ફાલતું ચર્ચાઓની ખાંપણ
શીખવવામાં આવી રહ્યો છે સહુને
ઉડવાની ફેન્ટસી વડે
તપેલી સડક પર ચાલવાની પીડા ભૂલવાનો કસબ.
આ મહામારીના સમયમાં
થોડા દિવસો પહેલાં
સવારે બીતો બીતો ચાલવા નીકળ્યો
ત્યારે દૂરથી ચારેક ટીનેજર્સ સડકનાં કિનારે ઊભા ઊભા
વાતો કરતા દેખાયા,
થયું કે –
એ લોકો ખોરંભે પડેલા શિક્ષણ વિશે
રોગચાળાની જેમ ફેલાતી બેકારી અંગે
ભાંગતા મહાનગરો
ભૂખ્યાં ગામડાંઓ
પાંગરતા ભ્રષ્ટાચાર
ફેલાતી નફરત
કે વિસરાતી નિસબત બાબતે ચર્ચા કરતાં હશે.
પણ એમની વાત સાંભળીને મારા કાન ઊંચા થઇ ગયા,
ધીમા અવાજે
એક છોકરો કહી રહ્યો હતો
છોકરીના ભૂતની વાત;
“સાચું કહું છું
મેં મારા સગા કાને સાંભળ્યું છે
મારા મામા કહી રહ્યા હતા
કે
એમણે જોયું છે
છોકરીનું ભૂત
જેણે એક છોકરાને ચૂંસી લીધો
ને’ પછી
મારીને ટીંગાડી દીધો
પંખા સાથે”
ચકરાયેલા મગજ સાથે જોઉં છું
કે –
કાશ્મીરી સફરજનનાં ભાવે
નાગપુરી ડુંગળી
કેસરનાં ભાવે કોથમરી
ને’
ઢાકાની મલમલનાં મોલે
આયાતી જીન્સ ખરીદે છે લોકો.
આજે આ બધી બાબતે
મારાથી વિશેષ ભણેલા યુનિવર્સિટીના
પ્રોફેસર મિત્ર સાથે
એમનાં ઘરે જઈને વિચાર વિમર્શ કરું,
ચાનો કપ મારા હાથમાં ઝલાવતા છાપું ધરીને તેઓ બોલ્યા :
“જો આંખો હોયને તો આ જો,
આમાં એક ખતરનાક સમાચાર છે
છોકરીનાં ભૂત અંગે,
એણે એક છોકરાને
મંત્રેલું પાણી પીવડાવી પોતાનાં વશમાં કરી લીધો હતો
અને
અંતે મારીને પંખા પર …..
કહું છું તારી આ કર્મશીલતા બે ઘડી કોરાણે મૂક,
તારે એકનો એક દીકરો છે
ને’ આવું કોઈક છોકરીનું ભૂત–બૂત…”
હું તો એમની સામે ફાટી આંખે
કોઈ જાદુ જોતો હોઉં એમ જોતો રહ્યો
વસ્તુ અને ભાવનાં વધેલા અંતરની ચિંતા ભૂલી
જ્ઞાન અને વિચાર વચ્ચેનાં શૂન્યાવકાશમાં તાકતો ઊભો રહ્યો.
આમ ચોવીસે કલાક ચાલતી છોકરીનાં ભૂતની વાતે
મને વિચારતો કરી મુક્યો.
મને થયું કે
રોજબરોજ ઝાડ પર લટકતી
રસોડામાં સળગતી
શાળા–કોલેજોમાંથી ગાયબ થતી
ક્યારેક એકાંતભરી કોતરોમાં પીંખાતી
તો ક્યારેક રાજ્ધાનીઓના રાજમાર્ગો પર સરેઆમ ચુંથાતી
એ બધી પણ છોકરીઓ
જો સાચુકલી છોકરીઓ હોવાને બદલે
છોકરીઓનું ભૂત હોત
તો કેટલું સારું થાત!
એમનાં માટે ય ચેનલો કલાકોના કલાકો ચર્ચાઓ કરત
નેતાઓ અને પક્ષો એમની ચિંતામાં અડધા અડધા થઇ જાત
સરકારી તંત્ર એમને માટે ખડે પગે રહેત,
પણ દુર્ભાગ્યે એ સાચુકલી છોકરીઓ હતી
અને
એટલે જ તો દેશની સંસદમાં
ઝાડ પર ઝૂલી ગયેલી
સાચુકલી છોકરી વિશેની ચર્ચા દરમિયાન
ઘરડા સાંસદશ્રીએ હળવાશથી
કહી દીધું હતું;
“છોકરાંઓથી ભૂલ થઇ જતી હોય છે”.
વારંવાર આ દેશનું લોકતંત્ર
દલાલ સ્ટ્રીટનાં સેન્સેક્સની જેમ નીચે પછડાય છે
જેની નીચે ચગદાઈને મરી જાય છે આપણી નાગરિકતા
જેનાં પર ઓઢાડી દેવાય છે
ફાલતું ચર્ચાઓની ખાંપણ.
૧૪–૦૯–૨૦૨૦
ભોપાલ
[પ્રવીણભાઈ પંડયાની ફેઈસબૂલ દિવાલેથી સાભાર]
 

