની લાંબી સૂચિ હશે અને એનાથી ય લાંબી સૂચિ હશે એવા લોકોની જેમણે તેમની સાથે વાત કરવાની મનાઈ કરી દીધી. અને કદાચ એક ટૂંકી સૂચિ એવા લોકોની ય હશે જેમની સાથે એમને ક્યારે ય વાત કરવા જેવી જ નહોતી.

વિરોધ કરી રહેલા ખેડૂતોને પજવવાના અને ધમકાવવાના તમામ પ્રયત્નો એમની વધતી જતી સંખ્યાને રોકી શક્યા નથી. એમને બદનામ કરવાના તમામ પ્રયત્નો એ સત્તાના કેદી એવા મીડિયા માટે આકર્ષણરૂપ બન્યા છે — પણ મેદાનમાં પરિસ્થિતિ કંઈ ઊલટી જ જોવા મળે છે. સૌથી વધુ ખતરનાક વસ્તુ તો એ છે કે આ બધાથી આ સરકારના વધતા જતા ઘાતકી, ક્રૂર, અને સરમુખત્યારશાહી વલણમાં જરા ય ફેર પાડવાનો નથી.

ભારતમાં ખેડૂત કુટુંબોની સરેરાશ માસિક આવક છે રૂ. ૬,૪૨૬ (માથાદીઠ આશરે રૂ. ૧,૩૦૦). અને આ તમામ સરેરાશ માસિક આંકડાઓમાં આવકના બધા સ્રોતની ગણના કરાઈ છે. જે આવક માત્ર ખેતીથી જ નહીં, પશુધન, બિનખેતીનો વ્યવસાય અને વેતન અને પગારથી પણ થાય છે.

કોર્પોરેટ મીડિયામાં ઘણા જાણે છે, અને ભા.જ.પા.માં ઘણા એનાથી વધુ સારી રીતે જાણે છે કે આ વિવાદમાં જો પાર ના કરી શકાય એવો કોઈ અવરોધ હોય તો એ નથી નીતિ, કે નથી શ્રીમંત કોર્પોરેશનને આપેલાં વચનો (એ વચનો પાળવાના દિવસો પણ આવશે), કે નથી એ પેલા કાયદાઓની પવિત્રતા (જે સરકારના પોતાના જણાવ્યા પ્રમાણે ઘણા સુધારા માંગે છે), પરંતુ એ છે વ્યક્તિગત અહંકાર. ફક્ત એ કે રાજા કોઈ દિવસ કંઈ ભૂલ ના કરે. અને ભૂલને સ્વીકારવી અને એથી ય ખરાબ એને સુધારવી —  એવો તો વિચાર પણ ના થાય. પછી ભલે દેશનો દરેક ખેડૂત વિમુખ થઇ જાય; નેતા ખોટો ના હોઈ શકે, નેતા ભોંઠો ના પડી શકે. મોટા દૈનિકોના એક પણ સંપાદકીયમાં કોઈને આ વિષે હરફ સુધ્ધાં ઉચ્ચારતાં મેં જોયાં નથી, જો કે સૌ જાણે છે કે સચ્ચાઈ શું છે.

આ ગડબડીમાં અહંકાર કેટલો મહત્ત્વપૂર્ણ છે? વિચાર કરો ઇન્ટરનેટ શટડાઉન પર રિધમ એન્ડ  બ્લૂઝના ગાયક દ્વારા કરવામાં આવેલ સીધાસાદા ટિ્‌વટઃ આપણે આ બાબતે કેમ ચૂપ છીએ? ને મળેલા પ્રતિભાવ વિષે. જ્યારે આને લગતો વિવાદ ‘અરે-રિહાન્ના-કરતાં-વધુ-ફોલોઅર્સ-તો-ટ્‌વીટર-પર-મોદી-પાસે-છે’ પર ઊતરી આવે ત્યારે સમજવાનું કે આપણે હારી ગયા. ખરેખર તો આપણે ત્યારે જ હારી ગયા જ્યારે વિદેશ મંત્રાલયે કામિકેઝ જેવા આત્મઘાતી હુમલાનું નેતૃત્વ આતંકવાદ વિરોધી વીરતાની વાતો કરીને કર્યું. જેનાથી પ્રેરાઈને દેશભક્ત સેલિબ્રિટીઓનું હયદળ પોતાનો સાયબર હુમલો કરવા નીકળી પડ્યું. (વિનાશની ડિજિટલ ખાઈએ કૂદ્યા, ટિ્‌વટો ગરજ્યાં, વરસ્યાં, વણથંભ્યા વધતાં અંધારા સામે, સેંકડો કુલીન સવારો કૂદ્યા).

‘આપણે આ બાબતે કેમ ચૂપ છીએ’ એમ કહી આશ્ચર્ય વર્તાવતા મૂળ વાંધાજનક ટિ્‌વટમાં, કોઈ સ્પષ્ટ વલણ નહોતું, ના કોઈની તરફેણ કરાઈ હતી – આઇ.એમ.એફ.ના મુખ્ય અર્થશાસ્ત્રી અને સંદેશાવ્યવહારના નિયામકનાં નિવેદનો, જેમાં તેમણે બંને કૃષિ કાયદાઓની જાહેર પ્રશંસા કરી છે  (’સાવધાની રાખવાના ઉપાયો’ વિષે ’ચેતવણીઓ ઉમેરીને — જેમ નિકોટિન વેચતા ફેરિયાઓ સંપૂર્ણ  પ્રામાણિકતા સાથે કાનૂની ચેતવણી તેમના સિગારેટ પેક પર છાપે એમ) કરતાં એ ટ્‌વીટ ઘણું વિપરીત હતું.

ના હોં, આ આર એન્ડ બી કલાકાર અને ૧૮ વરસની કલાઇમેટ એક્ટિવિસ્ટ ખરેખર ખતરનાક છે, અને એમની સાથે સખત હાથે અને કોઈ દયાભાવ વિના વર્તવું રહ્યું. દિલ્હી પોલીસ એમાં કાર્યરત છે એ આશ્વાસનરૂપ છે. અને જો એમને આનાથી આગળ વધીને આમાં કોઈ પૃથ્વી બહારની કોઈ દુનિયાનું ષડયંત્ર મળી આવે — આજે વૈશ્વિક તો કાલે આ વાર્તાનું કોઈ ઈતર વૈશ્વિક પાસું મળી આવે – તો હું તેમની ઠેકડી કરવાવાળાઓમાં નહીં હોઉં. આજકાલ ઈન્ટરનેટ પર વહેતું થયેલું મને ખૂબ ગમતું વાક્ય કહે છે એમઃ “આ પૃથ્વી સિવાય પણ બીજી કોઈ દુનિયાનું અસ્તિત્વ છે એનો જો તમને પુરાવો જોઈતો હોય તો એ છે કે તેઓએ અમને એકલા છોડી દીધા છે.”             

અનુવાદક – પ્રતિષ્ઠા પંડ્યા

[આ લેખ પ્રથમ વખત ’ધ વાયર’ માં પ્રકાશિત થયો હતો.]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 07-08

Loading

29 March 2021 admin
← આજની તારીખે
બંગાળમાં મોદીની રાજનીતિઃ પડકારો અને પ્રશ્નો →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ
  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 
  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved