અભિનેતા સુશાંતસિંઘ રાજપૂતનાં મૃત્યુનું સત્ય બહાર લાવવા માટે સી.બી.આઇ.એ પાંચ ટીમો બનાવી છે. મને સમજાતું નથી કે સી.બી.આઇ. આ મામલાની તપાસ કેમ કરી રહી છે અને લોકોને તેમાં કેમ રસ છે. કેટલાક લોકો કહે છે કે આ માત્ર બિહારની ચૂંટણીના રાજકીય હેતુ માટે કરવામાં આવી રહ્યું છે. પણ મને તે સમજાતું નથી.
ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્યના સમયથી બિહાર રાજકારણનું પ્રાચીન કેન્દ્ર રહ્યું છે. તો શું બિહારી એટલા મૂર્ખ છે કે તે આવા મુદ્દાને આધારે કોઈ પણ પક્ષને મત આપશે? જો એવું હોય તો હું ખૂબ નિરાશ થઈશ. બિહાર એ વિશ્વના સૌથી ગરીબ વિસ્તારોમાંથી એક છે. આ રાજ્યમાં ફક્ત બે પક્ષોએ દાયકાઓ સુધી રાજ કર્યું છે. આવી સ્થિતિમાં મતદારો બોલીવુડની ઘટના અને તેના વિશેના અભિપ્રાયોથી પ્રેરાશે, તે જોવાની વાત હશે. જો આવું થાય તો તે પોતે જ એક વિચિત્ર ઘટના હશે. સુશાંતસિંઘની વાત ઉછાળવા માટેનાં બે કારણ બહાર આવ્યાં છેઃ પહેલું એ કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પુત્રને આ બહાને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. બીજું, બોલિવૂડના મુસ્લિમ કલાકારોને નિશાન બનાવવામાં આવે છે. મને લાગે છે કે આ પણ તાર્કિક છે. કારણ કે હાલની સરકાર મુસ્લિમો પ્રત્યેનો જુદો મત ધરાવે છે અને તેમના પર હુમલો કરવા કોઈ પણ તરકીબ કરી શકે છે.
પરંતુ આપણે મતદારોનાં વલણ પર પાછા આવીએ. શેખર ગુપ્તાએ લખ્યું છે કે નરેન્દ્ર મોદી પોતાની છબીને નુકસાન ન પહોંચાડે તો તે વર્ષ 2024માં ફરીથી સત્તામાં આવશે. શેખર ગુપ્તાએ દલીલ કરી છે કે મતદારને થયેલા નુકસાનનો કોઈ અર્થ નથી. કારણ કે તેમની પર અર્થવ્યવસ્થા, વિક્રમસર્જક બેરોજગારી, આપણી જમીન પર ચીની કબજો અને સરકારની કોરોના રોકવામાં નિષ્ફળતા જેવાં પરિબળોથી કોઈ ફરક પાડતો નથી. પરંતુ આ નિષ્કર્ષ પર તે કેવી રીતે પહોંચ્યા તે શેખર ગુપ્તાએ જણાવ્યું નથી, તેમણે એક સર્વેક્ષણને ટાંકીને કહ્યું છે કે મોદીની લોકપ્રિયતા ફરી ટોચ પર છે. એ કેટલું સાચું છે તે મને ખબર નથી.
નોંધપાત્ર બાબત એ છે કે આપણો વિકાસદર જાન્યુઆરી 2018થી સતત નવ ત્રિમાસિક ગાળામાં ઘટી રહ્યો છે. આ બધા ફક્ત મોદી સરકારના પોતાના આંકડા દર્શાવે છે. બેરોજગારીનો દર અભૂતપૂર્વ રીતે ઊંચો છે. આટલો ઊંચો દર ભારતમાં ક્યારે ય નોંધાયો નથી, આ આંકડો પણ સરકારની કામગીરીને લગતો છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે ચીને કોઈ ઘૂસણખોરી કરી નથી, ત્યારે તેમની વાત પર કોણે વિશ્વાસ મૂક્યો, એની ખબર નથી. આશા છે કે ખુદ મોદીને તો તેમાં વિશ્વાસ હશે.
આપણે ચીન સાથે હજુ વાટાઘાટો કરી રહ્યા છીએ કે તે આપણી જમીન છોડીને પાછું જાય. આપણા લશ્કરી જનરલે અનેક તબક્કાની વાતચીત કરી છે. આ વાટાઘાટો શા માટે થઈ રહી છે? કારણ કે, મોદીએ જે કહ્યું હતું તે સાચું નહોતું, તેમણે કહ્યા પ્રમાણે કોઈ આપણી જમીન પર ઘૂસ્યું ન હોય તો વાતચીત શા માટે ચાલે છે?
કોરોનાના આંકડા પણ સ્પષ્ટ છે. ભારત સૌથી વધુ દરદી ધરાવતો દુનિયાનો ત્રીજો દેશ બની ગયો છે. દરરોજ આવતા દરદીઓની સંખ્યાના સંદર્ભમાં ભારત પ્રથમ સ્થાને છે અને પરિસ્થિતિમાં ફરક નહીં પડે તો વિશ્વના સૌથી ચેપગ્રસ્ત દેશના સ્થાને પહોંચવામાં વાર નથી. વડાપ્રધાન નંબર વનની વાત ભલે કરતા હોય, પણ આ બાબતમાં તો તે નંબર વન બનવા નહીં જ ઇચ્છતા હોય.
સવાલ એ છે કે શું આપણે એ જ રીતે મત આપીએ છીએ કે જે રીતે ફેસબુક પર પોસ્ટ લાઇક અથવા ટ્વીટર પર રિટ્વીટ કરવામાં આવે છે? શું રાજકીય પક્ષને મત આપવાનો અથવા ટેકો આપવાનો નિર્ણય તેમના કામના આધારે નહીં, પણ છબી આધારિત છે? એ વિચારવા જેવો સવાલ છે. બધા માટે નહીં તો કમ સે કમ સૌએ પોતાના માટે તો ખરો જ.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 31 ઑગસ્ટ 2020; પૃ. 15