ડોલ્યાં અચાનક દ્રુમો હળવે હસીને. 
આવ્યાં વળી વિહગ મત્ત થઈ ધસીને: 
કોઈ કરે શ્રમ કરે રવ કોઈ ખાસા, 
ઊડે જરા, વિટપે ઠરતાં ય પાછાં, 
કો પ્રેમથી રત પરસ્પર ચંચ મારે, 
કો રાગથી સભર પંખ જરા પ્રસારે, 
કોઈ કરી નયન બંધ અવાક ઝૂલે
કોઈ કરે રતિ અને સઘળુંય ભૂલે
આજે વળી પવન હૂંફ જરાક રેલે 
ને છેલ થૈ સુરભિ સંગ ધરાર ખેલે. 
જયાં જોઉં રંગ વરતાય ત્યહીં અનોખા. 
લાગે કશુંક સમ, છો સહુ તત્ત્વ નોખાં. 
આ શા મિષે? ન સમજાય હજી મને કૈં, 
મેધા સતર્ક થઈ મૂળ સમું મળે કૈં! 
—
પ્રગટ : "કવિલોક", માર્ચ-એપ્રિલ ૨૦૦૩, પાના નંબર – ૩
e.mail : umlomjs@gmail.com
 

