હરિ, તમારું નામ રટણ તો ચાલ્યું સાંજ સવારે,
તો ય છે તમને એમ કે નાખ્યા છે મેં છેક વખારે …
હરિ, જેટલા તારા એટલાં ફૂલ ચડાવ્યાં ચરણે,
તો ય મને ક્યાં તમે લીધો છે, હરિ, તમારે શરણે?
તમે નકારો ને ઉપરથી દુનિયા ઠોકર મારે …
હરિ, તમે છો ત્યાં તો તમને અશ્રુજળથી ધોયા,
તે ઓછું હો તેમ તમે જ્યાં ના હો ત્યાં પણ જોયા.
હવે તમે જો છો જ તો એ તો કો’કે મળશો ક્યારે …
હરિ, તમારા નામનો એવો થયો ભીતર સરવાળો,
નામ તણખલાં હોત તો બનતે પૃથ્વી જેવો માળો.
હવે કહો કે માણસ આનાથી શું કરે વધારે ?
e.mail : ravindra21111946@gmail.com