“મારી જિંદગીની અંદર મેં અનેક કાર્યો કર્યાં છે. તેમાંનાં ઘણાં કાર્યોને માટે મારા મનમાં હું મગરૂરી પણ માનું છું. કેટલાકને સારુ પશ્ચાતાપ પણ થાય છે. એમાંના ઘણાં મોટી જવાબદારીવાળાં પણ હતાં. પણ અત્યારે જરાયે અતિશયોક્તિ વિના હું કહેવાને ઇચ્છું કે, મેં એવું એક પણ કાર્ય નથી કર્યું કે, જેની સાથે આજે કરવાના કાર્યનો મુકાબલો થાય. આ કાર્યમાં મને ભારે જોખમ લાગે છે. તે એ કારણથી નહીં કે એમાં પ્રજાને નુકસાન રહેલું છે, પણ મને દુઃખ થયા કરે છે અથવા હું મારા મનમાં મુકાબલો કરી રહ્યો છું. તે એક જ વસ્તુ છે કે હું જે કાર્ય કરવા બેઠો છું તેને માટે હું લાયકાત ધરાવતો નથી. આમ હું વિવેકદૃષ્ટિએ નથી કહી રહ્યો, પણ મારો આત્મા જ કહે છે તે હું તમારી સામે આલેખી રહ્યો છું. મને જો ખબર હોત કે અત્યારે જે કાર્ય કરવાનું છે તે કેળવણીનો જે ખરો અર્થ છે તેને અવલંબીને કરવાનું છે તો મારે આ પ્રસ્તાવના મૂકવી ન પડત. આ મહાવિદ્યાલયની પ્રતિષ્ઠા કરવાનો હેતુ કેવળ વિદ્યાદાન આપવાનો નથી, પણ આજીવિકાની પ્રાપ્તિને સારુ સાધન કરી આપવાનો પણ છે, અને એ સારુ આ વિદ્યાલયની સરખામણી ગુજરાત કૉલેજ આદિની સાથે કરું છું ત્યારે મને ઘૂમરી આવે છે.
“આમાં પણ અતિશયોક્તિ નથી. ક્યાં ગુજરાત કૉલેજ અને કેવી બીજી કૉલેજો અને ક્યાં આ આપણું આ નાનું મહાવિદ્યાલય? મારા મનમાં તો એ મહાન જ છે પણ મને ધાસ્તી છે કે, તમારી દૃષ્ટિથી હિંદુસ્તાનમાં પડેલી કૉલેજોની સામે આ મહાવિદ્યાલયની અણુવિદ્યાલય લાગતું હશે. આ વિદ્યાલયનો વિચાર કરતાં તમારા મનમાં ઈંટો અને ચૂનાની સરખામણી થતી હશે. ઈંટો અને ચૂનો તો હું ગુજરાત કૉલેજમાં વધારે જોઉં છું. ટ્રેનમાં આવતો હતો ત્યારે એ જ વિચાર હું કરતો હતો કે, તમારી આગળ આજે હું કયો વિચાર મૂકું કે જેથી આવી ઈંટ-ચૂનાની સરખામણી તમારા મનમાંથી કાઢી નાખી શકું. એવો વિચાર મને હજુ સુધી નથી સૂઝ્યો એ મને ખૂંચે છે. આવો કઠણ પ્રસંગ મેં મારે વાસ્તે અગાઉ કદી ઊભો નથી કર્યો. અત્યારે અનાયાસે એમાં હું તમારી આગળ તેવી રીતે સિદ્ધ નહીં કરી શકું. જેને તમે ત્રુટીઓ માનશો તેને હું ત્રુટી નથી એમ કઈ રીતે બતાવી શકું? એ ત્રુટીઓ સરળ ભાવે જણાવીને ભાઈ કિશોરલાલે (મહામાત્રે) મારું કામ સરળ કરી મૂક્યું છે. એ ત્રુટીઓ હોવા છતાં આ કાર્ય મહાન છે એમ તમે માનજો. મારામાં એને વિષે જેવી શ્રદ્ધા છે તેવી જ શ્રદ્ધા ઈશ્વર તમારામાં આરોપો. હું પોતે તમારામાં એ શ્રદ્ધાને નહીં આરોપી શકું. મારામાં એટલી તપશ્ચર્યા નથી. મારે મારું અસમર્થપણું કબૂલ કરવું જોઈએ, મેં કેળવણીમાં એવું કાર્ય નથી કર્યું કે હું તમને બતાવી શકું કે આ કાર્ય મહાનમાં મહાન છે ….
“આપણે આ વિદ્યાલયની પ્રતિષ્ઠા વિદ્યાની દૃષ્ટીથી નહીં પણ રાષ્ટ્રીય દૃષ્ટીથી કરીએ છીએ. વિદ્યાર્થીઓને બળવાન અને ચારિત્ર્યવાન બનાવવાને માટે કરીએ છીએ … આપણે આવાં વિદ્યાલયો સફળ કરવા માટે આપણે પૈસો, આપણું ચારિત્ર્ય જેટલું ખરચી શકીએ તેટલું ઓછું છે …. અસહકારની ઉત્ત્પત્તિનું સ્થાન ગુજરાત છે, અસહકારનું મૂળ ગુજરાતમાં રોપાયું છે, તેના પર સિંચન ગુજરાતમાં થયું છે, એને માટે તપશ્ચર્યા ગુજરાતમાં થઈ છે. આ ઉપરથી એમ નહીં માનશો કે આ મિથ્યાભિમાની માણસ બોલે છે, એમ ન માનશો કે આ બધી તપસ્યા મેં જ કરી છે, કે મૂળ મેં જ રોપ્યું છે. મેં તો કેવળ મંત્ર આપ્યો છે. એક વણિક પુત્ર જો કરી શકતો હોય તો મેં ઋષિનું કામ કર્યું છે. એથી વિશેષ મેં કંઈ નથી કર્યું.”
અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠને આજ રોજ સો વર્ષ પૂણ થઈ રહ્યાં છે અને ઉપર મૂકેલું વક્તવ્ય ગાંધીજીએ વિદ્યાપીઠની પ્રવૃત્તિના આરંભે આપ્યું હતું. ગાંધીજીનું લાંબુ લાગે તેવું વક્તવ્ય મૂકવાનું એક કારણ એ પણ છે કે શિક્ષણ પ્રવૃત્તિને ગાંધીજી કેટલું મહત્ત્વનું ગણ્યું છે તે આમાં અભિપ્રેરીત થાય છે. વર્તમાન સમયમાં શિક્ષણ એક વ્યવસાય બની ચૂક્યો છે; પણ તે કેટલી નિર્મળ પ્રવૃત્તિ છે અને તેનાથી કેટલો ઊંચો આદર્શ સિદ્ધ થઈ શકે તેની શક્યતા ગાંધીજીએ અહીં બતાવી આપી છે. આ વક્તવ્યમાં ગાંધીજીએ શિક્ષણક્ષેત્રને કાયાપલટ થઈ શકે તેટલાં શબ્દરૂપી મોતી વેર્યાં છે અને વિદ્યાપીઠની એક-એક પ્રવૃત્તિમાં તેની ઝલક આરંભથી જોવા મળે છે. વિદ્યાપીઠની આરંભથી સુવર્ણ જયંતી સુધીની આ ઝાંખી જોવી હોય તો તે ‘કેળવણી વડે ક્રાંતિ’ નામના પુસ્તકોના બે ભાગમાં વાંચવા મળે છે.
ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી 1915ના શરૂઆતમાં હિંદમા પાછા આવ્યા અને 1918માં અમદાવાદમાં સાબરમતી તટે સત્યાગ્રહાશ્રમની સ્થાપના કરી ત્યારે જે તેમણે આશ્રમની એક પ્રવૃત્તિ તરીકે ‘રાષ્ટ્રીય વિદ્યામંદિર’નો આરંભ કર્યો હતો. હિંદમાં રાષ્ટ્રીય શિક્ષણનો તે પ્રથમ પ્રયોગ હતો. 1920માં હિંદમાં અસહકારનું આંદોલન શરૂ થયું અને ધારાસભા-કચેરી અને શાળા-મહાશાળાના તથા સરકારી માન ઇલકાબોનો બહિષ્કાર પોકાર્યો. તેના પરિણામરૂપે દેશમાં અંગ્રેજ સરકારથી સ્વતંત્ર રહીને કાર્ય કરતી રાષ્ટ્રીય વિદ્યાપીઠોની સ્થાપના થઈ. તેવી નવી રાષ્ટ્રીય વિદ્યાપીઠોમાં સૌથી પહેલાં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના 18 ઑક્ટોબર 1920ના રોજ થઈ હતી.
વિદ્યાપીઠ વિશેની આરંભની તમામ વિગત કેળવણી વડે ક્રાંતિ પુસ્તકમાં મળે છે. તેના વ્યાપથી માંડીને તેમાં આવેલા તબક્કાવાર પરિવર્તન સુધીનો. પણ તેમાં સૌથી અગત્યનો હિસ્સો દર વર્ષે પદવીદાન સમારંભમાં આપેલાં તત્કાલીન મહાનુભાવોના વક્તવ્ય છે. 1950ના વર્ષમાં થયેલાં અગિયારમા પદવીદાન સમારંભમાં પ્રમુખ તરીકે સરદાર પટેલે વક્તવ્ય આપ્યું હતું તેમાં તેઓએ એટલે સુધી કહ્યું હતું કે, “વિદ્યાપીઠની ચડતીપડતી એ સ્વરાજની લડતની ચડતી પડતીનો ઇતિહાસ છે.” આ ઉપરાંત, જે તેમની અગત્યની વાત હતી : “વિદ્યાપીઠના સ્નાતકોનો ધર્મ છે કે, પોતાનો અભ્યાસ વિચારથી અને ઊંડી નજરથી કરે. લોકપ્રવાહમાં તણાવું ન જોઈએ.” લોકપ્રવાહમાં ન તણાવું અને કોઈ પણ વિષયનો અભ્યાસ વિચારથી અને ઊંડી નજરથી કરવો તે વાત તો આજે વધુ પ્રસ્તુત છે.
1963માં વિદ્યાપીઠના પદવીદાન સમારંભ જવાહરલાલ નેહરુએ વક્તવ્ય આપ્યું હતું અને તેમાં જે વિગત કહેવાઈ છે તેનું આજે ગુજરાત ગૌરવ લઈ શકે એમ છે. નેહરુએ ત્યારે કહ્યું હતું કે, “અહીં આવીને અગાઉનો સમય યાદ આવે છે. શું થયું અને અમે અહીંથી શું શીખ્યા. અહીં આવીને મને ખુશી થાય છે કારણ કે આજકાલના પડકારો અને મુશ્કેલીઓમાં આવી જગ્યાએ આવીને હૃદયને ટાઢક વળે છે અને થોડો ભાર હળવો થાય છે.” કેટલીક પાયાની વાતો પણ વિદ્યાપીઠના દિક્ષાંત સમારોહમાં મહાનુભાવોએ કરી છે. જેમ કે નેહરુએ કહ્યું હતું : “સંપત્તિ એ છે જે મહેનત દ્વારા ખેડૂત ખેતી કરીને ઊગવે છે અને મજૂર કારખાનોમાં સામાન બનાવીને ઉત્પાદન કરે છે. જે નવી ચીજવસ્તુ બનાવવામાં આવે તે સંપત્તિ છે.” એ રીતે નેહરુએ ભારતના સમાજ-સંસ્કૃતિ-વિજ્ઞાન અને ભાષાની વાત અહીં કરી છે. તેઓ આગળ જે કહે છે તે નેહરુની જે છબિ આજે પ્રસ્તુત કરવામાં આવે છે તેનાથી તદ્દન વિપરીત લાગે એવી છે. તેમણે કહ્યું હતું કે, “વિશ્વમાં સંસ્કૃત જેવું સાહિત્ય જૂજ જ જોવા મળશે. સંસ્કૃત એટલી જબરદસ્ત ભાષા છે. જો કોઈ તેનું થોડું પણ જ્ઞાન મેળવે તો તેને આશ્ચર્ય થશે, તેના પ્રભાવ અને તેના સૌંદર્ય પર.” નેહરુના વક્તવ્યમાં એવું કેટકેટલું છે જે આજના સંદર્ભે મૂકી શકાય. વિશેષ કરીને તેમણે અહીં અર્થતંત્રમાં દેશની પ્રગતિ થઈ શકી નથી તેવું સ્પષ્ટ રીતે સ્વીકાર્યું હતું, જેમાં આજના સમયમાં ગલ્લાંતલ્લાં થયા કરે છે.
ગૂજરાત વિદ્યાપીઠ સંબંધિત અગાઉની માહિતી પુસ્તકો અને વર્તમાનની વિદ્યાપીઠની વેબસાઈટ પર ઉપલબ્ધ છે; પણ સૌથી અગત્યનું કોઈ પણ સંસ્થાનું અગત્યનું પાસું તેનો વિચાર છે. અને આજે પણ ગૂજરાત વિદ્યાપીઠ આસપાસની દોડતાં જગતમાં ગાંધીવિચારને અનુસરીને ધીમી ગતિએ માર્ગ કાપી રહી છે.
e.mail : kirankapure@gmail.com
પ્રગટ : ‘ઈન સાઈડ આઉટ સાઈટ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 ઑક્ટોબર 2020