હા, આ સમય સાધુઓનો નથી. સાધુઓ એટલે એવા સાધુઓ જેઓ સંસારમાં પડતા નથી. બાકી, ઘણા સાધુઓ એવા પણ છે જે સંસારી કરતા વધુ સુખ ભોગવે છે. એ તકસાધુઓ જ છે. આજનો જમાનો એવા લોકોનો છે. મીડિયા જ્યારથી વિકસ્યું છે, તેણે ઘણા લોકોને બોલતા કરતા કરી દીધા છે. સાધારણ રીતે લોકો બોલતા હોતા નથી, પણ જ્યારથી મીડિયા ગમે તેની સામે માઈક ધરતું થયું છે, ગમે તે લોકો ગમે તે બોલતા થઈ ગયા છે. ન્યૂઝચેનલો ગમે તે રેલનું ક્લિપિંગ બતાવી શકે ને રેલ જોડે લેવાદેવા ન હોય એવા લોકો પાસેથી સરકારના કારભાર વિશે મત પણ ઓકાવી શકે છે. ચોમાસું આવે છે ને તંત્રોની પોલ ખૂલી જાય છે. એ સંદર્ભે લોકોને એકાએક અભિપ્રાયો વધી પડે છે.
લોકો જાહેરમાં સ્વતંત્ર રીતે કોઈ મત ઉચ્ચારવાનો હોય તો મોટે ભાગે ચૂપ રહે છે, પણ મિત્રો સાથેની વાતોમાં તેમને વાચા ફૂટતી હોય છે ને જાણકારી હોય કે ન હોય તેમને અનેક ક્ષેત્રોમાં ગમે તેને માટે પ્રમાણપત્રો ફાડી આપવાનો અધિકાર મળી જતો હોય છે. તેમને બે પ્રકારના મત હોય છે. જો કોઈ આદર્શ કે સિદ્ધાંતમાં માનતું હોય તો તેને આવા લોકો મવાળ થવાની સલાહ આપતા હોય છે ને કોઈ મવાળ હોય તો તેને સિદ્ધાન્ત કે આદર્શની યાદ અપાતી હોય છે. ટૂંકમાં, આ લોકો સૂચવવા એવું માંગતા હોય છે કે સારાએ નબળા ને નબળાએ સારા થવું જોઈએ. એને એ લોકો વ્યવહારુ બનવું કહેતા હોય છે. એમાં એમણે કંઈ ગુમાવવાનું નથી. એ કોઈ વાત વિશે જાણીને કે ઊંડા ઊતરીને વાત કરે છે એવું નથી. જાણકારી ઓછી હોય તો સલાહ આપવાનું એમને વધારે ફાવે છે. એમનું કામ સલાહ આપવાનું છે ને એટલું થાય કે એમની માન્યતાઓ બદલીને એ નવા વિચાર સાથે ફરી પ્રગટ થતા રહે છે. એક આખો વર્ગ સગવડિયો છે, જેનું કોઈ ચોક્કસ વલણ હોતું નથી. સૂઝે તે બોલતા રહેવું એ એક જ આદર્શ પર એમનો વ્યવહાર ચાલતો હોય છે.
કોઈ ચેનલ પર માઈક ધરીને લોકોને બોલાવતી વ્યક્તિનું કામ સહેલું નથી. ચેનલ ખરેખર કોઈ સ્ટોરી કવર કરવા કોઈને મોકલે ને એ વ્યક્તિ વેઠ ન ઉતારતી હોય તો કેમેરામેન સાથે રેલ, આગ કે ધરતીકંપનું કવરેજ અઘરું છે. આ કામ માટે ચેનલ કંઈ પૈસા આપીને તૂટી જાય છે એવું પણ નથી. ઘણીવાર તો કવરેજ માટે જે તે એરિયામાં પહોંચવાની પણ મુશ્કેલી હોય છે. ત્યાં પહોંચ્યાં પછી લોકોનો સામનો કરવાનું તો તેથી વધારે મુશ્કેલ હોય છે. લોકો પાસેથી હકીકત કઢાવવી ને તેને મીડિયા દ્વારા લોકો સુધી પહોંચાડવાનું લોઢાના ચણા ચાવવા જેવું છે. જે એને ગંભીરતાથી લે છે તેને જ આ મુશ્કેલીઓનો સામનો કરવાનું આવે છે. જેણે વેઠ ઉતારવી છે તે તો ગમે ત્યાંથી રસ્તો કાઢી લેતા હોય છે.
ચેનલોમાં કે છાપાંઓમાં માલિકોથી માંડીને પત્રકારો સુધીમાં બે પ્રકારના માણસો કામ કરતા હોય છે. એક એવા જેમને કોઈ રીતિ, નીતિ હોતી નથી. કોઈ પણ ચેનલમાં કે ન્યૂઝપેપરમાં ગમે તે બતાવીને કે છાપીને દા’ડો પૂરો કરી દેવાતો હોય છે. આ બધાંમાં પણ મુખ્ય હેતુ તો પૈસા સમેટવાનો જ હોય છે. એમાં માલિકો વધુ કમાવામાં ને ઓછું આપવામાં માનતા હોય છે. કેટલાંક સમૂહ માધ્યમો આદર્શને વરેલાં પણ હોય છે. એમાં માલિક ને તેનો સ્ટાફ બંને નુકસાનીમાં જ ચાલતાં હોય છે ને એનું ભવિષ્ય બહુ લાંબું હોતું નથી. એવાં અખબારો ને એવી ચેનલો બંધ પડ્યાંના દાખલાઓ શોધવા દૂર જવું પડે એમ નથી.
સાધારણ રીતે માધ્યમો સ્ટાફનાં શોષણ વગર ચાલી શકતાં નથી, તો માધ્યમો પણ શોષણનો ભોગ બનતાં હોય છે. એના પર સત્તાનું દબાણ વધે છે ત્યારે ક્યાં તો એમણે તાબે થવાનું હોય છે અથવા તો બંધ થવાનું કે અટકી જવાનું હોય છે. પત્રકારો કે રિપોર્ટરોએ એવો સામનો ઉપરીઓનો કરવાનો આવે છે. મોટેભાગે પત્રકારો કે ચેનલોમાં કામ કરતો સ્ટાફ બહુ પગાર પામતો નથી. એટલે જ્યાં થોડા વધારે પૈસા મળે ત્યાં એ દોડતા હોય છે. એ જ કારણે એ બધાં એક જગ્યાએ ટકતા નથી. જ્યાં સારો પગાર છે ત્યાં સમાધાન વધારે છે એટલે જે એમાં બહુ માનતા નથી, તેમનું ટકવાનું ઓછું જ બને છે. આમ છતાં ઇતિહાસમાં કેટલાક પત્રકારો એવા થયા છે જેમણે આદર્શો જોડે બાંધછોડ કરી નથી. એને કારણે એમને વેઠવાનું પણ ઘણું આવ્યું છે તે એ હદ સુધી કે જીવ ગુમાવવો પડ્યો હોય.
રમતો તો એવી પણ ચાલે છે કે કોઈ સારી વ્યક્તિને માધ્યમ હડપી લેવા માંગતું હોય ને મોં માંગ્યાં દામે તેને ખરીદવાના પ્રયત્નો થયા હોય ને કોઈ ખુશીખુશી ખરીદાયું હોય તો કોઈ ન જ વેચાયું હોય ને ઓછાથી જ જીવી ગયું હોય. આ બંને વાસ્તવિકતાઓ વચ્ચે માધ્યમો ટકવા મથે છે.
જો કે ન વેચાનારા લોકો હવે ઓછા જ છે, પણ નથી જ એવું નથી. મોટે ભાગનાને તો એટલું જ હોય છે કે ક્યાં વધારે મળે છે? જે વધારે આપે તે માઇબાપ ! બાકી દુનિયા પડે ખાડામાં. જો થોડું ઓછું પડે તો બીજેથી ‘કલેક્ટ’ કરતાં એમને આવડે છે. આજની ભાષામાં એને ‘સેટિંગ’ કહેવાય છે. આ ‘સેટિંગ’ પર જ આજે દુનિયા ચાલે છે. કોઈને ખાડામાં કેમ ઉતારવો એ મામલે સમૂહ માધ્યમો સારાં એવાં સક્રિય હોય છે. જો ટકવું હોય તો મોટે ભાગે સમાધાનો તમામ સ્તરે સ્વીકારવાં જ પડે છે. આજે તો જે પાણીએ મગ ચડે એ પાણીએ ચડાવનારાની ભીડ છે. એમને કોઈ આદર્શો કે સિદ્ધાંતો નથી. તેમને તેમનું ને માલિકનું કામ થાય એટલે બસ !
માધ્યમો પોતે એટલાં ભ્રષ્ટ છે કે તે સ્ટાફ તરીકે પણ એવી વ્યક્તિઓને જ પસંદ કરે છે જે ચીંધેલું કામ કરી આપે અને સ્ટાફ એવો ‘ટ્રેઇન્ડ’ થઈ જાય છે કે પોતાનું કામ પણ કઢાવીને જ રહે છે. સાધારણ રીતે પોલીસ લાંચ લે એવું મનાય છે, પણ કેટલાંક વર્તમાનપત્રોમાં સ્ટાફ એવો પણ હોય છે જે પોલીસ પાસેથી લાંચ લઈ શકે. અમુક છાપવાનો કે અમુક ન છાપવાનો પણ ભાવ હોય છે. આ બધું વરવું છે, પણ તે છે.
આ બધું છતાં પત્રકારો સલામત નથી. તંત્રોએ પોતાને બદનામ કરવા બદલ અમુક પત્રકારોને માર્યાના ને અમુકનો જાન લેવાના બનાવો પણ ભૂતકાળમાં બન્યા છે. ત્રિપુરાના મુખ્યમંત્રીએ કોઈ સમાચાર બાબતે પત્રકારોને પાઠ ભણાવવાની વાત કર્યાનો દાખલો તાજો જ છે, તો કેટલાક પત્રકારોને માર માર્યાની ઘટના પણ હિન્દી ન્યૂઝ ચેનલોએ બે દિવસ પર જ બતાવી છે. એ પરથી પત્રકારો જોખમો વચ્ચે કામ કરે છે તે પણ સ્વીકારવું ઘટે.
રાષ્ટ્રીય ચેનલો કે અખબારોનો સ્ટાફ સલામત હશે, પણ ગુજરાતી ન્યૂઝચેનલો કે વર્તમાનપત્રોના પત્રકારો સલામત હોય તો પણ તેમનું કોઈ ભવિષ્ય નથી. તેમને ગમે ત્યારે છૂટા કરી શકાય છે કે તેમનું પગાર ધોરણ પણ અન્ય કર્મચારીઓની તુલનામાં ઘણું ઓછું હોય છે. અખબારો ચોથી જાગીર કહેવાય છે, પણ પત્રકાર ભાગ્યે જ કોઈ જાગીરનું મોં જોવા પામે છે. પત્રકારોને નોકરી પછીના લાભો પણ બહુ જ ઓછા મળતા હોય છે. ક્યારેક કોઈ એવોર્ડ મળે એટલાથી તેણે રાજી રહેવાનું હોય છે. પત્રકારો મોટે ભાગે અંદર કે બહાર બધાનો અણગમો ને તિરસ્કાર જ વેઠતો હોય છે. તંત્રો વિરુદ્ધ તે લખતો હોવાને કારણે તંત્રો તો તેનાથી નારાજ હોય જ છે, તો માલિક અમુક લખવાને કારણે કે અમુક ન લખવાને કારણે પત્રકારોથી ખફા રહેતા હોય છે. એ રીતે પત્રકાર બેવડો દુર્ભાગી જીવ છે.
સરકારે પત્રકારોની સલામતી અંગે અને યોગ્ય પગારધોરણ સંદર્ભે ગંભીરતાથી વિચારવું જોઈએ. પત્રકારો માટે કલ્યાણકારી યોજનાઓ પણ જાહેર કરી શકાય. એ પત્રકાર જ છે જે દુનિયાની સારીમાઠી ખબરો આપણા સુધી પહોંચાડે છે. સમૂહમાધ્યમોને કારણે જ સરકાર પ્રજા સુધી ને પ્રજા સરકાર સુધી પહોંચે છે, તો, સરકારની અને પ્રજાની ફરજ છે કે તે માધ્યમો અંગે પણ થોડું સહાનુભૂતિપૂર્વક વિચારે. અસ્તુ !
૦
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 સપ્ટેમ્બર 2020