ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૦૦માં, સંસદના એક સત્રની અંતિમ બેઠક અને આગામી સત્રની પ્રથમ બેઠકની નિયત તારીખો વચ્ચે છ માસનું અંતર ન હોવું જોઈએ, એવી જોગવાઈ છે. સંસદ અને રાજ્યોના વિધાનગૃહોની બેઠકો દર છ મહિને એકવાર તો મળવી અનિવાર્ય છે એવી બંધારણમાં જોગવાઈને અનુસરીને કોરોનાકાળમાં સંસદ અને રાજ્યોની વિધાનસભાઓની બેઠકો મળી અને પૂરી પણ થઈ ગઈ. આ વરસના માર્ચ મહિનામાં કોવિડ ૧૯ મહામારીએ દેશમાં પગરણ માંડ્યા ત્યારે સંસદ અને વિધાનસભાઓના અંદાજપત્ર સત્રો ચાલતા હતા. તે અધવચ્ચે સંકેલી લેવાયા હતા અને હવે છ મહિનાની બંધારણીય જોગવાઈ સાંચવવા જાણે કે ઔપચારિકતા નિભાવવાની હોય તેમ સત્રો બોલાવાયા અને આટોપાયા છે. સામાન્ય રીતે વર્ષા-સત્રો જુલાઈના અંતિમ સપ્તાહથી ઓગસ્ટના અંતિમ સપ્તાહ સુધીના એક મહિનાના હોય છે. પણ આ વખતે તે છેક સપ્ટેમ્બરમાં યોજાયાં અને ફટાફટ સમાપ્ત કરી દેવાયાં. કેટલીક રાજ્ય વિધાનસભાઓની બેઠકો તો માત્ર એક જ દિવસ માટે મળી. લોકતંત્રને અને બંધારણીય જોગવાઈઓને સત્તાપક્ષો કેવી હળવાશથી લે છે તેનું આ દ્યોતક છે.
નકરી ઔપચારિકતા માટે મળેલા સંસદ અને વિધાનગૃહોના વર્ષા-સત્રોમાં ઉપલક અને ઉતાવળે પણ અધધ કામો થયાં છે તે મોટો વિરોધાભાસ છે. ગુજરાત વિધાનસભાનું વર્ષા-સત્ર પાંચ દિવસ માટે જ મળ્યું. ગૃહની ૬ બેઠકોએ ૪૩ કલાક ૩૫ મિનિટ કામ કર્યું અને અનેકગણા મહત્ત્વના તથા દીર્ઘકાલીન અસરકર્તા એવા ૨૦ વિધેયકો પસાર કર્યા. બહુ જલદી સમેટાઈ ગયેલા લોકસભા અને રાજ્યસભાના સત્રોમાં પચીસ –પચીસ વિધેયકો પસાર થયાં. તે ઉપરાંત લોકસભામાં નવા ૧૬ અને રાજ્યસભામાં ૬ વિધેયકો રજૂ થયાં. આટલા ઓછા સમયમાં આટલા બધા વિધેયકોનું પસાર થવું અને દાખલ થવું તે પોતે જ એક વિક્રમ છે.
સંસદીય ચર્ચા અને વિમર્શ લોકતંત્રનો પ્રાણ છે. પરંતુ જો સંસદ કે વિધાનગૃહો મળે જ નહીં, ટૂંકા ગાળા માટે મળે અને તે ય ખાનાપૂર્તિ માટે મળે તો તે લોકશાહી માટે ઘાતક છે. મહામારીની રોકથામમાં વહીવટી તંત્ર રોકાયેલું હોવાના બહાને સંસદમાં પ્રશ્નોત્તરી રદ્દ કરવામાં આવી. પછી ગુજરાત સહિતના ઘણાં રાજ્યો તેને અનુસર્યા. આ બાબતમાં બધા પક્ષો એકસરખા હતા. જે વિપક્ષો સંસદમાં પ્રશ્નકાળની માંગણી કરતા હતા તે જે રાજ્યોમાં સત્તામાં હતા ત્યાં તેમણે પણ પ્રશ્નકાળ ઉડાવી દીધો હતા. સંસદમાં અડધા કલાકનો શૂન્યકાળ તો રાજ્ય વિધાનસભામાં ટૂંકી મુદ્દતની જાહેર અગત્યની બાબતોની ચર્ચા રાખીને સંસદધર્મ નિભાવાયો છે. સંસદસભ્યો કે વિધાનસભ્યોના કોઈ ખાનગી બિલ કે બિનસરકારી સંકલ્પોને આ સત્રમાં સ્થાન ન આપીને વિરોધના અવાજને ક્ષીણ કરવામાં આવ્યો છે.
સર્વાનુમતે નહીં પણ બહુમતીએ લેવાતા નિર્ણયો લોકતંત્રની મોટી મર્યાદા છે. મહામારીના ગાળામાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ વટહુકમોથી કામ ચલાવ્યું હતું. હવે તે વટહુકમોને કાયદાનું સ્વરૂપ આપવાનું થયું ત્યારે તેના પર અપૂરતી ચર્ચા અને બહુમતી વિના નિર્ણયો થયા. રાજ્યસભામાં કૃષિ ખરડા જે રીતે પસાર થયા તે મોટો વિવાદ જગવી ગયા. સૌ જાણે છે કે રાજ્યસભામાં સરકારની પાસે બહુમતી નથી. પરંતુ કેટલાક ગરજાઉ પ્રાદેશિક પક્ષોના સહારે સરકાર દર વખતે બહુમતી મેળવી લેતી હતી. સરકારના સમર્થક પક્ષો, બીજુ જનતા દળ અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ, કૃષિ ખરડાને હાલને હાલ પસાર કરવાને બદલે પ્રવર સમિતિને સોંપવાના મતના હતા. એન.ડી.એ.નો જૂનો સાથી પક્ષ અકાલી દળ તો નવો સાથી પક્ષ અન્ના દ્રમુક બિલના વિરોધમાં હતાં. એક માત્ર આંધ્રની વાય.એસ.આ.ર. કૉન્ગ્રેસ જ સરકારનું ખૂલીને સમર્થન કરતી હતી. આ સ્થિતિમાં સરકાર પાસે બહુમતી નહોતી. એટલે રાજ્યસભાના સત્તાધારી ગઠબંધનના સાથી પક્ષના ઉપાધ્યક્ષ હરિવંશે તેને મતદાન માટે મૂકવાને બદલે સભ્યોની મૌખિક સંમતિ માટેના ધ્વનિમતનો આશરો લીધો. એ રીતે સરકારે વગર બહુમતીએ દેશના કિસાનોના જીવન પર કાયમી અસર કરનારા કૃષિ બિલો પસાર કરી દીધા. આ પરાણે ઊભી કરેલી કે આભાસી બહુમતી હતી. રાજ્યસભામાં વિપક્ષી સભ્યોના સસ્પેન્શન અને તેના વિરોધમાં વિપક્ષના સંસદ બહિષ્કારનો ફાયદો ઉઠાવીને સરકારે ત્રણ લેબર બિલ્સ, આવશ્યક ચીજ વસ્તુ ધારામાં સુધારા, સહકારી બેન્કોને રિઝર્વ બેન્કના નિયંત્રણ હેઠળ મૂકતો ખરડો અને ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એકટમાં સંશોધન ખરડો જેવા ઘણા અગત્યના બિલો વગર ચર્ચાએ, વિપક્ષની અનુપસ્થિતિમાં પસાર કરી નાંખ્યા છે.
કેન્દ્રના વિવિધ મંત્રાલયોની સાંસદોની બનેલી ચોવીસ સ્થાયી સમિતિઓ હાલ અસ્તિત્વમાં છે. આ સમિતિઓને જો ખરડા સોંપવામાં આવે તો તેના પર વધુ બારીકાઈથી, સમયના બંધન વિના ચર્ચાઓ થઈ શકે અને સર્વસંમતિ પણ ઊભી થઈ શકે છે. સંસદના પૂર્ણ ગૃહોને બદલે સમિતિની ચર્ચાઓ ખરડાઓને વધુ સારી રીતે રજૂ કરવામાં મદદરૂપ બને છે. પી.આર.એસ. લેજિસ્લેટિવ ડેટાના જણાવ્યા મુજબ ચૌદમી લોકસભામાં ૭૧ ટકા અને પંદરમી લોકસભામાં ૬૦ ટકા ખરડા સંસદીય સમિતિઓ મારફત ગૃહ સમક્ષ આવ્યા હતા. જ્યારે સોળમી લોકસભામાં માત્ર ૨૫ ટકા જ ખરડા સંસદીય સમિતિ સમક્ષ ગયા હતા. આ સંશોધન સંસ્થાએ એ પણ નોંધ્યું છે કે ૨૦૧૪થી ૨૦૧૯ના સમયગાળાની લોકસભામાં ૩૨ ટકા વિધેયકો ત્રણ કલાક કરતાં વધુ સમયની ચર્ચા પછી પસાર કરાયા હતા. જ્યારે તે પૂર્વેની યુ.પી.એ.-૧ અને ૨ના સમયની લોકસભામાં આવી લાંબી ચર્ચા પછી પસાર થયેલા બિલોની સંખ્યા અનુક્રમે ૧૪ અને ૨૨ ટકા હતી. અગાઉના કાર્યકાળ કરતાં આ વખતની લોકસભામાં વિધેયકો પર વધુ સમય ચર્ચા થાય છે તેનું કારણ વિપક્ષને ચર્ચા માટે વધુ સમય મળે છે એ જેટલું સાચું છે એટલું એ પણ સાચું છે કે સત્તાપક્ષ પોતાની વાહવાહી કરાવવા વધુ સમય ફાળવે છે.
૨૦૧૯માં વર્તમાન લોકસભાની ચૂંટણી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવો દાવો કર્યો હતો કે મનમોહન સિંઘના નેતૃત્વ હેઠળના પ્રધાન મંડળની બેઠકોનો સરેરાશ સમય વીસ મિનિટનો જ હતો. જ્યારે એમની સરકારના મંત્રીમંડળોની બેઠકોનો સરેરાશ સમય ત્રણ કલાકનો છે! પ્રધાન મંત્રીની વાત સ્વીકારી લઈ તો સવાલ થાય કે જો કેબિનેટમાં આટલો લાંબો સમય ચર્ચાઓ થાય છે તો અકાલી દળના કેબિનેટ મંત્રી કૃષિ-બિલના વિરોધમાં સરકાર અને એન.ડી.એ. ગઠબંધન કેમ છોડે છે ? ચર્ચાનો સમયગાળો માપદંડ છે કે તેમાં થતી સાર્થક ચર્ચા અને સર્વસંમતિનો પ્રયાસ ?સંસદ કે વિધાનસભાની મંજૂરી વિના સરકાર એક રૂપિયો પણ ખર્ચી શકતી નથી. સોળમી લોકસભાના ગાળામાં સંસદની કુલ ચર્ચામાં સત્તર ટકા ચર્ચા અંદાજપત્રની થઈ હતી. અને અગાઉની લોકસભા કરતાં ૧૫ ટકા વધુ અર્થાત્ ૧૩૩ વિધેયકો તેણે પસાર કર્યા હતા. તે જાણીને જરૂર હરખાઈએ પરંતુ એ જાણીને ખેદ પણ થવો જોઈએ કે મોટા ભાગના વિભાગોની બજેટ માંગણીઓ વગર ચર્ચાએ પસાર થઈ ગઈ હતી. પ્રશ્ન કાળનો ઉપયોગ ઘટ્યો છે. મંત્રીઓ બિન જરૂરી લંબાણથી જવાબો આપતા હોવાનું બને છે. છેલ્લી ચાર લોકસભામાં લોકતંત્રના મહત્ત્વના અંગ એવા પ્રશ્નકાળ માટે ફાળવાયેલા સમયનો ૫૯ ટકા જ ઉપયોગ થયો છે. રાજ્યસભામાં તે એના કરતાં પણ ઓછો છે. પંદરમી અને સોળમી લોકસભાના કાર્યકાળ દરમિયાનના રાજ્યસભાના કાર્યકાળમાં પ્રશ્નકાળનો ૪૧ ટકા સમય જ વપરાયો હતો અને ૫૯ ટકા વેડફાયો હતો ! એટલે ગંભીર અને સાર્થક ચર્ચા વિનાની સંસદીય કાર્યવાહીનું પ્રમાણ વધે તે પૂર્વે જાગી જવાની જરૂર છે.
(તા.૦૭-૧૦-૨૦૨૦)
e.mail : maheriyachandu@gmail.com