બીજી સપ્ટેમ્બરના રોજ કોલકાતા ઇન્ટરનેશનલ કલ્ટ ફિલ્મફેસ્ટિવલના આયોજકોને ઇમેલ આવે છે કે, તમારી ફિલ્મ ‘‘કૌન સે બાપુ?’ શૉર્ટફિલ્મ કૅટેગરીમાં ઑફિશિયલ સિલેક્ટ થઈ છે. અમેરિકા, યુરોપ, કોરિયા, જાપાન, તાઇવાન, આરબ અને આફ્રિકન દેશો એમ દુનિયાભરમાંથી આવેલી લગભગ પાંચસો ફિલ્મોમાંથી ચુનંદા ફિલ્મોનું ઑફિશિયલ સિલેક્શન થયું હતું. પહેલી જ ફિલ્મ અને આવા પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફિલ્મફેસ્ટિવલમાં સિલેક્શન સુધી પહોંચે એ રોમાંચની હવા ઓસરે એ પહેલાં તો પાંચમી સપ્ટેમ્બરના રોજ ફિલ્મ ફાઇનલમાં પહોંચવાના સમાચાર આવે છે. બે દિવસ પછી સાતમી સપ્ટેમ્બરના રોજ વિવિધ વિભાગોમાં વિજેતાફિલ્મોની યાદી જાહેર કરવામાં આવે છે. ‘કૌન સે બાપુ?’-ને આઉટસ્ટૅન્ડિંગ એચિવમેન્ટ ઍવૉર્ડ જાહેર થાય છે.
બરાબર એક વર્ષ પહેલાંની વાત કહું તો સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધીમાં ફિલ્મની સમગ્ર રૂપરેખા મારા મનમાં તૈયાર હતી. ૧૫૦મી ગાંધી-જયંતીના અઠવાડિયામાં હું અને ફિલ્મના સિનેમેટોગ્રાફર જયેશ ડેલીવાલા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં લોકેશન-સ્કાઉટિંગ કરી આવ્યા. ફિલ્મનો એક ખૂબ જ મહત્ત્વનો સીન સાબરમતી આશ્રમમાં ફિલ્માવવાનો હતો, એટલે આશ્રમપરિસરમાં વિવિધ લોકેશન્સ જોઈ લીધાં. કેટલા વાગે કયા લોકેશન પર કેવો પ્રકાશ હશે, એ મુજબ ચોક્કસ ફ્રેમનું આગોતરું આયોજન કરી લીધું હતું. બહોળા અનુભવને કારણે જયેશભાઈ એક જ મુલાકાતમાં ફિલ્મની જરૂરિયાત અને મિજાજ બરાબર સમજી લે છે. અમે લોકેશન- સ્કાઉટિંગ પૂરું કરીને સાબરમતી આશ્રમના મુખ્ય ગેટની બહાર નીકળીએ છીએ, ત્યાં જ અમને અમારી ફિલ્મનું એક મહત્ત્વનું પાત્ર મળી જાય છે. આ પાત્રની વાત તત્પૂરતી રહસ્ય રાખીને ગાંધીજી વિશેની ફિલ્મનો વિચાર કેવી રીતે સ્ફૂર્યો હતો, એની થોડી વાત કરી લઉં.
બાળપણમાં ‘સત્યના પ્રયોગો’ વાંચી એ સમયથી લઈને છેક કૉલેજકાળ સુધી વિવિધ તબક્કે ગાંધી વંચાતા ગયા તેમ જ એક વિચાર રૂપે સતત સાથે રહ્યા. મિત્રો જોડે જ્યારે પણ ગાંધીને અનુલક્ષીને સંવાદ થાય ત્યારે, ગાંધી વિરોધી મિત્રોને પહેલાં તો ‘સત્યના પ્રયોગો’ વાંચી જવા અને ત્યાર બાદ જ ડિબેટ કરવા સૂચવતો. એટનબરોની ગાંધી અસંખ્ય વાર જોઈ હશે. શ્યામ બેનેગલ નિર્મિત ‘મેકિંગ ઑફ મહાત્મા’ પણ અંદર સુધી સ્પર્શી ગઈ હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ એક પ્રોજેક્ટ માટે ગાંધી પર બનેલી ફિલ્મો અને લોકો પર એ ફિલ્મોની અસર વિશે મારો ઇન્ટરવ્યૂ કર્યો, ત્યારે નવેસરથી એ વિષય પર વિચારવાનું બન્યું. માર્ચ ૨૦૧૯માં પોરબંદર જવાનું બન્યું. કીર્તિમંદિર અને કસ્તૂરબાના નિવાસસ્થાનની મુલાકાતો લીધીઃ કીર્તિમંદિરમાં ગાંધીજી જે ઓરડામાં જન્મ્યા હતા એ જસ ને તસ સાચવેલો છે. દૂર કાઠિયાવાડના આ ડેલામાં જન્મેલો મોહન આગળ જઈને આવનારી આખી સદી માટે દુનિયાને કેવી બદલી નાખે છે, એ વિચારમાત્રથી રોમાંચિત થઈ જવાયું. દુનિયા આખીમાં અન્યાય સામે લડનારાઓને આજે પણ ગાંધીનું જીવન બળ પૂરું પાડે છે. ત્યારે એમના પોતાના દેશમાં એમને ચાર રસ્તે ઊભેલાં પૂતળાંઓ, દિવાલો પર ટીંગાયેલી તસવીરો અને ચલણી નોટોમાં કેદ કરી દેવામાં આવ્યા છે. એમના પોતાના દેશમાં ગાંધી ભુલાતાં જાય છે. સાથેસાથે એક વિચાર એ પણ આવ્યો કે ગાંધી વિશે કેટકેટલી ફિલ્મો બની ચૂકી છે અને અઢળક સાહિત્ય પણ રચાયું છે, પરંતુ હવે ગાંધી વિશે નવું શું કહી શકાય? અને ત્યાંથી આ ફિલ્મનું બીજ રોપાય છે. ગાંધીજી વિશે ક્યારે ય ના કહેવાયેલી વાત હળવી શૈલીમાં ફિલ્મમાં કહેવામાં આવી છે.
ફિલ્મની કલ્પના થઈ એ ક્ષણેથી જ મુખ્ય ભૂમિકામાં અભિનેતા અર્ચન ત્રિવેદીને કલ્પી લીધા હતા. અગાઉ પોરબંદરના જે પ્રવાસની વાત કરી, એમાં અર્ચનભાઈ પણ જોડાયા હતા. પહેલીવાર મળવાનું બન્યું અને મળતાવેંત મિત્ર બની ગયા. પોરબંદરમાં એમની સાથે સારો એવો સમય પસાર કરવાનું બન્યું. એમનાં નાટકનાં રિહર્સલ્સ જોયાં. ક્યારેક અર્ચનભાઈ જોડે કામ કરવું છે એમ મનોમન નક્કી કર્યું, પરંતુ એ આમ અચાનક અને એ પણ છ મહિનામાં જ શક્ય બનશે, એની એ સમયે કલ્પના નહોતી.
કટ ટુ અમદાવાદ. અર્ચનભાઈ અને જયેશભાઈની તારીખો મળ્યા બાદ ઑક્ટોબરમાં શૂટિંગ શરૂ થાય છે. પહેલા દિવસના શૂટિંગની એક રસપ્રદ વાત કરું. જૂના એલિસબ્રિજ ઉપર સૂર્યોદય પહેલાંનો એક શોટ લેવાનો હતો. કલાકારો અને બીજા ટેક્નિશિયન્સ સમયસર પહોંચી ગયા હતા, પરંતુ મારે વહેલીસવારે વડોદરાથી ડ્રાઇવ કરીને અમદાવાદ પહોંચવાનું હતું અને ધુમ્મસના કારણે મોડું થઈ ગયું. પહેલી ફિલ્મનો પહેલો શોટ ને હું મોડો પડ્યો હતો. હૃદયના ધબકારા વધી ગયા, પરંતુ જેવો લોકેશન પર પહોંચ્યો કે એમના ચિરપરિચિત ટીખળી અંદાજમાં અર્ચનભાઈ બોલી પડ્યા, ‘મેહુલ, હવે તો તું એક સફળ દિગ્દર્શક બનવાનો જ એ વાતમાં લગીરે શંકાને સ્થાન નથી. સફળ દિગ્દર્શકો કાયમ સેટ પર મોડા આવતા હોય છે.’ ખડખડાટ હાસ્ય સાથે ટીમમાં એક અનેરી ઊર્જાનો સંચાર થઈ જાય છે. એક સદી કરતાં પણ જૂના એલિસબ્રિજ પરનો એ શોટ ધાર્યા પ્રમાણે ઓકે થઈ જાય છે.
અમદાવાદના ઘણાં ઐતિહાસિક સ્થળો પર ફિલ્મ શૂટ થઈ છે. સાબરમતી આશ્રમના શૂટિંગની વાત કરું તો ચાલુ દિવસમાં શૂટિંગ હતું અને શાળાનાં બાળકો અને બીજા મુલાકાતીઓની સારી એવી ભીડ હતી. આશ્રમના કૉમ્યુનિકેટર પ્રતિમા વોરાએ રસ લઈને શૂટિંગ દરમિયાન ખૂબ મદદ કરી. અર્ચનભાઈને લગભગ પંદર મિનિટમાં તો ચરખો કાંતતા શિખવાડી દીધું.
સંગીત આ ફિલ્મનું એક ખાસ પાસું છે. મારે ‘વૈષ્ણવજન’નું વાંસળી પર વાદ્યગાન જોઈતું હતું અને એ પણ અમારી ફિલ્મ માટે ઓરિજિનલ રેકૉર્ડ કરેલું. બજેટ ઓછું હતું એટલે સ્ટુડિયો પોસાય એમ હતો નહિ. મિત્ર જગદીશ મહેતા વ્હારે આવ્યા. એમના મિત્રો વિવેક ઝાલા અને અન્ય વાદ્યકારોએ પોળના મકાનમાં જ વહેલી સવારે શાંત વાતાવરણમાં વૈષ્ણવજન રેકૉર્ડ કર્યું અને સાંભળતાંની સાથે જ લાગ્યું કે મારે જે જોઈતું હતું એ મળી ગયું છે. તમે તમારા ઘરમાં બેઠા હો અને પડોશમાં કોઈએ વાંસળી પર વૈષ્ણવજન છેડ્યું હોય અને એના સૂર તમારા કાન સુધી પહોંચે, ત્યારે જે અનુભૂતિ થાય એ તદ્દન ‘રૉ’ સ્વરૂપ મારે જોઈતું હતું, જે મળી ગયું.
અને હવે, શરૂઆતમાં જે પાત્ર અંગે રહસ્ય રાખ્યું હતું, એની વાત. એ કલાકાર કે જે અમને સાબરમતી આશ્રમના દરવાજે મળી ગયા હતા એમનું નામ છે સંજય રાજપૂત. તેઓ રિક્ષાચાલક છે. હું શરૂઆતથી જ ઇટાલિયન નિઑ-રિયાલિઝમ અને સત્યજીત રેની ફિલ્મોથી પ્રભાવિત થયો છું. મારી પહેલી ફિલ્મમાં ગાંધીજી અને સત્યજીત રે બંનેને ટ્રિબ્યૂટ રૂપે એક ‘સામાન્ય માણસ’ને અભિનય કરાવવો હતો. અને એ કૉમનમેન મને સંજય રાજપૂતમાં જડી ગયો. અર્ચનભાઈ જેવા ખમતીધર કલાકાર સામે ખૂબ જ ઓછા ટેકમાં એમણે સારું કામ કર્યું છે. ફિલ્મનું એડિટિંગ અને પોસ્ટ-પ્રોડક્શન જયેભાઈના ઘરે જ બનાવેલા સ્ટુડિયોમાં કરવામાં આવ્યું.
આ વર્ષે જાન્યુઆરીમાં કોલકાતા લિટરેચર ફેસ્ટિવલમાં કાવ્યપાઠ માટે જવાનું બન્યું હતું. સત્યજીત રેની લગભગ તમામ ફિલ્મોમાં નાયકની ભૂમિકા કરનાર વિશ્વવિખ્યાત બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જી જોડે કોલકાતામાં ગોષ્ઠિ થઈ. એમને મારી ફિલ્મ બતાવી. એમણે વખાણના બે શબ્દો કહ્યા એટલે કંઈક સારું કામ થયાનો અંદરથી રણકો વાગ્યો. એમની સાથે સાબરમતી આશ્રમ, ગાંધી અને ટાગોર વિશે પણ ઘણી વાતો થઈ. એ બધું ફરી ક્યારેક.
‘કૌન સે બાપુ?’ ભલે શૉર્ટફિલ્મ રહી, પરંતુ એના અનુભવો લખવા બેસું તો પાનાં ઓછાં પડે. અર્ચનભાઈ અને જયેશભાઈ જોડે કામ કરતાં-કરતાં જ ફિલ્મમેકિંગની ઘણી બારીકીઓ સહજતાથી શીખવા મળી, જે કદાચ કોઈ ફિલ્મ સ્કૂલમાં શીખવા ન મળે. ફિલ્મનો બીજા આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલ્સમાં પ્રવાસ હજુ ચાલુ છે. એટલે ઑનલાઇન આવતાં થોડા મહિના નીકળી જશે. તો મળીએ છીએ નજીકના ભવિષ્યમાં નવા વિષય અને ફિલ્મ સાથે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 12