Opinion Magazine
Number of visits: 9447728
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુરેશ જોષીકૃત ૩ ટૂંકીવાર્તાઓ —એક ટૂંકી નૉંધ

સુમન શાહ|Opinion - Literature|18 September 2020

સીધીસાદી ટૂંકીવાર્તાનો સાર આપી દેવાનું કામ જરા પણ અઘરું નથી હોતું. પણ વિશ્વભરની ટૂંકીવાર્તાસૃષ્ટિમાં એવી કેટલીયે કૃતિઓ છે, જેનો સાર નથી આપી શકાતો, ઊલટું ફરજ એ પડે છે કે આપણે એને શબ્દ શબ્દમાં વાંચી બતાવીએ. એવી રચનાઓને તો જ ગ્રહી શકાય છે, નહિતર એ દુર્ગ્રાહ્ય રહે છે – ઇન્ક્રૉમ્પ્રિહેન્સિવ.

એવા શબ્દે શબ્દના વાચનના અભાવમાં તેની સમીક્ષા કરવાનું પણ અશક્યવત્ થઈ પડે છે. કોઈ કરવા જાય તો હાસ્યાસ્પદ ઠરે છે. એવું વાચન અનિવાર્ય પૂર્વશરત છે અને તેનું પાલન કરવું સુરેશ જોષીની અધઝાઝેરી કથાસૃષ્ટિ માટે તેમ જ એમની કેટલીક વાર્તાઓ માટે તો એકદમનું અનિવાર્ય છે.

આ દૃષ્ટિદોરને ધ્યાનમાં રાખીને હું એમની ત્રણ વાર્તાઓ વિશે અહીં માત્ર એક ટૂંકી નૉંધ રજૂ કરું છું. એટલે, એમાં હું રૂપરચનાની વીગતોની કે તેના ફન્ક્શનની વાત પણ નહીં કરું. આસ્વાદ્ય અંશોના નાનકડાં સ્થાન બતાવીશ અને આછાં કંઇક મૂલ્યાંકનની વાત કરીશ.

આ દૃષ્ટિએ જોતાં, આ ઍપિસોડ અમે આદરેલું એક સાહસ છે. કેમ કે વાર્તાને શબ્દ શબ્દમાં વાંચી સંભળાવવાનું અત્રે શક્ય નથી. વળી, અમે રૂપરચનાની વીગતોમાં કે તેનાં ફન્કશનની વાતમાં પણ નહીં ઊતરી શકીએ. પોતાની વાતમાં દરેક સહભાગી થોડીક જે વાત કરી શકશે એમાં નાનકડા આસ્વાદ અને આછાંપાતળાં મૂલ્યાંકનો હશે. તેમ છતાં, આશા છે કે અમે સુરેશ જોષીની લાક્ષણિક વાર્તાસૃષ્ટિની લગીરેક ઝાંખી તો જરૂર કરાવી શકીશું.

સુરેશભાઈના “બીજી થોડીક” વાર્તાસંગ્રહમાં એક વાર્તા છે, ‘બે ચુમ્બનો’.

વાર્તાનું શીર્ષક આકર્ષક છે. આ વાર્તા દુર્ગ્રાહ્ય નથી.

વાર્તાની શરૂઆત – ઍક્સપોઝર – નાટક કે ફિલ્મની જેમ થઈ છે. જુઓ, આ રીતે :

અંજુ ચકલીને ઉડાડી ઉડાડીને પોતાના ઓરડાની બ્હાર કાઢવા મથે છે; પણ પછી માંડી વાળે છે.

અંજુના પિતા શ્રીપતરાય જરાક અસ્વસ્થ થઈને દીવાનખાનામાં આંટા મારતા હોય છે. એ પછી તેઓ પાળેલી બિલાડી કેટીને ખૉળામાં લઈને લાડ લડાવે છે.

અંજુની મા મંજુબેન એકાગ્ર બનીને કશુંક ભરવાગૂંથવામાં પરોવાયાં હોય છે.

પછીનો વાર્તાપટ પરિણામની દિશામાં સરસ વિકસ્યો છે. છેવટે ત્રણ ઘટનાઓ ઘટે છે :

૧ :

પત્ની મંજુની એવી એકાગ્રતાથી શ્રીપતરાય વધુ અસ્વસ્થ બની જાય છે કેમ કે આજે તેઓ મંજુને સ્પર્શવા વગેરે માટેની કામવાસનાથી એકદમના આતુર અને આશાવાદી બની ગયા હોય છે.

એવા શ્રીપતરાય સોફાની પીઠ સુધી મંજુનું ધ્યાન ખૅંચ્ચા વગર પ્હૉંચી જાય છે. મંજુનો કેશભાર, એની ગૌર ગ્રીવા ને ખભાનો માંસલ ઢોળાવ જોઈને એમનાથી નથી રહેવાતું. તેઓ એક આંચકાની સાથે ઝૂકે છે ને મંજુના ખભાને મરણિયા બનીને ચૂમી લે છે. મંજુથી ચીસ પડાઈ જાય છે : ઓ મા!

૨:

દીકરી અંજુને મળવા આનન્દ આજે પહેલી વાર આવવાનો છે, એટલે અંજુ પણ અસ્વસ્થ છે, સ્વાભાવિક નથી. કથક કહે છે એમ સ્વાભાવિકતાનો ડોળ કરતી ખુરશી પર બેઠી બેઠી પોતાના અસ્થિર ને વિહ્વળ હદયના ધબકારા સાંભળી રહી હતી.

આનન્દ આવ્યો છે. અંજુ અંગૂઠા પર ઊંચી થઈને સહેજ ઊંચેનાં ફૂલોના ગુચ્છાને તોડવા મથતી હોય છે. એની એ અંગભંગીની મોહકતાથી પરવશ બનેલો આનન્દ અસાવધ અંજુને કર્ણમૂળ પાસે ચૂમી લે છે. અંજુ બહાવરી બનીને ઊભી રહી જાય છે.

૩:

પોતાનો માળો ભૂલી ગયેલી ચકલી પણ અસ્વસ્થ છે. અંજુના ઓરડામાં ઘડીમાં બારીના શટર સાથે ટકરાય છે તો ઘડીમાં પંખાની પાંખ પર બેસી જાય છે.

મંજુની ‘ઓ મા’ ચીસ સાંભળીને આનન્દ અને અંજુ દીવાનખાનામાં દોડી આવે છે ને જુએ છે તો બિલાડી ચકલીને મોઢામાં ઘાલીને ક્યાં જઈને બેસવું તેની શોધમાં આંટા મારતી’તી, ને ત્યારે, શ્રીપતરાય કેલેન્ડરનું પાનું ફાડતા’તા.

વાર્તા ત્યાં પૂરી થાય છે.

રસ પડે ને મૂલ્યાંકન કરવા પ્રેરે એવાં મને સૂઝેલાં ચાર તારણો કહું :

૧ :

વાર્તા કથકે કહી છે પણ આલેખનની રીતે કહી છે. એ આલેખનો ચોખ્ખાં સુઘડ દૃશ્યો રચે છે. ગ્રાફિક ડિસ્ક્રીપ્શન. કાળજીભર્યું કૅમેરાવર્ક. એક સુન્દર નાની ફિલ્મ બની શકે.

૨ :

સુરેશભાઈની વાર્તામાં સન્નિધીકરણને મેં એક પ્રભાવક ટૅક્નિક ગણી છે. અહીં બે યુગલો વચ્ચે ચાલેલા વારાફેરામાં પ્રચ્છન્ન સન્નિધીકરણ છે.

આ વાર્તા વિશે સુરેશભાઈએ પોતે કહ્યું છે : ‘કજળી જવા આવેલી વાસના છેલ્લી વાર ભડકી ઊઠે એ ઘટનાની સાથોસાથ હમણાં જ પ્રદીપ્ત થવાની તૈયારીમાં હોય તેવા પ્રેમની લાગણીનું સન્નિધીકરણ સાધવામાં આવ્યું છે.’

ચારેય પાત્રો સુરેખ વ્યક્તિતાઓ છે.

શ્રીપતરાય અને મંજુની કામવાસના કજળી રહી છે. જુઓ ને, એવા શ્રીપતરાયે મરણિયા બનીને અસાવધ મંજુને જે રીતે ચુમ્બન કર્યું – ઉતાવળિયા શિકારી લાગે.

અંજુ અને આનન્દની કામવાસના પ્રદીપ્ત થઈ રહી છે. અંજુ આનન્દને પરવશ બનાવી મૂકે એની વાસનાને પ્રદીપ્ત કરે એવી મોહક છે. પણ એ જરા જેટલી અસાવધતામાં ભોગવાઈ ગઈ.

અલબત્ત, આ કોઈ બળાત્ થયેલા ભોગ ન્હૉતા, સુખદ ચુમ્બનભોગ હતા. બન્ને ચુમ્બનો એવી પ્રક્રિયાએ દર્શાવાયાં છે કે એ જોઈને વાચકને પણ સારું લાગે છે. અલબત્ત, ચકલીનો ભોગ તે બિલાડીનું સુખ ગણાય, પણ એ પરિણામ દુ:ખદ છે.

૩:

ઉમ્મર સાથે કામવાસનાનાં રૂપ બદલાય પણ એ દરેક રૂપને ભોગવી લેવાની કરુણ કે મધુર તક માણસ કદીપણ ચૂકતો નથી. સાવધ રહીને સામી વ્યક્તિની અસાવધતાનો લાભ મેળવીને રહે છે. એ રીતે અહીં મનુષ્યજીવનના આનન્દનું એક રહસ્ય, વાર્તાકલાની રસિક રીતે ખૂલ્યું છે.

૪ :

ઉક્ત ત્રણ ઘટનાઓ એવી રીતે સંયોજાઈ છે કે એથી સમગ્ર વાર્તા એક શબ્દાખ્ય ઘટનાલોક લાગે છે. અહીં ઘટનાતત્ત્વનો હ્રાસ નથી.

બીજી વાર્તા “ન તત્ર સૂર્યો ભાતિ” સંગ્રહમાંથી લીધી છે, ’પદ્મા તને’.

આ એક જુદી જ વાર્તા છે. એમાં ઘટના-હ્રાસ છે. પદ્માની જીવનયાત્રાની ઘટનાઓનું સુરેશભાઈએ તિરોધાન કર્યું છે.

ધરતીની અને તે પર જિવાતા માનવપ્રણયની પાર્થિવતા આપણે સૌ અનુભવીએ છીએ. એ બધાં કર્મોનો આપણને કષાય લાગે છે. આપણાં નામ-રૂપ કે રંગ સ્વાદ ગન્ધ આપણા અહમ્-ને ઘડે છે.

પણ એ અનુભવસૃષ્ટિથી કદી મુક્ત નથી થવાતું. મૃત્યુ મુક્તિદાતા ખરું, મોક્ષ મળે.

પણ આ નાયક પાસે એક જુદો જ મુક્તિમાર્ગ છે – તે એ કે જળમય થઈ જવું … નાયક પદ્માને એ માટે આગ્રહ-સદાગ્રહભરી વિનવણી કરી રહ્યો છે, હૃદય-મનથી અનુનય કરી રહ્યો છે.

પદ્માથી પાર્થિવ પ્રકારનું ઘણું જિવાયું છે. ધનિક કુટુમ્બની છે, સુન્દર છે. પોતાના સૌન્દર્યની પ્રશંસાથી મલકાતી રહેતી હોય છે, જો કે તે છતાં એ બધાંમાં એને રસ નથી. એ જાણે છે કે એ એક સાધારણતા છે, છતાં, સાધારણતાને જ રક્ષાકવચ બનાવીને જીવી રહી છે. નાયક એને જણાવે છે કે પોતે એ રક્ષાકવચને ભેદશે.

પદ્મા વડે જે જિવાયું છે, એમાં આંસુનો ભાર છે. ઘણા ય દન્તક્ષત ને નખક્ષત એની ગુપ્ત કાયા પર અંકાયા છે. એ એનું રહસ્ય છે. નાયક કહે છે : એ રહસ્ય તું જળને સોંપી દે.

બીજું, પદ્માએ અગ્નિસંચય જ કર્યો છે. નાયક કહે છે એમ પદ્મા અગ્નિની જિહ્વા પર પોતાનું માંસ મૂકતી રહી છે. નાયક એને એ અગ્નિસંચય જળને સોંપી દેવા કહે છે. કહે છે : અગ્નિ પોતે જ જળમાં લોપ પામશે, ને હવે કટકે કટકે અર્પણ નહિ, એકીસાથે સમસ્તનું નૈવેદ્ય.

પદ્માના આ પાર્થિવ જીવનના વિલય માટે નાયકે નદી જ કેમ પસંદ કરી? કહે છે : ને દરિયો નહિ પદ્મા, નદી સારી. કાંઠે ઊંચી કરાડ નહીં. મને એ નથી ગમતી. નદીમાં વચ્ચે વચ્ચે પથ્થરો હોય તે સારું. એ પથ્થરો તને ઘડીભર રોકે, તારો એકાદ હાથ ભેરવાઈ રહે, પગ ઘૂમરાતા પાણીમાં નાચવા લાગે, વાળની લટ પાણીમાં પ્રસરે ને એનો કાળો વેગીલો પ્રવાહ હું જોઈ રહું – પછી પાણીનો વેગ વધે, તને એક ધક્કો વાગે, ને મોડું થતું હોય એમ, તું બમણા વેગથી વહેવા લાગે. નદી જ સારી, પથરાળ નદી જ સારી.

જળમય થવાથી પ્રાપ્ત શું થશે? આનન્દ. નાયક કહે છે : કેવી આનન્દની વાત – આખો ય વખત ચાલ્યા કરશે તારું ને જળનું કૂજન. કાન દઈને હું સાંભળ્યા કરીશ. એમાં કોઈને સંદેશો નહિ, કોઈને સમ્બોધન નહીં, આગલી-પાછલી વાતનું સાંધણ નહિ, અવિરત ને અસ્ખલિત કૂજન, જન્મોજન્મની અનિન્દ્રાનેય ઘેનથી પરવશ કરી નાખે એવું કૂજન.

પદ્માના એવા લાક્ષણિક વિલયનું ફળ નાયક પણ પામવાનો છે. કહે છે :

ના પદ્મા, જળમાં નથી એકાન્ત. પાંદડાં પરથી ઝાકળ સરીને વનની વાત કહેશે; વર્ષાની ધારા આકાશને સાગરની વાતો કહેશે; ઓગણપચાસ વાયુનો પ્રલાપ તારે કાને પડશે; દૂરથી મન્દિરની ધજાનો તર્જનીસંકેત તું જોશે, સાંજે છેલ્લી શમી જતી પગલીઓ તારા કૂજનને તળિયે ડૂબી જશે – બધો સંસાર થાક્યોપાક્યો તારા કૂજનને ખોળે ઢળવા આવશે. સ્મશાનની રાખ ઊડીને આવશે, એને ટાઢક વળે એવાં બે વેણ કહેજે, કાંઠાંનાં વૃક્ષોની ઘટા ઝૂકીને તારું મુખ જુએ તો જોવા દેજે, તું બીજી જ ક્ષણે વહીને દૂર ચાલી જશે, માટે દ્વિધા રાખીશ નહીં. બધો ભાર ધીમે ધીમે ધોઈને જળના કણમાં વિખેરી દેજે, તું જળમાં લય પામશે એટલે હું ય હળવો થઈ જઈશ, પછી જ મારો મોક્ષ, માટે પદ્મા, તું હવે જળમાં ઊતરી જા, જો જળની હથેળી ઝીલી લે છે તારાં ચરણ …

નાયકની વાણી નિરન્તરના આસ્વાદ્ય સૂરમાં વહે છે. એથી એક વિશિષ્ટ લય પ્રગટ્યો છે. એ સૂર અને લયને હું સુરેશભાઈની સર્જકતાની આગવી મુદ્રા ગણું છું.

ત્રીજી વાર્તા “અપિ ચ” સંગ્રહમાંથી છે – ‘રાક્ષસ’. ‘રાક્ષસ’ વાર્તાને હું સાવ જ દુર્ગ્રાહ્ય ગણું છું. એના શબ્દ શબ્દનું વાચન અનિવાર્ય છે. એટલું જ કહું કે આ વાર્તાને બસ વાંચવા માંડો; કથક તમને લઈ જશે એટલે દૂર કે પાછા જ નહીં અવાય. અને જો આવ્યા, તો આવ્યા એમ સમજતાં ઘણી વાર થશે.

છતાં બે-ચાર વાત ઉમેરું :

વાર્તાના આરમ્ભે, મિલનસમયના સંકેત તરીકે નાયકની બારી પર કાંકરો પડેલો. પછી તો નાયક ગતકાલીન સ્મૃતિઓમાં ચાલી જાય છે.

નાયિકાના વર્તન પરથી એમ લાગે છે કે નાયકથી વયમાં એ મોટી હોવી જોઈએ. નાયિકા કેવું કેવું કરે છે? નાયક પરના જૂઇ પરીના શાપને દૂર કરે છે. નાયકને ભોળા ભૂવા પાસેથી મેળવેલું તાવીજ બાંધી આપે છે – રક્ષાકવચ. આમ તો, નાયક-નાયિકાએ વનમાં ભટકીને કેટલા ય રાક્ષસોને જેર કરેલા. છતાં કોઈ વાર નાયિકા ઉદાસ થઈને વિચારે ચઢી જતી ને કહેતી : દુનિયામાં રાક્ષસ વધતા જ જાય છે. માણસના હાથે માણસના લોહીનું ટીપું પડે એટલે એક ટીપામાંથી સૉ રાક્ષસ ઊભા થાય. બોલ શું કરીશું? હજી તો આપણે આ એક વનના ય રાક્ષસને પૂરા જેર કર્યા નથી.’

શૈશવનો મુગ્ધ પ્રેમ અહીં પરીકથાના અદ્ભુત રસે રસાયો છે. વાર્તામાં નાયિકાએ નાયકને અને લેખકે પોતાના વાચકને એક યાત્રા કરાવી છે. એ સ્મૃતિલોકમાં નાયક-નાયિકા ને આપણે વાચકો પણ મન ભરીને નર્યો વિહાર કરીએ છીએ. એ વિહાર એક રમણીય લીલા છે અને એમાં સુરેશભાઈની સર્જકતા એક ગરવા શિખરે જઈ પ્હૉંચી છે.

જુઓ ને, આપણા વિસ્મયને હિલોળે ચડાવે એવું અહીં શું નથી? એમાં છે – જૂઇ પરીનો શાપ – મંછી ડાકણનો ધરો – વૃક્ષોનાં ઝૂંડેઝૂંડમાં વસેલા રાક્ષસો – ગામની માલિ ડાકણના દાંત વાવીને ઉગાડેલું સીતાફળ. ભોળા ભૂવાએ આપેલું તાવીજ, જેમાં છે, ઘુવડની આંખની ભસ્મ – વાઘની મૂછનો વાળ – અને સાત આમલીના ઝુંડવાળા રાક્ષસનો દાંત. અહીં બે જાતની પરીઓ પણ છે – હસતી અને રોતી.

અરે એક વખત નાયિકાએ એને એમ કહ્યું કે પંખીનો બોલ પારખતાં આવડવું જોઈએ. નાયિકા ઘુવડનો અવાજ કાઢી બતાવે છે, જે સાંભળીને ઘુવડ ઊડી જાય છે. નાયકે નાયિકાને પૂછ્યું કે – આ તમરાં સાથે વાત કરતાં આવડે છે? તો એ એકદમ ગમ્ભીર થઈ ગઈ ને બોલી : જાણે છે, એ શેનો અવાજ છે? : નાયિકાએ સરસ કહ્યું છે : અન્ધકારના તન્તુ સાથે તન્તુને ગૂંથવાનો એ અવાજ છે. પ્રલય વખતે સૃષ્ટિને ઢાંકી દેવાનું વસ્ત્ર રોજ રાતે તમરાં વણ્યે જ જાય છે. જે માણસનું મરણ થવાનું હોય તેની નાડીમાં એનો અવાજ સંભળાય : સાંભળીને નાયક સ્તબ્ધ થઈ જાય છે ને પોતાની નાડીના ધબકારા સાંભળવા લાગે છે.

પણ નાયિકા વર્ષો પછી તો, ઇસ્પિતાલમાં છે, કરોડરજ્જુના ક્ષયથી પીડાતી હોય છે. અદ્ભુત રસ કરુણમાં આછરી જાય છે. ઇસ્પિતાલમાં રીબાતી નાયિકા મૉસમ્બીનાં બે બી લઈને એક પછી એક, સામેની કાચની બારી પર ફૅંકે છે. નાયક સફાળો ઊભો થઈ જાય છે. નાયિકા એનો હાથ ખેંચીને પાસે લે છે ને પોતાની આંગળીથી નાયકની હથેળીમાં લખે છે : ‘રાક્ષસ!’ : અને એ સૂચક શબ્દથી વાર્તાનું વર્તુળ પૂરું થાય છે.

= = =

(September 18, 2020: Ahmedabad)

[સુમનભાઈ શાહની ફેઈસબૂક દિવાલેથી સ-આદર અને સાભાર]

Loading

18 September 2020 admin
← વાત કરવાની નથી
ચલ મન મુંબઈ નગરી—62 →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved