Opinion Magazine
Number of visits: 9449306
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રજનીશઃ જરાસંધી વ્યક્તિત્વ!

હરેશ ધોળકિયા|Opinion - Opinion|16 February 2021

ગઈ સદીના છઠ્ઠા દાયકામાં, કૉલેજમાં ભણતા હતા ત્યારે, ૧૯૬૪-૬૫ દરમિયાન, ત્યારે જ થોડા સમય પહેલાં (૧૯૬૧માં) ખૂલેલી સરકારી લાઈબ્રેરીમાં રોજ જવાનો ક્રમ હતો. વાંચવાનો ગાંડો શોખ. તેમાં પાછી એક નવી લાઇબ્રેરી ખૂલી હતી. એક એક કબાટ નવાં તાજાં પુસ્તકોથી છલકાતો હતો. પુસ્તકોમાંથી સુગંધ આવે. તે શરૂ થયાના સમયથી થોડા જ સમય પછી તેના સભ્ય થઈ ગયેલ અને દરરોજનાં બે પુસ્તક વાંચવાનો લહાવો લેતો હતો. દરરોજ બપોરે લાઇબ્રેરી ખૂલે કે અમે બે મિત્રો બારણાં પાસે જ ઊભા હોઈએ. પટાવાળો પ્રવેશે તે પહેલાં અમે દોડીને અંદર ઘુસી જતા અને કબાટ પાસે ઊભા રહી ઝીણી આંખે પુસ્તકોનાં નામ વાંચવાનો પ્રયાસ કરતા. પછી કબાટ પાસે જ ઊભા રહી એક પુસ્તક પૂરું કરતા અને બીજું ઘેર વાંચવા માટે લઈ લેતા. પછી વાચનાલયમાં જતા અને સામે પડેલ અનેક વૈવિધ્યસભર મૅગેઝિનો પર નજર કરતાં જ ઘોડા જેમ હણહણી ઊઠતા અને દોડીને એક ખુરશી પર બેસી જઈ ત્યાં પડેલ મૅગેઝિન વાંચવાનું શરૂ કરી દેતા. છેક સાંજે સાડા છ વાગ્યે લાઇબ્રેરી બંધ થાય ત્યારે સૌથી છેલ્લા બહાર નીકળતા. પાછા બીજા દિવસે હાજર. અને કયાં મૅગેઝિન વાંચતા, તે બાબતે અમે સેક્યુલર હતા. બધામાં રસ હતો. એટલે ‘નવનીત’ કે ‘કુમાર’ જેવાં તો વાંચીએ જ, પણ સાથે મુસ્લિમોનું ‘આબેહયાત’ કે કોઈ ખેતીવાડીનું મૅગેઝિન કે શ્રી અરવિંદ આશ્રમનાં બે અઘરાં મૅગેઝિનો ‘દક્ષિણા’ કે ‘મધર ઇન્ડિયા’માં પણ માથું મારતા. ટૂંકમાં, અમે બધાં જ મૅગેઝિનો, સમજાય કે ન સમજાય, વાંચતા. નોકરી શરૂ કરી ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેલ.

આ મૅગેઝિનોમાં એક ટચૂકડું મૅગેઝિન હતું ‘દર્શન’. જાણીતા કવિ કરસનદાસ માણેક તેના તંત્રી. સરસ નાના લેખો આવે. વાંચવા ગમે તેવા. તે વાંચીએ. એક વાર તે લેખો વાંચતો હતો, ત્યાં અચાનક એક લેખ વાંચી ચમકી જવાયેલું કે ઓહો, આવો અદ્‌ભુત લેખ કોણે લખ્યો હશે? નામ વાંચ્યું તો લખ્યું હતું ‘આચાર્ય રજનીશ.’ આકર્ષાઈ ગયા. પછી તો દર મહિને તેમનો લેખ શોધવા લાગ્યા. અને સદ્‌ભાગ્યે મળે જ. એકએકથી ચડિયાતા લેખો. અદ્‌ભુત ભાષા, અદ્‌ભુત સમજાવટ. ડોલી જવાય. થોડા સમય પછી તો ‘નવનીત-સમર્પણ’ મૅગેઝિનમાં પણ તેના લેખો આવવા લાગ્યા. આ લેખ પાછળ પાગલ થવાતું ગયું. તેમના વિશે તપાસ કરી તો જાણવા મળ્યું કે તે મધ્ય પ્રદેશની કોઈ કૉલેજમાં પ્રોફેસર હતા. અમે તેમનાથી મોહિત થતા ગયા.હું તો ખાસ.

૧૯૬૮-૬૯ આસપાસ તેમનું પ્રથમ હિન્દી પુસ્તક પ્રકાશિત થયું : ‘સંભોગ સે સમાધિ તક.’ ડરતાં ડરતાં હાથમાં લીધું, પણ વાંચતો ગયો તેમતેમ નાચતો ગયો. લીટીએ લીટી કલ્પનાતીત સૌંદર્યથી છલકાયેલી. પછી તો તે અન્ય મિત્રોને પણ વાંચવા કહ્યું. અરે, ત્યારના વિદ્યાર્થીઓને પણ વંચાવ્યું. બધાએ વધાવ્યું. હું સંગીત શીખતો હતો તે ગુરુને પણ વંચાવ્યું. તે તો વાંચી તરત તેમના શિબિરમાં નારગોલ ચાલ્યા ગયા અને સંન્યાસી થઈને જ આવ્યા. ’૬૯-‘૭૦માં અલિયાબાડામાં બી.એડ્‌. કરવા ગયા, ત્યારે ગાંધીશતાબ્દી નિમિતે તેમનાં પ્રવચનો વાંચ્યાં. ગાંધીની વિરુદ્ધ લખતા. છતાં ગમતાં. ૧૯૭૦માં, અમારી પરીક્ષાને ચાર દિવસ બાકી હતા ત્યારે રાજકોટમાં પ્રવચનાર્થે આવ્યા. વાંચ્યું કે ડોલી ઊઠયા કે વાહ ! દર્શન કરવા મળશે. કૉલેજના આચાર્યની વિરુદ્ધ જઈ સાંભળવા ગયા અને ધન્ય થઈ પાછા આવ્યા. પછી તો સંગીતગુરુએ જે નવું પુસ્તક પ્રકાશિત થાય તે મંગાવવાનું શરૂ કર્યું. તેમની પાસે આવે ત્યારે રેપર જ હું ખોલું અને પ્રથમ હું જ વાંચું. તેઓ પ્રેમથી વાંચવા આપે. આમ એક પછી એક પુસ્તક વંચાતાં ગયાં, તેમના મય થવાતું ગયું. તેમના વિચારો લોહીમાં પ્રવેશી ગયા. અજ્ઞાતપણે ગુરુ બની ગયા. અલબત્ત, સંન્યાસી તો ન જ બન્યો. તેમનાં લગભગ પુસ્તકો ૭૦-૮૦ના દાયકામાં વંચાઈ ગયાં. પછી તો તે વિવાદી બનતા ગયા. તેમના પ્રત્યે વિરોધ વધતો ગયો. છતાં મારા લેખોમાં તેમનો પ્રચાર હું ખુલ્લી રીતે કરતો. ક્યારેક જોખમનો સામનો પણ કરવો પડતો. પણ અનેક મિત્રોને તે વાંચતા કર્યા. પછી ધીમે-ધીમે છૂટતા ગયા. તેમનાં પ્રવચનો પણ ઘટતાં ગયાં. તે અમેરિકા ચાલ્યા ગયા. તે ગૌણ બનતા ગયા. અલબત્ત, આદર અક્ષુણ્ણ રહ્યો. તેમના નિમિત્તે બીજા પણ અનેક વિચારકોનો પરિચય થયો.

પછી થોડાં વર્ષ પછી ગુજરાતી નવલકથાકાર અશ્વિન ભટ્ટે તેમના પર એક નવલકથા ’અંગાર’ નામે બહાર પાડી. તેમાં તેમના આશ્રમમાં ચાલતા અનેક ગોરખધંધા બતાવ્યા. ભારે ઊહાપોહ થયો, પણ અમારા પર ખાસ અસર ન થઈ.

વર્ષો વીતતાં ગયાં. થોડાં વર્ષો પહેલાં અચાનક મુંબઈથી એક મિત્રનો ફોન આવ્યો કે મારે નેટફિલાક્સ પર ‘વાઇલ્ડ વાઇલ્ડ કંટરી’ નામે એક છ કલાકનો કાર્યક્રમ જોવો. કારણ પૂછતાં જવાબ મળ્યો કે રજનીશના અમેરિકાના નિવાસ બાબતનો પ્રસંગો છે. મારી પાસે તો નેટફિલક્સ ન હતું. તેથી જોવાનો સવાલ જ ઊભો ન થયો. વાત પૂરી થઈ. પણ તે પછી ફરી થોડા સમય પછી એક જૂના વિધાથીએ કહ્યું કે તેણે આ છ કલાકના કાર્યક્રમને ડાઉનલોડ કર્યો હતો અને જોવો હોય તો તેની પાસે હતો. હા પાડતાં તે કમ્પ્યૂટરમાં ડાઉનલોડ કરી ગયો. સમયનો અભાવ એટલે તરત તો ન જોઈ શક્યો, પણ પછી જિજ્ઞાસા સળવળતાં એક કાર્યક્રમ જોવા વિચાર્યું. ગમશે તો બીજા જોવા એમ નક્કી કર્યું.

અને પહેલો એપિસોડ જોવાનું શરૂ કર્યું. જેમજેમ તે આગળ વધતો ગયો, તેમતેમ ફાળ પડવા માંડી. વર્ષોથી ઊભી કરેલ છબીમાં તીરાડ પડવાની શરૂઆત થઈ. હિમાલય પીગળવા લાગ્યો. તેનું કદ નાનું થવા લાગ્યું. બધા એપિસોડ જોયા. હચમચી જવાયું. બધા ખ્યાલો ઊંધા વળી ગયા. આજ સુધીનો મજબૂત માનેલ કિલ્લાના કાંગરા અચાનક ખરવા લાગ્યા. મૂંઝાઈ જવાયું, પણ ચૂપ રહ્યો.

આ એપિસોડોમાં મુખ્ય પાત્ર હતી મા શીલા. રજનીશની બીજી સેક્રેટરી. તે જ તેમને ભારતમાંનાં તેમનાં કૌભાંડોથી બચાવવા અમેરિકા તેડી ગઈ. ત્યાં ઓરેગન રાજ્યમાં રજનીશપુરમ્‌માં નગર જ વસાવ્યું. હજારો સંન્યાસીઓ ત્યાં વસ્યા. પણ આ સમગ્ર પ્રક્રિયા ગેરકાનૂની રીતે અને હિંસક રીતે અને ત્યાંના સ્થાનિકો પર ત્રાસ ગુજારી કરી, તેથી અમેરિકામાં હાહાકાર થઈ ગયો. રજનીશ પર કેસ ચાલ્યા. તેમને અને શીલાને જેલમાં જવું પડ્યું. રજનીશને તો હદપાર કર્યા અને તેમને ફરી ભારતમાં આવવું પડ્યું. તે નિરાશ થઈ ગયા. શીલાએ રજનીશ છોડી દીધા. તે જર્મની અને પછી આજે સ્વિટ્‌ર્લૅન્ડમાં નિવૃત્તિમાં રહે છે. ભયંકર હપ્તાઓ હતા. શ્રદ્ધાના પાયા હચમચાવી દીધા. એક બાજુ તેમની પ્રજ્ઞા પર આત્યંતિક આદર અને બીજી બાજુ આ દશ્યો – મગજ વિચલિત થઈ ગયું.

કદાચ ત્યાં વાત અટકી જાત, પણ થોડા સમય પહેલાં એક છાપામાં પુસ્તક રિવ્યૂમાં અચાનક એક પુસ્તક પર નજર પડી. નામ ‘નથિંગ ટુ લૂઝ.’ જોયું તો મા શીલાનું ચરિત્ર હતું. ફરી જિજ્ઞાસા સળવળી ઊઠી. થયું કે સંભવ છે, આમાં કશુંક નવું જાણવા મળે જે આશાસ્પદ હોય. એટલે મિત્ર દ્વારા તરત મંગાવી લીધી અને આવતાંવેત વાંચવાનું પણ શરૂ કરી દીધું. પણ ફરી જેમજેમ વાંચતો ગયો, તેમ વધારે ને વધારે પરસેવો વળતો ગયો. આદરનો મહેલ કડકભૂસ થઈ ગયો ..

આમ તો પુસ્તકમાં શીલાનું ચરિત્ર છે. તે પણ સોળમા વર્ષે રજનીશના આકર્ષણમાં આવી ગઈ. તેનામય થઈ ગઈ. અમેરિકા ભણવા ગઈ અને ત્યાં લગ્ન પણ કરી લીધાં. બન્ને રજનીશની સેવામાં પડી ગયાં. તેના માટે બધું છોડી દીધું. સંન્યાસી થઈ ગયાં. શીલા ‘મા આનંદ શીલા’ બની ગઈ. તન-મન-ધનથી તે રજનીશની બની ગઈ !

સમય જતો ગયો તેમતેમ રજનીશ બદલાવા લાગ્યા. વાતો ભલે ઊંચી ઊંચી કરતા હતા અને બધાને મોહ પમાડતા હતા, પણ પોતે વૈભવ અને શરીરમાં ફસાતા ગયા. અનેક ઘડિયાળો, મોટરકારો, રોલ્સરોયના કાફલા ને કાફલા ખરીદતા ગયા. અનેક સ્ત્રીઓ સાથે સંબંધ બાંધતા રહ્યા. તેમને પૂના નાનું પડવા લાગ્યું. પૂના પણ તેમના આ વ્યભિચારથી ત્રાસી ગયું. આ બધું શીલા જોતી હતી. તે સમજતી હતી, પણ મોહ તેને પણ બેભાન રાખતો હતો. છેવટે તેણે નક્કી કર્યું કે તેમને અમેરિકા જ તેડી જવા. ત્યાં ગઈ. યોગ્ય વિસ્તાર શોધ્યો. ત્યાંના બધા જ કાયદાઓ તોડી રજનીશપુરમ્ ‌બનાવ્યું. અમેરિકાના અધિકારીઓને પણ લાંચ-લાલચ વગેરે જાળમાં ફસાવ્યા. રજનીશપુરી પાસે એટેલોપ નામનું નાનું નિવૃત્ત લોકોનું ગામ હતું. તેમને ભયથી ડરાવી ખૂબ હેરાન કર્યા. ગામનાં અનેક ઘરો ખરીદી લીધાં. ખોટી રીતે ચૂંટણી જીતી ગામ પર કબજો લીધો. ગામના નિવૃત્ત લોકોને બંદૂકોથી ડરાવી ઘરમાં રાખ્યા. ગામમાં હોટલો, રેસ્ટોરાં વગેરે બનાવી પ્રવાસનું સ્થળ બનાવી દીધું. ગામના લોકો શરૂઆતમાં તો ચૂપ રહ્યા, પણ પછી તેમનો ગુસ્સો વધવા લાગ્યો. તેમણે શાંત લડાઈ શરૂ કરી. કાનૂની માર્ગે ગયા. શરૂઆતમાં તો અધિકારીઓ ખરીદાઈ ગયા હતા, તેથી કશું ન બન્યું, પણ પછી રજનીશના શિષ્યોએ જ દારૂગોળો પૂરો પાડ્યો. ડ્રગ્ઝ, બૉમ્બધડાકો વગેરે બનાવો બનતા ગયા. નાણાકીય ગોટાળા બહાર આવતા ગયા. વ્યભિચારની તસ્વીરો પ્રકાશિત થવા લાગી. એટલે સરકાર જાગી. એફ.બી.આઈ.એ કેસ હાથમાં લીધો. તપાસ શરૂ થઈ. શીલાએ બધું જ દબાવવા પૂરા પ્રયાસ કર્યા, પણ હવે કચરો બહાર આવતો જ ગયો અને ભોપાળાં પ્રકાશિત થતાં ગયાં. રજનીશને તેની પરવા ન હતી. તેણે તો અમેરિકન સરકારને બેફામ ગાળો આપવાની શરૂઆત કરી. શીલા પણ તેમના વતી બેફામ બોલતી હતી. હવે સરકાર ચેતી અને બન્નેને પકડવાની તજવીજ શરૂ થઈ.

