સુરેશ જોષીની ૩૪મી વિદાયતિથિ નિમિત્તે તેમના અવસાનના ત્રણ મહિના પહેલાં લેવાયેલી મુલાકાતનું સ્મરણ
ફેબ્રુઆરી, 1986માં હું અમેરિકાથી ભણીને મુંબઈ પાછો આવ્યો હતો અને ઑક્ટોબર મહિને હું ‘ઇન્ડિયન પોસ્ટ’ નામે એક નવા દૈનિકના કામ કરવા જોડાવાનો હતો; એ વચ્ચેનો સમય કેમ ગાળવો? ‘ઈમ્પ્રિન્ટ’ નામે એક સામયિક ત્યારે પ્રકાશિત થતું હતું. એપ્રિલમાં ઈમ્પ્રિન્ટના તંત્રી વીર સંઘવીને મળવાનું થયું. એમણે મને કહ્યું કે ‘તું ગુજરાત જા, ત્યાં કોમી રમખાણો વાર-તહેવારે થયા કરે છે. ગાંધીનો પ્રદેશ છે, તો એવું કેમ?’
મે મહિનામાં કારમી ગરમી તો ખરી, પણ ઉનાળામાં ગુજરાતમાં પ્રવાસ કરવાની મને જૂની ટેવ હતી; નાનપણથી જ દર ઉનાળે અમે નડિયાદ જતા. નડિયાદ મારા મમ્મીનાં મા-બાપ, એટલે કે મારાં નાના-નાની રહે; મારાં માસી-માસા પણ ગુજરાતમાં રહે. જો કે એમનું કોઈ એક ઠેકાણું ન હોય, કારણ કે મારા માસા વરિષ્ઠ સરકારી અધિકારી હતા. એટલે એમની દર બે-ત્રણ વર્ષે બદલી થાય. એ કારણસર મેં વડોદરા, ભરૂચ, ડભોઈ, આહવા, સુરત, અમદાવાદ, ગાંધીનગર જેવાં શહેરોમાં સરકારી બંગલાઓમાં ઘણો સમય પસાર કર્યો છે.
મે, 1986માં હું આવી પહોંચ્યો અમદાવાદ અને ત્યાંથી સફર શરૂ કરી. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત-બધે રખડપટ્ટી કરીને અંતે પહોંચ્યો વડોદરા. કામ પૂરતી મુલાકાતો તો મેં લીધી, પણ એક લેખકને મળવાનું બહુ મન. એમનું નામ સુરેશ જોષી.
મુંબઈમાં મારી સ્કૂલમાં અમારા શિક્ષક રમેશભાઈ અને મારા મિત્રો કાર્તિકેય ભગત – અપૂર્વ મહેતા જોડે અમે ઘણો સાહિત્યનો આસ્વાદ કર્યો હતો. અમે ફાર્બસ સભામાં જતા, જ્યાં જયંત પારેખ, રસિક શાહ, નીતિન મહેતા અને નૌશિલ મહેતા જોડે કલાકો ચર્ચા કરતા, કવિતા સાંભળતા, ઉચ્ચાર કરતાં ના આવડે એવા અઘરા યુરોપી લેખકોના નિબંધો વિશે ટિપ્પણી કરતા અને ‘ક્ષિતિજ’, ‘ઊહાપોહ’ ‘એતદ્’ના અંક વાંચતા. ‘એતદ્’ વાંચીને અમે મનોમન બીજા વિદ્યાર્થી કરતાં વધારે હોશિયાર છીએ એમ પોતાને ઊંચા સમજતા. એ લોકો ‘કુમાર’, ‘નવનીત’ અને ‘સમર્પણ’ વાંચે (અથવા ‘ઇંદ્રજાળ કોમિક્સ’ કે ‘અમર ચિત્ર કથા’); જ્યારે અમે તો ‘એતદ્’ વાંચવાવાળા. અમારી સ્કૂલમાં મેં કાર્તિકેય સાથે એક ભીંતપત્ર શરૂ કર્યું હતું, જ્યાં કવિતાઓ, વાર્તાઓ અને ચિત્રો અમે ચોંટાડતા અને દર બે અઠવાડિયે બદલતા. એના વિષયો પણ અઘરા — એકલતા, મૃત્યુ, અંધાર, વગેરે — અને એ ભીંતપત્રનું નામ? ‘પ્રત્યંચા’. હા, અમે કેવા દોઢડાહ્યા લાગતા હઈશું!
અને હું સુરેશ જોષીનાં કાવ્યો વાંચતોઃ “ઘુવડની આંખમાં ઘૂંટાઈને અંધકારનું ટપકું બની ગયેલા સૂર્યનું લાવ, તને કાજળ આંજું”; કે પછી ‘મૃણાલ, મૃણાલ, આ તે શા તુજ હાલ’. આવાં કાવ્યો વાંચતાં-સાંભળતાં અમારાં રૂંવાડાં ઊભાં થઈ જતાં.
એટલે સુરેશ જોષીને મળવાનું બને તો ધન્ય ઘડી અને એવું જ થયું; મે મહિનાને અંતે વડોદરામાં હું એમને મળ્યો અને નોંધ રાખી. એકાદ દિવસ હું એક નિબંધ લખીશ, એવો સંકલ્પ પણ કર્યો.
પણ ત્રણ મહિના પછી સપ્ટેમ્બર ૬, ૧૯૮૬ના રોજ સમાચાર આવ્યાઃ સુરેશભાઈ નથી રહ્યા. આંચકો લાગ્યો. બહુ જલદી જતા રહ્યા. મારે તો હજુ કેટલું વાંચવાનું હતું, ફરી મળવાની ઈચ્છા હતી; રહી મારી પાસે માત્ર એમની ચોપડીઓ અને મારી એક માત્ર મુલાકાતની નોંધ. મેં અંગ્રેજી કવિ સલીમ પિરદીનાને ફોન કર્યો. તે એ સમયે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના સાપ્તાહિક મેગેઝીનના તંત્રી હતા.
“હું સુરેશભાઈ વિષે લખું તો તમે છાપશો?”
“તું આજે ને આજે મને આપે તો આવતા રવિવારે અમે છાપીએ.”
સુરેશભાઈ સાથે મેં વાતો તો ગુજરાતી અને અંગ્રેજીમાં કરી હતી, પણ લેખ મેં અંગ્રેજીમાં લખ્યો; સલીમે છાપ્યો; આ મહિને સુરેશભાઈને ગયે ચોત્રીસ વર્ષ થયાં; આવતે વર્ષે એમની જન્મશતાબ્દી (જન્મઃ ૩૦ મે, ૧૯૨૧). માટે રજૂ કરું છું અહીં એ મુલાકાતનો અનુવાદ. હા, મારો અનુવાદ મેં શબ્દેશબ્દ મળે એ રીતે નથી લખ્યો, પણ સુરેશભાઈની વિચારસરણીને ધ્યાનમાં રાખી ભાવાનુવાદ કર્યો છે. એમનું શબ્દભંડોળ ઘણું વિશાળ. એ મારી ક્ષતિ ધ્યાનમાં રાખવાનું કામ તમારું; હું તો માત્ર પ્રસ્તુત કરું છું:
***
ઘણાં વર્ષો પછી સુરેશ જોષી યાદ રહેશે માત્ર એમની પોતાની કૃતિઓ અને સાહિત્યક્ષેત્રે પ્રદાન માટે નહીં, પણ યુવાન સર્જકોને પ્રયોગશીલ સાહિત્ય રચવા પ્રોત્સાહન આપવા માટે. રોબર્ટ ફ્રોસ્ટની એક કવિતા મુજબ, સુરેશભાઈ હંમેશાં આંગળી ચીંધતા એ રસ્તે કે જે રસ્તો લેતાં લોકો અચકાતા. પોતાની સર્જનાત્મકતા સાથે ચેડાં કર્યા વગર, કામચલાઉ સમાધાન કરવાને બદલે નવીનતા પર લક્ષ્ય રાખી સાહિત્ય રચવું એ જ એમનો ઉદ્દેશ હતો.
કવિ અને સર્જક તો એ હતા જ, પણ વિવેચક તરીકે એમણે નવા માપદંડ સ્થાપ્યા અને ગુજરાતી વાચકોને ફ્રેન્ચ અને યુગોસ્લાવ લેખકોથી પરિચિત કર્યા. Alienation અથવા સ્વત્વાર્પણ, structuralism અથવા વિચારસરણીનું સ્થાપત્ય, અસ્તિત્વવાદ, અતિવાસ્તવવાદ—
આ બધી વિચારધારાઓ, કે કામૂ, સાર્ત્ર, કુંડેરા, ગાર્શિયા માર્કેઝ, કાફ્કા અને દોસ્તોયેવસ્કી જેવા લેખકોને ગુજરાતી વાચકોમાં પ્રચલિત કરવા પાછળ હાથ હતો સુરેશભાઈનો.
સુરેશભાઈનું વિવેચન કોઈને કઠોર લાગે, એ સ્વાભાવિક છે — અને એને કારણે એ લોકપ્રિય નહોતા અને એનો એમને રંજ પણ નહોતો. એમનાં સામાયિકો — ‘ક્ષિતિજ’ કે ‘ઉહાપોહ’ — આગિયાની જેમ હમણાં દેખાય અને પછી ખોવાઈ જાય, વળી જુદે નામે ફરી પ્રગટે. ગુજરાતી ભાષાને અન્ય ભારતીય ભાષાઓ જોડે સાંકળવા માટે સુરેશભાઈએ ‘સેતુ’ નામે સામયિક શરૂ કર્યું. એમને લોકપ્રિયતામાં રસ નહોતો. ઓછા વાચક ભલે હોય, પણ વાંચે, સમજે, વાંચેલી કૃતિ જોડે મનોમન વિવાદ રચે, એવા વાચક એમને ગમે, પછી ભલે એમની સંખ્યા ઓછી હોય. એમને તો વાચક સાથે ગાઢ અને અંગત સંબંધ બાંધવો હતો.
એમનાં પુસ્તકોનાં શીર્ષક સંસ્કૃત હોય કે શાસ્ત્રીય હોયઃ અહો બૃહત કિમ આષ્ચર્યમ, આપો હા ઈદહમ સર્વમ, પ્રત્યંચા, છિન્નપત્ર, જનાન્તિકે … ભાષાની શુદ્ધતા અને સ્વરૂપ સાથે પ્રયોગ કરીને કઈંક નવું સર્જવુ, એ જ એમનું ધ્યેય.
“ગુજરાતી સાહિત્ય કેમ આટલું નિસ્તેજ લાગે છે?” મેં એમને પૂછ્યું.
“1975થી ગુજરાતી સાહિત્યમાં એક પ્રકારની માંદગી, એક જાતની સ્થગિતતા પ્રસરી છે. નાટક, આત્મકથા, જીવનચરિત્ર કે ટૂંકી વાર્તામાં કશું નવું રચાયું નથી. આપણે સાહસ કરવું ભૂલી ગયા છીએ. તમે કંઈ પણ નવો પ્રયોગ કરો કે નવી રીતે લખો, તો લોકો તમને શિખામણ આપશે કે તમે વાચકવર્ગની અવગણના કરો છો. આપણી વ્યાખ્યાઓ બદલાઈ નથી. જગતભરના સાહિત્યમાં વિકાસ થઈ રહ્યો છે, પણ આપણે તો હતા ત્યાંના ત્યાં જ છીએ. આપણે જો નવા પ્રયોગો કરીએ અને નવી તરકીબો અજમાવી જોઈએ તો આપણે આપણી દુનિયાનું વર્ણન સાહજિક રીતે અને સચોટ રીતે કરી શકીશું. આજે ગુજરાતી નવલકથા મરી ગઈ છે; ટૂંકી વાર્તાની દુકાને તાળાં માર્યાં છે અને વિવેચન અસ્તિત્વમાં જ નથી. તમારે જે લખવું હોય તે લખો, પણ વર્તમાન વૈશ્વિક પરિપ્રેક્ષ્ય ધ્યાનમાં રાખવો જોઈએ. ગુજરાતી લેખક હોવું એનો અર્થ એવો તો નથી કે આપણે જ્ઞાતિવાદ પાળવાનો અને આપણા પોતાના લેખકોને વફાદાર રહેવું ! આપણા કવિઓને એ ખ્યાલ નથી કે a thing of beauty is a joy forever. એક સુંદર વસ્તુ આપણને કાયમ આનંદ આપે છે. શબ્દની માયા ખોવાઈ ગઈ છે. બૌદ્ધિક વલણોને લીધે આપણે વાક્ચાતુર્યમાં ડૂબી ગયા છીએ. લેખકો ગૌરવ ગુમાવી બેઠા છે. કોઈને નવો ચીલો નથી પાડવો.”
“જે પ્રચલિત થાય છે અને જેને છીછરી લોકપ્રિયતા મળે છે એનું અનુકરણ થયા કરે છે. હર્બર્ટ રીડ એક વાર કહે, ‘we have become twittering machines,’ (આપણે ચકલીઓની જેમ ચીં ચીં કરતા યંત્રો બની ગયાં છીએ). આપણે વિરોધ કરતી વખતે પણ ધાર્મિક વિધિઓ અપનાવીને અટકી જઈએ છીએ; છુટાછવાયા થઈ ગયા છીએ. સંવેદના સમજવી હોય તો કલ્પના જોઈએ, પણ એ ક્યાં છે?”
આજકાલના લેખકોમાં એક પ્રકારની સર્વસંમતિ ઊભી થઈ છે કે ઘટના વગર સાહિત્ય ના રચાય. જ્યારે સુરેશભાઈએ લેખકોને પૂછ્યું, કે ઘટનાનું મૂળ તત્ત્વ, essence ક્યાં હોય છે, ત્યારે લેખકો પાસે એનો જવાબ નહોતો.
“કોઈને પોતાનો અવાજ ક્યાંથી આવે છે એની શોધ નથી કરવી. બધે પડઘા સંભળાય છે. આપણી ભાષા તો ગગનચુંબી ઇમારત છે, પણ કેટલા ય ઓરડાઓમાં કોઈ પ્રવેશ્યું પણ નથી. આ બધા પાછળ એક કારણ છે આપણું રાજકારણ. એમાં અધોગતિ થઈ છે અને એની અસર સાહિત્ય પર પડી છે. એક વખતે આપણી પાસે અખો હતો, અને એ દંભ અને ઢોંગની મશ્કરી કરતો હતો. પણ આજે આપણા નૈતિક સિદ્ધાંતો કાચા થઈ ગયા છે. બધાને અનુયાયી થવું છે અને કોઈ નેતાની રાહ જુએ છે. નેતા બનો તો એકલા રહેવું પડે અને કોઈને એકલતા નથી પસંદ. છે ઘણા નવા સરસ કવિઓ— નિખિલ ખારોડ, દિલીપ ઝવેરી, હરીશ મીનાશ્રુ, ઈંદુ ગોસ્વામી — એ કવિઓ અમને મળ્યા ‘એતદ્’ને લીધે. પણ આજકાલ સૌને સુરક્ષિત અને સલામત સાહિત્ય લખવું છે; કોઈને રેખાઓ પાર નથી કરવી.”
સુરેશ જોષી એટલે વડોદરાના રહેવાસી. વડોદરા એટલે ગુજરાતી સંસ્કૃતિની પુનર્જન્મભૂમિ. અહીં મળે સિતાંશુ યશશ્ચન્દ્ર, ગુલામ મુહંમદ શેખ, નીતિન મહેતા અને શિરીષ પંચાલ જેવા લેખક, અને ભૂપેન ખખ્ખર, જેરામ પટેલ અને વિવાન સુન્દરમ્ જેવા કલાકાર અને ગીતા કપૂર જેવાં વિવેચક.
સુરેશભાઈ આશાવાદી હતા. મને કહે, “એ સિવાય છૂટકો જ નથી. નહીં તો મારે ભાવનાશૂન્યતામાં રહેવું પડે. પણ મને જો રસ્તા પર ખતરો દેખાય તો મારે ચેતવણી આપવી જ પડે. નહીં તો આપણે અનિચ્છનીય વલણોનું અનુકરણ કરતાં રહીશું. After this deathly lull we need a burst of creativity! “સ્મશાનવત્ નીરવતા અનુભવ્યા પછી આપણને સર્જનાત્મક વિસ્ફોટની જરૂર છે!”
સુરેશભાઈને યાદ રાખવા હોય તો વડોદરાના પ્રતિભાશાળી લેખકોએ અને કવિઓએ બીડું ઝડપવું રહ્યું. નવી કવિતાઓ, નવી વાર્તાઓ, નવા પ્રયોગો અને નવા વિચારો રચીને સુરેશભાઈના પડકારને ઝીલવો રહ્યો.
e.mail : salil.tripathi@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 07 સપ્ટેમ્બર 2020; પૃ. 14-16