Opinion Magazine
Number of visits: 9460275
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણે તેમનું લોહી જોઈએ એટલું વહેવા ન દીધું

પી. સાંઈનાથ P.A.R.I.|Opinion - Opinion|31 August 2020

કોવિડની કટોકટીનો મુખ્ય પ્રશ્ન એ નથી કે આપણે ‘નૉર્મલ’ (સામાન્ય પરિસ્થિતિ) તરફ કેટલી ઝડપથી પાછા ફરી શકીએ છીએ. લાખો ગરીબ ભારતીયો માટે એ નૉર્મલ જ એક વિકટ પ્રશ્ન હતો. ‘ન્યુ નૉર્મલ’ (નવી સામાન્ય પરિસ્થિતિ) એ બીજું કંઈ નહિ, પણ એ ઝેર પાઈને મોટા કરેલા જૂના નૉર્મલનું વિકરાળ રૂપ છે.

કોવિડ-૧૯ અને ન્યુ નૉર્મલની દુનિયા

લગભગ ૩,૦૦૦ વર્ષ સુધી બ્લડ-લેટિંગ (વૈદ્યકીય ઉપચાર તરીકે શરીરમાંથી લોહી કાઢવું) સામાન્ય તબીબી ઈલાજ હતો. તેની શરૂઆત હિપ્પોક્રેટ્સ દ્વારા થઈ હતી અને પછી તે મધ્ય સદીમાં યુરોપમાં પ્રચલિત બની ગઈ હતી : તેનો ઉદ્ભવ એ વિચાર પર થયો હતો કે શરીરમાંના ચાર રસો – લોહી, કફ, કાળા પિત્ત અને પીળા પિત્ત વચ્ચેનું અસંતુલન બીમારીમાં પરિણમે છે. હિપ્પોક્રેટ્સનાં લગભગ ૫૦૦ વર્ષ પછી ગેલને આ પૈકી લોહીને સૌથી મહત્ત્વનો પદાર્થ ગણાવ્યો. શસ્ત્રક્રિયા એમ જ અંધશ્રદ્ધાથી દોરવાયેલા આ અને આવા બીજા અનેક વિચારો બ્લડ-લેટિંગ માટે જવાબદાર હતા, જેમાં દરદીને બચાવવા માટે ખરાબ લોહીને વહેવા દેવામાં આવતું હતું.

બ્લડ-લેટિંગ માટે જળોનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં ઔષધીય જળો(હિરુડો મેડીસિનાલિસ)નો પણ સમાવેશ થાય છે. આપણને જાણ નથી કે આ સારવારનાં ૩,૦૦૦ વર્ષ દરમિયાન કેટલાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, કેટલાં લોકો લાશોમાં ફેરવાઈ ગયાં અને કેટલાં લોકો તેમના તબીબની બ્લડ-લેટિંગની માન્યતાઓને કારણે લોહી વહેવડાવતાં મોતને ભેટી ગયાં. પણ આપણે એ જાણીએ છીએ કે ઇંગ્લૅંડના રાજા ચાર્લ્સ દ્વિતીયનું મૃત્યું થયું એ પહેલાં તેમના શરીરમાંથી ૨૪ ઔંસ (૬૮૦ ગ્રામ) લોહી કાઢી લેવામાં આવ્યું હતું. જ્યૉર્જ વૉશિંગ્ટનના ત્રણ ડૉક્ટરોએ તેમને ગળાના ચેપનો ઇલાજ કરવા માટે (તેમની પોતાની વિનંતીથી) પુષ્કળ પ્રમાણમાં લોહી કાઢ્યું હતું જેના થોડા સમય બાદ તેમનું મોત નીપજ્યું હતું.

કોવિડ-૧૯એ આપણને નિયો-લિબરલિઝમ (નવઉદારતાવાદ)નું કે ખરા અર્થમાં મૂડીવાદનું સંપૂર્ણ અને ઊંડાણમાં શબપરીક્ષણ કરી આપ્યું છે. લાશ ટેબલ પર પડેલી છે, ધોળા અજવાળામાં, દરેક નસ, ધમની, અવયવ અને હાડકાં આપણી સામે તાકી રહ્યાં છે. તમે તમામ જળોને જોઈ શકો છો – પ્રાઇવેટાઇઝેશન, કૉર્પોરેટ વૈશ્વિકતા, પૈસાનું એક જગ્યાએ વધુ પડતું જમા થવું, જીવંત સ્મૃતિમાં ન જોઈ હોય એવી અસમાનતા વગેરે. સામાજિક અને આર્થિક બિમારીઓ તરફના બ્લડ-લેટિંગના અભિગમે સમાજના કામદારવર્ગના લોકોને ઉચિત અને આદરભર્યા માનવીય જીવનના મૂળભૂત અધિકારોથી વંચિત રાખ્યા છે.

આ ૩,૦૦૦ વર્ષ જૂની તબીબીપ્રથા ૧૯મી સદીમાં યુરોપમાં ચરમ-સીમાએ હતી. તેની બદનામી ૧૯મી સદીના અંતમાં અને ૨૦મી સદીમાં થઈ, પરંતુ આ વિચારધારા અને પ્રથા અર્થશાસ્ત્ર, ફિલોસૉફી, વ્યવસાય અને સમાજ જેવી શાખાઓમાં હજુ પણ પ્રચલિત છે.

આપણી આસપાસના સામાજિક અને આર્થિક ડૉક્ટરો તેમની આગળ પડેલી લાશનું મધ્યયુગના યુરોપના ડૉક્ટરોની જેમ જ વિશ્લેષણ કરે છે. ઍલેક્ઝાન્ડર કોકબર્નના કહેવા મુજબ, જ્યારે મધ્યયુગના તબીબો તેમના દરદીનો જીવ ખોઈ બેસતા ત્યારે તેઓ નિરાશાથી માથું હલાવી કહેતા કે : “આપણે તેમનું વધુ લોહી વહેવા ન દીધું.” દાયકાઓથી વિશ્વબેંક અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ કકળીને કહી રહ્યાં છે તેમ તેમની આઘાત અને દહેશતની રીતથી લાવેલી સ્ટ્રક્ચરલ એડ્જેસ્ટમેન્ટની નીતિઓને કારણે થયેલું પારાવાર નુકસાન, અમુક વાર નરસંહાર નજીકની પરિસ્થિતિ, એટલા માટે નથી કે તેમના સુધારાઓ પર વધુ પડતો અમલ કરવામાં આવ્યો, પરંતુ એટલા માટે છે, કારણ તેમના સુધારાઓ પર જોઈએ એટલો અમલ કરવામાં ન આવ્યો કે પછી એમ કહી શકાય કે ધમાલખોર અને અજ્ઞાની લોકોએ તેમના પર અમલ ન થવા દીધો.

વિચારસરણીઘેલા લોકોની દલીલ છે કે, અસમાનતા એટલી ઘૃણાજનક વસ્તુ નહોતી. તે સ્પર્ધાત્મકતા અને વ્યક્તિગત પહેલને પ્રોત્સાહન આપે છે, માટે આપણને આની વધારે જરૂર છે.

અસમાનતા હવે માનવતાના ભાવિ વિશેની કોઈ પણ ચર્ચામાં કેન્દ્રસ્થાને રહેશે અને નેતાઓ આ જાણે છે.

૨૦ વર્ષથી તેઓ બણગાં  ફૂંકી રહ્યાં  છે કે અસમાનતાને માનવજાતિના પ્રશ્નો સાથે કોઈ લેવાદેવા નથી. આ મિલેનિયમની શરૂઆતમાં બ્રુકિંગ્સ સંસ્થાએ અસમાનતા અંગેની આ નબળી ચર્ચા સામે ચેતવણી આપી હતી. કોવિડ-૧૯એ દુનિયાને પોતાની બાનમાં લીધી એના ૯૦ દિવસપૂર્વે નિયો-લિબરાલિઝમમાં જેને ‘ઓરેકલ ઑફ ડેલ્ફી’ તરીકે માનવામાં આવે છે તેવા ‘ઇકોનૉમિસ્ટ’ મૅગેઝિને તેમની સામે પડ્યા બલિના મરઘાંનું પેટ ચીરી હાથ ધરેલી તપાસ કરતા હોય એમ આવી વેધક કવરસ્ટોરી ચલાવી હતી :

ઇનઍક્વાલિટી ઇલ્યુઝન્સ (અસમાનતાની ભ્રમણાઓ)

શા કારણે સંપત્તિ અને આવકના તફાવતો દેખાય છે તેવા નથી.

આ શબ્દો ટારઝનના હુ ગ્રેઇઝ્ડ ધ ગ્રેપવાઇન? પછીના સૌથી પ્રખ્યાત અંતિમ શબ્દો બની શકે છે.

ત્યાર બાદ તેઓ આવક અને સંપત્તિને લગતા અમુક આંકડાઓનો ખુરદો કરે છે, તેમના સ્રોતોને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે અને કહે છે કે આવી હાસ્યાસ્પદ માન્યતાઓ ધ્રુવીકરણ, ફેકન્યૂઝ અને સોશિયલ મીડિયાની દુનિયામાં પણ પ્રવર્તે છે.

કોવિડ-૧૯એ નિયો-લિબરાલિઝમના ભૂવાઓનો પર્દાફાશ કર્યો છે અને આપણને અધિકૃત શબપરીક્ષણ કરી આપ્યું છે. તેમ છતાં છેલ્લા ૩ મહિનાના વિનાશને મૂડીવાદથી કોઈ લેવાદેવા નથી. એવું પુરવાર કરવાના કૉર્પોરેટ મીડિયાના પ્રયત્નો સાબિત કરે છે કે ભૂવાઓની વિચારધારા હજુ પણ વર્ચસ્વ ધરાવે છે.

આપણે મહામારી અને માનવજાતિના શક્યતઃ અંત વિષે ચર્ચા કરવા કેટલા તૈયાર છીએ, પણ આપણે નિયો-લિબરાલિઝમ અને મૂડીવાદના અંત વિષે ચર્ચા કરવા કેટલી આનાકાની કરીએ છીએ?

શોધ ચાલુ છે : આપણે કેટલી ઝડપથી સમસ્યા દૂર કરીને નૉર્મલ તરફ પાછા ફરી શકીએ એની. પરંતુ, સમસ્યા નૉર્મલ તરફ પાછા ફરવાની નહોતી. નૉર્મલ જ સમસ્યારૂપ હતું. (શંકિત ભદ્રસમાજના શાસકો ‘ન્યુ નૉર્મલ’ શબ્દ વિષે વારંવાર ચર્ચા કરી રહ્યા છે.)

કોવિડ પહેલાંનું નૉર્મલઃ જાન્યુઆરી ૨૦૨૦માં, ઑક્સફામ દ્વારા આપણને જાણવા મળ્યું કે દુનિયાની ૨૨ સૌથી ધનવાન વ્યક્તિઓ પાસે આફ્રિકાની તમામ સ્ત્રીઓ કરતાં વધુ સંપત્તિ છે. વિશ્વની ૨૧૫૩ અબજોપતિઓ આ ગ્રહની ૬૦ ટકા વસતિ કરતાં વધારે સંપત્તિ ધરાવે છે.

ન્યુ નૉર્મલઃ વૉશિંગ્ટન ડી.સી.ની ઇન્સ્ટિટ્યુટ ઑફ પૉલિસી સ્ટડીઝ આપણને બતાવે છે કે અમેરિકી અબજોપતિઓએ તેમની પાસે ૧૯૯૦માં જેટલી સંપત્તિ (૨૪૦ અબજ ડૉલર) હતી, એના કરતાં વધુ સંપત્તિ (૨૮૨ અબજ ડૉલર) ફક્ત મહામારીનાં ત્રણ અઠવાડિયાંમાં જ એકઠી કરી લીધી.

એવું નૉર્મલ કે જ્યાં અબજો લોકો ખોરાકથી છલકાતા વિશ્વમાં ભૂખમરામાં રહેતા હતા. એક તરફ ભારતમાં ૨૨ જુલાઈ સુધી ૯૧ મિલિયન ટન અનાજ બફરસ્ટોક્સમાં, એટલે કે વધારાનું સરકાર પાસે પડી રહ્યું તો બીજી તરફ ભારત દુનિયાની સૌથી વધારે ભૂખ્યા લોકોની આબાદી ધરાવતો દેશ રહ્યો. ન્યુ નૉર્મલ? સરકાર તે અનાજમાંથી ખૂબ ઓછાં અનાજનું વિતરણ કરે છે, પણ મોટા જથ્થાઓમાં ડાંગરનું ઇથેનોલમાં રૂપાંતર કરી હૅન્ડ સેનિટાઇઝર બનાવવા માટે મંજૂરી આપે છે.

પ્રોફેસર ઝ્યાં દ્રેઝે ૨૦૦૧માં જૂના નૉર્મલનો ખૂબ સરસ નિષ્કર્ષ કાઢ્યો હતો કે જ્યારે આપણી પાસે લગભગ વધારાનું ૫૦ મિલિયન ટન અનાજ ગોડાઉનમાં પડી રહ્યું હતુંઃ જો આપણાં અનાજના કોથળાઓને “એક હરોળમાં ગોઠવવામાં આવ્યા હોત, તો તે લાખો કિલોમીટર સુધી ફેલાતા જેની લંબાઈ પૃથ્વીથી ચંદ્રના અંતરથી બમણાં કરતાં પણ વધુ થાય.” ન્યુ નૉર્મલ – જૂન મહિનાની શરૂઆતમાં એ આંકડો ૧૦૪ મિલિયન ટન સુધી પહોંચી ગયો. ચંદ્ર તરફના બે રસ્તા? ધનાઢ્ય માટે એક સુપર હાઈવે અને સ્થળાંતરિત શ્રમિકો માટે માટી સર્વિસ લેન કે જેમાં તેઓ ઘસડાતા-ઘસડાતાં તેમની સેવા કરવા પહોંચશે.

નૉર્મલ એ હતું કે જેમાં ભારતમાં ૧૯૯૧થી ૨૦૧૧ વચ્ચેનાં ૨૦ વર્ષો દરમિયાન દર ૨૪ કલાકે લગભગ ૨,૦૦૦ પૂર્ણકાલીન ખેડૂતો પોતાનો પૂર્ણકાલીન ખેડૂત હોવાનો દરજ્જો ગુમાવતા હતા. બીજા શબ્દોમાં કહીએ તો, દેશમાં પૂર્ણ રીતે ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં ૧૫ મિલિયનનો ઘટાડો થયો હતો.

વિશેષમાં રાષ્ટ્રીય ક્રાઇમ રેકૉડ્ર્સ બ્યુરોના આંકડાઓ (આ ખૂબ મોટું અધોમૂલ્યન હોઈ શકે છે. અનુસાર ૧૯૯૫થી ૨૦૧૮ વચ્ચે ૩,૧૫,૦૦૦ ખેડૂતોએ પોતાનો જીવ લીધો હતો. લાખો લોકો ક્યાં તો ખેતમજૂર બની ગયા ક્યાં તો ખેતીને લગતા અન્ય વ્યવસાયો પણ ડૂબી જતા નોકરીની શોધમાં પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયા.

ન્યુ નૉર્મલ : ૧.૩ અબજ લોકોની વસ્તીવાળા દેશને પ્રધાનમંત્રી દ્વારા સંપૂર્ણ લૉકડાઉન કરવાના ૪ કલાક પહેલાં સૂચના આપતા લાખો-કરોડો સ્થળાંતરિત મજૂરો શહેરો અને નગરોમાંથી પોતાનાં ગામોમાં પરત ફર્યા. ઘણાઓને એમની ગણતરી પ્રમાણે જ્યાં તેમના જીવવાની સૌથી વધુ  સંભાવનાઓ હતી. એવા એમના ગામ સુધી પહોંચવા હજારો કિલોમીટરની મુસાફરી કરવી પડી હતી. તેમણે મે મહિનાની ૪૩-૪૭ ડિગ્રી સેલ્સિયસ કાળઝાળ ગરમીમાં ઢસડાવું પડ્યું.

ન્યુ નૉર્મલ એ છે કે આપણા દ્વારા છેલ્લા ત્રણ દાયકાઓમાં નાશ કરાયેલી આજીવિકાની શોધમાં ઘણા લાખો લોકો પાછા ફરે છે.

ફક્ત મે મહિનામાં, લૉકડાઉનના એક મહિના બાદ અને સરકારની ઘણી આનાકાની બાદ ગોઠવવામાં આવેલી ટ્રેનમાં લગભગ ૧૦ મિલિયન લોકો પરત ફર્યા હતા. સરકારી માલિકીની ટ્રેનમાં પરત ફરી રહેલાં નિરાધાર અને ભૂખે મરતાં સ્થળાંતરિત મજૂરો પાસેથી પૂરું ભાડું વસૂલવામાં આવ્યું હતું.

આરોગ્યક્ષેત્રનું મોટા પાયે ખાનગીકરણ નૉર્મલ હતું, જેના કારણે મોંઘી થતી આરોગ્યસેવાઓ અને તબીબી ખર્ચા અમેરિકામાં મોટી સંખ્યામાં જાહેર થયેલ વ્યક્તિગત નાદારીનું કારણ હતું. ભારતમાં, આ દાયકામાં એક જ વર્ષમાં આરોગ્ય પરના ખર્ચને કારણે ૫૫ મિલિયન લોકો ગરીબી- રેખાની નીચે સરકી ગયા.

ન્યુ નૉર્મલઃ આરોગ્યક્ષેત્રમાં હજુ પણ વધુ કૉર્પોરેટનો કાબૂ. અને ભારત જેવા દેશમાં ખાનગી હૉસ્પિટલો દ્વારા નફાખોરી. જેમાં બીજી વસ્તુઓની સાથે-સાથે કોવિડટેસ્ટમાંથી પૈસા બનાવવાનો પણ સમાવેશ થાય છે. જ્યારે સ્પેન અને આયર્લૅન્ડ જેવાં કેટલાક મૂડીવાદી દેશો બધી ખાનગી આરોગ્યસેવાઓનું રાષ્ટ્રીયકરણ કરી રહ્યા છે, ત્યારે આપણે વધુ ખાનગીકરણ તરફ જઈ રહ્યા છીએ. ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં સ્વીડને બૅંકોને રાષ્ટ્રીયકૃત કરી,જાહેર સ્રોતોથી તેમની કાળજી લઈ તેમને પગભેર કરીને ખાનગી માલિકીમાં પરત કરી દેવામાં આવી. સ્પેન અને આયર્લેન્ડ પણ આરોગ્યક્ષેત્ર સાથે લગભગ આવું જ કરશે.

નૉર્મલ હતું વ્યક્તિઓ અને રાષ્ટ્રનું વધતું અને વધતું દેવું. હવે અંદાજ લગાવો ન્યુ નૉર્મલ કેવું હશે?

ઘણી રીતે, ભારતમાં ન્યુ નૉર્મલ એ જૂના નૉર્મલ જેવું જ હશે. રોજિંદા જીવનમાં, આપણે એ રીતે વર્તીએ છીએ કે આ ગરીબો જ વાઇરસના સ્રોત અને વાહકો છે, નહીં કે એ લોકો જેઓ વિમાનમાં આમતેમ ફરે છે અને જેમણે બે દાયકાઓ પહેલાં સંક્રામક રોગોના વૈશ્વિકીકરણનો ચીલો પાડ્યો હતો.

લાખો ભારતીય ઘરોમાં ઘરેલું હિંસા હંમેશાં ‘નોર્મલ’ જ કહેવાતી હતી.

ન્યુ નૉર્મલઃ કેટલાંક રાજ્યોમાં પુરુષ પોલીસવડા પણ હવે ઘરેલુ હિંસા વધ્યા હોવાની દહેશત વ્યક્ત કરી રહ્યા છે. અત્યારે અગાઉ કરતાં વધુ ગંભીર બનાવો હોવા છતાં ય અહેવાલ ઓછા નોંધાય છે, કારણ કે લૉકડાઉનને કારણે “હિંસા કરનાર હવે વધારે સમય ઘરે રહે છે.

નવીદિલ્હી માટે નૉર્મલ બાબત એ હતી કે તેણે ઘણા સમય પહેલાં વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બનવાની હોડમાં બેઇજિંગને હરાવી દીધું હતું. આપણી હાલની કટોકટીનું એક સુખદ પરિણામ એ છે કે દિલ્હી પરનું આકાશ ઘણા દાયકાઓ કરતાં વધુ સ્વચ્છ છે, કારણ કે સૌથી વધુ ઝેરી અને જોખમી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અટકી ગઈ છે.

ન્યુ નૉર્મલ : ચોખ્ખી હવા માટેનો ઘોંઘાટ બંધ કરો. મહામારી વચ્ચે આપણી સરકારનું સૌથી મોટું પગલું દેશના કોલસા બ્લૉક્સની હરાજી અને તેનું ખાનગીકરણ કરવાની હતી, જેથી તેના ઉત્પાદનમાં મોટા પાયે વધારો થઈ શકે.

જાહેર અથવા રાજકીય ચર્ચાઓમાં વાતાવરણનાં પરિવર્તનો (ક્લાઇમેટ ચેન્જ) જેવા શબ્દોની ગેરહાજરી નૉર્મલ હતી. જો કે માણસો દ્વારા કરવામાં આવેલ વાતાવરણનાં પરિવર્તનોએ ઘણા સમયથી ભારતીય કૃષિઉદ્યોગનો વિનાશ કરી દીધો છે.

ન્યુ નૉર્મલ એ ઘણુંખરું વિષ પાઈને મોટા કરેલા જૂના નૉર્મલનું જ વિકરાળ સ્વરૂપ લાગે છે.

ભારતમાં એક પછી એક રાજ્યમાં શ્રમિક કાયદાઓ ક્યાં તો દબાવી દેવામાં આવ્યા છે ક્યાં તો તેનું હળાહળ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. શ્રમિક કાયદાઓનું મુખ્ય પાસું – દિવસની આઠ કલાકની નોકરી – ઘણાં રાજ્યોમાં રદ્દ કરીને તેને ૧૨ કલાકની કરી દેવામાં આવી. ઘણાં રાજ્યોમાં, એ વધારાના ચાર કલાકનો ઓવરટાઇમ પણ ચૂકવવામાં નથી આવતો. ઉત્તરપ્રદેશે સંગઠિત અથવા વ્યક્તિગત વિરોધની કોઈ સંભાવના ન રહે તે માટે હાલના ૩૮ શ્રમિક કાયદા સ્થગિત કરી દીધા છે.

૧૯૧૪માં દિવસના ૮ કલાકનું કામ અપનાવનાર મૂડીવાદીમાંના પહેલાં હેન્રી ફૉર્ડ હતા. ફૉર્ડ મોટરકંપનીનો નફો બે વર્ષમાં બમણો થઈ ગયો. તેમની ચતુરાઈએ પારખી લીધું હતું કે એ ૮ કલાક પછી ઉત્પાદકતામાં મોટો ઘટાડો જોવા મળે છે. ન્યુ નૉર્મલ : ભારતના મૂડીવાદીઓ તો જાણે મજૂરોને બાંધેલી મજૂરીએ રાખી શકાય એવા વટહુકમની આશા રાખી રહ્યા છે. અગ્રણી મીડિયાતંત્રીઓ દ્વારા આપણને સારી કટોકટીને વેડફી નાખવી ન જોઈએ એવી ઉત્સાહભરી સલાહ આપવામાં આવે છે. તેઓ તર્ક આપે છે કે, છેવટે આપણે આ બદમાશ મજૂરોને તેમનાં ઘૂંટણો પર લાવી જ દીધા છે. હવે જળોને ખુલ્લી છોડી દો. ‘શ્રમક્ષેત્રના સુધારા’ દાખલ કરી દેવાની આ તક ગુમાવવી એ ગાંડપણ છે.

ખેતીવાડીમાં એક ભયજનક સ્થિતિ ઉદ્ભવી રહી છે. આપણને યાદ રહે કે ત્રીજા વિશ્વના લાખો નાના અને સીમાંત ખેડૂતો પાછલા ત્રણ-ચાર દાયકામાં રોકડ પાક તરફ વળ્યા છે. એક લાક્ષણિક બૅંક-ફંડ ફૉર્મ્યુલેશન દ્વારા ફોસલાવી – ધમકાવીને તેમને આવું કરવા માટે આ રીતે આગળ ધપાવાય છે : રોકડ પાક નિકાસમાં જશે, તમને રોકડ રકમ મળશે, ડૉલર તમારા દેશમાં આવશે અને તમને ગરીબીથી ઉગારશે.

આપણે જાણીએ છીએ કે તેનો અંત કેવો આવ્યો. અમુક રોકડ પાક ખેડૂતો, એમાં ય ખાસ કરીને કપાસ પકવતા ખેડૂતો, આત્મહત્યામાં સૌથી વધુ અસરગ્રસ્ત સમૂહ બન્યા અને સૌથી વધુ દેવાદાર સમૂહ પણ.

હજુ તો હાલત વધુ ખરાબ થઈ રહી છે. આપણે જેને રવિપાક કહીએ છીએ, જેની લણણી મોટે ભાગે માર્ચ એપ્રિલ દરમિયાન કરવામાં આવે છે, એ ક્યાં તો વેચાયા વગર પડી રહ્યા છે અને જો બગડી જાય એવા હોય તો લૉકડાઉનને લીધે ખેતરોમાં બગડી ગયા છે. કપાસ, શેરડી સહિત હજારો-લાખો ક્વિન્ટલ રોકડ પાકના ખેડૂતોનાં છાપરાંઓ પર ઢગલા થઈ રહ્યાં છે (ખાસ કરીને કપાસનાં).

જૂનું નૉર્મલ : કિંમતોમાં ભયજનક વધઘટને લીધે ભારત અને ત્રીજા વિશ્વના નાના રોકડ પાકના ખેડૂતો પાંગળા થઈ ગયા. ન્યુ નૉર્મલઃ હવેથી થોડાક મહિનામાં લણણી કરવામાં આવશે, ત્યારે આ સિઝનના તેમના પાક કોણ ખરીદશે?

સંયુક્ત રાષ્ટ્રોના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટેર્રેસના શબ્દોમાં, “આપણે બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી પ્રચંડ મંદીનો અને ૧૮૭૦ પછી આવકમાં સૌથી મોટા ઘટાડાનો સામનો કરી રહ્યા છીએ.” દુનિયાભરમાં આવક અને વપરાશમાં પડી રહેલી ખાધ ભારતને પણ નહિ બક્ષે અને અહીંના રોકડિયા પાક લેતા ખેડૂતોની હાલત કફોડી કરી મૂકશે. ગયા વર્ષે, આપણા કપાસનું સૌથી મોટું નિકાસકેન્દ્ર ચીન હતું. આજે, ચીન સાથેના સંબંધો દાયકાઓમાં સૌથી નીચલા સ્તરે છે અને બંને દેશો મુશ્કેલીમાં છે. ભારત સહિત ઘણા દેશોમાં કપાસ, શેરડી, વેનિલા અને અન્ય પાક – જથ્થાઓ પડી રહેલા છે તેને કોણ ખરીદશે? અને કેટલી કિંમતે?

અને જ્યારે મોટા ભાગની જમીનમાં રોકડિયા પાક ઉગાડાય છે, ત્યારે વધતી જતી બેરોજગારીમાં, જો અનાજ ખૂટી પડ્યું તો શું? ગુટેર્રેસ આપણને ચેતવે છે કે, “આપણે ઐતિહાસિક કદનો દુકાળ કે ભૂખમરો જોઈ શકીએ છીએ.”

ગુટેર્રેસે બીજી એક વાત કહી કે, કોવિડ-૧૯ વાઇરસ “દરેક જગ્યાએ ખોટી માન્યતાઓ અને જૂઠાણાંને ખુલ્લા પાડી રહ્યો છેઃ એ જુઠાણું કે, મુક્ત બજારવ્યવસ્થા સૌને આરોગ્યસેવાઓ પૂરી પાડી શકે છે; એ કાલ્પનિક ધારણા કે વેતન લીધા વગર કરવામાં આવતી સેવા એ કામ નથી.”

નૉર્મલ : ભારતનો ઉપલો વર્ગ તેમના ઇન્ટરનેટના કૌશલ્યની, આપણી સૉફ્ટવેર સુપરપાવર તરીકે ઊભરાતી પ્રતિભાની, કર્ણાટકના બૅંગાલુરુમાં વિશ્વની બીજી સૌથી મોટી સિલિકોનવેલી ઊભી કરવાની તેમની દૂરંદેશી અને ચપળતાની વાતો કરતા થાકતા જ નથી. (અને તદુપરાંત, પ્રથમ સિલિકોનવેલીમાં આમ પણ બધો વિકાસ ભારતીયોના બળે જ થયો છે.) આવો જાતપ્રેમ છેલ્લાં ત્રીસ વર્ષથી નૉર્મલ છે.

બૅંગાલુરુની બહાર કર્ણાટકના ગ્રામ્યવિસ્તારમાં પગ માંડો અને નૅશનલ સેમ્પલસર્વેમાં નોંધવામાં આવેલ વાસ્તવિકતા જુઓ. ૨૦૧૮માં કર્ણાટકના ગ્રામ્યવિસ્તારમાં ફક્ત ૨ ટકા ઘરોમાં જ કમ્પ્યૂટર હતાં. (આ બાબતે જેની મજાક ઉડાવવામાં આવે છે, એવા ઉત્તરપ્રદેશની સ્થિતિ આના કરતાં સારી છે, ત્યાં એ આંકડો ચાર ટકા હતો. કર્ણાટકના ગ્રામીણ વિસ્તારમાં માત્ર ૮.૩ ટકા ઘરોમાં જ ઇન્ટરનેટની સુવિધા હતી. કર્ણાટકના ગ્રામીણ વિસ્તારમાં રાજ્યની ૬૧ ટકા અથવા ૩૭.૪ મિલિયન વસ્તી વસે છે. બૅંગાલુરુમાં, બીજી સિલિકોનવેલીમાં, ફક્ત ૧૪ ટકા જ લોકો રહે છે.

ન્યુ નૉર્મલ સહિતમાં કંપનીઓ ‘ઑનલાઇન શિક્ષણ’ને આગળ ધપાવી અબજો રૂપિયા બનાવવા જઈ રહી છે. તેઓ આમ પણ ખૂબ  કમાતા હતા – પણ હવે તેઓ તેમનો નફો સરળતાથી બમણો કરી દેશે. સમાજ, જાતિ, વર્ગ, લિંગ અને પ્રદેશના લીધે એક બહોળા વર્ગને શિક્ષણથી બાકાત રાખવામાં આવેલો એને હવે મહામારીના કારણે તર્કસંગત કરી દેવામાં આવ્યો છે. (બાળકોનું શિક્ષણ તો ન અટકાવી શકાયને?) દેશભરમાં શહેરોની બહાર ગમે ત્યાં જાઓ, સૌથી ધનાઢ્ય રાજ્ય મહારાષ્ટ્રમાં પણ જુઓ કે, કેટલાં બાળકો પાસે સ્માર્ટફોન છે કે જેમાં તે તેમનાં પી.ડી.એફ. ‘લેસન’ ડાઉનલોડ કરી શકે? કેટલાં પાસે નેટની સુવિધા છે અને તેમણે નેટનો ઉપયોગ છેલ્લે ક્યારે કર્યો હતો?

એ પણ વિચારો કે કેટલી દીકરીઓ શાળા છોડી રહી છે, કારણ કે તેમના વાલીઓ રોજગારવિહોણાં થઈ ગયા છે અને ફી ભરી શકે એમ નથી? જૂના નૉર્મલમાં પણ નાણાકીય ભીડના વખતમાં દીકરીઓને શાળાએથી ઉઠાડી લેવાતી, હવે લૉકડાઉનના કારણે એ વલણ આગળ વધ્યું છે.

મહામારીના પૂર્વે ભારત એક મૈત્રીકરાર પર ચાલતું હતું, જેમાં સામાજિક-ધાર્મિક રૂઢિવાદીઓ અને બજારુ રૂઢિવાદીઓનું સુખી પરિણીત યુગલ કૉર્પોરેટ મીડિયાના ખાટલે સહશયન કરતું હતું. ઘણા નેતાઓ વિચારધારાની દૃષ્ટિએ બંને તંબૂમાં ખુશહાલ હતા.

ન્યુ નૉર્મલમાં રૂપિયા બે ટ્રિલિયનનું કુલ કદ ધરાવતો (ન્યૂઝ અને એન્ટરટેનમેન્ટ) મીડિયાઉદ્યોગ ૨૫મી માર્ચ પછી એ સ્થળાંતરિત લોકોથી મોહિત અને ચકિત હતો, જેમની તરફ એણે દાયકાઓથી જોયું સુધ્ધાં નહોતું. કોઈ કહેવાતા રાષ્ટ્રીય અખબાર કે ચૅનલ પાસે પૂરા સમયના લેબર કોરસ્પૉન્ડન્ટ નહોતા (જે શ્રમિકોની બાબતો પર નિષ્ણાત હોય), પૂરા સમયના ખેતીવાડી સંવાદદાતા નહોતા (હાસ્યાસ્પદવાત તો એ છે કે કૃષિસંવાદદાતા હવે કૃષિમંત્રાલય અને કૃષિવેપારના સમાચાર લખે છે). આવી ક્ષેત્રવિશેષ સમાચારની જગ્યા હતી જ નહિ. બીજા શબ્દોમાં કહીએ તો, ભારતની ૭૫ ટકા વસતિની જિંદગી સમાચારને લાયક જ નહોતી ગણાતી.

રસ્તા વચ્ચે ભટકાઈ જાય તો ય સ્થળાંતરિત મજૂરોને ઓળખી ના શકે એવા તંત્રીઓ અને ઍન્કરો ૨૫મી માર્ચ પછી આ વિષય પર જ્ઞાન આપવા લાગ્યા. અમુકે ખેદપૂર્વક સ્વીકાર્યું કે આપણે મીડિયાવાળાઓએ સ્થળાંતરિત મજૂરોની વ્યથાને સારી રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરવો રહ્યો. બરાબર એ જ સમયે, કૉર્પોરેટ સમાચારગૃહોના માલિકોએ એક હજારથી વધુ પત્રકારો અને પત્રકારત્વ સાથે સંકળાયેલા કર્મચારીઓને છૂટા કર્યા, જેથી કરીને આગળ જતા પણ સ્થળાંતરિત મજૂરોની વ્યથા સતત અને ઊંડાણપૂર્વક વર્ણવી શકવાની કોઈ શક્યતા બાકી રહી નહિ. ઘણી જગ્યાએ કર્મચારીઓને બરતરફ કરવાનું આયોજન મહામારી થયાના ઘણા સમય પહેલાં થઈ ગયેલું અને આમાં સૌથી મોટા અપરાધી કોઈ હોય, તો એ એવી કંપનીઓ છે કે જે સૌથી વધુ નફો કમાય છે અને જેની પાસે સૌથી વધુ અનામત ભંડોળ છે.

નૉર્મલને કોઈ પણ બીજા નામે બોલાવો તે એટલું જ ઘૃણાસ્પદ છે.

અત્યારે એક માણસ છૂટાછવાયા રિયાલિટી ટી.વી. શોમાં દેશ ચલાવે છે. બાકીની બધી ચૅનલો પણ આ સ્વપ્રશંસાનાં ઠઠ્ઠાચિત્રો પ્રાઇમટાઇમમાં આમ જ ચલાવે છે. પ્રધાનમંડળ, સરકાર, સંસદ, અદાલતો, વિધાનસભાઓ, વિપક્ષો – એ બધાનું કાંઈ મહત્ત્વ નથી. આપણે ટેક્નોલૉજીમાં જાદૂગર હોવા છતાં એક સત્રના એક દિવસ જેટલી પણ સંસદની કાર્યવાહી કરી શક્યા નથી. લૉકડાઉનને લગભગ ૧૪૦ દિવસો થવા છતાં ય ન તો વર્ચ્યુઅલ કે ઑનલાઇન કે ન તો ટેલિવાઇઝ્ડ સંસદ યોજી શક્યા છે. આપણી કહેવાતી ટેક્નોલૉજીની શક્તિ કરતાં સાવ નહિવત્‌ શક્તિ ધરાવતા બીજા દેશોએ આ તમામ ખૂબ સરળતાપૂર્વક કર્યું છે.

શક્ય છે કે યુરોપના કેટલાક દેશોમાં ૪ દાયકાઓ સુધી લોકકલ્યાણ તરફી શાસનવ્યવસ્થાનો વાળીઝૂડીને સફાયો કર્યા પછી પણ હવે કોવિડના કારણે સરકારો ખચકાટથી વેલ્ફેર સ્ટેટનાં અમુક પાસાંઓ પરત લાવી રહી છે. પણ આપણે ત્યાં બજારુ વૈદોનો માનીતો ઇલાજ, બ્લડ-લેટિંગ જ ચાલી રહ્યો છે. જળો કહેર ફેલાવવા તૈયાર થઈને ફરી બહાર આવી ગઈ છે. તેમણે અત્યાર સુધી ગરીબોનું જેટલું લોહી ચૂસ્યું તેટલું પૂરતું નથી. પરોપજીવી કીડાઓએ તેમની ઉત્ક્રાંતિ જે માટે થઇ છે, એ તો કરવું જ રહ્યું.

આવા સંજોગોમાં પ્રગતિશીલ ચળવળોએ શું કરવું? તેમને તો જૂનું  નૉર્મલ પણ ક્યારે ય સ્વીકાર્ય નહોતું. પરંતુ એમની પાસે જૂના નૉર્મલથી પણ પુરાણું એવું કાંઈક છે, જે તરફ તેમણે પાછા ફરવું રહ્યું – ન્યાય માટેનો સંઘર્ષ, સમાનતા, પૃથ્વીને વધુ નુકસાન થવા દીધા વિના સન્માનથી જીવવાનો હક્ક.

‘સમાવેશક વિકાસ’ એ જળોનું નામ છે, જે મરી ગઈ છે અને એને ફરી જીવિત ન કરવામાં જ ભલાઈ છે. માળખું માત્ર ન્યાયનું અને હેતુ અસમાનતાનો અંત લાવવાનો છે. આપણી ચિંતા એ તરફ પહોંચવાની રીત છે – કેટકેટલા રસ્તા, કેટલાક આપણે લઈ ચૂકેલા, કેટલાક પડતા મૂકેલા, કેટલાક શોધવાના.

દાખલા તરીકે, ખેડૂતો અને ખેતમજૂરોની ચળવળો જો વાતાવરણનાં પરિવર્તનોને (કે જેને લીધે ભારતીય કૃષિઉદ્યોગનો વિનાશ થઈ ગયો છે.) ગણતરીમાં નહિ લે, તેમની લડતને કૃષિપર્યાવણના અભિગમમાં કેન્દ્રિત કરી અને આગળ નહિ વધારે, તો ગંભીર સમસ્યાઓ સર્જાશે. શ્રમિકોની ચળવળોએ માત્ર કેકના મોટા ટુકડા માટે નહિ, પણ તરછોડી દીધેલી એ જૂની અસામાન્ય લડત પ્રમાણે બૅકરીની માલિકી માટે લડવાનું છે.

અમુક લક્ષ્યો સ્પષ્ટ છે. જેમ કે, ત્રીજા વિશ્વનું દેવું રદ્દ કરો. ભારતમાં આપણા પોતાના ચોથા વિશ્વનું દેવું રદ્દ કરો.

કૉર્પોરેટ ઇજારાશાહીઓ તોડી પાડો. તેની શરૂઆત કરવા આરોગ્ય, અન્ન, કૃષિ અને શિક્ષણનાં ક્ષેત્રોમાંથી વર્ચસ્વ સંપૂર્ણપણે દૂર કરો.

આવશ્યકતા એવી ચળવળની છે જે સરકારોને સંસાધનોની વહેંચણીમાં આમૂલ પરિવર્તન કરવાની ફરજ પાડે. એની શરૂઆત થાય સૌથી વધુ ધનાઢ્ય એક ટકા લોકો પર સંપત્તિવેરાથી, જે બહુરાષ્ટ્રીય કંપનીઓ કોઈ પણ પ્રકારના કરવેરા ચૂકવ્યા વિના નીકળી જાય છે, તેમના પર વેરા લાદવામાં આવે. ઘણા દેશો જે કરવેરાની વ્યવસ્થાઓને દાયકાઓથી નષ્ટ કરી રહ્યા છે, તેને ફરી પુનઃસ્થાપિત કરી અને તેમાં સુધારા લાવવામાં આવે.

માત્ર જનઆંદોલનો જ સરકારોને આરોગ્ય અને શિક્ષણમાં રાષ્ટ્રવ્યાપી સાર્વજનિક વ્યવસ્થા ઊભી કરવાની ફરજ પાડી શકે છે. આરોગ્ય, અન્ન અને બીજી બાબતોમાં ન્યાય માગતાં જનઆંદોલનોની આપણને જરૂર છે. એવાં અમુક તો પ્રેરણાદાયી કામ કરી જ રહ્યાં છે, પણ કૉર્પોરેટ મીડિયાના સમાચારજગતમાં તેમને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યાં છે.

આપણે અહીં તેમ જ સમગ્ર વિશ્વના દેશોએ યુ.એન.ની માનવ-અધિકાર ઘોષણામાં લેખાયેલા એ સૌ અધિકારો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, જેને જાહેર ચર્ચાવિચારણામાંથી કૉર્પોરેટ મીડિયાએ સાવ બાકાત કરી દીધા છે. જેમ કે, અધિકાર આર્ટિકલ ૨૩-૨૮ જે આવરી લે છે મજૂરસંઘ સ્થાપવાનો અને તેમાં જોડાવાનો, કામ કરવાનો અને સમાન કામ માટે સમાન વેતનનો અધિકાર, જે માનવસહજ સન્માન, આરોગ્ય વગેરે સુનિશ્ચિત કરે.

આપણા દેશમાં બંધારણમાં આલેખાયેલા રાજ્યનીતિના દિશાસૂચક સિદ્ધાન્તો (Directive Principles of State Policy)ના વિચારોને ફેલાવવાની જરૂર છે. તેમાંના અમુક જેવા કે રોજી, શિક્ષણ, અન્ન ઇત્યાદિ મેળવવાના અધિકારના સંદર્ભમાં ન્યાય અને અમલીકરણનો આગ્રહ રાખવો પડશે. આ સિદ્ધાંતો આપણી સ્વાતંત્ર્યચળવળના ફળસ્વરૂપે મળેલ આપણા બંધારણનો આત્મા છે. છેલ્લાં ૩૦-૪૦ વર્ષમાં સર્વોચ્ચ અદાલતના એકથી વધારે ચુકાદામાં કહેવાયું છે કે આ દિશાસૂચક સિદ્ધાન્તો મૂળભૂત અધિકારો જેટલા જ મહત્ત્વના છે.

કોઈ વ્યક્તિગત ઢંઢેરાના બદલે આપણા બંધારણને અને આપણી સ્વાતંત્ર્યચળવળને કેન્દ્રમાં રાખીશું તો પ્રજાનું સમર્થન મળશે.

છેલ્લાં ૩૦ વર્ષથી દરેક સરકારે રોજેરોજ આ સિદ્ધાંતો અને અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે, બજારને સિદ્ધાંત તરીકે લાદીને અને નીતિમત્તાને અભરાઈએ ચડાવીને. વિકાસના રસ્તા પર પ્રજાની, તેમની સામેલગીરીની, તેમની ભાગીદારીની અને તેમની માલિકીની, બધાની બાદબાકી કરવામાં આવી હતી

તમે પ્રજાની ભાગીદારી વિના આ સાંપ્રત મહામારીનો મુકાબલો ના કરી શકો – આવનારી ભાવિ મહામારીની તો વાત જ શી કરવી. કેરળ કોરોનાવાઇરસનો સામનો કરવામાં સફળ રહ્યું, એનું મુખ્ય કારણ સ્થાનિક સમુદાયોમાં પ્રજાની ભાગીદારીને આપતું પ્રોત્સાહન છે. પ્રજા સરકારની પડખે ઊભી રહી, જેથી લોકો સામૂહિક રસોડાં ચલાવીને જરૂરતમંદોને ખાણું પહોંચાડી શક્યા, કૉન્ટેક્ટ-ટ્રેસિંગ, આઇસોલેશન અને કન્ટ્રોલમાં સરકારને મદદ મળી. આ બોધપાઠો આ મહામારી સિવાય પણ કામમાં આવે એવા છે.

દરેક પ્રગતિશીલ ચળવળના હાર્દમાં છે ન્યાય અને સમાનતામાં વિશ્વાસ. આપણા બંધારણના આમુખમાં ન્યાયના ઉલ્લેખ સાથે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની વાત કરી છે, જેમાં આપણે આજના સમય પ્રમાણે જેન્ડર જસ્ટિસ અને ક્લાઇમેટ જસ્ટિસ પણ ઉમેરવા જોઈએ. આ ન્યાય અને સમાનતાને કોણ જાળવશે, કોણ આગળ ધપાવશે, તે બંધારણે ઠીક પારખ્યું હતું – બજારો નહિ, કંપનીઓ નહિ, પણ આપણે લોકો – વી, ધ પીપલ.

પરંતુ દરેક પ્રગતિશીલ આંદોલનમાં એક સર્વોપરી માન્યતા એ રહેલી છે કે આપણી સામેની દુનિયા નિર્માણ થઈ ચૂકેલી વસ્તુ નથી, પરંતુ સતત નિર્માણમાં છે – ઘણી હતાશા ને ઘણા અધૂરા પ્રયાસો છે.

આ જૂનમાં જેમને ૯૭ વરસ થયાં તે સ્વાતંત્ર્યસેનાની કૅપ્ટન ભાઉએ એક વાર મને કહેલું, “આપણે સ્વાતંત્ર્ય અને આઝાદી માટે લડ્યા. આપણે સ્વાતંત્ર્ય મેળવ્યું.”

સ્વાતંત્ર્યની ૭૩મી જયંતી તરફ પ્રયાણ કરતાં આઝાદીનાં અધૂરાં અરમાન માટે આપણે લડી છૂટવું રહ્યું.

પી. સાંઈનાથ એ ‘પીપલ્સ આર્કાઇવ્સ ઑફ રૂરલ ઇન્ડિયા’(PARI)ના સ્થાપક-સંપાદક છે. તેઓ અનેક દશકાથી ગ્રામીણ પત્રકાર છે અને ‘એવરીબડી લવ્સ અ ગુડ ડ્રૉઉટ’ના લેખક છે.

આ લેખ સૌપ્રથમ ફ્રન્ટલાઇન સામયિકમાં પ્રકાશિત થયો હતો. તે PARIની વેબસાઇટ (ruralindiaonline.org/) પર પણ ૧૨મી ઑગસ્ટે પ્રકાશિત થયો હતો.

અનુવાદક : ફૈઝ મોહંમદ. તેમણે પાવર ઇલેક્ટ્રૉનિક્સમાં M.Tech.ની પદવી મેળવી છે. તેમને ટેક્નોલૉજી અને ભાષાઓમાં રસ છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2020; પૃ. 03-06 તેમ જ 14

https://ruralindiaonline.org/articles/we-didnt-bleed-him-enough/

Loading

31 August 2020 admin
← અલવિદા, મોહન દાંડીકર
કોરોના વાયરસ મહામારી : ગાંધીની દ્રષ્ટિએ →

Search by

Opinion

  • પુણેનું સમાજવાદી સંમેલન : શું વિકલ્પની ભોં ભાંગે છે?
  • રમત ક્ષેત્રે વિશ્વ મંચ પર ઉત્કૃષ્ટતાની નેમ સાથેની નવી ખેલકૂદ નીતિ
  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • શૂન્ય …
  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved