શાઇનિંગ ઇન્ડિયા, ઇન્ક્રેડિબલ ઇન્ડિયા, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, ડિજિટલ ઇન્ડિયા, વાઇબ્રન્ટ ગુજરાત, સ્માર્ટ સિટી ને આ બધામાં સૌથી લોકપ્રિય “સ્વચ્છ ભારત મિશન” કે જેના દ્વારા પહેલી વખત સેનિટેશનને – સફાઈને આટલું મહત્ત્વ આપવામાં આવ્યું, સરકાર, ખાનગી ક્ષેત્ર, મોટી હસ્તીઓ, સંસ્થાઓ વગેરે દ્વારા તેની અઢળક ચર્ચા થઈ. ગાંધીજીની ૧૫૦મી જયંતીએ સ્વચ્છતાની ઉજવણી કરીને અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી. પણ આ બધા કાર્યક્રમો અને યોજનાઓ મૅનહોલમાં (ગટરમાં) ભાઈઓને ન ઊતરવું પડે અને બહેનોએ માથે મેલું ના ઉપાડવું પડે તે સુનિશ્ચિત કરવામાં કેટલાં સફળ રહ્યાં? માથે મેલું ઊંચકવા જેવી કુપ્રથા નાબૂદ કરતા કાયદા વિશે કડકાઈભર્યું વલણ લેવામાં તે કેટલા સફળ રહ્યા?
વર્ષ ૨૦૧૧ની વસતી ગણતરી અનુસાર દેશમાં ૭,૫૦,૦૦૦ એવા પરિવારો છે, જે મેલું ઉપાડવાના અમાનવીય કામમાં જોતરાયેલાં છે. વળી, માથે મેલું ઉપાડનારામાં ૯૮ ટકા તો મહિલા જ હોય છે, જે દલિતોમાં પણ સૌથી તળિયે હોય છે. આપણાં મહાનગરો-નગરોની મોટા ભાગની ગટર વ્યવસ્થા અને તેની સાફસફાઈની પદ્ધતિ આજે પણ જૂનીપુરાણી રીતની છે.
કાયદા અનુસાર તો કોઈ પણ વ્યક્તિ અથવા એજન્સી દ્વારા ગટર અને સેપ્ટિક ટાંકીની જોખમી સફાઈ માટે કોઈ વ્યકિતને સામેલ કરવા બદલ પાંચ વર્ષ સુધીની કેદની સજા અથવા રૂ. પાંચ લાખ સુધીનો દંડ અથવા બંને સજા એક સાથે થઈ શકે છે. નેશનલ કમિશન ફોર સફાઈ કર્મચારી(NCSK)ના મતે દર પાંચ દિવસે એક સફાઈકર્મી ગટર, મૅનહોલમાં ડૂબીને અથવા ગુંગળાઈને મૃત્યુ પામે છે, જ્યારે સફાઈ કર્મચારી આંદોલને (SKA) આપેલી માહિતી મુજબ દર બે દિવસે એક સફાઈકર્મી મૃત્યુ પામે છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ૧૯૯૩ થી ૨૦૧૯ સુધીમાં લગભગ ૮૧૪ જેટલા સફાઈકર્મીઓનાં મૃત્યુ થયાં છે. સાચો આંકડો આ આંકડાથી બમણો પણ હોઈ શકે છે,
સફાઈકર્મીના કાર્યસ્થળ પરની સલામતી અંગે વિચારીએ તો, સ્વચ્છતા સર્વેક્ષણના સર્વે પ્રમાણે ફક્ત ૨.૭૩ ટકા સફાઈકર્મીઓને હેન્ડ ગ્લોવ્ઝ, માસ્ક અને અન્ય સલામતી ઉપકરણો આપવામાં આવ્યાં હતાં અને બહુમતી એટલે કે ૬૪.૨૦ ટકા લોકોને સલામતી ઉપકરણો આપવામાં આવ્યા ન હતાં. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન(ILO)ના ‘ડિસન્ટ વર્ક એજન્ડા’ના મુદ્દા ૧૧૧ પ્રમાણે રોજગાર અને વ્યવસાયમાં ભેદભાવ ન થાય તે અંગે સફાઈકર્મીઓને સામાજિક રીતે બાકાત ન કરવામાં આવે. સાથોસાથ, તેમને કામના બદલામાં વળતર ને કામના સ્થળે સલામતી માટેનાં ઉપકરણો પૂરા પાડવામાં આવે તે જરૂરી છે. પણ તેનો રતીભાર અમલ થતો નથી. આપણે પણ ક્યારેક આપણા વિસ્તારમાં સફાઈકર્મીઓને ગટર કે મૅનહોલમાં ખુલ્લા શરીરે જ કામ કરતા જોયા છે, જે આ બાબતને ખરી પુરવાર કરે છે. કામદારોના હિતના રક્ષણને લગતી ઘણી નીતિઓ છે, જે અહીં એકદમ નિરર્થક સાબિત થઇ છે.
ટૅકનોલોજીના ક્ષેત્રે આપણો દેશ ઘણો વિકાસ કરી ચુક્યો છે અને કરી પણ રહ્યો છે. પાણીની અંદરથી પ્લેન ઉડાડવાની શરૂઆત થઇ ચૂકી છે, અને આ મોડર્ન ભારતની રચના માટે દેશ-વિદેશના નેતાઓ-નીતિ નિર્ધારકો ચક્કરો કાપી રહ્યા છે. પણ હકીકતમાં દેશ-વિદેશમાં જે ટૅકનિકલ પદ્ધતિથી સફાઈનું કામ થવું જોઈએ તે થતું નથી. ઇ-ગવર્નન્સની બડાઈઓં ફૂંકતી સરકારને મેલું ઉપાડવાનાં ને ગટરો સાફ કરવાનાં મશીન ખરીદવાનું કેમ સૂઝતું નથી?
થોડા સમય પહેલાં કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સ્વચ્છતા સિટી સર્વે રિપોર્ટ (Swachh Survekshan 2020) બહાર પાડવામાં આવ્યો. તેમાં સતત ચોથા વર્ષે ઈન્દોર દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. બીજા નંબરે ગુજરાતનું સુરત શહેર અને ત્રીજા નંબરે નવી મુંબઈ આવ્યું હતું. આમ, સરકારી એજન્સીઓ વિવિધ સર્વેના આધારે ફંડિંગ ઊભું કરી રહી છે. પરતું દેશમાં મૅન્યુઅલ સ્કૅવેન્જરની – હાથેથી મળસફાઈ કરનારાની કુલ વસતિ, મૅનહોલમાં કે ગટરમાં થતાં સફાઈ કામદારોનાં મૃત્યુ અને તેમને ન્યાય મળે તેવી યોજનાના લાભાર્થીના વિશ્વસનીય આંકડા મળતા નથી.
ધ પ્રોહિબીશન ઑફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહેબિલિટેશન એક્ટ, 2013 હેઠળ મૅન્યુઅલ સ્કૅવૅન્જિંગના કામમાં જોતરાયેલા કામદારના પુનર્વસન માટે એક વખતની રૂ.૪૦,૦૦૦ની રોકડ સહાય, તેમનાં બાળકો માટે શિષ્યવૃત્તિ તેમ જ મકાનના બાંધકામ માટે જમીનની ફાળવણી તથા તેની ખરીદી માટે નાણાંકીય સહાયનો પણ સમાવેશ થાય છે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ સર્વેક્ષણ દ્વારા દેશભરમાંથી આ કાર્યમાં જોતરાયેલા લોકોને તારવવાનો હોય એ સ્વાભાવિક છે. પરતું ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના અહેવાલ મુજબ, ૨૦૧૩થી ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીમાં માત્ર ૪૩,૪૦૭ મૅન્યુઅલ સ્કૅવૅન્જર્સનાં નામ નોધવામાં આવ્યાં છે અને “સ્કીલ ડૅવલપમેન્ટ યોજના” હેઠળ માત્ર ૯,૫૬૩ કામદારોની નોંધણી થઈ છે, એટલે ખરો સવાલ કાયદાઓમાં ફેરફારની સાથે તેનો અમલ કેટલો છે તેનો છે, દેશનાં મોટાં ભાગનાં રાજ્યો – જિલ્લા એ સ્વીકારતાં જ નથી કે આ કુપ્રથા ઘણી જગ્યાએ હજુ પણ ચલણમાં છે, જોરશોરથી ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનના ખર્ચાળ પ્રચાર સામે માથે મેલું અને ગટર કામદારોના મોતની વાસ્તવિકતા મોં ફાડીને ઊભી છે.
કાયદાના કડક અમલીકરણ માટે કેન્દ્ર સરકારે કેટલીક જોગવાઈઓ કરી છે, જે એક રીતે તો છટકબારીઓ છે. સ્વચ્છતા કર્મચારીઓની વ્યાપક શ્રેણીમાં હજી પણ તેમનાં રક્ષણ, સંભાળ અથવા પુનર્વસન માટે કોઈ કાયદો અથવા માર્ગદર્શિકા નથી અને ન તો તે લોકોએ સહાનુભૂતિ મેળવી છે. મ્યુનિસિપાલિટી અને પર્યાવરણીય કાયદાઓ સ્વચ્છતા અને ગંદા પાણીના નિકાલને આવરી લે છે, પરંતુ સફાઈ કામદારોને કોઈ સગવડો આપતા નથી. કૉન્ટ્રાક્ટરો દ્વારા સતત શોષણ થતું હોવાથી તેમાંના મોટા ભાગના સફાઈકર્મીઓ માત્ર બે-ત્રણ મહિના નોકરી કરે છે, તેથી સરકારી રેકર્ડમાંથી બહાર નીકળી જાય છે. તેના કારણે વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓ જેમ કે પ્રોવિડન્ટ ફંડ અથવા કર્મચારી વીમાનો લાભ તે મેળવી શકતા નથી.
સંસદના ચોમાસું સત્રમાં આ વિષય ચર્ચાવાનો હતો. ધી પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કૅવૅન્જર એન્ડ ધેર રીહેબિલિટેશન (સુધારા) બિલ 2020, સંસદની વિચારણામાં છે. આ બિલમાં કેદની સજા અને દંડની રકમ વધારીને મેન્યુઅલ સ્કૅવૅન્જિંગ પર વધુ પ્રતિબંધ લગાવતા કાયદાની દરખાસ્ત કરવામાં આવી છે. આશા છે કે આ વિધેયકની ચર્ચા કરવામાં આવે અને ઠેર ઠેર ‘શરતો લાગુ’ની ફુદડીઓની જગ્યાએ કાયદાના કડક અમલીકરણ પર ભાર મુકવામાં આવે તેમ જ આ કુપ્રથાનો અંત લાવવામાં આવે.
કોવિડ રોગચાળા દરમિયાન લૉક ડાઉનના વિવિધ તબક્કા પછી, હવે અનલોકિંગ પણ વિવિધ તબક્કામાં શરૂ થયું છે. પરંતુ બંને તબક્કામાં સ્વચ્છતા કામદારો માટે કંઈ બદલાયું નથી. એક અસ્પૃશ્ય સ્વચ્છતા કાર્યકર માટે આ મહામારીના દિવસો પણ અન્ય સામાન્ય દિવસો જેવા જ છે. કેન્દ્ર સરકારે રોગચાળો અને તેના ઘાતક વધારાને કાબૂમાં રાખવા માટે ફ્રન્ટલાઇન વર્કરોને “તાલીમ” અને "બદલી" કરવાની યોજના બનાવી. પરંતુ કેન્દ્ર સરકારને સ્વચ્છતા કામદારોની બદલી તેમ જ તેમની સંખ્યા વધારવાની જરૂરિયાત ના વર્તાઈ. કારણ કે સફાઈકાર્ય કરવા માટે માત્ર અસ્પૃશ્ય સિવાય બીજું કોણ આગળ આવે?
ડૉ. આંબેડકરે લખ્યું છે, “ભારતમાં માણસ પોતાના કામને લીધે સફાઈકર્મી નથી. તે તેના જન્મના કારણે સફાઈ કામદાર છે.” કદાચ એટલે જ હાથમાં ઝાડું પકડીને સોશિયલ મીડિયામાં તસ્વીરો ખેચાવવાનું ફેશન બની ગયું છે, પણ મેલું ઉપાડવાની ફેશન કરવામાં મોડર્ન સમાજ કાચો પડી રહ્યો છે.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 05 ઑક્ટોબર 2020; પૃ. 13-14