Opinion Magazine
Number of visits: 9506093
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

1001 મુરાતિયામાંથી કોને પસંદ કરીશું?

અાશા બૂચ|Samantar Gujarat - Samantar|7 April 2014

2014ની સામાન્ય ચૂંટણી હવે થોડા જ દિવસ દૂર રહી ત્યારે યોજનો દૂર બેઠે બેઠે સહેજે વિચાર આવે કે ભારતના મતદારો ક્યા માપદંડ વાપરીને પક્ષની પસંદગી કરશે અને ક્યા ઉમેદવારોને ગળે હાર પહેરાવશે, ભલા ?

સ્વતંત્રતા મળ્યા પછીના બે દાયકા દરમ્યાન કોંગ્રેસ મુખ્ય પક્ષ હતો અને સ્વતંત્ર પક્ષ તથા જનસંઘના અસ્તિત્વની જાણ હોવા સિવાય તેના ચૂંટણી ઢંઢેરા અને તેમની રાજનીતિ વિષે પૂરતી માહિતી પ્રાપ્ત નહોતી! આજે કહે છે કે ભારતમાં લગભગ 1001 જેટલા રાષ્ટ્રીય અને રાજકીય સ્તરના પક્ષો બિલાડીના ટોપની માફક ફૂટી નીકળ્યા છે. ખરું જુઓ તો મુખ્ય ત્રણ પક્ષો વચ્ચે સાઠમારી ચાલે છે તેમ કહેવાય જેમાંના કોંગ્રેસ અને ભારતીય જનતા પક્ષ જૂના જોગી છે અને આમ આદમી પક્ષ સાવ નવો નક્કોર પક્ષ છે. આ ત્રણેય પક્ષનો ઇતિહાસ અને વર્તમાન સમયમાં એમની પાત્રતા જોવાનું રસપ્રદ થઈ પડશે.

કોંગ્રેસની ગંગોત્રી જોવા જઇએ તો ઇ.સ. 1885માં અંગ્રેજ આલન ઓકટેવિયન હ્યુમ, દાદાભાઈ નવરોજી, દિનશા વાચ્છા, વ્યોમેશ્ચન્દ્ર બેનરજી, સુરેન્દ્રનાથ બેનરજી, મનમોહન ઘોષ, મહાદેવ ગોવિંદ રાનડે અને વિલિયમ વેડરબર્ન વગેરેએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરી. એમનો હેતુ હતો બ્રિટિશ રાજ્ય વહીવટમાં નાગરિક અને રાજકીય પ્રતિનિધિત્વ દ્વારા શિક્ષિત ભારતીય લોકોને ભાગીદાર બનાવવાનો. વર્ષમાં એક વખત કોંગ્રેસ મહાસભા મળતી અને ઠરાવો કરી છુટ્ટી પડતી. તત્કાલીન સરકારનો તેમની તમામ માગણીઓ માટેનો સતત વિરોધ થવાને કારણે કોંગ્રેસે સ્વતંત્રતાની ચળવળમાં ઝુકાવ્યું. ગરમ અને નરમ દળના નેતાઓએ વિવિધ પગલાં લઈને સ્વતંત્રતા માટે ભરસક પ્રયત્નો કર્યા. મહાત્મા ગાંધીજીના ભારત આગમન બાદ કોંગ્રેસે એમની આગેવાની હેઠળ એ ચળવળને નવું સ્વરૂપ આપ્યું અને એ રીતે એ વધુ રાજકીય વજન ધરાવનારી બની. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ સમયે ગાંધીજીનું સૂચન હતું કે જે પક્ષે સ્વરાજ્ય મેળવવા મુખ્ય ભૂમિકા ભજવી છે તે પક્ષને વિખેરી નાખવો જોઇએ અને એના સભ્યોએ યા તો બીજા પક્ષના નેજા નીચે ચૂંટણી લડાવી અથવા રચનાત્મક કાર્યો દ્વારા દેશને સુગઠિત અને મજબૂત બનાવવો જોઇએ નહીં તો ‘અમારા થકી સ્વરાજ મળ્યું છે એટલે એ માટેનો તમામ યશ અમને મળે, એના લાભ અમને મળે’ એવી અપેક્ષા રાજ્યકર્તાઓમાં રહેશે. જેનાથી ભવિષ્યમાં નિષ્ઠા વિનાના સત્તાલોલૂપ રાજકારણીઓ દેશની ધુરા સંભાળશે. પરંતુ એ મહામાનવની દીર્ઘ દ્રષ્ટિને અનુસરવાનું કોંગ્રેસના સભ્યોને ઉચિત ન ભાસ્યું અને એમની ભવિષ્યવાણી તદ્દન સાચી પડી જે આપણું  કમનસીબ છે. 1952થી 1977 સુધી કોંગ્રેસ પક્ષ બહુમતી મેળવીને સત્તારૂઢ રહ્યો, તે પછી તેનાં વળતાં પાણી થયાં !

હવે કાઢીએ બહુ ચર્ચિત એવા ભારતીય જનતા પક્ષનું પગેરું. આપણે દીકરાનું પૂરું નામ પૂછીએ ત્યારે દીકરાની સાથે તેના બાપ અને દાદાનું નામ પણ બોલાય જેથી તેની જ્ઞાતિ અને કુળનો ખ્યાલ આવે એ રીતે ભારતીય જનતા પક્ષના બાપ સરીખા જનસંઘ અને દાદા સરીખા રાષ્ટ્રીય સેવક સંઘ વિષે જાણવાથી જ એનું અત્યારનું મૂલ્ય અને ઉપયુક્તતા સમજાશે. ચાલો પહેલાં ભારતીય જનતા પક્ષના દાદાને ઓળખીએ. ઇ.સ. 1925માં સૈન્ય જેવી શિસ્ત ધરાવતું અને હિંસાત્મક પગલાંઓને વ્યાજબી ઠરાવતું એવું રાષ્ટ્રીય સેવક સંઘ નામનું એક સંગઠન ઊભું થયું. એમનો એક માત્ર હેતુ મુસ્લિમો સામે હિન્દુઓની રક્ષા કરવો હતો એ જગ જાહેર વાત છે. સ્વતંત્રતાની ચળવળમાં એમને ન તો ભાગ લીધો ના કોઈ પ્રદાન કર્યું અને પોતાના મુસ્લિમ વિરોધી વલણને પોષ્યા કર્યું. બીજા વિશ્વયુદ્ધ સમયે ભારતના રાજકારણમાં કોમવાદ પ્રસર્યો તેથી રાષ્ટ્રીય સેવક સંઘની પ્રવૃત્તિઓ ફૂલી ફાલી. 1946-47ના કોમી દન્ગાઓમાં એ પક્ષનો ઘણો મોટો ફાળો છે એ સર્વ વિદિત છે.  

ઇ.સ. 1948માં ગાંધીજીની હત્યા પાછળ રાષ્ટ્રીય સેવક સંઘનું પીઠબળ જગજાહેર બન્યું અને એ સંગઠન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. જ્યારે એ પ્રતિબંધ ઊઠાવી લેવામાં આવ્યો ત્યારે પણ જાહેર રાજકારણમાં પ્રવેશવાનું તેમને માટે ઉચિત ન રહ્યું અને તેથી જનસંઘ નામના નવા પક્ષના રાજકીય તખ્તા પર પગ માંડ્યો. હકીકતે જનસંઘની નીતિ અને કાર્ય પધ્ધતિનાં મૂળિયાં  રાષ્ટ્રીય સેવક સંઘમાં જ હતાં એ સ્વીકારવું મુશ્કેલ નથી. જનસંઘ શરૂઆતમાં નહેરુ વિરોધી રાજમત અને ખાનગીકરણની તરફેણની નીતિ ધરાવનાર મનાતો હતો. પછી એ પક્ષે નેશનલ-સોશ્યાલીસ્ટ વિચારધારા અને પબ્લિક સેક્ટર તરફ પોતાની પૂંઠ ફેરવી. જો કે એનો ફાયદો એક એ થયો કે એમના અંકુશ નીચેના રાજ્યોમાં જમીનદારી નાબૂદી, જમીન માલિકી મર્યાદા ધારો, ખેડે તેની જમીન, કેટલેક ચાવીરૂપ ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ તથા આવક પર અંકુશ જેવા ધારાઓ અમલમાં આવ્યા જે લોકહિતમાં હતા.

