મારા એક મિત્રએ મને પૂછ્યું હતું કે દેશભરમાં ખેડૂતોનું જે અંદોલન ચાલી રહ્યું છે, એ ટકશે ખરું? મેં જવાબમાં કહ્યું હતું કે ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું છે, એ દેશભરનું છે ખરું? આપણે અખિલ ભારતીય એવો શબ્દપ્રયોગ કરીએ છીએ તો ખરા, પણ એમાં અખિલ ભારતીયતા ઓછી હોય છે ક્ષેત્રીયતા વધુ હોય છે. ૧૮૫૭ના સૈનિકોના બળવાને આપણે ‘આઝાદી માટેની પહેલી લડત’ એવાં રૂપાળા નામે ઓળખાવીએ તો છીએ, પણ વાસ્તવમાં એ ઉત્તર અને પૂર્વ ભારતનાં કેટલાંક રાજ્યો પૂરતું જ સીમિત હતો. એનો દક્ષિણ અને ઇશાન ભારતમાં જરા ય પ્રભાવ નહોતો અને પશ્ચિમ ભારતમાં મામૂલી હતો. વળી એમાં માત્ર સૈનિકોએ ભાગ લીધો હતો, પ્રજાનો સહભાગ નહીંવત્ હતો. ભારતમાં અનેક ધાર્મિક આંદોલનો થયાં છે અને તેનો પ્રભાવ પણ ક્ષેત્રીય છે. ક્યાંક મધ્વનો, વલ્લભનો, ક્યાંક ચૈતન્યનો, ક્યાંક કબીરનો, વગેરે.
આ દેશમાં અખિલ ભારતીયતા જેવી કોઈ ચીજ જ નથી અને છતાં છે પણ. મારા બાળપણમાં મારાં બા ઘરે દરજીને બેસાડતાં. એ જમાનામાં ગામડાંઓમાં એવી પ્રથા હતી. દરજી બે-ત્રણ દિવસ માટે સંચો લઈને ઘરે આવી જાય અને માત્ર એ કુટુંબનું જ કામ કરે. છેલ્લા દિવસે કપડાં સીવતાં જે લીરા બચ્યા હોય એને સાંધીને મારાં બા ગાદલા-ગોદડાં ઢાંકવા માટે ‘ગોદડાઢાકણું’ સીવડાવતાં. એમાં અનેક રંગ હોય અને ચોરસા પણ નાનામોટા હોય. એક રીતે જુઓ તો એમાં કોઈ ભાત નજરે ન પડે અને છતાં ય ભાત હોય. થોડા દિવસ પછી ગમવા લાગે. આપણા દેશનું પણ આવું જ છે. ભાત વિનાનો પણ ભાતવાળો. આપણી અખિલ ભારતીયતા આ સ્વરૂપની છે અને તેને તેના સ્વરૂપમાં જ સ્વીકારવી જોઈએ. તેની સાથે ચેડાં કરવામાં લાભ નથી.
આ દેશ વિવિધતાઓથી ભરેલો છે અને વિવિધતા માત્ર ઓળખોને લઈને ભાવનાત્મક નથી, હકીકતોને લઈને વાસ્તવિક પણ છે. એકની જે જરૂરિયાત છે એ બીજાની નથી. એકની જે તકલીફ છે એ બીજાની નથી. એકનું જે સુખ છે એ બીજાનું નથી. એકનું જે દુઃખ છે એ બીજાનું નથી. ભુજમાં હમીરસર તળાવ છલકાય તો કચ્છીઓ રાજીના રેડ થઈ જાય અને નેપાળમાં કોસી નદી ઉપરનો બરાજ છલકાય તો બિહારીઓના હાજા ગગડી જાય. દેશની વાસ્તવિકતા અલગ અલગ છે, પ્રજાની જરૂરિયાત અલગ અલગ છે, સુખ-દુઃખનાં કારણો અલગ અલગ છે એટલે પ્રજાનો સ્વાર્થ પણ અલગ અલગ છે. આ એક એવો દેશ છે જેનો સ્વાર્થ પણ એક સરખો અખિલ ભારતીય નથી અને માટે પીડા કે રાજીપો પણ અખિલ ભારતીય નથી. આવો બીજો કોઈ દેશ આ ધરતી ઉપર નહીં મળે.
હા, સમસંવેદના વિકસાવી શકાય, પણ એને માટે દેશના લોકોએ એકબીજાના સ્વાર્થને, તેની પીડાને અને રાજીપાને સમજવા જોઈએ. અંદર આપણાપણાનો ભાવ હોવો જોઈએ. બસ, અહીંથી સહ્રદયતાની અથવા સમસંવેદનાની યાત્રા શરૂ થાય છે. વખતે તમારા સ્વાર્થ સાથે બીજાનો સ્વાર્થ અથડાય પણ ખરો. અનામતની જોગવાઈને લઈને ભારતીય પ્રજાના સ્વાર્થ અથડાઈ રહ્યા છે ,એ તો આપણો રોજનો અનુભવ છે. તમે ક્યારે ય પોતાની જાતને દલિતની જગ્યાએ મૂકીને એની પીડાને પામવાની કોશિશ કરી છે ખરી? જો કરી હોય તો તમે સાચા દેશભક્ત, અને જો ન કરી હોય તો તમે દેશભક્તિના અંચળા હેઠળ પોતાના સ્વાર્થને છુપાવનારા દેશ માટે બોજારૂપ ખુદગર્જ ઇન્સાન છો.
આ જ માપદંડ ખેડૂતોના આંદોલન માટે પણ લાગુ કરવો જોઈએ. એ આંદોલન અખિલ ભારતીય નથી અને બનવાનું નથી. ભારતમાં જેને દેશવ્યાપી કહેવાય એવું અખિલ ભારતીય આંદોલન એક પણ થયું નથી. ગાંધીજીના એકાદ-બે સત્યાગ્રહો આમાં અપવાદ કહી શકાય, પણ એ પણ તેના શાબ્દિક અર્થમાં અખિલ ભારતીય નહોતા. આટલું કરવા માટે પણ ગાંધીજીએ કેટલો પરિશ્રમ લીધો હતો તેની કદાચ તમને કલ્પના નથી. જો અખિલ ભારતીય સમસંવેદના પેદા કરવામાં આવે તો અખિલ ભારતીય આંદોલન થાય અને એ ભગીરથ કામ છે. ભારત ભરમાં અલગ અલગ પ્રદેશોમાં ખેતીની સ્થિતિ અલગ અલગ છે, એટલે ખેડૂતોનાં સુખ-દુઃખ અલગ અલગ છે. ગુજરાતની જ વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, આદિવાસી પંથક, કચ્છ, સૌરાષ્ટ્ર અને ભાલકાંઠામાં ખેતીની સ્થિતિ અલગ અલગ છે. એ સમજવા માટે સમજણ અને સંવેદના વિકસાવવા પડે, ચોવીસે કલાક ધુણવાથી દેશપ્રેમી નથી થવાતું.
પણ હવે પછી અખિલ ભારતીય આંદોલન થશે, એમ મને દેખાઈ રહ્યું છે. એનું કારણ એ છે કે છેતરપિંડી અને લૂંટ અખિલ ભારતીય છે અને ઉપરથી એ મર્યાદારહિત વિકૃત છે. પ્રચંડ મોટા પૂંજીપતિઓ, શાસકો, ધર્મગુરુઓ અને ઇલેક્ટ્રોનિક તેમ જ સોશ્યલ મીડિયા કંપનીના માલિકોની ધરી રચાઈ છે, જે પ્રજાને છેતરે છે અને લૂંટે છે. આજના યુગમાં પ્રજાને છેતરનારી ઇન્ડસ્ટ્રી જગતની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી છે અને તેનો વિકાસદર પણ સૌથી વધુ છે. તમને દેશપ્રેમના અને ધર્મના નશામાં રાખવા માટે માથાદીઠ તમારી પાછળ એ લોકો હજારો રૂપિયાનો ખર્ચો કરે છે અને કેટલાક કેસમાં તો તમારી આવક કરતાં એ લોકો તમારી પાછળ વધુ પૈસા ખર્ચે છે. એ તેમનું રોકાણ છે. પ્રજાને નશામાં રાખીને ચાર ભાગીદારો સાથે મળીને પ્રજાને અર્થાત્ દેશને લૂંટે છે. એમાં વળી પાછળના ત્રણ ભાગીદારો પહેલા ભાગીદાર માટે કામ કરે છે.
અતિની કોઈ ગતિ નથી હોતી એવી આપણે ત્યાં કહેવત છે. છેતરપિંડી અને લૂંટ અખિલ ભારતીય છે એટલે તેની સામેની પ્રતિક્રિયા પણ અખિલ ભારતીય હશે. વિકૃતિ જ્યારે તેની ચરમસીમાએ પહોંચે ત્યારે વિધ્વંસ થતા હોય છે. એ કહેવું મુશ્કેલ છે કે હવે પછી થનારું અખિલ ભારતીય આંદોલન પરિવર્તન માટેનું પ્રતિક્રિયારૂપ આંદોલન હશે કે પ્રતિશોધવાળું હિંસક હશે! બીજી શક્યતા વધારે નજરે પડે છે. પણ એટલું નક્કી છે કે એ યુવાનોનું આંદોલન હશે, કારણ કે તેમનું ભવિષ્ય લૂંટાઈ રહ્યું છે.
માટે માણસ બનીને સંવેદના વિકસાવો અને ખેડૂતોની પીડાને સમજવાની કોશિશ કરો. એમાં કેટલા પ્રદેશના ખેડૂતો જોડાયા છે એ પ્રશ્ન નિરર્થક છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 ડિસેમ્બર 2020