આ દરમિયાન શીલા પણ રજનીશની સતત માગણીઓથી કંટાળી. તેણે તેમને ખૂબ સમજાવ્યા, પણ રજનીશની ભૂખ તો અતૃપ્ત જ રહેતી હતી. એટલે શીલાએ રાજીનામું આપી દીધું અને થોડા સાથીઓ સાથે જર્મની ચાલી ગઈ. પણ સરકાર તેની પાછળ હતી. ત્યાંથી તેને પકડી અને અમેરિકા પાછી લાવી જેલમાં નાખી દીધી. થોડાં વર્ષ જેલમાં રહી. આ દરમિયાન રજનીશને ભારત પાછા ધકેલી દીધા. જે રજનીશ ભારતને ગાળો આપતા હતા, તેમને પાછા ત્યાં જ આવવું પડ્યું. તે પણ નિરાશ થઈ ગયા. ૧૯૯૦ આસપાસ તે પણ મૃત્યુ પામ્યા. શીલા છૂટી થઈ સ્પેનમાં રહેવા લાગી. ત્યાં ફરી તેને સમાચાર મળ્યા કે સરકાર હજી તેની પાછળ હતી. એટલે સ્વિત્ઝર્‌લેન્ડ ચાલી ગઈ. ત્યાં તેણે વૃદ્ધ લોકો માટે કૅરહોમ શરૂ કર્યું અને આજે તે ચલાવે છે. આમ તો તે ગુમનામીમાં ચાલી ગઈ હતી, પણ આ ‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ના છ હપ્તાના કારણે ફરી જાહેરમાં આવી ગઈ. તેમાં તેણે સંકોચ વિના બેફામ રીતે અભિપ્રાયો આપ્યા છે. કદાચ તેના કારણે જે પુસ્તકની લેખિકા મંબીના સંધુ આકર્ષાઈ અને તેનું ચરિત્ર લખ્યું છે.

પુસ્તક વાંચી મન ચગડોળે ચડી ગયું છે. કયા રજનીશ સાચા ? પુસ્તકમાં બોલે છે તે કે આ ચરિત્રમાં કે નેટફ્લિક્સમાં છે તે? તેમનાં કોઈ પણ પુસ્તક વાંચીએ તો બીજી જ પળે તેમાં તલ્લીન થઈ જવાય. રજનીશને વાંચવા એટલે સમાધિસ્થ થવું. અષ્ટાવક્ર હોય કે બુદ્ધ હોય, ગીતા હોય કે કબીર હોય કે મીરાં હોય, દરેકને તેમણે જે અદ્‌ભુત રીતે સમજાવેલ છે, તે જોઈ ચકિત થઈ જવાય છે. કોઈ શ્લોક હોય કે દોહો હોય કે કાવ્યની લીટી હોય, રજનીશ તેને એક વિશિષ્ટ રીતે જ સમજાવે છે. તેમનું એક પ્રવચન વાંચીએ, એટલે સમાંતરે બીજાં દસ વીસ પુસ્તકોનો સાર વાંચી લઈએ છીએ. અષ્ટાવક્રમાં કૃષ્ણમૂર્તિ વિશે ખ્યાલ મળે, તો કોઈ બીજામાં ફૉઇડ કે શ્રી અરવિંદના તત્ત્વજ્ઞાનનો પરિચય મળે. નચિકેતા વાંચતાં-વાંચતાં આપણને આઇન્સ્ટાઇનના વિચારો સમજાવે. લીટીએ-લીટીએ ડોલી જવાય. અને તેમનું હિન્દી, અહાહા, નરી કવિતા ! આવું હિન્દી કેવળ દાદા ધર્માધિકારી કે વિમલા તાઈ પાસે સાંભળ્યું છે. અને તેમનો અવાજ ! હિપ્નોટિક ! જે પળથી સાંભળવાની શરૂઆત કરીએ કે બીજી જ પળે મુગ્ધ થઈ તેમાં એકાગ્ર થઈ જવાય. ક્યાં દોઢબે કલાક પસાર થઈ જાય તેનો ખ્યાલ પણ ન રહે. આટલો લાંબો સમય જાણે મિનિટોમાં પસાર થઈ ગયો હોય તેમ લાગે. તેમાં પણ જો રૂબરૂ સાંભળવાની તક મળે, તો તો તેમનું મોહક વ્યક્તિત્વ વધારાનો પ્રભાવ ઊભો કરે. સમગ્ર માહોલ જાણે એક ચુંબકીય પ્રભાવ ઊભો કરે. લાખો લોકો તેમના પ્રભાવમાં આવ્યા હતા અને કહે તે કરવા તૈયાર થઈ જતા, તે આ કારણે જ હતું. ભયંકર મોહક વ્યક્તિત્વ. જરાક સજાગ ન રહેવાય તો પળમાં તેમને વશ થઈ જવાય અને લાખો લોકો વશ થઈ જતા અને પોતાનું સર્વસ્વ ધરી દેતા. સ્ત્રીઓ તો શરીર સુધ્ધાં !

પણ સમય જતાં તેમણે આ મોહકતાનો અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરવો શરૂ કર્યો. સાક્ષાત્કારી હોવાનો દાવો કરનાર તેમણે વૈરાગ્યને બદલે ભવને પસંદ કરવાની શરૂઆત કરી. શિષ્યોના પૈસે ઘડિયાળો, પેનો, કારો-તેમાં પણ રોલ્સરોયલો ઢગલાબંધ એકઠા કરવા માંડ્યાં.

સાદા રૂમમાંથી વૈભવી મહેલમાં રહેવાની શરૂઆત કરી. વસ્ત્રો પણ બદલ્યાં, અને સૌથી મોટી વાત, પ્રેમની વાત કરનાર પોતે જાતીયતામાં ફસાઈ ગયા. દરરોજ નવી સ્ત્રીની માગણી કરવા લાગ્યા. શીલા કહે છે કે સવારે તે કારમાં શીલા સાથે ફરવા નીકળે અને રસ્તામાં બધા તરફ નજર કરતા રહે. જો કોઈ રૂપાળી સ્ત્રી દેખાઈ ગઈ, તો તરત શીલાને બતાવે અને પોતા પાસે મોકલવા કહે. અને તે સ્ત્રીને કહેવામાં આવે કે ભગવાન તેને મોક્ષ આપશે ! પેલી ફસાય અને જાય. ભગવાન તેનો ગુરુના નામે દુરુપયોગ કરી લે. તે શિષ્યોને બેફામ વર્તવાની પણ છૂટ આપે. એટલે આશ્રમ જવા જનારને દરેક સ્થળે સ્ત્રી-પુરુષો જાતીય વ્યવહારમાં જ ગૂંથાયેલાં જોવા મળે. આના ફોટા બહાર આવ્યા, ત્યારે હાહાકાર મચી ગયો હતો. રજનીશે તેને હસી કાઢેલ. આના પરિણામે ભારત અને અમેરિકા અને આશ્રમોમાં જાતીય રોગો ખૂબ વ્યાપક બની ગયા હતા. લગભગ બધા જ શિષ્યો તેનાથી પીડાતા હતા. સાથે લગભગ બધા ડ્રગ્ઝના બંધાણી. કહેવાતું કે રજનીશ પણ લેતા. આ બધાનો વ્યાપક પ્રભાવ ઊભો થયો, જેથી વિરોધ શરૂ થયો-પૂનામાં અને અમેરિકામાં.

આવા વૈભવના પરિણામે રજનીશની સલામતી જોખમમાં મુકાવા લાગી. એટલે રક્ષણ માટે રેડ આર્મી શરૂ કરાયું. અદ્યતન આધુનિક શસ્ત્રો ખરીદાયાં. આ પણ સરકારના નિયમોની વિરુદ્ધ હતું. અમુક પ્રકારનાં શસ્ત્રો તો કેવળ સરકારી લશ્કરમાં જ હોય. તે અહીં આવ્યાં. પાછા આર્મીના લોકો ખુલ્લી રીતે હાથમાં લઈ ગામના લોકોને ડરાવતા. સરકાર જવાબ માગે તો સરકાર હિટલરછાપ છે, ગૂંડી છે, ફાસિસ્ટ છે, ધર્મવિરોધી છે, એવી ગાળો રજનીશ જાહેરમાં આપે. છતાં સરકાર ચેતવે તો રજનીશ વતી શીલા બોલે કે તે સરકારને ‘આંખ સાટે આખ’ આપશે કે ‘બન્ને ગાલ પર તમાચો મારશે.’

સમય જતાં શિષ્યોને જ્ઞાનથી પ્રભાવિત કરવા બદલે લાલચથી ફસાવવા લાગ્યા. રોલ્સરોય ખરીદવા રજનીશ અપીલ કરે કે ’જ્ઞાની પુરુષને શરીર ટકાવવા માટે ભૌતિક બાબતોની જરૂર રહે છે. જો તમે મને ત્રીસ રોલ્સરોય ખરીદી આપો તો મારું શરીર થોડા સમય માટે ટકશે. નવાઈની વાત કે અમેરિકન-યુરોપિયન શિષ્યો પણ આમાં ફસાઈ જાય અને આવેશમાં કરોડો રૂપિયા ધરી દે અને ગુરુની વાસના સંતોષે. આવા લોકોને છળની ભાષામાં રજનીશ કહે કે જેમણે પૈસા આપ્યા છે તેઓ આપોઆપ બોધીસત્ત્વ બની ગયા છે. શિષ્યો અહંકારમાં આવી જાય અને પોતાને બુદ્ધ માનવા લાગે. જો કે પછી રજનીશને લાગ્યું કે આ તો હરીફાઈ થાય છે એટલે બુદ્ધ બનાવવા બંધ કરી દીધા.

એન્ટેલોપમાં ચૂંટણી જીતવા બહુમતી કરવા આખા અમેરિકામાંથી બેઘરોને એકઠા કર્યા અને રાખ્યા અને જીત્યા. પણ આ લોકો તો ગૂંડા અને ખૂનીઓ હતા. તેમણે તો ધમાલ કરી નાખી. ખુદ શિષ્યોને હેરાન કરવા લાગ્યા. એટલે પાછા કાઢવા પડ્યા. આ જાહેરાતે અમેરિકામાં આઘાત પહોંચાડ્યો. ધમાલ થઈ ગઈ. તપાસ વધારે ગાઢ બની. પાછા ગયેલા આ લોકોએ વધારાની પોલ જાહેર કરી.

આ બધાના પરિણામે, સહજ રીતે, રજનીશની પડતી શરૂ થઈ. અમેરિકાએ કાઢ્યા. બીજા કોઈ દેશે તેમને આશરો ન આપ્યો. છેવટે ગાળો આપતા હતા તે ભારતમાં જ આવવું પડ્યું અને નાક નીચું કરી પૂના પાછા આવ્યા. છેલ્લા દિવસો નિરાશામાં કાઢ્યા. તેમના છેલ્લા દિવસોનો એક વીડિયો જોયો છે. તેમાં તેમને અમેરિકાના પ્રમુખને ગાળો આપતા સાંભળ્યા હતા. એક સમયે જે એમ કહેતા હતા કે ‘વિશ્વમાં જે કંઈ છે, તે કેવળ ઈશ્વર છે. આપણો વિરોધી પણ ઈશ્વર જ છે.’ અને અચાનક આ ઈશ્વર ફરી વિરોધી બની ગયો ! વર્ષોથી ઊભો કરેલ પરપોટો અચાનક ફૂટી ગયો. એક અદ્‌ભુત વ્યકિતત્વ મોહ પાછળ ગાંડા થવાને લીધે વામન બની ગયું. બીજાને આપેલ જ્ઞાન પોતાને જ કામમાં ન આવ્યું. બધું જ વાચન, બધી જ સાધના, બધું જ જ્ઞાન વિવેક અને વૈરાગ્યના અભાવે વ્યર્થ બની ગયું. રજનીશના વ્યક્તિત્વના જરાસંધ જેમ બે ટુકડા થઈ ગયા. એક જ્ઞાની, બીજો સામાન્ય !

વાંક રજનીશ જેવાઓનો નથી, વાંક લોકોનો છે. ઝડપથી મોટાઈ જવાના કારણે લોકો અંધ બની જાય છે. ઝડપથી વિશ્વાસ મૂકી દે છે. પછી સત્યનું ભાન થાય છે તો પણ આંખ ખૂલતી નથી. બુદ્ધિ ખલાસ થઈ જાય છે. ગીતા કહે છે તેમ બુદ્ધિ નાશાત વિનશ્યતિ-બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે.

માટે જ વિનોબા કહે છે કે ‘આદર દૂરથી.’ જેને માન આપો તેનાથી દૂર રહો. છેવટે તે માણસ છે. માણસની મર્યાદાઓ તેનામાં પણ હશે જ. તેનાં પાસેથી જ્ઞાન લઈ લો, પણ તેનાથી મોહાઓ નહીં. એટલે જ કૃષ્ણમૂર્તિ ગુરુ બનાવવાની ના પાડે છે. બુદ્ધ તો સ્પષ્ટ કહે છે, ‘આત્મદીપો ભવ.’ પોતે જ પોતાના દીવા બનો. તો જ સત્ય મળશે.

છતાં એ તો કહેવું જ પડશે કે બુદ્ધિને પ્રજ્ઞા તરફ લઈ જવી હોય તો રજનીશને વાંચવા. અદ્‌ભુત છે. હા, વિવેકપૂર્વક વાંચવા અને શિષ્ય તો ન જ થવું.

ન્યૂ મિન્ટ રોડ, ભુજ-કચ્છ (૩૭૦ ૦૦૧)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2021; પૃ. 13-15

Loading

16 February 2021 admin
← કોરોના સમયનું સાહિત્ય
મળેલા જીવની વારતા →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved