વ્યક્તિપૂજક સમાજ : લોકશાહીના સિદ્ધાંતોની વાતો થાય છે, પણ જનતા આજે પણ સિદ્ધાંતો કરતાં આગેવાનોને અનુસરે છે
''લોકશાહી લોકોનું, લોકો માટેનું, લોકો દ્વારા ચાલતું રાજ’’ તેવી અમેરિકન પ્રમુખ અબ્રાહમ લિંકને દોઢસો વરસ અગાઉ આપેલી વ્યાખ્યા આજે પૂરેપૂરી બદલાઈ ચૂકી છે. આધુનિક લોકશાહી રાજકીય પક્ષોનાં હિત માટે ચાલતું રાજ બની ગઈ છે. લોકશાહીના અનેક પ્રકારો છે પણ બધી લોકશાહીઓમાં રાજકીય પક્ષો સત્તાના કેન્દ્રસ્થાને ગોઠવાઈ ગયા છે. લોકશાહી વ્યવસ્થાનો પૂરો લાભ ઉઠાવતા રાજકીય પક્ષોનાં આગેવાનો પોતાના માટે લોકશાહીનાં ધારાધોરણ પાળવા તૈયાર હોતાં નથી અને પક્ષોનાં બંધારણો તો માત્ર કાગળિયા ઘોડા બની ગયા છે.
આપણા દેશમાં આજે ૧૬૧૬ પક્ષો ચૂંટણીપંચનાં ચોપડે ચડેલા છે. તેમાંથી છ પક્ષો રાષ્ટ્રીય ગણાય છે, ૪૭ પક્ષોને પ્રાદેશિક પક્ષોનો દરજ્જો અપાયો છે અને ૧પ૬૩ પક્ષોની તો માત્ર નોંધણી જ કરવામાં આવી છે. સામ્યવાદી પક્ષ, માકર્સવાદી પક્ષ, બહુજન સમાજ પક્ષ અને શરદ પવારનો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ પોતપોતાના વિસ્તારમાં જ મહત્ત્વ ધરાવે છે. બંગાળ – કેરળ સિવાય સામ્યવાદીઓ કે માર્કસવાદીઓનું કશું ઊપજતું નથી. ઉત્તરપ્રદેશ કે બિહારની બહાર બહુજન સમાજ પક્ષને એકાદ બે બેઠક માંડ મળે છે. તેથી વાસ્તવિક ધોરણે તો ભારતમાં કોંગ્રેસ અને ભાજપ આ બે પક્ષો જ રાષ્ટ્રીય પક્ષો છે. કોંગ્રેસમાં એક જમાનામાં લોકશાહી ધોરણે કામ ચાલતું અને આઝાદીની લડતમાં ભાગ લેનાર મહારથી નેતાઓ હતા. ત્યાં સુધી બધા નિર્ણયો લોકશાહીઢબે ચર્ચાઓ કરીને લેવામાં આવતા.
મોટાં દિગ્ગજ નેતાઓએ પણ લોકશાહી ફેંસલા કબૂલ રાખવા પડતા. ૧૯૩૯માં સુભાષ બોઝ કોંગ્રેસનાં પ્રમુખ ચૂંટાયા તે ગાંધીજીની ઇચ્છા વિરુદ્ધ થયું. પણ પરિણામ ગાંધીજીએ પણ સ્વીકારી લીધું. પણ ૧૯૬૯માં કોંગ્રેસના ભાગલા પડયા પછી બદલાયું અને ઇન્દિરા ગાંધીએ એકહથ્થુ વહીવટ ચલાવ્યો. કોંગ્રેસમાં લોકશાહીતંત્રનો દેખાવ ચાલુ રહ્યો પણ રાજવંશી રીતે કામ ચાલ્યું. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી બધી રીતે વધારે લાયક અને અનુભવી પ્રણવ મુખરજીને બાજુએ ફગાવીને તદ્દન બિન અનુભવી રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા અને ચાર પાંચ વરસમાં કોંગ્રેસ પક્ષે પછડાટ ખાધી. રાજીવ ગાંધીની હત્યા (૧૯૯૧) પછી કુટુંબમાં કોઈ ન હોવાથી નરસિંહરાવ વડાપ્રધાન બન્યા, (૧૯૯૧-૯૬)પણ ૧૯૯પમાં સીતારામ કેસરીને ખસેડીને સોનિયા ગાંધી પ્રમુખ બન્યાં તે વીસ વરસથી પ્રમુખપદ ભોગવે છે.
ભાજપમાં રાજવંશ નથી, પણ મુઠ્ઠીભર આગેવાનો પોતાની ટોળી જમાવીને ભાજપને દોરવણી આપે છે. જનસંઘની સ્થાપનાથી માંડીને ૧૯૬૮ સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રતિનિધિ દીનદયાલ ઉપાધ્યાય જનસંઘના મહામંત્રી તરીકે સર્વેસર્વા બની રહ્યા. જનસંઘના પ્રમુખો વરસે – બે વરસે બદલાય પણ મહામંત્રી તો ઉપાધ્યાય જ અને ખરી સત્તા તેમના હાથમાં. ૧૯૮૦માં ભાજપની સ્થાપના થઈ ત્યારે અટલબિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીની ત્રિપુટીએ પગ જમાવ્યો અને આજે નરેન્દ્ર મોદીનો પડયો બોલ ઝીલવામાં આવે છે. આવી વ્યક્તિની પણ સામે અવાજ ઉઠાવનાર લાલકૃષ્ણ અડવાણીને ઠેકાણાં સર બેસાડી દેવામાં આવ્યા છે.
ભાજપમાં રાજવંશ નથી પણ મુઠ્ઠીભર આગેવાનોનું વર્ચસ્વ છે. આવા વર્ચસ્વને અંગ્રેજી ભાષામાં OLIGARCHY(ઓલીગાર્કી) કહેવાય છે. ગુજરાતી ભાષામાં તેનો કોઈ પર્યાય જડતો નથી. પ્રાદેશિક પક્ષોમાં તો સ્થિતિ વધારે ખરાબ છે. ૪૭ પ્રાદેશિક પક્ષો વિવિધ પ્રકારના છે અને વિવિધ કારણોસર સ્થપાયા છે. બહુજન સમાજ પક્ષમાં માયાવતી, સમાજવાદી પક્ષના મુલાયમસિંહ યાદવ, રાષ્ટ્રીય જનતા દળના લાલુપ્રસાદ યાદવ, તૃણમૂલ કોંગ્રેસનાં મમતા બેનરજી, અન્નાદ્રમુકમાં જયલલિતા, રાષ્ટ્રીય કોંગ્રેસમાં શરદ પવાર જે ધારે તે કરે છે અને કરી શકે છે, કારણ કે મોટા ભાગે આ પ્રાદેશિક પક્ષો તેમણે સ્થાપ્યા છે અને તેમના કારણે જ ટકી રહ્યાં છે.
પંજાબમાં અકાળીદળ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ તો તામિલનાડુમાં દ્રમુક અલગ પ્રકારના પ્રાદેશિક પક્ષો છે. આ પક્ષોની સ્થાપના લાંબા વખત અગાઉ સામાજિક કારણોસર થઈ. પણ આ પક્ષોએ રાજકારણમાં ઝુકાવ્યા પછી આગેવાનોએ સત્તા જમાવી. ઉડીશામાં બીજુ જનતા પક્ષ પણ અલગ પ્રકારનો રાજવંશ છે. જનતા દળના ટુકડા પડયા પછી ઉડીશામાં બીજુ પટનાયક જેવા પ્રચંડ આગેવાન સિવાય બીજું કોઈ હતું જ નહીં. આંધ્રમાં એન.ટી. રામારાવે સ્થાપેલા તેલુગુદેશમ પક્ષમાં તેમના કુટુંબને ખસેડીને રામારાવના જમાઈ ચંદ્રાબાબુ નાયડુએ લગામ પકડી લીધી છે.આવું આપણા દેશમાં જલદીથી થાય છે અને વધારે પ્રમાણમાં થાય છે, કારણ કે આપણા સમાજમાં લોકશાહીની પરંપરા નથી અને આપણો સમાજ વ્યક્તિપૂજક સમાજ છે. લોકશાહીના સિદ્ધાંતોની વાતો થાય છે પણ આમ જનતા હજુ આજે પણ સિદ્ધાંતો કરતાં આગેવાનોને અનુસરે છે. આવું માત્ર રાજકારણમાં જ થાય છે તેમ નથી. સિનેમાના એક્ટરો, ખેલાડીઓ, શ્રીમંત કુટુંબના-નબીરાઓ માટે આપણા સમાજમાં જે અહોભાવ છે તે દુનિયામાં બીજે કશે દેખાતો નથી. નગીનદાસ સંઘવી લેખક વરીષ્ઠ રાજકીય સમીક્ષક છે.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, Apr 14, 2014