Opinion Magazine
Number of visits: 9448809
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તારા વિનાનો મેં સૂંઘ્યો પવન

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|3 September 2020

હૈયાને દરબાર

આઈરિશ કોફીના કેફ સાથે ‘ખેલૈયા’નો નશો ઘૂંટાતો જાય છે. થર્ડ બેલ થઈ ગઈ છે. બીજા અંકની ઉત્સુકતા સાથે ઓડિટોરિયમમાં સૌ ગોઠવાઈ જાય છે. છોકરો-છોકરી (ફિરોઝ અબ્બાસ ખાન-મમતા શેઠ) પહેલા અંકમાં લગ્નના ખ્વાબમાં હોય છે, ત્યાં સુધીની કથા આપણે જાણી. બીજા અંકમાં વાર્તા આગળ વધે છે. ગીતોનો ચહેરો બદલાય છે. મસ્તી-તોફાનનાં ગીતો ધીમે ધીમે કરુણ-શાંત-શૃંગાર રસમાં પલટાય છે.

જેમણે આઠ હજારથી વધુ કમર્શિયલ એડ ફિલ્મમાં મ્યુઝિક તથા સાઉન્ડ ડિઝાઈનિંગ કર્યું છે, તેમ જ ચારસો જેટલાં નાટકોમાં સંગીત આપ્યું છે, એ સુજ્ઞ સંગીતકાર રજત ધોળકિયાએ આ નાટકમાં એક એકથી ચડિયાતાં ગીતો આપ્યાં છે. નાટકનાં સંગીત વિશે એ કહે છે, "કરિયરના આરંભનું મારું આ નાટક. કોઈ ચિંતન-મનન વિના રિહર્સલ વખતે સાવ સાહજિક રીતે ગીતો લખાતાં અને કમ્પોઝ થતાં હતાં. પડકાર એ હતો કે અભિનેતાઓને મારે ગાયક બનાવવાના હતા. કઈ રીતે વોઈસ થ્રો કરવો, સ્વરાભ્યાસ માટે કેવો વ્યાયામ કરવો એ બધું હું રોજ શીખવતો. મોટા ભાગના કલાકારોને સામાન્ય સૂરજ્ઞાન તો હતું જ. તાલીમ ન હોય એટલે ગાવું અઘરું પડે. બાકી, પરેશ રાવલ મોહમ્મદ રફીનાં ગીતોના ચાહક એટલે એમનાં ગીતો એ મૂડમાં હોય તો અમસ્તા ય ગાયા કરે. મેં આ નાટકનાં ગીતો શીખવવાનું શરૂ કર્યું તો હાર્મોનિયમની કાળી પટ્ટી પર આંગળી મૂકું કે તરત પરેશ એ સ્કેલ પકડી શકે, પરંતુ એ સ્કેલ પર સ્થિર રહેવું બધાને અઘરું પડતું. ફિરોઝ અબ્બાસ ખાનને બે-ત્રણ દિવસ સૂર પકડતાં લાગ્યા. પણ દસ દિવસમાં એ ય તૈયાર. મમતા બહુ સારી એક્ટર પણ ગીત શીખવામાં એને સમય લાગ્યો હતો. દર્શન જરીવાલાની સંગીતની સૂઝ તથા અવાજ સારાં એટલે ઝડપથી શીખી ગયા. સંગીતમય બાળનાટકોનો અનુભવ પણ એમને કામ લાગ્યો હશે. કિરણ પુરોહિત અને સુરેન ઠાકર પ્રમાણમાં સારું ગાઈ શકતા હતા. મૂળે બધા સારા એક્ટર્સ. બધાનો પરફોર્મન્સ જ એવો સરસ હતો કે સૂર પ્રત્યે પ્રેક્ષકો બહુ સભાન ન રહે.

એ વખતે હું સંગીતકાર પ્યારેલાલના પિતા રામપ્રસાદ શર્મા પાસે નોટેશન્સ શીખતો હતો. આ નાટકનાં ગીતો માટે મેં નોટેશન્સ તો લખ્યાં પણ એક્ઝિક્યુટ કોણ કરે? ત્યારે મને સુરિન્દર સોઢી યાદ આવ્યો. શર્માજી પાસે એ પિયાનો શીખતો. અચ્છો કલાકાર. પંદર-સોળની ઉંમર. સંગીત પ્રત્યે જરા ય સિરિયસ નહીં. વારંવાર ગામ ભાગી જાય. એને લઈ આવવો પડે. એટલે રામપ્રસાદજી એને સાંકળથી બાંધી રાખે. ગુરુ પણ સારો શિષ્ય ગુમાવવા નહોતા ઈચ્છતા, એટલે સાંકળનો એક ભાગ પિયાનો સાથે ને બીજો સોઢીના પગમાં. આ નાટક માટે સોઢીને બોલાવવા શર્માજીને ત્યાં ગયો ત્યારે સોઢી સાંકળ ખોલીને જ રૂમની બહાર આવ્યો હતો. સોઢી સાથે બધું નક્કી થઈ ગયા પછી એણે ખૂબ મહેનત કરીને પિયાનોને એક પાત્ર જ બનાવી દીધું હતું. પછી તો એ બોલીવૂડના જાણીતા બેકગ્રાઉન્ડ મ્યુઝિક ડિરેક્ટર થઈ ગયા હતા.

પિયાનો સ્ટેજ પર મૂકવો એ અઘરું હતું. પહેલા શોમાં પિયાનો સ્ટેજ પર મૂકવા જ નાટકના બાર જણે મહેનત કરી પણ એ તો ટસનો મસ ન થાય. છેવટે કોઈએ મને કહ્યું કે પિયાનો ઉઠાવવા પ્રોફેશનલ માણસો જોઈએ. પિયાનો ટ્રેઇનર્સ એ ઊંચકવાના જ રૂ.૭૦૦ લે. પણ એક જ મિનિટમાં ઊંચકી લે. છેવટે એમને જ બોલાવવા પડ્યા હતા. પિયાનો સ્ટેજ પર મૂકવાના ટેન્શન ઉપરાંત ભયંકર ડર એ હતો કે બધા સૂરમાં ગાશે કે નહીં! ઓપનિંગ સોંગ ખેલૈયા સુપરહિટ ગયું એટલે શાંતિ થઈ. પરેશ રાવલ સોલો અંતરા સરસ ગાઈ ગયા. બીજું ગીત મમતાનું હતું. મંચ પર અંધારપટ છવાય ત્યારે ગીત શરૂ થાય. મને ફરી ટેન્શન થયું કે સોઢી અંધારામાં પિયાનો કેવી રીતે વગાડશે! પરંતુ એ ય કાબો હતો! પિયાનો પર બાર પાનાંની નોટેશન શીટ પાથરીને બેઠો હતો. અંધારું થતાં ખીસામાંથી ખાણિયાઓ પહેરે એવી હેડલાઈટ કાઢી, પહેરી અને બેક ગ્રાઉન્ડ સંગીત શરૂ થયું. અઢળક તાળીઓ પડી એટલે હું રિલેક્સ થઈ ગયો. પછી ફિરોઝ-મમતાના ગીત ‘આંગળીમાં ફૂટે ટચાકા’એ તો વન્સ મોર લીધો. આમ, બધાં ગીત ઊપડ્યાં ને નાટક સુપરહિટ થઈ ગયું.

ખેલૈયા ટીમ : [ડાબેથી] નીચે, ફિરોઝ અબ્બાસ ખાન, એમની પાછળ ઊભેલા સુરેન ઠાકર, પરેશ રાવલ, હનીફ મોહમ્મદ, મમતા શેઠ અને વચ્ચે બેઠેલામાં, ઉપરથી, દર્શન જરીવાલા, કિરણ પુરોહિત અને ઉદય શેટ્ટી

હવે અધૂરી વાર્તા પૂરી કરીએ. લગ્ન વખતે બધા કેવો પોઝ આપશે ત્યાં ઈન્ટરવલ પડ્યો હતો. ફેમિલી ફોટોના એ જ પોઝથી બીજો અંક શરૂ થાય છે. દર્શકોને એવો અંદેશો આવે છે કે વાતાવરણ હવે પહેલાં જેવું નથી રહ્યું! વરસાદી મોસમ પછી તડકો સતાવવાનો છે!

છોકરો (હકુ) છોકરી (ચૈતાલી) અને બન્ને બાપાઓ હજી વાતો શરૂ કરે ત્યાં જ સૂત્રધાર – અક્ષયકુમાર (પરેશ રાવલ) આવીને બાપાઓને બિલ બતાડે છે. ખેલ ખરાખરીનો હવે મંડાય છે. ભાડૂતી અપહરણકારોનું ભાડું, પ્રોપર્ટીનો હિસાબ – જેમ કે બુઠ્ઠી તલવારો – પૂંઠાનો ચાંદો – લોહી માટે સિંદૂરનો હિસાબ ચૂકવવા અક્ષયકુમાર બાપાઓને કહે છે. હકુ-ચૈતાલીને તેમના પ્રેમની પરીક્ષાનું આ નાટક જ હતું એ વાતની જાણ થતાં બન્ને પિતાશ્રીઓ અને સંતાનો વચ્ચે મનદુ:ખ, બોલાચાલી થાય છે. અહીં સૌ સાથે મળીને એક ગીત ગાય છે – ‘લઇ લો લીલાં શાંત સરોવર!’ અદ્ભુત ગીત છે. પહેલા અંકમાં જે બધું સરસ અને મનોરમ્ય હતું તે હવે પાછું લઇ લો એવો ભાવ ગીતમાં છે. હકુ ઉદાસ છે, ચૈતાલી ગમગીન છે.

આ હકુ નામના છોકરાની મુખ્ય ભૂમિકા ભજવી હતી ફિરોઝ અબ્બાસ ખાને. અત્યારે તો તેઓ નાટ્ય દિગ્દર્શક, ફિલ્મ ડિરેક્ટર, સ્ક્રીન પ્લે રાઈટર છે. ઑલ ધ બેસ્ટ, તુમ્હારી અમૃતા, મહાત્મા વર્સેસ ગાંધી, એવા મુંબઈમાં ચાલ જઈએ તથા રૌનક એન્ડ જસ્સી જેવાં સુપરહિટ નાટકો તેમ જ ‘ગાંધી માય ફાધર’ જેવી નેશનલ એવોર્ડ વિનર ફિલ્મના ડિરેક્ટર રહી ચૂકેલા ફિરોઝ અબ્બાસ ખાનનું મેગા પ્રોડક્શન ‘મુગલ-એ-આઝમ’ મ્યુઝિકલ દેશ-વિદેશની સફર કરી ચૂક્યું છે.

[ડાબેથી] ઉપર ફિરોઝ અબ્બાસ ખાન, ચન્દ્રકાન્ત શાહ. નીચે, મહેન્દ્ર જોશી તથા રજત ધોળકિયા

ફિરોઝભાઈ આ નાટકનાં સ્મરણો તાજાં કરતાં કહે છે, "મારું આ પહેલું જ ગુજરાતી કમર્શિયલ નાટક હતું. હું પોતે ગુજરાતી નહીં, છતાં કેવી રીતે લીડ રોલ મળ્યો એ મને યાદ નથી. મિત્રો સૌ ગુજરાતી એટલે ભાષા સમજાય પણ પ્રવાહિતા નહીં. એમાં આટલાં બધાં ગીતો યાદ રાખવાનાં! પરંતુ જે ભાષા તમારી ન હોય એમાં તમે વધારે એલર્ટ રહો. રોલ મળ્યો પછી તો બરાબર નિભાવવા હું કૃતનિશ્ચયી હતો. તમે માનશો? ગીતોના અર્થ મને ૧૫-૨૦ દિવસે માંડ સમજાયા હતા. એમાં એક ગીત તો પહેલા શોના દિવસે સવારે લખાયું, બપોરે કમ્પોઝ થયું અને સાંજના શોમાં મારે લાઈવ પરફોર્મ કરવાનું હતું! મને ગાતાં ય ન આવડે. જો કે, સંગીતકાર રજત ધોળકિયાએ બધાને બરાબર તૈયાર કર્યા હતા એટલે બધું સમુંસૂતરું પાર પડ્યું હતું. અમે તો પાછા પ્રોડ્યુસર એટલે વધારે જવાબદારી. મેં, મહેન્દ્ર જોશી અને ચંદ્રકાન્ત શાહે મળીને ‘અવાન્તર’ પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું ત્યારે કોઈના ગજવામાં પૈસા નહીં. મારી મમ્મીને મનાવીને મેં પૈસા જોડ્યા. એ જ રીતે ચંદુ અને મહેન્દ્રે પણ પૈસા જેમતેમ જમા કર્યા હતા. શો જોરદાર ચાલવા માંડ્યો પછી અમારો ઉત્સાહ બેવડાતો ગયો. આજે હું મારી જાતને એક્ટર તરીકે વિચારું તો અચરજ થાય! તમને જાણીને નવાઈ લાગશે કે અમારાં ફાઉન્ડર મેમ્બર કલાચાહક નીતા દલાલ હતાં એટલે કે આજનાં નીતા અંબાણી. એ વખતે તે સાંતાક્રુઝ ઈસ્ટમાં રહેતાં હતાં. નાટક સાથે કેવી કેવી પ્રતિભાઓ જોડાયેલી હતી!

કથા આગળ વધે છે. ઉદાસી સાથે બધા છૂટા પડે છે. હકુને આ મિથ્યા જગત પ્રત્યે નફરત થાય છે. એને પ્રેમની સ્વપ્નિલ દુનિયા છોડી સાચી દુનિયા જોવી છે. અક્ષયકુમારના ગોઠવ્યા પ્રમાણે અપહરણકારો છેલશંકર (દર્શન જરીવાલા) અને મરણદાસ (કિરણ પુરોહિત) આવીને છોકરાને સાચી દુનિયાની મોજમસ્તી કરાવવાની લાલચો આપી લઇ જાય છે. દૂર .. સુદૂર. પરંતુ વાસ્તવિક દુનિયા જોતાં હકુને થાય છે કે પ્રેમ કે લગન કરતાં પહેલાં બહુ પાપડ વણવા પડે, સ્ટ્રગલ કરવી પડે, કામ-ધંધો કરવો પડે. છેલશંકર અને મરણદાસ છોકરાને અલગ અલગ રીતે વાસ્તવિક દુનિયાના ત્રાસનો અનુભવ કરાવે છે.

બીજી બાજુ અક્ષયકુમાર ચૈતાલીના સાચા પ્રેમની ફરી પરીક્ષા લેવાને બહાને એને પોતાના પ્રેમમાં પાડવાની રમત શરૂ કરે છે. છોકરીને એ બધે ફેરવે છે ને કહે છે કે જો દુનિયા કેવી સરસ છે! આ સિચ્યુએશનમાં ગીત આવે છે, ‘ફેર ફુદરડી, ફરી દઈ તાળી!’

બીજી તરફ અક્ષયકુમાર ચૈતાલીને વાસ્તવિક જગતમાં પડતા ત્રાસના ખેલ પણ દૂરથી બતાવે છે. છોકરી એ જોઈ દુ:ખી થાય છે ત્યારે અચાનક અક્ષયકુમાર ચૈતાલીને માસ્ક પહેરાવી દે છે. જ્યારે જ્યારે છોકરી માસ્ક પહેરે ત્યારે એને ત્રાસ અપાતા ખેલ રૂડા-રળિયામણા લાગે છે. માસ્ક વગરની દુનિયામાં કડવાશ અને માસ્ક સાથે મધુરપ. દુનિયા દુ:ખી લાગે ત્યારે નકલી પ્રેમી બનેલા સૂત્રધાર ચૈતાલીને કહે કે તું રંગીન માસ્ક પહેરી લે, દુનિયા તને રંગરંગીલી દેખાશે. છોકરી લગભગ એ સૂત્રધારના રંગે રંગાતી જતી હોવાની શક્યતા દેખાતાં સૂત્રધાર સંબંધ વાળી લે છે ને સાચી હકીકત જણાવી દે છે.

અક્ષયકુમાર હકુ-ચૈતાલીને સપનાંની દુનિયામાંથી બહાર લઇ જઈ વાસ્તવિક દુનિયાનો સ્વાદ ચખાડી ફરી ભેગા કરે છે. વિરહના તાપમાં દાઝેલા પ્રેમીઓ ફરી પૂરી સભાનતા સાથે મળે છે. પ્રેમી-પ્રેમિકા જુદી જુદી રીતે જીવનની સચ્ચાઈ જુએ છે એ પણ સૂત્રધારની એક રમત જ હોય છે. દુનિયા જોઈ લીધા પછી પ્રેમીઓ ફરી મળે છે ત્યારે છોકરી પૂછે છે કે મારા વિના તું શું કરતો હતો? એના જવાબમાં આ હૃદયસ્પર્શી વિરહ ગીત આવે છે કે; ‘તારા વિનાનો મેં સૂંઘ્યો પવન.’ ખૂબ લાગણીસભર સ્વરાંકન છે. તોફાને ચડેલું ઓડિયન્સ શાંત થઇ ગયું છે. તાળીઓની ગુંજ કરતાં ઘણી વાર દર્શકોનું મૌન વધુ અસરકારક હોય છે.

બન્નેને પ્રેમમાં તરબોળ જોઈ બન્ને બાપાઓ ગેલમાં આવી જાય છે. સૌ સાથે મળી આ ક્ષણનો આનંદ લે છે. સૂત્રધાર પરેશ રાવલ કબૂલે છે કે આ બધી મારી રમત હતી. ગમ્મત હતી. ખેલ હતો. પ્રેક્ષકોથી છૂટા પડતાં – ‘હાલો હાલો ખેલૈયા, આવજો, અલવિદા ખેલૈયા …’ એ ગીત ગાઈ ખેલ પૂરો કરે છે. તો આવી કથા છે ‘ખેલૈયા’ની.

ખેલ તો પૂરો થયો પણ લેખમાં કેટલીક સરસ વાતો કહેવી છે. સૌથી પહેલાં તો આ નાટક બરજોર પટેલ પ્રોડ્યુસ કરવાના હતા. સંજોગોવશાત્‌ એ ન થયું અને ‘અવાન્તર’એ એનું નિર્માણ કર્યું. નાટકમાં ઉદય શેટ્ટીનું મ્યુટ કેરેક્ટર હતું જે નાટકની પ્રોપર્ટી તરીકે પણ કામ કરતું હતું. એ દીવાલ બની જાય અને ઝાડ પણ બની શકે. એમનો ચાહક વર્ગ અલગ જ હતો. નાટકમાં છેલ્લે એ એક ડાન્સ કરે છે એ નૃત્ય જોવા જ જુવાનિયાઓનું ૩૦ જણનું ગ્રુપ દરેક શોમાં ટિકિટ લેતું અને ફક્ત છેલ્લી ૧૫ મિનિટ જ નાટક જોવા આવતું. એ જ રીતે મરણદાસે જબરી ભૂમિકા ભજવી હતી.

નાટક અને ગીતોના રચયિતા ચંદ્રકાન્ત શાહે ‘બ્લુ જીન્સ’ નામે ઈમ્પ્રેસિવ કાવ્યસંગ્રહ આપ્યો છે.

‘ખેલૈયા’ પછી ચંદ્રકાન્ત શાહે ‘એવા મુંબઈમાં ચાલ જઈએ’, ‘માસ્ટર ફૂલમણિ’ જેવાં અન્ય મ્યુઝિકલ પ્લે આપ્યાં તથા ‘માલામાલ વીકલી’, ‘ઓ માય ગોડ’, ‘સપ્તપદી’ જેવી ફિલ્મો સાથે પણ તેઓ સંવાદલેખક તરીકે સંકળાયેલા હતા. ‘ખેલૈયા’ના અમુક શો પછી કલાકારો રિપ્લેસ થયા. હકુની ભૂમિકા આતિશ કાપડિયાએ ભજવી, છેલશંકરની દિલીપ જોશીએ. દિલીપ જોશીનું આ પહેલું કમર્શિયલ નાટક. ચૈતાલીની ભૂમિકા પદ્માવતી રાવે ભજવી. મરણદાસ તરીકે પરેશ ગણાત્રા તથા ‘તારેં ઝમીં પર’ના લેખક અમોલ ગુપ્તે પણ ‘ખેલૈયા’ સાથે જોડાયા હતા. જો કે, દર્શકોના મનમાં છાપ તો પહેલી ટીમની જ રહી ગઈ.

‘ખેલૈયા’ની કથા અને ગીતો વિશે ‘મુંબઈ સમાચાર’માં વાંચીને ‘ખેલૈયા’ના ચાહકોએ ફોન કરીને વાતો શેર કરી એ કથા પણ રસપ્રદ છે.

દાદરમાં રહેતા જગદીશ વખારિયાને લેખ વાંચ્યા પછી હવે આખી સ્ક્રિપ્ટ વાંચવી છે, તો પાર્લાનાં નીલાબહેનને આ જ કલાકારો સાથે ફરીથી આ નાટક જોવું છે! જાણીતાં પત્રકાર અને લેખિકા ગીતા માણેકે આ નાટક એટલા બધા મિત્રોને એ વખતે બતાવ્યું હતું કે ‘ખેલૈયા’ વિશે વાંચ્યા બાદ પોતાના અવાજમાં જ એ ગીતો ગાઈને ‘મુંબઈ સમાચાર’ની ઈ કોપી સાથે મિત્રોમાં વહેંચીને આનંદ લીધો હતો. પરેશ રાવલનાં ભાભી બિન્દા રાવલ ગીતાની ખાસ મિત્ર હતી એટલે એમની સાથે જ પહેલી વાર આ નાટક જોયું હતું. પછી તો શિવાની અડાલજા સહિત કેટલાં ય મિત્રો સાથે એમણે ફરી ફરી માણ્યું હતું. નેહા યાજ્ઞિકે નાટક સાથે સંકળાયેલી વ્યક્તિઓને લેખ મોકલી વીતેલા વક્તને ફરીથી જીવ્યો. ગીતો સાંભળવાની ડિમાન્ડ તો ઘણાની હતી. ગુજરાતી નાટકની આવી જબરજસ્ત લોકપ્રિયતા જાણીને કેટલો બધો હરખ થાય, નહીં? પણ કહેવાય છેને, ગુઝરા હુઆ ઝમાના, આતા નહીં દુબારા …! માણ્યું એનું સ્મરણ કરવું એ જ લહાવો!

ટૂંકમાં, બધાને મજા પડે એવી માંડણી તો મેં કરી પણ હકીકતે મેં પોતે જ આ નાટક જોયું નહોતું. નાટકના લેખક ચંદ્રકાન્ત શાહને આ ખબર પડતાં આશ્ર્ચર્ય સાથે કહ્યું કે, "વી મિસ્ડ અ પર્સન લાઈક યુ ઈન ધ ઓડિયન્સ. મેં કહ્યું, "તમે તો એક દર્શક જ ગુમાવી, મેં તો આખેઆખું નાટક ગુમાવ્યું! વેલ, જેમણે આ નાટક જોયું નથી એમને આ બે લેખ દ્વારા પરેશ રાવલવાળું પેલું માસ્ક પહેરાવી દીધું છે અને ઈયર પ્લગ્સ પણ આપી દઉં છું. ખયાલોમાં જુઓ ‘ખેલૈયા’ અને સાંભળો ખમતીધર ગીતો. અમે જઈએ હવે બેકસ્ટેજમાં. આવજો ખેલૈયા, અલવિદા ખેલૈયા!

—

તારા વિનાનો મેં સૂંઘ્યો પવન
મારા છલકાતા શ્વાસ થયો હું ખાલીખમ
તારા વિનાના છે નક્કામા શ્વાસ
કે તું સામે હોય તો છે કલબલતા શ્વાસ
ને તું સાથે હોય તો છે ટહુકાતા શ્વાસ
તારા વિનાનું મેં જોયું આકાશ
ને આંખ મારી ખટકી ગઈ
હું અંદરથી બટકી ગઈ.
તારા વિનાનું મેં જોયું આકાશ
તારા વિનાની છે નક્કામી આંખ
તું સામે હોય તો છે પતંગિયાની પાંખ.
ને તું સાથે હોય તો છે કદમ્બની એ શાખ.
તારા વિનાનું મેં જોયું આકાશ
તારા વિનાનો મેં સૂંઘ્યો પવન …!

ગીતકાર: ચંદ્રકાન્ત શાહ   •   સંગીતકાર: રજત ધોળકિયા   •   ગાયન : ફિરોઝ અબ્બાસ અને મમતા શેઠ

સૌજન્ય: ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 03 સપ્ટેમ્બર 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=654949

Loading

3 September 2020 admin
← વિપક્ષોએ ભા.જ.પ.ની હિંદુત્વની રાજનીતિની નકલ કરવાનો મોહ છોડવો પડશે
૧૫ ઓગસ્ટે ગાંધીજી ક્યાં હતા અને તેમણે શું સાત વાતો કરી હતી : →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved