Opinion Magazine
Number of visits: 9448691
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એકલતા

અનિલ વ્યાસ|Opinion - Short Stories|9 March 2014

સાવ સરળ હતું. આંગળીઓ જેકેટના ખુલ્લા ખીસ્સાની ફડકમાં આગળ વધી, કંઈક કાગળ જેવું સ્પર્શયું ન સ્પર્શયું ત્યાં પગ પર ફરતું જીવડું ને ઝડપાય એમ વિનેશનું કાંડુ ઝડપાયું. ભીંસ વધી ને ધબકારો ચૂકાયો. ધડધડ ચાલતા હૃદયના તાલે ફફડતું શરીર ખમચાઈ, સંકોચાયું. પેલી સીધું તાકતી આંખોમાં કશીક ચમક પરખાઈ, ‘ખીસું કાતરે છે, બદમાશ?’ એની જીભે લવા વળ્યા. અસ્પષ્ટ ઉચ્ચારો સમજવા મથતી પેલી નજરમાં વધુ કડપ ઉમેરાયો. એને થયું નક્કી ૯૯૯ ડાયલ કરી પૉલિસ બોલાવશે. બીજા છોકરાઓ વાતો કરતા કે અન્ડર સેવન્ટીનને તો પૉલિસ આંગળી ય ન અડાડે. જરા ય બીવાની જરૂર નહિ પણ બીક લાગતી હતી. આવી બીક કયારે ય લાગી નથી. અરે જર્યોજ છેક મોં સામે તાકી બરાડે તો ય નહિ. એ ય આવી કરડી નજરે જોતો બરાડતો, ‘સાલા હરામી, ઘરમાં શું કરે છે? જા બહાર જા. કામે વળગ, પૈસા કમા.’ પછી શર્ટના બટન ખોલતાં બિલાડી ઉંદરને તાકે એમ તાકી રહેતો. સીસમ જેવા વાનથી એના કસાયેલાં બાવડાં શોભતા. એનું ચીમ્પાન્ઝી જેવું મોં એના વિશાળ કસરતી બદનની આડમાં સંતાઈ જતું. જાડા હોઠ ખૂલતા ત્યારે દૂધ જેવા દાંતથી મોં રૂપાળું લાગતું પણ એનો જાડો પીસાઈને આવતો હોય એવો અવાજ કમકમાવી મૂકતો. જો કે આવી બીક ક્યારે ય લાગતી નહિ. ઊલટું થતું એની ચોસલાં છાતી વચ્ચે બ્રેડ નાઇફ ઘુસાડી દેવું જોઈએ. ખચાક્ … ખચાક્ .. એના એપ્સ એપલ કાપે એમ કાપીને પ્લેટમાં સજાવી દેવાના … યૂ બ્લડી સ્વાઇન .. નીગર .. આઈ વૉના કટ યૂ … ! કટ યૂ અપ પીસ બાય પીસ … !  ત્રમ ત્રમ અવાજો કાનમાં ગૂંજતા રહેતા. એનાથી કશું બોલાતું નહિ પણ પેલી વાત યાદ આવી જતી : હોલાને બચાવવા જાંઘ કાપી ત્રાજવામાં મૂકતા શિબીરાજાની વાત. બા હળવા સૂરે ગાઈને સંભળાવતી. એ ગીતના શબ્દો યાદ નહોતા આવતા પણ બાની એ હલક હજી ય કાનમાં ગૂંજે છે.

‘વાય દ હેલ આર યૂ લૂકીન્ગ એટ મી લાઇક ધેટ?’ જર્યોજ ટ્રાઉઝર (પાટલૂન) ઉતારી ઝડપથી રૂમાલ લેવા હાથ લંબાવે છે. એ કશો જવાબ આપતો નથી એટલે,‘યૂ ડોન્ટ વોન્ટ ટુ લીસન ટુ યોર ડૅડ? .. ડૂ યૂ?’ ચીખતા બરાબર આવી જ રીતે કાંડુ ભીસીને નજીક ખૈંચતા પૂછે છે : ‘ડીડ યૂ હીયર વૉટ આઈ સેયડ? ડીડ યૂ?’ એ  ડોક ઊંચી કરી કહે છે ‘યૂ આર નોટ માય ડૅડ.’ સાંભળતા જ હવામાં તોળાયેલી હથેળી થપાટને બદલે ધક્કામાં ફેરવાઈ એને દીવાલમાં હડધેલી મૂકે છે. એ ધીમું સીસકતાં ઊભો થઈ પોતાની ગુફામાં પ્રવેશી જાય છે. એને ફાળવાયેલા રૂમમાં જૂના મકાન માલિકે પ્લાસ્ટર ઓફ પેરિસની ગુફા જેવી ઊબડ ખાબડ દીવાલો બનાવી છે. સાવ નીચા લૉફ્ટના ઢોળાવની બારી બંધ કરી અંધારું કરી પલંગમા ડૂસકાં ભરતો રહે છે.

હજુ પેલો વૃદ્ધ એને તાકી રહ્યો હતો, હાથ છોડતા બોલ્યો, ‘રડતો નહિ પ્લીઝ .. ડોન્ટ ક્રાય.’ વિનેશના ખભે હાથ મૂકી પૂછયું, ‘પૈસા જોઈએ છે તારે? કેટલા? બોલ.’ એ કશું બોલ્યા વિના હાથ પંપાળતો નાસવા ગયો પણ પગ ઊપડ્યા નહિ. ‘મારું નામ રાયન કલૅન છે. ‘તને વાંધો ન હોય તો મારી સાથે ડીનર લે, ચાલ.’

ન વિનંતી કે નહિ આગ્રહ પણ રાયનના અવાજમાં એવું કશુંક હતુ કે વિનેશ વિરોધ ન કરી શકયો. જમતાં જમતાં રાયન મોટે ભાગે બહારથી આવીને શહેરની શેરીઓ કેટલી ગંદી કરી મૂકી, નોકરીઓની અછત અને મોંઘવારી કેટલી વધી છે એની વાતો કરતો રહ્યો. વિનેશને ખબર હતી બધા વ્હાઇટ બુઢ્ઢાઓ કાયમ આવી જ વાતો કરતા હોય છે.

‘તો, તારું નામ વિન્શ છે, એમ?’

‘ના. મારું નામ વિનેશ છે. વી આઈ એન ઈ એસ એચ.’

‘ઠીક છે, વિનાશ. તું એ કહે આ ચોરીના રવાડે ક્યારથી ચડ્યો છે?’

‘હું ચોર નથી, ને મારું નામ વિનેશ છે.’

‘ઓ.કે. વિનાઇશ.’ ખડખડાટ હસતાં કહે, ‘તું ચોર નથી એ સારી વાત છે, મારી પાસે વાહન છે. ચાલ તને તારા ઘેર ઉતારી દઈશ.’

‘ના, હું ચાલી નાખીશ.’ કહી વિનેશે હાથ મીલાવતા કહ્યું  ‘થેન્કયૂ ઓલ ધ સેયમ.’

રાયને બન્ને હોઠ સ્હેજ  અંદર દબાવી મૂછમાં મલકી કહ્યું, ‘ ધેટસ બેટર. જો કે  મને નથી લાગતું કે તારે ઘર હોય, જો ખોટું ન લગાડતો, પણ તારાં કપડાં ગંધારાં છે, માથું ધોયા વગરનું છે અને તારા પાટલૂનમાંથી સડેલા ઈંડા જેવી વાસ આવે છે. તું ઇન્ડિયન છે, તમે લોકો તો રોજ નહાતા હો છો, ખરું ને?’

વિનેશ ભોંઠી નજરે રસ્તે પસાર થતા વાહનો જોઈ રહ્યો.

‘તારું રહેવાનું ઠેકાણું ન હોય તો તું મારા ઘરે આવ. અહીંથી વીસેક માઈલ છેટે કેન્ટ તરફના રસ્તે મારું ફાર્મ છે.’

વિનેશે નજર ફેરવી નહિ એટલે રાયને એના ખભે હાથ મૂકી કહ્યું, ‘મારા દીકરાનો દીકરો તારા જેવડો જ છે. એના ઘણા ફોટા છે મારી પાસે. યૂ કેન કમ્પેર યોર સેલ્ફ વીથ હીમ, નાઇસ ઓપર્ચ્યુનિટી, ઈઝન્ટ ઇટ?’

‘હું કોઈનું અહેસાન નથી રાખતો. ડીનરના બદલામાં હું રાત્રે તમારું કામ કરી આપીશ, ચાલો.’

રાયન હૉ .. હૉ .. કરતા હસી પડ્યો. ‘શાબ્બાશ આ તો તમાકુ ટટકાવવી પડે એવી વાત છે. વેલ સેયડ’ કહી એણે જેકેટમાંથી તમાકુનું પાઉચ અને રોલ અપ કાઢ્યા. રોલ અપમાંથી પાતળો કાગળ ખેંચી પાઉચમાંથી ચપટી તમાકુ લઈ બન્ને વસ્તુ જેકેટમાં પાછી મૂકી. સીફતથી પેલો કાગળ ત્રણ આંગળીઓ વચ્ચે પહોળો રાખી તમાકુ ભરી બન્ને હાથની આંગળીઓ અને અંગૂઠામાં કાગળ કુમાશથી મસળી તમાકુ બરાબર ગોઠવતાં સીફતથી કાગળની એક કોર અંદર વાળી, બીજી કોરના ગુંદર પર જીભ ફેરવી ચોંટાડી તૈયાર કરેલી સિગારેટ મોંમા મૂકી. પેટવી ઊંડો કશ ખેંચી ધુમાડો કાઢતાં કહ્યું, ‘ચાલ, આપણો થેલો ઉપાડ એટલે મારું અહેસાન થોડું ઓછું થાય.’

આખે રસ્તે વિનેશે બહાર જોયા કર્યું. રાતના આઠ વાગવા આવ્યા હતા, પણ સાંજના છ વાગ્યા જેવું વાતાવરણ હતું. પશ્ચિમ આકાશ જાંબુડિયા, નારંગી પીળા રંગથી ચમકતુ હતું. આથમતા સૂરજના અજવાળામાં આવતાં વૃક્ષો  ક્યાંક ઘાટ્ટાં છીંકણી તો ક્યાંક આછાં કાળાં છાયા ચિત્રો જેવાં લાગતાં હતાં. નજર પાર પથરાયેલું ઘાસ … આ ઘાસ હશે કે અનાજ? કોઈ આટલું બધું ઘાસ શું કામ ઉગાડે? એને રાયનને પૂછવાનું મન થયું, આ ઘઉંના ખેતરો છે? પણ ચૂપચાપ સ્ટિયરીંગ પર ટેકવાયેલી આંગળીઓ જોઈ રહ્યો. સહજ રતાશ ભરી, પીળા વધેલા નખની ધારોમાં બદામી પરત જામી હતી. એનાં ફાટેલાં લાગતાં ટેરવાં ચોક્કસ લયમાં હલતાં હતાં.

એ કયા ભરોસે એ આવી ગયો અને શેના વિશ્વાસે રાયન એને ઘેર લઈ જતો હશે?

એક ધ્રાસકો અંદર અંદર વિસ્તરતો જતો હતો. બે અક વખત એણે ઘરમાં હાથ મારી લીધો ને ત્રીજી વાર પકડાઈ ગયો પછી મમ્મી પણ એનો વિશ્વાસ કરતી નહિ. તો આ સાવ અજાણ્યો માણસ શું કામ એને ઘરે લઈ જાય છે? એ ગૅ કે પીડોફોલિક … સાલો છે ય સાંઢ જેવો. એને રડવાનું મન થયું. બા યાદ આવી ગયાં. વિનુ  બટા .. ભરોસો ના કરીયે કોઈનો ય .. ત્યાં પીક અપ વાન ધીમી પડી. રાયન બગાસું ખાતાં  હસ્યો, ‘હોમ સ્વીટ હોમ … હવે બસ દસ મિનિટ.’

મુખ્ય રસ્તો છોડી એ અંદર વળ્યો. ફાર્મ આવતાં ઝાંપે વાન ઊભી રાખી એણે ઊતરતાં વિનેશને ચેતવ્યો, ‘ઉતાવળો ના થઈશ મારી પાસે સરપ્રાઈઝીસ છે.’ એ બોલ્યો ત્યાં એક લાબ્રાડોર કૂતરો દૂરથી દોડ્યો. એ ઝાંપા બહાર આવવા ઘૂમરીઓ લેતો, પગ ઘસતો હતો. ઝાંપો અર્ધો ખૂલ્યો ને એકી કૂદકે રાયનના ખભે ચડી બેઠો. રાયન એની ડોક પંપાળતાં ટટ્ટાર થયો, ‘જૅક .. જૅક ..’ બોલી એને વ્હાલ કરતાં વાનમાં ધકેલ્યો. વિનેશ રાડ પાડતો દરવાજો ઉઘાડી નીચે કૂદ્યો, નાઠો. જૅકે એની પાછળ ઝંપલાવ્યું. એમની પાછળ, ‘નો જેક .. નૉ .. સ્ટોપ .. ’ ચીખતો રાયન … જૅક થોભ્યો, વળીને રાયનના પગમાં વીંટળાયો. સામે ઊંચા છાપરાવાળું મકાન હતું. એ પહેલાં જમણી તરફ વાડો વાળેલું ઢાળિયું હતું. અવાજથી ગભરાઈ એક ઘોડો ગરદન તાણતો લગામ તોડવા મથતો હતો.

એકાએક વાન ચાલુ થવાના અવાજે એ ઝાડ થવા ગયો, એના હવામાં તોળાયેલા પગ પરથી નજર હટે ત્યાં બિલાડીનો ઘૂરકાટ ને મ્યાંઉ મ્યાંઉ ગાજ્યું. સામે જ બારીના વાંછટિયા પર એક કાળી બિલાડી ટટ્ટાર કાને એને તાકી રહી હતી. એની પીળી આંખો વચ્ચે ચપ્પાની ધાર જેવી તગતગતી કીકીથી એ ડરીને પાછળ હટ્યો ને પાછળ જૅક ભસતાં સ્થિર થઈ ગયો.

રાયને આવી વિનેશના ખભે હાથ મૂકી આગળ વધતાં બિલાડીને બુચકારી વાડા બાજુ ચાલ્યો, જૅક વિનેશને સૂંઘતો પૂંછડી પટપટાવતો હતો. ઘોડાએ એની કેશવાળી પંપાળતા રાયનના બરડે હડપચી ઘસી વ્હાલ જતાવ્યું. એ જોઈ બિલાડી ઠેકીને નજીક આવી રાયનના પગ પાસે આવી અપેક્ષાભર્યું તાકી રહી. કૂતરો વિનેશને મૂકી દોડ્યો.

ભોંયે બેસી ત્રણેયના લાડ ઝીલતા રાયનને જોઈ વિનેશને પપ્પા યાદ આવી ગયા. આવી જ રીતે એ ને મમ્મી એમના ખભે ઢળ્યા હોય કે પપ્પા ઘોડો બન્યા હોય એવા ફોટા છે આલ્બમમાં. એને હવામાં ઉછાળી ઝીલી લેવા હાથ લંબાવી હસતા, ઊંચી પાળીએથી કૂદકો મારવા પ્રેરતા, એને નવરાવતા …. કેટલા બધા ફોટા છે? ગુફામાં બેસી આલ્બમ ઉઘાડ્યે કેટલા દિવસો થયા? દિવસો નહિ મહિનાઓ, કદાચ વરસ! ત્યાં રાયને હથેળી હલાવી એને નજીક બોલાવ્યો.

ક્યારે એ અણગમતાં પ્રાણીઓ પોતીકાં થઈ ગયાં એ યાદ નથી પણ હવે એ રાત્રે સૂતો હોય ત્યારે ઘોડાના હોઠ ફફડવાના અવાજે ઊઠી જવાય છે. એ ઊભો થઈ તબેલો ઉઘાડે, ઘોડાનું ખસી ગયેલું ટાટ ઓઢાઢે. હળવેથી એની કાનસોરી મરડી ડોક પંપાળી પાછો ઊંઘી જાય, એવે, જૅક રિસાઈને બારણું દબાવી બેસી જાય. વાંકી નજરે એ સઘળું જોતી બિલાડી ધીમેથી રજાઈમાં સરી જાય.

દિવસ આખો હડબડાટમાં પૂરો થાય. સવારે ઊઠીને ગાય દોહવાની, એ પહેલાં એનું નીરણ, ઘોડાની ચંદી અને દોહ્યેલું દૂધ ઘરમાં પહોંચે ત્યાં તો તહેનાત વેલૅરીબાઈનું સતત સતત ચાલતું મ્યાંઉ મ્યાંઉ … રાયન ઊઠીને  મશીનમાં ઘાસ કુંવળે એટલામાં એ ઇલેકટ્રિક કુકર પર ચા મૂકી ટોસ્ટ બનાવી લે. રાયનને ટોસ્ટરના ટોસ્ટ ને બદલે બટરમાં ભૂંજેલા ટોસ્ટ જોઈએ, તો જૅક સાહેબને દૂધ ગળે ભરાય ને બાફેલા ઇંડા દૂધની જેમ ઊતરી જાય. રાયને ફટવ્યાં છે સહુને. બસ, બે ચાર મરઘીઓ આવે એટલે પરિવાર પૂરો થાય. સમરમાં સાત વાગતામાં તો ચારેકોર તડકો તડકો. રસોડાની બારીમાંથી જુએ તો નજર ન પહોંચે એટલે સુધી ઘઉંના પીળા પટ વચ્ચે લીલા બુટ્ટા જેવાં વૃક્ષો કોઈ અજબ સંવેદન ઊભું કરે છે. વાવણી – કાપણી સિવાયના દિવસો પેર અને સફરજનનાં વૃક્ષોની આજુબાજની સફાઈ કે પાક ઊતારવામાં ફુરુરરર ઊડી જાય છે. 

વિનેશે સ્કૂલમાં જવાની કે આગળ ભણવાની ના પાડી એટલે રાયન અકળાયો હતો.

‘તમે સ્કૂલમાં જશો કે તરત સોશ્યિલ સર્વિસને જાણ કરશે ને મારે પાછા જવું પડશે. હું નથી જવાનો ત્યાં.’

‘મને  વાત  તો કરવા દે. હું કંઈક રસ્તો ખોળી કાઢીશ.’

‘તમે કંટાળી ગયા છો ને મારાથી?’

‘ના, હું તને ખેતરમાં મજૂર તરીકે નથી લાવ્યો. તું સમજ વિન્સ આ તારી જિંદગી નથી.’ રાયને એને નજીક ખેંચી વ્હાલ કરતાં કહ્યું. વિનેશે કોઈ પ્રતિભાવ ન આપ્યો એટલે રાયને એની આંખમાં સીધુ તાકતાં કહ્યું, ‘તને એમ છે કે આવું કરીશ એટલે તું છૂટી જઈશ? જી.સી.એસ.ઈ. તો કરવું જ પડશે. હું કેટલો જિદ્દી છું ખબર છે તને?’ વિનેશ ઊઠીને બહાર ગયો એટલે રાયન ગુસ્સામાં વાઈન પીવા બેઠો. બીજો ગ્લાસ ખાલી કર્યા પછી ગુમસુમ થઈ સિગારેટ વાળી વાળી ફૂંકતો ચૂપચાપ દીવાલો જોઈ રહ્યો. લૉન્જની દીવાલ પર લાકડામાં કોતરેલું સ્ટીમ એન્જિન વાળી ગાડીનું ચિત્ર ટાંગેલુ હતું. એ ચિત્ર સામે જોઈ એ કેટલીય વાર આમ સ્થિર થઈ જતો. આજે પહેલીવાર ઊંડો શ્વાસ લઈ ધુમાડા ઓકતો બબડ્યો, ‘તને ખબર નથી, આ ઓલ્ડ માસ્ટરપીસ હું આર્થર માટે લાવેલો. આર્થર .. માય સન .. ઓસ્ટૃેલિયામાં રહે છે. હું દર વર્ષે જતો એને મળવા જતો હતો. મારો દીકરો .. ’ રાયનની આંખોમાં પાણી તબકયાં. વિનેશ ‘પાણી આપું’ બોલતાં ઊભો થવા ગયો પણ રાયને વાઈન બતાવતાં એને બેસાડી દીધો, ‘બેસ.’ શી કિલ્ડ માય સન …. શી ..’ એની વાણી ઊઘડતી ગઈ. ફરી ફરી ઊખળતી જતી વાત વધારે એક વાર .. વિનેશને શબ્દે શબ્દ યાદ છે ….

રાયનની ખેતી જ કરવાની અને ફાર્મ હાઉસ નહિ વેચવાની જીદથી મેરિયન અકળાતી. રાયન દર અઠવાડિયે એને લંડન લઈ જતો. ઓક્સફર્ડ સર્કસ વેસ્ટ એન્ડનનું એકેય થિયેટર બાકી રાખ્યું નહોતું. સમર સહેજ રંગ પકડે કે તરત ડે ટ્રીપો, વીક હોલીડેઝ ને છાશવારે ઊભી થઈ જતી પોટ પાર્ટીના તાપમાં ય અસંતોષનું છાણું ધૂંધવાતું રહેતું.  ચારેકોર વેરાયેલું સૌંદર્ય એને સાવ ફિક્કું લાગતું. સહેજ કારણ મળે એવી ભયાનક ગુસ્સે થતી, ‘હું તારી તબેલોમાંની ઘોડી નથી સમજ્યો?’ એ એનું ધ્રુવ વાક્ય હતું.

આર્થર પાંચ વર્ષનો હતો ત્યારે એને લઈને એ એના પિયર ગયેલી. ત્યાં એને એનો કૉલેજ મિત્ર શૅન મેગ્વાયર મળી ગયો. એ એની સાથે લંડન આવી અઠવાડિયું રહી. રાયનને નોટિસ મળી ત્યારે એટલું મોડું થઈ ગયું હતું કે ઝઘડો છૂટા થવાનો નહિ પણ આર્થર કોની સાથે રહે એ જ રહ્યો. એમાં ય અંતે મૅરિયન જીતી. જો કે રાયનને દર અઠવાડિયે આર્થરને મળવાની છૂટ હતી. પણ અચાનક શૅનના કઝીને ઓસ્ટૃેલિયામાં બિઝનેસ ડેવલપ કરવા પાર્ટનરશિપ ઓફર કરી ને મેરિયને આર્થર સાથે કાયમ માટે ઈંગ્લૅન્ડ છોડ્યું.

હવામાં હથેળી ઘુમાવતાં રાયન બબડતો .. ‘એ ગઈ. ઊડી ગઈ … હેઝલનાં ફૂલોની જેમ ઊડી ગઈ, માય ફ્રેન્ડ ..’ અચાનક ઊઠી ને બહાર દોડ્યો, ઓકના ઝાડની ડાળે બાંઘેલા હીંચકે ચઢી જોરથી અમળાઈ હીંચકો ધકેલતાં બરાડ્યો ‘એ ગઈ …’ ઊંચા ઊંચા હીંચકા ખાતા આલાપતો  ‘એ ગઈ … ગઈ …’ એનું હવામાં લહેરાતું શરીર. વળતા ઘૂંટણથી લચી પડી, તંગ બનતી સાંકળો અને ડોલતા પાટિયાનો કિચૂડાટ શાંત વાતાવરણને તોડતો હતો. રાયન થાકીને ફરી બોટલ ઉઠાવતો. ‘ગઈ .. અન્ડરસ્ટેન્ડ? ગઈ …’ એ બારણા પાસેના પગથિયે બેસી ઝાંખા ઉજાસમાં કશુંક તાકતાં રાયનનો નિ:શ્વાસ વિનેશને તાણી ગયો, દૂર ચેસ્ટનટ એવન્યૂના એ મકાનની બારી પાસે …. જ્યાં બા ઊભી ઊભી સામેના રસ્તે તાકી રહેતી. ‘તારી મા ગઈ. વિનુ, દીકરા .. એ ગઈ.’ પછી નજર વાળી લઈ સોફાનો આધાર લેતાં કાર્પેટ પર બેસી જતી. ‘મને ખબર છે. એ તને મારે છે ને?’ એ જવાબ આપ્યા વગર બંધ પડેલા ફાયરપ્લેસની ચમકતી પિત્તળની પટ્ટી પર બાઝેલી રજોટી પર લીટા દોર્યા કરતો. ‘તું જવાબ ગળી જઈશ એટલે બાને ખબર નહિ પડે એમ?’ પછી હાથ લંબાવી એને નજીક ખેંચતાં કહેતી, ‘બહુ થાય છે કે તને મારી ભેગો રાખું પણ હું જ વિજયને આશરે પડી છું. આ કાંડાં કાપ્યાં લ્યા એકંન શું થાય?’ કહેતાં હથેળીઓ વાળી બુઠ્ઠા હાથ દેખાડી સાવ ફિક્કું હસતી. ચૂપચાપ એને પાસમાં લઈ ક્યાં ય સુધી એના વાળ, બરડો પસવાર્યા કરતી. એ નીકળે ત્યારે નાસ્તા ભરેલી પ્લાસ્ટિકની થેલીઓ હાથમાં પકડાવતાં, એના ખિસ્સામાં સીક્કા સરકાવતી. એ દાદરો ઊતરવા અવળો ફરે કે હળવેથી ખભો દબાવતાં બોલતી, ‘વાપરતો નહિ ભણવાની વસ્તુ લેવા કામ આવશે, શું કીધું?’ એ રસ્તો વટાવે ત્યારે ખાતરી હોય કે બા બારીમાં ઊભી એ દેખાશે ત્યાં સુધી તાકતી રહેશે પછી નૅટ ઊંચી કરી બસનો ઘમકાર સાંભળવા વેન્ટિલેશન સહેજ ઉઘાડી આંખો તાણતી એને બસ સ્ટેન્ડે ઊભેલો કલ્પી બબડશે, ‘મારો દીકરો.’

એ થોડું વધારે જીવી હોત તો આમ રાયન સાથે થોડો આવત?

રાયન ઢીલા હાથે વાઈનની બોટલ પકડી ઝીણી આંખે આકાશમાં તારા શોધે છે. પવનની લહેરખીથી બારી ઉઘાડ-બંધ થવાના અવાજ વચ્ચે વચ્ચે સન્નાટાની ક્ષણો આવે. બહાર તમરાં એકધારું બોલે છે. રાયન વાઈનનો મોટો ઘૂંટડો ભરી ખાલી બાટલીના મોંએ ફૂંક મારી અવાજ કાઢવા મથતા કહે, ‘તને ખબર છે? આપણી ભેગો આ તમરાં જેવો ખાલીપો ય જીવે છે. એ દેખાતો નથી પણ છે. આ જૅક કેવો રાત્રે અચાનક બેઠો થઈ એની હાજરીનું ભાન કરાવે છે? બસ એવું આ ખાલીપાનું છે. આપણો દોસ્તાર છે, દોસ્ત. શું સમજ્યો?’ એ વખતે વિનેશને થતું એ ખાલીપો રાયનની આંખોમાં રહે છે. એ આંખ મેળવવા મથે ત્યાં ફરીથી ચુપકીદી તોડતી બારીઓ અફળાય.

કોઈ વાર કશું લીધા વગર એ પહોંચી જાય ત્યારે બા મોં ફેરવી લે. દીવાલ ઘડિયાળનો એકધારો અવાજ કે બહાર કોઈ વાહન પસાર થયાની ઘરઘરાટી સિવાય સઘળુ શાંત. કેટલી ય વારે, ‘કેમ નોટ કે ચોપડી વના નીકળી પડ્યો, ભઈ? ફરી એમને એમ હેંડ્યો આયે તો સીધો ગેટાવુટ કરી દઈશ, સમજણ પડી?’ની ધમકી સાંભળવી કેટલી ગમતી હોત?

એને માથું ઓળી આપતી, કોળિયા ખવરાવતી, એનાં કપડાં ઊતરાવી ઈસ્ત્રી કરી આપતી, બટન ટાંકી આપતી કે સ્વેટર સાંધી આપતી બા હવે નથી.

એ દિવસે મમ્મી વૉડકા પીને ચીસો પાડતી હતી અને જ્યોર્જ હેડફોન ભરાવી ઝૂમતો હતો ત્યારે લાગલગાટ વાગતો ફોન કે મોબાઈલ કોઈએ ઉપાડ્યો નહોતો. રાત્રે દોઢેક વાગ્યે ફરી ફોન રણક્યો ને સમાચાર મળ્યા,‘ બા ગઈ’.

રાયન ખાલી બોટલ ઊંધી વાળતાં બોલ્યો. ‘એ ગઈ.’ એને સમજાવી, બથમાં ઘાલી બેડ સુધી પહોંચાડતા હાંફી જવાયું.

‘તને મારે છે તારી મા? હાથ ઉપાડે છે? સાચુ કે’, હું આવીશ તારા ઘેર. કાયદો છે છોકરાંને નહિ મારવાનો. ટેલ મી, બેટા, ટેલ મી.’

એ હાથ ફેલાવી ઊંઘતા રાયનને જોઈ રહ્યો. આ એ મારી બાની જેમ એના દીકરાના દીકરાની રાહમાં વીંઝાતો રહે છે આમ થી તેમ! ને પવનમાં ફંગોળાતો એનો અવાજ અટવાતો રહે છે  એક ઝાડ થી બીજે ઝાડ.

*    *    *

એ અવાજ કશે પહોંચે એ પહેલાં રાયન સ્થિર થઈ ગયો!

એનો એક હાથ ટ્રેકટરના સ્ટિયરીંગ પર બીજો બૉનેટ પર. નીચે ઊતરવા જતો હોય એમ પગ સહેજ લંબાયેલો અને શરીર જડ!

એક જ ઘામાં લાકડાના બે ફાડચા કરી નાંખે, ઝાડ થઈ ગયેલા ઘોડો લગામ તાણી હેઠે નમાવી હુર . ર . ર . બોલતાં સવારી કરી તબડાવી મૂકે, દડો પકડવા દોડતા જૅક પહેલાં પોતે હડી કાઢી એને હંફાવી દે, એક જ પથ્થરે છેક ટોચનું પૅર તોડી પાડવું કે ઊડતું કબૂતર પાડી દેવું એને મન રમત એવો રાયન સ્થિર થીજી ગયો.

એને હજુ ય એ દેખાયા કરે છે : બહુ વહાલ આવે ત્યારે વિનેશને છાતીએ વળગાડી ઊંડા શ્વાસ ભરતો, સિગારેટ સળગાવી કશ ખેંચવા લલચાવતો, દારૂ પી ચોધાર રડતો ….

સુપર સ્ટોરમાં ફ્રોઝન વિભાગ આવે ત્યારે એ સાવ સામે આવી જાય છે. ચીલર ઊઘાડી બીફ કે પોર્કનું માંસ ટ્રોલીમાં મૂકે, સહેજ અવઢવમાં વિનેશ સામે જુએ અને હોઠ ભીડી મીઠું મલકાતાં પાછું ઊઠાવી લે ને વિનેશ એ લઈ લેવા જાય કે હાથ પકડી લે. કહે,‘વોટ યૂ લૂકીન એટ મી? મૂવ માય બૉય મૂવ.’

*    *    *

સોલિસિટરના લેટરની તાત્કાલિક મળી જવાની તાકીદની વિનેશે પરવા ન કરી એટલે એને શોધવા ઘેર આવેલ માણસે કહ્યું કે, એણે ડરવાની જરા ય જરૂર નથી કોઈ ફાર્મ ખાલી નથી કરાવવાનું. હા ઓફિસે મળવા આવવું  જરૂરી છે.

સોલિસિટરે જ્યારે કહ્યું કે ‘મિ. વિનેશ પટેલ, મિ. રાયન હેગર્ટીના વિલ મુજબ, એમની તમામ સ્થાવર અને જંગમ મિલકતના તમે કાયદેસરના વારસ છો.’ … ‘ઓલ યોર્સ સર.’ સાંભળી એ થીજી ગયો હતો. રાયને બરાબર ભીંસી ઊંડો શ્વાસ લીધો હોય એમ!

બહાર પવનમાં અફળાતી ડાળીઓ, પાંદડાનો ફરફરાટ, સીગલ પક્ષીની સરી જતી તીખી ક્રેંક .. સિવાય બધું સ્થિર. એ શાંતિ અને સ્થિરતા હોય છે માત્ર આજુબાજુ. અંદર સતત કશું સળગતું રહે, કશા ય કારણ વગર જીવ ઝીણો ઝીણો બળ્યા કરે. આ બળતરા પીંજી નાંખે છે. એટલું ઓછું હોય એમ સહુનું મતલબ વગરનું જીવવું અને ફાર્મ હાઉસની માલિકી સંભાળી લેવાની વિનેશની વિનંતિનો રાયનના દીકરાનો સાવ સીધો જવાબ ‘મને રાયનની મિલકતમાં કશો જ રસ નથી.’

(We learnt from solicitor about my father’s will. We have absolute agreement on Rayan’s decision. My mother and I respect his last wish.

Please note : it would be more appreciable if you observe no further conversation on this matter.)

પેલી બળતરામાં ઓરાતાં રહે છે. જો કે, રાયન ગયાના શરૂઆતનો આ ગાળો ધીમે ધીમે રૂઝાવા લાગ્યો. એને મૂઢ જેવો બેસી રહેતાં જોઈ એક દિવસ જૅકે બૉલસ્ટિક લાવીને એના પગ પાસે મૂકી. કશી ય ઇચ્છા ન હોવા છતાં એના પગમાં તણાવ અનુભવાયો, એણે સ્ટિક ઊપાડી. બહાર આવી દડો ફેંક્યા પછી જૅક ઘાસ વચ્ચે બૉલ શોધતો હતો ત્યારે વિનેશે રાયનની નકલ કરતો હોય એમ ઝડપથી જગ્યા બદલી જૅક ને ગૂંચવ્યો. બન્ને થાક્યા ત્યારે પરસેવે રેબઝેબ શરીર પવનની લહેરખીઓથી ઠંડક અનુભવતું હતું.

એ રમત પછી રોજની થઈ. ઘોડેસવારીથી કળતાં હાડકાં હવે હેવાયાં હોય એમ અમળાવાં ઉશ્કેરાતાં. ઘોડો તબડાવવાની એવી મઝા પડતી કે રાયનની જેમ એ ય વરસતા વરસાદમાં ય ઘોડો લઈ નીકળી પડતો. વેલૅરી રાયન કે એની વચ્ચે કશો ય ફરક ન કરતી હોય એમ રોજ રાત્રે વિનેશના ઓશીકે ભરાતી. ઓશીકાની ધાર નીચે પૂંઠ દબાવી સૂતી, ધીમે ધીમે રાત ઠરે એમ જાત પાછળ ધકેલતી ગળા સુધી ઓઢી લેતી. કોઈ વાર રાત્રે દોટ મૂકી કયાંક ભરાઈ ધીમા અવાજે સાવ નાનું બાળક રડે એમ રડતી તો ક્દીક ઘૂરકતી રહેતી. એ સાંભળી જૅક જોરથી ભસતા એકે એક ઓરડામાં ઘૂમતો આઘો — પાછો થાય છે. એ એને પકડી પસવારી શાંત કરે ત્યાં થાય બહાર ઘોડાનું ટાટ ખસી તો નહીં ગયું હોય? એ દરવાજો ઊઘાડી બહાર આવે ત્યારે થોડીવાર ઊભા રહેવું ગમે એવો સાધારણ ઠંડો પવન વાય. રાયન ડિસેમ્બરમાં ગુજરી ગયા, આ તો જૂન ચાલ્યો! આ સીઝનમાં ઘોડાને ઓઢાડવાની શી જરૂર?  એ ઠંડા પગલે પાછો વળી પલંગમાં લંબાવે. બસ આ જ જિન્દગી ……?

થાક ધેરી વળે તો ય ખૂટે નહિ એવા દિવસો વધુ ને વધુ લાંબા થયે જતા હતા. આ લાંબા દિવસોનું એક સુખ હોય છે. ઢગલો અજવાળું ઝીલી લેવા વૃક્ષો રૂંવે રૂંવેથી ખીલી ઊઠે છે. નર્યાં ફૂલોના ઘટાટોપની સુગંધ તરબતર કરી મૂકે. વિનેશ હવામાં ઊડતી ફૂલપાંદડીને માખી સમજી મોં ફાડી હવામાં કૂદકા મારતા જૅકને, ખુશનુમા પવનમાં ચામડી થરથરાવી હાવળ નાંખતા ઘોડા સામે ચૂપચાપ જોયા કરે છે. એની સ્થિતપ્રજ્ઞાવસ્થા પામી જતી હોય એમ વેલૅરી એના પગમાં ચક્કર કાપતી સાવ ધીમું મ્યાંઉ મ્યાંઉ કરતી રહે છે. હવે, વેલૅરી એનું કહેવું માને છે. ‘કમ’, ‘ગો’, ‘સીટ’ અને ‘ડોન્ટ ટચ’ જેવા સીધા આદેશો ઝટ પાળી બતાવે છે. વેલૅરી માટે માછલીઓ ઉછેરવા રાયને એક કુંડ બનાવેલો, થોડા દિવસો પહેલાં લાવેલી માછલીઓ હવે મોટી થઈ હતી. તરતી માછલીઓ દિશા બદલે ત્યારે સૂર્યના અજવાળામાં ઝબકારા થતી ચમકે છે.

એ ચમકથી ધૂંધવાઈ વેલૅરી ટટ્ટાર શરીરે એક પગ ઊંચો કરતાં ચિત્તાની જેમ હોઠ પહોળા કરી ઘૂરકે છે ત્યારે રાયનની યાદ બહુ તીવ્ર બને છે. રાત્રે, વિનેશના પડખામાં લપાવા જૅક અને વેલૅરી વચ્ચે છાની લડાઈ ચાલતી હોય છે. કોઈ વાર મળસકે આંખ ખૂલે ત્યારે એને વળગીને સૂતેલાં બન્ને જાગી જશે એ બીકે એ પડખું બદલવાનું ટાળે. જો કે બહાર તબેલાની દીવાલો વચ્ચે ઘોડો સાવ એકલો હિજરાતો હશેની લાગણીએ ઊભો થવા જાય ને જૅકનો ભાર અનુભવાતા માંડી વાળે. આવી એકાદ રાત નહિ અનેક રાતો વીતતી રહે છે. રાયનની મહેનતનું સાટુ વળતું હોય એમ લચી પડતાં પૅર અને થોક થોક સ્ટ્રોબૅરી જોઈ, ઘણાં લાંબા સમય પછી એના મોં પર મલકાટ આવ્યો.

વૉડકાના સીપ સાથે ક્રીમમાં ઝબોળી સ્ટ્રોબૅરી મમળાવતી મા યાદ આવી ગઈ. મા શું કરતી હશે? હજી ય જયોર્જ માને દબડાવી, ફટકારીને પૈસા પડાવી જતો હશે? હજી ય બન્ને રાત્રે દારૂ પીને ઝઘડતા હશે. ઓકના ઝાડની બખોલમાંથી સસલાંનું બચ્ચું ડોકાતું જોઈ વિચાર આવ્યો : મા પ્રેગ્નન્ટ થઈ હશે ને મારે નાનકડી બહેન કે ભાઈ .. એ જયૉર્જ જેવાં જ દેખાતાં હશે. વાંકડિયા વાળ, એકદમ સાફ આંખો અને કાળો વાન …. છટ્ .. બધા નકામા વિચારો. નથી યાદ કરવું કશું ય! સસલું દોડતું સહેજ આગળ જઈ અચાનક ઊભું રહેતું. ઊંચા કાને-પગે ચારે દિશાઓ તપાસી વળી દોડતું. આવું નિર્દોષ બાળપણ ક્યારે કળણમાં પથરો સરકે એમ સરકી ગયું … ત્યાં એ શું કામ કોઈ નવા બાળપણનો વિચાર કરે છે? ઘરમાં જઈ વાર્તાની ચોપડીમાં મન પરોવ્યું પણ ‘ઇન્ટરપ્રીટર ઓફ મેલડીઝ્’માં વાંદરાઓ વચ્ચે પીંખાતા નાના છોકરાનું વર્ણન વાંચતા ફરી મા યાદ આવી ગઈ. ‘સારું થયું મારું મોઢું એકદમ પપ્પા જેવું જ છે.’ બબડતાં એક વાર માને જોવાની, મળવાની ઇચ્છા થઈ આવી. શું જરૂર છે? સવાલ ઊઠતાં જ એકાએક ખાટો ઘચરકો છેક ગળા સુધી બાળે એવું થયું. ત્યાં મૅકે આવી ઠેકડો મારતા એને ભેટવા જેવું કર્યું. એને નજીક ખેંચી વહાલ કરવા નમ્યો ત્યારે બાની પેલી સાધુ અને વીંછીની વાર્તા યાદ આવી ગઈ. એને માથે પોલો હાથ મૂકી ચશ્માંની ફ્રેઈમ ઉપરથી જોતી નજર કહેતી હતી, ‘આપણે આ સાધુ જેવા થવું બેટા, સમજણ પડી? સ્ટ્રોબેરી અને પૅર વેચાય કે તરત ઘેર જઈ આવશે. આ નિર્ણયથી કશીક રાહત મળી હોય એમ જૅકનું ગળું થપથપાવતાં એને નજીક ખેંચ્યો.

*     *      *

ફળ વેચાણના પાઉન્ડ ગણીને જૅકેટના અંદરના ખીસ્સામાં મૂકતાં યાદ આવ્યું : રાયનના ખિસ્સામાંથી પૈસા સેરવવા કેવી સિફતથી હાથ અજમાવ્યો હતો. ‘ખીસું કાતરે છે, બદમાશ?’ આજુબાજુ કોઈ જ હતું નહિ છતાં અવાજ સંભળાયો, બહાર નીકળ્યો ને કડપભરી નજરનો પાશ અનુભવાયો. એક પક્ષીનો તીણો કિલકાટ સ્મશાનવત્ શાંતિને કોચતો આગળ વધી ગયો. અને કમકમું આવી ગયું. આંખ ઉઠાવી જોયું તો ખુલ્લું આકાશ! ગુનાની સજાને બદલે કેવો ભર્યો ભર્યો અવકાશ અને કેટલું બધું સુખ આપી દીધું રાયને? વીંછી અને સાધુની વાત તો બાએ એને કહેલી .. રાયન સુધી કેવી રીતે પહોંચી હશે એ? માને જોઈ આવવાના નિર્ણય સાથે પગ ઊપાડતાં બોલ્યો, ‘કમ ઓન જૅક.’ જૅક દોડતો આગળ જઈ પીક અપ વાનના દરવાજે પહોંચી ગયો.

પરિચિત રસ્તાઓ પર આગળ વધતાં ખ્યાલ આવ્યો કે ઘણું બદલાયું હતું. ખાસ તો નવા નવા શૉ રૂમ, ઓફ લાયસન્સ શૉપ્સનું સ્થાન પડાવી ફાલેલા પાઉન્ડ સ્ટોર્સ અને જુગારના અડ્ડા! હાઈ રોડની સાંકડી ફૂટપાથ વિસ્તરી હતી, વૅમ્બલી સેન્ટ્રલ સ્ટેશન નવા રૂપ ધરવા ઊંચા પાટિયાઓ પાછળ સંતાયું હતું. કીડી વેગે ખસતાં વાહનો, ટોળે ટોળાં માણસો અને ભાગ્યે જ ડોકાતા સૂરજના અજવાળાને આંચકી લેવા જાત અંબાવી  ઊભેલી ઊંચી ઇમારતો. પહેલાં ડાબી અને સહેજ આગળ જઈ જમણી તરફ વળી ચેપ્લિન રોડમાં પ્રવેશ્યો ને થયું જયોર્જ ઘરે હશે તો? તરત ખભા ઉછાળી ડર ખંખેરતાં જેકને પંપાળી લીધો. હૉસ્પિટલ વટાવી ઘર આવતાં, ડ્રાઈવ–વેમાં પીક અપ પાર્ક કર્યું. એ ઊતરે એ પહેલાં જેકે ઠેકડો માર્યો. કોલબેલ દબાવી, બારણું સહેજ ખૂલ્યું ને એક અજાણ્યો ચહેરો! ‘કોણ જયોર્જ? કોણ સુરેખા?’ આ મકાન તો એણે મિ. પિરઝાદા પાસેથી ખરીદ્યું છે. ‘નો આઇડિયા, સૉરી મેઇટ.’ પગથિયાં ઊતરતાં ખ્યાલ આવ્યો કે ડાબે ખૂણે વાવેલું બ્લેક એલ્ડર (વૃક્ષ) ગાયબ હતું. પડખેની લીલીછમ વાડને બદલે લાલ—ભૂખરી ઈંટોની વંડી ચણાઈ ગઈ હતી. કયાં ગઇ હશે મામા? ન કરવા ગમે એવા વિચારો આવતા હતા. થયું, એની ફેકટરીમાં તપાસ કરું? પોલિસ સ્ટેશન … કાઉન્સિલ (મ્યુિનસિિપલ કોર્પોરેશન) કયાં તપાસ કરવી? જીવ ચચરતો હતો. એણે તપાસ કરવી જોઈતી હતી. હવે આટલા વરસ પછી … મોટા કાકાને ત્યાં આંટો મારું? પ્રશ્ન શમે એ પહેલાં આપોઆપ વળવાનો સિગ્નલ અપાઈ ગયો. ચેસ્ટનટ એવન્યૂની સાંકડી શેરીમાં પીક—અપ પાર્ક કરતાં જ ઘ્રાસકો પડ્યો. વારં વાર કોલ બેલ વગાડી કંટાળ્યો. એને આમ કરતો જોઈ જેક જોર જોરથી ભસવા લોગ્યો. સામેના ફલેટમાંથી એક છોકરો બહાર આવ્યો. ‘એ લોકો ઈન્ડિયા ગયા છે.’ ‘થેન્કસ બડી’ કહી જૅકને હડસેલતાં વિનેશ બહાર નીકળ્યો. 

મુખ્ય રસ્તે વળી ગ્રોસરી અને જૅક, વૅલેરી માટેની વસ્તુઓ ખરીદવા સુપર સ્ટોર તરફ આગળ વધ્યો. ફરીથી ઘરનો રસ્તે પસાર થતાં નિ:શ્વાસ સરી પડ્યો. એ જોઇ જૅકે આંખો સંકોચી ડોકું અર્ધવર્તુળાકારે બન્ને બાજુ ફેરવી હળવુ ઘૂરકિયું કર્યું. ખરીદી પતાવી એણે ટ્રોલી આગળ ધકેલી ત્યાં સાયકલ જોતી એક છોકરી પર એનું ધ્યાન ગયું. છોકરીએ સાયકલ પર હાથ ફેરવ્યો, બ્રેક લીવર દબાવી જોયું, પેડલ પર પગ મૂક્યો ને એના સ્કર્ટના ખિસ્સામાં હાથ નાંખ્યો. વિનેશ એને ધ્યાનથી જોઈ રહ્યો હતો. કૉફી કલરનું સ્લીવલેસ ટોપ એના સ્કર્ટથી તદ્દન વિરૂદ્ધ રંગનું હતું. એના ભૂખરા ઈયરીંગ્સ દ્રાક્ષ જેવા લાગતા હતાં. માથે બાંધેલો કાબરચીતરો સ્કાર્ફ અને કોકૉ જેવી લિપસ્ટીક એના ગોરા રંગને વધુ નિખારતાં હતાં. હળવેથી હાથ બહાર કાઢી હથેળી હવામાં ઘુમાવતાં એ કશુંક બબડી. અમસ્તાં જ વિનેશને થયું; લાવ એને પૂછું,  કેમ બબડે છે?

એણે નજીક જઈ કહ્યું, ‘મે આઇ હેલ્પ યૂ?’

‘ઓહ …’ એણ વિનેશ સામે જોતાં કહ્યુ, ‘નૉ. થેન્કસ.’

‘તમારે આ બાઈક ખરીદવી છે?’ વિનેશે પૂછયું.

‘તું કોણ છે પૂછવાવાળો? અહીં નોકરી કરે છે?’

‘હું વિનેશ, જસ્ટ …….. એમ જ પૂછું છું.’ વિનેશ જરાક થોથવાઈ ગયો.

‘એમ જ? ખરીદી આપવાનો છે મને?’ સહેજ મલકાઈ જસ્ટ પર ભાર આપતાં બોલી,‘ I’m જસ્ટ કિડીંગ યૂ નૉ? આય એમ સૉફિ .. સૉફિ બેલ્ટન.’ છોકરીએ હાથ લંબાવ્યો.

વિનેશે હાથ મેળવતાં કહ્યું,‘ I am Vinesh. આ બાઇક ગમી ગઈ લાગે છે.’

‘હા.’

‘તો લઈ લે.’

‘હું તારી જેમ પૈસાદાર નથી.’

‘તો, હું ખરીદી આપું છું ચાલ.’

‘હું અજાણ્યાનો વિશ્વાસ નથી કરતી.’

‘હવે તો મારો જૅક પણ તને લાડ કરે છે, પછી તારી મરજી.’ કહેતાં વિનેશે ટ્રોલી ઘુમાવી. સૉફી એક પળ ખચકાઈને બીજી તરફ ફંટાઈ. વિનેશે પૈસા ચૂકવ્યા ને આગળ વધ્યો ત્યારે પાર્કિંગના રસ્તે એને બૂમ મારી ઊભો રાખી સૉફી એની નજીક આવી. ‘મને બાઈક નથી જોઈતી, હા તું દસ પાઉન્ડ આપી શકે તો આપ.’

‘ચોક્કસ.’ કહી વિનેશે પાકીટમાંથી દસ પાઉન્ડની નોટ કાઢતાં પૂછ્યું, ‘આનું શું કરીશ સૉફી?’

એણે મુઠ્ઠી વાળી નાકે અડાડતાં જોરથી ઊંડો શ્વાસ લીધો. બીજા હાથે ઝડપથી નોટ ઝૂંટવતા ખડખડાટ હસી. વિનેશ એની સ્લેટિયા આંખોમાં આવી ગયેલી ચમક જોઈ મલકયો. એને મદદ કર્યાથી કે કેમ પણ સારું લાગતું હતું. ત્યાં થયું, આવી મદદ કર્યાનો શો અર્થ? સૉફી પૈસા પર્સમાં મૂકી વિનેશને આલંિગવા ગઈ. વિનેશના હાથ એને વીંટળાવા વળ્યા ને સસ્તા ડીઓડરન્ટ, પરસેવા અને સિગારેટની ભેળસેળી દુર્ગંધથી અકળાયો. ત્યાં સૉફીનો ચહેરો સાવ સમ્મુખ આવ્યો ને વાસી બટાઈ ગયેલી છાશ જેવી વાસ નાકમાં પ્રવેશતાં જ ઊબકો આવવા જેવું થયું. એણે સહેજ પાછળ ખસતાં એને દૂર હડસેલી. પરાણે બોલાઈ ગયું, ‘નો, તું  જા પ્લીઝ.’

એ જોઈ જૅક જોરથી ભસ્યો. સોફી ગભરાઈ ને જોરથી પાછળ ખસી. જૅક કૂદ્યો. સોફીએ સમતોલન ગુમાવ્યું ને વાંસાભેર પછડાઈ. વિનેશે જેકને સંભાળતા સોફીને ઊભી કરી. એ ગુસ્સામાં ગાળો બોલતી છોલાયેલી હથેળી અને બીજા હાથની કોણીમાંથી રેલાતું લોહી જોઈ રહી. ‘તું જો, યૂ બ્લડી સ્વાઈન … જો … યૂ મધરફ**… જો.’ વિનેશે એની છોલાયેલી હથેળી પર ફૂંક મારતાં કહ્યું, ‘મારી વેનમાં ફર્સ્ટ એઈડ છે. ચાલ, તને દવા લગાવી આપું. ને જો, ગાળો ના બોલીશ પ્લીઝ.’ સોફી પીડાથી કણસતી હતી. જૅક એને સૂંઘતો જોરથી પૂંછડી પટપટાવતો હતો. સોફી પરાણે ડગલું માંડતા મોટેથી બોલી, ‘આને આઘો રાખ મારાથી.’

સોફીની મા ઈવા કાઉન્સિલના વન બેડરૂમ ફલેટમાં રહેતી હતી. ડિવોર્સ થયા પછી એને પહેલાં એક રશિયન અને પછી નાયજિરયન પુરુષ સાથે સંબધો બંધાયેલા. પછી એકાદ વરસ સારું ગયું પણ સોફીની એને ક્યારે ય પડી નહોતી. હમણાં હમણાંથી એને એક ઇટાલિયન પુરુષ કાર્લ સાથે દોસ્તી થઈ હતી. ત્રણ દિવસ પહેલાં જ ઇવા ટોયલેટમાં હતી ને કાર્લના એક દોસ્તે સોફીને પકડી એના સ્કર્ટમાં હાથ નાંખ્યો હતો. સોફીની રાડ સાંભળી એની મા દોડતી આવી પહોંચી હતી. પછી કાર્લ અને એની મા બરાબર ઝઘડેલા. કાર્લે સોફીને હરામનું ખાનારી, જૂઠ્ઠી અને ડ્રગીસ્ટ કહી ઘરબહાર ધકેલી મૂકી હતી. એની ‘મા કોલ ધ પુલિસ, કોલ પુલિસ’ ચીસો પાડતી હતી. એ જ વખતે સોફીએ ઘર છોડી દીધેલું. બે દિવસ એ બેડ એન્ડ બ્રેકફાસ્ટમાં રહી ને પૈસા ખૂટી ગયા એટલે એની ફ્રેન્ડ પાસે જતી હતી. એનો વિચાર સોશ્યલ સર્વિસમાં જવાનો હતો એટલે બસ સ્ટોપ પર આવી, પણ બહુ તાપ હતો એટલે સ્ટોરમાં ભરાઈ. વાત પૂરી કરી પાટો તપાસતાં બોલી, ‘મને કાઉન્સિલની ઓફિસ સુધી મૂકી જવાની તારી ફરજ છે કેમ કે તારા કૂતરાએ મને પાડી નાંખી છે.’

‘તું પડી ના ગઈ હોત તો ય મૂકી જાત.’ કહી વિનેશ મલક્યો.

‘હસીશ નહિ મારી હાલત પર.’ કહેતાં સોફીએ જોરથી દરવાજો બંધ કર્યો.

‘મારા પર વિશ્વાસ હોય, તો તું મારી સાથે ચાલ.’

‘ક્યાં?’

‘મારા ફાર્મ હાઉસ પર.’

‘તું કોની ભેગો રહે છે? મમ્મી-પપ્પા સાથે?’

‘ના.’ ઊંડો શ્વાસ લેતાં વિનેશ બોલ્યો.

‘તો તું એકલો જ છે.’

‘ના, આ જેક ઉપરાંત વૅલેરી છે, એક ઘોડો છે થોડી માછલીઓ અને બે સસલાં છે. હું એકલો નથી, સમજી?’

‘ઓ.કે. પણ મને નહિ ફાવે તો તું મૂકી જઈશ ને?’

‘હા.’

જૅક ખસીને સોફી તરફ ખસ્યો. હવે એ સહેજ ટેવાતી જતી હતી. જૅક વારે વારે ઊંચો થઈ સોફીના ખોળામાં જવા મથતો હતો. હવે જૅકનો ડર નહોતો પણ એ સોફીને અડકે ત્યારે કશીક વિચિત્ર લાગણી થતી હતી. સોફી હસતી હસતી એની સ્કૂલની, દોસ્તોની વાતો કરતી હતી. વિનેશ શાંતિથી ડ્રાઇવ કરતો હતો. તેની ચુપકીદી સોફીથી જીરવાઈ નહિ. ‘તું કેમ કશું બોલતો નથી?’

‘હું સાંભળું છું.’

સોફી ગાળ જેવું કશું બબડી. થોડીવારે દૂર મકાન દેખાતા બોલી, ‘મારે ટોયલેટ જવું છે.’

‘બસ; પાંચ જ મિનિટમાં આપણે ઘેર પહોંચી જઈશું. હોલ્ડ ઇટ.’ સોફી કાતર નજરે એની સામે જોતાં બોલી ‘શુડ આઈ?’

ઢાળ ચઢીને વાહન ફાર્મહાઉસમાં પાર્ક થયું. વિનેશે હાથ લંબાવી સોફીને ઉતારી બધો સામાન લઈ આગળ ચાલ્યો, પાછળ જૅક કૂદ્યો એને અનુસરતાં સોફી ઘરમાં પ્રવેશી. ઘરમાં પગ મૂકતાં સોફી અટકી ગઈ. બાર બાય પંદરનો ઓરડો હવડપણાની ચાડી ખાતો હતો. દીવાલે અઢેલા ટેબલ પર પડેલા ચા-કૉફીના ઓઘરાળાં, ખૂણે પડેલું ટાઇપરાઈટર, એની સહેજ નજીક સુકાઈ ગયેલી સાંઠીઓ ભરેલું ફ્લાવર વાઝ, ગોળ કાચવાળાં ગોલ્ડન ફ્રેઇમનાં ચશ્માં અને વાસી બ્રેડના ટુકડા. સામે પડેલી ખુરશીનું લીલા રંગનું રેક્ઝિન ઉખડી એમાંથી ફૉમ બહાર આવ્યું હતું. ઉંદરે કોતર્યું હોય એવું લેધર અને ખાડા-ખચ્ચાવાળી બીજી ખુરશી. એ સિવાય બારી પાસે ઢાળેલી આરામખુરશી, એનું કપડું મટમેલું, કાળા પીળા ડાઘાવાળું  માથું અઢેલવાનું કવર અને પગ ટેકવવા રાખેલી નાનકડી ટીપોઈ પર વર્ષોથી ધોયા વગરની એશટ્રે. ફાયરપ્લેસની બાજુમાં પડેલી લાકડાની ભારી. બેઠેલી વેલૅરીએ વિનેશને જોઈ કૂદકો માર્યો. ઝડપભેર પાછળ હટતાં સોફીના મોંમાથી ચીસ નીકળી ગઈ.

‘આ તારુ ઘર છે?’

‘યસ.’ કહેતાં વિનેશે હસ્યો.

‘મારી મા ગમે એવી હોય એ ઘર એકદમ ચોખ્ખું રાખે છે.’

વિનેશે કશો જવાબ ન આપ્યો. સોફીએ ટોયલેટ માટે ઈશારો કર્યો એટલે આંગળી ચીંધતા એણે વેલૅરીને ગળે વળગાડી.

‘મને ચીતરી ચડે છે, તું નીચે મૂકીશ એને પ્લીઝ?’

‘તારે ટોયલેટ નથી જવું?’

સોફી પગ પછાડતી ગઈ, ટોયલેટમાંથી બહાર આવી એણે બેડરૂમમાં નજર કરી. બે સીંગલ બેડ સામસામી દીવાલે ગોઠવેલા  હતા. એક બેડ પર ખૂણેથી ફૂલી ગયેલું ઓશીકું અને વાળ્યા વગરની રજાઈ પડી હતી. બીજો બેડ પ્લાસ્ટિકથી ઢાંકેલો હતો. લબડતું પ્લાસ્ટિક કૂતરાએ ચાવી ખાધેલું. એના છેડા હવામાં ફરફરતા હતા. ખીટીં પર, ટોયલેટના બારણાના હેન્ડલ પર હેંગર વિના વિનેશનાં કપડાં લટકતાં હતાં. એ મોઢું મચકોડતી બહાર આવી, ‘ઓઉક ગોબરો’ બોલી વિનેશ સામે નજરે ય કર્યા વગર રસોડામાં વળી. કીચન ટોપ ભાતભાતના વાસણોથી ભરેલું હતું. ઇલેકટ્રિક કુકર (સ્ટવ) પર બે તપેલીઓ પડી હતી. સીન્કમાં કાળું, ચીકણું વચ્ચેથી નોન સ્ટિકના ધાબાવાળું, તળિયે  ગુલાબી પરત જામી ગયેલા બે કાચના ઓઘરાળા ગ્લાસ, ધારે ઘાટ્ટી છીંકણી સુક્કી તર ચોંટેલા મગ પડ્યા હતા. કાચની એઠી ડીશો અને ઠેરઠેર પડેલી ચમચીઓ. છેક ખૂણે માઇક્રોવૅવ પાસે મિનરલ વોટરનો બાટલો ગોઠવેલો હતો. ત્યાં બીજા બે બાટલા ઊંચકી વિનેશ પ્રવેશ્યો. ‘ઇન્સપેકશન ચાલે છે મારા કીચનનું? ચલ, જગા કર આપણે બાટલા ગોઠવી દઈએ.’

‘આ કિચન છે? વોટા અ જોક મૅન.’

‘શું બોલ્યાં, મૅડમ? જોક? જુઓ જે છે એ આ જ છે.’ સહેજ વળી બાટલા કબાટમાં ગોઠવતા બોલ્યો, ‘હું એવો જ છું, નવાઈ પામવાની જરૂર નથી. જો સોફી, તું ફ્રીઝમાં જગા બનાવ ત્યાં હું બધું લેતો આવું.’

‘હું તારી બૈરી નથી, સમજયો?’

વિનેશે કશો ય જવાબ વાળ્યા સિવાય અવળા ફરી ચાલવા માંડ્યું. સોફીને થયું એ અહીં કેવી રીતે રહી શકશે? આ પ્રાણીસંગ્રહાલય જેવું વાતાવરણ કેટલું ભેંકાર અને અકળાવનારું છે. વળી આ વિનેશ તો સુધરેલો આદિમાનવ જ લાગે છે. એ બહાર આવી.

‘એ ય વિન્સ, બહુ જ તરસ લાગી છે, લાવ ફ્રુટ જ્યુસ કે કોક પીએ.’

‘તને તરસ લાગી હોય તો પાણી પી લે, હું કોઈ જ્યુસ લાવ્યો નથી.’

‘વિનેશ, હું મરી જઈશ.’

‘કાલે ગામમાં જઈ તારે જે લાવવું હોય એ લઈ આવીશું આજે પાણીથી ચલાવી લે. સૉરી સોફી.’

સોફી બહાર આવી મુખ્ય દરવાજા તરફ વળી. એની પાછળ જૅક દોરાયો.

એ રસ્તે પસાર થતાં વાહનો જોવા નમી. અહીં સઘળું શાન્ત … એક ચુપકીદી સરતી રહે છે સતત. ક્યારેક જૅકના જોર જોરથી ભસવાના અવાજો ઘસરકા થતા રહે કે કોઈ વાર પવન ફૂંકાયાનો ફાટેલા સ્પીકર જેવો  અવાજ બધું અવળસવળ કરી નાંખે છે. એને યાદ આવ્યું એ મોટાભાગે ઘર પાછળની સડક પરના બાંકડા પર બેસી દૂર પ્લેગ્રાઉન્ડ પાર પસાર થયે જતાં વાહનો, રમતાં બાળકો અને ઊડાઊડ કરતાં કબૂતરો જોઈ રહેતી. ચારેકોર અવાજો .. હસવાના, બૂમબરાડાના, વાહનોના એન્જિનના અને ટાયરો ઘસાવાના! …… કેટકેટલા અવાજો?

અચાનક વિનેશની બૂમ સંભળાઈ. એ ફરી, એના ચાલવાથી પાંદડા કચરાતાં હતાં એ કચરાટથી થયું કોઈ સાથે ચાલી રહ્યું છે. એને નજીક આવતી જોઈ ઘોડો પાછલા પગ પછાડતો હાવળ્યો.

‘બે કલાકથી ગેટ પર શું કરતી’તી? આર યૂ ઓલરાઈટ, સોફી?’

‘હા. ભૂખ લાગી છે મને કશુંક ખવરાવ.’

વિનેશે સીધી નજરે એની સામે જોતાં કહ્યું, ‘કેમ નહિ.’

*   *    *

બે દિવસ સુધી સોફી ઘેર ન આવી એટલે ઠેકઠેકાણે શોધીને થાકેલી ઈવાએ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. સોફીનો ફોટો અને ઓળખની વિગતો આપી. એને શંકા હતી એ સરનામાં અને નામો લખાવ્યાં.

પોલિસે સોફીનાં મિત્રવર્તુળથી એને શોધવાની કાર્યવાહી શરૂ કરી.

*   *    *

જમ્યા પછી વિનેશ ઘોડાને નીરણ મૂકી અને બહાર કુંડીમાં પાણી  બદલી આંટા મારતો હતો ત્યાં સોફી આવી.

‘મારે ક્યાં સૂવાનું છે?’

‘બેડરૂમમાં.’ વિનેશે સેજ ખચકાઈ પૂછયું,‘ કેમ?’

‘એમ જ, મને ખબર પડે.’ કહેતાં વિનેશ પાછળ દોરાઈ. ‘તું કેટલું ભણ્યો છે, વિનેશ?’

સાથે ચાલવા એણે ઉતાવળે પગલાં ભરવા પડતાં હતાં.

‘કેમ?’ પૂછતાં વિનેશ સહેજ ધીમો પડ્યો. સોફીએ જવાબ ન આપ્યો. એને માનો વિચાર આવ્યો. ઈવા હાર્ડ વર્ક કરતી, એરપોર્ટની વિશાળ ફરશ સાફ રાખવા એને ટ્રોલી લઈને સતત ફર ફર કરવું પડતું. કોઈ વાર એરસાઇડ/બહારની ડ્યુટી મળતી. આકરી ઠંડીમાં કામ કરી એ થાકીને લોથ થઈ જતી. રાત્રે સોફીને બાથમાં લઈ એના બન્ને પગ વચ્ચે સોફીની ઝાંઘો જોરથી  દબાવતી. એ બૂમ પાડે, ‘મને દુ:ખે છે, મૉમ..પ્લીઝ.’  પણ એ સાંભળી એ એની ઝાંઘો સાવ કચરી નાંખવા જેવું કરતી. માય લવ .. માય બેબી … સોફી ઊભી રહી ગઈ. મા શું કરતી હશે? ચિક્કાર ઢીંચીને બાથ ટબમાં સૂતાં સૂતા મુઠ્ઠીમાં પાણી ભરતી બબડતી હશે. ‘સોફી … સાલી કૂતરી … એ હરામખોર બરડો ઘસ મારો આવ, જલદી આવ, નાલાયક …’   કે  કાર્લની લાંબી દાઢી  આંબળતાં ખડખડાટ હસતી હશે. કે સોફા ફરતે દોડતી ચહેકતી હશે, ‘કમ, કમ બેબી કમ ..’  વિનેશે પાછળ ફરી જોયું તો સોફી ઊભી રહી ગઈ હતી. આટલે દૂરથી એ ચાડિયા જેવી લાગતી હતી. એના પાતળા પગ, દબાઈ ગયેલું સ્કર્ટ, હવાથી ફૂલેલું શર્ટ, ચપોચપ બાંધેલા વાળ .. આણે નક્કી મારું શર્ટ બથાવી પાટ્યું લાગે છે .. એ દોડતો આવ્યો. સોફી હજુ ય એમ જ ઊભી હતી. સ્થિર પૂતળા જેવી. એનો સાવ ઓજપાયેલો ચહેરો જોઈ પૂછ્યું, ‘શું થયુ સોફી?’ સોફીએ કશો જવાબ ન વાળ્યો. વિનેશે એના ખભે હાથ મૂકતાં ફરીથી સવાલ દોહરાવ્યો. સોફીએ વિનેશનો હાથ સાહી લેતાં કહ્યું, ‘કશું નહિ, ચાલ, આપણે ક્યાં સૂવાનું છે?’ અને પગ ઉપાડ્યો.

ઘરમાં પ્રવેશતાં જ વિનેશની નજર ઘડિયાળ પર ગઈ, ‘સાડા નવ વાગ્યા છે, સોફી, તને ભૂખ નથી લાગી?’ પૂછી એ રસોડા બાજુ વળ્યો. સોફીએ માથું હલાવ્યું.

પાછળ પાછળ આંટા મારતો જૅક વિનેશે એની પ્લેટ ઉપાડી કે પૂંછડી પટપટાવતાં નાચવા લાગ્યો. વૅલેરી કિચનટોપ પર બેઠી ઠાવકી થઈ મોઢું સાફ કરતી હતી. બન્નેને ખાવાનું આપી વિનેશે માઇક્રોવૅવમાં ખાવાનું ગરમ કર્યુ. સોફીએ લૂસલૂસ ખાઈને કિચન સાફ કરવા લાગી. આ જોઈ વિનેશે કહ્યું, ‘તું રહેવા દે હું સાફ કરી નાંખીશ.’

સોફી સહેજ મલકાઈ ચૂપચાપ વાસણો ધોતી રહી.  વિનેશે બ્રૂમ પકડ્યું ને કામે વળગ્યો.

*    *    *

તબેલો વ્યવસ્થિત કરી, ઘોડાને નીરણ મૂકી વિનેશ અંદર આવ્યો. જૅકે આરામખુરશી નીચે લંબાવ્યું હતું. એને દરવાજો બંધ કરતાં જોઇ જૅકે જોયું ન જોયું કરતાં મોં ફરી કાર્પેટ પર ઢાળી દીધું. વેલૅરી ક્યાં? સવાલ થયો પણ કશી ય ચિંતા વગર એ બેડરૂમમાં પ્રવેશતાં જ એ ચમક્યો.  બન્ને બેડ ભેગા કરી ડબલબેડ તૈયાર કરેલો હતો. ધોયેલી ચાદરો, બદલેલાં રજાઇના કવર.. આણે બેડ કેમ ભેગા કર્યા છે? સ્હેજ ઝણઝણઝાટી જેવું થયું એ શમે એ પહેલાં ટોયલેટનો દરવાજો ખૂલ્યો. જાસ્મીનના ફુલોની ધીમી મહેક, ભીના છુટ્ટા વાળ, અને સ્હેજ જોરથી વીંટેલા ટુવાલમાં તસતસતું શરીર! સોફીનું મોં કમળના ફુલની પાંદડી જેવું લાગતું હતું. વિનેશને દોડીને એને ઊંચકી લેવાની, કચકચાવીને ભીંસી દેવાની, બસ ચૂમ્યા જ કરવાની તીવ્ર ઇચ્છા થઈ આવી. એનો પગ ઉંચકાયો ત્યાં સોફિએ છાતીએથી છેડો પકડી ટુવાલ ખેંચી કાઢતાં કહ્યું, ‘આઇ એમ રેડી.’ વિનેશ એના ખુલ્લા ઈજનમાં ફેલાયેલા હાથ, એની નગ્ન કાયા જોઇ જેટલો નહોતો હેબતાયો એટલો આ સાંભળી ઘવાયો.

‘તું કપડાં પહેર સોફી, પ્લીઝ.’ બોલતાં લગભગ નાઠો. એના દોડવાના અવાજે જૅક ચમકીને આખા રૂમમાં દોડતો જોરજોરથી ભસવા લાગ્યો. વિનેશે એને પકડ્યો, છાતી સરસો ભીડ્યો, થાબડ્યો. જૅક અમળાઈ છૂટવા મથ્યો, એને અળગો કરી બેસાડતાં બોલ્યો.‘કામ ડાઉન, કામ ડાઉન એન્ડ સીટ.’ જૅક હજી ય ધીમું ઘૂરકતો હતો. એ થોડીવારે શાંત થયો. ત્યાં સોફી બહાર આવી, ‘એ ય વિનેશ, મારે સિગારેટ જોઈએ છે.’

‘હુ સિગારેટ નથી પીતો, તારે જોઈએ તો કાલે લઈ આવજે.’

સોફી ઝડપભેર રૂમમાં ફરવા લાગી, જૅક એની પાછળ આંટા મારતો હતો. વિનેશ અકળાયો. બેડરૂમમા જઇ એક બેડ ખેંચી દીવાલ સરસો ગોઠવી સૂઇ ગયો.

*    *    *

એ આંચકાભેર ઊભો થઈ ગયો. જૅક જોરથી ભસતો ઝનૂનથી બારણું ખોલવા મથતો હતો. જૅક, જૅક …. બરાડતાં એ જૅકને પકડવા મથ્યો ત્યાં બહારથી ખખડાવવાના અવાજો. કોઈના ઊંચા અવાજમાં પૂછાયેલો સવાલ ‘એનીબડી હિયર ? .. વી આર કમિંગ ઈન.’ બારણું ખૂલતાં જ જૅક ભયાનક અવાજ કાઢતો તીર વેગે દોડ્યો. વહેલી સવારના તડકામાં પોલિસની વાનનું આસમાની અને પીળો ફ્લોરોસન્ટ પટ્ટો ચમકતો હતો. જૅક ઝાંપો કૂદી એટલા જોરથી કૂદ્યો કે એક પોલિસ હડબડાઈ સામે થવા જતો પછડાયો. બીજો હથિયાર ઉગામી આગળ આવ્યો ને એના પગમાં વેલૅરી આવી એ લથડ્યો ને જૅકને એની લાત વાગી, એ જ વખતે વિનેશે દરવાજો ઉઘાડી બહાર નીકળતા જેકને ફટકારી આઘો કર્યો એટલે પોલિસને જેક કરડ્યો નહિ. એ જોઈ વાનમાંથી બીજા બે પોલિસો કૂદ્યા. ઝડપથી જૅકને ઘેરી વળતા એકે કહ્યું, અમે એક છોકરીની તપાસમાં આવ્યા છીએ. વિનેશ કંઈ બોલે એ પહેલાં એક ઓફિસરે એના હાથ પકડી કોઈ અજબ કુનેહથી હાથકડીમાં પરોવી દીધા.

‘આ શા માટે ?’ પાછળથી હાથ ઊંચકતા વિનેશે પૂછ્યું. 

‘ચિંતા કરવાની જરૂર નથી, સર.’ કહેતાં સોફીનો નોટબુક જેવડો ફોટો દેખાડતાં પૂછ્યું ‘આ છોકરી ક્યાં છે? અમે એને શોધીએ છીએ.’

‘અહીં જ છે. ઘરમાં’ પોલિસ વિનેશની સાથે આગળ વધી, ત્યાં સોફી બારણામાં આવી. 

‘શું થયું વિનેશ? તને પકડ્યો છે? મને હતું જ કે તું નક્કી …..’ પોલિસને જોતાં એ બાકીનું વાક્ય ગળી ગઈ. પોલિસે ઓફિસરે આગળ વધી મહિલા પોલિસને સોફીને પકડવા ઇશારો કર્યો. જેવો પોલિસે એને પકડવા હાથ અંબાવ્યો કે સોફી બરાડી ‘અડતી નહિ મને, આઘી ખસ અહીંથી. શું પ્રોબલેમ છે? સ્પિક ટુ મી ફર્સ્ટ.’

વિનેશે પોલિસ અધિકારીને અંદર આવવા વિનંતી કરી અને હાથકડી બતાવી કહ્યું, ‘હું ધારું છું સર, તમારે આવી રીતે ન વર્તવું જોઈએ.’

‘તમારી સામે અપહરણ અને બળાત્કારે બંધક બનાવવાના ગંભીર ગુના છે, અમારી પાસે પુરાવા છે અને સોફી સગીર છે, એમની માએ દીકરી ગુમ થવાની ફરિયાદ કરી છે. જો કે એ આવી જ રહ્યાં છે. હું લાચાર છું, સર.’ કહી એણે માફી માગી અને પૂછપરછમાં સહકાર આપવા વિનંતી કરી. વિનેશે નમ્રતાથી અને સોફીએ ગાળાગાળી સાથે બન્નેને છોડી મૂકવા દલીલો કરી જોઈ, પણ પોલિસે ઠંડી ક્રૂરતાપૂર્વક વાત ઉડાવી મૂકી. લખાપટ્ટી અને  સવાલો ચાલતા હતા ત્યાં બહાર કારનો અવાજ આવ્યો. બેવડા મારથી બગવાઈને શાંત ફરતો જૅક ફરી ઉછળ્યો. એના ઉગ્રતાથી ભસવાને લઈ સોફી જોડે ઊભેલી અધિકારી ડરીને દીવાલમાં ભરાઈ, એ જોઈ  સોફી હસવું ખાળી ન શકી.

પ્રવેશતાં જ ઈવા ‘મારી દીકરી .. મારી વહાલી .. મારી ..’ની પોક મૂકતી ઉતાવળા પગલે સોફીને બાથમાં લેવા  મથી. સોફીના સહેજ અતડા વર્તનથી ઘવાઈ એણે નજર ફેરવી. વિનેશને જોતાં જ બરાડી, ‘ધિસ પાકી હેઝ કિડનૅપ માય ડોટર .. બ્લડી ..’ ઝડપથી આવી કાર્લે એના મોં પર હથેળી દબાવતાં કહ્યું, ‘શાંત. કશું જ ના બોલીશ, પ્લીઝ.’ અને પોલિસ તરફ ફર્યો. સોફીએ પોલિસ સામે જોતાં કહ્યું, ‘મારી મા અને કાર્લને મારી સાચી બર્થ ડેટ પૂછી જુઓ.’ સહેજ ભાર દઈ બોલી, ‘આઈ એમ એન એડલ્ટ. વિનેશનો કશો વાંક નથી મેં બધું લખાવી દીધું છે.’ પોલિસ અધિકારીએ સોફી અત્યારે જ ઈવા સાથે ઘેર પાછી જશે એવી ખાતરી મળી એટલે વિનેશની હાથકડી ઉતારી. સવાલોના મારાથી થાકેલા વિનેશની બેચેની હાથ ખૂલવા છતાં જરા ય ન ઘટી. થોડા કલાકોના સથવારામાં સોફી એના અસ્તિત્વનો ભાગ બની ગઈ હતી. સોફીનો હાથ સાહી રોકી રાખવા મન આકળવિકળ થઈ ઊઠ્યું પણ પારાવાર હણાયો હોય એમ જીવ કકળતો હતો. અપમાન અને અવહેલનાનો ડૂમો ઓગળતો ન હતો. એણે પરાણે આંસુ રોક્યાં. મા અને જ્યોર્જ ઝઘડતા અને મા રડતાં રડતાં જ્યોર્જને કોસતી ત્યારે કંઈક આવું જ થતું. ત્યારે માને વળગીને રડતાં રોકવાની બહુ જ ઇચ્છા થતી પણ એ ખૂણો કે એ ગુફા છોડી શકાઈ નહોતી. એ વસવસો  રહી રહીને લપકતો હતો.

નાની ખાતાવહી જેવી પોલિસની બુકમાં સહી કરી સોફી વિનેશ બાજુ ફરી. એ પગલું માંડે ત્યાં ઈવાએ એને ખેંચી. ‘એ નાલાયક પાસે જવાનું નથી સમજી?’ સોફીએ શરીર આમળતાં જાત છોડાવી, ‘એ જરા ય એવો નથી ને સાંભળી લે મોમ, મને એ ગમે છે.’ ‘ઓ … ઓ … ઓ …’ એમ લટકાથી બોલી ઈવાએ અકળાઈને  પોલિસ સામે જોયું.

કાર્લ, ઈવા અને પોલિસ સાથે સોફી વેન તરફ આગળ વધી. વિનેશ બારણામાં ખોડાઈ રહ્યો. સોફીએ જોયું વિનેશ એની તરફ અપેક્ષાભર્યું તાકી રહ્યો હતો. વિનેશની ભીની નજરમાં સઘળું સાવ ઝાંખું  દેખાતું હતું. એ ઝાંખા દૃશ્ય વચ્ચે બા હાંફળી હાંફળી મા પાછળ ફરતી હતી, ‘સુરેખા, બેટા, ના જાવ.’ રડતા સાદે વલવલતાં હતાં ‘ઓંમ ઘર ના છોડાય દીકરા, નહિ જવાનું’ મા પથ્થર ચહેરે બેગ ભરતી હતી. એણે બારણું ઉઘાડ્યું ત્યારે બહાર વરસાદ વરસતો હતો. સ્ટ્રીટ લાઈટના પીળા અજવાળામાં આવી રીતે જ કાર ચમકતી હતી. બા મોટા સાદે રડતી હતી. એ રૂદન વચ્ચે કરાતી વિનવણી, વિનેશે ભેંકડો તાણતા મચેલી રડારોળ કશું જ માને સ્પર્શતું નહોતું. મા પેવમેન્ટમાં સડસડાટ ચાલતી હતી ત્યારે બા બારણા વચ્ચે ઊભી હતી. એ બાનો સાડલો પકડી, ‘મમ્મી … મમ્મી … બા મારી મમ …’ બોલતો હતો. બા ‘સુરેખા, બેટા, પાછી વળ,  જો આ તારો છોકરો નઈ રે .. બટા …. સુરિ … દીકરા. ઊભી રે કવઉં છું સુરેખા …’ કારનો દરવાજો ખૂલે, જ્યોર્જ બહાર નીકળે, માનો હાથ પકડી દોરે, મા સાવ કાળા ધાબા જેવી દેખાય, અચાનક એ ખસે, અજવાળું પડતાં સહેજ કળાય ન કળાય ને ધડાકાભેર દરવાજો વસાય. એન્જિનની ઘરઘરાટી વિસ્તરે.

વિનેશ એ રીતે જ બારણા વચ્ચે ઊભો હતો. બરાબર બાની જેમ. સ્તબ્ધ, અવાક અને લાચાર …

પોલિસ કાર શહેર તરફ જવા ઊપડી. એની લાલ લાઈટ આછા અજવાળામાં તગતગતી હતી. આકાશ ગોરંભાયેલું હતું. હમણાં તો તડકો હતો ને અચાનક? એને નાનો હતો ત્યારે રડતો એમ ભેંકડો તાણી રડવાનું મન થયું પણ બહાર શરૂ થઈ ગયેલા ધોધમાર વરસાદના અવાજથી એ ઊભો થયો. આમ-તેમ જોઈ એ  રાયનની જેમ આરામ ખુરશીમાં લાંબો થયો. વિનેશને યાદ આવ્યું એણે જૅકને માર્યુ હતું. એણે ઊંડો શ્વાસ લીધો. ઢગલો થાક અને ન સમજાય એવા અંજપામાં એની પાપણો ભીડાઈ.

વજન અનુભવાતાં એ જાગી ગયો. જેક એના લબડતા પગ પર ડોક ઢાળી સૂતો હતો. વેલેરી એના પડખામાં લપાઈ હતી. એ બન્નેની હૂંફમાં એ એકલતા ઉડાડવા મથ્યો પણ એ ગાઢ ધુમ્મસની જેમ એને ઘેરી વળી કાયમની જેમ.

* * * * *

8,Carlyon Close, WEMBLEY, Middlesex HA0 1HR [U.K.]

e.mail : anilnvyas@yahoo.co.uk

Loading

9 March 2014 admin
← Not a woman you could cross
મતદારોનું જાહેરનામું →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved