વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં કલંકિત ઉમેદવારો, પક્ષપલટો કે ભ્રષ્ટાચાર દૂર ન કરી શકાયા એપ્રિલ અને મેમાં આવનારી ચૂંટણી રોજ ભાતભાતના રંગ બદલી રહી છે. આપણી લોકશાહી શાંતિપૂર્વક મતદાન સંપન્ન કરવાની બાબતમાં વિશ્વની સૌથી મોટી છતાં કાબેલ સાબિત થઈ છે. એક જમાનામાં મતમથક પર સશસ્ત્ર હુમલાઓ કરી કે મતપેટીઓ લઈ જતાં સ્ટાફ પર હુમલા કરી મતપેટીઓ ગાયબ કરવાનું હવે ભાગ્યે જ થાય છે. છેલ્લે છેલ્લે નકસલ વિસ્તારોમાં પણ શાંતિથી મતદાન કરી શકાય એવો કાયદો અને વ્યવસ્થાનો બંદોબસ્ત, પોલિસ, ચૂંટણીતંત્ર અને લશ્કર કે અર્ધલશ્કરી દળોની સહાયથી ચૂંટણીપંચ કરી શકે છે. નક્સલ વિસ્તારો જેવી સ્થિતિ એક જમાનામાં જમ્મુ-કાશ્મીર પાકિસ્તાનમાં ત્રાસવાદી કરતા હતા તેના પર કાબૂ કરાયો છે.
શાંતિપૂર્ણ લગભગ બધાને સંતોષ થાય એવી મતદાનની વ્યવસ્થા કરતાં ય મુશ્કેલ, બધાં બૂથોની મતગણના કરી એક સમયબદ્ધ રીતે પૂરું કરવાનું કાર્ય ચૂંટણીપંચ પાર પાડે છે. જે વાત હાંસલ કરવામાં ભારત જેટલું કૌશલ્ય અમેરિકન ચૂંટણીતંત્ર દાખવી શકયું નથી. ધીમે ધીમે ચૂંટણીનાં પરિણામોને કાયદાકીય પડકાર કરવાના પ્રસંગો પણ ઘટી રહ્યા છે. આમ છતાં ચૂંટણી નજીક આવતી જાય તેમ, પક્ષપલટાના પ્રસંગો નિવારવાનું તો બાજુએ રહ્યું પણ હકીકતમાં વધી રહ્યું છે. ૧૯પ૨ની પ્રથમ ચૂંટણીથી લગભગ બે કાયદા બધું સમુસૂતરું ચાલ્યું. પણ અચાનક હરિયાણાથી જથ્થાબંધ આયારામ ગયારામની પ્રવૃત્તિ શરૂ થઈ હતી. આયારામ ગયારામના જાતજાતનાં સ્વરૂપ જોવાં મળ્યાં. જેટલાં સ્વરૂપો તેટલા જ એકબીજા પક્ષો પરના દોષારોપણના કિસ્સાઓ વધવા લાગ્યા.
આખરે રાજીવ ગાંધી એન્ટિ ડિફેકશન કાનૂન-પક્ષપલટા વિરુદ્ધ કાનૂન લાવ્યા તો ઘડીભર લાગ્યું કે પક્ષપલટાનું અનષ્ટિ બંધ થઈ જશે. પણ પછી તો એ કાનૂન નીચે અપાયેલી વિધાનસભાની સ્પીકરની સત્તા આડકતરી રીતે કબજે કરવાનું શરૂ થયું. હવે તો આ સંકટ ડેપ્યૂટી સ્પીકર સુધી પહોંચતું જોઈ સત્તા પરના પક્ષોએ નાયબ સ્પીકરપદ વિરોધપક્ષને આપવાની એક સારી પ્રથા પર પણ કાતર ફેરવી છે અને હવે વરસો સુધી નાયબ સ્પીકરપદની જગા ખાલી રાખવા સુધી વાત પહોંચી છે. આવી જ રીતે ગુનાઈત વ્યક્તિઓને ઉમેદવારીમાંથી બાકાત કરવાની વાત તો બાજુએ રહી ગઈ પણ સ્વેચ્છાએ આવી મર્યાદા રાજકીયપક્ષો પાળે એ તો હવે આકાશકુસુમવત બની ગયું છે.
છેલ્લે બહુ પ્રયાસો થયા; સિવિલ સોસાયટીઓએ પ્રબળ લોકમત ઊભો કર્યો ત્યારે સુપ્રીમ કોર્ટ, ધારાસભ્ય અને સંસદ સભ્યોના અદાલતમાં ચાલતાં કેસો એક વરસમાં પૂરા કરવા એવો અભિપ્રાય માત્ર આપી શકી છે. નહીંતર સેશન્સ કોર્ટમાં સજા થયા છતાં હાઇકોર્ટમાં કરાયેલ અપીલના બહાને અને હાઈકોર્ટમાં સજા થઈ હોય તો સુપ્રીમકોર્ટના અપીલના ચુકાદા આવતાં સુધી બેશરમભરી રીતે ચૂંટણી લડાયે જાય છે. પક્ષપલટાની બાબતમાં અગર તો ગુનાઈત વ્યક્તિઓને ગેરલાયક કરવાની બાબતમાં ભારતે હજુ અનેક કોઠા પાર પાડવાના છે. હા, પક્ષપલટાની બાબતમાં સ્વરાજ પછીની પ્રણાલિકાનો એક ઉત્કૃષ્ટ નમૂનો યાદ કરીએ તો લાગે કે, એક ઉચ્ચ પ્રણાલિકાથી ગબડીને કેટલી હદે આપણે નીચે પહોંચી ગયા છીએ.
પ્રારંભની ચૂંટણીઓમાં સમાજવાદી નેતા આચાર્ય નરેન્દ્ર દેવ ઉત્તરપ્રદેશમાંથી ચૂંટાયા હતા. ચૂંટાયા ત્યારે કોંગ્રેસી તરીકે ચૂંટાયા હતા. ત્યાર પછી ભારતની રાજનીતિમાં કોંગ્રેસ સમાજવાદી પક્ષ અને સમાજવાદી પક્ષ રચાયો. આચાર્ય નરેન્દ્ર દેવે આમ થતા પદનું રાજીનામું આપ્યું. ઘણાએ કહ્યું કે એ પક્ષપલટો ન કહેવાય પણ આચાર્ય નરેન્દ્ર દેવ ન માન્યા. એ અયોધ્યામાંથી ચૂંટાયેલા. પછી પેટાચૂંટણી થઈ. સરદાર વલ્લભભાઈએ રાજકારણની સોગઠી મારી આચાર્ય નરેન્દ્ર દેવને હરાવવા એમની સામે કોંગ્રેસ તરફથી બાબા રાઘવદાસને ઊભા રાખ્યા: સમાજવાદી એટલે નાસ્તિક એવો પ્રચાર થયો અને આચાર્ય નરેન્દ્ર દેવ પરાજિત થયા. પણ નરેન્દ્ર દેવએ પક્ષપલટા સામે ઘણી ઉચ્ચ ભૂમિકા લીધી અને હારનો જરા સરખો ય પસ્તાવો ન કર્યો. પણ આ દિવસો ગયા.
હવે તો ભલામણ અને આગ્રહથી એક પક્ષની ટિકિટ મેળવી બીજી પળે બીજા પક્ષમાં પલટો કરવામાં કોઈનું રૂંવાડું ભાગ્યે જ ફરકે છે. હવે ચૂંટણી ફોર્મ ભરાતાં સુધી રોજ આવા ખબર જોવા-સાંભળવા મળશે. હું, પક્ષના ટોચના નેતા તરીકે ભ્રષ્ટાચાર સામે પ્રવચનો અને પડકારો કરું. એક તરફ ભ્રષ્ટાચાર સામે ચોકીદાર બની રહેવાનું વચન આપું અને બીજી બાજુ જેલના સળિયા પાછળ ગયેલા સંસદસભ્યોને આરામથી પક્ષમાં સંઘરું કે નીચલી કોર્ટમાં ગુનેગાર ગણાયેલ મંત્રીને અપીલને બહાને પોતાના પ્રધાનમંડળને રક્ષિત રાખું ગુનાઈત પ્રવૃત્તિ બચવા – બચાવવાની કેવી છે આ નિષ્ઠા આ ચાલ્યા જ નહીં પણ હવે તો વધ્યા કરે છે. એક રાજ્ય ઉપર વરસો સુધી શાસન કરનાર રાજકીય પક્ષ કેન્દ્રના બહુ ગવાયેલા ગોટાળામાં સીધા સંડોવાયેલા બે આગેવાનોને ૨૦૧૪ની સંસદની ચૂંટણીમાં ઉમેદવાર ઘોષિત કરી એમને નિર્દોષ ગણાવે.
વરસો સુધી એના તરફથી ચૂંટાવા છતાં એ પક્ષ એક ટિકિટ ન આપે તો એના કટ્ટરવિરોધી પક્ષમાં સીધો સામેલ થઈ પોતાની રાજકીય કાબેલિયતનો દેશ અને સમાજને પરચો કરાવવાનું તો હવે રોજ બનવાનું હોય એમ લાગે છે. સિદ્ધાંત કે વિચારધારા કેમ જાણે કપડાંની જોડ હોય, ધાર્યું ત્યારે બદલી લેવાના કોણ જવાબદાર રાજકીય પક્ષો? ચૂંટણી કાયદાઓ કે વ્યક્તિની વધતી સત્તા લાલસા? ટૂંકમાં, સામાન્ય ચૂંટણીનું ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં સરળ શાંત મતદાન આપણે આકરા પ્રયાસ પછી સાધી શકયા.
પણ દેશ અને પ્રજા જેને ભાગ્યે જ આ પક્ષાપક્ષીની પૂરી જાણ છે તે પક્ષોની ઉમેદવારીને ગુનાઈત અને ભ્રષ્ટાચારમાંથી બચાવી ન શકયા. ન કાનૂનથી કે ન નૈતિકતાના અગર સિવિલ સોસાયટીના લોકમતથી. ત્યારે ચૂંટણી ઉપરનાં નાણાંનું વર્ચસ્વ નાબૂદ કરવાની વાત જ શું કરવી? ક … દા … ચ કેડર આધારિત રાજકારણથી શકય બને આ પણ શકય લાગતું નથી. કારણ હવે પક્ષો પાર્ટીએ તો સભાસદ ફી કે ફોર્મ વગર પક્ષના સભાસદ નોંધવાને અને ઉમેદવારી નોંધવાને વાજબી અને યોગ્ય માનવા લાગ્યા છે.
સનત મહેતા લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.
http://www.divyabhaskar.co.in/article/ABH-bye-bye-to-criteria-for-seat-ticket-4548482-NOR.html