આમ થવાથી કોંગ્રેસ પક્ષની પ્રજા પરની પકડ ઢીલી પડી જેનો લાભ ઊઠાવવા જનસંઘે પોતાને સેક્યુલર પક્ષ તરીકે જાહેર કરવા થોડા મુસ્લિમ સભ્યો સ્વીકાર્યા અને ભવિષ્યમાં ભારતીય રાષ્ટ્ર ઊભું કરવા માંગે છે તેવી વાત છડેચોક કરવા લાગ્યા, જો કે એ ‘ભારતીય’ શબ્દની પાછળ તેમના મનમાં ‘માત્ર હિંદુ રાજ્ય’ની પરિકલ્પના જ રમતી હતી. આ હકીકતનો પુરાવો જનસંઘના નેતાઓના ભાષણો અને પોતાના જર્નલોમાં છપાતાં લખાણોમાં મળતો. પક્ષની ધર્મ નિરપેક્ષ નીતિ છે એ વિધાન એક દેખાવ માત્ર હતો, મુસ્લિમ વિરોધી ઝેર ફેલાવવામાં અને પાકિસ્તાન વિરોધી પ્રચાર કરવામાં પાછું વાળીને નથી જોયું. 1977 સુધી જનસંઘ કોંગ્રેસ સામે એક સબળ વિરોધ પક્ષ તરીકે ઉભરી આવે એવા સતત પ્રયત્નો કરતો રહ્યો અને તેમાં અમુક અંશે સફળતા પણ મેળવી.

ઇન્દિરા ગાંધીના શાસનકાળ દરમ્યાન લદાયેલી કટોકટી બાદ, રાજકારણના રંગ બદલાયા અને જનસંઘ જનતા પક્ષ સાથે ભળી ગયો, જેમાં અન્ય નાના નાના પક્ષો પણ હતા. ત્યાર બાદ એ જ પક્ષે નવો વાઘો ઓઢ્યો અને 1980માં ‘ભારતીય જનતા પક્ષ’ તરીકે ઓળખવા લાગ્યો જેમાં જનસંઘી વિચારધારા ધરાવનારા મોટી સંખ્યામાં હતા. આમ જોવા જઇએ તો રાષ્ટ્રીય સેવક સંઘથી શરૂ થયેલ આ વંશાવળી જનસંઘ અને ભારતીય જનતા પક્ષ સુધી આવીને અટકી એ મૂળે તો કોમવાદી વિચારધારાને જ વરેલી ત્રણ પેઢીઓ છે એ દીવા જેવું સ્પષ્ટ છે. કોમવાદને સ્થાનકે બેસાડ્યો હોવાથી એમની કોઈ ખાસ રાજકીય નીતિ તો હતી નહીં, જેથી એની આર્થિક, રાજકીય અને સામાજિક નીતિનું ખોળિયું કહો કે મહોરું મતદારોની જરૂરિયાતો અને અપેક્ષા પ્રમાણે બદલાતું રહ્યું. કોઈ પણ જમણેરી વિચારધારાવાળો પક્ષ અર્થવ્યવસ્થાના પ્રતિભાવાત્મક પાસાને પોષીને અને શોષણયુક્ત સમાજરચનાને મજબૂત કરીને જ રાજ્યને એકત્રિત રાખી શકે એવું ઇતિહાસે પૂરવાર કર્યું છે અને ભારતીય જનતા પક્ષ એમાં અપવાદ નથી. અહીં એ કહેવું ઉચિત થશે કે ભારતના ગરીબી, રોજગારી, આવાસ, સ્વાસ્થ્ય અને શિક્ષણને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે કોંગ્રેસ પણ સરિયામ નિષ્ફળતાને વરી છે એ સખેદ સ્વીકારવું રહ્યું.  

સ્વતંત્રતા પછીનાં વર્ષો રાજકીય સ્થિરતા, આર્થિક પ્રગતિ, સામાજિક સુધારા અને શૈક્ષણિક આગેકદમના હતા એ બેશક સ્વીકારી શકાય. ભારતના બંધારણમાં ધર્મનિરપેક્ષતાનો સ્વીકાર થયેલ છે. એક તંદુરસ્ત લોકશાહી માટે કોઈ મજબૂત વિરોધ પક્ષ પણ હોવો જરૂરી હોય છે. થયું એવું કે સ્વાતંત્ર્યની ચળવળ સમયે રાષ્ટ્રીયતાનો જુવાળ હતો અને કોમી વિખવાદનો વિરોધ થતો અને તેમાં ય ગાંધીજીની હત્યા એક હિંદુત્વવાદીને હાથે થવાથી કોમવાદી વિભાવના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ થઈને અમાન્ય થવા લાગી. એવામાં રાષ્ટ્રીય સેવક સંઘના બીજમાંથી ઉદ્દભવ પામેલ જનસંઘ અને તત્પશ્ચાત જન્મેલ ભારતીય જનતા પક્ષ જાહેરમાં પોતાની કોમવાદી વિચારધારાની કબૂલાત ન કરે તે સમજાય. પરંતુ 1992માં રામ જન્મભૂમિના મુદ્દે ભારતીય જનતા પક્ષને બળ મળ્યું અને આજે તો હવે એક સમયે અટલ બિહારી બાજપેયી વડાપ્રધાન રહી ચુક્યા છે તો એ જ પક્ષના નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તો તેનો ડર શાને એવો પ્રશ્ન પુછાય છે. એક તરફ કોંગ્રેસે 1990 પછી પોતાની અર્થનીતિમાં ધરખમ ફેરફારો કરીને વૈષ્વિક મુક્ત બજાર માટે દરવાજા મોકળા કરી દીધા જેને પરિણામે મોદી જેવાએ દેશ-વિદેશના અતિ ધનાઢ્ય ઉદ્યોગપતિઓને આડેધડ ઉદ્યોગ ધંધાઓ વિસ્તારવાની સગવડ કરી આપીને વિકાસનું એક પક્ષીય તાંડવ ખેલી બતાવ્યું જે ભૌતિક સંપત્તિની ભૂખી ભારતીય પ્રજા માટે પૂરતી આકર્ષક ઘટના છે અને એ કારણે મોદીને તાજ પહેરાવતા એમને આંચકો નહીં આવે એ સમજાય છે. અને બીજી બાજુ દેશમાંની લઘુમતીના હિતોની જાળવણી તથા સરહદી વિવાદોનો ઉકેલ લાવવામાં નિષ્ફળ ગયેલ કોંગ્રેસ સરકારની નીતિઓને પરિણામે ફેલાયેલ આતંકવાદને કારણે ભારતીય જનતા પક્ષના કોમવાદી વલણ સામે આંખ આડા કાન ભારતની પ્રજા કરે તો નવાઈ ન લાગે. આમ કદાચ કોંગ્રેસની એક કરતાં વધુ ક્ષેત્રોમાં મળેલ અસફળતાએ તેના જ પગ પર કુહાડો માર્યો છે જેને પરિણામે કદાચ ભારતનો વરિષ્ઠ નેતા એક કોમવાદને પોષનારો અને અસમાનતાને ન્યાયી થનારો આવે એવું બને.

‘સત્યમેવ જયતે’ જેવા કાર્યક્રમ દ્વારા અમીરખાન ભલેને કેટલા સંસદ સભ્યો અને ધારાસભ્યો ગુન્હાહિત આક્ષેપોવાળા છે એ જાહેર કરે, હકીકત એ છે કે એ સાંભળ્યા-જાણ્યા પછી પણ એ જ પ્રજા એક મોબાઈલ ફોન, ફ્રીજ કે નોકરીમાં બઢતીની લાલચે ગુંડા ગુનેગારોને ચૂંટી મોકલશે અને કરોડાધિપતિ ઉદ્યોગપતિઓના હાથમાં રમનાર તથા તમામ પ્રકારની લઘુમતિઓના હિતને વણજોયું કરનારને ઉચ્ચાસને આરૂઢ કરશે!

ઈશ્વર અલ્લાહ તેરે નામ સબકો સંમતિ દે ભગવાન !

e.mail : 71abuch@gmail.com

Loading

7 April 2014 admin
← શું ભાષાનું મૃત્યુ ટાળવું જરૂરી છે? એ ટાળી શકાય ખરું?
એક અનોખું જોડાણ : ગાંધીજી અને બલરાજ સાહની →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved