‘ડોનેટ બુક્સ’ એવું મેં પહેલી વાર સાંભળ્યું – પુસ્તકોનું દાન કરો.
સારું લાગ્યું. એક રીતે જોતાં, એ વિદ્યાદાન છે, પુણ્યનું કામ કહેવાય. વાંચવાની તીવ્ર ઈચ્છા હોય, પણ પુસ્તક ખરીદવાની પ્હૉંચ ન હોય, નજીકમાં પુસ્તકાલય ન હોય, એ વ્યક્તિને પુસ્તકનું કોઈ દાન કરે, એથી રૂડું શું?
અમદાવાદમાં મહિનાના અમુક દિવસે પુસ્તકની ‘પરબ’ મંડાય છે. આમ્સ્ટર્ડામમાં લોકો પોતાના ઘરના ઓટલે પુસ્તકો મૂકી દે છે – જેને જે ગમે, ફ્રીમાં લઈ જઈ શકે છે. અમેરિકામાં કેટલીક લાઈબ્રેરીઓ અમુક પુસ્તકો નાખી દેવાના ભાવે વેચે છે. કશું મફતમાં આપવું એ દેશને નથી ગમતું.
એટલે, ‘ડોનેટ બુક્સ’ પ્રયોગ ગમ્યો. પણ પછી થોડીક અકળામણ થઈ. હું માલિયાને ૧૦ પુસ્તકોનું દાન કરું. એ ૧૦નું દાન માલિયો પોતાને ત્યાંનાં ૧૦ ઉમેરીને આલિયાને કરે. અને એ ૨૦નું દાન આલિયો પોતાનાં ૧૦ ઉમેરીને કોઈ ટૉમ ડિક કે હૅરિને કરે … એમ દાન-પ્રવાહ વિસ્તરતો ચાલ્યા કરે. દાનવીરોને સંતોષ થાય.
એ બધું, માનો કે બરાબર છે, પણ એ બધાં પુસ્તકો છેલ્લે કોની પાસે જાય? પસ્તીવાળા પાસે; સાવ છેલ્લે, પેપરમિલમાં ! કાગળ પર છપાયેલું ભાવજગત અને જ્ઞાનજગત કાયમ માટે ખતમ થઈ જાય. કાગળના કૂચાભેગો એનો ય કૂચો !
એક કહેવત છે – ‘બાઈ બાઈ ચાળણી કિસ કે ઘેર’. આ કહેવત મારી બા અવારનવાર વાપરતી. (‘બાઈ બાઈ ચાળણી’ નામની એક રમત પણ છે). એ જમાનામાં અડોશપડોશમાં વાટકી-વ્હૅવાર તો ખરો જ પણ ચીજવસ્તુઓની આપ-લેનો વ્યવહાર પણ બહુ ચાલતો. રમીબેનને ત્યાં સૂપડું ભાંગી ગયું હોય ને તાત્કાલિક જરૂર પડી હોય તો શમીબેનને ત્યાં જઈને માગી શકે. શમીબેનને ત્યાં ચાળણી જડતી ન હોય અને ચાળ્યા વિના ચાલે એવું ન હોય તો એ રમીબેનને ત્યાં જઈને માગી શકે. બને એવું કે એ પછી એ જ ચાળણી ભીખીબેન લઈ ગયાં હોય ને ભીખીબેન પાસેથી એ જ ચાળણી જીવકોરબા લઈ ગયાં હોય ને પછી પણ કોઈ બીજાં બેન કે બીજાં બા …
આ બધી બાઈઓ વચ્ચે ફરતી થઈ ગયેલી એ ચાળણી બિચારી છેલ્લે કિસ કે ઘેર, એની ખબર ન પડે.
કોઈ વાતે જવાબદાર ન હોઈએ બલકે સરળ હોઈએ ને હળવાશ ને સલુકાઈથી, થાય એ થવા દઈએ એથી વિમાસણ થાય પણ રમૂજ પણ થાય – એ બધું આ કહેવતથી સૂચવાય છે.
પુસ્તકદાન વિશે, એવું બને કે – બાઈ બાઈ ચૉપડી કિસ કે ઘેર … મારે એક વાર એવું બનેલું. મારું “સુરેશ જોષીથી સુરેશ જોષી” પુસ્તક મેં એક વિદ્વાનને દાન કરેલું ન જ કહેવાય, મારે કહેવું જોઈએ કે મેં ભેટ આપેલું. પણ એ એમણે કોઈ બીજાને આપ્યું હશે અથવા બીજો વાંચવા લઈ ગયો હશે ને એ બીજાએ કોઈ ત્રીજાને આપ્યું હશે અથવા એ ત્રીજો વાંચવા લઈ ગયો હશે. છેલ્લે એ પુસ્તક એક જાહેર લાઈબ્રેરીમાં પ્હૉંચી ગયેલું. પહેલી આવૃત્તિની એ વિરલ નકલ હતી. મને એ વાતની ખબર ન પડત પણ મને એ જ આવૃત્તિની ખાસ જરૂર પડેલી. ઘરમાં એની નકલ હતી નહીં. મેં મારા વિદ્યાર્થીમિત્રને કહેલું કે લાઈબ્રેરીમાં જા ને લઈ આવ. એ લાવ્યો ને મેં જોયું તો એ એ જ નકલ હતી જે મેં પેલા વિદ્વાનને ભેટ કરેલી ! પુસ્તકના પહેલા કોરા પાને વિદ્વાનશ્રીનું શુભ નામ ને ‘સપ્રેમ’ લખીને મેં કરેલી ‘સુમન શાહ’ સહી, નીચે તારીખ, બરાબર એમ જ હતાં !
મને સારું લાગેલું – જાણે સાંજ પડતાં ગાય ધણીને ત્યાં પાછી આવી ! પણ બીજી જ પળે સારું નહીં લાગેલું, ખાવાનું ભાવેલું નહીં. મને વ્હૅમ પડેલો કે એમણે વાંચ્યું જ નહીં હોય; લાઇબ્રેરીમાં જાતે જ પધરાવી આવ્યા હશે!
કોઇએ મને શર્ટ ભેટમાં આપ્યું હોય, હું એને પ્હૅરી બતાવું – મને અને એને, બન્નેને, કેટલું સારું લાગે ! પણ એ શર્ટ હું પ્હૅરું જ નહીં ને કોઈ બીજાને આપી દઉં તો? તો તો એ બેવફાઈ કહેવાય, પેલાની મશ્કરી ! મને થયેલું, વિદ્વત્તા આવી બેશરમ શી રીતે હોઈ શકે.
કહેવાય છે – સુપાત્રે દાન. દાન મેળવનારને પાતા કહેવાય. પાતા સુપાત્ર હોવો જોઈએ. પણ પાતા એમ છે કે કેમ તેની ખાતરી કર્યા વિના તમે ‘ડોનેટ બુક્સ’ સુવચનને વરીને દાન પર દાન કર્યા કરો, એનો અર્થ શું? એ જ કે વધી પડેલાં કે અણગમતાં કે બિનજરૂરી પુસ્તકો તમે બીજાને વળગાડ્યાં, તમારે ત્યાં સાફસૂફી કરી !
સુપાત્ર પાતાથી કે વિદ્વાનથી જો પુસ્તક ફાટી ગયું હોય કે ખોવાઈ ગયું હોય તો નકલ ખરીદીને પણ પાછું આપી જાય છે – નવું પૂઠું ચડાવીને. પણ ગુણિયલ પાતા કે વિદ્વાન તો એ છે જે વાંચીને પુસ્તકને પોતાના મન-હૃદયમાં વસાવી લે છે. મન-હૃદયમાં વસાવીએ તે પુસ્તક, બાકી તો, છાપેલા ને બાંધેલા કાગળ !
પુસ્તક જાંગડથી પણ અપાતાં હોય છે. અજમાવી જોવાનું. મુમ્બઈવાળા મારા મિત્ર મહેન્દ્રભાઈ થૅલો ભરીને આવે ને હું પસંદ કરું એટલાં મૂકી જાય. બીજી વાર આવે ત્યારે મેં અજમાવી જોયેલાં પુસ્તકોનો હિસાબ થાય. ડોનેટ; પણ બેટર એ કહેવાશે – ગિવ અ ટ્રાય. ડોનેટ; પણ બેટર એ કહેવાશે – બાય બુક્સ. પોતાના પૈસે ખરીદો. ડોનેટ; પણ બેટર એ કહેવાશે – ગિફ્ટ બુક્સ. ભેટમાં આપો. બૉરો બુક્સ. ઉછીપાછી કરો. લૅન્ડ બુક્સ. ઉધારી કરો. એમ પણ કહેવાયું છે – સ્ટીલ બુક્સ. ચોરીચપાટી કરો.
પણ બેસ્ટ તો એ જ કહેવાશે – રીડ બુક્સ. જ્યારે જ્યાંથી મળે, બસ વાંચો, વંચાય એટલું વાંચો, વારંવાર વાંચો. બુકસ આર મેડ ટુ રીડ.
દુનિયાના મહાન સાહિત્યકારોએ પોતાના પુરોગામી મહાન સાહિત્યકારોને વાંચ્યા હોય છે. અત્યારે મને દૃષ્ટાન્ત યાદ આવે છે, દૉસ્તોએવસ્કીનું. એમની સૃષ્ટિ દર્શાવે છે કે એમણે શેકસ્પીયરને ઝીલ્યા છે, પચાવ્યા છે. અરે, એમણે પોતા માટે શેક્સપીયરનો સ્કૅચ કરેલો ! એ દૉસ્તોએવસ્કીને વર્જિનિયા વૂલ્ફે વાંચ્યા છે. વર્જિનિયાની સૃષ્ટિને ઍલન જિન્સબર્ગથી માંડીને બૅકેટ કે માર્ક્વેઝ જેવા મહાન સાહિત્યકારોએ પચાવી છે. મહાકવિ વાલ્મીકિને તુલસીદાસે તેમ જ રવીન્દ્રનાથે માત્ર વાંચ્યા નથી, હૃદયસ્થ કર્યા છે, ચિત્તસાત્ કર્યા છે. અને રવીન્દ્રનાથને તો કેટલા બધા સાહિત્યકારોએ …
હું હમેશાં મારા વિદ્યાર્થીઓને કહેતો, ઘાસફૂસ જેવા લેખકોને ન વાંચો, ન-છૂટકે વાંચવા પડ્યા હોય, તરત ભૂલી જાઓ. નીવડેલા મહાનને જ વાંચો. મહાન પુરોગામીઓ પાસેથી હમેશાં ઘણું શીખી શકાય છે.
Picture Courtesy: 123RF
જો કે મારો પ્રિય કવિ રુમિ એટલે લગી કહે છે કે દોસ્ત, વાંચીને તું શીખી શકીશ ખરો, પણ સમજી નહીં શકે. પુસ્તકને સમજવા પ્રેમ જોઈશે. વાત સાચી છે, પ્રેમથી વાંચીએ છીએ તો જ પમાય છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રી જ્યારે એમ કહે છે કે કાવ્ય કાન્તાની જેમ ઉપદેશ આપે છે, ત્યારે એ એમ પણ સૂચવે છે કે વાચકે કાન્તની જેમ કાન્તાને કાન ધરવો જોઈશે. કાવ્યને રસથી સાંભળવું જોઈશે. સાચું છે, જડભરતની જેમ ઉતાવળે ઉતાવળે પતાવી જાય એ કેમ ચાલે?
કાન્તા એટલે પ્રિયા, કાન્ત એટલે પ્રિયતમ. પ્રિયતમ પ્રિયાને કે પ્રિયા પ્રિયતમને વાંચી બતાવે અને બન્ને વ્હાલથી એકમેકને સમજાવે, ભલે ને સૂતાં સૂતાં, એ સુખદાયી ઘટના આ મુશ્કેલ સમયમાં પણ સહજ છે – જો દાનત હોય તો.
= = =
(March 6, 2021: USA)