Opinion Magazine
Number of visits: 9449035
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમ્યક સાહિત્યની વિભાવના

રતિલાલ રોહિત|Opinion - Literature|16 March 2021

‘હયાતી’(તંત્રી, હરીશ મંગલમ્‌)ના સમ્યક સાહિત્ય વિવેચન વિશેષાંક(સપ્ટેમ્બર-ડિસેમ્બર ૨૦૨૦)માંથી ડૉ. રતિલાલ રોહિતનો આ લેખ અહીં સાભાર ઉધ્ધૃત કર્યો છે. સ્થાપિત, શિષ્ટ અને સરજાતા સાહિત્યને પરંપરાથી ઉફરાટે તપાસવાના એક ઉપક્રમ તરીકે (જેમ વિવેચન તેમ આંદોલન તરીકે) પણ આ વિચારરૂખ સમજવા જોગ છે. અહીં જે ઓજાર-મૂલ્યો નિર્દેશાયાં છે એ ધોરણે સ્થાપિતની જેમ જ દલિત સાહિત્ય સર્જન વિશે પણ નિરીક્ષા ને નુક્તેચીની ઈષ્ટ છે. વયસ્કતાનું ઉખાણું, આખરે તો, હર ધારાએ છોડાવવું રહે છે. બને કે બે અલગ છેડેથી કોઈ નીતર્યા સમ પર ઠરવાનું બની આવે. બને કે સમ પર ઠરવા જેવું લાગે ન લાગે અને નવેસર તપાસદોર વળી દુર્નિવાર બની રહે. સર્જન અને સમીક્ષાની જે રમણા, એને વળી પૂર્ણવિરામ શાં.

— “નિરીક્ષક” તંત્રી

“આપણી પાસે વ્યાપારી કે ધનિક વર્ગમાં રસિકતાની દ્રષ્ટિ હોતી નથી. આ તેમનો દોષ હોતો નથી, ચાતુર્વણ્યનો છે. ચાતુર્વણ્યમાં જે વર્ણભેદ પડેલો છે તેમાં કોણે શું કરવું તેનો ખુલાસો કરેલો છે. બ્રાહ્મણોએ સંસ્કૃતિ અને કળાનું સંવર્ધન કરવું, વૈશ્ય લોકોએ વ્યાપાર કરવો એવા ધાર્મિક સમજણના નિયમોને હોવાને કારણે પ્રત્યેક જણ નક્કી કરેલી દિશા તરફ જુએ છે … આપણી પાસે કળા વિશે અનાસ્થા જોવા મળે છે તેનું કારણ ચાતુર્વણ્યને કારણે હિંદુ ધર્મના લોકોની રસિકતાનું પણ અપહરણ થયું છે.”૧

સાહિત્યસર્જન માનવજીવનની સર્વસમસ્યાઓને તથાગત રીતે ઉજાગર કરીને એક સમ્યક સમાજરચના નિર્માણ કરવામાં પાયાની ભૂમિકા રચી આપનારું હોવું જોઈએ. સર્જનનું કાર્ય જ નવી સમાજરચના દ્વારા માનવતાવાદને વધુને વધુ સુદ્રઢ અને સમ્યક ભાવ-વિચારથી સમૃદ્ધ કરવાનું છે. સાહિત્યને સમ્યક દ્રષ્ટિકોણથી મૂલવવાના કે સર્જવાના પ્રયાસો આજ સુધી આપણે ત્યાં નથી થયા કે અંશતઃ જોવા મળે છે ત્યારે ફરી એક વાર સમ્યક ભાવ-વિચાર દ્વારા સાહિત્યને વધુને વધુ ખેડી શકાય તેવા પ્રયાસો કરવા જોઈએ. ગઈ કાલનું દલિત સાહિત્ય આજનું સમ્યક દિશા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તેમાં કેવા પ્રકારના બદલાવની અપેક્ષા રાખવામાં આવે છે તેનો વિચાર કરવો અતિ આવશ્યક બને છે.

વીસમી સદીના ઉત્તરાર્ધમાં જે નવા પ્રવાહરૂપે સાહિત્યનો ઉદ્‌ભવ થયો તે દલિત સાહિત્યની ભૂમિકા ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારધારાના પ્રભાવને કારણે ક્રમશઃ વિકસિત અને વધુ દ્રઢ બની છે. દલિત સાહિત્યના વ્યાપક પ્રભાવ અને વિસ્તારને કારણે હિંદુ ધર્મ પ્રણિત અમાનવીય અને ક્રૂર સામાજિક વિષમતા, ઊંચનીચના ભેદભાવ, અંધશ્રદ્ધા, કર્મકાંડ, સ્વર્ગ-નરકની મિથ્યા કલ્પનાઓની અંધકારમય અને દિશાહીન જીવનપદ્ધતિ દ્વારા શોષિત, પીડિત, અને માનવીય અધિકારોથી પૂર્ણપણે વંચિત દાયકામાં માનવ અધિકારોનું આંદોલન શરૂ થયું. મહારાષ્ટ્રમાં મહાડના ચવદાર તળાવ સત્યાગ્રહ, નાસિક કાલારામ મંદિર સત્યાગ્રહ માનવમુક્તિના પ્રવેશદ્વાર સમાન સાબિત થયાં. મહાત્મા જોતિબા ફૂલેની સામાજિક ક્રાંતિનો પ્રભાવ વીસમી સદીમાં વધુને વધુ પ્રગાઢ બનતો ગયો. સામાજિક, ધાર્મિક, આર્થિક વિષમતાની સામે જનઆંદોલનની સાથે સાથે સાહિત્યિક ચળવળનો પણ આરંભ થયો. મહાત્મા  જોતિરાવ ફૂલેના વૈચારિક પ્રભાવને કારણે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી જ માનવસર્જિત વર્ણ અને જાતિવ્યવસ્થા દ્વારા થતાં અમાનવીય શોષણ વિરુદ્ધ સાહિત્યિક ચળવળનો આરંભ થઈ ચૂક્યો હતો. ઈ.સ. ૧૮૮૫માં પૂના મુકામે કૃષ્ણશાસ્ત્રી રાજવાડેના અધ્યક્ષસ્થાને ભરાયેલ ગ્રંથસંમેલનના ન્યાયમૂર્તિ રાનડેએ આપેલા નિમંત્રણનો સટીક પ્રત્યુત્તર જોતિબા ફૂલેએ આ રીતે આપ્યો હતો જે આજે પણ એટલો જ ઉચિત લાગે છે : જે લોકો દ્વારા સમગ્ર માનવજાતિના માનવ અધિકારો વિશે સાચા અર્થમાં વિચાર કરીને દરેક વ્યક્તિને તેના પોતાના અધિકાર ખુશીથી તેમ જ ખુલ્લા મનથી આપી નથી શકાતા તથા તેમના હાલના વર્તનથી લાગે છે કે, ભવિષ્યમાં પણ તેઓ આપી શકશે નહીં, એવા લોકોએ બોલાવેલી સભાઓ અને એમનાં દ્વારા લખેલાં પુસ્તકોના ભાવાર્થ સાથે અમારાં પુસ્તકો અને સભાઓનો કોઈ મેળ બેસતો નથી. કેમ કે એમના પૂર્વજોએ અમારો બદલો લેવાના ઈરાદાથી અમને દાસ બનાવ્યા અને આ વાત પોતાના જૂઠા ગ્રંથોમાં જાણીબૂઝીને દબાવી દીધી. એના સાક્ષી એમના જૂના ગ્રંથો જ છે. અમારા જેવા શુદ્ર-અતિશુદ્રોને કેવી કેવી આપત્તિઓ તથા તકલીફો સહન કરવી પડે છે એ વાત ઊંટ પર સવાર થઈને ઘેટાં ચરાવનાર ગ્રંથકારો (લેખકો) અને મોટી મોટી સભાઓમાં ભાષણ આપનારાઓને કેવી રીતે સમજાશે? ખરેખર તો આ સાર્વજનિક સભાના આયોજકો આ બધી વાતોથી સારી રીતે પરિચિત છે … સંક્ષેપમાં, એમનો સાથ આપવાથી અમારા શુદ્રાતિશુદ્ર સમાજને કોઈ લાભ થવાનો નથી, એ વિશે અમારે પોતે જ વિચારવું પડશે. જો આ મોટાભાઈ (!) સાચે જ બધાની એકતા ઈચ્છતા હોય તો જરૂરી છે કે તેઓ તમામ માનવજાતિ વચ્ચે અતૂટ ભાઈચારો સ્થાપિત કરવાનો નક્કર ઉપાય શોધે તથા પુસ્તક દ્વારા એ વિચારને પ્રકાશિત કરે. આવા સમયે આંખો બંધ કરવી યોગ્ય નથી.૨ મહાત્મા જ્યોતિરાવ ફૂલેના આ વિચારોથી સ્પષ્ટ થઈ જાય છે કે, કપોળકલ્પિત સાહિત્ય સામાજિક ક્રાંતિનો પર્યાય બની શકતું નથી. સામાજિક વાસ્તવ જ્યાં સુધી સાહિત્યમાં નિરૂપિત ન થાય અને સામાજિક પ્રતિબદ્ધતા જ્યાં સુધી સાહિત્યમાં પ્રગટે નહીં ત્યાં સુધી સાહિત્ય માત્ર મુઠ્ઠીભર સામંતીઓ અને જાગીરદારો બ્રાહ્મણોના મનોરંજનનું સાધન બનીને રહી જશે. સાહિત્ય એ સામાજિક પરિવર્તનનું અત્યંત પ્રભાવક પરિબળ છે, તેના દ્વારા સામાજિક ક્રાંતિ સંભવ છે એમ દ્રઢપણે માનતા જોતિરાવ ફૂલે માનવીય શોષણ કરતી અમાનવીય પરંપરાને મૂળથી નષ્ટ કરવા તત્પર બને છે. સાહિત્ય વિશેની એમની સમજણ એક વિચક્ષણ મર્મી અને પ્રખર સંશોધકની રહી છે. સત્યશોધક સમાજની રચના જ એક ઉત્તમ સંશોધકની ગરજ સારે છે. એક નિષ્ઠાવાન સમાજહિતચિંતક અને ગહન અભ્યાસુ તરીકેની તેમની છબિ સામાજિક પ્રતિબદ્ધતાની દ્યોતક છે. સમ્યક વિચારનો મહિમા આ રીતે તેમના જીવનનો મંત્ર બની ગયો હતો. સાહિત્યનું સમ્યક મૂલ્યાંકન સર્જકની માનસિકતાને ઘડે છે. સર્જકની સમ્યક ભાવના વધુ પાકટ બનતી અનુભવાય છે. સામાજિક વિષમતા સામે ઝીંક ઝિલતાં પાત્રોની ખુમારી અને માનવીય પરિબળોને સર્જક માનવીય સંવેદનાની નજરે જુએ તો જ સકારાત્મક સર્જકતા પ્રગટે છે. એ અર્થમાં સમ્યક સાહિત્યની ચર્ચા અસ્થાને નહીં ગણાય. દલિત સાહિત્યમાં દલિત સમાજની વાસ્તવિક્તાનું ચિત્રણ, વિષમ સામાજિક વ્યવસ્થા, પરંપરાગત વિધિનિષેધો, તમામ કાલ્પનિક શાસ્ત્રો-મહાકાવ્યો દ્વારા સ્થાપિત લાદવામાં આવેલી મનુવાદી વર્ણ-જાતિવ્યવસ્થા સામેનો પ્રતિકાર, વિદ્રોહની અભિવ્યક્તિ જોવા મળી હતી જ્યારે સમ્યક સાહિત્ય દ્વારા નવી સમાજરચનાનો પુરસ્કર, સામાજિક સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વભાવાદિની સાથે પ્રજ્ઞા, શીલ અને કરુણા દ્વારા સાહિત્યમાં નૈતિક મૂલ્યોની માવજત કરી સમતામૂલક સમાજરચનાનો આવિષ્કાર કરવાનો દ્રઢ નિર્ધાર સમ્યક વિચારમાં નિહિત છે.

ગુજરાતી સાહિત્યના સંશોધક-વિવેચક જયંત કોઠારીએ પણ ગુજરાતી વિવેચન વિશે શંકા વ્યક્ત કરી છે. ગુજરાતીમાં સાહિત્યતત્ત્વની મીમાંસા વૈજ્ઞાનિક રીતે થતી નથી.૩ ગુજરાતીવિવેચન વિશેનો વિવેચકોનો દ્રષ્ટિકોણ પ્રસ્થાપિત વિચારસરણીને કેન્દ્રમાં રાખીને જ હંમેશા થતો રહ્યો છે. સર્જનની અને વિવેચનની માળખાગત ઓળખ આપવાની અસમતોલ પરંપરા સર્જનને વધુને વધુ રૂઢિવાદી બનાવે છે. સાહિત્યસર્જનની સંકુચિત દ્રષ્ટિને પોષતું વિવેચન પણ તાર્કિક સ્તરની દિશાને વધુ ધૂંધળી બનાવે તે સ્વાભાવિક છે. સર્જનમાં જેમ કોઈ જાતિવર્ગભેદને સમર્થન કરનારી વિચારસરણી કામ કરતી હોય અને તે જ વિચારસરણી જો વિવેચનમાં પણ પ્રવૃત્ત હોય તો વિવેચનની સાર્થકતાનો છેદ ઉડી જાય છે. સર્જનમાં વ્યક્ત થતો વિચાર માનવીય મૂલ્યોની ખેવના કરે છે કે નહીં એનું આકલન કરવાનું કાર્ય વિવેચનનાં કાર્યક્ષેત્રની બહારનું હોઈ શકે. વિવેચનની તર્કવિહીન વિચારણાને કારણે સર્જનની સાચી દિશા હજુ સુધી નક્કી થઈ શકી નથી. સર્જનમાં સમ્યક દ્રષ્ટિનો અભાવ જોવા મળે છે. સાહિત્યકૃતિને ઉત્તમ કહેવા પાછળના વિવેચનના કયા માપદંડો ખપમાં લેવાય છે? શું કોઈ પણ રચના માનવીય ભાવોથી મુક્ત હોઈ શકે ? કૃતિને ઉત્તમ કે શ્રેષ્ઠ કહેવા પાછળ વિવેચકનો કોઈ વ્યક્તિગત વિચારસંદર્ભ તો કામ નથી કરતો ને ! જાતિગત શ્રેષ્ઠતાના પ્રભાવમાંથી ગુજરાતી સર્જન અને વિવેચન હજી સુધી મુક્ત નથી થઈ શક્યું એ હકીકત છે ત્યારે વંચિતોના સાહિત્યની પીઠિકાને કોઈ જાતિ-વર્ગ-વર્ણના વર્તુળમાં વિભાજિત ન કરતાં માનવીય મૂલ્યોનાં કેન્દ્રમાં મૂકીને તપાસવું હિતાવહ છે. અમાનવીય પરંપરાની અપાર યાતનાઓને પાર કરીને પોતાના અસ્તિત્વની આગવી ઓળખ માટે માનવીય મૂલ્યોની પ્રસ્થાપના કળાત્મક અભિનિવેશ સાથે પ્રગટાવતી સામાજિક ન્યાય અને ઉચ્ચ નૈતિક વિચારદ્રષ્ટિ સમ્યક સાહિત્યની આધારશિલા છે.

મરાઠી ભાષાના જાણીતા સાહિત્યકાર મર્ઢેકર સાહિત્યની ઉત્તમ રચનાના માપદંડ શા હોઈ શકે એની ચર્ચા કરતા કહે છેઃ ભારતીય સંવિધાનની પ્રસ્તાવનામાં જે માનવીય મૂલ્યો અને તત્ત્વજ્ઞાન દર્શાવ્યું છે તે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી, ગણરાજ્ય, સામાજિક-આર્થિક ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, શ્રદ્ધા અને ઉપાસનાનું સ્વાતંત્ર્ય, દરજ્જા અને તકની સમાનતા, વ્યક્તિની પ્રતિષ્ઠા, રાષ્ટ્રીય એક્તા, એકાત્મકતા અને બંધુતા આ તમામ મૂલ્યો એની ગહન વિચારણા સાથે, તેનું પરિશીલન કરીને, એકરસ થઈને લેખન થયું હોય તેવી કૃતિને ઉત્તમ કળાકૃતિ કહી શકાય એમાં શંકા નથી.૪ સાહિત્યકૃતિની સફળતાનો માપદંડ શો હોઈ શકે તેનો સર્વગ્રાહી પ્રયત્ન અહીં થયો છે. કોઈ પણ વિચારક આ પ્રયાસને નકારી શકે તેમ નથી, સાહિત્યના મૂળ ઉદ્દેશને અહીં ચિહ્નિત કરવામાં આવ્યો છે. એક ઉત્તમ રચનાને મૂલવવા માટે જે લક્ષણોની ચર્ચા કરવામાં આવે છે તે પ્રચલિત કે સ્થાપિત લક્ષણોથી સાવ ભિન્ન છે. કદાચ એટલે જ સાહિત્યનો ઉદ્દેશ હજી સુધી કારગત નિવડ્યો નથી એ એટલું જ સત્ય છે. સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વની ભાવના સામાજિક ધરાતલ પર તૈયાર થયેલી છે. સામાજિક નૈતિક્તાનો આવિર્ભાવ દર્શાવતાં આ માનવીય મૂલ્યો સાહિત્યમાં પાયાની ભૂમિકા પૂરી પાડે છે.

તો, શરણકુમાર લિંબાળે પણ ઉત્તમ કળાકૃતિની વ્યાખ્યા કરતી વખતે પણ આંબેડકરી વિચારને કેન્દ્રમાં રાખે છે. તેઓ કહે છે કળાકારની કળાકૃતિમાંનો વિચાર ભાવકના મનને કેટલું અને કેવી રીતે પ્રભાવિત કરે છે તેના પર કૃતિનું સ્તર નિર્ભર રહે છે. જો દલિત સાહિત્યકૃતિ સુંદર અને પરિણામતઃ સ્તરવાળી સાબિત થશે તો દલિત લેખકોએ તેના પરથી નક્કી કરવું પડશે કે, એની સાહિત્યકૃતિમાં આંબેડકરી વિચારને કેવી રીતે વ્યક્ત કરી શકાય. જે કળાકૃતિ વધુને વધુ ‘દલિત ચેતના’ પ્રકટાવશે તે કળાકૃતિ સર્વશ્રેષ્ઠ ગણાશે.૫ એટલે શરણકુમારના આ વિધાનથી એક બાબત સ્પષ્ટ થાય છે કે, દલિત કળાકૃતિનાં વૈચારિક તત્ત્વો આંબેડકરી દર્શનમાં રહેલાં છે. આંબેડકરી વિચારદર્શન શોષિત, વંચિત, પીડિત માનવી સમુદાયનું સાચુકલું પ્રતિનિધત્વ કરે છે. માનવીય મૂલ્યોને ઉજાગર કરવા માટે આજે અને આવતી કાલે પણ આંબેડકરી વિચારધારા જ સાહિત્ય અને વ્યવહારમાં એકમાત્ર માર્ગ છે. સાહિત્યકૃતિની વૈચારિક પીઠિકામાં માનવીય અધિકારોનું જતન અને સંવર્ધન જરૂરી છે. અમાનવીય વિચારધારાને કદી કોઈ કાળે સાહિત્યકૃતિમાં નિરૂપિત કરી શકાય નહીં. માત્ર વ્યક્તિવાદી, અધ્યાત્મવાદી, ગૂઢવાદી, રહસ્યમય, કાલ્પનિક અને ભ્રામક કથાઓ સામાજિક અને નૈતિક ચેતનાનો નાશ કરે છે. માનવીય મૂલ્યોનું હનન કરે છે. અમાનવીયતા અને સામાજિક ભેદભાવને પ્રોત્સાહન અને દ્રઢ બનાવતી વિચારધારા માનવતાને હણે છે. સાહિત્ય તો ભેદભાવની સીમાઓને લાંઘીને માનવજીવનનાં કલ્યાણ અને ઉદાર ચરિત્રને પ્રગટાવતું હોવું જોઈએ. સામાજિક ન્યાય અને કરુણાના વ્યાપક અને ગહન સ્તરને આંબતું હોવું જોઈએ. આંબેડકરી વિચારને વ્યક્ત કરતી કળાકૃતિ માનવીય સંવેદનાઓની સાથે સાથે માનવીય મૂલ્યોની પ્રમાણભૂતતાને સ્પષ્ટ રીતે ચીંધી આપતી હોવી જોઈએ. વર્ણ-લિંગ-જાતિ-ભેદ વિનાના સમાજની વિભાવના તૈયાર કરવાનું એક માત્ર ધ્યેય આંબેડકરી વિચારનો શંખનાદ છે. આ આંબેડકરી વિચાર એટલે જ સમ્યક દ્રષ્ટિ.

આંબેડકરવાદી સાહિત્ય વિશેની સ્પષ્ટ ભૂમિકા આપનાર મરાઠી ભાષાના કવિ વિવેચક યશવંત મનોહર સમાજ અને સાહિત્યના સંબંધને સ્પષ્ટ કરતાં કહે છે તેમ સમાજ એટલે માણસોના સંબંધોની રચના. અને સાહિત્ય એટલે માત્ર આ સંબંધોનું તટસ્થ વર્ણન જ નહીં પરંતુ આ સંબંધો પર કરેલું ભાષ્ય, તેનાથી જ એક નવું સાહિત્યરૂપ પ્રાપ્ત થાય છે. માણસોના સંબંધોની પુનઃરચના એવું આ ભાષ્યનું રૂપ હોય છે. આ ભાષ્યના અદ્રશ્ય ભાવો માનવીય સંબંધોના અધિક નિરામય રૂપ તરફ ગતિ કરતા હોય છે. આ નિરામયતાને જ સૌંદર્ય કહેવામાં આવે છે. એટલે કે માનવીય સંબંધો પર ભાષ્ય કરનારાં મૂલ્યો સૌંદર્યની નિર્મિતિ કરે છે એમ કહેવું જોઈએ. સાહિત્યકારની મૂલ્યદૃષ્ટિને જ આપણે જીવનદ્રષ્ટિ અને સૌંદર્યદ્રષ્ટિ કહીએ છીએ. સાહિત્યકારની ભાવના, વિચાર, તેનાં જીવનનું આકલન અને મૂલ્યાંકન આ તમામ પરિબળો મૂલ્યો સાથે જોડાયેલાં હોય છે. સાહિત્યકારનો શબ્દ આ મૂલ્યોનું જ પ્રતિનિધિત્વ કરે છે.૬

સાહિત્ય જીવનની અનેક સમસ્યાઓની સાથે સાથે તેનાં મૂલ્યોની ઝીણવટપૂર્વક તપાસ આદરે છે. જીવનનો પ્રવાહ સતત વહેતા રાખવાની સાહિત્યની પ્રક્રિયામાં માનવીય સ્વભાવ અને એ સ્વભાવની પડછે રહેલા માનસિક બદલાવોની પણ ચિકિત્સા કરે છે. એ અર્થમાં સાહિત્ય માનવજીવનની સભ્યતાને, એના મૂળભૂત સ્વરૂપની ઓળખને પ્રગટ કરે છે. સાહિત્યકાર ધર્મના ઓછાયામાં જીવતો હોય ત્યારે તેના સર્જનમાં ધર્મનો તંતુ જોડાયેલો હોય છે. કોઈ એક ધર્મની વિચારણાને વિકસિત કરવાને બદલે ધાર્મિક સંસ્કારોનું પ્રાબલ્ય વધતું જોવા મળે ત્યારે તાર્કિક રીતે તેના વૈચારિક સંદર્ભો મેળવીને અવ્યવહારિક બન્યા વિના માનવીય વિશેષોને પ્રગટ કરવાની આકલનશક્તિ વિવેચક માટે અપરિહાર્ય બને છે. વિવેચન તો માનવજીવનની બદલાતી સ્થિતિઓનું સૂક્ષ્મ મૂલ્યાંકન કરે છે. પ્રતિક્ષણ બદલાતા માનવીય સ્વભાવને તંતોતંત પ્રત્યક્ષ કરી આપવાનું અને મૂળભૂત કારણોની તપાસ આદરવાનું સમર્થ કાર્ય વિવેચનની આદર્શ શરત હોય છે. જો વિવેચન એકપક્ષીય બને તો તે સર્જન માટે પણ અમર્યાદ અને તેથી અતિરેકી બનવાની શક્યતાઓ નકારી શકાય નહીં. આંબેડકરવાદી સાહિત્યનું પોતાનું આગવું વિવેચનશાસ્ત્ર છે. અને તેથી પોતાનું આગવું સૌંદર્યશાસ્ત્ર છે. દલિત સાહિત્યના સૌંદર્યશાસ્ત્રમાં શરણકુમાર લિંબાળે દલિત સાહિત્ય અધ્યાત્મવાદ અને ગૂઢવાદને નકારે છે એ કારણે માનવું પડશે કે, આ સાહિત્યનું સૌંદર્યશાસ્ત્ર અધ્યાત્મવાદી નહીં પરંતુ ભૌતિકવાદી છે૭ એમ કહે છે ત્યારે એટલું તો સ્પષ્ટ છે કે, અહીં વાસ્તવજીવનનો મહિમા અને એને અનુષંગે માનવજીવનમાં વ્યાપ્ત કપોળકલ્પિત, વાયવી સૃષ્ટિનો સદંતર છેદ ઊડે છે. કાળનો આધાર કલ્પના નથી પણ વાસ્તવ છે. વાસ્તવને સમૃદ્ધ કરવાના સર્જકના પ્રયાસો, માનવીય મૂલ્યો જેવાં કે કરુણા, પ્રજ્ઞા, શીલ વગેરે ઉદાત્તતત્ત્વોનું નિરૂપણ સમ્યક સાહિત્યમાં નિહિત છે. ‘અવિદ્યાનો નાશ’ એ સમ્યક દ્રષ્ટિનો અંતિમ ઉદ્દેશ છે. અહીં મિથ્યા-દ્રષ્ટિનો તીવ્ર વિરોધ છે. અવિદ્યાનો અર્થ છે કે, મનુષ્ય દુઃખને જાણી ન શકે, મનુષ્ય દુઃખના નિર્મૂલનના ઉપાયો ન જાણી શકે, મનુષ્ય આ આર્યસત્યને ન જાણી શકે. સમ્યક દ્રષ્ટિનો અર્થ છે કે, મનુષ્ય કર્મકાંડના ક્રિયાકલાપોને વ્યર્થ સમજે. મનુષ્ય શાસ્ત્રોના મિથ્યા વિશ્વાસમાંથી મુક્ત બને. મનુષ્ય મિથ્યા વિશ્વાસથી મુક્ત બને. મનુષ્ય એમ ન માની લે કે કોઈ પણ બાબત પ્રકૃતિના નિયમો વિરુદ્ધ બની શકે છે. સમ્યક દ્રષ્ટિનો મતલબ છે કે, મનુષ્ય એવી તમામ મિથ્યા ધારણાઓથી મુક્ત થાય જે માત્ર માનવીના મનની કલ્પનાઓ જ છે, અને તેનો અનુભવ અને વાસ્તવજીવન સાથ કોઈ સંબંધ નથી. સમ્યક્‌ દ્રષ્ટિનો અર્થ છે કે મનુષ્યનું મન સ્વતંત્ર બને. મનુષ્યના વિચારો સ્વતંત્ર બને.૮ વિવેચન-સંશોધન માટે તર્કપૂર્ણ વિચાર અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો જ આગ્રહ રાખવામાં આવે છે. તર્ક એ વિવેચનની કે સંશોધનની પ્રાથમિક અવસ્થા છે જેના વિના વિવેચન કે સંશોધનના જટિલ વિસ્તારમાં પ્રવેશવું લગભગ અસંભવ બને છે. ‘જેવું સર્જન તેવું વિવેચન’ એમ કહીએ છીએ ત્યારે વિવેચનમાં સમ્યક દ્રષ્ટિનો અભાવ વર્તાઈ આવે છે. માત્ર જન્મ, વંશ, જાતિ કે વર્ણના કારણે પાત્રોને મહાન ચિતરવાના કાલ્પનિક પ્રયાસો અવિરત થતા રહ્યા છે. વર્ણવ્યવસ્થાના ક્રમમાં પાત્રોને જડબેસલાખ મૂકીને તેમની પાસેથી કોઈ ઉત્તમ વિચારની અપેક્ષા રાખવી તે નરી મૂઢતા છે. આવું સર્જકકર્મ અવિદ્યાનું દ્યોતક બની રહે છે. દા.ત. સરસ્વતીચંદ્રનાં પાત્રોની ચર્ચા થઈ શકે. સર્જક પાત્રોમાં પ્રવેશે છે ત્યારે તે પોતાના અંગત ગણા-અણગમાને પણ તેમાં મૂકી આપે છે. ભેદભાવપૂર્ણ વાસ્તવને ઉજાગર કરવામાં કોઈ પક્ષપાતને સ્થાન ન હોવું જોઈએ. સમ્યક વિચાર સાહિત્યસર્જન માટે પ્રેરકબળ સમાન છે. સમાજમાં સામાજિક વિષમતાના અવૈજ્ઞાનિક વિચારને નષ્ટ કરવા માટે સમ્યક દૃષ્ટિ અત્યંત જરૂરી છે. નૈતિક મૂલ્યો હોવા છતાં સામાન્ય ગણાતાં પાત્રની અવહેલના અને અનૈતિક આચરણ હોવા છતાં ઉચ્ચ જાતિ હોવાને કારણે થતી અદૃબ સલામી સર્જકત્વ માટે કલંકરૂપ ઘટના બની રહે છે.

સમ્યક દ્રષ્ટિ નીરક્ષીર વિવેકપૂર્ણ રીતે વિચાર અને આચરણ કરતાં શીખવે છે. તાર્કિક વિચારથી કોઈ પણ ઘટનાને મૂલવવાનો પ્રથમ અને અંતિમ ઉપાય સૂચવે છે. કાર્ય અને કારણના સંબંધથી જ કોઈ પણ ક્રિયાનું આકલન-મૂલ્યાંકન-વિવેચન કરવાનો એક માત્ર ઉદ્દેશ સમ્યક વિવેચનનો છે. ઘટનાના મૂળમાં જઈને તેનાં કારણોની મીમાંસા કરવાની અને તે દ્વારા તથ્યને પ્રગટ કરવાની પ્રક્રિયા એટલે જ સમ્યક દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ દ્વારા જ સમ્યક વિચાર પ્રગટી શકે અને સમ્યક વિચાર દ્વારા જ સમ્યક કાર્ય સંભવ બની શકે. આમ સમાનતામૂલક સમાજરચના માટે સમ્યક દ્રષ્ટિમાંથી નિપજતી કરુણા અને સમાન વ્યવહાર દ્વારા ઘટતી સમ્યક કાર્યશૈલી માનવજીવનને ઉર્જિત કરે છે. નૈતિક મૂલ્યોનું પ્રાગટ્ય અને ક્રમશઃ તેના સંવર્ધન માટે સમ્યક દર્શન જ એક માત્ર પર્યાય બની રહે છે ત્યારે સાહિત્ય દ્વારા સમાજને સમાજ દ્વારા સાહિત્યને સમૃદ્ધ કરવાના પ્રયત્નોની સાર્થકતા તો ભેદભાવવિહીન, અવિદ્યાનો નાશ કરતી, વિવેકપૂર્ણ દ્રષ્ટિ દ્વારા જ સંભવી શકે છે.

પૂંજીવાદ-સામંતવાદનો એકાધિકાર ધરાવતી વિચારધારાનું સમ્યક વિચારમાં કોઈ સ્થાન નથી. સમ્યક સાહિત્યની વૈચારિક વિભાવનામાં વૈમનસ્ય કે કોઈ પણ પ્રકારના ભેદભાવને સ્થાન નથી. અને જે સાહિત્યમાત્ર કોઈ એક વર્ગનું જ પ્રતિનિધિત્વ કરતું હોય તે કદી સમ્યક ન બની શકે. સમાજના વિવિધ વર્ગની સામાજિક ચેતનાને પ્રગટ કરવાની અને એને અનુષંગે એ સમાજનાં નૈતિક મૂલ્યોની માવજત કરવાનું કાર્ય સમ્યક વિચાર દ્વારા જ સંભવી શકે છે. સાહિત્ય પણ સમ્યક દ્રષ્ટિથી સમૃદ્ધ બને એવા સર્જનાત્મક પ્રયાસો થાય તો શોષણવિહીન, જાતિવિહીન સમાજરચના તરફ પ્રયાણ કરી શકાય.

શું કોઈ એક કૃતિ એટલા માટે અસ્પૃશ્ય છે કે તેમાં તથાકથિત ઉચ્ચવર્ણીય પાત્રો નથી? થોડાં ઉદાહરણોથી સમજીએ. પન્નાલાલ પટેલ કૃત ‘મળેલા જીવ’ વિશેનો કવિ ન્હાનાલાલનો વિચાર, રા.વિ. પાઠકકૃત ‘ખેમી’ વાર્તા વિશેનો ર.છો. પરીખનો વિચાર કે પછી ન્હાનાલાલ કવિ વિશેનો ઉમાશંકર જોશીનો વિચાર સમ્યક દ્રષ્ટિનો મૂળથી છેદ ઉરાડે છે. જીવી અને ખેમી અને ઝમકુંનાં પાત્રોની અવહેલના એટલા માટે થઈ છે કે જેઓ પોતાને તથાકથિત ઉચ્ચવર્ણના માને છે તેમની નજરમાં આ પાત્રો નિમ્ન જાતિ છે. તો ન્હાનાલાલ કવિ વિશેનો ઉમાશંકર જોશીનો હૃદયોદ્‌ગાર માત્ર સંકુચિત દ્રષ્ટિનો પર્યાય બની રહે છે. જે કવિમાં સમ્યક ભાવ કે વિચારનું કોઈ સ્થાન નથી તેવા કવિશ્રીની દ્રષ્ટિ વિશ્વકવિ (કોસ્મિક વિઝન) વાળી૯ કંઈ રીતે હોઈ શકે? શું માનવજીવનના પાયાના પ્રશ્નો અને માનવહૃદયના સનાતન(?) મંથનોમાં વંચિત સમાજને કોઈ જ સ્થાન નથી? તો, આવી એક વર્ગીય અને સંકુચિત દ્રષ્ટિને વિશ્વદ્રષ્ટિ કેવી રીતે કહેવી? જે દ્રષ્ટિમાં વંચિત સમાજની ઉપેક્ષા થતી હોય! આ સંકુચિત અને જાતિવાદી દ્રષ્ટિ કદી વિશ્વષ્ટિ બની ન શકે. આ અને આવા તો એકાંગી મૂલ્યાંકનનો સાહિત્યની પારદર્શકતા અને માનવીય મૂલ્યોની વિશ્વસનીયતા સામે એક પડકાર બની રહે છે. તમામ ગુણ-દોષને મુક્તપણે ઉજાગર કરતી અને માનવતાવાદી મૂલ્યોનું સંવર્ધન-સર્જન કરતી જ રચના જ સમ્યક સાહિત્ય બની શકે અન્યથા નહીં.

સંદર્ભ સૂચિ :

૧. ભીમરાવ રામજી આંબેડકર ચરિત્ર ખંડ-૯, લેખક ચાંગદેવ ખૈરમોડે, પૃ. ૯૫.

૨. મહાત્મા ફૂલે : સાહિત્ય ઔર વિચાર : સંપાદક હરિ નરકે, પૃ. ૩૦૭

૩. જયંત કોઠારી કાવ્યમાં શબ્દની મીમાંસા કરતી વખતે પોતાની અગાઉ કરેલી ટકોરને પુનઃ યાદ કરતા કહે છે કે : સાહિત્યત્ત્વ વિશેના સર્વમાનવ ચીલાચાલુ અર્ધસત્યોનાં ગોળગોળ અને ઘણીવાર કહેવાતી ઉચ્ચારણોથી આપણે પહુધા સંતુષ્ઠ રહીએ છીએ. અને કોઈવાર આવેશમય પક્ષિલ આત્યંતિક વાદસૂત્રો સાંભળવા મળે છે તો તેથી આપણે અંજાઈ જઈએ છીએ. જુઓ તત્ત્વલક્ષી પારદર્શકતા : સંપાદક રમણ સોની, પ્ર. આ. ૨૦૧૬, પૃ. ૧૫

૪. મરાઠી વાડમચાયા ઇતિહાસ, ખંડ ૭, ભાગ ૧, પૃ. ૧૯

૫. દલિત સાહિત્યનું સૌંદર્યશાસ્ત્ર : ‘હયાતી’ ત્રૈમાસિકનો વિશેષાંક-માર્ચ ૨૦૧૦ પૃ. ૮૩

૬. સાહિત્યની સંસ્કૃતિ અને સંસ્કૃતિનું સાહિત્ય લેખક યશવંત મનોહર, અમૃત મહોત્સવ નિમિત્તે આપેલું વક્તવ્ય, પૃ.૫

૭. દલિત સાહિત્યનું સૌંદર્યશાસ્ત્ર : ‘હયાતી’ ત્રૈમાસિકનો વિશેષાંક-માર્ચ ૨૦૧૦, પૃ. ૮૩

૮. “डॉ. बी.आर. आंबेडकर का नैतिक-दर्शन” लेखक : डॉ. डी.आर. जाटव, प्रकाशक : समता साहित्य सदन, जयपुर, पृ.  ૧૭૬

૯. ન્હાનાલાલ કવિ વિશે ઉમાશંકર જોશી કહે છે : કવિની દ્રષ્ટિ વિશ્વદ્રષ્ટિ (Cosmic Vision) હતી. ગુજરાતને ખૂણે ખૂણે એ રખડ્યા હોઈ, ગુજરાતના પ્રાકૃતિક સૌંદર્યને તો એમની કવિદ્રષ્ટિ ઝડપી લેતી જ, પણ બ્રહ્માંડને ઊંડણમાં લીધા વિના એને ચેન ન પડતું. કૌટુંબિક અને સામાજિક પ્રશ્નો પર તે અવશ્ય મનન અને સૂચન વેરતી. પણ માનવહૃદયનાં સનાતન મંથનો – માનવી જીવનના પાયાના પ્રશ્નો – પર જઈને એ ઠરતી. એ અર્થમાં ન્હાનાલાલને વિશ્વકવિ કહી શકાય. (શ્રેષ્ઠ ઉમાશંકરઃ સંપાદક : નિરંજન ભગત અને બીજા, પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પુનર્મુદ્રણ : જુલાઈ ૨૦૧૦, પૃ. ૩૪૧)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2021; પૃ. 14-16

Loading

16 March 2021 admin
← Business As Usual
સાહિત્યમાં પીએચ.ડી. આપવાની છે … →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved