સંસદ અને રાજ્યોનાં વિધાનગૃહોના અંદાજપત્ર સત્રો ચાલી રહ્યાં છે એટલે પંચાયતથી પાર્લામેન્ટ સુધી બજેટનો માહોલ છે. શહેરી મધ્યમવર્ગને આવકવેરાની મુક્તિમર્યાદા કે શું શું સસ્તું – મોઘું થયું એટલા પૂરતી બજેટમાં દિલચસ્પી હોય છે. વિધાનગૃહોમાં પણ બજેટ પર સાર્થક ચર્ચાઓ બહુ ઓછી થાય છે; કેમ કે આર્થિક બાબતો પર ઠોસ ચર્ચા કરી શકે એવા જનપ્રતિનિધિઓની ખોટ છે. બજેટની સૂક્ષ્મ વિગતો ઉજાગર કરી તેનું વિશ્લેષણ કરનારો વર્ગ પણ બહુ સીમિત છે. એટલે જાહેર થયા પૂર્વે અંદાજપત્ર અતિગુપ્ત હોય છે અને પછીથી તે વણચર્ચ્યો આર્થિક દસ્તાવેજ બની રહે છે. આ સંદર્ભે ટ્રાન્સ્પેરન્સી ઈન્ટરનેશનલ ઈન્ડિયા’નો “બજેટ પ્રક્રિયામાં પારદર્શિતા” વિષયક તાજેતરનો અહેવાલ બજેટના ઘડતર અને તેની જાહેર ચર્ચા પર સારો પ્રકાશ પાડે છે. બજેટીય પારદર્શિતાના મુદ્દે કેન્દ્રીય અંદાજપત્ર ૧૦૦માંથી ૭૬ અંક મેળવીને સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. પરંતુ રાજ્યોના અંદાજપત્રોની પારદર્શિતા બહુ પાતળી છે. ગુજરાત રાજ્યોના અંદાજપત્રોની પારદર્શિતામાં સત્તરમા ક્રમે છે.
૨૦૨૦-૨૧ના વરસના અંદાજપત્રને હાંસિયાના લોકોના લાભાલાભની રીતે મૂલવીએ તો નિરાશા સાંપડે છે. બહુ પ્રચારિત અને મહત્ત્વાકાંક્ષી સ્વચ્છ ભારત મિશન યોજનાનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. પણ જેમના માથે દેશ આખાની સ્વચ્છતાની જવાબદારી મરાઈ છે તેવા ગટર કામદારો, સફાઈ કામદારો કે હાથથી મળસફાઈ કરનારાના જીવનમાં ઝાઝો ફેર આણી શકાયો નથી. ભારતની સમાજવ્યવસ્થાની એ બલિહારી છે કે વર્ણબહારના ગણાયેલા દલિતોના માથે સફાઈના ગંદા કે હલકા ગણાતાં કામો કરવાનાં આવ્યાં છે. ચન્દ્ર કે મંગળ મિશનના આયોજક દેશમાં હજુ હાથથી મળસફાઈને સંપૂર્ણ તિલાંજલી અપાઈ નથી. દેશનાં અનેક શહેરો અને જિલ્લા ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કરાઈ રહ્યાં છે. ઘરેઘરે સંડાસ બનાવાઈ રહ્યાં છે. બીજી તરફ ખુદ સરકાર હાથથી મળસફાઈ કરનારા અને ગટરમાં ઊતરીને સફાઈ કરનારા વધી રહ્યાના આંકડા સંસદમાં આપે છે.
મહારાષ્ટ્રના લોકસભા સભ્ય સુધાકર તુકારામ શિંગારેના અતારાંકિત પ્રશ્ન ક્રમાંક ૫૫, તા.૨-૨-૨૦૨૧ના લેખિત જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું છે કે ૨૦૧૬થી ૨૦૨૦ સુધીમાં દેશનાં ૧૯ રાજ્યોમાં ૩૪૦ લોકોના ગટરમાં ઉતરીને સફાઈ કરવાના કારણે મોત થયાં છે. સૌથી વધુ બાવન ગટર કામદારોનાં મોત ઉત્તરપ્રદેશમાં તે પછી તમિલનાડુમાં ૪૩, દિલ્હીમાં ૩૬, મહારાષ્ટ્રમાં ૩૪ અને ગુજરાત તથા હરિયાણામાં ૩૧-૩૧ સફાઈ કામદારોનાં મોત થયાં છે. રાજ્યસભામાં મંત્રી મહોદયે આપેલી માહિતી મુજબ ૩૪૦માંથી ૨૧૭ને જ વળતર ચૂકવી શકાયું છે; કેમ કે બાકીના મરણ પામેલા ગટર કામદારો વિશે પૂરતી વિગતો મળતી નથી. ગટર સાફ કરવાને કારણે મરણ થયાં છે તે હકીકત છે, સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર તેમને વળતર પણ ચૂકવવાનું છે, પણ જેમને ગેરકાયદે ગટરમાં ઉતારીને મારી નંખાયા છે તેમનાં નામ-ઠામનો પત્તો વિશ્વગુરુ બનવા માંગતા દેશના વહીવટી તંત્ર પાસે નથી !
ગટરસફાઈ કરતાં મૃત્યુ પામેલા કામદારોની સાચી માહિતી જેમ સરકાર પાસે નથી તેમ મેન્યુઅલ સ્કેવેન્જર્સ કહેતાં માથે મેલું ઉપાડનારા કે હાથથી મળસફાઈ કરનારા લોકો દેશમાં ખરેખર કેટલાં છે તેના અધિકૃત, ચોક્કસ અને વિશ્વસનીય આંકડા પણ સરકાર પાસે નથી. રાજ્યસભાના વર્તમાન સત્રમાં સરકારે હાથથી મળસફાઈ કરનારા ૬૬,૬૯૨ લોકોની ઓળખ થઈ હોવાનું લેખિતમાં સ્વીકાર્યું છે. તેમાં પણ અડધોઅડધ કરતાં વધુ, ૩૭,૩૭૯ના આંક સાથે, યુ.પી. અવ્વલ છે. સરકારી સંસ્થા “નેશનલ સફાઈ કર્મચારી ફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન”ના ૨૦૧૩ના ૧૩ રાજ્યોના સર્વેમાં હાથથી મળસફાઈ કરનારાનો આંક ૧૪,૫૦૫ દર્શાવ્યો છે. ૨૦૧૮-૧૯માં ૧૮ રાજ્યોના ૧૭૦ જિલ્લાના ૮૭,૯૧૩ લોકોની હાથથી મળસફાઈ કરનારા તરીકે ઓળખ થઈ હતી. પરંતુ રાજ્ય સરકારોને તે સ્વીકાર્ય નહોતી. એટલે ૧૪ રાજ્યોના ૮૬ જિલ્લાના ૪૨,૪૦૩ની ઓળખ જ માન્ય રહી હતી. બિહાર, હરિયાણા, જમ્મુ-કશ્મીર અને તેલંગણાએ પોતાના રાજ્યમાં મેન્યુઅલ સ્કેવેન્જર્સ હોવાનો જ ધરાર ઈનકાર કર્યો છે. હવે ૨૦૨૦ના અંતે સરકાર તે વધીને ૬૬,૬૯૨નો થયાનું જણાવે છે. દેશમાં વિકાસ અને આધુનિકતાની, રેકર્ડ સમયમાં કોરોનાની રસી શોધ્યાની, ગુલબાંગો પોકારાય છે પણ મહાનગરો-નગરો અને ગામડાંઓમાં ગટરો અને ખાળકૂવા સાફ કરવા માટેનાં યંત્રો શોધાતાં નથી, શોધાયાં હોય તો ખરીદાતાં નથી અને ખરીદાયાં હોય તો વપરાતાં નથી.
૧૯૯૩ અને ૨૦૧૩ના સૂકા જાજરૂ બનાવવા પ્રતિબંધ ફરમાવતા અને ગટરસફાઈ સહિતની હાથથી થતી મળસફાઈને ગેરકાયદે ઠેરવતા કાયદા થયા છે. કાયદામાં દોષિતોને જેલ અને દંડની સજાની જોગવાઈ છે પરંતુ ખાનગી ધોરણે જ નહીં સરકારી તંત્રોમાં પણ હાથથી મળસફાઈ અને ગટર સફાઈ કરાવવામાં આવી રહી છે અને સંસદમાં કહેવાયું છે તેમ આખા દેશમાં એક પણ વ્યક્તિને સજા થઈ નથી ! પૂર્વ ક્રિકેટર અને દિલ્હીના બી.જે.પી. સાંસદ ગૌતમ ગંભીરના પૂરક પ્રશ્નના જવાબમાં લોકસભામાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે સરકાર હાથથી થતી મળસફાઈ માટે કોઈ નવો કાયદો ઘડવાની નથી કે હાલના કાયદામાં કોઈ સુધારો પણ કરવાની નથી. મંત્રીમહોદયની વાત સોઆની સાચી છે. કોઈ કડક કાયદો ઘડવાની નહીં, વર્તમાન કાયદાનો અમલ કરાવવાની જરૂર છે. કાયદા હેઠળ દોષિત ઠરેલ કોઈ એકાદને પણ દંડ અને સજા કરાવવાની જરૂર છે.
યંત્રોથી જ સફાઈ કરવાની રાષ્ટ્રીય નીતિ સરકાર ઘડી રહી હોવાનું સંસદને જણાવાયું છે. ગયા વરસના બજેટ ભાષણમાં નાણાં મંત્રી નિર્મલા સિતારામને કહ્યું હતું કે “અમારી સરકાર એ વાતે પ્રતિબધ્ધ છે કે ગટરની સફાઈ વ્યક્તિ દ્વારા ન જ કરવી. આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય ગટરોની સફાઈ યંત્રો દ્વારા કરાવવાની ટેકનિક શોધી રહી છે. સરકારના આ વિભાગો દેશની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના સતત સંપર્કમાં છે. જેથી તેઓ ગટર સફાઈની ટેકનિક અપનાવે. આ યોજનાનો કાનૂની અમલ કરવા સાથે ભારત સરકાર રાજ્યોને આર્થિક મદદ પણ કરશે.” નાણાં મંત્રીની આ ઘોષણા પછી દેશના કેટલા મહાનગરો-નગરોમાં ગટર સફાઈ માટે યંત્રો અપનાવાયાં કે ઘરેઘરે શૌચાલયો બની ગયાં તે તપાસનો વિષય છે. પણ હા, હજુ ય ગટરસફાઈ કરતાં દલિતોના મરણ થઈ રહ્યાં છે.
રાજકીય ઈચ્છાશક્તિ વગરની સરકારો અને સંવેદનહીન સરકારી બાબુઓ આ બાબતે શું કરી શકે છે તેનું ઉદાહરણ તાજેતરમાં ગુજરાતમાં જોવા મળ્યું છે. રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારો પાસે ફલશ કે પાણીબંધ જાજરૂ હોવાની બાંહેધરી માંગી હતી. તેનો અર્થ એ કે જનપ્રતિનિધિ બનવા માંગતી વ્યક્તિના ઘરે પણ પાણીસહિતના જાજરૂ ન હોવાની વાત સરકાર સ્વીકારે છે. અમદાવાદની મહાનગરપાલિકાના કમિશનરે તાબાના અધિકારીઓને લેખિત સૂચના આપી છે કે હવેથી સરકારી દસ્તાવેજ અને પત્રોમાં ગટરો માટે ‘મેનહોલ’ને બદલે ‘મશીનહોલ’ શબ્દનો જ ઉપયોગ કરવો ! ભલે માણસોને અંદર ઉતારીને ગટરો સાફ કરાવાય પણ ગટરો ‘મશીનહોલ’ કહેવાશે. ઘરે જાજરૂ ના હોવાની સજા વ્યક્તિને ચૂંટણી લડતા અટકાવીને કરાશે.
ભારતનું બંધારણ પ્રત્યેક નાગરિકને ગરિમાપૂર્ણ જીવનનો અને સન્માનજનક રોજગારનો અધિકાર આપે છે. છતાં દલિતોને જ સફાઈનું નિમ્ન ગણાતું કામ કરવું પડે છે. તેમને સન્માનજનક વૈકલ્પિક રોજગાર આપી તેમનું પુનર્વસન કરવાનું કામ સરકારનું છે. આ બાબતમાં સરકારી સંવેદના કેવી છે તેના પુરાવા પણ બહુ દૂર શોધવા જવાની જરૂર નથી. ગટરકામદાર કે હાથથી મળસફાઈ કરનાર વ્યક્તિના કુટુંબના કોઈ એક સભ્યને સ્વરોજગાર માટે રૂ. ૪૦,૦૦૦ની આર્થિક સહાય, મહિને રૂ.૩,૦૦૦ની સહાય સાથે બે વરસ સુધી કૌશલ્યવિકાસની તાલીમ અને સ્વરોજગાર માટે રૂ.૩.૨૫ લાખ સુધીની લોનની રૂપાળી યોજના કાગળ પર જ છે. કેન્દ્રના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની સ્થાયી સમિતિના લોકસભામાં રજૂ થયેલા દસમા અહેવાલમાં જણાવ્યા મુજબ પુનર્વસન માટે લાયક ૪૮,૬૮૭ મેન્યુઅલ સ્કેવેન્જર્સમાંથી માત્ર ૩૦,૨૪૬ને જ પુનર્વસન માટે રોકડ સહાય મળી છે. તેમના કૌશલ્ય વિકાસ માટેની તાલીમ કે ગરિમાપૂર્ણ વૈકલ્પિક વ્યવસાયનું સર્જન કરવામાં આવ્યું નથી.
કેન્દ્રના ૨૦૧૭-૧૮ના અંદાજપત્રમાં પુનર્વસન માટે માત્ર રૂ.૫ કરોડની જોગવાઈ હતી. ૨૦૧૯-૨૦માં રૂ.૧૧૦ કરોડની જોગવાઈ સામે બજેટ ફાળવણી રૂ.૮૪.૮૦ કરોડની જ થઈ હતી. ૨૦૨૦-૨૧માં ફરી એ જ રૂ.૧૧૦ કરોડની બજેટ જોગવાઈ તો કરી પણ છ મહિના સુધી એક પણ રૂપિયાની ફાળવણી થઈ નહીં. હવે સુધારેલા અંદાજમાં ૧૧૦ કરોડની ફાળવણી ઘટાડીને રૂ.૩૦ કરોડની અને ગયા વરસની રૂ.૧૧૦ કરોડની જોગવાઈમાં ઘટાડો કરીને ૨૦૨૧-૨૨ના બજેટમાં રૂ.૧૦૦ કરોડની જોગવાઈ કરી છે એટલે એક જ વરસમાં બજેટ જોગવાઈમાં ૭૩ ટકાનો કાપ કર્યો છે. સફાઈ કામદારોના પુનર્વસનનો જેમાં સમાવેશ થતો નથી તે સ્વચ્છ ભારત મિશનના ૨૦૨૦-૨૧ના બજેટની રૂ.૧૨,૩૦૦ કરોડની જોગવાઈ સુધારેલા અંદાજમાં ઘટીને રૂ.૭,૦૦૦ કરોડ થતાં તેમાં પણ ૪૩ ટકાનો કાપ મુકાયો છે. નવા નાણાકીય વરસમાં સ્વચ્છ ભારત મિશનની બજેટ જોગવાઈમાં એક પણ રૂપિયાનો વધારો કર્યો નથી.
ભારે આર્થિક અને તીવ્ર સામાજિક અસમાનતા ધરાવતા આપણા દેશમાં સમાજના નબળા કે હાંસિયાના વર્ગોના કલ્યાણનો ખ્યાલ વિકાસ, સશક્તિકરણ અને હવે અધિકારિતા અને ન્યાય જેવા રૂપાળા શબ્દોમાં બદલાઈ રહ્યો છે. પણ શબ્દોનો બદલાવ તેમના જીવનને બદલી શકે એવી આર્થિક જોગવાઈઓ અને યોજનાઓ, સામાજિક માહોલ અને રાજકીય ઈચ્છાશકિતનો ભારોભાર અભાવ પ્રવર્તે છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયનો ૨૦૧૯-૨૦નો બજેટ ખર્ચ રૂ.૮,૭૧૨.૬૧ કરોડ હતો. ૨૦૨૦-૨૧નું બજેટ અનુમાન રૂ.રૂ.૧૦,૧૦૩.૫૭ કરોડ હતું જે સુધારેલા અંદાજોમાં રૂ. ૫૦૫.૦૮ કરોડ ઘટાડીને રૂ.૮૨૦૭.૫૩ કરોડનું થઈ ગયું છે. હવે નવા બજેટમાં ગત વરસના અનુમાનમાં સામાન્ય વધારો કરીને રૂ.૧૦,૫૧૭.૬૨ કરોડની જોગવાઈ થઈ છે. દલિતોની વસ્તીના પ્રમાણમાં બજેટ ફાળવણી થતી નથી. વધુ આંચકાજનક બાબત તો એ છે કે આ વરસની બજેટ સ્પીચમાં ફાઈનાન્સ મિનિસ્ટરે શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઈબ સબપ્લાનનો કોઈ ઉલ્લેખ જ કર્યો નથી.
જે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે તે પૈકીના ચાર પશ્ચિમ બંગાળ, કેરળ, અસમ અને તમિલનાડુ માટે મોટી બજેટ જોગવાઈ થઈ છે. આ બજેટ જોગવાઈ રાષ્ટ્રીય રાજમાર્ગોના નિર્માણ, મેટ્રો, ટેકસટાઈલ પાર્ક, સમુદ્રી શેવાળ પાર્ક માટે કરી છે. દેશની રાજધાની દિલ્હીના ૩૦ ટકા વિસ્તારમાં આજે ય ગટર લાઈન નથી. આ ચાર રાજ્યોનાં મહાનગરો-નગરોની સ્થિતિ કંઈ દિલ્હી કરતાં સારી નથી. ત્યારે ગટરલાઈન માટે કોઈ બજેટ જોગવાઈ નથી. સ્માર્ટસિટી તો બનાવવાં છે, પણ સ્માર્ટ સેનિટેશન નહીં. દેશને ખુલ્લામાં શૌચમુક્ત કરવા સાથે જેમના માથે સફાઈનું કામ મારવામાં આવ્યું છે તેમને મુક્ત કરી ગરિમાયુક્ત રોજગાર માટેના નક્કર પગલાં અને યોજના કેમ વિચારાતાં નથી ?
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2021; પૃ. 10-11