6 એપ્રિલે તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી આવે છે. એમાં મદુરાઈ સાઉથના એક અપક્ષ ઉમેદવાર થુલમ સારાવનને તેના ચૂંટણી ઢંઢેરામાં જાહેર કર્યું છે કે જો તે વિજેતા થશે તો લોકોને એક મિનિ હેલિકોપ્ટર, દર વર્ષે એક કરોડની વાર્ષિક બેન્ક ડિપોઝિટ, ત્રણ માળનું મકાન અને 100 દિવસના ચંદ્ર પ્રવાસની ભેટ આપશે. 33 વર્ષના થુલમની જીત્યા પછી ભેટ આપવાની યાદી લાંબી છે. તેણે દરેકને આઈ-ફોન, ફ્રી આપવાનું પ્રોમિસ આપ્યું છે, એટલું જ નહીં લગ્ન વખતે સોનાના દાગીના આપવાનું પણ કહ્યું છે. ગૃહિણીઓ ઘરકામથી થાકે છે, તે થુલમ જાણે છે એટલે કામનો બોજ ઘટાડવા તેણે રોબોટ આપવાનું વચન પણ આપ્યું છે. આ ઉપરાંત દરેક કુટુંબને તે બોટ પણ આપવા માંગે છે. તેની કોન્સ્ટિટ્યૂઅંસિમાં તે 300 ફૂટ ઊંચા આર્ટિફિશિયલ બર્ફીલા પહાડો ઊભા કરશે જેથી વાતાવરણ કૂલ રહે. થુલમે તો સ્પેસ રિસર્ચ સેન્ટર અને રોકેટ લોન્ચ પેડ બનાવવાની ખાતરી પણ આપી છે. આજ સુધી કોઈ ઉમેદવારે ચૂંટણી જીતવા આવાં વચનો આપ્યાં નથી.
એ જુદી વાત છે કે અત્યારે લોકોને આપવા માટે થુલમ પાસે પૈસા નથી, તે એટલે કે ચૂંટણી લડવા થુલમે વીસ હજારની લોન લીધી છે. તેના હાથ પર દસ હજાર રોકડ છે ને ખાતામાં બે હજાર છે. તે ત્યાંના દૈનિકમાં રિપોર્ટર છે. કચરાપેટી તેનું ચૂંટણીનું નિશાન છે. આ વીસ હજારથી તે ચૂંટણી લડી શકશે કે કેમ તે તો નથી ખબર, પણ ચૂંટણી હવે કોઈ ગરીબ લડી શકે એવું અપવાદ રૂપે પણ ભાગ્યે જ બનતું હશે. આમ પણ ચૂંટણીમાં ઉમેદવારની પોતાની ક્ષમતા કરતાં તેની આર્થિક સ્થિતિ વધુ મહત્ત્વની ગણાય છે એટલે યોગ્ય વ્યક્તિને જ ટિકિટ મળે એવું દર વખતે ન પણ બને. આજનું ગણિત તો એમ કહે છે કે ચૂંટણી લાખો, કરોડોનો મામલો છે. આ લાખો કરોડો, ઉદ્યોગપતિઓ પાસેથી કે પાર્ટી ફંડને નામે કે વિદેશથી ઊભા કરાય છે. આમાં કૈંક જ ખોટું નથી હોતું. સાચું તો એ છે કે આજની ચૂંટણીઓ પ્રમાણિક રહી નથી. આવી અપ્રમાણિક્તાથી લડાયેલી ચૂંટણીમાં વિજેતા થયા પછી ઉમેદવાર પ્રમાણિક રહીને દેશની સેવા કરે એ અશકયવત્ છે. અત્યારની ચૂંટણી લોકશાહી ઢબે થતી હોય તો પણ, તે અનેક સ્તરે ભ્રષ્ટ છે. ચૂંટણી ફોર્મ ભરતી વખતે ઉમેદવારે પોતાની આવક બતાવવાની હોય છે. એનો હેતુ પછીથી ઉમેદવારે ખોટી રીતે પૈસા ઊભા કર્યા હોય તો તે ચકાસવાનો હશે, પણ ચૂંટણી લડવા જેટલી રકમ ઉમેદવાર પાસે છે કે કેમ તે જાણવાનો પણ હોઈ શકે છે.
આ તો ઉમેદવારની વાત થઈ, મતદાતાઓ પણ ઓછા અપ્રમાણિક નથી. એ બહુ ઝડપથી લાલચને વશ થઈ જાય છે. રોટલી કે પોટલી મતનું આખું સમીકરણ બદલી શકે છે તે અનેક વખત સિદ્ધ થઈ ચૂકેલું છે. થોડા લાભ માટે મતદારો મોટી ખોટ ખાવા તૈયાર થઈ જાય છે ને નબળા ઉમેદવારને ચૂંટી મોકલે છે. ખરેખર તો થુલમે જુદી જુદી વસ્તુઓ આપવાને બહાને મતદારની ઠેકડી ઉડાવી છે. એ સાચું છે કે પક્ષ કે ઉમેદવાર નાનાં મોટાં વચનો આપીને ચૂંટણી જીતવાની દાનત રાખતા હોય છે, પણ મતદારો પણ લાલચથી ભોળવાઈ જતા હોય છે. ચૂંટણી પછી નેતાઓ કેટલાં વચનો પાળે છે તે કોઈથી અજાણ્યું નથી. થુલમ એવા લોકોને લાલચમાં ન ફસાવાનું સૂચવે છે ને તેથી એવા વાયદા કરે છે જે પહેલી નજરે જ ગળે ઊતરે એમ નથી. સહેલાઈથી સમજાય એવું છે કે કોઈનું પણ એવું ગજું નથી કે તેના મતક્ષેત્રના મતદાતાઓને દર વર્ષે કરોડ રૂપિયા ખટાવે કે ત્રણ માળનું મકાન આપે કે ચંદ્ર પર ફેરવી લાવે, છતાં થુલમે એવાં વચનો આપ્યાં. મતદારો પણ જાણે છે કે થુલમ પટાવે જ છે, પણ સવાલ એ છે કે એ જ પટાવે છે? એનું પટાવેલું એટલે ધ્યાને ચડે છે, કારણ તેણે પહેલી નજરે જ ખોટાં લાગે તેવાં વચનો આપ્યાં છે, પણ બીજા ઘણા એવા ઉમેદવારો છે જે હોલસેલમાં ઉલ્લુ બનાવે છે ને મતદારો તેનું માનીને ખોટા ઉમેદવારને ચૂંટી મોકલે છે.
બને છે એવું કે મતદારો લલચાઈને નબળાને ચૂંટે છે ને એ પછી મતદારોને અંગૂઠો બતાવે છે ત્યારે તેઓ કૈં કરી શકતા નથી. એટલે જ થુલમ ચેતવે છે કે આમાં ના ફસાવ ને યોગ્ય ઉમેદવારને ચૂંટો. તે સ્પષ્ટ કહે છે કે રાજકીય પક્ષો દર વખતે મતદારોને મોટાં અને ખોટાં વચનો આપીને પૈસા ફેંકતા હોય છે. રાજકીય પક્ષો કે નેતાઓ પૈસાની લાલચ આપે છે, પણ શુદ્ધ હવા કે પાણીનું વચન ભાગ્યે જ કોઈ આપે છે કે નથી તો મતદારો પણ ઇચ્છતા કે તેમને શુદ્ધ હવા, પાણી અને ખોરાકની બાંહેધરી મળે. એ તરફ લોકોનું ધ્યાન ખેંચવા થુલમે હવાઈ વચનો આપ્યાં છે. તેનું કહેવું છે કે લોકોએ એવા ઉમેદવારોને ચૂંટવા જોઈએ જે સરળ હોય ને સત્યના આગ્રહી હોય. થુલમ સારાવનન માને છે કે આટલું થશે તો તે વિજય જ હશે, હારવાનું થાય તો પણ !
આ ગમ્મત હોય તો પણ તે આંખ ઉઘાડનારી છે. આટલી સમજ અને સંપત્તિ (?!) સાથે થુલમે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. આટલી પ્રમાણિક્તા ને સચ્ચાઈ વિજયી બનાવી જોઈએ, પણ આજનાં રાજકારણમાં એવું થવાની શક્યતાઓ ઓછી જ છે.
બીજી એક વાત પણ ઉમેદવારો સંદર્ભે વિચારવા જેવી છે. આપણે પટાવાળાની લાયકાત નક્કી કરી છે, પણ ઉમેદવારની લાયકાત નક્કી કરી નથી. એ સાચું છે કે શિક્ષિતોએ તેમની લાયકાતથી દેશને બહુ લાભ ખટાવ્યો નથી, છતાં આખા દેશનો વહીવટ જેણે કરવાનો હોય તે ઉંમર સિવાય બીજી કશી જ પાત્રતા ન ધરાવતો હોય કે તેની કોઈ પાત્રતા જ નક્કી કરવામાં ન આવી હોય એ ઠીક નથી. જરૂર પડે તો બંધારણમાં ફેરફાર કરીને પણ આ મુદ્દે વિચારાવું જોઈએ. મંત્રી અંગૂઠાછાપ હોય અને તેના હાથ નીચેના અધિકારીઓ ઉત્તમ લાયકાતવાળા હોય એ સ્થિતિ ઘણી સમસ્યાઓ જન્માવે છે. એવું બન્યું છે કે સલાહકારોની સાચી સલાહ અણઘડ મંત્રીએ સ્વીકારી ન હોય ને એવું પણ બન્યું છે કે સલાહકારોએ મંત્રીને ગેરમાર્ગે દોર્યા હોય, એ બંને સ્થિતિમાં પાત્રતા તો મંત્રીની જ દાવ પર લાગી હોય ને નુકસાન દેશને વેઠવાનું આવ્યું હોય.
એક વાત સ્પષ્ટ છે કે સેવા શબ્દ લગભગ આઉટ ડેટેડ થઈ ગયો છે. એમાં દેશસેવા તો હવે શબ્દકોશમાંથી પણ નીકળી જાય તો નવાઈ નહીં. રાજકારણમાં કોઈ સેવા સ્વાર્થ વગર થતી નથી. ચૂંટણી લડવી ને પદો પર આરૂઢ થવું એ કેવળ એક ધંધો છે, એને નામ સેવાનું અપાયું છે, પણ કામ મેવાનું જ થાય છે. કોઈ મળતર ન હોય તો રાજકારણમાં કોઈ પ્રવેશે પણ નહીં, પણ એક સીટ પર ઢગલો ઉમેદવારો નસીબ અજમાવવા નીકળી પડે છે તે અમસ્તું નથી, કારણ જીતે છે તે, પછી તો કરોડોમાં ખેલવા લાગી જાય છે.
રાજકારણ હવે ધંધો છે. પાંચ વર્ષની એક ટર્મમાં કમાનારા એટલું કમાય છે કે અનેક પેઢીઓ તરી જાય ! ખોરું ઘી દિવેલમાંથી ન જાય એમ સાદો કોર્પોરેટર પણ કરોડરજ્જુ ટકાવવા કરોડમાંથી તો નથી જ જતો. આ નોકરી નથી, પણ ચૂંટણી જીતીને વિધાયક, સાંસદ કે મંત્રી તો થઈ જ શકાય છે. આ નોકરી નથી, પણ પગાર લાખોમાં મળે છે, આ ઉપરાંત વિમાનસેવા, રેલસેવા, ગાડી, બંગલા ને બીજી અનેક ભાડાંભથ્થાંની સગવડો તો જુદી જ ! આ નોકરી નથી, પણ પાંચ વર્ષની એક ટર્મ પૂરી કરો તો પેન્શન શરૂ થઈ જાય છે. એમાં જો કોર્પોરેટર પછી વિધાયક ને પછી સાંસદ થયા તો ત્રણ ત્રણ પેન્શન નામે ચડી જાય છે. વર્ષો સુધી નોકરી કર્યા પછી પેન્શનનો લાભ કેટલાકને મળતો હોય છે. હવે તો નવા નોકરિયાતોને પેન્શન આપવાની જ વાત નથી, પણ સાંસદને ત્રણ ત્રણ પેન્શન તાસકમાં અપાતું હોય છે. આ ઉપરાંત આ મહાનુભાવોને આવકવેરો ભરવાનો બોજ પણ હોતો નથી. સામાન્ય પટાવાળો કરપાત્ર આવક પર ટેક્સ ભરતો હોય છે, પણ સાંસદોને એ ચિંતા હોતી નથી. આ તો સીધી આવક મેળવવા અંગેની વાત થઈ, બેનામી આવકની તો વાત જ ના થઈ શકે, કારણ એનો તો કોઈ હિસાબ જ નથી. આવું હોય તો કોણ સંસદમાં બેસવા રાજી ન થાય? લાયકાત એક જ, પૈસા હોવા જોઈએ ને ઊભા કરતાં આવડવા જોઈએ.
હવે તો એમ લાગે છે કે દરેક જણ કોઈને કોઈ રીતે અધિકાર વગરની સંપત્તિ ભેગી કરીને જ જીવવા માંગે છે. એને માટે કોઈ પણ ગુનો કરવાનો વાંધો નથી. એમાં લાગણી, પ્રેમ, સંવેદનની કોઈ વાત જ નથી. એવો વહેમ પડે છે કે બધા જ સંબંધો ધંધાદારી થઈ ગયા છે. કોણ કામનું છે, કોનો ઉપયોગ કરી શકાય એમ છે, કોણ કમાવી આપે એમ છે એ સિવાય માણસનું કોઈ મૂલ્ય જ નથી. પૈસાનું મૂલ્ય છે જ, આપણા બધા વ્યવહારો એને લીધે જ સરળ થાય છે, પણ સારી રીતે જીવવા માટે કેટલા પૈસા જોઈએ? પૈસામાં જ જીવાય એનો ય વાંધો નથી, પણ મરી જવાય ને પાછળ પૈસા જ રહી જાય તો તેનો શો અર્થ? નોટોથી દાટી દેવાય કે અગ્નિ સંસ્કાર થાય ત્યાં સુધી પૈસા જરૂરી, પણ પછી પણ પૈસા જ રહી જાય તો પૃથ્વી ભરાય એટલી સંપત્તિનો કોઈ અર્થ ખરો?
કોઈ કારણ વગર પુષ્પ જોવાનો કે મેઘધનુ જોવાનો આનંદ ત્યારે જ સમજાય જ્યારે ગજવામાં પૈસા છે એ યાદ ન આવે. થોડું એવું પણ જીવાય તો શું ખોટું છે?
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 માર્ચ 2021