Opinion Magazine
Number of visits: 9449407
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્નોભાઈ

સુમન શાહ|Opinion - Literature|1 February 2021

મિત્રો :

મેં જાણ્યું કે ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાઈ ગયું છે. પણ આ યે જાણવા જેવું છે.

હું અમેરિકાના ઇલિનોય સ્ટેટના પીઓરીઆ શહેરમાં રહું છું. આજે અહીં 10.4 ઇન્ચ સ્નો પડ્યો છે – સીઝનનો રૅકર્ડબ્રેક નમ્બર !

Weather Services reported :

Peoria breaks Snow fall records : 10.4  inches !

આ વાત મારા માટે નવી નથી. ભૂતકાળમાં આવો સ્નો મેં અનેક વાર જોયો – અનુભવ્યો છે. એ ભૂમિકાએ વર્ષો પહેલાં, કદાચ ૨૦૦૭માં, મેં “સ્નોભાઈ” શીર્ષકથી એક નિબન્ધ લખેલો, એ અહીં રજૂ કરું છું.

પ્રકૃતિ એનું કામ કરે છે પણ મનુષ્યકૃતિ અને તેમાંયે સર્જનો, સાહિત્યની કે કલાની કૃતિઓ, મનુષ્યજીવને એક આશ્વાસન બક્ષે છે …

••••••••••••

= = = = પ્રેમ વગેરે બે-ચાર ચીજો સંસારમાં માત્ર અનુભવવા માટે છે. બોલવા માટે જરા ય નહીં. એવું જ સ્નોનું છે = = = =

ત્રણેક માસના સ્નોદર્શન પછી મને લાગે છે સ્નો વિશે બોલવાની લાયકાત મેળવી છે મેં. જો કે શું બોલું? ભારતનો માણસ – પાછો મારા જેવો – ધૂળ વિશે બોલી શકે એટલું સ્નો વિશે તો શી રીતે? ધૂળ ધરતીમાં પેદા થાય ને ઊડે આકાશ ભણી. સ્નો આકાશમાં બને ને જઈ પડે ધરતી પર. કંઈ સાર નથી બંને અંગે જોડે જોડે બોલવાનો …

આપણે ત્યાં ઉનાળામાં ધૂળ ઊડે ગોટા થાય લૂ વાય એમ મેં અહીં અમેરિકામાં સ્નોની ધૂળ જોઈ. ઊડતી. ગોટા જોયા સ્નોના ગોરજ જેવા પણ ઠંડા. ઠંડી લૂ. બુસ્કાં જોયાં સ્નોનાં અધ્ધરપધ્ધર ભટકતાં. સ્નોનો કાદવ – ગૉલો – કશી વાસ વિનાનો. એને કચડો. ગૂંદો. એમાં આળોટો. સ્નોની પથારી કરો. રજાઈ ઓઢો. ગોળા કરી ફૅંકો. એ વડે મારામારી કરો. મેં સ્નોનાં ઢેફાં ને રોડાં પણ જોયાં. ચમકતાં. છેલ્લે બાય-બાય કરતો એક દિવસ એ જતો રહેતો’તો ત્યારે એના રુદનના લાંબા-પ્હૉળા રેલા પણ જોયા. હું ય બબડેલો : બાય સ્નોભાઈ બાય ફૉર નાઉ, મળશું પાછા. ડોન્ટ ક્રાઈ …

રોજ અપસ્ટેર્સની ગ્લાસવિન્ડોમાંથી બૅકયાર્ડ જોતો. એક પણ વૃક્ષને એક પણ પાન નહીં. ડાળ ડાળ ને સળી સળી થઈ ગયેલાં જાણે હાડપિંજર. ઊભાં ભૂતડાં. દયા આવે. પંખીઓ શોધું. ખાસ તો અમારી લીલીપીળી લૉનને જોતો રહી જઉં, પણ તે સવારે લૉન ગૂમ! એને બદલે સ્નોના ચાર-છ ઈન્ચ જાડા મોઓટા મોઓટા સફેદ રગ. એવા તો ચોતરફ ફેલાયેલા પડ્યા’તા – સાવ શાન્ત. મને આપણો ‘હિમાચ્છાદિત’ શબ્દ યાદ આવેલો. પણ અહીંનું બધું એવું જુદું કે એને હિમ ગણવા મન માને નહીં. નજર ઠંડકમાં ચોંટતી કૂદતી વિસ્તરતી રહી. બીજાં તે અમારા બૅકયાર્ડની સામેના ડિવિઝનનાં પડોશીનાં હાઉસ-રૂફ. ઇન્‌રોડ્સ. વૉક-વેઝ. અવિરત દોડતો રહેતો દૂરનો મેઇનરોડ. બધે જ સ્નો. સ્નો જ સ્નો.

આખી રાત વરસ્યો હશે. મૂળ તો સ્નો પાણી જ ને. એક જાતનો વરસાદ વળી. જો કે વરસાદ પડતો સંભળાય. મને ઊંઘ ઘણી હશે ને આમે ય સ્નો બોલે છે ક્યાં? મને યાદ છે બોરસલી ને પારિજાત સ્નોની જેમ – કે સ્નો એમની જેમ – વરસે છે અને ત્યારે જરા જેટલું ય બોલતાં નથી. નીરવે ધરતી પર પ્હૉંચી જવું એ છે એમનો સ્વ-ભાવ. ધરાને નિરાંતે સેવે. ઝમીઝમીને પોષે. આખી રાત ચુપચાપ સરતા રહ્યા હશે. જાણે કશો મૂંગો આશીર્વાદ, કશું અબોલ હેત. એટલે તો પેલા રગ કાળજીથી ઓઢાડ્યા લાગતા’તા. ધવરાવે ત્યારે મા પાલવ ઢાંકી રાખે એવું. ક્યાં ય કશો સળ નહીં. ન કોઈ ઊંચું ન કોઈ નીચું. ઉબડખાબડ કશું નહીં. ન રંગ ન રંગભેદ. મેં જોયેલું કે ધરતી પર બધે સમતા પ્રસરી હતી.

પછી તો સ્નોની રૅલિ શરૂ થઈ ગઈ. હેલી ક્હૅવાય. અવારનવાર ને મન ફાવે ત્યારે આવી પ્હૉંચે. રૅલી એટલે સંજીવની. નવ્ય ઉત્સાહનું સીંચન. જો કે સ્નો પી-પીને કાળાં પડી ગયેલાં પેલાં બોડિયાં વૃક્ષ અસહ્ય હતાં. ગમે એવો હૉંશીલો માણસ પણ ટાઢો પડી જાય. સામેનું એક તો મને કેવું લાગે છે, કહું? બળેલા સ્વભાવનો કોઈ હોય એના મગજ જેવું. તાર તાર. ઝરડાયેલું, એની સરખામણીએ સ્નોભાઈ મહાન દીસે છે. વજ્ર જેવા કઠિન પણ કુસુમ જેવા મૃદુ.

Snowman = સ્નોભાઈ :

Picture Courtsey : 123RF

એક વાર એઓશ્રી ગાંડાની જેમ બારેક કલાક વરસ્યા. તે બીજે દિવસે આસપાસ ને ચોપાસ સ્નોસાગર. ડાર્ક-ગ્રે લાઇટ-બ્રાઉન કે ગ્રીનિશ બધાં જ રૂફ વ્હાઇટ. ડૅક, વિન્ડોસિલ, ડોરસ્ટેપ્સ, વૉક-વે, અરે, રસ્તા પણ વ્હાઇટ. વરવું કશું પણ દેખાતું ન્હૉતું. ન ડાઘ ન ડૂઘી ન લીટા કે લપાડા. વૉક-વે ને પેવમૅન્ટ પર નાની નાની સ્નો-શિલાઓ. ટચુકડી ડુંગરમાળ સમજો. જાણે મિનિ હિમાલય. થાય કે આ સાગર તો હવે સાગર. કદી જશે નહીં. હું ચાલવા નીકળેલો.

એક શિલાને બૂટથી દબાવી – શાન્ત શિલા ! ધબૂસ થઈ ગઈ. લજામણી. મને એમ બતાવે કે પોતે કેટલી ભંગુર છે. મને થયેલું આ વિષ્ણુ ભગવાનવાળો ક્ષીરસાગર છે. તરત પ્રશ્ન થયો : આ છે એના જેવું કોઈ પણ શહેર શેષશાયી જરૂર છે પણ વિષ્ણુ ક્યાં –? ચોપાસ જોયું. ન દેખાયા. હા, મુખ્ય રસ્તાઓ પરના સ્નોને વ્હૅમન્ટલિ ઉખાડીને ખસેડતી સ્નોમૂવર ટ્રકો જરૂર દેખાઈ. સ્નો બંને તરફ઼ ફુવારાભેર ફૅંકાતો’તો. એનો કીચડ કચડાતો’તો, શહેર જાણે બૅટલ-ફીલ્ડ. પછી તો કારો દોડતી થઈ ગયેલી. જાણે કશું બન્યું નથી. રસ્તાની ધારો પરની શિલાઓ ખરડાઈ ગયેલી. ધુમાડાવાળી. શેકાયેલી-બળેલી. ગન્દી. કાયમથી વખણાતી સ્વચ્છતા બાપડી ઉઘાડી પડી ગયેલી.

છતાં મેં કહ્યું તે જ બરાબર હતું. એકંદરે સારું હતું કે ધરતી પર બધે સમતા પ્રસરી હતી. કેમ કે તે શ્વેત હતી. શુભ્ર સફેદ. આપણે બધા જાણીએ છીએ કે સફેદને કશો રંગભેદ નથી. ને એટલે તો પ્રસરી શકે છે. અને જે પ્રસરે છે તેને શબ્દો વર્ણવી શકતા નથી. યાદ કરો, સફેદને આપણે કાં તો દૂધ જેવું કહીએ છીએ, કાં તો માખણ જેવું કે પછી બગલાની પાંખ જેવું. એટલે કે એવી બધી ચવાયેલી ઉપમાઓ વાપરીને જ ઓળખાવી શકીએ છીએ. જેણે સ્નો જોયો ન હોય એ લોકો ભલે એવું બોલે. કોઈ કવિ-સ્વભાવનો માણસ એમ પણ કહે કે સ્નો એટલે દાઢી કરવા માટેનું મબલખ મબલખ ફોમ. ના તો ન પડાય. જેણે જોયો છે એ લોકો સ્નો જેવું વ્હાઇટ એમ બોલે છે ખરા પણ સ્નો પોતે કેવોક વ્હાઇટ તે નથી કહી શકતા. સાર એ છે કે સ્નો સ્નો જેવો છે.

પ્રેમ વગેરે બે-ચાર ચીજો સંસારમાં માત્ર અનુભવવા માટે છે. બોલવા માટે જરા ય નહીં. એવું જ સ્નોનું છે.

મેં અવારનવાર જોયું કે સીધો સૂર્યપ્રકાશ પડે ત્યારે કે ચળાયેલો ઉજાસ સમસમતો હોય ત્યારે, સ્નો, હોય એથી પણ વધારે સફેદ – અત્યન્ત સફેદ થઈ ઊઠે છે. સાવ જ અવર્ણનીય. મારી માન્યતા બંધાઈ છે કે એથી વધારે શ્વેત-શુભ્ર દુનિયામાં કંઈ નથી. સાચે જ. જે મળે એને ક્હૅતો ફરું છું. મળે એટલી વાર ક્હૅતો રહું છું.

છતાં પેલો હઠીલો સવાલ તો ખરી જ : જશે ક્યારે? કોઈ જિદ્દી કે કોઈ અડિયલની માફક સ્નોભાઈ ખસતા નથી ને ચીક્ટુ થઈને ભરપૂર કંટાળો આપી શકે છે. મગજને દમે. ચીડવે. કશો આથો ચડ્યો હોય કે કશી ફોમિન્ગ ઇફૅક્ટ પામ્યા હોય એમ ઠેકઠેકાણે ઢોકળાં જેવા ફૂલેલા. વાસી. ડાળો પર લૂવા થઈ લબડતા ખાસ્સું પજવે. માણસોને અટકી પડેલાં કામોની વિમાસણો હોય. તે આવો પ્રમાદી તો કેમનો પાલવે? ગતિરોધ જતે દા’ડે પીડે. એ શાન્તિની ય છેવટે ઊબ થાય. શેરીઓ સ્મશાનવત્ પણ લાગે.

એક રાતે મેં ચન્દ્ર વગરની ચાન્દની જોઈ. હશે પણ દેખાતો ન્હૉતો. સ્નો પોતે જ ચાન્દની. નીચાં આકાશમાં ચાંદનીના બમ્બા. આખું વાતાવરણ દૂધમલ ઓજસથી તગતગે. આમ સારું લાગેલું. આમ ગૂંગળાવનારું. કશી અકથ્ય બેચૅની થયેલી. સવારે સ્નોમાં કોઈનાં પગલાં જોયેલાં. કોઈ જણ આવ્યું-ગયું હશે? કોઈ જનાવર? બધું રહસ્યમય થઈ ગયેલું.

સ્નો અને વાદળછાયા આકાશ નીચે કેટલાયે દિવસોથી ખોવાઈ ગયેલા પડછાયા મને એકાએક યાદ આવેલા. હતા જ નહીં ! વગર પડછાયાનું જીવન તો કેવું ભૅંકાર કહેવાય. મનમાં સૂનકાર છવાઈ ગયેલો. મને થાય, કાયમ ચાંદા-સૂરજને ઊગતા-આથમતા જોનારનું અહીં કામ નથી. એવું થાય, આ હવે જાય તો સારું. માઇનસ ટૅમ્પરેચર ટળે તો સારું. આકાશ નિરભ્ર ને નીલ થાય કે રાતો તારાભરી શ્યામ, અથવા જોરદાર વરસાદ વરસે. કે પછી, નીકળી આવે તમતમતા સૂરજનો તડકો …

અને -સૂરજ તો નહીં પણ એક વાર આખો દિવસ વરસાદ આવ્યો. આવ્યા જ કર્યો. બધું ધોઈ નાખ્યું. ધીમે ધીમે કરીને વરસાદે સ્નોભાઈની સમગ્ર લીલા પર પાણી ફેરવી દીધું. જો કે એ કાલિદાસનો મેઘ નહૉતો. આકાશ વૃષ્ટિધૌત પણ રવીન્દ્રનાથવાળું નહીં. વરસાદની ધારાઓ ખરી પણ બૉદ્લેરે કહેલી તેવી જેલના જાડા સળિયા જેવી નહીં. પાતળીપાતળી સળીઓ હતી, ધારાઓ તો કહેવાય જ નહીં. સરવડાં. ઝરમરિયા આવારાજાવરા. પણ એ ઝીણી-મોટી ઝાપટીઓનો માર આખો દિવસ ચાલુ રહેલો. બધું સદ્યસ્નાત લૉન સમેતનું ગમતું થયેલું. છાપરાં વળી પાછાં અસલી રંગમાં ચોખ્ખાં ચોખ્ખાં. એકલદોકલ પક્ષીઓ અહીંતહીં ચન્ચુપાત કરતાં કૂદવા માંડેલાં. દોડી જતો નોળિયો (?) દેખાયેલો. જો કે આખલાની કાંધ જેવાં સ્નોનાં કેટલાંક રોડાં હજી ઑગળ્યાં ન્હૉતાં. જક્કી, હઠીલાં. એવું પણ કહેવાય કે વિરહી જનનાં મન જેવાં આશાવાદી પણ ઉદાસ.

અને એમનો આશાવાદ ફળેલો પણ ખરો. વરસાદ પત્યા પછી પણ જાતભાતનો સ્નો દિવસો લગી પડ્યા કરેલો. કોઈ વાર જાડો જાડો તો કોઈ વાર ફ્લરિ. ભૂકો ઊડે, કસ્તર. ગૂંચવાયા કરે. સ્થાન માટે ફાંફે ચડ્યો લાગે. એક-બે વાર નાગા વરસાદ જેવો મેં નાગો સ્નો પણ જોયેલો. તડકામાં બુસ્કાં ભમતાં’તાં. એમાં રજ-રજોટી દિશાહીન ઘુમરીઓ લેતી ગૅલમાં આવી ગયેલી. પણ છેલ્લે તો લાચાર પતન. ચાલતા શીખેલું બાળક દોડવા કરે ને બેસી પડે એના જેવું.

જો કે એક દિવસ સૂરજે આવીને સ્નોભાઈને ખાસ્સો તતડાવ્યો : જવું છે કે નહીં? હીરાકણીથી ય ઝીણી લાખ્ખો સ્નોકણીઓ ઝગમગ ઝગમગ થતી’તી : અમે તો તૈયાર છીએ. સ્નોના એ રગ પછી તો ઢીલા પડી ગયા. રડમસ. વિલાપ-આલાપ જેવા રેલાથી રસ્તા બધા ભીના ચીતરાતા રહ્યા. અને એ ગયો.

મેં બૅકયાર્ડમાં જોયાં કેસરી રંગનાં બે નાનકડાં પક્ષી. હા, એક જે ત્રીજું હતું – જુનિયર – તે નીચલી ડાળે હતું. પેલાં બે એક જ ડાળ પર સામસામું જોતાં, જરાક કંઈક ડોક ફેરવતાં, ચૂપ હતાં. મારે એમને ઊડતાં જોવાં’તાં પણ ન ઊડ્યાં તે ન ઊડ્યાં. હું જોતો રહ્યો. એમનું ક્હૅવું એમ હતું કે હવે અમે નહીં જઈએ – સ્પ્રિન્ગ અમારી છે …

એટલે હું પણ રોજેરોજ નીકળી પડું છું. વૃક્ષ વૃક્ષને નિહાળું છું. જોઉં છું તો ડાળ ડાળે ટશરો ફૂટી છે ને ઠેકઠેકાણે કળીઓ બેઠી છે. બધું ખીલ્યા કરશે તેમ તેમ શી ખબર મને એ ભાઈ જ યાદ આવ્યા કરશે, સ્નોભાઈ, શી ખબર …

= = =

(January 31, 2021: USA)

Loading

1 February 2021 admin
← વીસમી જાન્યુઆરી, લોકતંત્રનો વિજયદિવસ
દલિતજીવનનો અધિકૃત દસ્તાવેજ : ‘જ્યોં કી ત્યોં ધર દીની ચદરિયાં’ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved