Opinion Magazine
Number of visits: 9446889
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—80

દીપક મહેતા|Opinion - Opinion|23 January 2021

જ્યારે મુંબઈમાં એક પણ સ્ટ્રીટ લાઈટ નહોતી!

મઝગાંવનો એક બંગલો ગેસ-લાઈટની રોશનીથી ઝળાંહળાં થઈ ગયો

અરદેશર શેઠના હાથ નીચે એક સો અંગ્રેજ એન્જિનિયર કામ કરતા!

‘સાંકડી શેરી. તેની બંને બાજુ મકાનોની હાર. મકાનો જાણે એકબીજાના ખભા પર ઢળી પડ્યાં હોય એવાં. ચાંદી જેવી ચમકતી ચાંદની પહેલાં એ મકાનોનાં છાપરાં પર પડતી હતી, ત્યાંથી ઢળીને કોતરણીવાળી લાકડાની બારીઓને આરસની બનાવી દેતી હતી. ત્યાંથી લપસીને ઘરના વરંડામાં રેલાતી હતી. મકાનના ગરીબડા છાપરાને, કમાનોને, ભીંતોને, ઉબડખાબડ ફર્શને ચાંદનીનો સ્પર્શ રળિયાત કરતો હતો, અને પછી ખાડા-ખડિયાવાળા રસ્તા પર શીતળ અજવાળાના જળના ખાબોચિયાની જેમ ઠરતી હતી. દુકાનો બધી બંધ હતી, અને અંધારાનો કામળો ઓઢીને ઊંઘતી હતી. પણ કોઈક કોઈક દુકાનની બહાર આવેલા કાળા પથ્થરના ઓટલાને ચાંદની અજવાળતી હતી. આછા અજવાળામાં એક બાજુ ભાંગેલો બાંકડો, તો બીજી બાજુ બંધ બારણું, તો વળી ક્યાંક ચક્રાકાર પગથિયાં જાણે કહી રહ્યાં હતાં : અમે પણ અહીં છીએ હોં! અને રસ્તાની ધાર પર, બંને બાજુ આખું શરીર – મોઢું સુધ્ધાં – ચાદરમાં લપેટીને માણસો હારબંધ સૂતા હતા, જાણે ઈજિપ્તથી આણેલાં મમીને લાઈનબંધ ગોઠવ્યાં ન હોય! ઉનાળાના અસહ્ય બફારામાં ઘરની અંદર સૂવું મુશ્કેલ, એટલે ઘણાખરા પુરુષો આ રીતે રસ્તા પર જ સૂતા.’

ચાંદની રાતે સૂતેલું મુંબઈ

કહી શકશો, આ વર્ણન કયા ગામડાનું હશે? ના, જી. આ કોઈ ગામડાનું નહિ, મુંબઈ શહેરનું વર્ણન છે. સર ફ્રેડરિક ટ્રીવ્સ [Sir Frederick Treves] નામના વિશ્વપ્રવાસી ડોક્ટરના પુસ્તક ‘ધ અધર સાઈડ ઓફ ધ લેન્ટર્ન’માં તેમણે મુંબઈની મુલાકાત વિષે લખ્યું છે તેમાં આ વર્ણન કર્યું છે. એક વાત તરફ ધ્યાન ગયું? મુંબઈના રસ્તાનું વર્ણન છે, ચાંદનીની વાત છે, પણ ક્યાં ય સ્ટ્રીટ લાઈટનો ઉલ્લેખ સુધ્ધાં નથી. ચાંદનીમાં નહાતી સડકનું તેમણે જે વર્ણન કર્યું છે તે સ્ટ્રીટ લાઈટ હોય તો શક્ય જ નથી. આજે તો વરસને વચલે દિવસે બે-ચાર કલાક માટે વીજળી ગુલ થઈ જાય તો હોહા થઈ જાય છે, અને તે માટે જવાબદાર કોણ એની ચર્ચા દિવસો સુધી ચાલે છે. પણ એક વખત એવો હતો કે મુંબઈ જેવા મુંબઈમાં એક પણ સ્ટ્રીટ લાઈટ નહોતી! એટલે તો એ વખતે લગન હોય કે સભા, ભાષણ કે બીજો કોઈ કાર્યક્રમ હોય, એ બપોરે ત્રણ-ચાર વાગે શરૂ થઈ છ વાગ્યા સુધીમાં પૂરો થઈ જતો. જેથી લોકો અંધારું થતાં પહેલાં ઘરે પહોંચી શકે. ૧૮૬૫ પહેલાં મુંબઈમાં અડીખમ કિલ્લો ઊભો હતો. એના ત્રણ દરવાજા – એપોલો ગેટ, ચર્ચ ગેટ અને બજાર ગેટ. અને આ ત્રણે દરવાજા રોજ સાંજે સાત વાગે બંધ થઈ જતા. સવારના સાત વાગે ખૂલે. કિલ્લામાંથી બહાર ગયા હો અને સાત પહેલાં ન પહોચ્યા, તો આખી રાત કિલ્લાની બહાર ગાળવી પડે. એ વખતે જાહેર કાર્યક્રમો, ભાષણો, સભાઓ, યોજી શકાય એવું એક જ સ્થળ, ટાઉન હોલ. પણ ત્યાંનો દરેક કાર્યક્રમ બપોરે ત્રણ-ચાર વાગ્યે શરૂ થાય અને સાડા છ પહેલાં પૂરો થાય જ. જેથી કિલ્લાની બહારથી આવેલા લોકો વખતસર જઈ શકે.

સર ફ્રેડરિક ટ્રીવ્સ અને તેમનું પુસ્તક

બીજી વાત : વીસમી સદી પહેલાં બંધાયેલાં જાહેર મકાનો જુઓ. વી.ટી. સ્ટેશન હોય કે  મ્યુનિસિપાલિટીનું મકાન હોય, રાજાબાઈ ટાવરમાં આવેલી લાયબ્રેરી હોય કે બોમ્બે હાયકોર્ટ હોય, આ બધાં મકાનોમાં બે વાત ધ્યાન ખેંચે : એક, ઘણી બધી બારીઓ, અને બે, આજના કરતાં ઘણી વધુ ઊંચી સિલિંગ કહેતાં છત. શા માટે? આ મકાનો બંધાયાં ત્યારે વીજળી નહોતી મુંબઈમાં. એટલે આ મકાનોમાં એ વખતે લાઈટ નહોતી, પંખા નહોતા, એ.સી. અને લિફ્ટની તો કલ્પના પણ નહોતી. આજે વીજળીથી ચાલતી જે અનેક સગવડો આપણે માટે સ્વાભાવિક થઈ ગઈ છે તેમાંની એક પણ એ વખતે નહોતી. એટલે કુદરતી હવા-ઉજાસ મકાનની અંદર બને તેટલાં વધુ આવે એ માટે પુષ્કળ બારીઓ. અને ગરમી ઓછી લાગે માટે ઊંચી ઊંચી સિલિંગ. આજનાં ખોખાં જેવાં મકાનો ત્યારે બાંધ્યાં હોત તો તેમાં લોકો ગૂંગળાઈ મર્યા હોત. આજે તો બારી હોય તો ય બંધ અને પડદાથી ઢાંકેલી હોય. ત્યારે પડદાને બદલે સ્ટેન્ડ ગ્લાસ વપરાતા – મકાનની શોભા વધારે અને અજવાળાને અંદર આવવા દે. અને હા, બારીઓ સામસામે હોય – ક્રોસ વેન્ટિલેશન માટે.

મુંબઈ યુનિવર્સિટી લાઈબ્રેરીનો અનેક બારીઓ વાળો રીડિંગ રૂમ

***

સાલ ૧૮૩૪. મહિનો માર્ચ. તારીખ દસ. છેલ્લા બે-ત્રણ દિવસથી મઝગાંવમાં આવેલા શેઠ અરદેશર ખરશેદજીના બંગલામાં સતત દોડધામ ચાલી રહી છે. બંગલો અને તેની આસપાસનો બગીચો શણગારાઈ રહ્યા છે. મુંબઈમાં અગાઉ કોઈએ જોઈ ન હોય તેવી વસ્તુઓ ત્યાં ગોઠવાઈ રહી છે. મુંબઈમાં વહાણ બાંધવાની પહેલ કરનાર લવજી વાડિયાના કુટુંબના નબીરા અરદેશર ખરશેદજીનો ધંધો પણ વહાણો બનાવવાનો. મઝગાંવમાં મોટા બંગલામાં રહે. દસમી તારીખની સાંજે તો કેટલા ય મહેમાનો એક પછી એક આવવા લાગ્યા. બંગલાની બહાર પાલખીઓ અને ઘોડા ગાડીની ભીડ જામી ગઈ. બધાના મોઢા પર આતુરતા હતી. અરદેશર શેઠ અને બીજા થોડા અગ્રણીઓ હાથમાં હારતોરા લઈને કંપાઉંડની બહાર ઊભા હતા. બંગલાની બહાર લોકોની એટલી તો ભીડ હતી કે ચાર ઘોડાવાળી શાહી બગીને બંગલા સુધી પહોંચતાં ઘણી મુશ્કેલી પડી. છેવટે બગી આવી પહોંચી અને તેમાંથી નામદાર ગવર્નર જોન ફિત્ઝગિબોન [John Fitzgibbon] દમામપૂર્વક ઊતર્યા. હારતોરા સ્વીકાર્યા પછી લાલ જાજમ પર ચાલીને બંગલામાં દાખલ થયા. હાજર રહેલા સૌ ઊભા થયા અને ‘ગોડ સેવ ધ ક્વીન’ ગવાયા પછી બધા બેઠા. ગવર્નર સાહેબ તેમને માટેના ખાસ સોનેરી સિંહાસન પાર બિરાજમાન થયા. અને અરદેશર શેઠ બે મિનિટ માટે અલોપ થઈ ગયા.

બે મિનિટ પછી તેમનો આખો બંગલો અને તેની આસપાસનો બગીચો ગેસ-લાઈટની રંગબેરંગી રોશનીથી ઝળાંહળાં થઈ ગયો. પણ કઈ રીતે? અરદેશર શેઠે કોલસો બાળીને તેમાંથી ગેસ બનાવવાનો એક નાનકડો પ્લાન્ટ પોતાના ઘરમાં જ નાખ્યો હતો અને તે દિવસે એ ગેસથી પોતાના બંગલાને અને બગીચાને ઝાકઝમાળ કર્યા. મુંબઈ શહેરમાં પહેલી વાર આ દિવસે ગેસના દીવાનું અજવાળું પથરાયું હતું. હાજર રહેલા સૌએ તાળીઓના ગડગડાટથી અરદેશર શેઠને અને બંગલાની રોશનીને વધાવી લીધાં. નામદાર ગવર્નરે અરદેશર શેઠને ખાસ પોશાક ભેટ આપ્યો. જતી વખતે ગવર્નરે અરદેશર શેઠને હળવેકથી પૂછ્યું : આજે અહીં જે થયું તે આખા મુંબઈ શહેરમાં ન થઈ શકે?

પોતાના કામકાજને કારણે અરદેશર શેઠ દેશ-વિદેશમાં ફરતા રહેતા અને ત્યાં જે કાંઈ નવું જુએ તે સાથે લેતા આવતા. આ રીતે સૌથી પહેલો સીવવાનો સંચો તેઓ જ મુંબઈમાં લાવ્યા હતા. એવી જ રીતે સૌથી પહેલો કેમેરા લાવનાર પણ એવણ જ. પોતાના બંગલા નજીકના એક જાહેર બગીચામાં તેમણે પોતાને ખર્ચે ફુવારો મૂકાવ્યો હતો જેને ચલાવવા માટે તેમણે પોતે સ્ટીમ એન્જિન બનાવ્યું હતું. માત્ર ૩૩ વરસની ઉંમરે તેઓ ૧૮૪૧માં રોયલ સોસાયટી ઓફ લંડનના ફેલો બન્યા હતા. આ માન મેળવનાર તેઓ પહેલા હિન્દી હતા. તે પછી ૭૫ વરસે બીજા એક હિન્દી એસ. રામાનુજન્‌ને આ માન મળ્યું હતું.

અરદેશર ખરસેદજી

અરદેશર શેઠનો જન્મ ૧૮૦૮ના ઓક્ટોબરની છઠ્ઠી તારીખે. શરૂઆતથી જ વાડિયા કુટુંબ ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે શઢવાળાં વહાણો મુંબઈમાં બાંધતું હતું. ગ્રેટ બ્રિટનમાં પણ એ વહાણો વખણાતાં હતાં. પણ પછી સ્ટીમ એન્જિનની શોધ થઈ અને ૧૮૧૨ પછી શઢવાળાં વહાણોની જગ્યાએ સ્ટીમશિપ કે સ્ટીમર આવી. થોડો વખત વાડિયા કુટુંબના ધંધામાં ઓટ આવી. ૧૮૨૨માં ચૌદ વરસની ઉંમરે અરદેશર પિતાના મદદનીશ તરીકે કંપનીમાં જોડાયા. પણ પછી તેમણે સ્ટીમ એન્જિનનો હુન્નર હાથવગો કરીને સ્ટીમરો બાંધવાનું શરૂ કર્યું અને વાડિયા કુટુંબ ફરી આગળ આવ્યું. ૧૮૩૮માં ગ્રેટ બ્રિટન જઈને ત્યાં એક વરસ રહેવા માટે તેમણે સરકારની પરવાનગી માગી. તે મળી એટલું જ નહિ, મુસાફરીના ભાડા પેટે ૬૦૦ રૂપિયા આપવાનું પણ સરકારે ઠરાવ્યું. પણ અણધારી માંદગીને કારણે એ વરસે તો તેઓ જઈ ન શક્યા. પણ બીજે વરસે ગાંઠના એક હજાર રૂપિયા ખરચીને ૧૮૩૯ના સપ્ટેમ્બરની ૧૩મી તારીખે તેઓ ગ્રેટ બ્રિટન જવા સ્ટીમરમાં રવાના થયા. અરદેશર શેઠ ચુસ્ત પારસી હતા એટલે પારસી રસોઈયા સિવાય બીજા કોઈના હાથનું રાંધેલું ખાતા નહિ. એટલે પોતાની સાથે પારસી રસોઈયાને પણ લઈ ગયેલા. પારસી રિવાજ પ્રમાણે તેઓ કાયમ માથે ટોપી પહેરવાના આગ્રહી હતા. લંડનમાં એક વાર એક પારસી યુવક મળવા આવ્યો. પણ તેણે ટોપી પહેરી નહોતી એટલે અરદેશર શેઠે તેને મળવાની ના પાડી દીધી.

સુએઝ સુધી સ્ટીમરમાં ગયા પછી બાકીનો પ્રવાસ તેમણે જમીન રસ્તે પૂરો કર્યો. લંડન પહોંચીને પહેલું કામ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ચેરમેન અને સેક્રેટરીની મુલાકાત લેવાનું કર્યું. ૧૮૪૦ના ફેબ્રુઆરીની ૧૦મી તારીખે રાણી વિક્ટોરિયાનાં લગ્ન થયાં ત્યારે તેમાં હાજર રહેવાનું નોતરું તેમને અપાયું હતું એટલું જ નહિ, એ જ વરસના જુલાઈની પહેલી તારીખે તેમણે રાણીની સત્તાવાર મુલાકાત લીધી હતી. એક વરસ સુધી સ્ટીમર બાંધવાનો પુષ્કળ અનુભવ મેળવ્યો. તેમણે બ્રિટન છોડ્યું તે પહેલાં જ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ તેમની નિમણૂક મહિને ૬૦૦ રૂપિયાના પગારે મુંબઈની સ્ટીમર ફેક્ટરીનાof an overland journey from Bombay to England ચીફ એન્જિનિયર એન્ડ ઇન્સ્પેક્ટર ઓફ મશીનરીના હોદ્દા પર કરી. ત્યાં એક સો જેટલા અંગ્રેજ એન્જિનિયરો તેમના હાથ નીચે કામ કરતા હતા. ગ્રેટ બ્રિટનની મુસાફરી અને ત્યાંના એક વરસના વસવાટ દરમ્યાન થયેલા અનુભવોને વર્ણવતું પુસ્તક તેમણે અંગ્રેજીમાં લખ્યું હતું જે ૧૮૪૦માં લંડનથી પ્રગટ થયું હતું. તેનું લાંબુ લચક નામ હતું : ‘ડાયરી ઓફ એન ઓવરલેન્ડ જર્ની ફ્રોમ બોમ્બે ટુ ઇંગલન્ડ એન્ડ ઓફ અ યર્સ રેસિડન્સ ઇન ગ્રેટ બ્રિટન, લંડન.’

૧૮૫૧માં તેઓ બીજી વાર ગ્રેટ બ્રિટન ગયા અને ત્યાંથી ગયા અમેરિકા. ત્યાં તેમણે લાકડાં કાપવાનાં મશીન જોયાં તે ખરીદીને મુંબઈ મોકલ્યાં. ૧૮૫૭ના ઓગસ્ટની પહેલી તારીખે અરદેશર શેઠ નોકરીમાંથી નિવૃત્ત થયા. લાંબી કારકીર્દી દરમ્યાન તેમના વ્યવસાયના કેટલાક લોકો અરદેશર શેઠના વિરોધી બન્યા હતા. વળી ગ્રેટ બ્રિટનની મુસાફરી દરમ્યાન તેમને એક બ્રિટિશ સ્ત્રી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. તેમનાં પારસી પત્ની આવાંબાઈ હયાત હતાં એટલે એ સ્ત્રી સાથે અરદેશર શેઠે લગ્ન કર્યાં નહોતાં, પણ એ બંનેનાં બે સંતાનોનો મુંબઈમાં જન્મ થયો હતો. એટલે તેમના સમાજે અરદેશર શેઠનો બહિષ્કાર કર્યો હતો. પરિણામે, નિવૃત્તિ પછી તેઓ ગ્રેટ બ્રિટન જઈ રિચમંડમાં સ્થાયી થયા હતા. ૧૮૭૭ના નવેમ્બરની ૧૬મી તારીખે ત્યાં જ તેમનું અવસાન થયું. ૧૯૬૯માં તેમના માનમાં ભારત સરકારે એક ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી હતી.

૧૯૬૯માં બહાર પડેલી ટપાલ ટિકિટ

અરદેશર શેઠના બંગલાની ગેસ લાઈટની રોશની જોઈને ૧૮૩૪માં મુંબઈના ગવર્નરે પૂછેલું કે આવી રોશની આખા મુંબઈ શહેરમાં ન થઈ શકે? એ પછી બરાબર દસ વરસે મુંબઈને પહેલી વાર સ્ટ્રીટ લાઈટ મળી. ૧૮૪૩માં કેટલાક મુખ્ય રસ્તાઓ પર દીવા મૂકાયા, પણ ગેસથી ચાલતા નહિ, કેરોસીન કહેતાં ઘાસલેટ કહેતાં રાકેલથી સળગતા દીવા. રોજ સાંજે એ દીવામાં ઘાસલેટ પૂરીને તેને સળગાવવા માટે ખાસ માણસો રાખવામાં આવ્યા. સવારે એ જ માણસો બધા દીવા એક પછી એક બુઝાવી દેતા! આજે તો લેડ લાઈટથી મુંબઈના ઘણા રસ્તા ઝળહળે છે એટલે એક જમાનામાં અહીં ઘાસલેટના દીવા હતા એ માનવું પણ મુશ્કેલ છે. શહેરને ગેસની સ્ટ્રીટ લાઈટ તો મળી છેક ૧૮૬૨માં. પણ એ અંગેની રસપ્રદ વાતો હવે પછી.

e.mail : deeepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 23 જાન્યુઆરી 2021

Loading

23 January 2021 admin
← માનવમનની આંતરબાહ્ય ગહ્વારોની લેબિરીન્થમાં અટવાતા એક સ્ત્રીપાત્રની વ્યથા અને વેદનાને આલેખતી ટૂંકીવાર્તા – ‘પાશ’
પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન વચ્ચે ક્યારે ય દિલી સંબંધ નહોતો. →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved